Mari Algari Himaly Yatra - 3 in Gujarati Spiritual Stories by Vivek Tank books and stories PDF | મારી અલગારી હિમાલય યાત્રા - 3

Featured Books
Categories
Share

મારી અલગારી હિમાલય યાત્રા - 3

મારી અલગારી હિમાલય યાત્રા ( ભાગ ૩ )

પહેલાના પ્રકરણમાં આપણે જોયું કે હું પેલી વૃદ્ધલોકોની મંડળીથી અલગ થઇ હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર પહોચી ગયો હતો. હવે આગળ......

----------------------------------------------------------------------------------------------------

રેલ્વે સ્ટેશનની બહાર નીકળીને મેં પહેલું કામ ચા પીવાનું કર્યું. ચા એ મારા માટે અમૃત છે. ચા પીતા પીતા જ મેં ચા વાળાને હરિદ્વારના સ્થળો અને અંતર વિષે બધું પૂછી લીધું હતું.

બહાર યાત્રા માટે નીકળ્યા હોય ત્યારે ત્યાના સ્થળો વિષે પૂછવાનો આ શ્રેષ્ઠ માર છે. બાકી રીક્ષા કે ટેક્સી વાળાને પૂછો તો તો એ હંમેશા એમ જ કહેશે કે બધું બહુ દૂર દૂર આવેલું છે. અને પછી તમને તેની રીક્ષામાં બેસવાનો આગ્રહ કરશે અને તમને અજાણ્યા દેખી ભાડાના મામલામાં લુંટી લે.

ચા વાળા પાસે બધું જાણ્યા પછી હું હરિદ્વારની મુખ્ય ગલીઓમાં ચાલતા ચાલતા ગંગા કિનારે જવા ઉપાડી ગયો. હરિદ્વારની ધરતી પર તમને એક અલગ જગ્યાએ આવવાનો અહેસાસ જરૂર થાય એ ચોક્કસ.

હરિદ્વારની એ મુખ્ય ધાર્મિક ગલીઓમાં બંને બાજુ કેસરિયો ભગવો રંગ લહેરાતો હોય એમ જ લાગે. દરેક દુકાન માં કર્મકાંડ થી માંડીને એક સન્યાસીને જોઈતી તમામ વસ્તુઓ મળે. જાણે કે સમજી લો બાવાઓની જ દુકાન હોય. હું આ બધું રસપ્રદ રીતે જોતા જોતા ચાલતો હતો, અને એક દુકાને આવી ચડ્યો, ત્યાંથી મેં એક ભગવો ઝભ્ભો, ધોતી અને જોળી જેવી કાપડની બેગ ખરીદી.

અને આનંદ આનંદમાં ચાલતા હું ગંગાના મુખ્ય ઘાટએ જઇ ચડ્યો. આ સ્થળ “હર કી પૌડી” ની જગ્યા કહેવાય. આ સ્થળ સાંજની ગંગામૈયાની આરતી માટે પ્રખ્યાત છે. આ સ્થળ કર્મકાંડનું મુખ્ય સ્થળ ગણાય, ભારતભર માંથી લોકો અહી બ્રાહ્મણો પાસે જાત જાતની વિધિઓ કરાવવા આવે. આ સ્થળને હું કર્મકાંડીઓ ની દુકાનોથી ભરેલું બજાર કહું તોયે ખોટું નથી. ઘણા વિદેશીઓ પણ કેસરિયા સાફા પહેરીને ફરતા હતા એ અદભુત હતું.

એક નાના પુલને ઓળંગી, થોડા પગથીયા ઉતરીને હું ઘાટ પર ગંગાના કિનારે પહોચી ગયો.

એક બ્રાહમણ અને આસપાસ વિધિ કરાવતા ૫-૬ લોકો, આવા ટોળાઓ ઘાટ પર અસંખ્ય હતા. પણ હવે ગંગા મને બોલાવી રહી હતી. સમાન કિનારે મુકીને હું ગંગામાં કુદી પડ્યો, પણ હું જેવો અંદર પહોચ્યો કે તરત જ કેટલાય કર્મકાંડી પંડિતો, ગંગાને આહવાન આપવા દોઢ, ઘી, પંચામૃતની વાટકીઓ લઈને ઉભેલા ફેરિયાઓ મારી પાસે પહોચી ગયા. અને ગંગાનું મહાત્મ્ય અને પોતાની વસ્તુઓ ખરીદી લઈને ગંગાને અર્પણ કરી જ દો, શ્લોકનું પઠન કરાવો અને દક્ષિણા કરી પુણ્ય કમાઓ એવો સતત આગ્રહ કરવા લાગ્યા. બસ માત્ર વ્યાપાર, વ્યાપાર, વ્યાપાર. પણ મેં તેઓને ચોખ્ખી નાં પાડી અને અને હું પછી ગંગામય થઇ ગયો.

ગંગા સ્નાન બાદ મેં મારા જીન્સ, ટી-શર્ટ ને કાઢીને ,હવે કેસરિયો ભગવો ઝભ્ભો, ધોતી અને કાપડની જોળીનો વેશ ધારણ કર્યો. હવે હું કોઈ લેકચરર કે સામાન્ય માનસ નહિ પણ એક યુવા સંન્યાસી હતો. મારી વધેલી દાઢી એમાં સોનેમે સુહાગા જેવું કામ કરતી હતી. હવે હું અહીના લોકોની જમાતમાં સાચો ભળતો હોય એવું લાગ્યું.

હરિદ્વાર. આ નામ તો અદભુત છે. પણ અહીની એક એક પાખંડી ઘટનાઓ જોઇને હું અંદરથી સતત પીડાતો હતો. શું આ ધર્મની દશા છે ? ધર્મની આખી ફિલોસોફીના અહી પંડિતો ભાંગીને ભૂકો કરી નાખતા જણાયા. આ આધ્યાત્મ જરાય નથી....બધી બાજુ બસ, અંધશ્રધ્ધામ, ખોટા કર્મકાંડો, અને ધર્મના નામે લુંટ જ ચાલતી હતી. બિચારી ભોળી પ્રજા બકરો બનતી હતી તે મુક બની હું જોઈ રહ્યો...

ગંગાનાં કિનારે કેટલાય ભિખારીઓની ભીડ જામી હતી. તે એક એક પ્રવાસીઓને અને ખાસ કરીને વિદેશીઓને ટાર્ગેટ કરતા હતા. આ દ્રશ્યએ મારા ભારતને આબરૂ લુંટી લીધી હોય એમ મને લાગતું હતું.

ગંગા ભલે પવિત્ર ગણાતી હોય, પણ અહી તે એના અશુદ્ધ અને ગંદા રૂપમાં વહેતી હતી. અહીની કેટલીક ઘટનાઓ મને વધુ આશ્ચર્ય પમાડતી હતી. મેં જોયું કે એક બાજુ અહી આવનારા કહેવાતા ધાર્મિક યાત્રાળુઓ ગંગામાં પૈસા-સિક્કાઓ ફેંકતા હતા. અને બીજી બાજુ અહીના સ્થાનિક રહેવાસીઓ આ સિક્કાઓને પાણીમાંથી વિવિધ ટેકનીકથી કાઢી લેતા. એક ટેકનીક મુજબ લોકો એક લાંબી લાકડીના છેડે મોટું લોહ-ચુંબક બાંધીને, લાકડીને ઊંડા પાણીમાં ડુબાડી ડુબાડીને તળિયે રહેલા સિક્કાઓ ને બહાર કાઢતા. આ એનું રોજનું કામ જ હશે એ એની કુશળતા પરથી કહી શકાય. માંનારેગા યોજના હેઠળ સરકારે જ અહી તેઓને આ કામ હેઠળ લગાડ્યા હોય એવું પણ જરા તમને થઇ આવે તો નવાઈ નહિ.

બીજી એક ટેકનીક મુજબ, છીછરા પાણીમાં તો લોકો એક તગારું કે બાલદી જેવું મોટું પાત્ર લઈને પાણીમાં તળિયાની રેતી ભેગી કરતા અને કિનારે તે ઠાલવીને તેમાંથી સિક્કાઓ વીણી લેતા. છે ને આ લોકો પણ જોરદાર.

એક બાજુ અંધશ્રધ્ધા અને બીજું બાજુ રોજગાર. બંનેનું અદભુત છતાં કડવું મિલન હતું. આ ઘટનાએ મને આ ધાર્મિક સ્થળોની મહતાથી દુર કર્યો.

હું સન્યાસીના વેશમાં હોવાથી આ વેશનો સૌથી મોટો ફાયદો એ હતો કે હવે કોઈ જ કર્મકાંડી પંડિત, ભિખારી કે કોઈપણ ધુતારા મારી પાસે ફરકતા નાં હતા. કદાચ એ મને પોતાનામાંનો જ એક ગણાતા. હું છૂટથી બધે ફરી શકતો. અલગારી બની ને....

ઘાટના પુલ પર હું આવી ઘટાઓ જોતો હતો, ત્યાં બીજી ઘટનાઓ પણ નજરે પડી, કોઈ પણ પ્રવાસી બિચારો જેવો ગંગામાં નહાવા પડે કે કિનારે બેસે કે તરત જ દૂધ, ઘી, પંચામૃત વાલા ફેરિયાઓ કટોરીઓ લઈને પહોંચી જાય, અને અને ગંગાને અર્પણ કરો એવી જીદ કરતા અને તેને ધાર્મિક શ્રધ્ધા સાથે જોડી દેતા અને શ્રદ્ધાનું નામ આઅવે એટલે ભલભલા ઝુકી જાય. આ ગંગા ન હોત તો આ લોકોના રોજગારનું શું થાત ?? એ વિચારે હું જરા મલકી ઉઠ્યો...

આવા અનેક અવનવા ધર્મના નાટકો જોતા જોતા હું હરિદ્વારની ગલીઓ, વિવિધ મંદિરોમાં રખડતો હતો. સાંજે ૩-૪ વાગ્યા સુધીમાં મેં ઘણા દંભ-દેખાડા જોઈ લીધા. મને લાગ્યું કે આધ્યાત્મિકતાએ અહી વસવાટ કરવાનું છોડી દીધું લાગે છે. હવે તો અહી વસે છે માત્ર ધર્મનો વ્યાપાર. આ નકર અને કઠોર વાસ્તવિકતા હતી. કોઈ કટ્ટર હિંદુ આ ભલે નાં સ્વીકારી શકે પણ આ જ સત્ય હતું. સ્વામી વિવેકાનંદનાં એક મઠ-આશ્રમ સિવાય મોટે ભાગે આવું જ હતું.

હરિદ્વારમાં હવે વધુ સમય રહેવાનો મને કોઈ જ ફાયદો ન લાગ્યો. એટલે મેં હવે આધ્યાત્મિક નગરી સમા ઋષિકેશ તરફ જવાનો નિર્ધાર કર્યો.

હું પગપાળા ચાલતા હરિદ્વારના બસ સ્ટેન્ડ સુધી પહોચ્યો. ઋષિકેશ ખુબ જ નજીકના અંતરે હતું. અહીની બસ પ્રથા મને શરૂઆતમાં ઘણી વિચિત્ર લાગી, અહી તમે કોઈ પ્લેટફોર્મ પર થી બસના પકડી શકો, તમારે બસસ્ટેન્ડના Exit Gate પર ઉભું રહેવાનું અને બસના ડ્રાઈવર-કંડકટર તમને જેતે સ્થળની બુમો પડતો બોલાવતો જાય અને બસમાં બેસાડી દે. ગુજરતના લોકલ રીક્ષા વાળા જેવું કરે છે તેવું જ કૈક.

૧.૫ કલાક મેં પ્રતીક્ષા કરી પણ બસના કોઈ જ ઠેકાણા નહિ. મારી આસપાસ ઋષિકેશ જવા વાળોનું ટોળું થવા માંડ્યું. અને લોકો મને વારે વારે પૂછે “ મહારાજ, ઋષિકેશ કી બસ કબ આયેગી “ ?

મારા પહેરવેશ પર થી એ સમજી બેસતા કે હું ઋષિકેશનાં આશ્રમનો કોઈ બાવો છું. એ પણ મજા લેતા અને હું પણ નિજાનંદમાં ....

અને બસ અંતે આવી ખરા “ ઋષિકેશ, ઋષિકેશ “ એવો ચાલતી બસના કંડકટરનો મોટે મોટે થી સાદ સંભળાયો. અને લોકોની ભીડમાં હું પણ બસમાં ચડી ગયો. .........

( હું ઋષિકેશ કેમ પહોચ્યો ? વચ્ચે કોની સાથે મુલાકાત થઇ ? ઋષિકેશમાં સન્યાસી હોવાના કારણે રહેવા બાબતે કેવો સંઘર્ષ કરવો પડ્યો એ વિશે આવતા પ્રકરણ માં )

  • વિવેક ટાંક