Password - 19 in Gujarati Fiction Stories by Vipul Rathod books and stories PDF | પાસવર્ડ - 19

Featured Books
Categories
Share

પાસવર્ડ - 19

પ્રકરણ નં.૧૯

સ્ટીલના ત્રણેય બોક્સ સોલાર પાવર સંચાલિત વાહનોમાં ગોઠવી દેવાયા બાદ પઠાણ લીડર સૌને ભોજન માટે ખંઢેરના અન્ય એક રૂમમાં દોરી ગયા. અનંતરાયના સાથીઓ માટે એ ખુબ જ નવાઈપ્રેરક હતું કે, અહી અવાવરૂ જગ્યાએ પણ પઠાણો દ્વારા આટલી સ્વાદિષ્ટ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનનો આસ્વાદ બાદ તેઓ હાથ મ્હો ધોવા ઉભા થયા ત્યાં જ ખંઢેરની બહાર કોઈ હિલચાલના અણસાર દેખાયા. ઘડી બે ઘડી તેઓ ફફડી ઉઠ્યા. આવા વેરાન સ્થળોએ અત્યારે રાત્રે કોણ આવ્યું હશે ? આ સવાલ તેઓના દિમાગમાંઉદ્ભવ્યો. સૌ એલર્ટ થઇ ગયા. પઠાણ લીડરની સૂચના મુજબ જ સૌએ તાત્કાલિક પોતપોતાના હથિયાર ધારણ કરી પોઝીશન સંભાળી લીધી.....

પઠાણ લીડર જરાક પણ અવાજ કર્યા વગર ચોર પગલે રૂમની બહાર આવ્યો. તેણે ખંઢેરની દરવાજા વગરની બારીમાંથી ખુબ જ સાવચેતીપૂર્વક બહાર નજર માંડી. અહીંથી સ્ટીલના બોક્સ લઇ જવા માટે આવેલા લોકો પણ પઠાણ લીડરની પાસે જ બારી પાસે આવી પહોંચ્યા. તેઓએ પણ બારીની બહાર જોયું અને થોડી પળો બાદ તે પૈકી એક વ્યક્તિએ કહ્યું કે, " કોઈ ચિંતા કરશો નહીં. આ તો આપણા જ માણસો છે. તેઓ અમારી પાછળો પાછળ અહી આવી રહયા હતાં. "

અનંતરાયના સાથીદારો અને પઠાણ લોકો થોડી વાર માટે તો આશ્ચર્યચકિત થઇ ગયા. સોલાર પાવર સંચાલિત વધુ વાહનો પર અહી અચાનક આવી ચડેલા આ વધારાના આઠ માણસોની અહી શું જરૂરિયાત પડી હશે તે તેઓને સમજાયું નહી. જોકે આ સવાલનો જવાબ પણ તેઓને તુર્ત જ મળી ગયો. એ આઠેય વ્યક્તિ ખંઢેરની અંદર પ્રવેશી. તેઓને આવકાર અપાયો. પઠાણોએ તેઓ માટે પણ ભોજન ઇત્યાદિ વ્યવસ્થા કરી. ભોજન દરમ્યાન જ એ વાતનો ખુલાસો થયો કે, સ્ટીલના બોક્સ લઈને જનારા વાહનોને રણના રસ્તે કોઈ તકલીફ ના પડે એ માટે જ આ વધારાના માણસો અને વાહનોને અહી બોલાવાયા છે. સર્વપ્રથમ આ ખાલી વાહનો રવાના થશે અને તેઓની પાછળ થોડા અંતરે સ્ટીલ બોક્સ સાથેના વાહનો તેઓને અનુસરશે. જો આગળ રસ્તામાં તેઓને ક્યાંય સુરક્ષા દળના જવાનો સહિતના કોઈ પણ પ્રકારના અંતરાય નડે તો તેનો મુકાબલો આગળ દોડી રહેલા વાહનોમાં રહેલા માણસો દ્વારા થશે. તેઓ, સામે આવી ચડેલા અજાણ્યા જોખમી લોકોને અન્યત્ર દોરી જઈ આ પડકારને ખાળશે. આ પછી રસ્તો ક્લીયર થતા જ પાછળના વાહનો તેમના રસ્તે આગળ ચાલશે. આ આખી યોજનાબદ્ધ વ્યવસ્થા જોઈ સૌએ રાહતનો શ્વાસ ખેંચ્યો. ભોજન નીપટાવી સૌ થોડી વાર આરામ કરવા બિઠા ત્યારે પઠાણ લીડરે સૌને સંબોધન કરતા એક નવી ઘોષણા કરી. તેણે કહ્યું " થોડી કલાકોમાં જ હજુ બીજા કેટલાક મહેમાનો અહી આવી રહયા છે. " અચાનક આ જાહેરાત થતા અનંતરાયના સાથીદારો નવાઈ પામ્યા......હજુ વળી કોણ અહીં આવી રહયું છે ને શા માટે?

***

ગોપાલદાસ માટે કામ કરી રહેલા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ રેસ્ટોરન્ટની બહાર આવ્યા બાદ વેપારી સાથે હાથ મિલાવ્યા. વેપારી પોતાની કારમાં બેસી તેના રસ્તે રવાના થયો એ સાથે જ ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેનો પીછો શરૂ કરી દીધો. બીજી તરફ વેપારીએ આપેલી એટેચી સંભાળપૂર્વક લઇ જઈ બંને ઓફિસરો ગોપાલદાસની ઓફિસે પહોંચ્યા અને આખી ઘટના તેમને કહી સંભળાવી. ગોપાલદાસ તેમનું કામ સારી રીતે પૂર્ણ થયાનું જાણી ખુશા થયા. તેમને બક્ષીશ રૂપે તેઓને દસ દસ હજાર રૂપિયા પણ આપ્યા અને હવે પછી કરવાના થતા નવા કામ માટે ઇન્તજાર કરવાનું પણ કહ્યું. બીજી તરફ વેપારીની કારનો પીછો કરી રહેલા ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ જોયું કે, એ વેપારીની કાર શહેરની બહાર નીકળી એક ફાર્મ હાઉસમાં પ્રવેશી હતી. ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેમની કાર દુર રસ્તા પર જ પાર્ક કરી દીધી. એક ઓફિસર ત્યાં જ રોકાયો ને તેણે કારનું બોનેટ ખોલી નાંખ્યું, જેથી કાર બગડી હોવાનો ડોળ કરી શકાય. બાકીના બે ઓફિસરો ધીમા પગલે ફાર્મ હાઉસની નજીક સરક્યા. તેમને પહેલા તો એ વાતનું આશ્ચર્ય થયું કે, ફાર્મ હાઉસમાં ક્યાંય પણ સિક્યુરીટી ગાર્ડ નહોતા. પછી અચાનક તેમને તેનો જવાબ પણ મળી ગયો. ફાર્મ હાઉસમાં રહેલી વ્યક્તિ બહારના કોઈ પણ માણસને આ ફાર્મ હાઉસ કઈક વિશિષ્ટ છે તેવો અંદાજ પણ ના આવે તે માટે જ તેણે રેઢું પડ રાખી મુક્યું હતું.

કારમાંથી ઉતરી એ વેપારી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યો. ઇન્ટેલિજન્સ ઓફિસરોએ ચોર નજરે તેની ઉપર દ્રષ્ટિ બનાવ્યે રાખી. જોકે અંદર શું ચાલી રહયું છે તે નરી આંખે જોઈ શકાય એવી શક્યતા ન્હોતી. જોકે આ સમસ્યાનો તોડ પણ તેઓએ પહેલેથી જ કરી રાખ્યો હતો. પોતાના ઇન્ટેલિજન્સ ઓફિસરોએ રેસ્ટોરન્ટમાં એ વેપારીને જે એટેચી આપી હતી તેમાં કોઈને ખ્યાલ પણ ના આવે એ રીતે એક માઈક્રો ટ્રાન્સમીટર ફીટ કરી નાંખ્યું હતું. એ ટ્રાન્સમીટર ઓન જ હતું. ફાર્મ હાઉસની શું વાતચિત થાય છે એ સાંભળવા ફાર્મ હાઉસના બગીચાની ઝાડીમાં સંતાઈને બેઠેલા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ પોતાના ઈયર ફોન ઓન જ રાખ્યા હતાં. થોડી વારે વાતચિત શરૂ થઇ. એ સાંભળતા તેમની આંખો પહોળી થઇ ગઈ. એ વેપારી જે વ્યક્તિને એટેચી આપવા આવ્યો હતો તે બીજું કોઈ નહી પરંતુ ખુદ અનંતરાય હતાં. ઇન્ટેલિજન્સ ઓફિસરોને એવી અપેક્ષા હતી કે, કદાચ તે અધિરાજ હોઈ શકે પરંતુ આ તો રાજ્યના નાણા મંત્રી અનંતરાય નીકળ્યા.

ગોપાલદાસ પાસેથી દસ-દસ હજારની બક્ષીશ મેળવ્યા બાદ ત્યાંથી બહાર આવેલા બંને ઓફિસરો સીધા જ પહેલા તો એ વચેટિયાને મળ્યા જેણે ગોપાલદાસ સાથે મુલાકાત કરાવી હતી. ઓફિસરોએ વચેટિયાના મોઢે ગોપાલદાસની ખુબ ખુબ પ્રસંશા કરી. તેમના પ્રત્યે પોતે હંમેશા વફાદાર રહેશે અને જરૂર પડ્યે જીવ પણ આપી દેશે એવી લાગણી પણ વ્યક્ત કરી. ઓફિસરોએ દસ હજાર રૂપિયા વચેટિયાને ભેંટ તરીકે આપ્યા ને તેમનો આભાર માની ત્યાંથી નીકળી ગયા. વચેટિયો એ જાણીને ખુશ થયો કે આ બંને શખ્સોએ કામ મેળવ્યા બાદ પણ તેણે યાદ રાખ્યો અને પૈસા પણ આપ્યા. બંને જણા રવાના થઇ ગયા બાદ વચેટિયાએ ગોપાલદાસને આ માહિતી પણ આપી. ગોપાલદાસ અત્યંત રાજી થયા, ને પોતાને બે સારા વફાદારો મળ્યા છે તેમ માની આ બંને શખ્સો પાસે બીજા મહત્વના કામ પણ કરાવી શકાય છે તેવો વિશ્વાસ તેમને બેસવા લાગ્યો. ઇન્ટેલિજન્સ ઓફિસરોની ચાલ સફળ થવા લાગી હતી. તેઓ વચેટિયાની મુલાકાત કર્યા બાદ પોતાના ખુફિયા સ્થળે પહોંચી ગયા. જ્યાં તેમના અન્ય ત્રણ સાથી ઇન્ટેલિજન્સ ઓફિસરો વાટ જોઈ રહયા હતાં. તેઓએ માહિતીની આપ-લે કરી. તેઓને એટલું તો સમજાઈ જ ગયું કે તેઓ કદાચ સાચા રસ્તે આગળ ધપી રહયા છે. અધિરાજ સુધી પહોંચવામાં કદાચ અનંતરાય મહત્વનો રસ્તો પૂરવાર થઇ શકે.

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ તેના એજન્ટ સાથેની ફોન પરની વાત પુરી કરી. પડોશી દેશમાં છુપી રીતે જાસૂસી કામ કરી રહેલા પોતાના અન્ડરકવર એજન્ટ પાસેથી મળેલી માહિતી પરથી જ્યોર્જ ડિસોઝાની ચિંતામાં સ્વાભાવિક જ વધારો થયો હતો પરંતુ એટલી ખાતરી પણ થઇ ગઈ કે, પડોશી જાસૂસી એજન્સીને આપણા ખુફિયા પ્લાન વિશે કશી જ ગંધ આવી ન્હોતી. આમ છતાં પોતાનો પ્લાન ફૂલપ્રૂફ બનાવી નાંખવા માટે ચક્રો ગતિમાન કરી દીધા. તેમણે તુર્ત જ પોતાના એક ખાનગી ટેલિફોન એક્ષચેન્જના સહારે એક ફોન કોલ જોડ્યો. ફોન પર બંને જણાએ એક બીજાનું નામ ઉચ્ચાર્યા વગર વાતચિત શરૂ કરી.

" હં.....તો હજુ કેટલો સમય લાગશે તેને ફરી થતા? કેમ કે હવે મારે હવે તેની અત્યંત જરૂર છે અને તેણે કેવી કેવી માહિતી એકત્ર કરી રાખી છે એ પણ જાણવું છે." જ્યોર્જ ડિસોઝાએ સવાલ કર્યો.

" બસ...સર હવે બે દિવસ. જો આપ થોડી હેલ્પ કરી આપો તો વધુ સારૂ." સામે વાળી વ્યક્તિએ ઉત્તર આપ્યો.

" ઓકે, કોની સાથે વાત કરવાથી આપણું કામ આસાન થઇ જશે?"

"...સર..............ને થોડી સૂચના અપાવી આપો."

" ઓકે...." જ્યોર્જ ડિસોઝાએવાત પુરી કરી. આ વાતચિત મુજબ કામ પૂર્ણ કરવા જે વ્યક્તિને કશુંક કહેવાનું હતું તે પોતાના અન્ય માણસો મારફત કહેડાવી પણ દીધું. સામેથી હકારાત્મક પ્રત્યાઘાત પણ મળી ચુક્યો હતો. જ્યોર્જ ડિસોઝાએ તુર્ત જ ફરી ફોન જોડ્યો ને પેલી વ્યક્તિને જાણ કરી દીધી કે તેણે કહ્યા મુજબના એ માણસને ફોન કરાવી દેવાયો છે જેની મદદથી કામ પૂર્ણ થઇ જવાનું હતું. જ્યોર્જ ડિસોઝા સમજતા હતાં કે, તેનો પ્લાન આ તબક્કે જ ફૂલપ્રૂફ થઇ જવો ખુબ જ આવશ્યક છે ને તેમાં તેમને પોતાના એક ખાસ માણસની સખ્ત જરૂરિયાત ઉભી થઇ હતી. આ માણસને તેણે લાંબા સમયથી એક ખુફિયા કામે લગાડેલો હતો.

પાડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સી અને તેનો વડો અબ્રાહમ ક્રિસ્ટોફર તેના જાસૂસો મારફત આપણા દેશમાં સક્રિય થવાના છે અને આ ખુફિયા મિશન માટે ચાર કે પાંચ બાહોશ એજન્ટોને નિયુક્ત કરવાના છે. જોકે એ કોણ હશે એ ખબર પડ્યા બાદ જ જ્યોર્જ ડિસોઝા પોતાની આગળની ચાલ રમવાના હતાં, અને આ ચાલ કેવી હશે તે તેણે ખુબ સારી રીતે વિચારી રાખ્યું હતું. દરમ્યાન થોડા સમય બાદ જ્યોર્જ ડીસોઝાને એ માહિતી પણ મળી ગઈ કે, પાડોશી દેશઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફરે પોતાના ડેપ્યુટી ચીફ સાથે ચર્ચા કરી બે એજન્ટો પસંદ કરી લીધા હતાં ને તેઓને તેમના કામે મોકલી પણ દીધા હતાં. જ્યોર્જ ડિસોઝા માટે હવે બીજો તબક્કો શરૂ થઇ ચુક્યો હતો. પડોશી દેશના આ બંને જાસૂસોને કેવી રીતે નીપટવા એ માટેના પ્લાનને તેમણે અમલમાં મુકી દીધો અને એ ખુબ જ જબરદસ્ત હતો........

***

સત્યપ્રકાશના બંને વિશ્વાસુ એજન્ટો વિજય અને મુકેશ સરહદ ઓળંગી પરાયા મુલકમાં પ્રવેશવાના રણની અત્યંત કઠીન યાત્રા કરી રહયા હતાં. તેઓની સાથે દસેક જણાનો કાફલો તેમની સાથે હતો. અંધકાર અને રેતીના ઢગલાઓ વચ્ચે તેમના ઉંટ આગળ ધપી રહ્યા હતાં. તેઓએ સર્વપ્રથમ તો દેશના સીમા સુરક્ષા દળના જવાનોની નજરમાં આવતા બચવાનું હતું. આ કામ જરાય આસાન ન્હોતું. જોકે તેઓએ રૂટ જ એવો પસંદ કર્યો હતો કે, એકાદ કલાકમાં જ તેઓ સરહદને ક્રોસ કરી પરાયા દેશની સીમામાં ઘુસી ગયા.

તેઓની પાસે નાઈટ વિઝન બાયનોકયુલર હતાં. જેમની મદદથી તેઓ ખુબ દુર સુધીનો નજારો જોઈ શકતા હતાં. તેઓએ જોયું કે, અત્યંત દુર કેટલાક સુરક્ષા કર્મીઓ તેમના રૂટ પર પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. સદનસીબે સુરક્ષા કર્મીઓ તેઓને નિહાળી શકતા ન્હોતા કેમ કે આ આખો કાફલો રેતીના ઊંચા ઢગલાની ઓથે લપાઈ લપાઈને આગળ ધપી રહયો હતો. તેઓએ હજુ નિશ્ચિત સ્થળે પહોંચવા માટે લાંબી મઝલ કાપવાની બાકી હતી. રસ્તો આસાન ન્હોતો. અમુક અમુક અંતરે પડોશી દેશના સુરક્ષા કર્મીઓનું પેટ્રોલિંગ ચાલુ જ હતું. ગાઢ અંધકાર વચ્ચે કાલા ડીબાંગ આકાશમાં અગણિત તારાઓ ચમકી રહયા હતાં. ક્યારેક ક્યારેક આકાશમાં તેજ લીસોટા સ્વરૂપે ખાબકતી ઉલ્કાઓ પણ તેની હાજરી પુરાવી જતી હતી.

ઉંટ પર બેઠા હોવા છતાં તેઓ લગભગ પાંચેક કલાકની યાત્રા બાદ થાકી ગયા હતાં. તેમના પગ ઝકડાઈ ગયા હતાં. તેઓ થોડો સમય ઉંટના કાફલાને થંભાવી નીચે ઉતરવા માંગતા હતાં, જેથી થોડું હલન ચલન કરીને પગ મોકળા કરી શકાય. ગ્રુપ લીડરે સૌપ્રથમ તો એ નિશ્ચિત કર્યું કે સુરક્ષા દળના જવાનો ત્યાં ક્યાંય નજીકમાં તો નથીને ? આ પછી તેણે અડધો કલાકનો વિરામ લેવાનો આદેશ કર્યો. ઉંટ થંભી ગયા. સૌ નીચે ઉતર્યા. મુકેશ અને વિજય તો ઘડી બે ઘડી તેમના પગ હલાવી જ ના શક્યા. અરે તેઓ બંને પગ ભેગા પણ ન્હોતા કરી શકતા. તેઓએ તો સીધું જ રેતીમાં શરીર પડતું મુક્યું. ધીમે ધીમે તેઓ સ્વસ્થ થવા લાગ્યા. ઉંટ પણ જાણ્યે કે થોડો ભાર હળવો થયો હોય તેમ રેતીમાં બેસી ગયા ને ઘડી બે ઘડી આમ તેમ આળોટ્યા ને પછી સ્વસ્થ થઈને બેસી ગયા. આ દરમ્યાન, ગ્રુપ લીડરે સૌ માટે સુકો નાસ્તો અને થર્મોસમાં ભરી રાખેલા ચા કોફી પીરસાવ્યા. ગરમાગરમ ચા – કોફી ને નાસ્તો પેટમાં પધરાવતા જ સૌના ચહેરા પર રોનક ઉભરી આવી. અંધકારમાં પણ તેઓના ચહેરા નવી ઉર્જાથી ચમકવા લાગ્યા. નાસ્તો કર્યા બાદ સ્વાભાવિક રીતે જ તેઓને થોડો આરામ કરવાની ઈચ્છા હતી પરંતુ ગ્રુપ લીડરે તેઓને આ જોખમી વિસ્તારમાં વધુ સમય બેસી રહેવું સલામત નહીં હોવાનું જણાવી કાફલો આગળ ધપાવવાનું નક્કી કર્યું. અલબત્ત અડધા કલાકના આ આરામથી પણ તેઓ સ્વસ્થ બની ગયા હતાં પરંતુ તેઓને એ ખબર ન્હોતી કે, તેઓને અસ્વસ્થ કરી દયે તેવી એક ઘટના તેમનો ઇંતજાર કરી રહી હતી.....

***

કાચા કામના કેદી રાજેશ્વરના વકીલ કાર્તિકે આપેલી માહિતીએ તો નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતની ચિંતામાં કાંઈક ઔર જ વધારો કરી દીધો હતો. પી. આર. કન્સલ્ટન્સી કંપનીના કોમ્પ્યુટરોમાંથી જે ભેદી કોડવર્ડ આધારિત મેસેજ તેણે મેળવ્યો હતો તેનું રહસ્ય ઉકલે એ પહેલા તો એક નવું રહસ્ય આકાર પામી ચુક્યું હતું. જો કોઈ હેકરે આ કંપનીના કોમ્પ્યુટરો હેક કરી લીધા હોય તો સંભવ છે કે, એ રહસ્યમય મેસેજ મોકલવા કે મેળવવા માટે પણ એ અજાણી વ્યક્તિએ જ આ કોમ્પ્યુટરોનો ઉપયોગ કર્યો હોય. કોમ્પ્યુટર હેક થયાની ઘટના બાદ એ વિશે કંપનીના મેનેજમેન્ટે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ ત્યારપછી તેની તપાસમાં કશી જ પ્રગતિ થઇ ન્હોતી. કંપનીના સિનિયર અધિકારીઓએ એક વખત મીટિંગમાં આ બાબતે પણ ચર્ચા કરી હતી. હેકિંગને કારણે કંપનીના કોમ્પ્યુટરમાં રહેલી માહિતી લીક થવા બાબતે તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. સૌના મગજમાં એવી ગડમથલ સર્જાઈ હતી કે, કોઈ અજાણ્યા હેકરે આ કંપનીના કોમ્પ્યુટરો જ શા માટે હેક કર્યા હશે? એવી તે કઈ પ્રવૃત્તિ કે કામગીરી આ કંપનીમાં થતી હતી કે, હેકરને તેમાં આટલો બધો રસ પડ્યો હશે? જોકે કંપનીની બેઠકમાં કોઈ અધિકારી પાસે આ સવાલો કે ગડમથલનો કોઈ ઉકેલ ન્હોતો.

સૂર્યજીતના મનમાં રહેલી એ શંકા હવે સો ટકા પાક્કી પુરવાર થઇ ગઈ હતી કે, પી.આર. કન્સલ્ટન્સીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારનું એક સાથે જ અપહરણ થવું કદાચ કોમ્પ્યુટર હેકિંગની ઘટનાનો જ બીજો પાર્ટ છે. આ પછી સેન્ટ્રલ જેલમાં ભયાનક હત્યા કાંડ સર્જાય છે. આ બંને ઘટનાઓની તપાસમાં પોલીસ હજુ તો ફીફા જ ખાંડતી હતી ત્યાં શહેર પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાંથી મળેલી બબ્બે લાશો મળી આવે છે,અને તેમને તપાસમાં ઊંડા નહી ઉતરવાની ધમકી મળે છે. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીને પણ ધમકી મળે છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર બારીકાઈથી નજર દોડાવતા એટલું સમજાય છે કે, પોલીસ ક્યારેય પણ આ પ્રકરણોની તપાસમાં સફળ ના થાય તે માટે કોઈ ચોક્કસ નેટવર્ક સતત સક્રિય છે. તપાસને આડે પાટે ચડાવવા માટે તેમાં જે કોઈ અવરોધરૂપ બને તેને યેન કેન પ્રકારે રસ્તામાંથી દુર કરી દેવામાં આવે છે. આ નેટવર્ક પાછળ રહેલી વ્યક્તિ અંધારી આલમનો ડોન હોઈ શકે છે. કદાચ તે એવું ઈચ્છતો હોય એમ સમજાય છે કે, પોલીસ આ કાંડની તપાસમાં મૂળ કાવતરાખોરો સુધી ક્યારેય પહોંચી જ ના શકે. અન્ડરગ્રાઉન્ડ સક્રિય રહેલું આ ભેદી નેટવર્ક તેના કોઈ મોટા ષડ્યંત્રને અંજામ આપવા માટે જ આ ચારેય ઘટનાઓ બાદ પોલીસ અને સરકારમાં કેવી કેવી હરકત ચાલે છે તેની ઉપર નજર રાખી રહયું છે. સૂર્યજીતને આ વાત સમજાઈ જતા તેણે હવે પછીના પોતાના પગલાંઓને ગુપ્ત જ રાખવાનો મક્કમ નિર્ણય કરી લીધો.

( વધુ આવતા અંકે....)

*****