સ્વામિનારાયણ
અયોધ્યા પાસે છપૈયા ગામમાં સરવરીયા બ્રાહ્મણ ધર્મદેવ ઉર્ફે હરિપ્રસાદના પત્ની ભક્તિ માતાની કુખે સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નવમી (રામનવમી) સોમવારના રોજ રાત્રે ૧૦-૧૦ ક્લાકે થયો. તેમનું બાલ્યાવસ્થામાં ઘનશ્યામ નામ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ઘનશ્યામના નામે અનેક પરચાઓનો ઉલ્લેખ છે.
તેમણે નાનપણમાં જ કાશીના વિદ્વાનોની સભામાં જીત મેળવી રાજપુરસ્કાર મેળવ્યો હતો. કાળીદત્ત વગેરેનો પરાભવ કર્યો હતો. પિતા ધર્મદેવ પાસેથી જ ઘનશ્યામે વેદ-વેદાંગનું સાંગોપાંગ જ્ઞાન મેળવ્યુ હતુ. બાળપણથી જ તીવ્ર વૈરાગ્યનો વેગ હોવા છતાં માતાપિતાની સેવા આ પુત્રનું પ્રથમ કર્તવ્ય માનીને તેમણે સાતવર્ષ સુધી માતા-પિતાની સેવા કરી અને વડીલબંધુની આજ્ઞામાં રહ્યા. માતા ભક્તિ અને પિતા ધર્મદેવ ને દિવ્ય ગતિ આપી.
ઘનશ્યામે સંવત ૧૮૪૯ અષાઢ સુદ ૧૦ના રોજ સવારે સરયુ સ્નાનને નિમિત્તે ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કરીને વનવિચરણ વખતે ઘનશ્યામ નિલકંઠવર્ણીરુપે પ્રસિદ્ધ થયા.
નાની ઉંમર અને સુકલકડી શરીર હોવા છતાં નિલકંઠવર્ણીએ સારાયે ભારતમાં પરિભ્રમણ કર્યુ. જંગલો અને ગિરિકંદરાઓના ખુણે ખુણા ફેંદી વળ્યા. બદરી, કેદાર, પુલહાશ્રમ, જગન્નાથપુરી, સેતુબંધ, રામેશ્વર, ગંગાસાગર, કન્યાકુમારી, શિવકાંચી, વિષ્ણુંકાંચી, મલયાચલ, નાસિક, ત્રંબક, પઢંરપુર વગેરે ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાં ફર્યો. મુમુક્ષુઓને સદ્ધર્મનો ઉપદેશ આપ્યો અને પિબેક વગેરે ધર્મના નામે અધર્મ ચલાવતા અસુરોનો સંહાર કરાવ્યો.
વર્ણીએ સતત સાત વર્ષ સુધી વન વિચરણ કર્યું અને ભારતની ધાર્મિક અને સામાજિક સ્થિતિનો સાચો ચિતાર મેળવ્યો. પોતાનું મન ઠરે તેવું ઠેકાણું અને મહાપુરુષનું શરણુ શોધતાં શોધતાં વર્ણી ગુજરાતના સોરઠ પ્રાંતમાં આવ્યા.
ગિરનારની ગરવી ગોદમાં ખોબા જેવડા લોજપુર ગામમાં સદ્ગુરુ રામાનંદસ્વામીનો આશ્રમ અને તેમના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે નિર્મળ હૃદયના સાધુઓને જોઈને વર્ણીનું દિલ ઠર્યું. ત્યાં રહ્યા અને રામાનંદ સ્વામીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામાનંદસ્વામી તે સમયે ભુજ હતા તેઓ જ્યારે પીપલાણા આવ્યા ત્યારે વર્ણી ત્યાં ગયા.
વર્ણીએ સદ્ગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યુ.ભાગવતી દિક્ષા અંગીકાર કરી સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યુ. મુક્તાનંદ સ્વામી, રામદાસ સ્વામી, જાનકીદાસ, રઘુનાથદાસ વગેર ૫૦ જેટલા જૂના શિષ્યો હોવા છતા સદ્ગુરુ રામાનંદ સ્વામીએ વર્ણીને મહાસમર્થ જાણીને પોતાની ગાદીના ઉત્તરાધિકારી બનાવ્યા.
જેતપુરમાં ધર્મધુરા સોંપીને સદ્ગુરુ રામાનંદ સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી..ગુરુના સ્વધામ ગમન પછી સહજાનંદ સ્વામીએ પોતાનું અવતારી સ્વરુપ પ્રગટ કર્યુ. 'સ્વામિનારાયણ' મહામંત્ર ઓળખાવ્યો.તેના ભજનથી લાખો લોકોને સમાધિ થવા લાગી.એક ચમત્કારીક મહાપુરુષ તરીકે તેમની ખ્યાતિ ચોમેર ફેલાઈ ગઈ. લોકો તેમને 'સ્વામિનારાયણ ભગવાન' તરીકે ઓળખવા લાગ્યા.
ખરેખર તો સહજાનંદ સ્વામીને નહોતો ચમત્કારોમાં રસ કે નહોતી કીર્તિની ઝંખના. તેમને તો લોકોનું સામાજિક અને આધ્યાત્મિક જીવનધોરણ ઊંચુ લાવવુ હતુ અને સનાતન વૈદિક ધર્મના પરિસ્કૃત શુદ્ધ સ્વરુપનુ પુનઃસ્થાપન કરવું હતુ. આ માટે તેમણે ભાવનગર જિલ્લાના ગઢપુરને કેન્દ્રસ્થાન બનાવ્યુ. દરબાર એભલખાચર અને તેમના પરિવારનો વિશુદ્ધ પ્રેમભાવ જોઈને ત્યાં જીવનપર્યંત રોકાણાં.
સારાયે ગુજરાતમાં સતત વિચરણ કરી લોકોનું નૈતિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક જીવનધોરણ ઊંચુ લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા.દીકરીને દૂધ પીતી કરવાનો રીવાજ,સતીપ્રથા,દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજોની નાગચૂડમાંથી સમાજને છોડાવ્યો.દારુ,જુગાર,અફીણ વગેરેના અઠંગ બંધાણીઓને સદભાવ અને ધર્મના માધ્યમથી બંધાણો છોડાવી નિર્વ્યસની બનાવ્યા.
ચોરી,લૂંટફાટ વગેરેને પોતાનો જન્મજાત વ્યવસાય માનતી કોમોને સદાચાર શીખવ્યો અને તેમને સમાજમાં ગોરવવંતુ સ્થાન અપાવ્યુ.સમાજના કચડાયેલા અને તિરસ્કૃત લોકોનું નૈતિક જીવનધોરણ ઊંચુ લાવી સમાજમાં સમરસતા સ્થાપી.સગરામ વાઘરી,મુંજો સુરુ, જોબન વડતાલો,જેતલપુરની રુપા વેશ્યા વગેરે અને અધઃપતીત લોકોના જીવન પરિવર્તિત કર્યા.
અનેકના જીવનના મેલ ધોઇને અધમ ઉદ્ધારકનું બિરુદ પામ્યા એટલું જ નહિ તેમણે સ્વાશ્રિત સંતકવિઓને પ્રેરણા આપીને વિપુલ પ્રમાણમાં સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય ની રચના કરાવી છે. ભાષાના વિકાસનું એક સત્ય સ્વીકારીએ તો ગુર્જર ગિરાનો પ્રથમ ગદ્ય ગ્રન્થ વચનામૃત ; ભગવાન સ્વામિનારાયણની દેન છે.
સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેર અષ્ટવૃંદ કવિઓને કીર્તનભક્તિના પદોની રચના કરવા પ્રેર્યા તેનાથી સમાજ ભક્તિરસથી તરબોળ બન્યો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરેએ બ્રહ્મસૂત્ર,ભગવદગીતા અને ઉપનિષદ્ ઉપર વિદ્વતાસભર ભાષ્યગ્રંથો બનાવી સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈદિક ધર્મનું સાચુ હાર્દ સમજાવ્યુ.
સહજાનંદ સ્વામીએ સ્વયં શિક્ષાપત્રીની રચના કરી આચાર-વિચારના આદર્શો બાંધી આપ્યા.સંપ્રદાયમાં હંદી અને વ્રજભાષાનું સાહિત્ય પણ વિપુલમાત્રામા રચાયું છે. વલ્લભ સંપ્રદાયની જેમ જ આ સંપ્રદાયમાં પણ અષ્ટછાપકવિઓ થયા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાંનંદ સ્વામી, આધારાનંદ સ્વામિ, ભુમાનંદ સ્વામી.
આ કવિઓમાંથી હિંદીમાં રચના કરનારા મુક્તાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી , પ્રેમાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી છે. આ ઉપરાંત ગુજરાતી વાર્તા સાહિત્યમાં ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો, તદ્રુપાનંદ સ્વામીની વાતો વિગેરે જન સામાન્યમાં ઘણી પ્રસિદ્ધ છે.
ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવા 'એકલા હાથે તાળી ન પડે' એ ન્યાયે પાંચસો પરમહંસો બનાવ્યા. આ સહજાનંદી ફોજ ગુજરાતના ગામડે ગામડે ફરી વળી. વનવગડાને સીમમાં રહેતા એકલ દોકલ કુટુંબ સુધી અર્થાત્ છેવાડાના માનવી સુધી ધર્મના પીયૂષ પાવા તે પહોંચી ગઈ.
ધર્મશાસ્ત્રોની દ્રષ્ટાંતરુપ કથાઓ અને નિર્વ્યાજ પ્રેમના માધ્યમથી પતીતોને પાવન કર્યા.માનવજીવનનું મૂલ્ય સમજાવ્યુ. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની યાદ તાજી કરાવી. કુરિવાજો અને દુરાચાર છોડાવ્યા. લોકોમાં વર્ષોથી ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા અને નિર્માલ્યતા દૂર કરી. જીવનમૂલ્યો ઓળખાવ્યા.
ધર્મના નામે ચાલતા ધતીંગો બંધ કરાવી,ઠગ અને બદમાશ લોકોથી આમ જનતાને છોડાવવાનું સહેલુ નથી. અનેક સ્થાપિત હિતો ઘવાયા. ધર્મના નામે ભોળી પ્રજાને ભરમાવીને લુંટનારા પીંઢારાઓના કોપનો ભોગ સહજાનંદ સ્વામી,તેમનું સંતમંડળ અને અનુયાયીઓ બન્યા.પરંતુ જેમણે સમાજને સાચી દિશા બતાવવી હોય.
આદર્શોને આંબવું હોય તેમણે વતાઓછા પ્રમાણમાં કંઈક સહન તો કરવું જ પડે. જે જાનની બાજી લગાવી શકે એ જ દુરાચાર અને પાખંડનો પર્દાફર્શ કરી શકે.સહજાનંદ સ્વામીએ પોતાના અવતાર કાર્યને માત્ર પોતાના અનુયાયી વર્ગ પુરતુ જ સીમિત ન રાખ્યુ.
તેમણે આમ સમાજને ધ્યાનમાં રાખીને વાવ-કુવા ખોદાવવા, સદાવ્રતો ચલાવવા વગેરે ઈષ્ટાપૂર્ત કર્મો ઠેર ઠેર શરુ કરાવ્યા, તેથી અન્ય સંપ્રદાયના લોકો પણ તેમના પ્રત્યે માનની નજરે જોવા લાગ્યા, અને અનેક લોકો સહજાનંદ સ્વામીના આશ્રિત બન્યા.
લોકોનું આધ્યાત્મિક એકત્વ સાધવા માટે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ એમ પંચાયતન દેવોની પ્રતિષ્ઠા કરી. શ્રૌત(વૈષ્ણવ), સ્માર્ત (શૈવ) અને શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) સંપ્રદાયમાં પ્રવર્તેલી અંધશ્રદ્ધા દૂર કરી. ધર્મનું સાચુ સત્ય લોકોને સમજાવ્યુ. સગુણ સાકાર સ્વરુપની શુદ્ધ ઉપાસના પદ્ધતિ પ્રવર્તાવી, એકેશ્વરવાદની સ્થાપના કરી.
ધર્મસંપ્રદાયો વચ્ચે સમન્વય સાધ્યો. આ એક આશ્ચર્યકારી ઘટના છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય વ્વું વિધાન નથી કર્યું આ આપણૉ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. ધર્મ જગત ઉદરતાથી યોજનો દૂર જતુ રહ્યુ છે.
ધાર્મિક સહિષ્ણુતા નહિવત છે.કારણ કે દરેક ધર્મ પોતાને પરિપૂર્ણ તો માને જ છે પણ બીજા ધર્મને અપૂર્ણ માને છે. વાસ્તવમાં કોઇ ધર્મના સ્થાપકનું એવુ વિધાન નથી પણ ધર્મના નામે જેમને પોતાની ખીચડી પકવવી હોય તેઓ આવા ક્ષદ્ર વિચારોથી પીડાતા હોય છે તેની પાછળ ચાલતો સમાજ પણ આંધળો જ તૈયાર થાય છે.
ધર્મની આ વાસ્તવિકતાને નજર અંદાજ કરીને ભગવાન સ્વામિનારાયણે દરેક ધર્મ પ્રત્યે સદ્ ભાવ વધે તે માટે શિક્ષાપત્રીમાં અનેક વિધાનો કર્યા છે. માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં. વિષ્ણુ અને શિવને એક સમાન માનવા.
શ્રીમદ્ વલ્લભાચાર્ય ના પુત્ર વિઠ્ઠલનાથજી દ્વારા કથીત રીતિ પ્રમાણે ભગવાનની સેવા કરવી. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા.
અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ. માંસ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું. જે દેવતાને દારુ અને માંસનું નૈવેદ્ય થતું હોય અને જે દેવતાની આગળ બકરાં આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.
જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યએ પાંચ દેવને આદરપૂર્વક માનવા.
ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદભાગવત, શ્રીવિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્દભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રીવાસુદેવમાહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ – એ આઠ સતશાસ્ત્ર અમને ઇષ્ટ (પ્રિય) છે. એ આઠ સતશાસ્ત્ર સાંભળવાં, વિદ્વાનોએ એ સતશાસ્ત્ર ભણવાં, ભણાવવાં તથા કથા કરવી.
આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું. સતશાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજાં વચન કરતાં મુખ્યપણે માનવાં.
આ વિધાનો આજે પણ ઘણુ બધુ કહી જાય છે.અહિં કથીત પંચદેવની માન્યતા શંકરાચાર્ય દ્વારા પ્રતિપાદિત છે જેથી શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચેનો ખટરાગ ઓછો થાય.
ભગવાનની સેવા રીતિ વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે માન્ય કરિ છે જેથી વૈષ્ણવોને પરસ્પર પરધર્મ સહિષ્ણુ બનવાની પ્રેરણા મળે છે. તામસ દેવ સમક્ષ થતી હિંસાનો ખુલ્લો વિરોધ કરીને તેનો પ્રસાદ લેવાની પણ મનાઈ કરી છે. માંસ ભક્ષણને મળેલી ધાર્મિક માન્યતાનો પણ વિરોધ કરીને અહિંસા ધર્મ પ્રત્યે પ્રત્યે પોતાની રુચિ બતાવી છે.
જે બૌદ્ધધર્મ સાથે સમન્વયની કડી છે. ભગવાને ધર્મ સુધારણા માટે અનેક ગામડાઓ મા વિચરણ કર્યુ. જેમા, સૌરાષ્ટ્ર પ્રદેસમા રાજકોટ, ગોન્ડલ, સરધાર તથા આસપાસ ના ગામડાઓ જેમકે ભુપગઢ જેવા શુરવિરો ના ગામો મા પણ ધર્મ નો ફેલાવો કર્યો... જ્યા. આજે પણ ભગવાન ની આગ્ના નુ પાલન કરવામા આવે છે.
સંપ્રદાયની કેટલીક વિશેષતા સ્વામિનારાયણ સંપ્રદાય પર શોધગ્રંથ લખનાર માતુશ્રી વીરબાઇ મહિલા કોલેજ રાજકોટના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.રશ્મિબેન વ્યાસ સંપ્રદાયની કેટલીક આગાવી વિશેષતા તારવી આપે છે.
૧૯મી સદીની સૌથીની સૌ પ્રથમ સુધારણા ચળવળ : ભારતમાં ૧૯મી સદીમાં ધર્મ અને સમાજક્ષેત્રે જે સુધારણા ચળવળ શરુ થઇ તેનું શ્રેય રાજા રામમોહનરાય (૧૭૭૪-૧૮૩૩)ના નામે લખાય છે.
તેઓએ ૧૮૧૪માં આત્મીયસભાની સ્થાપના કરી અને ૧૮૨૮માં બ્રહ્મોસમાજ ની સ્થાપના કરીને સુધારણા ચળવળના નાયક બન્યા.જ્યારે ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦) ઉમંરમાં તેમના કરતા થોડા નાના હતા પણ ૧૮૦૧ માં તેઓ ધર્મની ગાદીએ આવી ગયા હતા અને ધર્મનું આચાર્યપદ સંભાળીને તુરંત ધર્મ અને સમાજમાં સુધારણા ચળવળ શરુ કરેલી.હવે સમજી શકાય કે, બ્રહ્મોસમાજનું સ્થાપન જ જો આ સંપ્રદાયથી પાછળ હોય તો ત્યાર પછીની ચળવળ પણ સ્વાભાવિક રીતે જ પાછળ ગણાય.આમ તવારીખની દ્રષ્ટીએ આ સંપ્રદાયની સુધારણા ચળવળ ૧૯મી સદીની પ્રથમ ચળવળ ગણાય.
પાશ્ચાત્ય પ્રભાવનો અભાવ : ૧૯મી સદીના મોટા ભાગના સુધારા ચળવળના નેતાઓમાં ઓછા વધતા અંશે પાશ્ચાત્યનો પ્રભાવ દેખાય છે,જેનાથી આ સંપ્રદાય સંપુર્ણમુક્ત છે. ગુજરત સૌરાષ્ટ્રમાં પાશ્ચાત્યના અનુકરણનો પવન ફુંકાયો તે પહેલા જ સહજાનંદ સ્વામીએ ધર્મ અને સમાજને વાસ્તવિક જીવનની મૌલિકતા બતાવવાનું કાર્ય શરુ કરિ દીધેલું.બ્રિટિશરોએ શરુ કરેલી બૌદ્ધિક જાગૃતિ સંરક્ષણવાદી અને પુનરુત્ત્થાનવાદી હતી જ્યારે સ્વામિનારાયણ ભગવાને ચીંધેલી ક્રાંતિયાત્રા નૈતિક સાથે આધ્યાત્મિક હતિ. આ કોઇ શ્રદ્ધા નથી.સત્ય છે.
સાંપ્રદાયિક સ્વરુપ અને તેને અનુરુપ માધ્યમો : સુધારણા ચળવળના ઇતિહાસ પર દ્રષ્ટિપાત કરીએ તો સુધારાવાદી ચળવળ કરતા આ સંપ્રદાયની પદ્ધતિ ઘણી ભિન્ન જણાય છે.જ્યા આધુનિક સંસ્થાઓના માધ્યમથી સમાજને નવો આદર્શ આપવાનો પ્રયાસ થયો છે ત્યા ભગવાન સ્વામિનારાયણે ધર્મનું વાસ્તવિક સ્વરુપ બતાવીને જિવનમાં નવી ક્રાંતિનો માર્ગ અપનાવ્યો.સંસ્થાઓ પત્રો, પત્રિકાઓ, ચર્ચાસભાઓ દ્વારા ચળવળ ચલાવતા જેથી તેનો લાભ શહેરી અને શિક્ષિત સમાજને જ વધુ મળતો જ્યારે ભગવાન સ્વામિનારાયણ પરંપરાગત ઉત્સવો,પારાયણો વારંવાર યોજીને લોકજીવનને ઉર્ધ્વગતિ આપવામાં સફળ થયા.સમૈયાઓના માધ્યમથી જનસમૂહ એકત્રિત કરીને ધર્મજાગૃતિ અને સમાજનું નૈતિક બળ વધારવાનો માર્ગ સ્વીકારતા જે અદ્યાપિ ચાલુ છે.
ગ્રામનિષ્ઠ અને લોકનિષ્ઠ ચળવળ: ભારત ગ્રામ પ્રધાન દેશ હોવા છતા મોટા ભાગની સુધારણા ચળવળ શહેરોમાં જ થઈ છે જ્યારે આ સમ્પ્રદાયનો ઉદયકાળ ગ્રામલક્ષી જણાય છે. માત્ર શહેરી અને શિક્ષિત લોકો જ તેમા સહભાગી બને તેમ નહિ, અહિં લોકનિષ્ઠ પ્રવૃતિ હતી જેથી ગામડાઓની અભણ પ્રજાના નૈતિક જીવનના ઉત્થાન માટે વધુ પ્રવૃત્તિઓ થઇ છે.
વરતાલ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા અને ગઢડા જેવા ગામડાઓમાં જ તેમનો પ્રભાવ પથરાયેલો જણાય છે ત્યારબાદ વિચરણના ઇતિહાસમાં પણ ભગવાન સ્વામિનારાયણે શહેરો કરતા ગામડાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. મારી અંગત માન્યતા મુજબ કદાચ એટલે જ શહેરી બૌદ્ધિકોએ તેની નોંધ પણ નહિવત જ લીધી છે.
હિંદુધર્મની પરંપરાનો આદર:૧૯મીના આરંભમાં મોટાભાગના સુધારણા ચળવળના નેતાઓ હિંદુધર્મ પ્રત્યે પરદેશીઓએ કરેલી ટીકાઓથી ક્ષોભ અનુભવતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે ધર્મના નામે ઘર કરી ગયેલી રુઢીઓનો ત્યાગ કરીને પરંપરાની શક્તિઓનો બોધ આપ્યો.
વેદ, ઉપનિષદ, યજ્ઞ, તિર્થ,પ્રાતઃપુજા જેવા માધ્યમોથી જીવનના માનસિક સંતાપને દુર કરિને માનસિક તદુંરસ્ત જીવન હિંદુઓ પાસે જ છે તે સિદ્ધ કરી આપ્યું.તેમણે કોઈ ધર્મ કે પરંપરાની બૌદ્ધિકોની જેમ માત્ર ટીકા ન કરી પણ તેમાં જે સત્વ હતુ તે સમાજ ને આપ્યું.તેઓએ બૌદ્ધિકોની ટિકાઓથી પરાસ્ત થયા વિના એકેશ્વરવાદની સાથે તમામ દેવનો આદર કરતા શીખવાડ્યું.
જો કોઈ ઈન્સાનની અવગણના ન કરાય તો દેવની તો કરાય જ કેમ? માટે સત્વશિલ સમાજમાં જ્યા બેસીને જેને સંતોષ થાય ત્યા જ તેને બેસવાનો અવસર હિન્દુધર્મ આપે છે.પરંપરા ક્યારેય મિથ્યા નથી હોતી પણ તેમાં સ્વાર્થી માનવ ઘણીવાર નિજી સ્વાર્થ દ્વાર દુષણો દાખલ કરી દે તો આપણે તેનો અસ્વીકાર કરીએ પણ આપણી પરંપરાનો અનાદર આપણે તો ના જ કરિએ.
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ:સુધારણા ચળવળ પછિના સમયમાં આ સંપ્રદાય સ્ત્રીઓ પ્રત્યેના અભિગમના કારણે બૌદ્ધિકોમાં વિવાદાસ્પદ બન્યો છે,પરંતુ તે સમાજની થોડી સમજણફેર છે.
સ્ત્રીઓ માટેના કડક નિયમો નારી સુરક્ષા માટે છે.નારિના સ્વાતંત્ર્યના નામે તેના શીલ અને ચારિત્ર્યરુપી આભુષણો લઇને કોઇ સમાજ સુખી નથી થયો તે આજે નહિ તો આવતીકાલે આપણે નહિતો આપણી ભાવી પેઢીને સ્વીકારવું જ પડશે, અને મુળ વિવાદ જ્યાથી ઉદ્ભવે છે તે છે ત્યાગીના નિયમોની બાબત,પરંતું તત્કાલિન ધર્મ સ્થાનોમાં જે લોકોની શ્રદ્ધાને આઘાત લાગે તેવિ પ્રવૃતિ હતી તે દૂર કરીને સમાજને નવો આદર્શ આપવા તેમણે જે આદેશો આપ્યા તે યોગ્ય જ હતા, છે અને રહેશે.
કોઇ સુધારાવાદીના વાદમાં તેમાં ફેરફાર કરે છે ત્યારે સમ્પ્રદાયને તેનું ફ્ળ મળ્યું જ છે. સમાજે જો આદર્શ ભાવીની કલ્પના કરવાનું બંધ ના કર્યું હોય તો આ સ્વીકારવા જેવી બાબત છે.
સુધારણા ચળવળના મુખ્ય અને મૌલિકરુપે જોઇએ તો આ સમ્પ્રદાયમાં બહેનો માટેના અલગ મંદિરોની વ્યવસ્થા થાય છે.શિક્ષણની વ્યવસ્થા થાય છે.ત્યાગીમાં પણ તેને અલગ અધિકાર મળે છે. વ્યાસપીઠ પર માતાઓ આ સમ્પ્રદાયમાં બેસે છે, એટલું જ નહિ આચાર્યપદ અને ગુરુમંત્ર આપવાનો અધિકાર પણ બહેનોને મળે છે છતાના આંચળાનીચે પ્રવેશતા દુષણોથી સંપ્રદાયને મુક્ત રાખવાના એક અભિગમરુપે કડક નિયમો પણ આપ્યા છે એ પણ સત્ય છે.
ઇહલોકના જીવન પ્રત્યે આદર: હિંદુસ્તાન પરલોકની ચિંતામાં આ લોકના કર્તવ્યોથી વિમુખ થઈ રહ્યો હતો.આ લોકના બંધનો છોડિને પરલોકમાં જવાની આશામાં લૌકિકજીવનની ઉપેક્ષા કરવાની ભુલ આ સંપ્રદાયમાં નથી થઇ.મોક્ષ સર્વોત્તમ લક્ષ્ય હોવા છતા લૌકિક વ્યવહારને અવગણીને અધ્યાત્મની સાધનાને માર્ગે ચાલવાની સલાહ ભગવાન સ્વામિનારાયણ નથી આપતા.તેઓ શિક્ષાપત્રીમા યોગ્ય અને વ્યવહારિક જીવન અંગે પણ માર્ગદર્શન આપે છે .
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનારુપ છે.ગુજરાતની સ્થાપત્ય કલામાં આ સંપ્રદાય ઘણૂં મોટું યોગદાન ધરાવે છે. ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ, ભૂજ, ધોલેરા, જૂનાગઢ, ગઢપૂર, મૂળી, વડતાલ વગેરે સ્થળોએ ભવ્ય મહામંદિરોનું નિર્માણ કરાવ્યુ.
આ મંદિરો વર્તમાનમાં આસ્થાના કેન્દ્રો બન્યા છે. આ ઉપરાંત દેશ અને દુનિયામાં ૧૦૦૦ થી વધુ મંદિરોનું નિર્માણકાર્ય થયું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો થયા છે.ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે,અમે ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનની ઉપાસના પ્રર્વતાવ્યા સારું મંદિરો કરાવ્યા છે.સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં હાલના કાલુપરમાં બનાવેલુ અને છેલ્લુ મંદિર ગઢડામાં.
મંદિર નિર્માણક્ષેત્રે આ સંપ્રદાય સંપૂર્ણપણે સ્વાયત્તતા ભોગવે છે.આજે દરેક સંપ્રદાયના મંદિરોના નિર્માણમાં તન-ધનની સેવા તો જે તે સંપ્રદાયના અનુયાયીઓ જ કરતા હોય છે પરંતુ આ સંપ્રદાય આર્થિક રીતે જ નહિ બૌદ્ધિક રીતે પણ પુર્ણ સ્વાયત્ત થયેલો જણાય છે.
પ્રારંભકાળથી જ જોઈએ તો અમદાવાદ મંદિરનું ચિત્ર અર્થાત્ નક્શો પણ સ્થપતિ (આર્કિટેક) શ્રી નારાયણજીભાઈ સુતાર પાસે કરાવીને આનંદાનંદ સ્વામીને નિર્માણની સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવેલી.અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર માટેની જગ્યા અંગ્રેજ અધિકારી ડનલોપ સાહેબે ફાળવી આપેલી.
વડતાલ મંદિર માટે વડોદરાના પુરુષોત્તમ અને દામોદર, અમદાવાદના કુબેરજી,મારવાડી હીરાજી,નડિયાદના કેવળદાસ વિગેરે સ્થપતિઓ પાસે રેખાચિત્ર તૈયાર કરવ્યા હતા; તેમાંથી હીરાજીના રેખાચિત્ર પ્રમાણે મંદિર તૈયાર કરવાની જવાબદારી બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવેલી.ગઢપુર મંદિર માટેનું રેખાચિત્ર શ્રી નારાયણજી સુતાર પાસે જ કરાવેલું અને જેઠા શિલ્પી પાસે તે પ્રમાણે મંદિર તૈયાર કરાવ્યું.
ટુંકમાં મંદિર નિર્માણમાં તન,મન અને ધનની સાથે સાથે આયોજન પણ સંપ્રદાયના અનુયાયિઓ દ્વારા જ થતું. ત્યાગી સમાજ પણ મંદિર નિર્માણની પ્રવૃતિને ભક્તિ માનીને સક્રિય ભાગ ભજવતો.ભુજ મંદિર વૈષ્ણવાનંદ સ્વામી,ધોલેરા મંદિર નિષ્કુળાનંદ સ્વામી, જુનાગઢ અને મુ઼ળી મંદિર બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે તૈયાર થયા છે. ત્યારપછિના સમયમાં પણ દરેક મંદિરના નિર્માણમાં ત્યાગીઓ જ સક્રિય રહ્યા છે. પ્રારંભમાં થોડા વર્ષો સુધી મંદિરોનો વહિવટ પાર્ષદો કરતાપણ છેલ્લા ૧૦ - ૧૨ દાયકાઓથી તો તે પણ સંતો જ કરે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. પરંતું ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં સુત્રો હાથમાં લીધા પછી ટુંક સમયમાં જ આ સંપ્રદાય લોકશુદ્ધિનું એક પ્રબળ પરિબળ બની ગયો. આ બ્રુહદ સંપ્રદાયની જવાબદારી ઉત્તરોત્તર ભવિષ્યમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હતુ.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. ૧૮૮૨ (ઇ.સ.૧૮૨૬) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઈ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઈ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઈ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્તર અને દક્ષિણ એ રીતે બે દેશ-વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.
સંપ્રદાયની વિશુદ્ધ પરંપરા જળવાઈ રહે એ માટે અમદાવાદ અને વડતાલ એમ બે જગ્યાએ ગાદી સ્થાનો સ્થાપ્યા અને તેના પર અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી મહારાજની આચાર્યપદે નિયુક્તિ કરી તેમાં સમયની ગતિએ કરવટ બદલી છે.
ચિત્રકલાભારતીય ઇતિહાસનું એક અવિસ્મરણીય પૃષ્ઠ છે.ભગવાન સ્વામિનારાયણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલાના પોષક હતા.તેમણે રાજસ્થાની ચિત્રકલાને અનુસરીને સંપ્રદાયમાં ચિત્રકલાનો વિકાસ કરાવ્યો.
સંપ્રદાયના પ્રથમ ચિત્રકાર આધારાનંદ સ્વામીઅને નારાયણજી સુતાર છે. સંપ્રદાયમાં મંદિરોમાં વિવિધ સ્વરુપો પધરાવીને ભગવાન સ્વામિનારાયણે ચિત્રકલાને વિકાસનો મોકળો માર્ગ આપ્યો.મંદિરોમાં દિવાલોમાં વિશાળ ભીંતચિત્ર દોરવાની પરંપરા છે. હરિમંદિરોમાં પણ સર્વત્ર ચિત્રપ્રતિમા જ પધરાવવામાં આવે છે એટલે ચિત્રકલાને અહિં પુરતું પ્રોત્સાહન મળ્યું છે એટલું જ નહિ આ સંપ્રદાયના દરેક અનુયાયીઓ નિત્ય સવારે વ્યક્તિગત પૂજા કરે છે પરિણામે તાડપત્ર કે કાગળ પરના લઘુચિત્ર આ સંપ્રદાયના પ્રારંભકાળથી જ શરુ થયેલા જણાય છે.
આજે ઘણા મોટા મંદિરોમાં આવા નાના ચિત્રોને ઇતિહાસના રુપમાં સાચવવામાં આવે છે.પોથીચિત્રના રુપમાં આ સંપ્રદાયમાં આધારાનંદ સ્વામીએ જમયાતના ગ્રંથ સચિત્ર તૈયાર કર્યો છે જેમાં ગરુડ પુરાણ આધારિત યમયાતનાનું વર્ણન છે. તે ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામી દ્વારા પણ આજ વિષયવસ્તુ પર આધારિત સચિત્ર ગ્રંથયમદંડ રચાયો છે જે પ્રસિદ્ધ પણ વધુ છે. ઈતિહાસની દ્રષ્ટિએ સંપ્રદાયના આ પોથીચિત્રો ગુજરાતની પોથી ચિત્રકલાના અંતિમ અવશેષરુપ છે.
ગુજરાતમા ત્યારપછીના સમયમાં મુદ્રણકલાના વિકાસના કારણે પોથિચિત્રોની પરંપરા લુપ્તપ્રાય બની છે. છેલ્લી બે ત્રણ શતાબ્દિઓથી ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત બનેલી કુંડલી ચિત્રના ક્ષેત્રમાં આ સંપ્રદાયના ચિતારાઓ ચમક્યા છે.હસ્તપ્રત ચિત્રના એક ભાગરુપે ભુંગળાની જેમ વાળીને તેમાં કુંડલી તૈયાર કરવામાં આવે છે.
ભગવાન સ્વામિનારાયણની આવી કુંડલી વઢવાણના જ્યોતિષજ્ઞ લાધારામ ઠક્કરદ્વારા તૈયાર કરવામાં આવેલી તેને આધારાનંદ સ્વામીએ ૪૦ મીટર લાંબુ સચિત્રરુપ આપ્યું છે.આ કુંડલીચિત્રગાંધિનગર ગુરુકુલના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી પાસે સુરક્ષિત છે.
તેઓએ તે પ્રિન્ટ પણ કરાવ્યું છે. આજે આ તમામ પ્રથાઓને કોઇ પ્રોત્સાહન મળતું નથી પણ ચિત્રકારો હજુ ઘણૂં આ સંપ્રદાયને જ નહિ પણ ચિત્ર જગતને ઘણુ મોટું યોગદાન આપી રહ્યા છે.ફતેહસિંહ વાળા આજે આ સંપ્રદાયના પ્રખ્યાત ચિતારા છે. સંતોમાં પણ ચિતારાની પરંપરા ચાલુ જ છે.
આ ધારાનંદસ્વામીના શિષ્ય શ્રીહરિદાસજી સ્વામી પણ ચિત્રકાર હતા.મોગલ પદ્ધતિથી પ્રભાવિત તેમના ચિત્રો આજે પણ અમદાવાદ ,ધોળકા મંદિરના સંત નિવાસમાં પ્રતિષ્ઠિત છે.તેમના શિષ્ય સ્વામી હરગોવિંદદાસજી પણ ચિતારા હતા અને તેમની કૃતિઓ ઉત્તર ગુજરાત,ભાલ અને ઝાલાવાડના મંદિરોમાં જોવા મળે છે. ટુંકમાં આ સંપ્રદાય ચિત્રકલા જગતમાં ઘણુ યોગદાન ધરાવે છે.
ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયને સહજાનંદ સ્વામીએ વિશાળ ફલક પર લાવીને મૂક્યો. વિ.સં. ૧૮૮૬ના જેઠ સુદ દશમીના રોજ સહજાનંદ સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. તેમના સ્વધામ ગમન પછી ઉદ્ધવસંપ્રદાય 'સ્વામિનારાયણ સંપ્રદાય' તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો.
માત્ર ૪૯ વર્ષના જીવનના ટૂંકાગાળામાં માતા, પિતા અને ગુરુની સેવા, તપ ત્યાગમય જીવન, સમાજસેવા, અધ્યાત્મ સાધના, શુદ્ધ ઉપાસના, નૈતિક અને આદર્શ સદાચારમય જીવન ધોરણ, વિશુદ્ધ ભક્તિ પરંપરા, વિશાળ ગગનચૂંબી મહામંદિરોનું નિર્માણ વગેરે અંગે ભગવાન સ્વામિનારાયણે જે કાંઈ કહ્યું તે કરી બતાવ્યુ. ધાર્મિક,સામાજિક અને રાજકિય ક્ષેત્રે પ્રવર્તતી અરાજકતા વચ્ચે પણ સામાન્યબુદ્ધિથી ન સમજી શકાય તેવા અદભૂત છે. સંવત ૧૮૮૬ જેઠ સુદ -૧૦ ના રોજ મધ્યાહ્ન્ સમયે ગઢપુરમાં ભૌતિક શારીરનો ત્યાગ કરીને સ્વધામ સીધાવ્યા