બાંધણી હો તો જામનગર કી ...જીઆઇ ટેગનું રસપ્રદ વિશ્વ
આ એક ચિહન ખાસ છે અને નક્કી થયેલી ચીજવસ્તુ પર તે લગાડવાની પરવાનગી આપવામાં આવે છે. ખરીદનારા તેને જોઇને અસ્સલ વસ્તુ ખરીદી રહ્યા છે કે નહિ તે નક્કી કરી શકે છે : ગુજરાતમાં કેસર કેરી, ભાલીયા ઘઉં, જરી ક્રાફ્ટ, સંખેડાનું ફર્નિચર જીઆઇ ટેગવાળા છે, જામનગરની બાંધણી માટે પણ અરજી થયેલી છે
- નિલય ઉપાધ્યાય
આપણે સૌ જાણીએ છીએ કે રસગુલ્લા તો બંગાળના જ હોય. એવી રીતે ગુજરાતની વાત કરીએ તો ફર્નિચરમાં સંખેડા, એમ્બ્રોડરીમાં કચ્છ, જરીવાળા ક્રાફ્ટમાં સુરત, કેસર કેરીમાં ગીર, ઘઉંમાં ભાલ પ્રદેશ અને છેલ્લે પટોળામાં પાટણ વિશ્વપ્રસિધ્ધ છે. હવે તો જામનગરની રંગબેરંગી બાંધણીઓને પણ જીઆઇ ટેગ આપવાની ક્વાયતો ચાલે છે. આ બધી ચીજો તેના ગામ કે શહેરના નામથી જ વખણાય ને વેચાય. ચીનના વડાપ્રધાન બે વરસ પહેલા ગુજરાત આવ્યા ત્યારે સંખેડામાં બનેલા ઝુલા પર ઝૂલ્યાં હતા. એવી જ રીતે દેશ બહારથી આવતા ઘણા મુલાકાતીઓને કેરી, પટોળા, ક્રાફ્ટ કે ભરતગૂંથણની ચીજો ભેટ ધરાતી આવી છે. ચીજવસ્તુઓ સાથે જેતે પ્રદેશનું નામ તેની બેનમૂન કારીગરી અને ખાસીયતનો નમૂનો છે એટલે જોડાય છે. આવી ચીજો રોજબરોજની બોલીને લીધે ગામના નામથી તો ઓળખાય જ છે પણ હવે એના બ્રાન્ડીંગ માટે ભૌગોલિક ઓળખ (જ્યોગ્રોફીકલ ઇન્ડીકેશન-જીઆઇ ટેગ)નું એક ચિહન પણ હવે આપવામાં આવે છે. આ એક ચિહન ખાસ છે અને નક્કી થયેલી ચીજવસ્તુ પર તે લગાડવાની પરવાનગી આપવામાં આવે છે. ખરીદનારા તેને જોઇને અસ્સલ વસ્તુ ખરીદી રહ્યા છે કે નહિ તે નક્કી કરી શકે છે. ઉત્પાદકની પણ મોનોપોલી સર્જાય છે, એ તેના ફાયદામાં જ છે કારણકે આવી ચીજો જે તે પ્રદેશ કે ગામમાં પરંપરાગત રીતે બનતી આવી હોય છે.
હવે રસગુલ્લાને કાયદેસર બંગાળની ઓળખ મળશે. જોકે ઓરિસ્સા અને બંગાળ એ બન્ને વચ્ચે પોતાના રાજ્યમાં તેની શોધ થઇ એ મુદે વિવાદ ચાલેલો પણ અંતે બંગાળ જીત્યું છે. આવું તો પકિસ્તાન અને ભારત વચ્ચે બાસમતી ચોખાના ટેગ માટે પણ ચાલે છે. રાજ્યો પણ અંદરોઅંદર લડે છે. એ જે હોય તે પણ આપણે મૂળ મુદા પર આવીએ તો જીઆઇનું ટેગ મળ્યા પહેલા ય રસગુલ્લા તો બંગાળના જ હતા. એમાં નવું શું ? આપણને સવાલ થાય. આપણે જાણીએ છીએ એ દુનિયા પણ જાણે એ માટે જીઆઇ ટેગની ખૂબ જરૂર એટલા માટે છેકે કાલે ઉઠીને ગમે તે દેશ કે પ્રદેશ કહે કે આ તો અમારી દેન છે ! અથવા તો તેની તદૃન નકલી વસ્તુ બનાવીને ભૌગોલિક ઓળખ આપીને વેંચે. આવું ન બને અને જેતે ચીજવસ્તુઓની પોતાની ભૌગોલિક ઓળખ જળવાય રહે તથા ઉત્પાદક કારીગરોને રક્ષણ મળે એ માટે દુનિયાભરમાં જીઆઇ ટેગ આપવાની પ્રથા શરૂ થઇ.
ફક્ત ભારતમાં જ નહિ આખી દુનિયામાં જીઆઇ ટેગ અમલી છે. પીણાંમાં ભારતીય દાર્જીલીંગ ચા છે એવી રીતે ઇટાલીની ચીયાન્ટી વાઇન, ફ્રાન્સની કેમ્પેજીન વાઇન, મેક્સિકોની ટેક્યૂલા સ્પીરીટ, અમેરિકાના ઇદાહો બટાટા, ફ્લોરિડાના સંતરા, ન્યૂઝીલેન્ડના લેમ્બ અને સ્વીત્ઝર્લેન્ડની સ્વીસ ચોકલેટ પ્રખ્યાત છે. માત્ર દેશ જ નહિ પણ કોઇ પ્રદેશ, શહેર કે ગામડાંના નામે ય ચીજવસ્તુને અલાયદી ઓળખ મળે છે.
ભારતીય સંસદમાં ડિસેમ્બર 1999ના વર્ષમાં જ્યોગ્રોફીકલ ઇન્ડિકેશનનો કાયદો સંસદમાં પસાર કરવામાં આવેલો એ પછી 2004-5થી જીઆઇ ટેગનો આરંભ થયેલો. એ માટે જીઆઇ રજીસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનો અલગ વિભાગ ચાલે છે. પ્રથમ ટેગ દાર્જીલીંગની ચાને મળ્યું હતુ. જીઆઇ ટેગ ભૌગોલિક ઓળખનું પ્રતિક છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના એક ટ્રેડ રીલેટેડ આસ્પેક્ટ્સ ઓફ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ (ટ્રાઇપ્સ)નામના કરાર હેઠળ જીઆઇ ટેગ અમલમાં આવ્યું છે. આ માટે 1999માં જ્યોગ્રોફીકલ ઇન્ડીકેશન ઓફ ગુડઝ નામનો કાયદો બહાર પડેલો છે. ભારત ડબલ્યુટીઓનો સભ્ય દેશ છે એટલે દેશમાં ય જીઆઇ ટેગ અમલી બન્યું.
ભારતમાં અત્યાર સુધીમાં આશરે 200 કરતા વધારે ચીજવસ્તુઓને જીઆઇ ટેગ મળી ચૂક્યાં છે. એમાંથી 64 ટકા જેટલી હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ છે. 26 ટકા કૃષિ પેદાશો અને બાકીની 10 ટકા ચીજો ખાદ્ય અને ઉત્પાદકિય ક્ષેત્રની છે. દક્ષિણ ભારતીયો ટેગ મેળવવામાં સૌથી આગળ છે. કર્ણાટક તેમાં ટોચ પર છે. બાદમાં આંધ્ર, કેરળ અને તામિલનાડુંનો ક્રમ આવે છે.
ભારતમાં જીઆઇ ટેગની મોડે મોડે શરૂઆત થઇ. વિદેશી રાષ્ટ્રો આ દિશામાં બહુ વહેલા હતા. યુરોપમાં 199માં એક સર્વે થયો એમાં 40 ટકા ગ્રાહકોએ જીઆઇ ટેગવાળી પ્રોડક્ટ માટે 10 ટકા પ્રિમિયમ ભાવ ચૂકવ્યો હતો ! ઉત્પાદકોને ય આવા ટેગનો ખરેખર લાભ છે એટલે જ ભારતમાં ય હવે જીઆઇ ટેગ મેળવવા માટેની અસંખ્ય અરજીઓ સરકારમાં આવવા લાગી છે.
કાયદા પ્રમાણે જીઆઇ આપવામાં આવ્યું હોય એના ભળતા નામ, શબ્દ કે ફોટોગ્રાફ સાથે એવી જ ચીજ વેંચી શકાતી નથી. જીઆઇ ટેગવાળી ચીજો સાથે બિનજરુરી હરિફાઇ કરવી એ પણ ગુન઼્હો છે. અલબત્ત ભારત જેવા દેશમાં તેનો અમલ બહુ ઓછો થાય છે એ વાત જુદી છે. પણ યુરોપ અને અમેરિકામાં આ માટે સખ્ત કાયદા બનેલા છે, મહત્વનું એ છેકે તેનો અમલ પણ થાય છે.
ભારતમાં હંમેશા કાયદો હોય ત્યાં છટકબારી રહેલી છે. જો કદાચ કાયદો સારોહોય તો તેના નકારાત્મક પાસા, પડકારો અને સમસ્યાઓ પણ એટલી જ સર્જાતી હોય છે. જીઆઇ ટેગમાં પણ એવું છે.
જીઆઇ ટેગની મર્યાદા ય મોટી છે. દાર્જીલીંગ ચાને ભારતમાં જીઆઇ ટેગ મળેલું છે એટલે ભારતમાં કોઇ દાર્જીલીંગના નામે ભળતી ચા વેંચે તો તેને જેલ કે દંડ થઇ શકે. પરંતુ જો શ્રીલંકાનો કોઇ વ્યક્તિ દાર્જીલીંગના નામે ફ્રાન્સમાં નિકાસ કરે તો તેના પર ભારતમાં કોઇ કાર્યવાહી ન થઇ શકે, ભારતે ફ્રાન્સની અદાલતમાં એ માટે પીટીશન કરવી પડે ! ડબલ્યુટીઓ તેમાં મધ્યસ્થી બને. આવું થાય ત્યારે યુરોપમાં ભારતની દાર્જીલીંગ ચા માટે જીઆઇ ટેગ લેવું પડે. આવું તો કેટલાય દેશમાં બની શકે તો શું ઉત્પાદકોએ બધા દેશમાં ટેગ લેતા ફરવાનું ?
આ મોટી કાયદાકીય સમસ્યા છે તે દૂર કરવા માટે જે તે દેશે જીઆઇ મેળવી લેવું અને પછી તેનો ડેટા ડબલ્યુટીઓ રાખે જ્યારે પણ કોઇ સમસ્યા સર્જાય ત્યારે તેનું રક્ષણ ડબલ્યુટીઓ કરે એવી વ્યવસ્થા હોવી જોઇએ. પણ કાયદા બનાવ્યા પછી છટકબારી પણ હોવાનો આ ઉત્તમ નમૂનો છે.
સરકારે જ્યોગ્રોફીકલ ઇન્ડીકેશન રજીસ્ટ્રી માટે ભારતભરમાં તમામ કાયકદાકીય સમસ્યા સર્જાય તો તેના નિવારણ માટે ચેન્નઇને હેડક્વાર્ટર બનાવેલું છે. દેશના તમામ ભાગોમાંથી ત્યાં જઇને કાયદાની ગૂંચ દૂર કરવી મુશ્કેલ બનતી હોય છે. એક વખત જીઆઇ ટેગમાં નોંધણી થાય એ પછી તે દસ વર્ષ સુધી જ માન્ય રહે છે. તેનું દસ વર્ષ બાદ રિન્યૂઅલ થઇ શકે છે. પરંતુ તેમ ન થાય તો ટેગ પરત ખેંચાઇ જાય છે. વળી, ભારત મોટી સામાજીક, સાંસ્કૃતિક અને પરંપરાગત ભિન્નતા ધરાવતો દેશ છે. અસંખ્ય એકસરખા ઉત્પાદકો પ્રદેશે પ્રદેશે બને છે. મોટાંભાગના ઉત્પાદકો નાના અને ગામડાંના વિસ્તારોના હોય છે. આ બધાને સંગઠિત કરીને એક છત્ર હેઠળ લાવીને જીઆઇ નોંધણીની અરજી કરાવવી મુશ્કેલ અને પડકારરુપ છે.
ભારતમાં બીજી પણ એક મર્યાદા એ છેકે, જીઆઇ ટેગ મેળવી લીધાં પછી પણ તેનો ઉપયોગ ફક્ત 31 ટકા જેટલો જ થાય છે. એક સર્વે પ્રમાણે બનારસી સાડીના નામે જીઆઇ ટેગ ધરાવનારાની સંખ્યા સૌથી મોટી 65 ટકા જેટલી છે. એ પછી 59 ટકા જેટલી સંખ્યા બિકાનેરી ભૂજીયાની અને 7 ટકા જેટલી સંખ્યા મલાબાર મરીની છે. આવી ચીજોનું મોટાંભાગે રિટેઇલ વેચાણ થતું હોય છે ત્યારે ગ્રાહકો જીઆઇ ટેગ પર બહુ ધ્યાન આપતા હોતા નથી. અલબત્ત એ માટે થોડી ઉંચી કિંમત પણ ચૂકવવી પડે છે એ માટે ય લોકોની બહુ તૈયારી હોતી નથી. તેના જેવી ભળતી ચીજ થોડી સસ્તી મળે તો ય ભારતીયો આકર્ષાય છે. આ એક કડવી વાસ્તવિકતા છે. જોકે તેને કારણએ જીઆઇ ટેગનું મહત્વ ઘટી જતું નથી. આ ટેગ ઉત્પાદકો કે પ્રદેશ માટે ખરેખર ગૌરવની વાત છે. બસ તેના કાયદાઓ થોડાં કડક બનાવવાની જરુર છે. એ કામ ડબલ્યુટીઓ ગંભીરતાથી કરી શકે.
--------
જીઆઇ ટેગ ટ્રેડમાર્કથી ભિન્ન છે
મોટાંભાગના લોકો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક અને જીઆઇ ટેગને મીક્સ કરી નાંખે છે. વાસ્તવમાં બન્ને ભિન્ન છે. કોઇ ચોક્કસ જગ્યા કે વિસ્તારની ચીજ જીઆઇ કહેવાય છે. ટ્રેડમાર્ક કોઇ કંપની કે ઉત્પાદકો બનાવેલી ખાસ પ્રોડક્ટ છે. જીઆઇના હક્ક કોઇ ચોક્કસ સમુદાય, સંગઠન કે ઉત્પાદકો લઇ શકે છે. ટ્રેડમાર્ક વ્યક્તિગત છે. જીઆઇ ટેગ ફક્ત માલસામાન કે ચીજમાં મળી શકે છે. ટ્રેડમાર્ક માલસામાન ઉપરાંત સેવાઓ પર પણ લાગી શકે.
---
જીઆઇ ટેગ કેવી રીતે મળે ?
- જે તે ચીજવસ્તુ ચોક્કસ પ્રદેશના ભૌગોલિક વિસ્તારમાંથી હોવી જોઇએ. આ પ્રદેશની ચોક્કસ ગુણવત્તા, શાખ અને ખરાપણાના દસ્તાવેજો જરુરી છે. જો તે પ્રદેશનું ભૌગોલિક વાતાવરણ, તેના કારીગરો અને તેની ઉત્પાદન પ્રક્રિયા બધી જ માહિતી સાથે અરજી કરવી પડે છે.
- જેતે ચીજ બને છે ત્યાંનો ભૌગોલિક નકશો ધ્યાને લાવવો.
- ચીજવસ્તુનો ચોક્કસ શબ્દ અને તેના પાસાની તમામ માહિતી.
- ચીજવસ્તુ પોતાના વિસ્તારની ભૌગોલિક ઓળખ ધરાવે છે અને ચોક્કસ લોકો તેની સાથે સંકળાયેલા છે એવું એફિડેવીટ આપવું પડે.
- જેતે ચીજમાં કોઇ માનવીય પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે અને ક્યા ભૌગૌલિક વાતાવરણમાં તે બને છે તેની વિસ્તૃત માહિતી આપવી પડે છે.
- જેતે પ્રદેશની પરંપરા અને સંસ્કૃતિનો ખાસ ઉલ્લેખ કરવો જરુરી છે.
જીઆઇ ટેગ માટે જરુરી દસ્તાવેજો સાથેની અરજી જીઆઇ રજીસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં રજૂ થાય એ પછી તેને ક્રૂટીનાઇઝ કરાય અને એમાં કોઇ વાંધઆ નજરે પડે તો અરજદારને નોટિસ મળે છે, એમાં ભૂલો કે ખૂટતી વિગતો સુધારીને એક માસમાં પ્રત્યુત્તર આપવાનો થતો હોય છે. પ્રથમ ચરણ પૂરું થાય એ પછી ટેકનીકલ રીતે નિષ્ણાત લોકો તેની યથાર્થતા ચકાસે છે. ફરી લાંબી તપાસ થાય છે. એ યોગ્ય લાગે તો પ્રક્રિયા આગળ ચાલે અને તે માટેની જાહેરખબર અખબાર કે માધ્યમોમાં આવે છે અને તેની સામે વાંધાસૂચનો મંગાવાય છે. આ તમામ પ્રક્રિયામાંથી પસાર થાય એ પછી જે તે વસ્તુને ટેગની ફાળવણી થાય છે. આ પ્રોસેસ દેખાય છે એટલી સહેલી નથી. ખૂબ જટિલ અને લાંબી છે.