ડેબીટ કાર્ડ
આસ્થા અને મયુર . કેટલા સુખી હતા . ૧૦ બાય ૧૦ ની રૂમ માં, પણ નજીક કેટલા . સવારનો ગયેલો મયુર રાત્રે થાકીને પાછો આવે તો પણ એ આસ્થાને ગમતો . પણ હવે નો મયુર કેટલો બદલાઈ ગયો હતો .
હવે નો મયુર એક નેતા બની ગયો હતો .મહિના નાં ૩૦ દિવસમાં એ મુશ્કેલી થી ૩ દિવસ આસ્થા સાથે રહેતો હતો બાકી તો બસ બહારગામ જ રહેવાનું થતું એનું . હજી કાલે સાંજે જ તો મયુર બેંગ્લોર થી પાછો આવ્યો હતો . રાત્રે જ મયુરે કહી દીધું હતું કે કાલે બહારગામ જવાનું છે . સવારથી આસ્થા , મયુરની બેગ જ ભરતી હતી . આજે પાછુ મયુર ને જવાનુ હતુ , આજે પાછુ મુંબઈની બહારના કોઇ નાના ગામડામા અથવા કોઇ મોટા શહેરમાં ક્યાં જાય છે એ પણ હવે આસ્થા એ પુછવાનું મુકી દીધુ હતુ..કારણ એને શું ફરક પડવાનો હતો કે મયુર ખત્રી ક્યાં જાય છેં..પહેલા એ ફરીયાદ પણ કરતી પણ હવે તો એ પણ મુકી દીધી હતી..ખબર છે મયુર ને કંઇ જ ફરક નહોતો પડવાનો..પછી ખોટુ પોતાનું મોઢુ દુખાડવાનું ,એનુ એક જ તો કામ હતુ કે એણે મયુરનાં કપડા ઇસ્ત્રી કરાવેલા તૈયાર રાખવનાં..ધોબી સાથે મગજ મારી કરવાની, કારણ એને ઘરમાં ધોવાયેલા કપડા ગમતા નહી એટલે એનાં કપડા બહાર ધોવા જતા..એક ટ્રીપ પતાવીને આવે એટલે એ બધા ધોવા નાંખવાનાં અને એ તૈયાર રાખવાનાં .બસ આટલુ જ કામ હતું આસ્થાનું .
મયુર બહારગામ માં થી આવે અને થાય તો એક રાત આસ્થા સાથે રહે અને નહી તો એ જ દિવસે સાંજ ની ફલાઈટ હોય પાછી..ક્યારેક કોઇક દુ:ખના પ્રસંગ હોય અને હાજરી આપવી હોય તો એને સાથે લઈ જવામાં આવતી..કારણ ત્યાં એકલુ ન જવાય..બાકી તો એ ઘર માં જ રહેતી..બહાર એ મયુર ખાતરીની પત્ની તરીકે ઓળખાતી. જ્યારે નીકળતી ત્યારે મયુરનો આગ્રહ રહેતો કે સિલ્કની કડક સાળી પહેરવાની .
મયુર હવે એની માટે પણ મયુર ખત્રી થઈ ગયો હતો..હવે ક્યાં એ એનો મયુર રહ્યો હતો..જેની સાથે એ પરણી હતી એ આ મયુર થોડો હતો.. એ મયુર તો પ્રેમ થી ભરેલો હતો..ફકત એની માટે જીવવા વાળો હતો..એક સાદો સર્વીસ મેન..કે જે સવારે ટીફીન લઈને જતો..સાંજે લોથ પોથ થઈને આવતો અને પછી બસ એ અને આસ્થા ..એક બીજા માં ખોવાઈ જતા..મયુર ને ખબર હતી કે વધારે ગુલકંદ વાળુ પાન આસ્થાને બહુ ભાવતુ એ હંમેશ એની માટે યાદ કરી ને લઈ આવતો..
બસ આસ્થાને ખુશ થવા માટે આટલું જ તો જોઈતું હતું થઈ..કે મયુર ને યાદ તો રહેતુ કે આસ્થા ને પાન ભાવતુ હતુ..ભલે સોના ચાંદી નાં ઘરેણા ન લે પણ નાની વાતો થી પણ પત્ની ઓ ખુશ થઈ જાતી હોય છે ..પણ એ કોઈ
પતિ ને ક્યાં ખબર જ પડતી હોય છેં..
એમનાં ખરાબ દિવસો ની શરુઆત થઈ જ્યારે એનાં પેટ માં બાળક રહ્યું..આમ એ દિવસો ને સારા કહેવાય જ્યારે પહેલુ બાળક આવવાનું હોય..પણ ભાવીનાં ગર્ભ જોઇ શકાતા હોત તો મયુર એ અને આસ્થા એ ખુશી ન મનાવી હોત..કદાચ બાળક જ ન કર્યું હોત . આખી જિંદગી બાળક વગર જ જીવી લેત . પણ સારુ છે કે ભવીષ્ય જોવાની રીત પ્રભુ એ રાખી નથી . નહિ તો કોઇ ખુશ રહી જ ના શકત..બધા પોતાની મરજી થી નિર્ણયો લેત અને ભગવાનમાં માનવાનું પણ મૂકી દેત.
એ દિવસે બંને એ બહુ ખુશી મનાવી હતી..બંને બહુ ખુશ હતા કે એમનું પહેલું બાળક આવવાનું હતુ..એ બંને એનાં સપના માં ખોવાઇ ગયા હતા.રોજ એની માટે પાન આવવા લાગ્યું હતું. આસ્થા ને ખુશ રાખવાનાં બધા જ પ્રયત્નો મયુર કરતો..કોઇ વાત બાકી નહોતો રાખતો..પાગલ પાગલ થતો એ..એને એક છીંક પણ આવતી તો એ વ્યાકુળ થઈ જતો..ગરમ કપડા થી માથા પર અને છાતી પર શેક કરતો..ક્યારેક આસ્થા મસ્તી કરતી કે "મયુર મે નક્કી કર્યું છે કે હવે હર વર્ષે એક બાળક કરવું..આટલુ ધ્યાન જો તુ રાખવાનો હોય તો આ બાળક કરવુ મને ફાવશે..અને મયુર જોર જોર થી હસતો અને કહેતો . "એ આસ્થા દયા રાખજે મારા પર..મારા માં તાકાત નથી આટલા બાળકો ને સંભાળવાની..હુ તને આમ જ સાચવીશ બસ.."
અને બંને હસતા હસતા સુઈ જતા.. બસ આમ જ હસતા હસતા દિવસો નીકળતા હતા.
ક્યારેક રાતનાં મયુર ચિંતા કરતો જાગતો હતો , એક વાર આસ્થાએ એને પૂછ્યું કે “ શું ચિંતા કરે છે આટલી ?
મયુરે જવાબ આપ્યો “ હું વિચારું છું કે શું આપણને એક બાળકને દુનિયામાં લઇ આવવાનો હક્ક હતો ? શું આપને એ બાળકને બધી ખુશી આપી શકશું ? શું એ મોટું થઈને મને પૂછશે તો નહિ ને કે શું જોઇને મને જન્મ આપ્યો હતો ? આ ૧૦ બાય ૧૦ ની રૂમ માં આપણે એને મોટુ કેવી રીતે કરશું ? મને બહુ ડર લાગે છે આસ્થા ..
ત્યારે આસ્થા એના માથા પર હાથ ફેરવીને કહેતી “ ચિંતા ન કર , એના નસીબનું એ લઈને આવશે . આપને કોણ છીએ નક્કી કરવા વાળા ? હમણાં બસ એના સપના જો અને ખુશ થા .“
એક પછી એક મહિનો જાતો હતો . સાતમો મહીનો બેઠો એક એક રૂપીયો બંને ભેગા કરતા હતા . મયુર ઓવર ટાઈમ કરતો હતો . આસ્થા થી હજી બેસી શકાતું હતું એટલે તે પણ ઘરમાં બેસીને સાળીના ફોલ બિડિંગ નું કામ કરતી હતી . . પણ કુદરતે કૈક અલગ જ વિચારી રાખ્યું હતું સાતમે મહીને જ આસ્થા ને તકલીફ થઈ અને એને ડોકટર પાસે લઈ જવામાં આવી..
ડોકટર એ કહ્યું ગર્ભાશય નું મોઢુ ખુલી ગયું છે એમને એડમીટ કરવા પડશે..અને કેટલા દિવસ રાખવા પડશે એનો કોઇ અંદાજો નથી"
મયુરે કહ્યું " હુ એને ઘર માં પુરો આરામ કરાવુ તો ચાલશે સાહેબ.."
અને ડોકટર ગુસ્સે થઈ ગયાં " બાળક કર્યુ ત્યારે અક્કલ નહોતી કે પૈસા જોઈશે . એક બાળક કરવા માટે ...બસ કરવુ એટલે કરવું..તમે ઘરે લઈ જાવ તો મારી કોઇ જીમેદ્દારી નહી..પછી મને ન કહેતા કંઇ.."
અને મયુરે કહ્યું કે " અહીયાં રાખીશ તો તમારી જીમેદ્દારી કે મારા બાળક ને અને મારી આસ્થા ને કંઇ નહી થાય.ઃ
ડોકટર ચુપ થઈ ગયાં . શું જવાબ આપે..
પણ થોડી વાર રહીને તેઓ બોલ્યાં કે " જો ભાઈ અહીયાં હુ મારી કોશિશ કરી શકીશ..તુ ત્યાં કંઇ નહી કરી શકે..એટલે કહુ છું..કારણ તકલીફ વાળો કેસ છે..."
મયુરે વિચાર્યું કે શું ડોક્ટરની પોતાની પત્ની અને બાળકો દાખલ થતા હશે ત્યારે પણ ડોકટર એને કેસ જ કહેતા હશે કે...મારી તો પત્ની અને બાળક હતુ..એણે ડોક્ટર ને પુછ્યું કે કેટલા રુપીયા ભરવા પડશે મારે..
ડોકટરે કહ્યું "હમણા દસ હજાર ભરી જાવ પછી કહીશ બીજા.."
અને મયુરને લાગ્યુ કે એને જો કોઇ ટેકો નહી આપે તો એ પડી જ જાશે..
એનો પગાર હતો ૬૦૦૦ રુપીયાં..ઓવર ટાઈમ સાથે ૮૦૦૦
અને ભરવાનાં દસ હજાર અને આગળ કેટલા થાય ખબર ન હતી...
છતાએણે આસ્થા ને દાખલ કરી..અને પોતે ઘરે ઘરે પૈસા ભેગા કરવા નીકળ્યોં..પણ પાંચ ઘર માં થી એને દસ હજાર સામે પાંચશો રુપીયા મળ્યાં..એણે વિચાર કર્યોં કે આ તો શરુઆત છે આગળ એ કેટલા દરવાજા ખટકાવશે..તો શું કરે ?? શું આસ્થા ને ઘરે લઈ આવે..?પણ જો એનું બાળક નહી બચે તો..
શું કરવુ એ એને નહોતુ સમજાતુ..
ત્યાં એને યાદ આવ્યો એનો સ્કુલ નો દોસ્ત અમર..એ હવે પોલીટીકસ માં હતો..સાંભળ્યું હતું કે એની પાસે પૈસા પણ બહુ હતા..
એ એનાં ઘરે ગયોં..
ત્યાં અમર મળ્યોં..એણે બધી વાત કરી..અમરે બે મિનીટ વિચાર્યુ અને પછી એણે મયુરને કહ્યું "જો દોસ્ત હુ જે લાઈન માં છુ એ લાઇન માં એક હાથે દેવાનુ તો બીજા હાથે લેવાનો નિયમ છેં..તુ મને શું આપીશ એ કહે..
મયુરે કહ્યું "મારી પાસે કંઈ હોત તો હુ તારી પાસે લેવા જ ન આવત..અમર.."
અમરે કહ્યું " અરે ધીરે બોલ મને અહીયાં બધા ભાઈજી કહીને બોલાવે છે..આમ નામ થી ના બોલાવ.."
મયુર અચરજ થી એને જોતો રહ્યોં..
અમરે હસીને કહ્યું "તારે બનવુ છે કે ભાઈજી...મારી પાસે સાધારણ ઘર નુ કોઇ વ્યક્તિ નથી કે જેને હુ મારી બદલે ઉભો રાખુ ચુંટણી માં ..અને કામ બધુ હુ ઇચ્છુ એવુ થાય..બોલ તુ બનીશ મારી માટે એ હાથો.."
મયુરે કહ્યું "અમર મને કોણ વોટ આપશે??"
અમરે કહ્યું " એ બધી તુ ચિંતા ના કર બસ મારી સાથે દગો ના કરતો કોઇ દિવસ..નહી તો એ દિવસ તારી જિંદગી નો છેલ્લો દિવસ હશે..."
મયુર એ કહ્યું" એ મને ખબર પડી ગઈ છે ..હમણા તુ મારા બાળક ને બચાવ બાકી મારી જિંદગી હુ તારા નામે લખી નાંખુ છુ"
ત્યાં અમરે પુછ્યું " તુ હમણા પૈસા લઈ જાય છે પણ તારુ બાળક નહી બચે તો..."
મયુર ને થયું આટલી હદ સુધી વાતો હોય રાજકરણ માં..એક વાર તો એમ થયું કે અમરની આવી વાત સાંભળીને એ દાદરો ઉતરી જાય . પણ એની પાસે આ સાંભળી લેવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો .
એણે પોતાનું મન મજબુત કરીને કહ્યું " મારું બાળક બચે કે ના બચે..પણ મને એ સફસોસ તો નહી રહે કે મે કંઇ કર્યું નહી..ભલે એની માટે મારે મારી જાત તારી પાસે ગીરવી રાખવી પડશે હું રાખવા તૈયાર છું. અને જિંદગીમાં ક્યારેય દગો પણ નહિ કરું એ પણ ભરોસો રાખજે "
અમરે એને તીજોરી માં થી એક લાખ રુપીયા કાઢી ને આપ્યાં. અને કહ્યું કે “આમાથી તારા માટે સફેદ કુર્તા પાયજામા લઈ લેજે..અને હજી પણ જેટલા જોઇયે એટલા આપીશ ચિંતા ના કરતો...મને માફ કરજે કે હું તારા બાળક માટે આવું બોલ્યો . પણ રાજકારણે આ ભાષા શ્ખવી દીધી છે અને કોઈ પર પણ ભરોસો ન કરવાનું પણ શીખવ્યું છે . તું હમણાં જા. જેટલા રૂપિયા વપરાય એટલા વાપરજે હું આપીશ પણ તારા બાળકને બચાવવાના બધા પ્રયત્નો કર . તારું બાળક આવી જાશે પછી આપને બહુ મોટી પાર્ટી કરશું . ..."
એ એક લાખ હાથ માં લેતા મયુર ને ધ્રુજારી થઈ ગઈ..એણે ક્યારેય વિચાર્યું ન હતુ કે એનાં હાથ માં પણ ક્યારેક લાખ રુપીયા હશે..
ત્યાં થી ભાગી ને એ હોસ્પીટલ માં ગયો..પૈસા જમા કરાવ્યાં પણ આસ્થા ને બધી વાત ન કરી..
ફક્ત એટલુ કહ્યું કે " મે નવી નોકરી શોધી છે તો હવે હુ આખો દિવસ નહી મળુ ..ત્યાં કામ વધારે છેં.." એ અમર સાથે કોઈ પણ રીતનો દગો કરવા માંગતો ન હતો. કારણ ખુબ જ ખરાબ સમયે અમરે એનો હાથ પકડ્યો હતો .
પણ આસ્થાને એ જ દિવસ થી મયુર માં એને ફરક દેખાવા લાગ્યો હતો..કપડા નવા નવા પહેરવા લાગ્યોં..એની સુખ સગવડ વધી ગઈ...આસ્થા ને ફસ્ત્ક્લાસ્ના રૂમ માં દાખલ કરી. ડોક્ટરને પણ આશ્ચર્ય થયું કે આટલા રૂપિયા અચાનક ક્યાંથી આવી ગયા . આસ્થા એ બહુ વાર પૂછવાની કોશિશ કરી પણ હર વખતે મયુરે એ જવાબ પ્રેમ થી ટાળી નાખતો .
પણ દિવસે દિવસે એ દુર થતો ગયોં..
અને ત્યાં સુધી નો દુર કે જે દિવસે એનું બાળક આઠમે મહીને આવ્યું અને એ જતુ પણ રહ્યું તો પણ એ હાજર નહોતો..
એને ગોતવો પડ્યોં ..ત્યારે એ માંડ માંડ મળ્યોં ..
આવ્યાં પછી એ ખુબ રડ્યો કે જેની માટે મે મારી જાત વહેચી એણે જ સાથ ન આપ્યોં..
બસ એ દિવસ છેલ્લો હતો જ્યારે એ એને એક પતિ તરીકે મળ્યો હતો.
પછી તો એ મયુર ખત્રી મોટો નેતા બની ગયોં..
અને આગળ જ વધતો ગયો..અને વ્યસ્ત જ રહેતો ગયોં..
પછી આસ્થા ને બીજુ બાળક પણ ન રહ્યું ..
એ એકલી થઈ ગઈ...
એની પાસે હવે મયુરની બદલીમાં એક ડેબીટ કાર્ડ હતુ કે જેમાં લાખો રુપીયા ની બેલેંસ હતી...
મયુર હમેશ એને કહેતો કે બસ તું શોપિંગ કર અને મજા કર.
પણ આસ્થા એને કેવી રીતે સમજાવે કે પાન વાળા પાસે ડેબીટ કાર્ડ ના ચાલે..અને ચાલતુ પણ હોય તો એ મયુર ખત્રી તો એ પાન ન જ લાવ્યોં હોય ને..
પણ હવે બધી ફરીયાદ એણે કરવાની બંધ કરી દીધી...કારણ એક દિવસ મયુરે એને હકીતની જાન કરી હતી કે કેવા સંજોગો માં એને આવા નિર્ણયો લેવા પડ્યા હતા . આસ્થાએ માની લીધું હતું કે આ જ એના નસીબમાં લખાયેલું હતું. નાનપણમાં સાંભળ્યું હતું કે બધા સુખ ન મળે . એમ જ આસ્થાને જ્યારે મયુરનું સુખ હતું ત્યારે પૈસાનું નહોતું અને પૈસાનું સુખ મળ્યું ત્યારે મયુરનું સુખ ખોવાઈ ગયું હતું .