એકબંધ રહસ્ય
ભાગ - 15
Ganesh Sindhav (Badal)
ઉનાળું વેકેશન પૂરું થયું. દવાખાનેથી રજા મળ્યા પછી સુરેશ અને રઝિયા આરામ કરવા માટે રામપુરા ગયા. આયશા એકલી સંસ્થાએ પહોંચી. છાત્રાલયના બાળકો અને કર્મચારીઓ સાથે એને ફાવતું હતું. ઘણા દિવસથી આશા દાક્તરનું દવાખાનું બંધ હતું. તે એણે શરૂ કરી દીધું. જરૂરી ચીજવસ્તુ આરબની દુકાનેથી આવતી હતી. શિક્ષણનું કામ રાબેતા મુજબ ચાલવા લાગ્યું.
જયાની ફરિયાદનો કેસ પોલીસે કોર્ટમાં મોકલી આપ્યો હોવાથી કોર્ટ દ્વારા સુરેશને પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, ‘જરૂરી પુરાવા અને સાક્ષી સાથે ૩૦ જુલાઈએ કોર્ટમાં હાજર થવું.’ નિયત તારીખે સુરેશ, રઝિયા, વિઠ્ઠલભાઈ અને વકીલ કોર્ટમાં હાજર થયા. સામે પક્ષે જયા એના બાપુ અને વકીલ હાજર હતા. ન્યાયાધીશે પ્રથમ જયાનું બયાન લીધું.
ન્યાયાધિશ સમક્ષ જયાએ જણાવ્યું, “આજથી આઠ વરસ પહેલાં મારાં લગ્ન હિન્દુ વિધિ મુજબ સુરેશ પટેલ સાથે થયા હતા. મારો કોઈ વાંક ગુનો નથી. તેઓ મને સાસરે તેડી જતા નથી. હું સુરેશ પટેલની કાયદેસરની પત્ની હોવા છતાં તેમણે બીજા લગ્ન કર્યા છે. હાલ બીજી પત્ની સાથે તેઓ રહે છે.”
ન્યાયધીશે સુરેશને હાજર થવા ફરમાન કર્યું. સુરેશે ન્યાયધિશ સમક્ષ પોતાનું બયાન આપ્યું.
“જયાએ જે કહ્યું તે સત્ય છે. મેં ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કર્યા છે. મારું નામ સુરેશને બદલે અરહમ પટેલ છે. મારી પત્ની જન્મેથી મુસ્લિમ છે. એનું નામ રઝિયા છે. જે અહીં હાજર છે. અમે અમારાં લગ્ન કોર્ટમાં રજીસ્ટર કરાવેલ છે. કોર્ટે અમને આપેલ દાખલો મારી પાસે મોજુદ છે.”
ન્યાયધિશે રઝિયાને હાજર થવાનું ફરમાન કર્યું ને એને પૂછ્યું, અરહમ પટેલ જે કહે છે તે સાચું છે ?”
રઝિયા કહે, “હા એ મારા પતિ છે. તેમણે જે કહ્યું તે સત્ય છે.”
બંને પક્ષોના વકીલોએ જરૂરી પુરાવા-ફોટા વગેરે રજુ કર્યા.
માત્ર એક અઠવાડિયામાં કોર્ટે પોતાનો ફેંસલો જણાવ્યો. ‘મુસ્લિમ કાયદા મુજબ અરહમ બે પત્ની રાખી શકે છે. કોર્ટ એમને બેકસુર જાહેર કરે છે.’
વિઠ્ઠલભાઈ પટેલના સુરેશે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને મુસ્લીમ પત્નીને ઘરમાં રાખી છે. અર્ધશિક્ષિત અને અભણ ગામ લોકો માટે આ વિચિત્ર અને નવાઈની વાત હતી.
ધાર્મિક લાગણીવાળા કહે, આ હળાહળ કળજગ આવ્યો છે. હિન્દુ ધર્મ માટે આ કલંક છે. કોઇપણ સાચો હિન્દુ વિધર્મી પત્નીને કદીયે ઘરમાં રાખે જ નહીં. આજનું ભણતર નકામું છે. જે ભણતર ધર્મને ગણકારે નહીં એ ભણતર શા કામનું ? આ સુરેશે આપણા ગામની આબરૂને બટ્ટો લગાડ્યો છે. ગામમાં જ્યાં ને ત્યાં આ વાત ચાલતી હતી. વિઠ્ઠલભાઈ પટેલના ઘરે લોકો જવાનું ટાળતાં હતા.
સુરેશની વહુ રાજલ મુસલમાન છે. સુરેશ પણ મુસલમાન બન્યો છે. આ વાત જાણીને રેવા હગબગ બની. આઘાત લાગવાથી એને ચક્કર આવ્યા. એની નજીક રાજલ બેસે એ એને ગમતું ન હતું. એને થતું ‘તું કે આ બલા અહીંથી જાય તો સારું. સુરેશ પણ એણે વેરી જેવો લાગતો હતો. સુરેશે ગામમાં કે સમાજમાં મોં બતાવવા જેવું રહેવા દીધું નથી. આ કપૂત અને એની વહુ ઘરમાંથી જલદી જવા જોઈએ.
વિઠ્ઠલભાઈએ રેવાને કહ્યું, “તું શાંત થા. તારા આ હાયવલોણા જોઇને સુરેશ અને એની વહુ દુઃખી થાય છે. રાજલ હિન્દુ હોય કે મુસલમાન. આખરે એ આપણા ઘરની વહુ છે. એના પ્રત્યે નફરત રાખવી એ પાપ છે. આપણા થકી જો એનો અનાદર થશે તો એ ક્યાં જશે ? આપણે માણસ છીએ. હિન્દુ-મુસ્લિમ એ બધા માણસ છે. સુરેશે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો એ કારણે આપણને નાતના પટેલો ગોળબહાર મૂકશે તો ભલે મૂકે. સમાજમાં આપણી નિંદા થશે તો ભલે થતી. આપણે વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં જઈને રહીશું. ત્યાં ગરીબ આદિવાસીઓને સહાયભૂત બનીશું. સુરેશ અને રાજલે ગરીબના કલ્યાણનું કામ ઊપાડ્યું છે. એ ધર્મનું કામ છે. એને સહાય કરવી એ આપણી ફરજ છે.”
પોતાના પિતા વિઠ્ઠલભાઈના વિચારોની ઝલક ખુદ એમના મોઢેથી સુરેશને પ્રથમવાર સંભાળવા મળી. એ આજ સુધી પોતાના પિતાને સામાન્ય ખેડૂત સમજતો હતો. એસ.એસ.સી. સુધી ભણેલા વિઠ્ઠલભાઈની નૈતિક સમજદારી સમાજ પરિવર્તનના ધોરી માર્ગથી આઘીપાછી ફંટાતી નહોતી. એમનો અવાજ નિર્ભય હતો. સુરેશ એમને ભેટી પડ્યો. રેવા અને રાજલે એ બંનેના મિલનને જોયાં કર્યું.