ડો .વિશાલે ફરી એક વાર રીપોર્ટસ ચેક કર્યા .
એમના ડેસ્ક પર પડેલી "મોવાડો " વોચનો માસ્ટરપીસ રાતના આઠ અને વીસનો સમય બતાવી રહ્યો હતો . વિચારોમાં ખોવાયેલા એ એકીટસે ઘડિયાળને તાકતા રહ્યા . આઠને વીસ ..આઠને એક વીસ ..આઠને બાવીસ ..બન્ને કાંટા એકબીજાની નજીક જઈ રહ્યા હતા . બે કાંટા વચ્ચેનો વિસ્તાર સંકોચાઈ રહ્યો હતો . પ્રાઈવેટ રૂમ નંબર 207 ના દર્દીનાં ફેફસાંની જેમ જ . માથું ધુણાવીને એમણે વિચાર ખંખેરી નાખ્યો .
ફરી વાર રીપોર્ટસ પર એક અછડતી નજર નાખી . સાંજના પાંચ વાગ્યાના રીપોર્ટસની સરખામણીએ અત્યારના નવા આવેલા રીપોર્ટસ ઘણા રાહતદાયક હતા . રીપોર્ટસના ખૂણે રૂમ નંબર 207 લખેલું સ્પષ્ટ વંચાતું હતું . રૂમ નંબર 207નો દર્દી ...કોણ હતો એમનો ..?,સગપણથી તો કાંઈ નહિ , તો પણ એક ડોક્ટરને ના પોસાય એવી માયા થઇ ગઈ હતી એની સાથે . છેલ્લે એને આહીંથી ડીસ્ચાર્જ કર્યો , ત્યારે એમણે જ કહ્યું હતું કે "અનિ, મેક સ્યોર યુ સી મી ઓન જાન્યુઆરી ફોર્ટીન્થ , ફોર ચેક અપ . " અને અનિએ ગંભીર થઇ જઈને કહ્યું હતું . " ડોક્ટર ફોર્ટીન્થના તો પોસીબલ નથી . " , ડોકટરે એની સામે પ્રશ્નસૂચક નજરે જોયું હતું , અને અનિએ વંકાયેલા હોઠે સ્મિત છુપાવતા જવાબ આપ્યો હતો .."ફોર્ટીન્થના તો મારે આ અશ્ફાકના મેરેજ માટે પેલું શું કહે છે ..?, યલો ક્લોથ ..યેસ ..પીતાંબર , લેવા જવાનું છે . મારે એને પેલી બાજીરાવ વાળી , દીપિકા સાથે પરણાવવાનો છે ને ..?" ..અને ડોક્ટર અને અશ્ફાક બન્ને હસી પડ્યા હતા .
જોકે ચૌદમી જાન્યુઆરી પહેલાં જ એ આવી ગયો . પણ કેવો ..?, દોરેથી વીખૂટા પડેલા તુક્કલ જેવો ..નિઢાલ ..નિસ્તેજ ..
ડો. વિશાલને યાદ આવી ગઈ બે દિવસ પહેલાની ઘટના ...હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રવેશતી એમ્બ્યુલન્સનો ચીત્કાર .. સ્ટ્રેચર પર સુતેલા અનિના ભૂરાશ પકડતાં આંગળાના ટેરવાં ..ઓક્સીજન ટ્યુબ લગાવી હોવા છતાં , શ્વાસ ઊંડો ખેંચવા માટે છેક ગરદન સુધી અકડાઈ જતાં સ્નાયુઓ . લખનૌની હોસ્પીટલથી લાગેલું ઇન્ફેકશન ..ન્યુમોનિયા ..અનિકેતના એચ.આઈ.વી ગ્રસ્ત શરીરને ઘેરો ઘાલી ચૂક્યા હતાં ...!!
બસ ..આજની રાત ..આજની રાત નીકળી જાવી જરૂરી હતી . બહારથી અપાતા ઓક્સિજનની મદદથી અનિના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું , પણ એના ફેફસાં જાતે કામ કરવાની તાકાત ગુમાવી રહ્યાં હતાં .પરિસ્થિતિને પામી જઈને ડો.સરૈયા અને ડો .વિશાલે ,બોસ્ટનથી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર મંગાવી લીધું હતું . જે સવાર સુધીમાં આવી જવાનો પૂરો સંભવ હતો .
કેબીનનું બારણું ધીરે રહીને ખુલ્યું . ડો .સરૈયા અંદર આવી ચૂક્યા હતા . છેલ્લા બે દિવસોની ઘટના એમના ચહેરા પર દસ વર્ષની કરચલી ભેગી પાડી ચૂકી હતી . "
હાઉ ડઝ ઈટ લૂક ..?" ડો . સરૈયાએ ધાર્યું હોત તો જાતે જ રીપોર્ટસ જોઈ શક્યા હોત પણ એમણે ,ડો .વિશાલને પૂછ્યું . એક સીનીયર ડોક્ટર , એક ગુરુ ,આજે એના વિદ્યાર્થી પાસેથી ચમત્કારની આશા રાખી રહ્યો હતો . એક પ્રખ્યાત ડોક્ટર , આજે ડોક્ટર મટીને , કેવળ એક બાપ બનીને એની દીકરીના સૌભાગ્યની બીજા ડોક્ટર પાસે ભીખ માંગી રહ્યો હતો .!!
"સર , ઓક્સીજન સેચ્યુરેસન લેવલ ઇસ જમ્પીંગ અપ એન્ડ ડાઉન , બટ લેટલી ઈટ હેસ બીન અપવર્ડ . ધેટ ઇસ ગૂડ ઈનફ ફોર અસ . વી ગેટ હિમ હૂકડ અપ ટુ વેન્ટીલેટર ટૂમરો એન્ડ વીથ ગોડસ ગ્રેસ ,વી કેન બ્રીંગ હિમ ટૂ નોર્મલ ."
ડો . સરૈયાના ચહેરા પરની તંગ રેખાઓએ પણ જાણેકે નિરાંતનો શ્વાસ લીધો . અચાનક તેમને ખ્યાલ આવ્યો, એમનો આ જુનિયર ડોક્ટર સવારના સાત વાગ્યાથી ખડે પગે છે . , ફક્ત એક જ દર્દી પાછળ ....
"લૂક વિશાલ , આઈ એમ હિયર , પ્લીઝ ગો ટેક સમ રેસ્ટ , આઈ વિલ હેન્ડલ ઈટ ઓવર હિયર ." ..પરાણે એમણે ડો.વિશાલને ઘરે મોકલ્યા . ડો.વિશાલે જતા પહેલાં ફરી એક વાર રૂમ નંબર 207માં ડોકિયું કર્યું .અનિની છાતી પહેલાંની જેમ હાંફતી ન હતી . મોનીટર ઉપર ઓક્સિજન લેવલ 85 થી 90 વચ્ચે આંકડા બદલી રહ્યું હતું . એમણે ભીંતને અઢેલીને ઉભેલા અશ્ફાકનો ખભો દબાવ્યો , અને અનિકેતના બેડ પાસે બેઠેલી પ્રનીના માથે હાથ મૂક્યો . પ્રની શૂન્ય નજરે ડો .વિશાલને જોઈ રહી હતી . શું હતું એ નજરમાં ? ..આર્ત નાદ ..આક્રોશ ..આશંકા ...આતંક ...અભ્યર્થના ..!!!, આ નજર જીરવી ના શકાતી હોય એમ , ડો . વિશાલ ઝડપી પગલે રૂમની બહાર નીકળી ગયા . કારને બહાર કાઢતા ડો . વિશાલે રેર વ્યુ મિરરમાં જોયું , હજી પણ એ આંખો એ મિરરમાંથી જોઈ રહી હોય એવો એમને આભાસ થયો .-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ડો .સરૈયા આંખ મીંચીને ઓફીસના ખૂણે પડેલા રીક્લાઈનર પર પડ્યા હતા . છેલ્લા બે દિવસની ગતિવિધિ એમની બંધ આંખો જોઈ રહી હતી . મોબાઈલ પર પ્રનીની ચીસ ..""ઇસ હી સિન્કીંગ? ડેડ...પ્લીઝ સેવ માય અનિ ... .!!", પછીના ઘમાસાણભર્યા કલાકો ..આટલું જલ્દી ઇન્ફેક્સન કઈ રીતે પ્રસરી શકે ?..એક ડોક્ટર તરીકે એમને વિશ્વાસ બેસતો ન હતો . ગઈ કાલ સાંજથી કથળતી પરિસ્થિતિ . ..કૃપાનંદના આશ્રમમાં બેઠેલી મીનાનો પણ એ ગુરુજીના આશીર્વાદ લઈને બહાર ના આવે ત્યાં સુધી સંપર્ક થઇ શક્યો ન હતો . સંપર્ક થતા જ મોઢામાંથી શું નીકળી ગયું હતું ..? "આપણી જીંદગીનો અણમોલ હીસ્સો એની જીંદગીની છેલ્લી લડત ..."
બીજાની જીંદગી માટેનો અણમોલ હિસ્સો , પોતે અંદરથી કેટલો ખાલી હતો . શું કરી શક્યા એના માટે એ કે મીના ?વચ્ચે બે ત્રણ ક્ષણો માટે ભાનમાં આવેલો અનિ બબડ્યો હતો ...."મોમ ..આન્ટી ..!!", પછી પાછો એ અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયો હતો .આ છોકરો વિના વાંકે જીંદગીભર મા ના પ્રેમને તરસતો રહ્યો હતો .ભારતીની અવેજીમાં એણે મીનામાં માને જોઈ હતી .
આ બધા વચ્ચે એક બીજી પણ કપરી ફરજ બજાવવાની આવી હતી ડો .સરૈયાને . અનિકેતના મોબાઈલમાંથી નંબર શોધીને એમણે હરિવદનને ફોન લગાડ્યો હતો . કેવી હતી એ ક્ષણો .. થોડા મહિના પહેલા બે વેવાઈ વચ્ચેના પ્રથમ સંવાદની ક્ષણો સોળે શણગાર સજીને આવવાની હતી . પણ ખરેખર આવી ત્યારે ?..વિધવાના કપાળ જેવી કોરી કટ્ટ ..!!
"હરિ ભાઈ , હું ડો .સરૈયા , પ્રણાલીનો ફાધર ..અનિકેતે આપને વાત તો કરી જ હશે ...", અને આ ઔપચારિકતા પછી ...?..શબ્દોને ઊંડાણમાંથી ખેંચવા પડતા હતા અનીલ ભાઈને ...!!, અને બોમ્બેની એક પ્રાઈવેટ હોસ્પીટલમાંથી થયેલા વીજળીના કડાકાએ , અમેરિકાના કનેક્ટીકટ રાજ્યમાં એક દંપતિના નવેસરથી સર્જાતા માળાનું એક એક તણખલું છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું , ભસ્મીભૂત કરી નાખ્યું હતું .
આ ફોનના ત્રણ કલાક પછી ,ન્યુયોર્ક -બોમ્બેની ફ્લાઈટની બોર્ડીંગ લાઉન્જમાં હરિ -ભારતી એકબીજાનો હાથ દબાવીને બેઠા હતા . શબ્દો મૌન ...આંખો મૌન ...અને લાગણીઓ ? એ તો અજ્ઞાત ભયથી ઠંડી પડી ગયેલી બે હથેળીઓ વચ્ચે થીજી ગઈ હતી . એમના ખંડિત દામ્પત્ય જીવનની કૂખમાંથી ,જીવતા જાગતા અનિકેતનું એમણે એબોર્શન કરી નાખ્યું હતું ,એનો મોડે મોડેથી થયેલો એહસાસ ,નાસૂર બનીને આ પ્રૌઢ દંપતિના દિલને ચીરી રહ્યો હતો .
કેબીનનું બારણું સહેજ હલ્યું .વોર્ડ બોય રઘુ ઉભો હતો ." સાબ ..પાર્સલ આવી ગયું છે .""
થેન્ક ગોડ , વેન્ટીલેટર આવી ગયું ." , યુવાનને શરમાવે એવી ત્વરાથી ડો. સરૈયા ઉભા થઇ ગયા ...!!
કેબીનના બારણાં સુધી પહોંચતા ખ્યાલ આવ્યોકે એ માત્ર આભાસ જ હતો . કોરીડોરમાં દૂર સુધી પણ રઘુ ન હતો .રીક્લાઈનર પર લગભગ ફસડાઈ પડ્યા ડો .સરૈયા ...!!
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સ્વામી કૃપાનંદના આશ્રમથી ચેન્નાઈ એરપોર્ટના રસ્તે ટેક્ષીપૂરપાટ દોડી રહી હતી . રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની ઝૂમી રહેલી ડાળીઓ , જાણે હાથ હલાવી હલાવીને વિદાય આપી રહી હતી . વિદાય કોને ..?, મીના બેને વિચાર્યું .હજી ગયા અઠવાડિયે જ દાળ ઢોકળી બનાવી હતી , ત્યારે પ્રણાલી ભોળાભાવે બોલી ઉઠી હતી . .."મોમ,અનિ લખનૌથી આવી જાય પછી બનાવવી હતીને ?" , પરંતુ ,મીનાબેનની કાતર નજર જોઇને ,જાણે કાંઈ ના બોલવાનું બોલાઈ ગયું હોય એમ એ કિચનની બહાર જતી રહી હતી . અત્યારે મીનાબેનની ઝીલમીલાઈ ગયેલી નજર સામે કિચનની બહાર ઢીલા પગલે જતી પ્રનીની પીઠ દેખાઈ રહી હતી ,અને દિલમાં ક્યાંક અવાજ થયો ..."ખટાક ...!!"
"ખટાક ...!!"
ટેક્ષી હલબલીને રસ્તાની ડાબી બાજુ થઇ ગઈ હતી . પંક્ચર પડી ગયું હતું , ફક્ત તામિલ ભાષી ડ્રાઈવર પાસે સ્પેર વ્હીલની જોગવાઈ ના હોય એવું જણાતું હતું . વીતતી દરેક ક્ષણ ,મુંબઈની આજની છેલ્લી ફ્લાઈટ ચૂકી જવાની દહેશત વધારી રહી હતી ...કાશ ..દોડીને પહોંચી જવાતું હોત તો ? ..આ નિર્જન રસ્તામાં બીજી કોઈ ટેક્ષીનો તાત્કાલિક ઇન્તજામ કરવો પણ મુશ્કેલ હતો . વાતાવરણમાં ઠંડી વધી રહી હતી . અનિકેતે પ્રણાલીને પ્રપોઝ કર્યું હતું , એ રાત મીનાબેનને યાદ આવી ગઈ . એમના આગ્રહથી અનિકેત પહેલી વાર એમને ત્યાં સુઈ રહ્યો હતો . એ મોડી રાત્રે આવો જ ઠંડીનો ચમકારો વધ્યો હતો . ગેસ્ટ રૂમમાં સુતેલા અનિકેત પર મીનાબેનની નજર પડી હતી . ચાદર એના માંસલ ખભા પરથી નીચે સરી ગઈ હતી . કદાચ એને ઠંડી લાગી રહી હતી . દબાતા પગલે જઈને એમણે અનિકેત પર સરખી રીતે ચાદર ઓઢાડી હતી .
"છતી મા એ મા વગરનો છોકરો ...!!"
નાઈટ લેમ્પના આછા અજવાળામાં અનિકેતનો સોહામણો ગૌર ચહેરો જોતાં એમને કરુણા ઉપજી આવી હતી . કેટલો નિર્દોષ હતો એ ...?, થોડા કલાક પહેલા જ એણે પ્રણાલીને પ્રપોઝ કર્યું હતું , બાજુના રૂમમાં પ્રણાલી પણ સુતી હતી , એણે ધાર્યું હોત તો એની અને અનિલની નજર ચૂકવીને મોડી રાતે ....!!!
ઉફ્ફ , હવે આ બધું યાદ કરીને શું અર્થ ?
છેલ્લે છેલ્લે તો એ હોસ્પીટલમાં હતો ત્યારે એમણે એને ઘરનું જમવાનું મોકલવાનું પણ ટાળ્યું હતું . એમની મમતાએ અનિકેત સાથે છલના કરી હતી . આ પ્રતારણાનો બોજ મીનાબેન પર પહાડ બનીને એમને પોતાની નીચે પીસી રહ્યો હતો . ગીલ્ટની વેદના એમના હૃદયના એક એક કોષને બેરહમીથી નીચોવી રહી હતી .
આ અળખામણા સમયખંડને જીરવતાં જીરવતાં આજે સવારે ગુરુ કૃપાનંદના કહેલા શબ્દો એમને યાદ આવ્યા . "મન મારીને સો વર્ષની જિંદગી જીવવા કરતાં , મનના માનેલા સાથે થોડા વર્ષોની જિંદગી જીવવી વધુ સારી . તારી દીકરીના સુખને તારી મમતા જ રૂંધી રહી છે મીના .. .દૂર કર તારી મમતાનો આ ટૂંપો તારી દીકરીની ગરદન ઉપરથી ...શ્વાસ લેવા દે એને મુક્તપણે ..."
સહસા એક નિર્ણય કરી ચૂક્યા મીના બેન .., અનિ હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થાય ,એટલી જ વાર , એ પ્રણાલીને પરણાવી દેશે અનિ સાથે ..!!, બસ મન પંખીના પીંછાની માફક હળવું થઇ ગયું . પ્રની ? ... હા , આ દોડધામમાં એની સાથે તો વાત જ થઇ શકી ના હતી . એમણે તરત જ સ્પીડ ડાયલમાં નંબર એકનું બટન દબાવ્યું . સ્ક્રીન પર તેમની નંબર એક પ્રાયોરીટી , મારકણી આંખો વાળી પ્રની એમને વળગીને ઉભી હતી .
"હલ્લો ..પ્રની ..પ્રની બેટા ..બેટા બધું ઠીક થઇ જાશે હોં ..તું કેમ કાંઈ બોલતી નથી બેટા ..?"
અને ફોનના સામે છેડેથી કુવાના ઊંડાણમાંથી આવતો હોય એવો ગેબી અવાજ આવ્યો ..."અનિ વિલ નોટ ગો એનીવ્હેર ...ક્યાંય નહિ ..સમજી તું ...?" ..ફોન કટ થઇ ગયો ...જાણે એ એમની લાડલી નહિ કોઈ બીજું જ બોલી રહ્યું હતું ...!!
એરપોર્ટના પરિસરમાં ટેક્ષી આવી ચૂકી હતી , પણ બે કલાક મોડી ..!!, સવાર સુધી બીજી ફ્લાઈટ મળવાની કોઈ શક્યતા ન હતી . અનિલ ભાઈના ફોન પર વહી જતી રીંગ ઉપર રીંગમાં પણ ,જીવન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા મીના બેન ...!!--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સવારના આઠ વાગ્યાનું કોમળ અજવાળું , રૂમ નંબર 207ની બારીમાંથી ડોકિયાં કરતુ હતું . સોફા ઉપર અશ્ફાકનું માથું રાત ભરના થાકથી ઢળેલું હતું . અનિના બેડની સામેની ખુરશી ઉપર બેઠેલ પ્રણાલી ટીકટીકી બાંધીને અનિકેતને નિહાળી રહી હતી .છેલ્લા બે દિવસથી એક એક શ્વાસ માટે તરફડતા અનિની રાત ઘણી શાંતિથી વીતી હતી . આજે તો ડેડી કહેતા હતા એ વેન્ટીલેટર પણ આવી જવાનું હતું . અજવાળું ધીરે ધીરે અનિના ચહેરા પર પથરાવા લાગ્યું .
ઘટર ગૂ ..ઘટર ગૂ ... રૂમની બહાર જાળી ઉપર બેઠેલાં બે કબૂતરો એકબીજાની સાથે શરીર ઘસીને મહોબ્બતનો ઈઝહાર કરી રહ્યાં હતાં ...લવ બર્ડસ ..પ્રનીના ચહેરા પર સ્મિત આવી ગયું ...
ઘટર ગૂ ..ઘટર ગૂ....ઘટર ગૂ ..ઘટર ગૂ ..ગૂ ..ગૂ ...ઘૂ ...ઘૂ ..ઘૂ ...ઘૂ ..!!,
બસ હવે ફક્ત ઘૂ ..ઘૂ ..ઘૂ ......
અનિની છાતી અચાનક ધમણની જેમ હાંફવા માંડી હતી . શ્વાસનો આરોહ પ્રબળ થતો જતો હતો અને અવરોહ નામ શેષ . ..હવામાંથી જિંદગી ખેંચવાનો એક મરણીયો પ્રયાસ અને મોનીટરનું બીપ બીપ કરતુ કલ્પાંત ...
ઘડી પહેલાં આ રૂમમાં હતા , અનિ , પ્રની , ઊંઘમાં સરી પડેલો અશ્ફાક અને જાળી પર પેલાં બે કબૂતરો , અને હવે ..?
કબૂતરો તો ક્યારના ઉડી ચૂક્યા હતા , અનિના બેડ પાસે ડો .સરૈયા, ડો .વિશાલ , નર્સ ...ડી .એચ .એલ ની ઓફિસ પર બોસ્ટનથી આવનારા વેન્ટીલેટરની તપાસ માટે દોડતો અશ્ફાક .. પ્રની તો ક્યાંય ખૂણામાં અનિથી દૂર ..!!
અનિકેત નામના કેન્દ્રની આસપાસ એક વર્તૂળ ઘૂમી રહ્યું હતું , અને પ્રણાલી બહાર હતી , વર્તૂળના પરિઘની બહાર ફેંકાઈ ચૂકી હતી .વર્તૂળ સતત ઘૂમી રહ્યું હતું . એની ગતિ નરી આંખે જોઈ નાં શકાય એમ વધી રહી હતી . વર્તૂળની કિનારી પર ચહેરાઓ ઝડપથી સરી રહ્યા હતા . સરૈયા ..ડો.વિશાલ ..અશ્ફાક ..નર્સ ..અને વર્તૂળ વચ્ચેથી આવતો બિહામણો અવાજ ..ઘૂ ....ઘૂ ....ઘૂ , આ શ્વાસનું તાલબધ્ધ નૃત્ય , મૃત્યુના રાગ ઉપર ...!!
ચાર કલાકથી સતત ચાલતું વર્તૂળ ,એના તીક્ષ્ણ દાંતા ,સુદર્શન ચક્રની જેમ ,પ્રનીના અસ્તિત્વને ,આત્માને ઉઝરડી રહ્યા હતા . ઉઝરડામાંથી વહેતા લોહીને વર્તૂળના કેન્દ્ર તરફ એક અદ્રશ્ય શક્તિ ખેંચી રહી હતી ,પણ આ પ્રની સિવાય કોઈને દેખાતું ન હતું . આ લોહીમાં શબ્દો વહેતા હતા .."પ્રની ,પ્લિઝ મેરી મી ,આઈ ડોન્ટ કેર ,ઇફ યુ કાન્ટ મેક દાળ ઢોકળી લાઈક યોર મોમ .."-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
હોસ્પીટલના બીજા માળની કોરીડોરના સ્લાઈડીંગ ડોર્સ એક જ સમયે ખૂલ્યા .એક બારણામાંથી હાંફળા ફાંફળા મીનાબેન દોડી રહ્યા હતાં ,તો બીજા બારણાંમાંથી એક આધેડ દેખાતું એન.આર. આઈ દંપતી . પુરુષનો હાથ છોડીને એ એન .આર.આઈ સ્ત્રીએ પણ દોટ મૂકી .મીનાબેન અને ભારતી લગભગ એક જ સમયે રૂમ નંબર 207 ના દરવાજે પહોંચ્યા ...!!
વર્તૂળ સતત ધરી પર ફરીને બંધ થઇ ચૂક્યું હતું , અને કેન્દ્ર ..?? ચેતનહીન કેન્દ્રની આસપાસ બન્ને મા ની મમતા વાંઝણી અને વામણી બનીને સ્તબ્ધ રહી ગઈ હતી . પલક ઝપક્યા વગરની અનિની અધખુલ્લી આંખો યાચક નજરે મીના અને ભારતી સામે જોઇ રહી હતી ,શાયદ એ આંખોમાં એક અફસોસ ભર્યો પ્રશ્ન આંજેલો હતો ..
"હવે ?,હવે તો બહુ મોડું થઇ ગયું , નહિ ? .
અનિની નિશ્ચેતન આંખના ખૂણે આવેલું આંસુનું ટીપું ,જીવંતતાની એક માત્ર નિશાની સમું એ ટીપું ,જે હજી પણ ગરમ હતું ,એ પણ હળવે રહીને દડી પડ્યું ....!!!
અને કેન્દ્ર ખુદ વર્તુળની સીમાની બહાર , સીમાથી બહુ દૂર નીકળી ચૂક્યું હતું ....!!! -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ચીફ મેડીકલ ઓફિસર ,ડો .વિશાલની કેબીનના અડધા ખુલ્લા બારણામાંથી , ડો.વિશાલ, સામેની ખુરશીમાં બેઠેલી વ્યક્તિ સાથે ચર્ચા કરતા દેખાઈ રહ્યા હતા . સામેની ખુરશીમાં બેઠેલી વ્યક્તિ,જેની બારણામાંથી ફક્ત પીઠ જ દેખાતી હતી .એના વાળ વ્યવસ્થિત ટ્રીમ કરેલા હતા , એક જમાનામાં આ વાળ ઘૂંઘરાળા અને લાંબા હતા . આ વ્યક્તિ અત્યારે ડો .વિશાલ સાથે , નવી ઓર્ડર કરેલી એર એમ્બ્યુલન્સની ડીલીવરી વિશે જરૂરી વાત કરી રહી હતી . સરૈયા ચેરિટેબલ હોસ્પીટલના ડાયરેક્ટરના હોદ્દાની રુએ ,જરૂરી દસ્તાવેજ પર સહી કરીને આ વ્યક્તિ , ઘરે જાવા નીકળી .ફ્લેટના પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરીને એણે એલીવેટરમાં પ્રવેશ કર્યો જ હતો કે એનો મોબાઈલ રણકી ઉઠ્યો ...
"ફરમાઈયે જીજાજી ...."
મેડીકલ ડીરેક્ટરે ફોન કાને માંડતા કહ્યું .એલીવેટરના બંધ થતા બારણાં બાકીના શબ્દો ગળી ગયા .સતરમાં માળે પેન્ટ હાઉસ સામે એલીવેટર ખુલતાં જ ,કાને ફોન લગાડેલો ,પાંત્રીસી એ પહોંચેલો આ ડાયરેક્ટર ,સામેથી આવતો અવાજ સાંભળી રહ્યો હતો ..."
ભાઈજાન , આપ મામુ બનને વાલે હો ,ઇતને સાલો બાદ અલ્લાહને યે દિન દિખાયા .ગર બેટા હુઆ તો આપકો તો પતા હી હૈ , ક્યા નામ રખુંગી . ચંદર ભી યહી ચાહતે હૈ કી વો હમારે બીચ જિન્દા રહે ."
ફોન જેકેટના પોકેટમાં મૂકી , પેન્ટ હાઉસનો દરવાજો ખોલીને અશ્ફાક અંદર પ્રવેશ્યો .દરવાજાનો અવાજ સાંભળીને અંદરના રૂમમાંથી એક સાદા વસ્ત્રો પહેરેલી યુવતી બહાર આવી .અને એણે જતાં જતાં કહ્યું .."બહોત સમજાયા , પર એક નિવાલા તક નહિ ખાયા "
અશ્ફાકે હળવે રહીને રૂમનું બારણું ખોલ્યું . પ્રની કોરા કાગળ જેવા ચહેરા સાથે બેઠી હતી .એની આંખો અતીતનાં ઊંડાણમાંથી ક્યાંક શોધી રહી હતી .અશ્ફાકે અનિના અસ્તવ્યસ્ત વાળ સરખા કરતાં પ્રેમથી કહ્યું ..."ખાના ક્યોં નહિ ખાયા ?"
"અનિ આવે એટલે જમીઈઇઇઇશ .."
બાજુમાં પડેલી હેરક્લીપનો છુટ્ટો ઘા કરતાં પ્રની બોલી , અને પછી એણે કાળજું કંપાવી દે એવી હૃદયદ્રાવક ચીચીયારી નાખી .અશ્ફાક નજાકતથી એના બન્ને હાથ પકડીને ડાઈનીંગ ટેબલ સુધી લઇ ગયો .ટેબલના બીજા છેડે પડેલી ફોટોફ્રેમમાંથી અનિ હસી રહ્યો હતો .અશ્ફાકે બિરિયાની ભરેલી એક પ્લેટ એ ફોટા સામે મૂકી . બીજી પ્લેટમાંથી બિરિયાની ની ચમચી ભરીને પ્રણાલી પાસે લઇ જતા એ બોલ્યો ."લૂક ,હી ઇસ ઇટીંગ ઓલરેડી .નાઉ બી અ ગૂડ ગર્લ ", અને પ્રની ચૂપચાપ જમવા લાગી .એની આંખો હજી પણ સ્થિર હતી અનિના ચહેરા પર ...!!
પ્રનીને જમાડતાં અશ્ફાક છેલ્લા દાયકાને વાગોળી રહ્યો . મૃત્યુ ,અનિને લઇ જતાં જતાં ,પ્રણાલીના દિમાગ સોંસરવું અસંખ્ય દરારો કરીને નીકળી ગયુ હતું .ભાંગી પડેલા સરૈયા દંપતીએ પ્રણાલીની દિમાગી હાલતમાં સુધારો થાય એ માટે શક્ય એટલી બધી કોશિષ કરી નાખી હતી . ભણેલ ગણેલ દંપતી બાધા આખડી સુધ્ધા કરી ચૂક્યું હતું . સાતેક વર્ષ પહેલા પ્રની માટે પ્રાથના કરવા વૈષ્ણોદેવી ગયેલ સરૈયા દંપતીની બસ, ઊંડી ખાઈમાં ધપી ગઈ હતી અને પાગલ પ્રનીને અનાથ પણ બનાવી ગઈ હતી .
અશ્ફાકે એ જ સમયથી પોતાની જિંદગીની મંજિલ તય કરી લીધી હતી . ડો.વિશાલની મદદથી એણે ડો.સરૈયાનું કલીનીક ધબકતું રાખ્યું હતું . ડો.સરૈયાના નામની એક મોટી હોસ્પિટલ આ સાત વર્ષમાં ઉભી કરવામાં અશ્ફાક અને ડો .વિશાલ સફળ રહ્યા હતા ,જેમાં અનિના નામની એક આખી વિંગ હતી . ,આ હોસ્પીટલના મેડીકલ ડીરેક્ટર તરીકેની જવાબદારી અશ્ફાકે બખૂબી સંભાળી લીધી હતી .
અશ્ફાક પ્રણાલીની સંભાળ માટે એના જ અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયો હતો . પ્રણાલીના કાકા ,અને એક સમયના ડો .અનિલ સરૈયાના હરીફ, ડો .મિતુલ સરૈયાએ પ્રણાલીને અસાયલમમાં દાખલ કરીને અનિલભાઈનો ફ્લેટ અને પ્રેક્ટીસ કબજે કરવાની કોશિષ કરી હતી . પણ અશ્ફાક અને ડો .વિશાલે ,શહેરના શ્રેષ્ઠ વકીલોની પેનલને રોકીને એને નાકામ બનાવી હતી .અનિની અનામતને અશફાક,કોઈ કાળે પાગલખાનામાં કેદ થવા નહિ દે એ કાળક્રમે ડો .મિતુલને પણ સમજાઈ ચૂક્યું હતું .
રાત્રીના બાર વાગી ગયા હતા .પ્રનીને સુવાડવા આવેલા અશ્ફાકની આંગળી પકડીને પ્રની, નાના બાળકની જેમ સુઈ ગઈ હતી .એક વાર પ્રની આવી રીતે આંગળી પકડી લેતી પછી એની મુઠ્ઠીમાં અમાનુષી બળ આવી જાતું , જાણે સરકી ગયેલી જિંદગીને એ છેડેથી પકડી રાખવા માંગતી હોય . આંગળી છોડાવ્યા વગર જ અશ્ફાકે પલંગની બાજુમાં ખુરશી ખેંચીને એની પર જ ઢળતું મુક્યું . અધખુલ્લી આંખે એ પ્રનીના માસૂમ ચહેરા સામે જોતો રહ્યો . એક ખીલતું યૌવન , જેને કાળે નિર્મમતાથી કચડી નાખ્યું હતું . પ્રણાલીની થોડી ક્ષીણ થઇ ગયેલી આંગળી ઉપર એણે ,અનિએ પહેરાવેલી રીંગ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો .આંગળીના હલનચલનને કારણે પ્રનીની મુઠ્ઠીની પકડ વધુ મજબુત બની .એક વાર જીવન એને છેતરીને એની મુઠ્ઠી માંથી સરકી ગયું હતું , પણ હવે? ..હવે નહિ ...!!
સામેની ભીંત પરથી અનિનો ચહેરો એક શરારતી મુશ્કાન સાથે આ હરકત જોઈ રહ્યો હતો ...એની પ્રની સલામત હતી ...અશ્ફાક સાથે સલામત ..!! .
અચાનક અશફાકની નજર અનિકેતના ફોટા પર પડી .કોલેજ કાળની મીઠી મજાક એને યાદ આવી ગઈ . બોલ્યા વગર અશ્ફાકની નજર અનિને કહી રહી હતી ....
"મુજે ડ્રાઈવર બનાના ચાહતા થા ના તું ..તેરી ઔર પ્રનીકી ગાડીકા ડ્રાઈવર ...દેખ ..પ્રની તો અપને તસવ્વુરકે અનિકે સાથ બેક સીટ પર મજેસે બૈઠી હૈ ...લે બન ગયા ના મેં તેરી જિંદગીકા ભી ડ્રાઈવર ..?...ફિકર મત કરના ,સમાલ રહા હૂં ઔર સમાલતા રહૂંગા તેરી મેમસાબકો કયામતકે દિન તક ..."
પવન આવવાથી બારીના પડદા પરની ઘૂઘરીઓ જાણે અશ્ફાકની તપસ્યાને બિરદાવતી હોય એમ રણકી ઉઠી ...!!!
સમાપ્ત
હેમલ વૈષ્ણવ