Pratibimb in Gujarati Short Stories by Jyoti Bhatt books and stories PDF | પ્રતિબિંબ

Featured Books
Categories
Share

પ્રતિબિંબ

પ્રતિબિંબ

જ્યોતિ ભટ્ટ


મારા ઘરની ચારે બાજુ એટલે કે ચારે ય દીવાલોમાં મે કાચ જડાવ્યા છે - પ્રતિબિંબ દેખાય તેવા કાચ. હા...ઘરની અંદર ચોતરફ મેં દર્પણ જડાવેલા છે, જેથી હું મને વારંવાર ચારે બાજુથી નીરખી શકું. ઘણાં વર્ષથી હું આ પ્રયત્નોમાં છું, પ્રયત્નશીલ રહ્યો છું અને છતાં હું મને ઓળખી શકયો નથી. કયાંથી ઓળખી શકાય? સમય જ કયાં છે જાતને ઓળખવાનો? અને તેથી જ છેલ્લા થોડા સમયથી મે દર્પણ જડાવી જાતને નીરખવાનો, જાતને ઓળખવાનો એક નવો પ્રયોગ શરૂ કર્યો છે.


સવારે ઊઠીને તરત જ બાથરૂમમાં જાઉ તો બાથરૂમમાં આયનો, બહાર આવી વોશબેઝિનમાં કોગળા કરું તો ત્યાં ય આયનો, ડાઇનીગ ટેબલ પર ચ્હા પીવા કે જમવા બેસું તો ત્યાં પણ આયનો મારા જીવનને મે ગતિશીલ નહી, યંત્રમય કે યંત્રવત નહીં કિન્તુ આયનામય બનાવી દીધું છે. ન કરે નારાયણ અને કદાચ મને 'હું' જડી પણ જાય.


મારી આ શોધખોળ હું છેલ્લા ઘણાં સમયથી કરી રહ્યો છું. વારંવાર નિષ્ફળ જવા છતાં, હતાશ થયા વિના, નિરાશ ને હતોત્સાહ થયા વિના મારા પ્રયત્નો મે ચાલુ જ રાખ્યા છે, કહો કે વધારી દીધા છે. કારણ કે મારે મારામાંના 'હું' ને શોધવો છે, ખોવાઈ ગયેલા એવા 'મને' મારે ફરી પાછો મેળવવો છે. દરરોજ નિત્યકર્મથી પરવારી, જમી, કપડાં બદલી, પગમાં ચંપલ પહેરી હું ઘરની બહાર નીકળું છું. ફલેટના પગથિયાં ઊતરી નીચે જ પાર્ક કરેલા મારા સ્કૂટર પાસે પહોચું છું, ચાવી ભરાવી સ્કૂટર ચાલુ કરતાં કરતાં ત્રીજા માળની અગાસી તરફ નજર નાંખી લઉ છું ને અગાસીમાં ઊભેલી પત્નીને હાથ ઊચો કરી 'આવજો' કહી સ્કૂટર મારી મૂકું છું. એ હાથ ઊચો થવામાં પણ યંત્રવતતા છે, લાગણી નહી. સ્કૂટર આગળ વધતું રહે છે, ગિયર બદલતું રહે છે, જમણી સાઈડ પર રહેલી કાચની તકતીમાં પાછળ આવતાં વાહનોની લાં...બી કતાર દેખાય છે,'હું' નહી. સામેથી રોડ પર આવતા કેટલાય ચહેરા જાણીતા હોવાનો ભાસ થાય છે. તેમના મતથી મારો ચહેરો પણ થોડું સ્મિત કરી લે છે, 'હું' નહી. આમ ચહેરા સામે ચહોરો અથડાય છે. સ્મિત ની આપ-લે થાય છે, કયારેક સ્કૂટર ઊભું રાખી ખોટું ખોટું, અમસ્તુ અમસ્તુ જ "આવજોને યાર કેમ હમણાંથી આવતા નથી?" જેવાં વાકયો અચાનક જીભેથી સરી પડે છે. કયારેક સામેથી આવાં જ કોઇ વાકયોના બદલામાં પ્રત્યુતર રૂપે સરી પડતાં શબ્દો "શું કરું? સમય જ નથી મળતો." દંભી ને નિરર્થક લાગે છે - ફરી સ્કૂટર ચાલુ થાય છે ને ઓફિસે આવી અટકે છે. પણ આ બધું મારા માટે સહજ ને સરળ બની ગયું છે અને તેથી જ મારામાંના 'હું'ને મારે શોધવો પડે છે.


ઓફિસમાં પહોચતાં જ પટાવાળાએ ટેબલ પર ઢાંકીને મૂકેલા પાણીને એક શ્વાસે ગટગટાવી જવાની મને આદત છે, જરૂરિયાત નહી. જરૂરિયાત કરતાં તેમાં યાંત્રિકતા સવિશેષ ભળેલી છે. કામની શરૂઆત કરતાં ફાઇલોમાંના કાગળો, રજિસ્ટરો જોવા મને મારો 'હું' જડ થઇ ગયેલો અનુભવું છું. કોઇક મળવા આવનાર તરફ અછડતી નજર જતાં જ તેની નજરમાં મારી દાંભિકતા પકડાઈ ગયેલી અનુભવી તેમને સારું લગાડવા હું મારા ચહેરા પર થોડું સ્મિત રેલાવી દઉ છું. સ્મિત કરી ફરી બિડાઇ ગયેલા મારા જ હોઠથી ...મારા જ ચહેરાની કુરૂપતાથી હું ચહેરાને વધારે જડ થઈ ગયેલો અનુભવું છું. અને તેથી જ ટેબલ પરની ફાઈલો, કાગળો ને રજિસ્ટરોમાં વારાફરતી નજર રાખીને "હં...બોલો !શું કહેતા હતા?" જેવા સામાન્ય શિષ્ટાચાર પૂરતા વાકયથી સામેની વ્યકિતનો કંટાળો ને મારી જડતા દૂર કરવા પ્રયત્ન પણ કરું છું, પરન્તુ મારું મન તો જાણતું જ હોય છે કે મને તેમનામાં કેટલો રસ છે...!!

કયારેક કોઈકને - "ઘેર આવજો ને, યાર! સાંજે સાથે જમીશું" એમ કહી તો દેવાય, પણ ચહેરો સ્પષ્ટ જ કહી આપે છે કે - " ન આવો તો સારું."


આમ આ દોડધામની દંભી ,યંત્રવતૂ ને યંત્રમય દુનિયામાં મારા 'હું' ને હું સતત ખોવાયેલો જ અનુભવું છું. પણ મને તેને શોધવાનો અવકાશ જ નથી અને કદાચ તેથી જ ઘરમાં ચોતરફ મેં આયના જડાવી રાખ્યા છે કે કયારેક તો સમય મળશે જ મને મારામાંના 'હું' ને શોધવાનો, તેને ઓળખવાનો અને તે દ્રારા મારી જાત તપાસવાનો.


હવે તો પાંચ દિવસનું કામકાજ થઈ ગયું હોવાથી બાકીના બે દિવસમાં મારે મને ઓળખવો જ છે. પણ સમય ન હોવાનું બહાનું સોની જેમ મને પણ સારું માફક આવી ગયું છે. એક તો રજા હોવાના કારણે શરીરમાં ભળી જતી આળસ, મહેમાનોની અવરજવર અને આખો દિવસ રજાનો મૂડ હોવાના કારણે થોડી બેચેની, થોડો કંટાળો આ બધાના કારણે નિયમિત ચાલતા પાંચ દિવસ પછીના દિવસમાં થોડી અનિયમિતતા... અને તેથી જ સમય ન મળતો. જે કામ રજા પર મુલતવી રાખું એ કામ તો મારાથી મુદ્દલેય ન થતું અને આમ જ હું મારાથી સતત ખોવાતો રહ્યો, ત્યાં જ અચાનક... ... ...

એક દિવસ હું મને શોધવાનો સમય મેળવી શકયો. રજા તો હતી જ- વળી મહેમાનોની અવરજવર પણ ન હતી, વળી ઊંધ પણ રિસાઈને દૂર ભાગી હતી તેથી રૂમની બરાબર વચ્ચે - આયનામઢી - દીવાલો વચ્ચે ખુરશી નાખી મેં મારા શરીરને તેમાં બેસાડયું. શરીર જ સ્તો... કારણ મન તો કયારનું યે પેલા આયનામાં રહેલા વ્યકિતત્વ સાથે વાત કરવા ઉત્સુક થયેલું જ હતું. ધીમે ધીમે...


આયનામાં રહેલો પેલો માણસ એટલે કે 'અ' મને આંખ મારવા લાગ્યો. મેં પણ સામે આંખ મારી. પેલો 'અ' મારી સામે જીભ કાઢવા લાગ્યો. મેં પણ તેની સોમ જીભ કાઢી. 'અ' એ મારા સામે ઘૂરકિયું કર્યું, 'અ'એ પોતાના ગાલ પર લપડાક મારી, 'અ'એ પોતાના ડાબા હાથની હથેળીમાં ચૂમી ભરી, 'અ'એ હવામાં હાથ વીઝયા. 'અ'એ બે હોઠનો ગોળાર્ધ કરી સીટી વગાડવાનો સફળ પ઼યાસ કર્યો, આમ 'અ' નખરાં કરતો રહ્યો અને હું જોતો જ રહ્યો આ 'અ' ની ક્રિયાઓ-પ્રતિર્કિયાઓ

'અ' ની વિશાળ આંખો ઝીણી થઈ. પોતાને સર્વાંગસંપૂર્ણ રીતે માહિતગાર થવા પ્રેરતી હોય તેમ માથાના વાળથી પગના નખ સુધી ધીમે ધીમે સરકતી ચાલી. આમ તો બધું જ ઠીક લાગતું હતું...પણ તેની નજર કાન પાસે આવી અટકી... છી... છી... કાન આટલો ગંદો ? આ 'અ' પણ સાવ કેવો માણસ છે ! પોતાનો ચહેરો આટલો સ્વરછ રાખે છે, પણ પોતાના કાન તો તેણે ધોયા જ નથી લાગતા. ખેર... જવાદો, મારે શું કામ ?

નજર ફરી સરકતી હાફ બાંયના બુશર્ટની નીચે કોણી તરફ ગઈ, પણ આ શું? આને જ જો કોણી કહેવાતી હોય તો આ કોણી આટલી ગંદી ? આવું કેમ ? આ તે કંઈ સ્વરછતા કહેવાય ? આખા હાથની, અરે ! સારાયે વ્યકિતત્વની શોભા આ કોણી જ બગાડે છે. આ 'અ'ને મારે શું કહેવું ? સ્વરછતાની સમજણ તેનામાં કયારે આવશે ? હજુયે સમજે તો સારું.


કાચ પરથી પાણી લસરે તેમ નજર પણ ત્યાંથી ધીમે ધીમે લસરવા લાગી. ખુરશીમાં બેઠેલા 'અ'ની બેઠકનો ભાગ જરા વધારે લાગ્યો, ફાંદ પણ થોડી મોટી લાગી. 'અ'એ ખુરશીમાંથી ઊભા થઈ સાઈડમાં ઊભા રહી આયના માં નજર કરી, સાઈડ પરથી આ બંને ભાગ આટલા બેડોળ લાગતા હશે તેની તો 'અ'ને આજે જ ખબર પડી. હવે તેણે પોતાની જાત માટે થોડા સાવધ બનવું પડશે. થોડી કસરત, થોડું ચાલવનું, થોડી ઊઠબેસ જો નિયમિત રીતે નહી થાય તો વેલ પરના તરબૂચની જેમ ફાંદનો આ ઘેરાવો વધતો જ રહેવાનો. હવે બેદરકાર રહેવું સ્હેજ પણ પાલવે તેમ નથી. 'અ'એ એક પગ પર બીજા પગને ગોઠવ્યો. થોડું 'રિલેકસ' થવાય એ આશયથી જ, અને ત્યારે જ તેની નજર પડી કે ચંપલ પહેરવાના કારણે પોતાના પગની સ્વરછતા બરાબર જળવાતી નથી. જો ચંપલના બદલે બૂટ પહેરવામાં આવે તો કદાચ પગ થોડા વ્યવસ્થિત સ્વરછ રહે ખેર! હવે... સામે જ રહેલા આયનામાં પાછળનું પ્રતિબિંબ પણ ઊપસતું હતું. 'અ' ને પોતાના પૂર્વજ યાદ આવી ગયા. ડાબો હાથ તેણે પોતાની પૂંઠ પાછળ ફેરવી જોયો, પણ ના... લૂંગીની અંદર તેને કયાંય પૂંછડી જેવી લંબાઈનો અહેસાસ ન થયો. તો શું પૂર્વજ લાગવું એ માત્ર ભ્રમ હતો ? કે પછી મનના કોઇ અગોચર ખૂણામાં પૂર્વજો જેવી લાગણી ધરબાયેલી પડી હતી ?

અચાનક 'અ' કૂધો, ખુરશીમાં લૂંગી ભરાવાથી 'અ' ઊછળીને પડયો ઊંધા મોંએ અને ખુરશી તેના ઉપર જ પડી. 'અ'એ ખુરશીને ધકકો મારી પોતાના શરીર પરથી દૂર કરીને પોતે છલાંગ મારીને બેઠો થઈ ગયો. ખરેખર જ પોતે પૂર્વજનો અંશ હતો કે શું?


અંતે 'અ' અકળાયો. પોતાની ચારે તરફ અ, અ ને અ જ દ્રષ્ટિગોચર થતો હતો. ચોતરફ 'અ' નું જ સામ્રાજય હતું. ચારે બાજુ એકની એક જ વ્યકિતને જોઇ તે ભાગ્યો. એક શેરીનું કૂતરું બીજી શેરીના કૂતરાને જોઈ ભાગે, બરાબર તેમ જ તે ભાગ્યો. બધે એક જ ચહેરો જોઈ તે ત્રાસી ગયો અને માટે જ તેનાથી દૂર ભાગવા તે બારણું ખોલી દોડતો રહ્યા. એક પછી એક પગથિયાં કૂદીને તે દોડવા જ લાગ્યો. થોડે સુધી દોડતાં જ તેને ઠોકર વાગી, તે લથડયો, તેણે સ્હેજ થોભી જઈ નીચે નજર કરી તો તેણે એક પથ્થર જોયો. માનવસહજ સ્વભાવ મુજબ પથ્થરને ગાળો દેવાને બદલે તેને પથ્થર પર માન થયું. વાંકા વળી તેણે પથ્થર ઉપાડયો અને ફરી પાછો પાછા પગે તે દોડવા લાગ્યો. તે એટલું ઝડપથી દોડયો કે તેનું શરીર હાંફી ગયું, છતાં ઝડપથી બબ્બે પગથિયાં ચડી તે ઘરે આવ્યો. તેની પત્ની તેને કંઇ કહે તે પહેલાં તો ઘરમાં આવતાવેંત જ તેણે આયનામઢયા રૂમમાં જઈ પથ્થરનો ઘા કર્યો. ખ...ણ... ખ...ણ... ખ...ણ... ખ...ણ... ખ...ણ...ના અવાજોથી દીવાલો ધ્રુજી ઊઠી. એનો એ જ પથ્થર વારાફરતી ચોતરફ ખ...ણ... ખ...ણ...ના અવાજો કરતો રહ્યો અને એ જ અવાજો વચ્ચે વચ્ચોવચ્ચ ઊભેલો 'અ' લોહીથી લથબથ થતો થતો ખડખડાટ હસતો રહ્યો. બસ, હસતો જ રહ્યો.


રૂમની વચ્ચોવચ્ચ પછડાયેલો, લોહીથી લથબથ કાયાવાળો, લોહીથી ખરડાયેલાં કપડાંવાળો જે માનવ તે 'અ' નથી, કયાંથી હોય ? 'અ' તો પેલા આયનામઢયા ઘરમાં ભૂતાવળ સમો ભમતો હતો એક પ઼તિબિંબ રૂપે. પણ હા... હવે તેને તેનું અસલ સ્વરૂપ મળી ગયું હતું. સમયમાં ભીસાતો, ભીડમાં ભટકતો, યંત્રોમાં અટવાતો, ફાઈલોમાં ફસડાતો, એટીકેટમાં તરફડતો, લાગણી વિના - લાગણી વચ્ચે લાગણીઓ વડે લડખડાતો રહી ગયો હતો એક માનવ માત્ર. અને તે 'અ' એટલે હું, તમે, આપણે સો અને એ જ 'અ' એટલે 'હું' એટલે 'હું' ની દુનિયા,'હું'નો સમાજ.


મને ખોઈને જ 'હું' મને' મેળવી શકું એ સત્ય હવે સામે જ છે. લસરતી, સરકતી, મલપતી, છલકતી, તરસતી, હસતી, રડતી, કણસતી, અટવાતી, અફળાતી, અકળાતી, મૂંઝાતી એકવેરિયમમાં ફરતી માછલી જેવી સુંદર છતાં બંધિયાર, મર્યાદિત 'હું'ના કોયલામાં સીમિત આ દુનિયા. અને એ જ દુનિયામાં વસતા આપણે સૌ. 'હું' એટલે 'અ' અને એ 'અ' એટલે આપણા સૌનો પ્રતિનિધિ...!!!

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ : jyotibala411@yahoo.com

મોબાઈલ નંબર – 9898504843