હવામાન ખાતા વિશે જૉક કહેવાય છે કે જો વેધશાળા વિભાગે આગામી ૨૪ કે ૪૮ કલાકમાં ઝાપટા કે ભારે વરસાદની આગાહી કરી હોય તો આજે બિન્ધાસ્ત છત્રી કે રેઇનકોટ લીધા વિના નીકળજો, કારણ કે આજે જોરદાર વરસાદનો વરતારો છે એવું આપસમાં કહેવામાં આવે અને વેધશાળા વિભાગની હાંસી ઉડાડવામાં આવે. બીજી તરફ જો ૨૪ કે ૪૮ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદ નહીં પડે એવી આગાહી કરવામાં આવી હોય તો ભાઇસાબ રેઇનકોટ, છત્રી લઇને નીકળજો, કારણ કે વરસાદ નહીં પડવાની આગાહી છે એવી મજાક પણ કરવામાં આવે. જોણું તો ત્યારે થાય જ્યારે આગાહી સચોટ સાબિત થાય અને લોકો ઉંઘતા ઝડપાય, પણ ત્યારેય ‘ક્યારેક તો વેધશાળા તો સાચી પડે ને’ એવી દલીલ કરવામાં આવે. ટૂંકમાં વેધશાળા વિભાગ એક ઠેકડી ઉડાડવા માટેનો વિભાગ બની રહે.
હવામાન ખાતાએ મુંબઈમાં થોડા સમય પહેલાં ભારે વરસાદની આગાહી કરી હતી, પણ મુંબઈ કોરુંધાકડ જ રહ્યું અને ફરી એક વાર હવામાન ખાતું લોકોની ઝપટે ચડી ગયું. જોકે હવામાન ખાતું માત્ર લોકોની રમૂજનો શિકાર જ નથી બન્યું, ન્યાયાલયમાં તેની સામે ફરિયાદ પણ થઈ હતી.
વર્ષ ૨૦૧૫માં મુંબઈ હાઇ કોર્ટે આઇએમડી (ઇન્ડિયન મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ – હવામાન ખાતું)ને સવાલ કર્યો હતો કે તેમની હવામાનની આગાહી કેમ ખોટી પડે છે? ગયા વર્ષે આવેલા પૂરના સંદર્ભમાં અટલ દુબે નામના વકીલે જાહેર હિતની અરજી કરતા ડિવિઝન બેન્ચ દ્વારા આ સવાલ કરવામાં આવ્યો હતો. આ બાબત માટે જવાબદાર વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ માટે દુબેએ મુંબઇ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ બાબત અત્યંત ગંભીર સ્વરૂપની છે અને તેઓ ૨૦૦૫ના મહા પૂરમાંથી પાઠ નથી ભણ્યા એવી દલીલ સુદ્ધાં દુબેએ કરી હતી.
જાગૃત નાગરિક તરીકે અટલ દુબેને બિરદાવવા પડે. તેમણે ન્યાયાલયમાં જઈને હવામાન ખાતાને જવાબદારી તળે લાવવા પ્રયાસ કર્યા. પણ પ્રશ્ન એ છે કે મિડિયા જેનું કામ જાગૃતિ લાવવાનું હોવું જોઈએ તેણે ક્યારેય પ્રયાસ કર્યા કે સિક્કાની બીજી બાજુ પણ રજૂ થાય? ન તો હવામાન ખાતાએ ક્યારેય આ બાબતે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા.
આપણું મિડિયા મોટા ભાગે ભારત પ્રત્યેની-સરકાર પ્રત્યેની-પોલીસ પ્રત્યેની કે અન્ય વિભાગોની નેગિટિવ બાબતો જ રજૂ કરવા ટેવાયેલું છે એટલે આપણને થાય છે કે ભારતમાં જ બધું આવું છે. હકીકત એ છે કે માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના હવામાન ખાતાં આગાહી કરવામાં ખોટા પડતા રહે છે. વર્ષ ૨૦૦૯માં બ્રિટનના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે “આ વર્ષે ભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો.” ઓછા સૂર્યપ્રકાશવાળો દેશ હોઈ બ્રિટિશરો તો બિચ પર રજા માણવા નીકળી પડેલા. પરંતુ થયું એવું કે મૂશળાધાર વરસાદ પડ્યો. તંબુઓ તણાઈ ગયા. લોકોને ભારે હાલાકી પડી.
આપણા દેશમાં બીબીસી એટલે સમાચાર માટે વિશ્વસનીયનો પર્યાય મનાય છે, પણ બીબીસીએ વર્ષ ૨૦૧૨માં ખોટી હવામાન આગાહી માટે માફી માગી હતી. બીબીસીએ આગાહી કરી હતી કે ૧૯ ઑગસ્ટનો રવિવાર સૂકો અને ગરમ દિવસ રહેશે. તેના બદલે તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પહેલાંના લોકો બ્રિટિશરોથી અંજાયેલા હતા. અત્યારના કેટલાક બુદ્ધુજીવીઓ અમેરિકાથી અંજાયેલા છે. તેમના માટે અમેરિકા કરે અને કહે તે સત્ય, પણ અમેરિકાના હવામાન ખાતાએ પણ ગત વર્ષના જાન્યુઆરીમાં ભયંકર હિમપ્રપાત થવાનો છે તેવી આગાહી કરી અને પછી થયું કંઈ નહીં, તેથી તેમણે ટ્વિટર પર માફી માગી હતી.
પ્રશ્ન એ થાય કે હવામાન માટે આટલા સેટેલાઇટ છોડાતા હોય તો પણ કેમ સાચી આગાહી થઈ શકતી નથી? હવામાન આગાહી કેવી રીતે કરાય છે તે જાણવા જેવું છે. હવામાનની આગાહી કરવા માટે વાતાવરણની વર્તમાન સ્થિતિ અત્યારે કેવી છે તે માટે મળે તેટલા તમામ આંકડાઓ- ખાસ કરીને તાપમાન, ભેજ અને પવન સંબંધિત આંકડાઓ- એકઠા કરવામાં આવે છે. તેમાં પવનની ઝડપ, દિશા, હવાનું દબાણ વગેરે ધ્યાનમાં લેવાય છે. વિમાનો, વેપારી જહાજો, વેધર બલૂન (રેડિયોસૉન્ડ), ઉપગ્રહો વગેરેથી આંકડા ગ્રાઉન્ડ સ્ટેશનને મળે છે. ગ્રાઉન્ડ સ્ટેશન આ માહિતીને વૉશિંગ્ટનમાં આવેલા નેશનલ સેન્ટર્સ ફૉર એન્વાયરમેન્ટલ પ્રીડિક્શન (એનસીઇપી)ને મોકલે છે. ત્યાંથી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોના હવામાન આગાહી કેન્દ્રોમાં આ ડેટા મોકલવામાં આવે છે. આ કેન્દ્રોમાં ખૂબ જ ઝડપી સુપરકમ્પ્યૂટરો હોય છે. તેમાં પ્રૉગ્રામ નખાયા હોય છે જે સમીકરણ બનાવે છે. પ્રૉગ્રામને ‘ન્યૂમરિકલ વેધર ફૉરકાસ્ટ મોડલ’ કહે છે. આ સમીકરણો થ્રીડી ગ્રિડમાં વર્ણવે છે કે અમુક બિંદુઓ પર વાતાવરણ કઈ રીતે બદલાઈ રહ્યું છે. તેના પરથી તે બિંદુઓ પર તાપમાન, પવન, વરાળ, વરસાદ વગેરે કેવા રહેશે તેની ગણતરી માંડવામાં આવે છે.
સુપરકમ્પ્યૂટર હવામાન નકશાઓ તૈયાર કરે છે. તેને ભૂતકાળમાં નોંધાયેલી હવામાન પેટર્ન સાથે મેળવવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ કમ્પ્યૂટર દ્વારા થયેલી આગાહીને આંકડાઓ પર ગાણિતિક સૂત્રો (ફૉર્મ્યૂલા) લાગુ કરીને થતી આગાહીઓ સાથે સરખાવે છે. અને પછી અંતિમ આગાહી તૈયાર કરવામાં આવે છે. હજુ હમણાં સુધી જે કંઈ મોડલ હતાં તે ગમે તેવી આધુનિક ટૅક્નૉલૉજી છતાં સચોટ આગાહી કરી શકતા નહોતા (હજુ પણ નથી કરી શકતા) કારણકે તેઓ પૃથ્વીની સપાટી પર ખરેખર શું થઈ રહ્યું છે તેની જટિલતાને સમજીને આગાહીમાં પરિવર્તિત કરી શકતા નહોતા.
આવું કેમ થતું હતું? સામાન્ય રીતે એકથી માંડીને ૧૦ દિવસ સુધીની હવામાન આગાહીઓ કરાતી હોય છે. પરંતુ તેમની એક મર્યાદા છે અને આ મર્યાદાને વર્ષ ૧૯૬૧માં એડ લૉરેન્ઝે આકસ્મિક રીતે શોધી હતી. લૉરેન્ઝને ‘ચાઓસ થિયરી’ (આ થિયરીને અમલી બનાવવા માટે અરવિંદ કેજરીવાલને યશ આપવો ઘટે! :-))નો એક જનક માનવામાં આવે છે. તે કમ્પ્યૂટર વેધર ફૉરકાસ્ટ મોડલ પર પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે જોયું કે જો મોડલને અટકાવ્યા વગર કામ કરવામાં દેવામાં આવે તો તે જે આગાહી કરે છે તે આગાહી મોડલને અધવચ્ચે અટકાવી દેવામાં આવે અને પછી ફરી શરૂ કરવામાં આવે તો ત્યારે કરાતી આગાહી કરતાં તે જુદી હોય છે. આંકડાઓમાં એકદમ સૂક્ષ્મ તફાવત આવી જાય તો પણ આગાહી બદલાઈ જવાનો સંભવ રહે છે!
વિજ્ઞાન ક્યારેય એવો દાવો નથી કરતું (અને ગુજરાતી છાપાઓથી વિરુદ્ધ અંગ્રેજી અને વિદેશી છાપાઓ તો હંમેશાં ‘કેન’ના બદલે ‘મે’નો જ ઉપયોગ કરે છે, આંકડાઓમાં પણ ક્યારેય ‘ફૂલ ફિગર’ નથી બનાવી દેવાતા.) કે તે હંમેશાં સાચું જ છે. વિજ્ઞાનમાં જે-તે સમયે જે થિયરી સાચી ઠરેલી હોય તે બાદમાં ખોટી ઠરી શકે છે. વિજ્ઞાનમાં હંમેશાં પ્રયોગો થતા રહે છે. અને તેના લીધે સુધારા પણ થતા રહે છે. જોકે એ નવાઈની વાત ગણાય જ કે વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં હજુ સચોટ હવામાન આગાહી કરવાનું મોડલ કેમ વિકસાવી શકાયું નથી.
પરંતુ વિજ્ઞાન સામે ઘણી વાર દેશી વિજ્ઞાન અકસીર પૂરવાર થતું હોય છે. નક્ષત્રો, હોળીની ઝાળની દિશાથી માંડીને ટીટોડીનાં ઈંડાં સુધીનાં અનેક નિરીક્ષણો સચોટ પૂરવાર થયાં છે.
ભારતમાં વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. ઈસરો ૨૦ ઉપગ્રહો એક સામટા છોડી બતાવે છે. મંગળયાનની સફળતા છે ત્યારે હવામાન ખાતું પાછળ કેવી રીતે હોઈ શકે? એમાંય ગત વર્ષે પૃથ્વી વિજ્ઞાન ખાતાએ હવામાન આગાહી સુધારવા માટે રૂ. ૪.૫ અબજ ખર્ચીને નવ ડૉપ્લર રડાર, ૨૦ મિની રડાર અને ૨૩૦ ઑટોમેટિક વેધર સ્ટેશન નાખવાની જાહેરાત કરી છે. અત્યારે હવામાન ખાતા પાસે ઓલરેડી ૭૦૦ ઑટોમેટિક વેધર સ્ટેશન છે જ. રાજકોટમાં તો અશોક પટેલ જેવા ઉત્સાહી ભાઈએ પ્રાઇવેટ વેધર સ્ટેશન ઘરે બનાવ્યું છે. તેની વેબસાઇટ પણ બનાવી છે.
ટૂંકમાં, હવામાન ખાતું ખોટું નથી હોતું, હા, મોડલ હજુ પર્ફેક્ટ નથી, તેમ જરૂર કહી શકાય.