Sva Sudharna ae j Kranti in Gujarati Short Stories by Jagruti Vakil books and stories PDF | સ્વ સુધારણા એ જ ક્રાંતિ.

Featured Books
Categories
Share

સ્વ સુધારણા એ જ ક્રાંતિ.

“સ્વ સુધારણા એ જ ક્રાંતિ!”

જાગૃતિ .આર.વકીલ

“ હા ભવ્ય સાંભળ્યું? મેં શું કહ્યું? આજે હું સાંજે ઘરે પાછી આવું ત્યાં સુધી આ કામ પતી જવું જોઈએ હો....હમ...ના..મારે કઈ જ નથી સાંભળવું....એક અઠવાડિયું થયું આ વાતને ..બસ હવે હું કોઈ ચર્ચા કરવા નથી માગતી.....ચલ..મારા વક્તવ્યનો સમય થાય છે....ફોન મુક...અને હા...ભૂલતો નહિ હો...હમણાં જ જા ગાથાને લઈને હોસ્પિટલ..લેડી ડોક્ટર મહિષા સાથે મારી વાત થઇ ગઈ છે...બાય...બેટા...” શહેરના ખુબ મોટા જાણીતા હોલમાં બધી જ ખુરશીઓ સમય કરતા પહેલા ભરાઈ ગઈ છે..આયોજકો વ્યવસ્થામાં દોડાદોડી કરતા હતા.ત્યારે જેમનું વક્તવ્ય સાંભળવા સહુ આતુર હતા એવા શહેરના ખુબ જાણીતા સમાજસેવિકા પ્રિશાબહેન પોતાના એકના એક પુત્ર સાથે ફોનમાં ધીમા અવાજે વાત કરી રહ્યા હતા.મુખ્ય આયોજક આવતા એઓ ચહેરા પર રહેલા ગુસ્સાને છુપાવી ઝડપથી મો પર રૂમાલ ફેરવી વક્તવ્ય માટે તૈયાર થયા.

સ્ટેજ પર પહોચતા જ તેમના ચાહક વર્ગે તાલીઓના ગડગડાટ થી તેમનું સ્વાગત કર્યું.નામ મુજબ જ દેખાવ અને વાણી ધરાવતા પ્રિશાબહેન પ્રૌઢ વયે પણ જાણે કુદરતના આશીર્વાદ રૂપ લગતા હતા.મહિલા દિને યોજાયેલ કાર્યક્રમમાં આયોજક અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રિશાબહેનનું સ્વાગત અને સન્માન થયા...નારી શક્તિ....ભાવી પેઢીના ઉતમ ઘડવૈયા,ક્રાંતિકારી પ્રવચનકર્તા જેવા અનેક વિશેષણો જેમના માટે વપરાયા તે નારીને સાંભળવા સહુ આતુર હતા. શરૂઆતની ઔપચારિક વિધિઓ પછી ઉદઘોષકનો મીઠો અવાજ હોલમાં પડઘાયો: “જેમને આપણે સહુ વર્ષોથી ઓળખીએ છીએ અને આજ સુધી અનેક સેવાકીય કાર્યો દ્વારા પોતાના જીવનને ઉજાગર કરતા પ્રિશાબહેનને માણવા એ એક લહાવો છે...મધુર વાણી દ્વારા તો સહુના દિલ જીતે જ છે પણ જેઓ હમેશા “સ્વ”થી જ શરૂઆત કરી,સાચા અર્થમાં સંદેશ આપતા હોય છે તેવા પ્રિશાબહેન વિષે વધુ બોલી સમય ન લેતા બહેનને જ વિનંતી કરું કે આપણને સહુને આજના મહિલા દિને એમના મનનીય વિચારોનો લાભ આપે....”

૨૦૦ શ્રોતાઓ જેમને માણવા આતુર હતા તે પ્રિશાબહેને પોતાના સ્માર્ટ ફોનમાં દીકરાનો મેસેજ આવ્યો: “અમે નીકળી ગયા છીએ.” જવાબ માં ઓકેનો મેસેજ કરી, ફોન સાયલન્ટ મોડમાં કરી મંદ સ્મિત પાછળ પોતાની અસ્વસ્થતા છુપાવી ઝડપથી ઉભા થયા....અને પીન ડ્રોપ સાયલન્સને ચીરતો એમનો મીઠો અવાજ હોલમાં પડઘાઈ રહ્યો:”માફ કરશો મિત્રો,ઘરનું એક બહુ અગત્યનું કામ હતું એટલે હું મારા ફોનમાં થોડી અટવાયેલી હતી....તમે સહુ તો જાણો જ છો કે અનેક સામાજિક કાર્યોમાં સંકળાતી હોવાથી ઘરના સભ્યોના ક્યારેક ફરિયાદનો ભોગ બનું છું.....પણ જ્યાં સમાજને સુધારવાની ઝંડી જ હાથમાં પકડી છે ત્યાં આવું તો ચાલતું રહે.....ચાલો આજની ચર્ચા પર આવીએ.....” અને તે પછી અવિરત ૩૦ મિનીટ સુધી સહુ મંત્રમુગ્ધ થઇ તેમની બેટી બચાવો અને મહિલાદિન વિશેની અસ્ખલિત વાણીમાં ભીંજાઈ રહ્યા:

“કહેવાય છે કે પુત્ર કુળનો વંશ છે તો પુત્રી કુળનો અંશ છે.પુત્ર અલ્પ છે-પુત્રી વિકલ્પ છે,પુત્ર જ્ઞાન-પુત્રી વિજ્ઞાન,પુત્ર મિત-પુત્રી ગીત છે,પુત્ર સંસ્કાર- પુત્રી સંસ્કૃતિ છે,પુત્ર દવા તો પુત્રી દુવા છે,પુત્ર આન તો પુત્રી શાન છે,પુત્ર ભેટ તો પુત્રી ભાવ છે,પુત્ર વીર તો પુત્રી હીર છે,પુત્ર હાથ તો પત્રી હામ છે,પુત્ર યાચના તો પુત્રી પ્રાર્થના છે,પુત્ર અરજ તો પુત્રી ફરજ છે,પુત્ર કરમ છે તો પુત્રી ધરમ છે,પુત્ર શબ્દ તો પુત્રી સૂર છે,પુત્ર કલશોર છે તો પુત્રી કલરવ છે,પુત્ર તરસ તો પુત્રી તૃપ્તિ છે,પુત્ર હાથ તો પુત્રી હૈયું છે,પુત્ર સુખ તો પુત્રી સંતોષ છે,પુત્ર મેઘ છે તો પુત્રી મેઘધનુષ છે,પુત્ર પતંગ છે તો પુત્રી પતંગિયું છે,પુત્ર વીજ તો પુત્રી વાદળ છે,પુત્ર માન તો પુત્રી સ્વમાન છે.પુત્ર આશા તો પુત્રી આરાધના છે.....પુત્ર કુટુંબનો સ્વભાવ છે તો પુત્રી કુટુંબનું સ્વરૂપ છે,પુત્ર શસ્ત્ર છે તો પુત્રી શાસ્ત્ર છે...પુત્ર એ પુત્ર છે પણ...પુત્રી??પુત્રી એ તો પુત્રી જ છે.....”અનેક વહાલી પુત્રીઓ,મમતામયી માતાઓ,ઋજુ હૃદયના પિતાઓની આખોને ભીંજવતું હૃદયસ્પર્શી વક્તવ્ય સહુ માણી રહ્યા હતા

વક્તવ્ય આગળ વધયું: “પરિવારમાં પુત્રીનું અવતરણ એટલે પિતાના દિલમાં દયાનું ઝરણું ફૂટવું,દિલમાં કરુણાનું સ્થાપન થવું,જીદ,અહંકાર ગર્વનું ખંડન થવું.દીકરી નામની દેવીનું આગમન એટલે દિલમાં દીવાનું સ્થાપન થવું.વીસ-પચીસ વર્ષ માતાપિતાને રમાડતી,રમતી,નાચતી,હસતી,ગતિ,સહુનો આત્મા બની ગયેલી દીકરી જયારે ઠરેલ બની પોતાન ઘરને અળગું કરી,પિયુના ઘરને પોતાનું બનાવવા જાય છે,ત્યારે અરણ્યના તપસ્વી કણ્વ જેવા વૈરાગી ઋષિ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તો પામર સંસારના પિતાનું શું ગજું??! એ જ બતાવે છે કે દીકરી એ પિતાના જીવતરનું બળ છે.”આ વાક્ય સાથે હોલમાં ઘણાના ડુસકા પણ સંભળાયા....

ભીની આખે ગળગળા અવાજે વાત આગળ વધારતા હવે નારીશક્તિનો ઉલ્લેખ કરતા બોલ્યા : “વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે પુરુષ કરતા સ્ત્રીમાં સહનશક્તિ વધુ હોય છે.તો વિવિધ ક્ષેત્રે પોતાની નામના કરનાર આ નારીઓએ વિશ્વના ઇતિહાસમાં પોતાની ક્ષમતા પુરવાર કરી જ છે ને? યાદી બનાવવા બેસીએ તો કેટલીય લાંબી બને....કેટકેટલી નારી શક્તિને સલામ કરીશું? આ સહુ નારીઓએ પુરવાર કરી જ બતાવ્યું છે એક નારીશક્તિ ઝીન્દાબાદ હતી,છે અને રહેશે જ.!! તો પછી આવી શક્તિની ભ્રૂણમાં જ હત્યા કરી,દુનિયામાં આવ્યા પહેલા જ,વિદાય કરી દેવા જેવો અણગમો શા માટે? મને લાગે છે કે આ માટે આપને જ આગળ આવવું પડશે...તો ચાલો આજે જ શપથ લઇએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરીશું નહિ અને થતી હોય તો અટકાવીશું...બોલો સહુ સહમત છો ને મારી આ વાત સાથે?”સહુ શ્રોતાઓના હાથ ઉચા થયા....પ્રીશાબહેને સહુનો આભાર માની પોતાનું સ્થાન લીધું..તાલીઓનો ગડગડાટ પાચ મિનીટ હોલમાં ગુંજી રહ્યો...તે દરમ્યાન પ્રિશાબહેને ફરી ફોન માં કૈક ધીમા અવાજે વાત કરી રહ્યા હતા...તેમનો દીકરો કહી રહ્યો હતો.. “હા મમ્મી,તારી ઈચ્છા મુજબ જ થશે.અમે પહોચી ગયા છીએ ડોક્ટર પાસે...”અને પ્રીશાબહેન હાશકારા સાથે ફોન કટ કર્યો..

કાર્યક્રમ પૂરો થતા ઝડપથી પોતાની કાર તરફ જતા પ્રિશાબેનને રોકતી એક અજાણી છોકરી ધસી આવી.બહેનનો હાથ પકડી વિનંતીના સુરે કહેવા લાગી... “બહેન,પ્લીઝ...૨ મિનીટ મારી વાત સાંભળશો?” ચહેરા પર દુખ અને આંખોમાં પાણી જોઈ એ અજાણી છોકરીની તેને દયા આવી...આયોજકોને તેને મળતા રોકતા હતા પણ તરત તેમણે કહ્યું “હા,બોલ બહેન ..શું કહેવું છે તારે?”પેલી છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી....અને બોલી: “બહેન,તમારા વિચારો કેટલા સુંદર છે?કેટલું સ્રરસ તમે સમજાવી શકો છો? બહેન પ્લીઝ,,,મારી સાસુને પણ આ જ વાત સમજાવો ને? જુના વિચારો ધરાવતા મારા સાસુએ જીદ પકડી છે કે મારે સોનોગ્રાફી કરાવી અને જો ભ્રુણ છોકરીનું હોય તો તેને આ પૃથ્વી પર અવતરણ કરતુ અટકાવવું...બહેન તમે તો જાણો છો સરકારી કાયદો હોવા છતાં હજુ આ બધું શક્ય છે ... તમે જ કહો...એક નારી જ નારીની દુશ્મન થઇ બેથી છે....આજે હું પણ આપની દીકરી જેવી છું....અને જો આપને બધા જ નારી જાતિનો જ નાશ કરીશું તો આ સમાજ જ કેમ ટકશે? બહેન પ્લીઝ...હું પણ મારી માતાની દીકરી છું....આપની પણ દીકરી જેવી છું...સમાજસુધારક નહિ તો એક નારી તરીકે...એક માતા તરીકે તમે પ્લીઝ...એક નારીજાતિના અસ્તિત્વને ટકાવવા મદદ કરો.....”પ્રિશાબહેનની આખો અચાનક ચમકી ઉઠી...તેની સાથે રહેલા તેના પતિને પ્રિશાબહેને કહ્યું: “કેમ બેટા..તું કેમ કઈ બોલતો નથી?તમારા પ્રેમની પ્રથમ નિશાની ગમે તે હોય તેને કેમ સ્વીકાર નથી કરતો?તું તારી માતાને કઈ કહી ન શકે?”ત્યારે તેના પતિનો અવાજ ગળગળો થઇ ગયો..કહેવા લાગ્યો.. “બહેન...મારા મનમાં તો દીકરો દીકરી એક જ સમાન છે...પણ મારી વિધવા માતાએ મને નાનપણથી એકલે હાથે,અનેક દુખો વેઠી મોટો કર્યો છે.....એના માટે મને ખુબ આદરભાવ છે એ મારા માટે ભગવાન સમાન છે....એટલે હું એને કઈ જ કહી શકતો નથી...બહેન પ્લીઝ...આ મારી મમ્મીના ફોન નંબર છે...તમે એક વાર સમજાવજો એમને હો....”પ્રિશાની આંખમાં પાણી આવી ગયા કૈક વિચાર સાથે તે ચમકી અને કહ્યું “હા..હું જરૂર તમારી મમ્મી સાથે વાત કરીશ....હમણાં મને એક બહુ જરૂરી કામ છે તો હું ઉતાવળમાં છું...”આટલું કહી બેયના માથા પર પ્રેમથી હાથ ફેરવી તેઓ ઝડપથી ગાડીમાં બેઠા..

ડ્રાઈવરને ગાડી ડો.મહીષાના કલીનીક પર લેવા સુચના આપી...ડ્રાઈવરે આશ્ચર્યથી કહ્યું: “બહેન..આપણે હજુ એક વક્તવ્ય આપવા જવાનું છે એનો ટાઇમ થઇ ગયો છે .”પ્રિશાએ ભીની આખે ઉતાવળે કહ્યું...હા...એમને હું ફોન કરી દઉં છું કે એક અગત્યનું કામ આવી પડતા ત્યાં ૧૫ મિનીટ મોડા જશું...પણ અહી મોડા નથી પડવું...ચલ જલ્દી...” ડ્રાઈવરે બહેનની આજ્ઞાનું પાલન કરતા ગાડી ડો.મહીષાના કલીનીક તરફ હંકારી..રસ્તામાં પ્રિશા ભૂતકાળમાં સારી પડી...આજથી ૨૫ વર્ષ પહેલા પ્રવેશ પોતાને અને ૨ વર્ષના ભવ્યને છોડી ભગવાનને વહાલો થઇ ગયો હતો..ભવ્યના ઉછેરમાં પોતાની જાત ઓગળી દેનારને તેમનો કહયાગરો દીકરો ભવ્ય કદી કોઈ વાતમાં ઓછું ન આવવા દેતો...એક વર્ષ પહેલા દીકરાના ધામધુમથી લગ્ન કરી સુંદર મજાની ગાથાને પુત્રવધુ ના સ્વરૂપમાં ઘરે લાવ્યા હતા...જયારે તે દાદી બનવાની છે તેવા આનંદજનક સમાચાર એ બેય એ આપ્યા ત્યારે તે ઉછળી પડી હતી...પણ અચાનક જુના વિચારો મુજબ ખબર નહિ કેમ એના મનમાં એ બાળક પુત્ર જ હોવો જોઈએ એવી જીદ ભરાઈ હતી..ભવ્ય ગાથા તેમનું ખુબ ધ્યાન રાખતા અને તેનો પડ્યો બોલ ઝીલતા..પણ આ વાત તેમને સ્વીકાર્ય ન હોવા છતાં ભવ્ય દુખી હોવા છતા એક પણ શબ્દ નહોતો બોલ્યો અને ગાથા ચુપચાપ આંસુ સારતી,૨ દિવસથી ન જમીને મૌન વિરોધ નોંધાવ્યો હતો...પણ..ખબર નહિ કેમ પોતે આટલી લાગણીશુન્ય કેમ બની ગઈ હતી? અને એટલે જ આજે વક્તવ્ય પહેલા કડક શબ્દોમાં ભાવ્યને કહી દીધું હતું કે હવે આજે આ વાતનો નિવેડો લાવી દેવાનો છે.પણ એક અજાણી છોકરી અને તેના પતિની વાતમાં તેને પોતાનું પ્રતિબંબ દેખાયું અને માંહલો પોકારી ઉઠ્યો અને તરત પોતાના વિચાર બદલ પસ્તાવો થતા ગાડી સીધી કલીનીક પર લેવડાવી...દરમ્યાન પેલા અજાણ્યા યુગલે આપેલ ફોન પર વાત કરી તેમના ઘરે સમજાવ્યું : “બહેન,આપણા આંગણે લક્ષ્મી આવે ને આપણે તેને પછી વાળીએ તે કેટલું યોગ્ય છે? ભગવાનને જે ઘર ગમે તેને જ દીકરી આપે છે...અને આમ પણ આજના જમાનમાં ક્યાં એવું છે? દીકરો-દીકરી એક સમાન જ છે...એટલે તમારે ઘરે જે આવે તેને આંનદ થી વધાવજો હો બહેન...”અને તે પણ માની ગયા...

દરમ્યાન કલીનીક આવી જતા તે ઝડપથી અંદર જતા જ તેમનો એકનો એક દીકરો ભવ્ય અને તેની વધૂ ગાથા ચહેરા પર દુખ સાથે બેઠા હતા...તેમને ત્યાં આવેલા જોઈ આશ્ચર્યથી તે બને ઉભા થઇ ગયા.ભવ્યએ કહ્યું “મમ્મી,તમે અહી? મેં તમને કહ્યું હતું ને કે તમારી ઈચ્છા મુજબ જ થશે...ગાથાને પણ મેં સમજાવી દીધી છે....”ગાથાએ ભીની આખે નીચું જોઈ મૌન સંમતિ આપી. પ્રિશાએ તે બનેને માત્ર એટલું જ કહ્યું: “ચાલો ઘરે જઈએ....”બને નવાઈથી તેમને જોઈ રહ્યા...પ્રિશાએ કહ્યું: “હા બેટા મને માફ કરી દો પ્લીઝ,,,ચાલો હું કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી?બેટી બચાવોની મોટી મોટી વાતો કરનારી હું જ કેમ અવળા વિચારે ચાલી?”ભવ્ય અને ગાથા સાનંદ આશ્ચર્ય સાથે તેમને ભેટી પડ્યા....પ્રિશાએ બનેને પ્રેમથી ગળે વળગાડ્યા અને માથે હાથ ફેરવી ક્લીનીકમાંથી પાછા લઇ ગઈ....

ગાડીમાં બેસવા જતી હતી ત્યાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, સામે છેડે હસતો અવાજ સંભળાયો પેલા કપલનો...બહેન તમે ખુબ સુખી થશો..અમે તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલીએ....”ફોન મુકતા પ્રિશા મનોમન બોલી કે તમારો ઉપકાર હું નહિ ભૂલું....એક મા થઈને બીજી માને અન્યાય કરવા જઈ રહી હતી તે તમારા કારણે અટકી....ભવ્ય અને ગાથાને કહ્યું: “હું એક વક્તવ્ય પતાવી આવું છું પછી સાથે જમીએ...અને હા ગાથા...આજે તો શીરો જમીશું સાથે હો.....”મીઠું હસી ગાથા તેમને વળગી પડી....તેમને વિદાય આપી પ્રીશાબહેન બીજું વક્તવ્ય આપવા ગાડીમાં બેસી ગયાએક હોસ્ટેલમાં અનેક દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી... ..હવે નો વિષય હતો: “જગ સુધારણા ભ્રાંતિ:સ્વ સુધારણા એ જ ક્રાંતિ!!”