‘મારા અનુભવો’
શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘શ્રાવણીયો’ લખતાં પહેલા મને સપને પણ વિચાર નહોતો કે ૨૦૧૬ ના વર્ષનો આ શ્રાવણ મહિનો મને આટલા બધા અનુભવો કરાવશે અને અંતે એ ઘટનાઓના સંસ્મરણોને કલમથી નીતારવા પડશે. કોઈ સાચી શિવ-ભક્તિના અનુભવો તો કોઈ સંપૂર્ણ ગાંડી-ઘેલી માનોસ્થિતિમાં – અંધશ્રદ્ધાથી ભરપુર ભક્તિ કરનારા તો કોઈ માનવા ખાતર મંદિરે જઈને તિલક કરતા ભક્તો... પણ ખરેખર, એક યા બીજી રીતે ભક્તો શિવને નતમસ્તક થાય છે એ જાણીને – જોઇને ખુબ આનંદ થયો.
આવા રસપ્રદ, રમુજી અને ભાવુક અનુભવો આ પુસ્તકમાં વાચવા મળશે. આશા છે કે વાચકો ને ગમશે.
શ્રાવણનો પહેલો દિવસ.
પાનનાં ગલ્લે બે મિત્રો ગપસપ કરતા સિગારેટ જલાવતાં હતા. એની વાર્તાલાપના અમુક અંશ.
પહેલો: લે સળગાવ... જા... (બંને સિગારેટ પેલાને સળગાવવા આપે છે.)
(સળગાવીને એક સિગારેટ પોતાના હાથમાં રાખે છે અને બીજી સિગારેટ પેલા ને આપે છે.)
બીજો: (બંને એક સાથે સીગારેટનો પહેલો કસ ખેચતા...) જય ભોલેનાથ!!!
પહેલો: જય ભોલેનાથ!!!
બીજો: હવે જોજે, શ્રાવણ પૂરો ના થાય ત્યાં સુધી ભાઈ(!!!) દાઢી નહિ કરાવે...
પહેલો: હું પણ... અને હવે એક મહિનો નોન – વેજ બિલકુલ બંધ... નામ સુધ્ધાં નહિ લેવાનું...
બીજો: હા... ખરું યાર...
( બીજો કસ ખેચે છે )
પહેલો: તું ચારેય સોમવાર રહેવાનો?
બીજો: હાસ્તો વળી... શિવજી આપડા ફેવરીટ... મને તો આખો શ્રાવણ મહિનો રહેવાની ઈચ્છા થાય... પણ વચ્ચે મારે બધું ખવાય જાય... કંટ્રોલ ન થાય એટલે આપડે ચાર સોમવાર જ બસ છે...
પહેલો: હું તો બે જ સોમવાર રહી શકું.
બીજો: શિવજી માટે આટલું નાં કરી શકે? ધતતતતત....
(કસ ખેચે છે)
પહેલો: આ પહેલા સોમવારે શંકર-મંદિર જવાનું છે હોં... ભૂલતો નહિ...
બીજો: અરે એમાં તો કાઈ ભૂલવાનું હોય ગાંડા.... યાદ જ હોય ને... !!!
પહેલો: હું હવે સીધો ઘરે જવાનો છું... એકાદ-બે હેપ્પીડેન્ટ લઇ લે એટલે સ્મેલ ના આવે...
બીજો: ઠીક છે... લે...
પહેલો: ઓકે... ચલ... મળીયે પછી...
બીજો: હા... બાય...
શિવજી પ્રત્યેની ભક્તિ – તેના પ્રત્યેનો પ્રેમ – શિવ માટેનું માન – તેનો આદર કરવો આ બધી જ ભાવનાઓ પ્રભુ સામે કેવી રીતે રજુ કરવી તેની અલગ-અલગ માનસિકતા ધરાવતાં લોકોની અલગ-અલગ રીતો – તરકીબો – રૂઢિઓ – ચલન હોય છે. ઉપરનાં સંવાદોમાં આજની પેઢીનાં યુવાન મિત્રો – યંગ જનરેશન શ્રાવણ મહિનાનો મહિમા કેવી રીતે વધાવે છે તેની પ્રતીતિ કરાવે છે. યુવાન મિત્રો માટે (અમારા માટે – આપના માટે) શ્રાવણ એટલે શિવમય થઇ જવું – શેવિંગ ન કરાવવી – વાળ ન કપાવવા – દારૂ ન પીવો – નોનવેજ ન ખાવું – સોમવારમાં ઉપવાસ કરવાં – વગેરે વગેરે રીત થી શિવની ભક્તિ કરે છે. અને એમાં કઈ ખોટું મને દેખાતું નથી. પરંતુ ફક્ત શ્રાવણ મહિના માટે જ આ બધી ભક્તિઓ રહે છે અને શ્રાવણ પૂરો થતાં જ બધું વિસરાય જાય છે એ વાત જરા દુખ લગાવે એમ છે.
એક રીતે જોવા જઈએ તો શ્રાવણ એટલે શિવજીની ડિમાન્ડ આવી ગઈ!!! પણ જો તમે શિવના જીવન પર થોડું ઘણું રીસર્ચ કરો તો તમને મનો:મન લાગશે કે તમે પૂરી જિંદગી શિવભક્તિ કરો તો પણ જિંદગી ઓછી પડશે.
શ્રાવણ શરુ થતાં જ WhatsApp અને Facebook પર શિવજીનાં ફોટો – શિવસ્ત્રોત્રનાં શ્લોકો –શિવજીનાં Slogan ફરતાં થા માંડે. મારા એક મિત્ર એ શિવજીનો એક ફોટો એના લેપટોપના Back Cover માટે ભારે ખર્ચે પ્રિન્ટ કરાવ્યો, જેમાં શિવ એક ટાપુ પર બેસીનેગોઠણ પર હાથ રાખીને ચિલમમાં ગાંજો ફુકતા હોય છે અને આજુબાજુ કંકાલ – અસ્થિ પડેલાં છે.
શિવભક્તિમાં ઓતપ્રોત થઈને એણે લેપટોપ પર એ સ્ટીકર ફૂલ સાઈઝમાં લગાવ્યું પણ ખરું!!! ત્રણ દિવસ પછીએ મળ્યો ત્યારે ખબર પડી કે એના પપ્પા એ ગુસ્સે ભરાઈને એને મેથીપાક આપ્યો અને એનાં હાથે જ સ્ટીકર કઢાવ્યું. અને અધૂરામાં પૂરુ કહ્યું પણ ખરું કે “તારી સંગત - ફેર થાય છે... મિત્રો સારા બનાવ... આવા ગંજેડી ભઈ-બંધો સાથે રહીને જ આવા ફોટાં ચીતરાવે છે તું... શંકર તો ગાંજો ફુંકતા... પણ એણે આખી દુનિયાનું ઝેર કંઠમાં ભરીને ઉગારી હતી... તારાથી દવાની એક ટીકડી પણ ગાળામાં જતી નથી....”
અમે બધા હસી હસીને લોથ – પોથ થઇ ગયેલાં. અને ત્યારે પેલા ભઈબંધનું મોઢું જોવા લાયક હતું. હસવું તો એને પણ હતું, પણ બિચારો શું કરે? પરિસ્થિતિ જ એવી સર્જાઇ હતી.
શ્રાવણનો પહેલો સોમવાર
મારા સવારનાં રૂટીન મુજબ હું બાઈક લઇ નોકરી પર જઈ રહ્યો હતો. મારા દરરોજનાં રસ્તા પર જ એક શિવમંદિર છે જ્યાં સામાન્યતઃ એક કે બે ધોળા માથાળા ભાભલાઓ બેઠા હોય (બીડી સળગાવીને) પણ આજે સોમવાર હોવાથી ત્યાંની ભીડ તો તમે જુઓ!!!! ઓહોહોહો!!! આટલા બધા શિવભકતો...!!!મને તો આ શ્રાવણનાં સોમવારે જ દેખાય છે... બાકીના દિવસોમાં અને બાકીના મહિનાઓમાં શું શંકર ભગવાન રાજા ઉપર હશે??? અને અધૂરામાં પૂરું, એ ભીડનો લાભ લેવા ભિખારીઓની લાઈન અને ફુગ્ગાવાળા – રમકડાવાળા પણ પેહલીવાર ત્યાં જોવા મળ્યા.
લોકો દુધનો પ્યાલો ભરીને શિવલિંગ પર ચડાવે છે અને એ જ દૂધ નાલાકડી વાતે થઇને પ્રદક્ષિણાનાં માર્ગમાં ગાયના મુખમાંથી નીચે પડે છે અને ત્યાંથી ક્યાં જતું હોય કોને ખબર?? પણ શિવલિંગને દૂધ ચડાવવાથી શિવ પ્રસન્ન થાય એવું અત્યાર સુધી મારા વાંચનમાં ક્યાય આવ્યું નથી એટલે એ બાબત વિષે વિચાર વિમર્શ કરવો રહ્યો. પણ સુરતનાં કતારગામમાં કન્થેરીયા હનુમાનનું મંદિર છે. અને શ્રાવણ માસ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં જ મોટી શિવલિંગ મુકીને ફરતે ૧૦૦૮ રુદ્રાક્ષના હાર કરવામાં આવ્યા છે. આ મંદિરમાં એક નોંધવા લાયક બાબત એ બની, ત્યાં શિવલિંગ પાસે જ એક પોસ્ટર મારેલું હતું કે, “ શિવલિંગ પર કોઈએ દૂધ ચડાવવું નહિ. જો તમે ખરેખર જ શિવની પૂજા કરવા માંગતા હોય તો એ દુધનો પ્યાલોકોઈ ગરીબનાં ઝુંપડામાં જઈને એનાં હાથમાં આપજો અને એનાં ચેહરાનોઆનંદ જોઈ લેજો તમારી ભક્તિ ત્યાં થશે. અસ્તુ:” અને હવે તો વિશ્વ – વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પણ ચડાવેલું દૂધ સીધું જ ગરીબો ને મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબત નોંધવા લાયક છે. (Point to be noted…!!!)
હું મારા કામમાં વ્યસ્ત હતો અને કમ્પ્યુટરની સ્ક્રીન પર એક એનાલીસીસમાં દિલ - દિમાગ બેવ એકીટશે સ્થિર હતા એતે ઓફિસમાં આસપાસનાં વાતાવરણ અને વાતચીતમાં મારું બિલકુલ ધ્યાન નહોતું. એવામાં એક હાથ મારી આંખ અને સ્ક્રીનની વચ્ચે આવ્યો અને નજીક આવીને મારા કપાળ પર ઠંડકનો એહ્સાસ કરાવ્યો. મેં ઝબકીને નજર કરી... “ ઓમ નમઃ શિવાય... ઓમ નમઃ શિવાય... ઓમ નમઃ શિવાય...” મંત્રોચ્ચાર કરતાં એક ભૂદેવ હાથમાં થાળી લઈને ઉભા હતા.હું એમની થાળીમાં કૈક દાન-દક્ષિણા આપીશ એવું એમના ચહેરાના હાવભાવ પરથી લાગતું હતું. મેં પાકીટ લઈને દસની નોટ મૂકી દીધી. એ ભૂદેવ સ્મિત સાથે ઓમ નમઃ શિવાય... ઓમ નમઃ શિવાય... બોલતાં બોલતાં બાજુની ઓફીસમાં ચાલ્યા ગયા..
No Explanation…
પહેલા સોમવારની સાંજ
ખરો અનુભવ તો મને સાંજે થયો. સંધ્યા ટાણું હશે અને ૭:૩૦ જેટલો સમય થયો હશે. હું ઓફીસથી પરત ફરતો હતો. એવામાં લગભગ ૨૦-૨૫ લોકોનું ટોળું રસ્તા વચ્ચે ભેગું થયેલું. મારો મદદનીશ સ્વભાવ પહેલેથી જ રહેલો એટલે મેં બાઈક સાઈડમાં રાખી અને પહેલી નજરે એક્સિડન્ટ જેવું લાગ્યું એટલે મારાથી બનતી મદદ કરવા હું માનસિક તૈયાર થઈને ટોળાની અંદર પ્રવેશ્યો. ટોળાની મધ્યમાં એક યુવતી બેભાન અવસ્થામાં પડેલી હતી અને ટોળામાંથીકોઈ એક (મારા જેવો ભલો માણસ) એમનું માથુ ખોળામાં લઈને પાણી છાંટતાં હતા. લગભગ ૧ જ મીનીટમાંએમને હોશ આવી ગયો. પુછતાછ કરતા ખબર પડી કેએ છોકરીએ આજે શ્રાવણીયો સોમવાર નરકોડો (એટલે કે પાણી સુદ્ધાં નહિ પીવાનું) પાળેલો અહ્તો અને દિવસનાં અને શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઇ જતા ડીહાઈડ્રેશનને લીધે એ છોકરી બેભાન થયેલી.
શ્રાવણનો બીજો દિવસ
ઓફિસમાં એક છોકરો રોજે સવારે ચા આપવા આવે. અને દરરોજ એ છોકરો એના હાથેથી જ ચા આપતો અને એના હાથ પર ફંકી ફ્રેન્ડશીપ બેલ્ટ અને થોડાક દોરા-ધાગા રહેતા એટલું મને ખ્યાલમાં રહેલું. પણ આજે એણે ચા આપવા હાથ લાંબો કર્યો એટલે હું જરા ખચકાયો કારણ કેઆજે એના હાથ પરથી એ બધા જ દોરા-ધાગા અને બેલ્ટ્સ બધું ગાયબ અને એની જગ્યાએ કાંડાથી લઈને અંગુઠાના મધ્ય ખાંચા સુધી એક ત્રિશુળનું ટેટુ એ ચિતરાવીને આવેલો. તાજુ જ ચિતરાવેલું હતું એટલે આજુબાજુની ચામડી રાતી દેખાતી હતી. મેં તરત જ પૂછ્યું કે,
“એલા, આ બધું શું છે?”
“સર, શ્રાવણ માસ ચાલે છે ને... એટલે...”
“ઓ ત્તેરી....” હું મનોમન બોલ્યો...
અંતે હું મારો દાખલો કહી દઉં. અંદાજે બે’ક મહિના પહેલાં શરૂ કરેલી દંતકથા ‘શિવકથન’ના ત્રણેય પુસ્તક આ મહિનાનાં અંત સુધીમાં વાંચ્યાં. જી... હા... એટલે કે, ‘મેલુહા’, ‘નાગવંશ’, અને ‘વાયુપુત્રોના શપથ’... અમીશ ત્રિપાઠીના આ ત્રણેય પુસ્તકો વાચવા જેવા ખરાં... શિવ નું શૌર્ય – બહાદુરી, સતી પ્રત્યેનો પ્રેમ, સાહસિકતા, ચાતુર્ય, બધું જ ખુબ સુંદર રીતે આલેખીને વાચક સમક્ષ રજુ કર્યું છે. હું તો શિવભક્ત છું જ એટલે શ્રાવણમહિનામાં જ મારી શિવભક્તિ બેવડાઈ – ત્રેવડાઈને ઉભરો ભરીને આવે એમ નથી, પણ નિરંતર ચાલ્યા કરે છે.
પણ તમે જો ખરેખર જ શ્રાવણ નો મહિમા સમજવા માંગો છો, શિવને જાણવા માંગો છો તો સોમવાર પાળવો, મંદિરે જવું જ દાઢી ન કરાવવી આ બધું કરવા કરતા ફક્ત એક વખત શિવ વિશેનું કોઈ પણ પુસ્તક લઇ અને શિવનાં જીવન ચરિત્ર પર નજર કરજો. હું શરત લગાવીને કહું છું કે તમે શિવભક્તિ છોડી નહિ શકો.
ફરી મળીશું... નવા અનુભવો સાથે...