પિન કોડ - 101
પ્રકરણ-27
આશુ પટેલ
‘વેલકમ.’
મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર રાજ મલ્હોત્રાના ભાઈ શ્રીરાજ સાથે અંદર પ્રવેશ્યા એટલે રાજ મલ્હોત્રાએ ઊભા થઈને તેમના તરફ ચાલતા કહ્યું.
સાહિલ બાઘાની જેમ ચીફ મિનિસ્ટરને તાકી રહ્યો. પણ બીજી જ ક્ષણે તેને યાદ આવ્યું કે તે હજી બેઠો છે. તે સફાળો ઊભો થઈ ગયો. તે રાજ મલ્હોત્રાની ચેમ્બરમાં પ્રવેશ્યો હતો ત્યારે તેને લાગ્યો હતો તેનાથી વધુ કરંટ તેને અત્યારે લાગ્યો હતો. તેનું દિમાગ વિચારી શકે એથી વધુ ઝડપી સમય ચાલી રહ્યો હોય તેમ તેને લાગ્યું. તેને સમજાયું કે રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલના ચહેરા પર મૂંઝવણના ભાવ જોવા મળ્યા હતા એ વખતે ખરેખર દિલનવાઝ ખાન અને બીજા વીવીઆઈપીઝ આવ્યા હતા!
પોતે શું કરવું જોઈએ એ ના સમજાયું એટલે સાહિલ પોતે ઊભો થયો એ જ જગ્યાએ જડાઈ ગયો. રાજ મલ્હોત્રા ચીફ મિનિસ્ટરને કુશાન્દે સોફાવાળી એક સીટિંગ અરેન્જમેન્ટ તરફ દોરી ગયા. તે ચીફ મિનિસ્ટર અને તેમના ભાઈ સોફા પર ગોઠવાયા. શીતલ તેમનાથી ત્રણ-ચાર ફૂટના અંતરે ઊભી રહી. રાજ મલ્હોત્રાએ કંઈક ઈશારો કર્યો એટલે શીતલ ઝડપથી સાહિલ પાસે આવી. તેણે સાહિલને કહ્યું, ‘કમ વિથ મી, પ્લીઝ.’
સાહિલ યંત્રવત તેની પાછળ ચાલતો થયો. શીતલ તેને રાજ મલ્હોત્રાની ચેમ્બરના અડધો ડઝન જેટલા દરવાજામાંથી એક દરવાજેથી બહાર લઈ ગઈ. એ દરવાજો એક રૂમમાં ખૂલતો હતો જ્યાં આઠ વ્યક્તિ બેસી શકે એ રીતે એક લંબચોરસ ટેબલ ફરતે ખુરશીઓ ગોઠવાયેલી હતી. શીતલે તેને ત્યાં બેસવા કહ્યું અને પછી તે તરત જ ત્યાંથી જતી રહી.
સાહિલે રૂમની એ દીવાલ પર લગાવેલી એક કલાત્મક ઘડિયાળમાં સમય જોયો. સાડા બાર વાગી ગયા હતા. એટલે કે છેલ્લા દોઢ કલાકથી તે રાજ મલ્હોત્રા સાથે બેઠો હતો!
સાહિલ એકલો પડ્યો એ સાથે તેને યાદ આવ્યું કે નતાશા તેને ક્યારની કોલ કરતી હતી અને તેણે અકળાઈને સેલફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. તેણે ઉતાવળે સેલફોન ચાલુ કર્યો અને નતાશાનો નંબર લગાવ્યો.. તેને કાનમાં વાગે એ રીતે રેકોર્ડેડ શબ્દો સંભળાયા: ‘ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઈઝ કરન્ટલી નોટ રીચેબલ. પ્લીઝ ટ્રાય અગેઈન લેટર.’ તેણે ફરી ત્રણ-ચાર વાર નતાશાને કોલ લગાવી જોયો. દરેક વખતે તેને પેલો રેકોર્ડેડ મેસેજ જ અંગ્રેજી અને મરાઠીમાં સંભળાયો કે આ નંબરનો અત્યારે સંપર્ક થઈ શકે એમ નથી. તે નતાશા પર અકળાઈ ગયો. કાલે પણ નતાશાએ આ જ રીતે સેલ ફોન સ્વિચ ઓફ કરીને તેને બહુ ચિન્તા કરાવી હતી. જો કે બીજી જ ક્ષણે તેને ફરી ચિંતા થઈ આવી કે પોતે રાજ મલ્હોત્રાને મળવા આવ્યો છે એ જાણતી હોવા છતા નતાશા કોલ કરી રહી હતી એટલે તેને કદાચ કોઇ અર્જંટ કામ નહીં આવી પડ્યું હોય ને? વળી નતાશાએ પેલા ઓમર હાશમીને એક વાગ્યે મળવાનું હતું. સાહિલને એમ હતું કે પોતે અગિયાર વાગ્યે રાજ મલ્હોત્રાને મળીને મોડામાં મોડો સાડાઅગિયાર વાગે પણ તેમના મહાલક્ષ્મી વિસ્તારના હેડક્વાર્ટરથી નીકળીને મહાલક્ષ્મી સ્ટેશનથી અંધેરીની ટ્રેન પકડે તો પણ આરામથી એક વાગતા પહેલા વર્સોવા પહોંચી જશે. પણ રાજ મલ્હોત્રા સાથે તેની મીટિંગ ખાસ્સી લાંબી ચાલી હતી.
સાહિલ મૂંઝવણમાં મુકાઈ ગયો. તે રાજ મલ્હોત્રા પાસે જઈને એમ કહી શકે એમ નહોતો કે, ‘સર, હું તમને ફરી મળવા આવું તો ચાલે? અત્યારે મારે ક્યાંક પહોંચવાનું છે.’ રાજ મલ્હોત્રા ચીફ મિનિસ્ટર સાથે ન બેઠા હોત તો પણ સાહિલની આવું પૂછવાની હિંમત ન ચાલી હોત. અને કદાચ તેણે હિંમત કરી હોત અને રાજ મલ્હોત્રાએ હા પાડી હોત તો પણ તે કોઈ કાળે અડધા કલાકમાં મહાલક્ષ્મીથી અંધેરી પહોંચી શકવાનો નહોતો.
સાહિલ વિચારોમાં અટવાયેલો હતો એ વખતે અચાનક જ એ રૂમમાં કોઈ સુગંધ ફેલાઈ ગઈ હોય એવું તેને લાગ્યું.
* * *
‘એ છોકરીને એવી રીતે મારી નાખવાની છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે એવુ જ લાગે.’ મહેન્દી લગાવેલી દાઢીવાળો અને કાળા ગોગલ્સધારી માણસ નતાશા માટે ઓમરને કહી રહ્યો હતો. તેના દેખાવ પરથી તે જેટલો ભયંકર અને ઘાતકી માણસ લાગતો હતો એનાથી વાસ્તવમાં તે વધુ ખતરનાક માણસ હતો. તેનું નામ મોહમ્મદ ઇક્બાલ જમીલ સિદ્દિકી હતું, પણ તેની આજુબાજુના બધા તેને ‘ભાઇ’ કે ‘ઇકબાલભાઇ’ કહીને જ સંબોધન કરતા હતા. જો કે તેના દુશ્મનો તેને જુદી રીતે ઓળખતા હતા. તેની એક આંખ ખોટી હતી એટલે અંડરવર્લ્ડમાં તેના દુશ્મનો અને પોલીસના ખબરીઓ તેનો ઉલ્લેખ ‘કાણિયા’તરીકે કરતા હતા.
‘જી ભાઇ. ભાઇજાને મને કહ્યું હતું કે આ કામ જેટલું બની શકે એટલું જલદી હાથ પર લેવાનું છે, પણ આજે સવારથી ભાઇજાનનો નમ્બર બન્ધ આવે છે.’ ઓમરે કહ્યું.
‘ભાઈજાનને અચાનક આકાએ બોલાવ્યા છે એટલે તેઓ થોડા દિવસ માત્ર મારી સાથે જ સંપર્કમાં રહેશે.’ ઇકબાલે કહ્યું.
‘જી ભાઈ. પણ આકા તો...’
‘હા. ભાઈજાન આકા છે એ મુલ્કમાં જવા નીકળ્યા છે. ભાઈજાન મને મળ્યા હતા ત્યારે તેમણે મને બધું સમજાવી દીધું છે. ભાઈજાને કહ્યું છે કે મોહિની મેનનની હજી થોડા સમય માટે જરૂર છે. તેના સુધી કોઈ પહોંચે એ પહેલા આ છોકરી, નતાશા નાણાવટીને ખતમ કરીને દુનિયા સામે એવું સાબિત કરી દેવાનું છે કે મોહિની મેનને પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે.’
‘પણ ભાઈ એ છોકરીને તો...’
‘સમજી ગયો તારી વાત. એ નૌટંકીવાળી છોકરીને ઘણા માણસો મુંબઈમાં ઓળખે છે. એટલે જ તેને મારીને તેની લાશ એવી જગ્યાએ અને એ રીતે મળવી જોઈએ કે બધા એવું જ માની લે કે વૈજ્ઞાનિક મોહિની મેનને આત્મહત્યા કરી લીધી છે. અને એ કામ આસાન થઈ જાય એ માટે ભાઈજાને આ બધી ચીજ મોકલાવી છે.’ એક બેગ ઓમર તરફ ધકેલતા ઈકબાલે કહ્યું.
‘શું છે આ બેગમાં?’ ઓમરે કુતૂહલ સાથે પૂછ્યું.
ઇકબાલે ઉપહાસ ભર્યું હાસ્ય કર્યું અને પછી કહ્યું: ‘તુ હજી નવો અને કાચો ખેલાડી છે એટલે આવો સવાલ કરે છે! આ બેગમાં મોહિની મેનનના કપડાં, જૂતાં, ઘડિયાળ, પાસપોર્ટ અને બીજી એવી ચીજો છે જે નતાશા નાણાવટીની લાશ પાસેથી મળી આવશે. આ બધી ચીજોને કારણે પોલીસ પણ શરૂઆતમાં તો માની લેશે કે વિચક્ષણ વૈજ્ઞાનિક મોહિની મેનને આપઘાત કરી લીધો છે.’
‘પણ પોલીસને કોઈ તબક્કે તો એવો શક તો જશે ને કે આ લાશ મોહિની મેનનની નહોતી પણ, નતાશા નાણાવટીની હતી?’ ઓમર પૂછ્યા વિના ના રહી શક્યો.
ઈકબાલના ચહેરા પર સ્મિત ફરકી ગયું. કોઈ શિક્ષક તેના વિદ્યાર્થીને સમજાવતો હોય એ રીતે તેણે કહ્યું: ‘એટલે જ તને આટલું બધું વિગતવાર સમજાવવું પડે છે અને આ કામમાં તારી સાથે બીજા અનુભવી માણસોને રાખવા પડશે! આ મુલ્કની પોલીસ તારા જેવી જ છે એટલે એને થોડો સમય તો એ સમજતા જ લાગશે કે જે લાશ મળી આવી છે એ વૈજ્ઞાનિક મોહિની મેનનની નહીં, પણ કોઈ નૌટંકીવાળી છોકરીની છે! પોલીસને એ વાતનીએ ખબર પડશે ત્યાં સુધીમાં આપણને થોડા દિવસ મળી જશે. અને ભાઈજાને કહ્યું છે કે એટલું કાફી છે. થોડા દિવસ પછી તો આપણે જ મોહિની મેનનની કતલ કરીને તેની લાશ પોલીસને અને આ મુલ્કની સરકારને ભેટ ધરી દઈશું!’
* * *
ઇકબાલ અને ઓમર જેનો ભાઈજાન તરીકે ઉલ્લેખ કરી રહ્યા હતા એ હતો ખોફનાક આતંકવાદી સંગઠન આઈએસનો લીડર ઇશ્તિયાક અહમદ અને તે જેને મળવા અજ્ઞાત સ્થળે ગયો હતો તે આકા હતો અલતાફ હુસેન, આઈએસનો સુપ્રીમો!
(ક્રમશ:)