સોરઠી બહારવટિયા
ભાગ-૧
ચાંપરાજ વાળો
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
ચાંપરાજ વાલો
(ઈ. સ. ૧૮૩૫ની આસપાસ)
ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે અને ટીંબલેથી હાથિયો વાળો અને જેઠસૂર વાળો નામે બેય ભાઈ હાજર થયા છે. ચારસો-પાંચસો બીજા કાઠીઓ પણ વાળાંકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢીઃ
“આપા હાથિયા વાળા! ઠીક થયું, તમે આંહીં જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.”
“ભલેં ભલેં, બા ચાંપરાજ! બોલ્ય. શું કહેવું છે?”
“કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બેનને રોટલા-પાણીનું દુઃખ શીદ દ્યો છો? એની જિવાઈ કાં ચૂકવતા નથી? બાઈ ચરખે આવીને રાતે પાણીએ રોતી’તી.”
આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઈની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતા દુઃખની વાત ઉચ્ચારતાં ટીંબલાના બંને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધોઃ “આપા ચાંપરાજ વાળા, તું તે આંઈ તારી ફુઈની દીકરીને જિવાઈ અપાવવા આવ્યો છો, કે કારજે આવ્યો છો?”
“બેય કરવા, આપા જેઠસૂર! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડિયુંમાં ઊંટિયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠિયાણીને રોટલાનું બટકુંય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય? જિવાઈ તો કાઢી આપવી જોશે, બા!” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો.
“તારે કહ્યેથી જ કાંઈ જિવાઈ નીકળી જાય છે, ચાંપા?”
“તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.”
“તો ભલે, બા! ખુશીથી આવવું.”
“તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે’જો.”
“એમ ફકીરા કુશકીનો સોરડો (છોકરો) ગરાશ કઢાવી દેશે!”
એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે. એટલે ઘરનો ધણી ઊઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઊભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડિયા નાખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથિયા વાળા ને જેઠસૂર વાળા! સાબદાઈમાં રે’જો, હો! સાત જમણે અમે નક્કી આવશું.”
પોતાના કુંટુબની એક નિરાધાર કાઠિયાણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા. પછી એના ચિત્તમાં વિચાર ઊપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે? ટીંબલાના જણ છે જાડા. એને કેમ કરીને પહોંચાશે?”
“બાપુ! વિચારમાં કેમ પડી ગયા છો?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી.
“જમાદાર, ટીંબલા માથે ચડાવાની જીભ કચરાઈ ગઈ છે.”
“તે એમાં શું, બાપુ? આંટો ખાી આવીશું. કયે જમણે?”
“દીતવારે.”
“ઠીક. પણ મને લાગે છે, બાપુ, કે કદાચ ટીંબલવાળાએ માન્યું હશે કે ચંપારાજ વાળો થૂંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ; એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.”
એ રીતે પ્રથમથી સમાચાર મોકલ્યા કે ‘દીતવારે આવીએ છીએ’.
પણ ટીંબલના દાયરામાં સામત વાળો નામનો એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપારાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.”
માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરનાં ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.
ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી. દીઠી. માણસોએ પૂછ્યુંઃ “બાપુ, લેશું કસુંબો?”
“હા, બા, એમાં શું? બાપના દીકરાનો કસુંબો છે ને?”
સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા.
“ખબરદાર!” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતવ્યાં “આપણે ગામ લૂંટવા નથી આવ્યા, બહેનને જિવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.”
એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં તો તેણે બુઢ્ઢિયા કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઊભેલા દીઠા.
“ડોસલ્યાવ! ખસી જાવ,” ચાંપરાજે શિખામણ દીધી.
રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યાઃ “ખસી ગયે તો સાત જન્મારાની ખોટ બેસે, આપા ચાંપરાજ વાળા!
અને ચાંપરાજ વાળો ઊઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે?”
“અરે ડોસલા! આંહીં દીકરાના વિવા નથી કે તાણ્ય કરવા બેસીએ. માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો!”
ધોળાં ધોળાં નેણ ઊંચાં ચડાવી, ધોળી પાંપણોને અરધીક ઉઘાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી બંને બુઢ્ઢાએ બુઢાપાની ધ્રુજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઊઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઇ કર, ને અમનેય અમારું મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઈશ મા, મલકના ચોલટા!”
એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબારગઢની અંદર ચાલ્યો.
ઓરડે જાય ત્યાં ઊંચીઊંચી ઓસરીને કાંઠે ઊભેલાં રૂપદેબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે “બહેન, તમારે જે કાંઈ લૂગડાંલત્તા, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તો નોખી તારવી લ્યો.”
ગાડાં આવી હાજર ગયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપદેબાઈને બેસાર્યાં. ત્રણ કાઠી અસવારોને ચાંપારાજ વાળે હુકમ કર્યોઃ “બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવાય પાછા વળશો મા.”
“બાઈયું, બોન્યું,” ગઢની કાઠિયાણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યુંઃ “તમે કોરે ખસી જાવ, અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઈની ચડત જિવાઈ પણ ચૂકવવી જોશે.”
હાકલ પડતાં જ કાઠિયાણીઓ પોતાની કાયા માથેથી એકેક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. એકે ચાંપરાજ વાળાના અસવારને કહ્યુંઃ “ભાઈ, કડલાં સજ્જડ ભિડાઈ ગયાં છે, નીકળતા નથી.”
“તો કાપવો પડશે પગ!”
ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં...! પગ કાપવો છે!” એવી ત્રાડ સંભળાણી અને ઉઘાડી તરવારે એક પરછંદ આદમી છલંગ મારીને દોડતો આવ્યો.
“કોણ સામત!” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું.
“હા બાપ, હું સામત! મને તેં ઓળખ્યો, ભેરુ? ના ના, સાચી ઓળખાણ નો’તી પડી!”
“અરે સામત! તું હજી આંહીં?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો.
“હું આંહીં ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો. ચાંપરાજ! લે, હવે ઝટ તરવાર લે.”
“સામત! સામત!”
પણ સામત વાળો ન માન્યો. તરવાર લઈને હનુમાન જેવો છલંગ દેતો આવ્યો, ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડોફડ ઝાટકા પડ્યા. “અરે હાં! હાં! રે’વા દ્યો.” એમ ચાંપરાજ બોલતો રહ્યો ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા.
“કોપ કર્યો. સામતને મારવો પડ્યો!” એમ બોલતાં બોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણું સારી રીતે થઈ ગયું, એટલે આખુ કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બા’રવટે નીકળી ગયો.
ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ,
લાલ કસુંબલ લૂગડાં, સરખાનો ચાંપરાજ.
ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરિયાળી પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણિયાનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ઘટાટોપ ઝાંખરાં-ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે અને નવ પોતાના પગારદાર મકરાણી, એટલા જણે ડુંગર માથે ચડીને મોરચો ગોઠવ્યા. થોડી વારમાં તો ધારી-અમરેલીની ગાયકવાડી ગિસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો.
મકરાણીનો જમાદાર બોલ્યોઃ “બાપુ, આ ઘાસિયો પાથરી દઉં છું. તેના પર તમે તમારે બેસી રહો, અને અમને બંધૂકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.”
દસેય બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ, બિવારું છું. હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફૂંકાતો જાય છે. એમ થતાં થતાં તો બે જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂકો લઈને ડુંગર ઉપર ચડતા જોયા.
“બાપુ!” જમાદાર બોલ્યોઃ “હાથના આંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું?”
“ના, ભાઈ, ગોરાને માથે ઘા રે’વા દેજે.”
“પણ, બાપુ, ઈ તો આ પોગ્યા. અને હમણાં આપણને ધરબી નાખશે.”
“ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!”
મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ.
વીકે સરવૈયા વાઢિયા, રણઘેલા રજપૂત,
ભાણિયાને ડુંગર ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ!
(વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા, પણ હે ચાંપરાજ! તેં તો ભાણિયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સરજાવી દીધો.)
ડેરે બોકાસાં દિયે, કંડી મઢ્યમું કોય,
જગભલ સા’બ જ જોય, ચૂંથી નાખ્યો, ચાંપરાજ!
(સાહેબની મડમો એના ડેરાતંબૂઓમાં વિલાપ કરે છે. કેમ કે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચૂંથી નાખ્યો.)
તેં દીધી ફકરા તણા, એવી ભાલાની આણ,
મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે, ચાંપરાજ!
(ફકીરા વાળાના પુત્ર! તેં તો ગીરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગીરમાં મુકામ કરી શકે તેવું નથી.)
ગોરાનું લોહી છંટાતાં તો ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમ જો ઝલાઉં, તો કૂતરાને માતે મરવું પડે.”
ભૂખ્યાતરસ્યા બહારવટિયા ભાણિયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો.
પછી કહ્યું કે “હવે મંડો ભાગવા. દેશ મેલી દ્યો.”
“અરે બા! એમ ભાગવા તે કેમ માંડશું? સહુને સૂરજ ધણીએ બબ્બે હાથ દીધા છે.”
એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોંટાઝોંટા કરી ગાયકવાડનાં હાંડાં જેવાં રૂડાં ગામડાંને ધમરોળી નાખ્યાં. વાંસે વડોદરાની ફોજો આંટા દેવા લાગી, પણ ચાંપરાજને કોઈ ઝાલી શક્યા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાંને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરીઃ “ભાઈ, હવે તો ઘેંસનાં હાંડલાં ફોડીફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ- ગોરસ માથે મન ધોડે છે.”
“એટલે શું, ચાંપરાજ વાળા ? અમરેલી-ધારીને માતે મીટ મંડાય એવું નથી, હો! પલટનું ઊતરી પડી છે વડોદરાથી.”
“સંચોડી ગાયકવાડી જ આંહીં ઊતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેક પડશે, બા!”
કોઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો, અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો.
અમરેલી આવછ અભંગ, ભડ રમવા ભાલે,
(તે દી) મરેઠિયું રંગમોલે, ચાંપાને જોવા પડે.
(ઓ શૂરવીર ચાંપરાજ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નીરખવા માટે ઊંચી મહેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહે છે.) ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજ વાળાને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો.
દખણી ગોવિંદરાય ડરે, રંગમોલમાં ય રાડ્ય,
કાઠી નત્યો કમાડ, ચોડે બરછી ચાંપડો.
(ગોવિંદરાવ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયકવાડ) ચાંપરાજ વાળાના ભયથી મૂંઝાવા લાગ્યો. રાજમહેલમાં બૂમો પડે છે, કેમ કે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.)
ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ,
વડોદરે ભડ વંકડા, પાડ્યો ધવે પઠાણ.
(સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા! કાઠીની ત્રણેય પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા! રંગ છે તારા થોભાને!
કેમ કે તેં તો, હે બંકા મરદ! વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારોને ધબ્બો મારી ધૂળ ચાટતા કરી દીધા.)
કલપ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલે ઘોડે એક ઊંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે, બાજુમાં ઘોડી હમચી ખૂંદી રહી છે અને “ધીરી બાપા! ધીર રેશમ!” એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અસવાર પોતાના ખડિયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘૂંટે છે. ભમ્મર ભાલો ભેખડને થડ ટેકવેલ છે, ને તરવાર તો પૂજાના પુષ્પ જેવી સન્મુખ જ પડેલ છે. સૂરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે.
“રંગ હો! રંગ હો! રંગ હો, સૂરજ રાણ!” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધો, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગિસ્ત ઊતરી. મોખરે મોટા દાઢીમૂછાળા આવતા’તાઃ પચીસ- પચીસ ઘોડેસવારો અને સોએક પગપાળા બરકંદાજો.
“એ આવો, બા, આવો! કસુંબો પીવા ઊતરો!” એમ ભેખડને થડ બેઠેલા એકમ આદમીએ આગ્રહ કર્યો.
“ઊતરાય એમ નથી, બા! મરવાનુંયે વેળુ નથી,” એમ ગિસ્તના મોવડીએ જવાબ દીધો.
“કાં, એવડું બધું શું છે?”
“આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.”
“અરે ભાઈ! મારું ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે.
હુંય અમરેલી જાહેર કરવા જાતો’તો. ચાંપરાજે તો અરેકાર વર્તાવ્યો છે.
પણ શું કરીએ ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે ? ઊતરો ઊતરો, બા, આથમ્યા પછી અસૂર નહિ!”
ગિસ્તને તો એટલું જ જોતું હતું. ઊતર્યા. ઘાસિયા પથરાયા. મોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડીઃ “હેં બા! આમાં તમને ક્યાંઈક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો?”
ગિસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા.
“સાચું કહું, દરબાર?” મુખ્ય માણસ બોલ્યો.
“હા, કહો!”
“પ્રભાતનો પહોર છે. મોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામરામ કરીને તરી જઈએ.”
“કાં? સરકાર રોટલા પૂરે છે ઈ શેના?”
“એ ભાઈ! ચાંપરાજ વાળો બા’રવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય તો આ તમામ બચ્ચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બા’રવટાના!”
એકલ આદમીએ આ જવાબ સાંભળીને મોં મલકાવ્યું. ખડિયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોનામહોરો ભરી હતી. ગિસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો.
“આ શું?” જમાદાર ચમક્યો.
“આ તમારી જીભ ગળી કરવા માટે.”
“કાં?”
“તમે દુવા દીધી માટે.”
“કોણ, ચાંપરાજ વાળો તો નહિ?”
“હા, એ પોતે જ. લ્યો, હવે રામ રામ છે.”
એટલું કહી ચાંપરાજે છલંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો.
માણસો જોતા રહ્યા અને ચાંપરાજે સામી ભેખડ ઉપર ઘોડી ઠેકાવી.
“હવે?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું.
“હવે શું કરવું? માથે ગોરાનું ખૂન ગગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.”
“તો બાપુ, હાલો મારા મલકમાં - મકરાણામાં.”
“ત્યાં શું કરશું?”
“ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.”
“પણ ત્યાં જઈને મારું નામ શું રાખવું?”
“નામ તો સુલેમાન ઓસમાન!”
“તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને
ચાલ્યો જા, ભાઈ! મારે વળી સૂરજ ધણીનું ધાર્યું થશે.”
નવેય જણા ભીમોરે ભોજ ખાચરની ડેલીએ ગયા અને ચાંપરાજ વાળો એક-બે કાઠીઓને લઈ જેપુર માળવાને માથે ઊતરી ગયો.
એક દિવસ કચેરીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખૂણામાં બેઠેલી એક આદમી સાથે મંડાઈ ગઈ છે. માથેથી ગોથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા, કંકુવરણી ઝાંય પાડતો મોંનો વાન, ભેટમાં કટારી, ડોકમાં માળા, એવો ચોખ્ખો ચારણનો દીદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઈક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહીં લાવો તો!”
એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચે ઝૂકી સલામ કરી.
“કેવા છો?” મહારાજે પૂછ્યું.
“ચારણ છું.”
“ક્યાં રે’વાં”
“કાઠિયાવાડમાં.”
વિચાર કરીને મહારાજ ઊભા થયા. “ગઢવા, આંહીં આવજો તો!”
એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યુંઃ
“તમે ગઢવા નથી. ચારણ કોઈ દી સલામ ન કરે, પણ ઓવરાણાં લ્યે.
માટે તમે વેશધારી છો. બોલો, કોણ છો?”
“કાઠી છું.”
“નામ?”
“ચાંપરાજ વાળો.”
“ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહીં રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાવ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.”
આમ ચાંપરાજ વાળાને જમીન ક્યાંય સંઘરતી નથી.
ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઊપડ્યાં. નીકળીને એ માળવામાં આવ્યોઃ જ્યાં અજર મે’ ઝર્યા કરે છે, અને જે ‘રાંકનો માળવો’ કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણવેશે હાવા ગામના એક પટેલને ઘેર સંતાઈ રહ્યો. પોતાની વહાલભરી ખાતર-બરદાશ કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઊંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યુંઃ “પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે?”
“ગઢવી, તમને કહીને શો સાર કાઢું? જીભ કચરીને મરવા જેવો મામલો ઊભો થયો છે. કહેવાની વાત નથી રહી.”
“પણ શું છે? મોંમાંથી ફાટ મર ને!”
“આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહીં મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.”
“ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.”
એ જ રાતે ફાટેલ સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠાર માર્યો. અને ત્યાંથી પણ એ ચાલી નીકળ્યો.
માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી. અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઊભેલા ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું? ક્યાંથી આવો છો? એમ પુછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા.
ઘોડાની લગામ ઝાલી આગ્રહ કરવા માંડ્યા કે “એ બા, ઊતરો ઊતરો, રોટલા ખાઈને પછી ચાલજો.”
બંનેની રકઝક ચાલવા મંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણાચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાં કાવતરું હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઊભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યુંઃ “ઊડી જાજે, કાગડા!”
એ વેણ કાને પડતાં જ ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો.
ઘોડીને દાબી, ઝોંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના માતના પડછાયા ભાળ્યા.
ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે; તમારી ખૂટલાઈના ઢોલ આખા કાઠિયાવાડમાં વાગી રહ્યા છે.”
સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી
ચાલચલગતના હામી માગ્યા હતા. એ સમયે જેતપુર-દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરું દબાણ ચાલી રહ્યું હતું.
“મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો ગજબ થઈ જાશે. મારું માત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.” એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠિયાવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યાં. એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઊભો છે ત્યાં બાજુમાં એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી એ પલટનનો અસવાર છેઃ એની નજર તારોડિયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી, અને બરાબર બહારવટિયાની અણસાર ગઈ. ઝપ દઈને એણે ચાંપરાજ વાળાની ઘોડીની લગામ ઝાલી.
“કેમ, ભાઈ, લગામ કેમ ઝાલછ?”
“તુમ ચાંપરાજ વાલા!”
“અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.”
“નહિ, તુમ ચાંપરાજ વાલા!”
“અરે મેલી દે, ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.”
“નહિ, તુમ ચાંપરાજ વાલા.”
“આ લે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઇનામ,” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ઘોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી.
ત્યાં તો ‘ચાંપરાજ વાળો! ચાંપરાજ વાળો! પકડો! પકડો!’ એવા રીડિયા થયા. પડખે જ છાવણી પડી હતી તેમાં બ્યૂગલ ફૂંકાણાં. ‘મારો!
મારો! મારો!’ કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મૂંઝાયો. શા માટે મૂંઝાયો?
તળાવનો ઘેરાવો ઘણો મોટો છેઃ પાળેપાળે તો પાછળ ચાલનારા આંબી લઈ ભૂંડે માતે મારે. અને પોતાને તો મૂળુ વાળના હાથથી રજૂ થાવું છે. હવે શું કરવું?
“હા! નાખો ઘોડાં પાણીમાં!” એમ ત્રણેય જણાએ પલકવારમાં તો ઘોડાંના ઊગટા, મોવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ ધબોધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરો તરે એમ ઘોડીઓ વાંસજાળ પાણી શેલારા દઈ વીંધવા માંડી. પોતે સડેડાટ અંધારામાં સામે કાંઠે ઊતર્યો. એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી.
અસવારે બૂમ પાડીઃ “એ ચાંપાભાઈ! હું રહી ગયો. હું બૂડું છું, હવે રામ રામ છે!”
“અરે, રહી તે કેમ જાશે? રહેશું તો સહુ એકસામટા. માર ઠેકડો, આવી જા મારી ઘોડીને માથે.”
એમ કહી ઘોડીને પાછી ફેરવી. એ ડૂબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે (પાછળ) બેસાડી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વહેતાં કર્યાં.
અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગોતી વળ્યા, પણ બહારવટિયો તો બંદૂકની ગોળી જેવો, હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડી બબ્બે અસવારોને ઉપાડીને ચાલી.
પાંચાળની ધરતી વીંધીને સોરઠમાં ઊતરી અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસૂર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ.
“ઓહોહો, ચાંપરાજભાઈ આવ્યા! ચાંપરાજભાઈ !” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલિયા પાથરી દીધા અને ઘોડીઓને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું.
“બાપુ!” માણસે આવીને કહ્યુંઃ “ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.”
“અરે, મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું! ભલેને લંકાનો પંથ કર્યો હોય! કઈ ઘોડી તું કહે છે?”
“ધોએલા (ધોળા) પગવાળી.”
“અરે, ધોએલા પગવાળી તો એકેય ઘોડી જ નથી.”
એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો. ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફૂલ જેવો દેખાયો. પાસે જઈને જુએ ત્યાં તો એના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ.
એ પગ નહોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. એના પગના કાંડા સુધીની આકી ખોળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી! પાંચાળમાંથી રાતે નીકળતી વખતે ઉપાડતાં જ ટોપરાંનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલો હતો. પણ ઘોડીએ કળાવા દીધેલું નહિ.
“આ હા હા હા!” ચાંપરાજ વાળાને યાદ આવ્યુંઃ “ડુંગરમાં રાતે એક વાર ઘોડીના પગનો કંઈક અવાજ મને સંભળાણો’તો ખરો, અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સહેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ મને આવે જ શેનું ?”
પગ વગરની જે ઘોડીએ ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ- પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગૂડી નાખવાનો સમય આવતાં ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ.
ગામની બહાર લઈ જઈને ઘોડીને ઊભી રાખી એક જ ઘાએ ફેંસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો, પણ ડોકું પૂરેપૂરું ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી, અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે ‘ભૂંડી થઈ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી ઓળખાઈ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કુટાઈ જશે!
“બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધો, અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવીને ઊભી રહી. એટલે બીજે ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.
વન ગઈ પાલવ વિના જનની કે’તાં જે,
દોરીને ચાંપો દેતે, માન્યું સાચું મૂળવા!
(હે મૂળુ વાળા! કાઠિયાણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ, મેં સાચી માની; એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.) (આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠિયાવાડમાં પ્રવર્તે છે કે મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતરને કોઈ બાદશાહ,
પ્રથમ રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા તજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવવામાં આવે, તેના સ્તન-ભાગ પર બાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા, પણ કાઠીઓએ તો એ કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્નવિધિમાંતી કાપડું જ કાઢી નાખ્યું. આ વાતમાં કશું વજૂદ જણાતું નથી.)
જાશે જળ જમી, પોરહ ને પતિયાળ,
ચાંપા ભેળાં ચાર, માતમ ખોયું મૂળવા!
(હે મૂળુ વાળા! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરુષ અને પ્રતિષ્ઠા એ ચાર ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારું માહાત્મ્ય ગુમાવ્યું.)
(કાં તો) જેતાણું જાનારું થયું, મૂળુ ઇદલ માત,
ખાદી મોટી ખોટ, દોરીને ચાંપે દિયો.૧
(કાં તો જેતપુર જનારું થયું. કાં તારું માત આુવ્યું. હે મૂળુ વાળા! તેં ચાંપરાજને સોંપી દેવામાં મોટી ખોટ ખાધી છે.) આવા ઠપકાના દુહા ચારણો ઠેરઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને
માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મુકાયું. પણ બીજી બાજુ કંઈક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તો બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકદ્દમો ચાલ્યો અને એને જન્મકેદની સજા થઈ. યરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઈ.સ. ૧૮૩૭.
“હમણાં જેલર સા’બ કેમ નથી દેખાતા?”
“એની મઢ્યમને પેટપીડ ઊપડી છે.”
“શા કારણથી!”
“બાપડીને છોરુ આવ્યાનો સમો થિયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામોટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે. અને મઢ્યમ તો હવે ઘડી-બે ઘડીમાં મરવાની થઈ છે.”
જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઊપડ્યો. એણે કહ્યુંઃ “અરે ભાઈ, એમાં ગોરા સરજનોનો ઉપાય કાર નહિ કરે, ઘણુંય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે? જેલર સા’બને કાને મારી વાતેય કોણ પોગાડે?”
દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠિયાવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ, માન્યામાં તો આવ્યું નહિ. પણ ડૂબતો માણસ તરણોનેય ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે “એક તરવાર, એક ઘીનો દીવો, ધૂપ અને એક માળાઃ ચાર વાનાં લઈને મને નદી કેે નવાણને કાંઠે જવા દ્યો.”
માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશયને કાંઠે તેડી ગયા. નાહીધોઈ, ધોતિયું, પહેરી, ઘીનો દીવો ને ધૂપ કરી, હાથમાં માળા લઈને પ્રભાતને પહોર ચાંપરાજે સૂરજ સામે હાથ જોડ્યાઃ “હે સૂરજ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજ સુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો, મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દી ન કર્યો હોય, તો મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરુની લાજ રાખજે, બાપ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સૂઈ જઈશ.”
આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધુંઃ “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી આંહીં ખબર આપ કે છૂટકો થાય છે કે નહિ.”
પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સૂરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથીલ છૂટું છું. ને કાં આંહીં જ પ્રાણી કાઢું છું, એવો નિશ્ચય કર્યો.
એક, બે ને ત્રણ માળા ફેરવ્યાં ભેળાં તો માણસો દોડતાં આવ્યાંઃ “ચાંપરાજભાઈ, મઢમનો છુટકારો થઈ ગયો! પેટપીડ મટી ગઈ. રંગ છે તારી દવાને.”
મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જિકર માંડી કે “મારા ભાઈને છોડાવો.”
“અરે ગાંડી! જન્મટીપનો હુકમ એમ ન ફરે.”
“ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે!”
મઢમના રિસામણાએ સાહેબના ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી, અને દસ-બાર વરસ સુધીની એની મજૂરીના જે બસો-ત્રણસો રૂપિયા એના નામ પર જમા થયેલા તે આપીને ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટિયાની ખૂન આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું.
પડખેના બંદરેથી વહાણમાં બેસી ચાંપરાજ વાળો ભાવનગર ઊતર્યો.
પહોંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા.
“મારો કનૈયાલાલ! મારો વજો મહારાજ! બાપો મારો! મને કારગૃહમાંથી ઉગાર્યો!” એવી બૂમાબૂમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી.
“ઓહોહોહો! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી?”
“મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી.
“હેં! સાચેસાચ મેં તમને છોડાવ્યા! શી રીતે?”
“અરે વજા મહારાજ! તારી શી વાત કરું? જાણ્યે એમ થિયું કે એક દી રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા અને મારી બેડિયું તોડી, અને દરવાજા ઉઘાડાફટાક કરી દીધા અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે એમ સહુને કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને પોતાની જેલની મજૂરીના જે બે રૂપિયા બાકી રહ્યા હતા તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા.
“અરે રંગ! રંગ કાઠીભાઈની કરામતને!” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી, ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો.
અને ત્યાર પછી ચાંપરાજ વાલો ઘર આગળ પથારીમાં જ મરણ પામ્યો. (કેપ્ટન બેલ પોતાના ‘ધ હિસ્ટરી આફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં ફક્ત આટલો જ ઉલ્લેખ કરે છેઃ “ચાંપરાજ વાળા કે જેણે પંદર નંબરના બામ્બે ઇન્ફ્રન્ટ્રીના એક અધિકારીને ગોળીથી ઠાર કર્યો હતો, તે ઈ.સ. ૧૮૩૮માં પકડાયો અને પોતાનાં દુષ્ટ કૃત્યોના બદલામાં જન્મટીપ પામ્યો હતો. ચાંપરાજ વાળો નામીચો અફીણી હતો. જેલમાં પણ એને દવાના મોટામોટા રગડા પાઈને જીવતો રાખવો પડ્યો હતો. દવાની એક્કેક માત્રા છેવટે સિત્તેર ગ્રેઈન સુધી પહોંચી હતી. જ્યારે એ છૂટ્યો હતો ત્યારે એને દરેક ટંકે કબૂતરના અક્કેક મોટા ઈંડા જેટલું અફીણ લેવું પડતું હતું.”)