Sanskaar Jyoti in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | સંસ્કાર જ્યોતિ

Featured Books
Categories
Share

સંસ્કાર જ્યોતિ

નવલિકા

સંસ્કાર જ્યોતિ

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સંસ્કાર જ્યોતિ

દીકરી એટલે મા-બાપના જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રેમ, વાત્સલ્યની જયોત ફેલાવતી જયોતિ. લખલૂટ ધનદોલત, દોમદોમ સાહેબીમાં જન્મેલી જયોતિ, મા-બાપની આંખનું રતન હતી. મોટાભાઇની લાડલી બહેનડી હતી, અતિશય પ્રેમાળ અને લાગણીઓના મહાસાગર સમી આ જ્યોતિને એક ઇશ્વરીય બક્ષિસ હતી કે એ પરિવારના સૌ સભ્યના ચહેરાને આરપાર વાંચી લેતી અને એમના દુઃખદર્દ હળવા કરી દેતી હતી. આવી આ જ્યોતિ યુવાન વયે રાજનના પ્રેમમાં પડી. રાજનનો પરિવાર સાવ સામાન્ય. જયોતિને પરિવારનાં સૌએ સમજાવી કે સાવ આવા સામાન્ય ઘરમાં જઇશ ? પણ એક એની ભાભી જ એને સમજતી હતી. એ કહેતી જયોતિબેન તો ખૂબ પ્રેમાળ છે, અઢળક સંસ્કારોનું ભાથું એમણે બાંધ્યું છે. સૌને પોતાના કરી લેવાની એમનામાં આગવી કુશળતા છે. એ જે ઘરમાં જશે ત્યાં આનંદ અને સુખનો પ્રકાશ રેલાવશે.

ભારે હૈયે, અનેકગણા સોના-ચાંદીનાં ઘરેણાં અને ભારે કરિયાવર આપી, મા-બાપે લાડલી દીકરીને રાજનના ઘેર વળાવી. જયોતિ બે રૂમ રસોડાના ઘરમાં હોંશભેર ગોઠવાઇ ગઇ. પ્રેમાળ વહુ, વિનમ્ર પત્નિ, હાેંશીલી ભાભી, દિયર વિરલ અને નણંદ વિધિની મા સમાન બની ગઇ. એક સાચી સલાહકાર ભાભી તથા સહેલી. એ લોકોની કોઇ પણ જરૂરિયાત એ ભાભીને જ કહેતા અને ભાભી હસતા મોઢે એ કામ પાર પાડી આપતા.

નણંદ વિધિ માટે છોકરો શોધવાની વાત ચાલી. અનેક માંગાં આવે, પણ રાજનની ઇચ્છા હતી કે યુવાન એવો જોઇએ જે ભણેલો હોય, સારૂં કમાતો હોય, વિનમ્ર હોય અને મારી લાડલી બહેનને સાચવે. આવી ચર્ચાઓ ચાલ્યા કરતી હતી અને એક સુંદર ઘરનું માંગું આવ્યું. પરિવાર પણ સારો અને યુવક પણ યોગ્ય. વાત નક્કી થઇ ગઇ અને લગ્નની તારીખ પણ ગોઠવાઇ ગઇ. બસ આજ વિચાર વંટોળ રાજનનું મન ચકડોળે ચડ્યું, મનમાં હોંશ હતી, આવું સુંદર ઘર ને વર તો મળી ગયા, પણ કેમ આ પ્રસંગ પાર પાડવો જેથી વિધિને સાસરામાં કયારેય કોઇ વાતનું મહેણું ન સાંભળવુ પડે. સૌના ચહેરા સહજતાથી વાંચી લેતી જયોતિ પતિના મનની વેદના સમજી ગઇ. એક રાતે એણે પૂછયું “રાજન શું ચિંતા છે? વહાલુડી બહેન પારકી થઇ જશે એ ? કે ખર્ચને કેમ પહોંચી વળીશું એ?” રાજનની આંખમાં હળવાં ઝળઝળિયાં તો હતાં જ. એ બોલ્યો “બહેન જશે એ દુઃખ તો છે જ. પણ ઘરેણાંનું શું ? સોનું-ચાંદી કેટલા મોંઘા છે? મને હાેંશ છે કે સારો કરિયાવર કરવાની. ભલે એ લોકોએ કંકુ ને કન્યા જ માગ્યાં છે, પણ મારે આપવું છે, પણ પહોંચ નથી.” જયોતિએ એક હળવું સ્મિત આપ્યું અને રાજનના માથે હાથ ફેરવી કહ્યું, “હું તમારી અર્ધાંગિની છું. મેં પણ વિચાર્યુ છે, હું ઘણા દાગીના લાવી છું. એમાંથી અડધા પણ કાઢીએ તો વિધિના લગ્નના દાગીના અને બીજો બધો ખર્ચ નીકળી જાય. આ વાત હું અને તમે જ જાણીએે. આ તમને પૂછતી નથી આ મારો નિર્ણય છે.” આટલું સાંભળી, રાજન પત્નીના ખભે માથું રાખી રોઇ પડ્યો. જયોતિએ ખૂબ સુંદર રીતે પ્રસંગ પાર પાડ્યો. નણંદને હોંશભેર વળાવી અને વળાવતી વખતે આંસુભરી આંખે એનું કપાળ ચૂમી અખંડ સૌભાગ્યવતીના આશિષ આપ્યા અને કહ્યું.

“પ્રથમ તું પતિની મિત્ર બનજે,

પછી આપોઆપ બની જઇશ પત્ની.

ઉજાળશે પરિવાર અને સંસાર

તો સૌ માટે આપોઆપ બની જઇશ દીકરી.”

વિધિએ મા સમાન ભાભીની શીખ માથે ચડાવી અને જીવન સંસારની શરૂઆત કરી. આવી નારી સમાજ માટે અભિમાન બની જાય છે.

“જે વૃક્ષના મૂળ ઊંડાં એ આંબે આકાશને.

જે દીકરીનાં સંસ્કારો ઊંચા એ ઉજાળે પરિવારને.”