Vipashyna - 2 in Gujarati Spiritual Stories by Bansi Dave books and stories PDF | વિપશ્યના 2

Featured Books
Categories
Share

વિપશ્યના 2

વિપશ્યના 2

વિપશ્યના ભાગ ૧ અને શ્રી સત્યનારાયણજી ગોઈન્કાના પ્રવચન આધારિત ભાગ 2.

પોતાના વિકારોનો સામનો કરવો એ સહેલી વાત નથી. જયારે ક્રોધ જાગે છે ત્યારે એવી રીતે માથા પર સવાર થતો હોય છે કે આપણને એની ખબર સુધ્ધાં રહેતી નથી. ક્રોધથી અભિભૂત થઈને આપણે એવા શારીરિક અને વાચિક કર્મ કરી બેસીએ છીએ કે જેનાથી આપણી પણ હાનિ થતી હોય છે અને બીજાની પણ. જયારે ક્રોધ જતો રહે છે ત્યારે આપણે રડીએ છીએ અને પછતાઈએ છીએ, જે વ્યક્તિની હાનિ થઇ હોય તેની કે પછી ભગવાનની ક્ષમાયાચના માંગીએ છીએ – "મારી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દો." પરંતુ જયારે ફરી આવી જ સ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે આપણે ફરીથી આવી જ પ્રતિક્રિયા કરીએ છીએ. વારંવાર પશ્ચાતાપ કરવાથી કોઈ લાભ થતો હોતો નથી.

આપણી મુશ્કેલી એ છે કે જયારે વિકાર જાગે છે ત્યારે આપણે હોશ ખોઈ બેસીએ છીએ. વિકારોનું પ્રજનન માનસની તલસ્પર્શી ઊંડાઈઓમાં થતું હોય છે અને જ્યાંરે એ વિકાર માનસના ઉપરી સ્તરો પર પહોંચે છે ત્યારે તો એટલા બળવાન થઇ ગયા હોય છે કે આપણા એનાથી અભિભૂત થઇ જઈએ છીએ. આ સમયે આપણે એમને જરાય જોઈ શકતા જ નથી.

તો ધારો કે કોઈ પ્રાઈવેટ સેક્રેટરી સાથે રાખી લઈએ જે આપણને યાદ કરાવે, "જુઓ માલિક, તમને ક્રોધ આવ્યો છે, તમે ક્રોધને બસ જોયા કરો." કારણકે ક્રોધ દિવસના ચોવીસ કલાકમાં ક્યારેય પણ આવી શકે, તો તેથી કરીને ત્રણ પ્રાઈવેટ સેક્રેટરીઓને નોકરીમાં રાખી લઈએ. સમજીલો કે રાખી પણ લીધા. ક્રોધ ફરી આવ્યો અને સેક્રેટરી કહેશે, "જુઓ માલિક, તમને ક્રોધ આવ્યો છે." તો પહેલું કામ તો એ કરીશું કે એને જ ધમકાવીશું. "મૂરખ ક્યાંકનો, મને વળી પાછો શીખવાડે છે?" ક્રોધથી આપણે એટલા અભિભૂત થઇ ગયેલા હોઈએ છીએ કે એ સમયે કોઈ સલાહ કશું જ કામમાં આવતી નથી.

માનીલો કે આપણે સભાન થઈને સેક્રેટરીને લઢીએ નહી. એને એમ કહીએ કે "બહુ સારું કર્યું કે યાદ કરાવ્યું, હું હવે ક્રોધનું ફક્ત દર્શન કરીશ. એના પ્રતિ પૂર્ણ સાક્ષીભાવ રાખીશ." શું આ સંભવ છે? જેવા આંખો બંધ કરીને ક્રોધને જોવાનો પ્રયત્ન કરીશું તો તેની સાથે જ જે વાતને કારણે ક્રોધ જાગ્યો હતો એ વાત વારંવાર, એજ વ્યક્તિ, એજ ઘટના, મનમાં આવ્યા કરશે. આપણે ક્રોધને નહી પણ ક્રોધના આલંબનને જોયા કરીશું. આનાથી તો ક્રોધ અધિક વધશે. આ કોઈ ઉપાય ના થયો. આલંબનને દૂર કરીને કેવળ વિકારને જોયા કરવું એ જરાય સહેલું નથી.

પરંતુ જયારે કોઈ વ્યક્તિ પરમ મુક્ત અવસ્થા પર પહોંચે છે ત્યારે એ સાચો ઉપાય બતાવે છે. આવી વ્યક્તિ શોધી કાઢે છે કે જયારે મનમાં કોઈ વિકાર જાગે છે ત્યારે શરીર પર બે ઘટનાઓ તત્કાલીન શરૂ થઈ જતી હોય છે. એક એ કે શ્વાસની પોતાની નૈસર્ગિક ગતિ બદલાઈ જાય છે. જેવો મનમાં વિકાર જાગે કે શ્વાસ તેજ અને અનિયમિત થઇ જાય છે. આ જોવું ઘણું આસાન બને છે. બીજું એ કે શરીરમાં સુક્ષ્મ સ્તર પર એક જૈવરાસાયણિક પ્રક્રિયા શરૂ થઇ જાય છે જેના પરિણામ સ્વરૂપ સંવેદનાઓનું નિર્માણ થતું હોય છે. દરેક વિકાર શરીર પર કોઈ ને કોઈ સંવેદના ઉત્પન્ન કરતો હોય છે.

આ પ્રાયોગિક ઉપાય થયો. એક સામાન્ય વ્યક્તિ અમૂર્ત વિકારોને જોઈ શકતો નથી - અમૂર્ત ભય, અમૂર્ત ક્રોધ, અમૂર્ત વાસના વગેરે. પરંતુ યોગ્ય પ્રશિક્ષણ અને પ્રયાસ કરે તો સહેલાઈથી શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓને જોઈ શકે છે. આ બન્નેનો (શ્વાસ અને સંવેદનાઓનો) મનના વિકારો સાથે સીધો સંબંધ છે.

શ્વાસ અને સંવેદનાઓ બે રીતે મદદ કરે છે. એક તો એ કે એ પ્રાઇવેટ સેક્રેટરીનું કામ કરે છે. જેવો મનમાં વિકાર જાગે છે કે તેની સાથે શ્વાસની સ્વાભાવિકતા જતી રહે છે અને તે આપણને સૂચવે છે કે, "જુઓ, કાંઈક ગરબડ છે." શ્વાસને તો આપણે લઢી પણ નહી શકીએ. આપણે એની ચેતવણી, એની સૂચના માનવી જ પડશે. આવી જ રીતે સંવેદનાઓ આપણને સૂચવે છે કે, "કશુંક ખોટું થઇ રહ્યું છે." બન્ને ચેતવણીઓ મળ્યા પછી આપણે શ્વાસ અને સંવેદનાઓને સહેલાઈથી જોઈ શકીએ છીએ. આમ કરવાથી આપણે જોઈ શકીશું કે વિકાર જલ્દીમાં ક્ષીણ થઈ જાય છે.

શરીર અને મનનો આ પારસ્પરિક સંબંધ એક જ સિક્કાના બે પાસાઓ સમાન છે. એક તરફ મનમાં ઉઠતા વિચાર અને વિકાર, અને બીજી તરફ શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓ. મનમાં વિચાર કે વિકાર જાગતાની સાથે જ તત્ક્ષણ તે શ્વાસ અને સંવેદનાઓને પ્રભાવિત કરતા હોય છે. આજ રીતે શ્વાસ અને સંવેદનાઓને આપણે જોતાની સાથે જ વિકારોને પણ જોઈ શકીએ છીએ. આ રીતે અભ્યાસ કરવાથી આપણે પલાયન નથી થતા, વિકારોને આમુખ થઈને સચ્ચાઈનો સામનો કરીએ છીએ. આપણે શીઘ્ર જોઈશું કે વિકારોની તાકાત ઓછી થતી જાય છે અને પહેલાની માફક આપણે વિકારોથી અભિભૂત નથી થતા. જો આપણે આ અભ્યાસ સતત કરતા રહીશું તો વિકારોનું સર્વથા નિર્મૂલન થઇ જશે. વિકારોથી મુક્ત થતા થતા આપણે સુખ અને શાંતિનું જીવન જીવવા લાગીશું.

..આ પ્રકારે આત્મનિરિક્ષણની આ વિદ્યા આપણને અંદર અને બહારની બન્ને સચ્ચાઈઓની જાણ કરાવે છે. પહેલાં આપણે કેવળ બહિર્મુખી રહેતા હતા અને અંદરની સચ્ચાઈને જાણી શકતા નહતા. પોતાના દુ:ખનું કારણ હંમેશા બહાર શોધતા હતા. બહારની પરિસ્થિતિઓને મૂળભૂત કારણ માની એમને બદલવાનો પ્રયત્ન કરતા હતા. અંદરની સચ્ચાઈ વિષે અજ્ઞાત રહેતા હોવાના કારણે આપણે એ સમજી નહતા શકતા કે આપણા દુ:ખનું કારણ આપણી અંદર છે. તે કારણ એ છે કે સુખદ અને દુ:ખદ સંવેદનાઓ પ્રત્યેની આપણી જ આંધળી પ્રતિક્રિયા.

હવે અભ્યાસને કારણે આપણે સિક્કાના બીજા પાસાને જોઈ શકીશું. આપણે શ્વાસને પણ જાણી શકીશું અને ઊંડાણમાં શું થઇ રહ્યું છે તે પણ. શ્વાસ હોય કે સંવેદના, આપણે એને માનસિક સંતુલન ગુમાવ્યા વગર જોઈ શકીશું. પ્રતિક્રિયા બંધ થાય છે તો દુઃખનું સંવર્ધન પણ બંધ થાય છે. તદુપરાંત જયારે વિકારો જાગે છે ત્યારે એમની નિર્જરા થતી જાય છે, એમનો ક્ષય થતો જાય છે.

આ વિદ્યામાં જેમ જેમ પરિપક્વ થતા જઈએ છે તેમ તેમ વિકારોનો શીઘ્ર ક્ષય થવા લાગે છે. ધીરે ધીરે મન વિકારોથી મુક્ત થતું જાય છે. શુધ્ધ ચિત્ત હંમેશા પ્રેમથી ભરેલું રહે છે - બધાં પ્રત્યે મંગળ મૈત્રી, બીજાંના અભાવ અને દુઃખ પ્રતિ કરુણા, બીજાના યશ અને સુખ પ્રતિ મુદિતા અને હરએક સ્થિતિમાં સમતા.

જયારે કોઈ વ્યક્તિ આ અવસ્થા પર પહોંચે છે તો પૂરૂં જીવન બદલાઈ જાય છે. શરીર અને વાણીના સ્તર પર કોઈ એવું કામ નથી થઇ શકતું કે જેનાથી બીજાની સુખ શાંતિનો ભંગ થાય. સંતુલિત મન શાંત થઇ જાય છે અને પોતાની આસપાસ સુખ અને શાંતિના વાતાવરણનું નિર્માણ કરવા માંડે છે. બીજા લોકો તેઓથી પ્રભાવિત થતા હોય છે. બીજાને પણ તેઓથી મદદ થવા લાગે છે.

જયારે આપણે ઊંડાણમાં અનુભવાતી દરેક સ્થિતિમાં મનને સંતુલિત રાખીએ છીએ, ત્યારે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિનો સામનો તટસ્થભાવથી કરી શકીએ છીએ. આ તટસ્થભાવ પલાયનવાદ નથી, કે નથી દુનિયાની સમસ્યાઓના પ્રતિ ઉદાસીનતા કે અવગણના. વિપશ્યનાનો (Vipassana) નિયમિત અભ્યાસ કરનાર બીજાના દુખો પ્રતિ અધિક સંવેદનશીલ થતા હોય છે. તદુપરાંત વ્યાકુળતા વગર મૈત્રી, કરુણા અને સમતા સભર ચિત્તથી બીજાના દુખોને દુર કરવા દરેક રીતે પ્રયત્નશીલ બનતા હોય છે. એમનામાં એક પવિત્ર તટસ્થતા આવતી હોય છે, કે જેથી કરીને તેઓ મનનું સંતુલન ગુમાવ્યા વગર બીજાની મદદ કરવામાં પૂર્ણ રૂપે વચનબધ્ધ બની રહે છે. આ પ્રકારે બીજાની સુખ શાંતિ માટે પ્રયત્નશીલ બનીને તેઓ સ્વયં સુખી અને શાંત રહે છે.

આ જ ભગવાન બુદ્ધની શિક્ષા છે - જીવન જીવવાની કળા. એમણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરી નહતી. એમણે એમના શિષ્યોને કોઈ મિથ્યા કર્મકાંડ શીખવાડ્યા નહતા.

Banny dave