Dastaan in Gujarati Motivational Stories by Hemal Jadav books and stories PDF | દાસ્તાંન

Featured Books
Categories
Share

દાસ્તાંન

દાસ્તાન

પીડા વચ્ચે

પાંગરેલું પુષ્પ

(ભાગ-1)

હેમલ જાદવ

ફરાહ અહમદીએ શાળાના તરંગી જીવનને જીવવાનું હજુ શરૂ જ કયુ હતું. ત્યાં માત્ર સાત ર્વષની ઉંમરે તે સુરંગમાં ખાબકતાં પગ ગુમાવી બેસે છે. જે ઉંમરે બાળકો કલ્પનાના ઘોડા દોડાવતાં, ત્યાં ફરાહના ઘોડાની પાંખો જ કપાઈ ગઈ! યુદ્ધભૂમિ બનેલા અફઘાનિસ્તાન પાસે ફરાહનો ઇલાજ અશક્ય છે. ત્યારે નાનકડી ફરાહ ફરી બેઠાં થવાની ધગશ સાથે જર્મની જાય છે. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો વચ્ચે બે વરસના વસવાટ પછી ફરાહ પ્લાસ્ટકના પગ સાથે અફઘાનિસ્તાન પાછી ફરે છે. ત્યાં સુધીમાં તો તાલિબાનોએ તેની ભૂમિને સંપૂર્ણ બાનમાં લઈ લીધી હોય છે. ફરાહની આ લડતમાં તેના પરિવારના સભ્યો એક પછી એક છૂટતા જાય છે. છેલ્લે જીવ બચાવવા ફરાહ અસ્થમાથી પીડાતી પોતાની મા સાથે સરહદો ઓળંગી નીકળી પડે છે, પહેલા પાકિસ્તાન પછી અમેરિકા... માત્ર ૧૭ ર્વષની ઉંમરે જીવનના બધા જ રંગ જોઈ ચૂકેલી ફરાહ તેની આપવીતી ‘ધ અધર સાઈડ ઓફ સ્કાય’માં આલેખે છે...

-----------------------------------------------------------------------------------

એ સવાર બીજી નિયમિત સવાર કરતાં અલગ ઊગી હતી. આકાશમાં વાદળો વચ્ચે રમતા સૂરજને જાણે તપવાનું જોમ ચડ્યું હોય તેમ તે આગ વરસાવી રહ્યો હતો. ૧૯૯૪ની એ સવાર મારા માટે કમભાગી સવાર હતી.

આંખો ચોળતી હું પથારીમાંથી ઊભી થઈ. દીવાલ પર લસરતા તડકાએ મારી આંખોને બાળવા માંડી. ઘરમાં બીજા સભ્યો હજુ પથારીમાં આળોટી રહ્યાં હતાં. મેં ઘડિયાળ તરફ નજર ફકી, બરાબર આઠ વાગ્યા હતા. ‘અરે બાપરે! શાળા ચાલુ થઈ ગઈ હશે.’ બબડી હું સીધી જ ચોકડી તરફ દોડી. શાળાએ એકક્ષણ પણ મોડું પડવું મને પોસાતું નહીં. અમારો પહેલો તાસ બાળવાર્તાઓનો રહેતો.

અમારા શિક્ષક વાર્તાઓની સાથે તેમના હાથ-પગ મોઢું વાંકું-ચૂકું કરી જાતભાતના ખેલ કરતા. તેમની વાર્તાઓમાં આવતી કલ્પનાઓ મારા મનમાં જાદુઈ ઘોડાની જેમ ઊડાઊડ કર્યાં કરતી, મારું સાત વરસનું દિમાગ યુટોપિયામાં જીવવા મથતું. કાચા-પાકા મકાનો, ધૂળથી ખરડાયેલી શેરીઓ, બુરખા, દારૂની ગંધ... મારી આસપાસની વાસ્તવિકતાથી શિક્ષકની વાર્તાઓ મને માઈલો દૂર લઈ જતી.

એ સમયે હું બીજા ધોરણમાં હતી. છોકરીઓ માટે અફઘાનિસ્તાન જેવા દેશમાં ભણવું એ તો માત્ર તરંગો જ હતા. પણ અમારી શેરીની કેટલીક છોકરીઓના સંગાથથી મારા પિતાએ અમને લખતા-વાંચતા કરવાના ઇરાદે શાળાએ મૂક્યાં હતાં. સૂકા રણમાં વરસાદની એકાદ ઝડી પણ રાહત આપે તેવી મારી સ્થિતિ વાર્તાઓના ર્વગમાં થતી.

કદાચ તમને લાગશે કે હું કંઈ વધારે પડતું લખી રહી છું. પણ વાર્તાઓ સાંભળવાની મારે માથે ધૂન સવાર થયેલી. ઘરે પાછી ફરીને પણ હું કલાકો સુધી આકાશમાં તાક્યા કરતી. કદાચ કોઈ પરી આવીને મારા પર જાદુ કરે

શિક્ષકે અમારા બધાના મનમાં એક વાત ત્યારે અંકિત કરી દીધેલી, આ આકાશને સીમા નથી. તેની ઉપર પણ એક વિશ્વ છે. જરા નજર બદલશો, તો એ દુનિયા તમારી હશે. ત્યારે તો એ બધી વાતો પ્રવચન જેવી લાગતી, પણ આજે તેનો ર્અથ પામી ચૂકી છું.

ઝપાટાભેર નાહવા-ધોવાનું પતાવી હું દફ્તર લઈને શાળા તરફ દોડી. ઘડિયાળનો સરકતો કાંટો મારા ગુસ્સાના પારાને ઉપર ચઢાવી રહ્યો હતો. ‘લે, આજે વાર્તા સાંભળવા નહીં મળે...’ વિચારો સાથે બાથ ભીડતી હું ફલાંગો ભરતી ભાગવા માંડી.

પણ આજે રસ્તો ખૂટવાનું નામ લેતો ન હતો. છેવટે સુરંગ પથરાયેલા જોખમી પણ ટૂંકા રસ્તે મેં ઝંપલાવ્યું. તારની બે વાડો વચ્ચેથી બચતી હું ઉતાવળે ડગલાં ભરી રહી હતી. ત્યાં જ એકાએક કોઈ આગનો ગોળો મારા પર છવાઈ ગયો. હું કશું કળું એ પહેલાં તો મારા પગ નીચેથી જમીન સરકવા માંડી ને ધડામ્ કરતી હું ગાઢ અંધારામાં ફંગોળાઈ ગઈ. એ પછી મારી તમામ સંવેદનાઓ હણાઈ ગઈ.

હું કેટલા દિવસે ભાનમાં આવેલી તેનું મને ચોસ યાદ નથી. પણ હોસ્પિટલના બિછાને સૂઝ કેળવી, ત્યારે વજનદાર પહાડ મારા પગને છૂંદી ગયો હોય તેવી શૂળ ભોંકાઈ રહી હતી. મ આમથી તેમ પગ હલાવી જોયા. પણ તેઓ મારા કહ્યામાં ન હતા. મારી મા, પિતા, ભાઈઓ, બે બહેનો પથારીને વીંટાળાઈને મારી પ્રતિક્રિયાઓ જોઈ રહ્યાં હતાં. હું ધ્રુજી ગઈ. પણ તેમાંના કોઈએ મને કશું કહ્યાં વિના ઓશીકાનો આધાર આપી મને સહેજ બેઠી કરી.

મારા પગ હજુ પણ સ્થિર હતા. એટલી નાની ઉંમરે પણ હું સમજી શકી કે મારી સાથે કશુંક અજુગતું થયું છે.

બીજા દિવસે મેં હિંમત કરી, મારા પગ પરથી ચાદર હટાવી. ઘૂંટણથી નીચેના ભાગનાં હાડકાં કાગળનો ડૂચો વળે તેમ તરડાઈ ગયાં હતાં. હું હબક ખાઈ ગઈ. મા મારી પડખે આવી, મને પંપાળતાં કહ્યું, ‘તું સુરંગમાં ફકાઈ ગઈ હતી.’

કલ્પનાના ઘોડાની પાંખો કપાઈ ગઈ હોય તેમ હું ટળવળી ઊઠી. હવે, હું કદીએ શાળામાં ફરી જઈ શકવાની ન હતી. એ પીડા હું ક્યારેય નહીં વર્ણવી શકું. પથારીમાં મારા શરીરથી રીસાઈને પડેલાં પગ જોઈને મને ચીડ ચડતી. આ બધામાંથી બહાર આવવા હું આમથી તેમ પડખાં ઘસીને રાત વિતાવતી.

કાબુલની બાળકોની હોસ્પિટલમાં મારે ૪૦ દિવસ રોકાવું પડ્યું. એ ગાળામાં મારી પરિસ્થતિમાં જરા પણ ફરક પડ્યો ન હતો. છેલ્લા કેટલાંક વરસોથી અફઘાનિસ્તાન યુદ્ધભૂમિ બની ચૂક્યું હતું. ૧૯૭૯માં સોવિયેટે અફઘાનને બરોબર ઘમરોળ્યા પછી અહીંયાં તાલિબાનો અને મુજાહીદ્દીનો તેમના હક માટે લડતા રહેતાં. ઉત્તમ દવાખાના કે સાધનો આ દેશ માટે માત્ર સપનાં બની ગયાં હતાં. વિદેશમાંથી મળતી સહાયના આધારે અહીંના દર્દીઓને જીવવાનો આધાર રાખવો પડતો. મારી હાલત દિવસે દિવસે વધુ અસ્થિર થઈ રહી હતી.

દર ત્રણ મહિને જર્મની સ્થિત સંસ્થા કાબુલમાં આવી કેટલાંક બાળકોને પોતાના ખર્ચે સારવાર માટે જર્મની લઈ જતી. ડોક્ટરોએ મારા પિતાને કહ્યું, ‘ફરાહનો ઇલાજ અહીં શક્ય નથી. તેને જર્મની મોકલી દો. બચી જશે તો આપણું નસીબ.’

ડોક્ટરની સલાહનો અર્થ હું બરોબર સમજી ગઈ. મારે જર્મની સાવ એકલા જવાનું હતું. અજાણ્યા દેશમાં, કોઈ જાતના સંબંધ વિના અનિશ્ચિત સમય માટે હું ધકેલાઈ રહી હતી. ક્યારેય નહીં ને પહેલીવાર મારા પિતાનો ડર છોડી હું બરાડી, ‘ના હું નહીં જાઉં. મારી મા સાથે આવશે, તો જ જઈશ’ પણ તે અશક્ય હતું.

ડોક્ટરોએ મને સમજાવવા માંડ્યું ડર નહીં. બધું બરાબર થઈ જશે. તારે જો ફરી ઊભા થવું હશે તો જર્મની ગયા વિના છૂટકો નથી, નહીં તો આખી જિંદગી તું આમ જ ખાટલે સબડ્યા કરીશ.

એ આખો દિવસ મારો ભય અને ચિંતાના ઓઠા હેઠળ વીત્યો. હું જાણતી હતી કે એક અફઘાન સ્ત્રીને આખી જિંદગી કેવી કરુણતા અને જવાબદારીના બોજા હેઠળ વિતાવવી પડે છે. તેમાંય મારા જેવી અપંગ સ્ત્રી માટે તો તેના ઘરના પણ ભાગ્યે જ સહાનુભૂતિ દર્શાવી શકે. તે રાત્રે મને ડરના ઘણાં સપનાં આવ્યાં. બીજાના માથે પડેલી સ્ત્રી તરીકે હું રીબાઈને મરવા ઈચ્છતી ન હતી.

મ નિર્ણય લઈ લીધો, ‘હું જર્મની જઈશ.’

અઠવાડિયા પછી કેટલાક જર્મન લોકો દવાખાને આવ્યાં. મારી સારવાર કરી ચૂકેલા ડોક્ટરે તેમાંથી એક જણને મારી પાસે લાવી કહ્યું, ‘આને તાત્કાલિક સારવારની જરૂર છે અને તે જ ઘડીએ મને જર્મની લઈ જવાની મંજૂરી મળી ગઈ.’ જોકે હું હજુય દ્વિધામાં હતી. ઘર, વતન છોડીને જતાં મારું હૈયું ફાટી રહ્યું હતું.

માએ મને છાતીએ લગાવી કહ્યું, ‘હું તને ફરી ચાલતી જોવા ઈચ્છું છું.’ તારું ઘર, ભાઈ-બહેન તારી રાહ જોઈ રહ્યાં છે અને મારી જર્મન તરફની સફર આરંભાઈ.

અજાણ્યા દેશમાં

મારી સાથે બીજા ત્રીસેક બાળકોને પણ જર્મની લવાયાં હતાં. અફઘાનિસ્તાનની ધરતી છોડીને હું પહેલીવાર આવડા મોટા દેશમાં આવી હતી. મને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો કે જર્મની જેવો દેશ પણ હોઈ શકે છે. અહીંની રીતભાત અને લોકો જોઈને હું ડઘાઈ ગઈ હતી.

હોસ્પિટલમાં મારા પગ પર જાતભાતના પ્રયોગો થવા માંડ્યા. ત્યાંના ડોક્ટરોએ સૌથી પહેલાં જમણા પગના ઘૂંટણને દૂર કર્યો. ઘૂંટણથી નીચેના ભાગ તથા જાંઘની તરફના કેટલાક તૂટી ગયેલા હાડકાંને પણ દૂર કરવામાં આવ્યાં. મારા પગ પર થઈ રહેલા ઓપરેશનો અને તેના પછીની સ્થિતિ હું જોયા કરતી. આ બધું શું થઈ રહ્યું છે. તે તો મારું નાનકડું મન ક્યાંથી કળી શકે

મારી જાંઘથી છેક ઘૂંટી સુધીના ભાગમાં ધાતુની પાતળી પટ્ટી બેસાડવામાં આવી. મારો પગ હવે પથારીમાં ટટ્ટાર રહી શકતો હતો. પણ ઘૂંટણ ભાંગી જવાના કારણે પગને વાળી શકાતો નહીં.

હું હોસ્પિટલમાં ઘણાં અઠવાડિયા સુધી રહી. આ ગાળામાં મને વખતોવખત ઓપરેશન થિએટરમાં લઈ જવાતી. મારી પીડા ધીરે-ધીરે ઓછી થવા માંડેલી. મારું મન હવે અફઘાનિસ્તાનની ધરતી પર જવા ઉતાવળું બની રહ્યું હતું. બાળવાર્તા સાંભળતાં થતી કલ્પનાઓ ફરી મારા મનમાં રમવા માંડી. હું આંખો બંધ કરીને આડી પડું કે મને મારી મા, બહેન યાદ આવતાં. હું ફરી દોડાદોડ કરતી હોઉં તેવાં દૃશ્યો મને ખળભળાવી મૂકતા.

હું નવા જીવનમાં ગોઠવાવાના તરંગોમાં વધુ રાચું તે પહેલાં એક દિવસ ધડામ્! કરીને હું નીચે પટકાઈ તેવી ઘટના બની.

ખાસ્સા બે એક મહિનાં પહેલા મારા ડાબા પગે પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી ડોક્ટરોએ કમર સુધીના ભાગ પર મને ચાદર ઓઢાડી દીધી. એ ગાળામાં હું પેશાબ કરવા પણ ઊઠી શકું એટલી સક્ષમ નહોતી. એટલે મારી આવી બધી ક્રિયાઓ સ્થાનિક નર્સો પથારીમાં જ કરાવી લેતી. એટલે મેં દિવસો સુધી મારા પગ જોયા ન હતા.

પણ એક દિવસ મને શું સૂઝયું કે મેં પગ પર ઢંકાયેલી મારી ચાદર ખસેડી. પળમાં જ મને લાગ્યું કે આખું દવાખાનું ધ્રુજી રહ્યું છે. હું ચિત્કારી ઊઠી.

પણ સાજા થવાની અત્યાર સુધી મ જે કલ્પનાઓ કરી હતી, તેની ઇમારત પત્તાંના મહેલની જેમ કડડભૂસ થઈ ભાંગી ગઈ. પગના સ્થાને લોખંડની ફ્રેમ બેસાડીને મારા શરીરને કદરૂપું બનાવી દેવાયું હતું. જાણે એસિડનો દાહ લાગ્યો હોય તેમ મારું મન આ જોઈ દાઝવા માંડ્યું. ફરી નાચવાના - દોડવાના વિચારો આવતાં મારી બધી જ દુનિયા મને છેતરામણી લાગવા માંડી હતી.

અજાણ્યા દેશમાં મારી વીતકકથા હું કોઈને કહી શકું તેમ નહોતી. મને ઘર ખૂબ જ યાદ આવવા માંડ્યું. રોજ રાત પડતાં જ હું બધાથી છુપાઈને ધ્રુસકે ચડતી. ક્યારેક પલંગની ધારે માથું અફળાવી મરવાની દુઆ માંગતી. આ મારો રોજનો ક્રમ બની ગયો હતો.

એક રાત્રિએ પોતાના દીકરાને મળવા આવેલી ક્રિસ્ટિના નામની એક જર્મન સ્ત્રી મારા ડૂસકાં સાંભળી ગઈ. ગુપચુપ પગલે મારા ઓરડામાં આવી તેણે મારી પીઠ પસરાવતાં કહ્યું, ‘કેમ રડે છે તું જલદી સાજી થઈશ.’ કોઈએ બહુ દિવસે મને વહાલથી આલિંગનમાં લીધી ન હતી. તે સ્ત્રીની ઉષ્મા જોતાં જ હું તેની છાતીએ ભીંસાઈ ગઈ. જ્યારે તેણે જાણ્યું કે હું જર્મનીમાં સાવ એકલી છું અને મારું કુટુંબ અફઘાનિસ્તાનમાં છે. ત્યારથી તે રોજ મને મળવા આવવા લાગી.

અમારી વચ્ચે ભાષા અજાણી હોવાથી માત્ર ઇશારાથી જ વાતો થતી. તે મને મારા કદરૂપા શરીર વિશે સમજાવતાં કહેતી કે, તું નસીબવાળી છે. ફરી ચાલી તો શકીશ ને. દુનિયામાં હજારો લોકો છે. જેઓ કદી ઊભા પણ નથી થઈ શકતા એની હૂંફાળી વાતોથી મને ધરપત આપવા મથતી.

પણ અઠવાડિયામાં જ તેના દીકરાને ડોક્ટરોએ રજા આપી દીધી. ક્રિસ્ટિનાના વિયોગના ડરથી હું બહાવરી બની ગઈ. મારી વ્યથા પારખીને ક્રિસ્ટિનાએ મને વચન આપ્યું કે, તે મને છેવટ સુધી મળવા આવશે.

અમારી મિત્રતા વધતી ચાલી. દિવસો વીતતા ગયા તેમ હું સમજવા માંડી હતી કે મારે હામ ભીડીને લડ્યા વિના છૂટકો નથી. જે ઉંમરે બધા બાળકો રમતાં, તેમના માતા-પિતા સાથે ગેલ કરતાં, તે ઉંમરે મારે માથે આ ઉંમરે જાતને ટકાવી રાખવાની જવાબદારી આવી પડી.

ક્રિસ્ટિના તેના પોતાના બાળકને કરતી એટલું જ વહાલ મને પણ કરતી. મારા માટે તે ઘણીવાર ચોકલેટ, ઢીંગલી, કાર્ડ્સ જે કદી મેં અફઘાનિસ્તાનમાં પણ જોઈ ન હતી તેવી ચીજોનો મારી આગળ ખડકલો કરવા માંડી.

આ સિલસિલામાં ડોક્ટરોએ મારા માટે પ્લાસ્ટિકના પગનું મોડેલ તૈયાર કરી દીધું હતું. સમય પારખી તેઓ મારા માટે તે મોડેલ લઈને આવ્યા. પહેલાં તો શું પ્રતિક્રિયા આપવી તેની મને સમજ ન પડી. પણ નર્સે મને ઇશારાથી તે મારા પગમાં પહેરવા સમજાવ્યું.

આગળની ઘટનાઓથી ખિન્ન થયેલું મારું દિમાગ બરાબર તપી ગયું. મેં ડોક્ટરના હાથમાં રહેલા પ્લાસ્ટિકના પગને હાથથી વીંઝી જમીન પર ફકી દીધા અને ગળું ફાટી જાય તેમ ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં કહ્યું, ‘ના, હું નહી પહેરું. તમે મને પહેલેથી જ કદરૂપી બનાવી દીધી છે.’

મારા આવા ર્વતનની કોઈને જરા સરખી પણ અપેક્ષા ન હતી. છળી પડેલા ડોક્ટરો આ જોઈ થોડા ગુસ્સે પણ થયા. જોકે પેલી નર્સે તેમને અંગ્રેજીમાં કશુંક સમજાવી, મારા તરફ તાકીને કહ્યું, ‘તું એકવાર પહેરી જો. આનાથી તારા આ કદરૂપા પગ ઢંકાઈ જશે અને તું ફરી ચાલીશ.’ ઠપકાના સ્વરૂપમાં મળેલી એ સલાહ મેં ત્યારે તો ચૂપચાપ માની લીધી. પણ જો આજે તે ર્નસ મને મળે તો હું તેને ચૂમી આપીને આભાર માનવા કહેવા ઈચ્છું છું.

પ્લાસ્ટિક પગ પહેરવાથી મારા કદરૂપા દેખાતા પગ ઢંકાઈ ગયા. તેના આધારે હું જમીન પર પણ સ્થિર થવા માંડી. પણ મારા નસીબે હોસ્પિટલમાંથી આટલા જલદી છૂટવાનું લખાયું ન હતું. ડોક્ટરોએ કેટલીક સારવારના નામે મને હજુ મહિનો હોસ્પિટલમાં રોકી રાખી, જે મારા માટે અસહ્ય બની રહ્યું હતું. અલબત્ત....

(ક્રમશ:)

હેમલ જાદવ

hemal.jadav@gmail.com

contact: 099040 58252

----------------------------------------------------------------------------------------------------------------------