Narsinh Maheta in Gujarati Magazine by Pandya Kishan books and stories PDF | નરસિંહ મહેતા

Featured Books
Categories
Share

નરસિંહ મહેતા

આદ્ય કવિ- નરસિંહ મહેતા.

થોડાં સમય પહેલાં એક યોગેશ્વર નામના યોગીનું ‘પ્રકાશના પંથે’ નામનું પુસ્તક હાથમાં આવ્યું. વાંચતા વાંચતા એક રસપ્રદ અને અનોખો પ્રસંગ ધ્યાનમાં આવ્યો. એક વાર તેઓ નદીના તટે ધ્યાન ધરી રહ્યાં હતા, ત્યાં એમના કર્ણપટલે સુમધુર અવાજમાં એક ભજનના શબ્દો અથડાયાં..

‘વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

યોગેશ્વર મીઠા મધુરા શબ્દો માણી જ રહ્યાં હતા અને એક અવકાશવાણી જેવું જ કંઇક થયું ..

‘ આ ભજન ગાનાર વ્યક્તિ ‘મહાત્મા ગાંધી’ છે જે ખુદ ‘નરસિંહ મહેતા’ નો જ અવતાર છે!!! ‘

હવે આ વાતમાં તથ્ય કેટલું એ તો રામ જાણે . પણ એમનું આ ભજન ગાંઘીજીને અતિપ્રીય હતું, એ વાત તો જગજાહેર છે. આ એક અદભુત કાવ્ય છે. જે ખાલી ગાઈ કાઢ્યું કે સાંભળી કાઢ્યું એવા મતલબનું તો નથી જ. એમાં પારકાની પીડાને અપનાવવાની, અનુભવવાની વાત છે. એને દૂર કરવાની વાત છે. વળી એ ઉપકારના લાઊડ-સ્પીકરો ગોઠ્વીને ભાષણો નથી કરવાના. સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં કોઈ જ અભિમાન વગર, કોઈને આપણે કામમાં આવ્યા જેવા ભાવ દિલે ધરી અને સમજણપૂર્વક ઊપકાર કરાય તો જ કામનો..બાકી એને હાઈ લાઈટ કરી કરીને લાઈમલાઇટમાં રાખવાના યત્નો કરાય તો બધુંય વ્યર્થ.

બહુ ઊંડી સમજ -શક્તિ અને અવર્ણનીય પ્રભુ-પ્રેમ ભાવ ધરાવતા આ ભજનના રચયિતા હતા ભારતના સૌપ્રથમ ‘આદિકવિ -નરસિંહ મહેતા..’ આ રચનાથી નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યના એકોતેર કુળ તાર્યા છે.

આજથી લગભગ સાડાપાંચસો વર્ષ પૂર્વે ઇ.સ. ૧૪૧૪માં તળાજા (ભાવનગર)ખાતે એમનો જન્મ થયેલો.માતાનું નામ દયાકુંવર અને પિતાનું નામ કૃષ્ણદાસ. અગિયાર વર્ષની કુમળી વયે મા-બાપ બેયનો સહારો ગુમાવી બેઠેલ નરસિંહ મહેતા કાકા પર્વતદાસ ને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. માણેકગૌરી મરણપથારીએ હતા. એમનો મૃત્યુ સમય નજીક હતો, ત્યારે નરસિંહ મહેતાને હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવામાં આવ્યા. તેઓ તો હંમેશાની જેમ જ ઊપડ્યાં. આખી રાત કીર્તન-ભક્તિ, ભજનો ગાયાં. સવારે એક જણે સમાચાર આપ્યાં કે,’મહેતાણી ગયાં.’ તો મહેતાએ તો પોતાની મસ્તીમાં જ ગાવા માંડ્યું,

‘ભલું થયું ભાંગી જંજાળ,

સુખે ભજીશું શ્રીગોપાળ.’ ..!!

કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈ ના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિહે તળાજાના જંગલમાં, ગોપનાથના મંદિરમાં સાત દિવસ લાગલગાટ ભૂખ્યા-તરસ્યા રહીને આકરું તપ કર્યુ. જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ એમને વર માંગવાનું કહેતા, નરસિંહે મહાદેવની જ પ્રિય વસ્તુ માંગી લીધી. ફળસ્વરૂપે મહાદેવજી પોતાના પોઠિયા પર એમને દ્વારકા લઈ ગયા. શ્રી કૃષ્ણની દૈવી ‘રાસલીલા’ વિશે તો આપણે બધાં જ જાણીયે છીએ. ના જાણતા હો તો ..કૃષ્ણ ભગવાન અને એમના મિત્રો ગોવાળિયાઓએ રાધા અને ગોપીઓ સાથે એક અનોખી રાસલીલા ખેલી હતી. દરેક ગોપીને ગોવાળિયામાં જાણે પોતાના મનનો ચોર કનૈયો જ, પોતાની સાથે જ રાસડા લઈ રહ્યો છે એવી દિવ્ય અનુભૂતિ થયેલી. બાલગોપાળની એ લીલા નરસિંહ મહેતાએ પણ હથેળીનું નેજવું કરીને, ગોપીભાવ દિલમાં ધરી ,પોતાના પ્યારા પ્રભુ પોતાની સાથે રાસ રમી રહ્યાં છે, એવી જ લાગણી સાથે એક મશાલના અજવાળે, નરી આંખે નિહાળી હતી. ઇતિહાસ એની સાક્ષી છે. લગભગ એકાદ મહિના દ્વારકામાં રહ્યાં પછી પ્રભુની આજ્ઞા માથે ચડાવી એમના ચરણોમાં વંદન કરી તેઓ જૂનાગઢ જવા નીકળે છે ત્યારે પ્રભુ જાતે એમને પ્રતિમા, કરતાલ આપીને માથે મોરપીંછનો મુગટ પહેરાવે છે…!!

પ્રભાતિયાં, ઝૂલણા છંદ, કરતાલ અને કેદારો રાગ આ બધા જેને બહુ પ્રીય હતા એવા ‘આદ્યકવિ’ નરસિહ મહેતાએ આમ તો ૧૫૦૦થી પણ વધુ પદો રચ્યા છે. જેમાં એમના જીવનના મુખ્ય પ્રસંગો વણાયેલા છે. આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, શામળશા શેઠની હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો, – સુદામા ચરિત્ર દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર આ પદો બહુ જ પ્રખ્યાત થયા..

તેઓ ‘મીથકવિ’, પ્રગલ્ભ, લાજાળ શબ્દોના કવિ તરીકે પણ ઓળખાય છે.

કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા-હજૂર હતાં. કમસે કમ બાવન વખત એમણે સદેહે આવીને એમના આ ઘેલાં ભગતની મદદ કરી હતી. એમની અને શ્રી હરિના સંબંધમાં એક અદભુત રેશમની ગાંઠ હતી.

નરસિંહ મહેતા જેવા પ્રેમપૂર્ણ હ્રદયમાં પ્રાર્થનાનું કોઈ માળખું ગોઠવેલું નહોતું રહેતું. એ તો બસ શ્વાસ લેવા જેમ જ અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

ગુજરાતીઓ માટે આ અદભુત પ્રાર્થના સાડાપાંચસો વર્ષ પછી આજે પણ મોબાઇલ ફોનની રિંગ ટોન માટે બેહદ માનીતી છે.

‘પ્રભાતિયાં’ શબ્દ આવે અને નરસિંહ મહેતા યાદ ના આવે એવું બને ? નરસિંહ મહેતા સવારે નહાતી વખતે જે પદ ગાતા એ ‘રામગ્રીઓ’ અને પાછા ફરતા જે ગાતા એ ‘પ્રભાતિયાં’.ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીલવે છે. અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે.

આપણને જગાડે તેનેય જગાડવો પડે ? ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે,

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?

ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને

આજે પણ પરોઢની કલ્પનામાં એના વગરનો દિવસ એકદમ ફિક્કો લાગે છે.

એ બળકટ વાણી આજે પણ મઘ્યકાલીન અવકાશમાંથી અનહદ નાદ જેમ સંભળાય છે.

‘નિરખને ગગનમાં,

કોણ ઘુમી રહ્યો,

એ જ, એજ હું

તત્વ બોલે…..’

નરસિંહ કૃષ્ણમાં તલ્લીન થઈને શબ્દ- સંઘાન રચતાં ગયાં અને આપણને સાદ પાડતા રહ્યાં.

નરસિંહની એકેશ્વરવાદની ભાવનાની અભિવ્યક્તિ આ પદમાં ઝીલાય છે.

વેદે તો એમ વદે, શ્રુતિ, સ્મૃતિ, શાખદે, કનકકુંડલ વિશે ભેદ નહોયે,

ઘાટ ઘડિયા પછી નામ રુપ ઝુજવા, અંતે તો હેમનું હેમ હોયે.

પ્રભુનો નશો એ ભગતને એવો તો ચડે છે કે ઝૂમે છે..નાચે છે. આખરે જાણે ખુદ હરિરૂપ ધારણ કરી લે છે..

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો,

હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે

ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો

ચોથે પિયાલે થઈ ઘેલી રે …

તો આ આરતી પણ લોકોથી અજાણી નહી જ હોય..

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ…

સોળ હજાર ગોપીઓ, રાધાનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકના સ્વામીને, પ્રભુમગ્ન ભોળુકડી ભરવાડણ એની મટુકીમાં ઘાલીને મહી ના બદલે મોરારીને વેચવા ચાલી જેવી અદભુત રચના નરસિંહ જેવો અનોખો પ્રભુ-ભકત જ રચી શકે..

ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo

અનાથના નાથને વેચે આહિરની નારી;

શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ..

આ હદ સુધીનું પ્રભુ સાથેનું તાદાત્મય સાધવું એ બહુ ઊંચી કક્ષાની સાધના જ કહી શકાય. કો’ક વાર જાતને એક પ્રશ્ન પૂછજો કે આપણી પાસે આજના ગણત્રીના જમાનામાં આવું કંઈક મોહિત થવા, અલૌલિક કક્ષાનો અનુભવ કરવા, ઘેલા- ઘેલા થવાની કક્ષાનું કંઈ બચ્યું છે?

નરસિંહ મહેતાને કોઈ જ સંકલ્પ કે વિકલ્પ નહોતા નડતા. એ તો બધું જ એમના પ્રભુ પર છોડી દેતા. દીકરીનું મામેરૂં કરવાનું, શામળશાના વિવાહ, શગળશા શેઠને હૂંડી , શ્રાધ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે બધે બધું જ શ્રી હરિના શીરે..”કામ પાર ના થાય તો મારે શું પ્રભુ..તારી આબરૂ જશે..વિચારી લેજે…!!”

નરસિંહ ઉત્કટ ગોપીભાવે,એક નારીના- પ્રિયતમાના સમર્પણભાવે કૃષ્ણને ભજતાં અને પરમાત્માને પુરુષરૂપે જોતા..

આ પદ જુઓ..

‘ગોપીમાં હું નરસૈંયો, પ્રેમસુધરસ પીધો રે,

સારમાં સાર અવતાર અબળા તણો,

જે બળે બળિભદ્ર વીર રીજે.

પુરુષ પુરુષાતન શું કરું, હે સખી

જેથી નહી મારું કાજ સીઝે…

કેવો અદભુત પ્રભુ-પ્રેમ.!!!

એમની રચનાઓ પરથી એવા અનુમાનો બંધાય છે કે તેઓ આજીવિકા માટે નાનું મોટું વૈદ્યુ કરતાં હશે. શ્રી જેસલપુરા સંપાદિત કાવ્યકૃતિમાં પૃષ્ઠ ૩૭૦ પર ‘અનંત નામનું ઓસડ’ એ પદમાં ‘વૈષ્ણવ વૈદ્ય, હરિ હરડે, સૂંઠ સારંગધર, અવિનાશી અજમા, કડુ કૃષ્ણ, સંચળ રામ, ચૂરણ ચત્રભુજા, બહુનામની ફાકી, ગોવિંદગોળી’ આ બધા શબ્દો એ દિશા તરફ જ અંગુલિ નિર્દેશ કરે છે.

ગુજરાતી ભાષાના સહુપ્રથમ અને સહુથી વધુ ચિત્રપટ નરસિંહ મહેતા પર બનાવવામાં આવ્યા છે.

નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. પછી તેમના વંશમાં થઇ ગયેલા તાના- રીરી બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી.

તમે એ મહાન કવિ વિશે વધુ જાણી શકો એ હેતુથી નરસિંહ મહેતા પર લખાયેલ પુસ્તકોની પ્રાપ્ય થઈ એટલા પુસ્તકોની સૂચિ અહીં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.

– ગુજરાતી ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ થતો જોવો એ એક અદ્કેરો આનંદની ઊપજાવી જાય એવું કાર્ય છે. નવેમ્બર ૨૦૦૨ માં શ્રી કમલનયન ન. જોષીપુરા પ્રકાશકે “અખિલ બ્રહ્માંડમાં” પુસ્તક પ્રકાશિત કર્યુ છે. જેમાં સંત કવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓનો અંગ્રેજીમાં અત્યંત ભાવસભર અને સાહિત્યિક અનુવાદ પ્રસ્તુત થયો છે.

– ‘કોઇ ક હેતું નથી’ – લેખક: પ્રા. નીતિન વડગામા, પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર. આ ગઝલ-સંગ્રહમાં કવિએ કવિ નરસિંહ મહેતાના જીવનને કેન્દ્રમાં રાખી ઝૂલણા છંદમાં ગઝલ લખીને એમણે આદરાંજલિ અર્પણ કરી છે.

-‘ભક્ત નરસિંહ મહેતા’ – કુલ પાન: 144. કિંમત રૂ. 20. પ્રાપ્તિસ્થાન : ગીતાપ્રેસ, ગોરખપુર. અથવા નજીકના બુકસ્ટૉલ. અથવા http://www.gitapress.org

-ઇચ્છારામ દેસાઇ લેખિત પુસ્તક – ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ – ૧૯૮૩.

– કે.કા.શાસ્ત્રીના સંપાદનો – ‘નરસિંહ મહેતા એક અધ્યયન’ – ૧૯૬૫-૧૯૬૮.

– શિવલાલ જેસલપુરા લેખિત પુસ્તક – ‘નરસિંહ મહેતાનું જીવન અને કવન’ – ૧૯૮૧.

– ઉમાશંકર જોશી લેખિત – ‘નરસિંહ મહેતાં’

બાકી નરસિંહ મહેતાના ભક્તિપદો તો પાઠયપુસ્તકોમાં પણ આવે છે.

નરસિંહ મહેતા અંગેના વાદ–વિવાદો..

નરસિંહ મહેતાના પદો અને એના કર્તૃત્વ વિશે અનેક શંકાઓ ચર્ચાતી જ આવી છે.

‘જળકમળ છાંડી જાને બાળા’ એક અતિ લોકપ્રિય પ્રભાતિયું છે. છેલ્લી પંક્તિ,

‘નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવ્યો’

ઉપરથી એ પદના કર્તા નરસિંહ છે એવી માન્યતા સ્વાભાવિક છે. પણ આ પદ નરસિંહના ઘણા બધાં પદોની જેમ જ ફકત લોકકંઠે જ જળવાયેલા મળે છે. એની કોઈ પ્રાચીન હસ્ત-પ્રત હજુ સુધી પ્રકાશમાં નથી આવી. ૧૯૮૦ની આસપાસ પ્રો. પુષ્કર ચંદરવાકરે વિચારણા, તર્ક પરથી તારણ કાઢ્યું કે આ પંક્તિમાંની ફકત ૧૨ પંક્તિઓ જ એમની છે. બાકીની પંક્તિઓ તો ચંબલ માલના લોકગીતમાં શ્રી ગુણસાગર સૂરજીના ‘નાગ-અભિમાન-મર્દન’ કાવ્યમાં તેમન નિમાડી ગીત ‘નાગનાથન લીલા’માં જોવા મળે છે. આવા અનેકો વિવાદોમાં સપડાયેલ એક અતિઉચ્ચ કક્ષાની રચનાને બીજેથી ઉઠાવેલી કે સાંધા-સૂંધીવાળી રચના ગણાવવી યોગ્ય નથી. પણ તેનું કર્તૃત્વ તો એની હસ્તપ્રત આદિપુરાવાઓને કારણે જ મકકમતાથી સ્થાપિત કરી શકાય.. જે બહુ જ કઠિન કામ છે. ભારત અને વિદેશમાંથી બધી હસ્તપ્રતો એકઠી કરવી પડે. જેની પૂર્ણપણે સૂચિ પણ પ્રાપ્ય નથી. તો કેટલીક ઊડઝુડપણે ભેગી કરાયેલ અને અધુરી માહિતી વાળી છે. વળી એક જ કાગળ પર જુદા-જુદા અનેક પદકારોના પદ કોઇ જ ક્રમ વગર આપેલ છે. એમાં નરસિંહ મહેતાના પદ કયા એ તારવવું અનહદ કઠિન કાર્ય છે.

આવી જ એક અત્યંત લોકપ્રિય રચના છે ‘વૈષ્ણવ જન’. જે વિવાદોના વમળમાં સપડાયેલી છે.

નરસિંહ મહેતાનું પદ જુઓ…

“મોહમાયા લેપે નાહિ, તેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,

રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન

હવે ‘વા્છો કવિ’ના પદ જુવો…

માયા માટે લોપાએ નહી ને ધારે વૈઇરાગ મના માંહા રે,

રામનામ શું ખાલી રાખેમ અડશેઠ તીરથ મન માંહા રે..

નરસિંહ મહેતાનું પદ-

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે..

હવે ‘વાછો કવિ’નું આ પદ….

નિર્લોભી ને કપટ રહિત કામ-ક્રોધને માર્યા રે,

તે વીશ્ણવના દરશન કરતાં કુળ ઇઇકોતેર તાર્યા રે…

-હવે મૂળ પ્રશ્ન એ કે આ બે પદમાંથી મૂળ પાઠ કયો? વળી પદના મૂળ કર્તા કોણ નરસિંહ કે વાછો ?

જોકે આ બધા પાછળ સાહિત્યકારોનો કોઇ હોબાળો મચાવવાનો ઉદ્દેશ નથી હોતો. પણ ‘વૈષ્ણવ જન’ પદ સાથે ભાવ-ભાષાની સમાનતાવાળી કૃતિઓ પ્રત્યે ધ્યાન તો ખેંચાઈ જ જાય છે.

એમના જન્મ અને મરણના ચોકકસ સમય વિશે પણ અનેકો શંકાઓ સેવાય છે. એના કારણે અમુક લેખકોએ એ સમયગાળા માટે ‘૧૪૧૪’ અને ‘૧૪૮૦’ જેવા મક્કમ વર્ષ લખવાને બદલે એની આસપાસનો અમુક સમય એવા શબ્દો વાપર્યા છે.

નરસિંહ વિશે અઢળક ચર્ચાઓ ચર્ચાતી જ આવી છે. અરે..’નરસિંહ’ એક જ વ્યક્તિ છે એ બાબતે પણ શંકાઓ સેવાઈ છે.!! તો સામે પક્ષે એમનું આખું જીવન ચમત્કારોથી ભરપૂર રહ્યું છે. જેને કોઈ પણ વ્યક્તિ નકારી નથી શક્યું.

પ્રચલિત ભજનોઃ–

-નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

-અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

-વૈષ્ણવ જન તો તેને રે કહીએ

-જાગીને જોઉં તો

-જળ કમળ છાંડી જાને બાળા

-જાગને જાદવા

-ભોળી રે ભરવાડણ

-રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી

-ઉઠોને જશોદાના જાયા

-મેહુલો ગાજે ને માધવ નાચે

-વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને

-શ્રી દામોદરના ગુણલા ગાતા

-જશોદા! તારા કાનુડાને

-ભુતળ ભક્તિ પદારથ

-મારી હુંડી સ્વીકારો મહારાજ રે

-ગિરી તળેટી ને કુંડ દામોદર

-ઘડપણ કોણે મોકલ્યું?

-જ્યાં લગી આત્મા તત્વ

-એવા રે અમો એવા

-સુખ દુ:ખ મનમા ન આણિયે

-જે ગમે જગત ગુરુ

-ધ્યાન ધર હરિતણું

-આજની ઘડી રળિયામણી

-હળવે હળવે હળવે હરજી

-નારાયણનું નામ જ લેતાં

-પ્રેમરસ પાને

-શેરી વળાવી સજ્જ કરું

-નાથને નીરખી

-ઊંચી મેડી તે મારા સંતની રે

-નાગર નંદજીના લાલ

-પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

-બાપજી પાપ મેં

-રામ સભામાં અમે

-અમે મહિયારા રે

-કાનજી તારી મા કહેશે પણ અમે

-પઢો રે પોપટ રાજા રામ ના

-ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ

-આવેલ આશા ભર્યા

-કેસર ભીના કાનજી

-હે કાનુડા તોરી ગોવાલણ.

પ્રતિવર્ષ અપાતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ ‘નરસિંહ મહેતા એવોર્ડ’ છે. આ એવોર્ડ ગુજરાત રાજ્યનાં જુનાગઢ ખાતેની, આધકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા; શરદ પૂર્ણિમા ની સાંજે ગિરનાર ની ગોદમાં આવેલ ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ.સ.૧૯૯૯ નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપીયા રોકડા તેમજ નરસિંહ મહેતા ની પ્રતિમાનાં સ્મૃતિચિન્હ સાથે આપવામાં આવે છે.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો :

• વર્ષ ૧૯૯૯ – રાજેન્દ્ર શાહ

• વર્ષ ૨૦૦૦ – મકરંદ દવે

• વર્ષ ૨૦૦૧ – નિરંજન ભગત

• વર્ષ ૨૦૦૨ – અમૃત ઘાયલ

• વર્ષ ૨૦૦૩ – જયંત પાઠક

• વર્ષ ૨૦૦૪ – રમેશ પારેખ

• વર્ષ ૨૦૦૫ – ચંદ્રકાન્ત શેઠ

• વર્ષ ૨૦૦૬ – રાજેન્દ્ર શુક્લ

• વર્ષ ૨૦૦૭ – સુરેશ દલાલ

• વર્ષ ૨૦૦૮ – ચિનુ મોદી

• વર્ષ ૨૦૦૯ – ભગવતીકુમાર શર્મા

• વર્ષ ૨૦૧૦ – અનિલ જોષી

આવા આ મહાન ભગત કવિનું ઇ.સ. ૧૪૮૦માં અવસાન થયું અને ગુજરાતી સાહિત્ય એ એનો ‘કોહીનૂર’ હીરો ગુમાવ્યો..