Achanak Varsad in Gujarati Poems by Nruti Shah books and stories PDF | અચાનક વરસાદ

Featured Books
Categories
Share

અચાનક વરસાદ

(1)

આ વરસાદમાં મારું મન એવું ભીંજાયુ

કે જાણે વર્ષો પછી સૂકા રણમાં પાણી સિંચાયું;

ભરી ભરી નદીઓ મળવાથી દરિયો શું આવ્યો મોજમાં,

છાલક મારી ફેંકતા એક માછલું ખીજાયું.

સૂરજ સંતાયો,મેઘધનુષ મલકાયું ને મલ્હારો યે ગવાયા,

પણ રીસે ભરેલું વાદળું વીજળીના નૃત્યથી જ રીઝાયું;

બોલાવું તો માન માંગે ને જા કહું તો જોરથી વરસે

થાય હવે હું વરસું એવું કે બુંદ બુંદ બોલે હું ભીંજાયુ હું ભીંજાયુ!!!

(2)

જીતની વાતો યે ખાલી હાથે હવે ક્યાં કરાય છે?

યા કલમ યા કટાર વગર તૈયારીઓયે ક્યાં થાય છે?

છે ઘણી અડચણો છતાં મને ઈશ્વરની તો સહાય છે,

હોય રાહ સાચી છતાં કદમ તો વિચારીને જ મૂકાય છે.

ક્યાંક મંદિરમાં ચઢે તો ક્યાંક કબર પર મૂકાય છે,

છે ફૂલો તો ખુશ કે બસ ઉપયોગ એનો થાય છે;

જો હૃદય રડે તો તરત આંખો એ થોડી ભીંજાય છે,

વાત છે નાજુક જરા, બધાને ક્યાં સમજાય છે?

રક્તરંજિત શબ્દોમાંથી રક્ત અલગ ક્યાં કઢાય છે?

દાઝેલાને ઠારવા જતા થોડું તો દઝાય છે...

છે જીવન થોડું ત્યાં ભૂલોની બાદબાકી ક્યાં કરાય છે?

તક મળે કે તરત માફી માગી આગળ તો વધાય છે!!

(3)

રહેવું અને વસવું તેના બે આમ જુદા અર્થ તારવી શકાય,

જેમ એક ફૂલનું ખીલવું અને મહેકવું એમ બે જુદા અર્થ કાઢી શકાય;

ક્યારેક કોઈ સાથે રહેનારાના દિલમાં ક્યારેય ના વસી શકાય

તો ક્યાંક દિલમાં વસેલાની સાથે ક્યારેય ના રહી શકાય.....

ગુમાવવુ અને છોડવું તેના બે આમ જુદા અર્થ તારવી શકાય,

જેમ સમયનું પસાર કરવું અને થવું એમ બે જુદા અર્થ કાઢી શકાય;

ક્યારેક ગુમાવેલા ને પાછા લાવવા દુનિયા આખી છોડી શકાય

તો ક્યારેક છોડેલાને પાછા મેળવવા જીંદગી આખી ગુમાવી શકાય.....

(4)

રોજ સવારે ડરાવું છું અને ધમકાવું છું

તોયે સાંજ પડે ચાલી આવે છે,

રાત એ મારી સખી છે...

રોજ મારી પાસેથી ભેટ કેટલીયે પડાવે છે

તોયે બેશરમ હાથે ખાલી આવે છે,

રાત એ મારી સખી છે...

મારી ખાનગી વાતોનો ખજાનો પટારામાં પડ્યો છે

બસ એ જ એક એની ચાવી લાવે છે,

રાત એ મારી સખી છે....

(5)

આમ અચાનક જ તેમને બધું કહેવાઈ જાય છે

અને તેમની સામે આવતાં જ અચાનક હોઠ સિવાઈ જાય છે;

ક્યારેક ક્યાંક પાંદડી પણ ખરે તો હો હા થઈ જાય છે

અને ક્યાંક ચુપચાપ વૃક્ષો મૂળ સહિત ઉખડી જાય છે;

વહી જતા સમયમાં જાણે જિંદગી આખી ખોવાઈ જાય છે

તો ક્યાંક એકાદ ક્ષણમાં એ જીન્દગી પાછી જડી જાય છે;

કુદરતની એ જ છે કમાલ કે દોસ્તો

કે જે આગ જીવનભર સહુનું પેટ ઠારે છે

તે જ છેવટે સહુને પોતાનામાં સમાવી જાય છે....

(6)

શા માટે જીન્દગી તું એવા મોડ પર મળે છે,

મંઝિલ નથી જ્યાં મારી ત્યાં ચહી ચહી વળે છે;

દુશ્મન હતા બનાવ્યા જેને દુહાઈ આપી,

તેઓને માટે આજે કઈ બહુ જ જીવ બળે છે;

જાણ્યા છતાં અજાણ્યા ગમગીન તોયે હસતા,

મહોરાઓ જેવા ચહેરા એકબીજાને રોજ મળે છે;

વહેચે છે છુટ્ટા હાથે જીન્દગી મને તું જખ્મો,

તૈયાર છે ત્રણ ચાર એકની જ્યાં કળ વળે છે...

(7)

એક એવી જગ્યા જ્યાં જતા ચહેરો હસી જાય ,

સાંજ પડે જ્યાં પગ સૌના આપોઆપ મંડાય

એ છે ઘર...

ટીવી,બારી, રૂમ ,રસોડું સૌ પોતાના લાગે,

આવતાં જતાં સૌ મને કેમ છો? કહેતાં જાય

એ છે ઘર...

પંખા ને કેલેન્ડરની છે દુશ્મની પૂરાની

ચાલુ કરતાં સ્વીચ જ્યાં બંને ઝઘડી જાય

એ છે ઘર ...

એક ખુરશી મારી ને એક ખુરશી તારી,

જ્યાં બેસતાની સાથે દુનિયાની ચિંતા મૂકાય

એ છે ઘર...

(8)

કોઈ કઈ સમજે ના સમજે એ કાળી ઘનઘોર રાત હતી,

એક અધૂરી વાત હતી ને દિલચશ્પ મુલાકાત હતી.

મધદરિયે તોફાન હતું ને મારી કિનારે નાવ હતી,

તોયે મને ડૂબાડી ગઈ લહેરો સમંદરની શાંત હતી.

તારા થકી તો હું છું ને મારા થકી જ તું છે,

આંખો આંખોમાં સમજ્યા બંને એ એક જ વાત હતી.

મેં કહ્યું હું આવું છું ને તે કહ્યું તું છોડી દે

કોઈ જીત્યું ના હાર્યું બસ તકદીરની એ મ્હાત હતી.....

(9)

જાણે છે આખું જગ ના જાણે એક તું,

તારા સહારે મારે જીવવીતી જીન્દગી;

ના ગમે કોઈનો સાથ બસ તારી એક વાત,

તારા ઈશારે મારે જીવવીતી જીન્દગી;

જીવનના દરિયામાં તારો તરાપો કાણો,

કાણા તરાપે મારે તરવીતી જીન્દગી;

તારી જ વાતો ને તારી જ રાતો,

તારી વાતોથી મારે ભરવીતી જીન્દગી;

ના આવે તોયે શું ને આવે તોયે શું તું,

તારી જ યાદોથી હવે જીવીશ આ જીન્દગી....

(10)

સુક્કા ભટ્ઠ વૃક્ષો પર ઉગે લીલી લીલી કૂંપળ,

દૂર દૂર રેતીના રણમાં દીસે ઝાંઝવાના જળ,

કરે છે કુદરત કેવી કમાલ;

દૂર ગગનમાં એકલ પંખી લઈને ઉડે બે પાંખો,

એકબીજાની પાક્કી પડોશી ખુલેના એકલી આંખો,

કરે છે કુદરત કેવી કમાલ;

એક જ માતાના કૂખેથી અવતરે જોડકાં તોયે,

એક સમાજનો બનતો રક્ષક તો બીજો ભક્ષક હોયે,

કરે છે કુદરત કેવી કમાલ;

એક હાથે પડે ના તાલી,જો જો કોઈ વાર જાયે ના ખાલી

જીવન છે એક ખેલ બની જાયે ના કોઈ ધમાલ,

કરી છે કુદરતે અજબ કમાલ......

(11)

આ દુનિયામાં લોકો કહે છે કંઈક ને કરે છે કંઈક,

જાણે રણમાં ઝાંઝવાના જળનો અભાસ લાગે છે;

બની છે દુશ્મની દરેક ખૂબસૂરત ચીજો થી

ચમનના તાજાં સુંદર ફૂલ પણ સુક્કા ઘાસ લાગે છે ;

કૂદાવી ફેંકતું હર એક તરંગ મને ખાસ લાગે છે,

ભલે છું માછલી તો શું મને પણ પ્યાસ લાગે છે...

(12)

મુસ્કાન લાવે આંખો ,આંસુ વહાવે આંખો

દુનિયા રંગીલી તેના સૌ રંગ બતાવે આંખો;

ના પાડું તોયે પહેલી એ જાય છે હઠીલી

કહ્યાગરી એ પાછી પળમાં વળે છે આંખો;

નાના હો કે હો મોટા, કંગાળ કે તવંગર

સંસાર સૌને સરખો સમજાવે કેવી આંખો;

કદીક પિયુને પ્રેમની પીવડાવશે જે પ્યાલી

વિરહની વસમી વેળા વરસશે એ જ આંખો

પાંપણની પાંખ પહેરી દિવસે ઉડ્યા કરે છે

સપનાને લઈને રાતે આવે છે મારી આંખો...

(13)

કણ કણ તર્પણ હર મન દર્પણ

પ્રીત કાજે હર જનમ જ અર્પણ

દિલની વાતો દિલને ના સમજાય

દિલ કાજે દિલનું જ સમર્પણ

તું ના સમજે તું ના જાણે તોયે

તારા જ નામના પહેર્યા કંકણ

તારું નામ જપે મન ધડકન

રક્ત તણા હર બુંદ પણ અર્પણ

કણ કણ તર્પણ,હર મન દર્પણ

(14)

સફર તો શરુ થઇ છે હજી ઘણાયે મુકામ બાકી છે,

હૃદય થી ગીત વહેતું કર્યું નજરના સલામ બાકી છે....

ફૂલોની ફિકર કરી છે મેં ને કાંટાઓની કરી છે કદર,

સૌગાતની વાત થી લાગે ડર બસ એ એક કામ જ બાકી છે...

હશે જો મન અડગ ને અચલ તો સંકટ બનશે જરૂરથી સરળ,

ખીલે કાદવમાં હંમેશા કમલ સમજશો સમય હજી બાકી છે......

ઢળી ગઈ સાંજ તો શું થયું હજી તો રાત બાકી છે,

મૂકી દો ફિકર, મિલાવો નજર કહો જે વાત બાકી છે......

સમય તો સરે ને કહેતો ફરે કે સૌ કોઈ મારાથી ડરે,

મુકીને ગુમાન વાત મારી માન કરી જો પ્રીત બાકી છે....