Khotni Khimi in Gujarati Short Stories by Smita Patel books and stories PDF | ખોટની ખીમી

Featured Books
Categories
Share

ખોટની ખીમી

ખોટની ખીમી

“વિસ્મય, તું શું ઈચ્છે છે? ફરી આ વખતે પણ..?”

“પ્રુથા, તું સમજતી કેમ નથી? અરે abortion કરાવવામાં ખોટું શું છે? મારે દીકરી નથી જોઈતી એટલે નથી જોઈતી, બસ”

“સાચે જ તારામાં દયા જેવું કંઈ છે જ નહીં. એક – બે કરતાં આ ત્રીજીવારનું થયું. તને મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકની તો ઠીક, મારી’ય દયા નથી આવતી?”

“જો પ્રુથા, અગાઉ બન્નેવાર આપણે આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છે. તો ફરીવાર શું કામ તું મારું માથું ખાય છે? આપણે આવતીકાલે doctor પાસે જઈશું, that’s final..”

“પણ દીકરી છે તો એમાં વાંધો શું છે તને? અને આમ પણ આજના જમાનામાં દીકરા-દીકરીમાં ભેદભાવ કોણ રાખે છે? તું આટલું ભણેલો ગણેલો થઈને શું સાવ અભણ જેવી વાતો કરે છે?”

“પ્રુથા, please.. મારે ઓફિસમાં ખૂબ જ important meeting છે એની preparation કરવાની છે. તું આમ સવારમાં શરૂ ન થઈ જા. તારું કામ કર. જા અહીંથી.”

“વિસ્મય, please.. જરા તો સમજવાનો પ્રયત્ન કર. આપણે બંને સારું કમાઈએ છીએ, પૈસે ટકે પણ આપણને કોઈ ખોટ નથી તો પછી દીકરી હોય તો એમાં વાંધો શું છે? ને હું કોઈની દીકરી નથી? તારી મમ્મી – તારી બહેન શું એ કોઈની દીકરી નથી? અને આમ પણ આ વખતે હવે મારે abortion નથી કરાવવું. દીકરી તો દીકરી, આવી જવા દે ને.. please.. મારા માટે... ને.. ને વળી, આપણી ઉંમર પણ વધતી જાય છે. જો ને.. તું 35 અને હું પણ 33ની તો થઈ જ ગઈને. ને આમ પણ ઉંમર વધતાં પછી...”

“પ્રુથા... will you please shut up…. તારું lecture બંધ કર. મને કામ કરવા દે. આ bell વાગે છે એ સંભળાતું નથી તને? જા જઈને દરવાજો ખોલ.”

પ્રુથા કમને ઊભી થઈ ને જઈને દરવાજો ખોલ્યો. લક્ષ્મી દરવાજે ઊભી હતી. પ્રુથાએ એની પર કંઈ ધ્યાન ન આપ્યું અને પાછી વિસ્મય પાસે જઈને ઊભી રહી ગઈ. ત્યાં લક્ષ્મીએ બૂમ પાડી. પણ પ્રુથાનું કંઈ ધ્યાન જ ન ગયું. વિસ્મયએ ગુસ્સાથી કહ્યું, “આમ મારા માથે ન ઊભી રહે. જા, લક્ષ્મી બોલાવે છે તને.” પ્રુથા કટાણું મોં કરી ત્યાંથી રસોડામાં ગઈ.

“બોલો, લક્ષ્મીમાતા, કેમ આજે જલ્દી પધાર્યા? રોજ તો દસ –અગિયાર વાગે પણ ઠેકાણું નથી હોતું અને આજે આમ સાડા આઠમાં દર્શન દીધાને કંઈ....?”

“શું બેન તમે પણ આમ સવાર સવારમાં મારી મશ્કરી કરો છો? એ તો આજે મારે જરા બહાર જવું છે ને તો થયું કે જલ્દીથી બધાનાં કામ પતાવીને નવરી પડું એટલે જલ્દી આવી ગઈ.”

“સારું સારું... ચા ગરમ જ છે લે પી લે ને તું કપડા ધોતી થા. હું ફટાફટ રસોઈ પતાવી લઉં. મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે.”

લક્ષ્મીએ હજી ચાના બે ઘૂંટ પીધા ત્યાં તો એને ઉબકા આવવા લાગ્યા ને એ સીધી દોડી બાથરૂમમાં. લક્ષ્મીને વોમિટ થતી હતી પ્રુથા એ અવાજ સાંભળી રહી. જેવી એ બાથરૂમમાંથી બહાર આવી કે તરત જ એણે લક્ષ્મીને પૂછ્યું, “લક્ષ્મી, તારી તબિયત તો સારી છે ને? કેમ વોમિટ થઈ તને? કાલે કંઈ આડું અવળું તો ખાઈ નહોતું લીધું ને?”

લક્ષ્મી મંદ મંદ મુસ્કાતી હતી અને બોલી, “ના ના બેન તમ તમારે કંઈ ચિંતા ન કરો, મને સારું જ છે. ને આમ પણ આવા દિવસોમાં તો આવું થાય જ.”

“ તું શું આ આવા દિવસો ને તેવા દિવસો કરે છે, સીધો જવાબ દે ને.”

લક્ષ્મીએ કંઈ જવાબ ન આપ્યો બસ મરક મરક હસતી રહી. એને જોઈને પ્રુથા વધુ ચિડાઈને બોલી, “આમ મલકાય છે શાની? સીધી સીધી બોલને શું થયું છે?”

“બેન એ તો છે ને... મારે સારા દિવસો જાય છે. એટલે જ તો મારે આજે ડોક્ટરને બતાડવા જવાનું છે.”

“ઓ લક્ષ્મી, તને કંઈ ભાન બાન છે કે નહીં? પહેલેથી જ તો ૪ – ૪ દીકરા છે અને હવે આ પાંચમું..! આ આટલી કાળઝાળ મોંઘવારી – કમાણીનું કંઈ બીજું સાધન નથી – તારો વર પણ દિવસના ૨૪ કલાકમાંથી ૧૮ ક્લાક તો દારૂના નશામાં રહે છે. તું કામ કરે છે એમાંથી તમારા છનું પેટ તો માંડ ભરાય છે ને એમાં આ સાતમું...!!! ક્યાંથી ખવડાવશે તું એને? અને ખાલી જન્મ આપવાથે પતી જતું નથી. બાળકોને ભણાવવા – સાજે માંદે દવા – તારા વરનો દારૂ... ક્યાંથી પૂરું કરશે તું બધાનું?” પ્રુથા વરસી પડી.

એણે આગળ ચલાવ્યું “ઓ મૂરખ, અબુધ, અભણ, ગમાર... કંઈ તો સમજ. ભગવાને ૪ દીકરા તો આપ્યા જ છે ને તને. હજી કઈ વાતની ખોટ છે? ફોજ ઊભી કરવી છે કે શું? અને તું તારી જાતનો તો વિચાર કર. તારું શરીર તો જો. આ ચાર સુવાવડમાં તું કેવી થઈ ગઈ છે. તને કંઈ થઈ જશે તો તારા દીકરાઓનું શું થશે?”

પ્રુથાની ગુસ્સાની તો જાણે લક્ષ્મી પર કંઈ અસર થતી જ ન હતી. એ તો બસ પ્રુથાને જોઈને મુસ્કાયા કરતી હતી. એને આમ હસતી જોઈને પ્રુથાને વધુ ગુસ્સો ચડ્યો. એ વધુ ખિજાયને બોલી, “ લક્ષ્મી, તું આમ હસવાનું બંધ કર. મારી વાતની તને કંઈ અસર થાય છે?”

“બેન, માનું છું કે ભગવાને મને ૪ દીકરા દીધા છે. પણ તો’ય મને ખોટ છે. એક દીકરીની ખોટ છે અને આ વખતે તો મેં માતાજીની માનતા’ય રાખી છે કે મને દીકરી જ અવતરે. એટલે આ વખતે તો મને ખાતરી જ છે કે માતાજી મારી માનતા પૂરી કરશે જ. મને દીકરી આપશે જ. બેન, જેણે ખૂબ પુણ્ય કર્યા હોય ને, એને જ ભગવાન દીકરીનું વરદાન આપે. ને બેન, રહી વાત ભણાવવાની.. તો મેં તો વિચારી જ રાખ્યું છે કે મારા દીકરા ભણે કે ન ભણે પણ મારી દીકરીને તો પેટે પાટા બાંધીને પણ હું ભણાવીશ જ. ને એને હું તમારી જેમ મોટી... પેલું શું કહેવાય, હા.. મોટી માડમ બનાવીશ...”

પ્રુથાએ હસીને કહ્યું, “મેડમ..”

“અરે હા હા બેન, ઈ જ... મેડમ બનાવીશ. બેન, તમે ભલે મને અબુધ અભણ ગમાર ગમે એ કહો, પણ હું તો એટલું જાણું કે એક દીકરી તો જોઈએ જ. મારા ઘરવાળાએ પણ કહ્યું છે કે એક દીકરી તો જોઈએ જ. બેન, દીકરી તો તુલસીનો ક્યારો.. દીકરી તો મા-બાપની આંખોનું રતન કહેવાય. ઘરડે ઘડપણ દીકરા કદાચ મા-બાપને જુએ કે ન પણ જુએ. પણ દીકરી તો અડધા બોલે દોડતી આવી જાય. અને બેન, દીકરીનું કન્યાદાન કરવાનો લ્હાવો મળે ને તો તો સાત ભવનું પુણ્ય મળે. સઘળાં પાપ ધોવાઈ જાય.”

“પણ લક્ષ્મી, આ ૪ – ૪ સુવાવડ પછી હવે તારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે તું આ પાંચમી વાર...”

“બેન, તમે મારી જરાય ચિંતા ન કરો. મારી દીકરી આવેને એટલે જો જો ને તમે હું તો તાજી માજી થઈ જઈશ. મને એમ કંઈ નહીં થાય. મારે તો મારી દીકરીને ભણાવી ગણાવીને મોટી માડમ બનાવવાની છે. એને સારે ઘેર પરણાવવાની છે. એના બાળકોને રમાડવાનાં છે..”

પ્રુથા વિચારતી રહી કે મારી સામે ઊભેલી લક્ષ્મી અબુધ અભણ ગમાર મૂરખ છે કે પછી ભણેલો ગણેલો આ વિસ્મય...?

એણે પાછળ ફરીને જોયું તો વિસ્મય રસોડાનાં દરવાજે ઊભો રહીને વિસ્મયપૂર્વક એની ને લક્ષ્મીની બધી વાતો સાંભળી રહ્યો હતો. એના હાવભાવ પરથી લાગતું હતું કે પ્રુથા જે એના માટે વિચારી રહી હતી, કદાચ વિસ્મય પોતે પણ પોતાની જાત માટે એવું જ કંઈ વિચારી રહ્યો હતો. એણે સજળ નયને દયામણાં મોંએ વિસ્મય સામે જોયું.

લક્ષ્મી પોતાના કામે વળગી ગઈ હતી. વિસ્મયે પ્રુથાને કહ્યું, “ચાલ તૈયાર થઈ જા. આપણે હમણાં જ જવાનું છે.”

“પણ હમણાં તો તેં કહ્યું કે ડોક્ટર પાસે કાલે જવાનું છે.”

“ના ડોક્ટર પાસે નથી જવાનું. આપણે shopping માટે જવાનું છે. આપણી આવનારી દીકરી માટે.....”

“શું..? સાચ્ચે...?”

“હા... હા... સાચ્ચે જ....”

પ્રુથાની ખુશીનો પાર ન રહ્યો. એ દોડીને વિસ્મય પાસે ગઈ ને વિસ્મયે એને પોતાની બાંહોમાં સમાવી લીધી.....

  • સ્મિતા પટેલ