Saraswati Chandra - 2 Chapter - 3 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 3

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૩

ઘાસના બીડમાં પડેલો

“વિયોગીને યોગી કરવાનો છે આ પ્રયત્ન માંડ્યો;

જુએ તું તે સહુ તોય મૂર્ખ બની આમ રુએ છે પાછો !

માયાગ્રહથી મુકાવી વિભુ શું મેળવવા કર સાહ્યો;

જુએ તું તે સહુ તોય મૂર્ખ બની આમ રુએ છે પાછો !”

- ચિતા

ચંદનદાસનાં માણસ, સરસ્વતીચંદ્ર અને વાણિયાને ઘાસમાં પડતા નાખી, ચાલ્યાં ગયાં હતાં તે સમયે સરસ્વતીચંદ્રના હાથમાંથી લોહી વહેતું હતું અને એ મૂર્છાવશ હતો, પણ પક્કા વાણિયાનો વાળ વાંકો થવા પામ્યો ન હતો.

એ વાણિયો રત્નનગરીનો રહેવાસી હતો. મૂળ તેને ઘેર ગાંધીનું હાટ હતું, પણ સટ્ટો કરવામાં પ્રથમ લાભ મળ્યાથી તે જ બાબતનો ચડસ પડ્યો હતો. તેમાંથી ચાળીસ પચાસ હજારનો જીવ થયો હતો. દિવસ ફર્યો એટલે મેળવેલું ગયું અને કરજ થયું. મુંબઇમાં નસીબ અજમાવ્યું પણ ફાવ્યું નહીં. બીજે ઘણે ઠેકાણે ઘણીઘણી જાતના પ્રયત્ન કર્યા તે વ્યર્થ ગયા. એનું નામ અર્થદાસ હતું અને શ્રીમંતાઇ બે દિવસ આવી એટલે ધનકોર નામની કાળી કન્યા સાથે લગ્ન થયું, પોતાનું કુળ ઊંચું નહીં એટલે આઠેક હજાર ઘનકોરના બાપને આપવા પડ્યા; અને ધણીને ફોલી, ફોસલાવી, છેતરી, માગી, ચોરી તથા હજાર યુક્તિઓ વડે ઘનકોરે આઠેક હજારનો માલ એકઠો કર્યો હતો તેમાં અર્થદાસની આંગળી સરખી પેસવા પામતી ન હતી. અધૂરામાં પૂરું આજ તો ઘનકોર શેઠાણી પણ ખોવાયાં-તે પણ શરીર પર દાગીના સાથે ! જ્યારે સરસ્વતીચંદ્ર મૂર્છાવશ હતો ત્યારે અર્થદાસ આ બધું સંભારી હજાર સુખદુઃખના વીચારમાં લીન થતો હતો. ધનકોર તેને પરણી ત્યારે સાતઆઠ વર્ષની હતી; તેને ઘેર આવી ત્યારે અગિયારેક વર્ષની કાચી વયની હતી. નાનપણમાંથી તે વગદી અને વલકુડી હતી. ઘણી પણ યોગ્ય જ હતો. ભાઇ દોકડો ખાવા ન આપે ત્યારે બાઇ બે દોકડા સંતાડે. અર્થદાસને તેની ખબર પડે ત્યારે ધમકાવે પણ મનમાં રાજી થાય કે “રાંડ હોશિયાર ખરી. મને છેતરે એવી ખબરદાર નીકળી. છો રાંડ ચોરતી ને સંતાડતી. લેણદાર બધું જપ્ત કરશે ત્યારે એ માલ રહેશે.” પણ ઘનકોર તો એવી ખબરદાર નકળી કે ઘણીને મરવા વખત આવે તો યે ઘનકોર પાસેથી ફૂટી બદામ કેવી નીકળે જે ? અર્થદાસ ઘણુંઘણું ફોસલાવે, પણ આખરે હારે અને હારતાં હારતાં સંતોષ માને કે “રાંડ માથાની મળી-જેવી જોઇએ તેવી-જોડ- મળી.” કરકસરમાં પણ ઘનકોર એવી જ ચતુર હતી. ઘરમાં પણ સૌને એ કાયર કરતી. સાસુને રોવડાવે, નણંદને ઊમર ન દેખાડે, જેઠાણીને ફજેત કરે, દેરાણી પાસે દળવું દળાવે, જેઠ-દિયરને જોઇને હડકાઇ કૂતરી પેઠે ભસે, ધણીની આગળ પોશ આંસુ પાડી રુએ અને મનમાં ને ઘરમાં મુકાદમ. ઘનકોરનામાં એક ગુણ હતો. તેનામાં કચાલ ન હતી. વગદાપણાને લીધે છેક નાનપણમાં તેની ચાલ બગડે એવો વખત આવ્યો હતો, પણ વગદાપણાને વધવાનો રસ્તો અર્થદાસે ઘરમાં જ એટલો બધો સવડભરેલો ને મોકળો કરી આપ્યો હતો કે હળવેહળવે આખો દિવસ ઘરમાં ગૂંથાઇ રહેવાની તેને ટેવ પડી હતી. આથી ઘનકોર બીજી રીતે કર્કશા જેવી હોય છતાં ઘરમાં તેનો મોભો રહ્યો હતો અને સૌ કોઇ તે કહે તે વઠેતાં. કારણ ખરેખરી બાબતમાં ઘણકોરવહુ કોઇને નમ્યુ આપે એમ ન હતું. અર્થદાસને અત્યારે એની ફીકર પડી હતી. “મોઇ રાંડ, કોણ જાણે ક્યાં યે હશે ને શરીર પર દાગીના છે !” “મનહરપુરી પાસે છે એટલે હરકત નથી;” “બાયડીની જાત-કાયા ને માયા બેનો ભો;” “રાંડ આજ ઠીક પાંશરી થયો;” “ક્યાં આ બહારવટિયાઓમાં રોતી રખડતી રખડતી હશે ?” “બધાને પૂરી પડે એવી છે;” “કાચી માયા છે ?” “મોઇ રાંડ,” “એનું શું થશે ? હેં !-મને એના જેવી બીજી નહીં મળે ?” “છો રાંડ અથડાતી-ગાંઠ કરીને બેઠી છે તે મને ઝેર ખાવાને યે કામમાં નથી લાગતી;” “હશે, એના તો એના, પણ દાગીના એટલા રહ્યા છે તે યે જશે !” “ગમે તેવી તો યે બાઇ માણસ તે બાળક જ કેની ?” ઓ મારા બાપરે !” -એમ કરી અર્થદાસ રોતો રોતો ચારેપાસ જોતો જોતો ઊઠ્યો અને બે હાથને છેટે સરસ્વતીચંદ્રને પડેલો દીઠો. એની કાંતિ તથા દશા જોઇ દયા આવી અને ઉઠાડવા તથા સ્વસ્થ કરવા ધાર્યું. વળી વિચાર થયો- “મૂઓ હશે કે જીવતો હશે ! ઘેર જ ન જાઉં ? બીજા લૂંટારા આવશે ! હું ક્યાં બલા વહોરું ?” ઘનકોરની વહાર કરતાં સરસ્વતીચંદ્રની આ દશા થઇ હતી તે સાંભરી અને ઉપકારને દ્દૃષ્ટાંતે સ્વાર્થવૃત્તિને જીતી. વાણિયો બ્રાહ્મણ પાસે ગયો અને તેના અંત-કરણમાં શુદ્ધ દાય વસી.

સરસ્વતીચંદ્રને લોહી ઘણું નીકળ્યું હતું, પણ કંઇક કારણથી બંધ થયેલું જણાયું. થોડેક છેટે તળાવ હતું ત્યાંથી અર્થદાસ પાણી લઇ આવ્યો અને સૂતેલાના મોં પર છાંટી તેને જગાડ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો, ચારેપાસ નવીન સ્થળ જોવા લાગ્યો; ચકિત થયો; તાવ, ઘાની નબળાઇ, થાક, ભૂખ અને સ્થળ તથા સમયની ઉપજાવેલી વૃત્તિઓથી દીન દેખાવા લાગ્યો. પિતાના વચનથી ઓછું આવ્યું હતું; કુમુદસુંદરીની નિન્દા સહી શકાઇ ન હતી; ચંદ્રકાન્ત પાસે રોવું આવ્યું હતું; અઢળક દ્રવ્ય અને વૈભવ એક ઘડીમાં છોડી દેતાં કંપારીસરખી ખાધી ન હતી; કુમુદસુંદરીના રણકારથી કંપી રહેતો પ્રેમસતાર તોડી નાખતાં પોતાનું આખું હ્ય્દયતંત્ર ચિરાયું-ચૂરા થયું અને તે છતાં વૈરાગ્યના શિખર ભણી દોડતા વિચારે તે જોયું પણ નહીં હતું, ઇશ્વર પરની આસ્થાએ ‘કુમુદસુંદરીનું શું થશે ?’ એ વિચાર કર્તવ્ય સરખો પણ ગણ્યો ન હતો અઅને બાલ્યાવસ્થાામાં જન્મ પામેલો વૈરાગ્ય આર્યવિગદ્યાથી દ્દૃઢ થઇ અને પાશ્ચાત્યવિદ્યાથી વિધિવિહીન બની સ્વતંત્રમાની થયો હતો. આ વૈરાગ્યને તેની ગર્ભશ્રીમંતાઇએ એવો તો ઉત્કટ બનાવ્યો હતો કે એના અનુભવ વિનાના જગતને તે ઉદ્ધત લાગ્યા વિના રહેતો નહીં. મોટા દ્રવ્યવાન શેઠિયાઓ અને મોટા તેમ જ વિસ્તારી પક્ષવાળા ગૃહશ્થો તેને મન મોટા મહેલોની ચોકીકરનાર અથવા તો મોટા અંગ્રેજો પાસે વાતચીત કરવાનોહક ધરાવનાર સિપાઇઓ જેવા વસતા. ગણિકાઓ પાસે દ્રવ્ય અને પક્ષ ઉભય જોઇ, તે પોતાના દ્રવ્યથી કે પક્ષથી પોતાને તસુ પણ મોટો થયો માની શકતો ન હતો. મોટામોટા અંગ્રેજ અમલદારો-ગવર્નરો અને રાજકુમારો સહિત- ‘કાળબળનાં બનાવ્યાં પૂતળાં’ છે એવું તે લેખતો. વર્તમાનપત્રો અને ગ્ર્‌ન્થકારોને તે ‘સુધારાના ભાટચારણો’ની ઉપરમા આપતો અને તેમનું ઉપયોગીપણું છે તેવું જ સ્વીકારતો, પરંતુ કોઇ પણ સામાન્ય માણસ અથવા મિત્ર અથવા વાતો કરનારના મતને જેટલું માન ઘટે તેથી જરા પણ વધારે માન આપવાની સ્પષ્ટ ના કહેતો. જગતની દ્દૃષ્ટિએ સાહસ લાગનાર પોતાનાં કૃત્યનો ન્યાય જૂના તથા સુધરેલા વર્ગ કેવો કરશે તે તેણે સ્પષ્ટ જોયું હતું - ચંદ્રકાન્તે સમજાવ્યું હતું - તે છતાં તેણે પોતાનો વિચાર જ કાયમ રાખ્યો હતો તે આપણે જાણીએ છીને અને એ પણ જાણતો હતો. પરંતુ કાળ- કુંભારની ઘડેલી સમવિષમ અવસ્થાઓ ભિન્નભિન્ન માનવીમાં ભિન્નભિન્ન ન્યૂનતા ઉત્પન્ન કરે છે અને તે ન્યૂનતાના પ્રમાણમાં ન્યૂનદ્દૃષ્ટિ બાહ્ય સંસારના ભિન્નભિન્ન પરિણામનું ભાન ધરે છે-આવું સરસ્વતીચંદ્રનું ધારવું હતું. આ જગતમાં કોઇ પણ ઠેકાણે-કોઇ પણ અવસ્થામાં-હું ‘અવસ્થિત છું’ એ ભાન ન હોય ત્યાં પોતાની ન્યૂનતાનું અથવા પારકાના પરિણામનું ભાન થવા વારો રહેતો નથી અને મારે પણ એવું છે : જે એકથી મોટો તે બીજાથી નાનો; જેનો કોઇ પણ રીતે અવચ્છેદ તેમાં ન્યૂનતા; મૂળથી તે અંત સુધી જેનું મન પોતાની મેળે જ ભરેલું હતું તે ગર્ભશ્રીમાન્‌ : આ વિચાર સરસ્વતીચંદ્રે નાનપણમાં કલ્પ્યા હતા અને વય તથા વિદ્યા વધતાં વધાર્યા હતા. ‘જ્યા ન્યૂનતાનું ભાન હોય ત્યાં ગર્ભશ્રીમત્તા સંભવે જ નહીં’ એ વિચાર તેની વિદ્યાએ-તેના કવિત્વે-તેના કુલસંસ્કારે-અને તેની સ્થિતિએ વણી કાઢ્યો હતો. ‘જગતના પદાર્થને, પ્રાણીઓને અને બનાવોને મોટા નાના ગણવા એ જ ન્યૂનતા, અને ભાન તથા આનંદનો પોતાના જ નેત્રમાં સમાવેશ કરવો તેનું નામ ગર્ભશ્રીમત્તા’ -આ વ્યાખ્યાએ સરસ્વતીચંદ્રની આંખ આંજી હતી અને તે જ અંજનને બળે આ કાળીચૌદશ જેવી વિપત્તિમાં તે જાતે ઘસડાઇ આવ્યો હતો. આપણી શાળાઓ અને પાઠશાળાઓ આમ કેવાં કેવાં અને કેટલાં અંજન આંજે છે તેની કલ્પના કરાવનાર અવતાર પ્રકટ થવાને હજી વાર છે અને તેટલા કાળમાં પડદા બહારના લોકને પડદામાં આવજાવ કરનારની ઝાંખી છાયાથી ચમત્કાર લાગે તો તે કાંઇ નવાઇ નથી. આજની રાત્રિરૂપ સૂત્રધારે આવતી કાલના પડદા પાછળ કેવા વેશ ભજવનાર ગોઠવી રાખ્યા છે તેની કલ્પના પણ રાતે ઊંઘતું જગત શી રીતે કરે ? એ વેશધરોના વર્ણનને તેઓ કાલ્પનિક ગણે નહિં તો સર્વ કાલ્પનિક જ ! જે જે દેશમાં આ પડદાઓ ઊપડ્યા છે ત્યાંત્યાં વિચિત્ર વેશ દેખાય છે અને આ દેશમાં પણ તેમ જ દેખાશે. સંસ્કૃત અને અંગ્રેજી વિદ્યાના વિજાતીય લગ્નથી આ વિચિત્ર અનુભવવાળા દેશમાં કેવું બાળક જન્મશે અને કેવું થશે તે તો ઇશ્વર જાણે, પર સરસ્વતીચંદ્ર આત્મપરીક્ષા કરતાં પોતાને એક આવું જ બાળક કલ્પતો. એની વિચિત્ર ગર્ભશ્રીમત્તાને બળે એણે વિચિત્ર કામ કર્યું. પ્રથમ જેને એ વૈરાગ્ય કહેતો તેને પાછળથી ‘ગર્ભશ્રીમત્તા’ કહેવા લાગ્યો હતો. વૈરાગ્ય છતાં રસમાં પલોટાવું, રસમાં પલોટાઇ ત્યાગી થવું, ત્યાગી થઇ પોતાના વૈરાગ્યબળની પરીક્ષા કરવા- ‘ચંદ્રવિરહી કાળરાત્રિરૂપ તજી સૂર્યના કિરણયોગે દિનરૂપ ધરશે,’ અર્થાત્‌ કુમુદ નવી અવસ્થાને અનુકૂળ બની ભૂતકાળ વીસરી સુખી થશે એ પોતાની ગર્ભશ્રીમત્તા કહે છે નષ્ટ થાય છે તેનો એ અનુભવ કરતો હતો. સુવર્ણપુરમાં આવી કુમુદસુંદરીની દ્દૃષ્ટિએ પડી તેના દુઃખનું સાધણ થવું તે તેનો હેતું ન હતો-એ તો અકસ્માત્‌ થયું. “મેં આટલાં માણસને દુઃખી કર્યાં, મદન આટલો દુર્જેય છે.” ઇત્યાદિ અનુભવથી તેના મનમાં એટલું વસ્યું કે “હું મૂર્ખ છું-મારી ગર્ભશ્રીમત્તામાં ન્યૂનતા છે- માનવ નિર્બળ છે.” ઘર છોડતી વખત ઘણાક વિકારોનો અનુભવ થવા છતાં, રાગદ્ધેષ હોવા છતાં, ક્રોધ ચડવા છતાં, સરસ્વતીચંદ્રનો અંતઃસંન્યાસ જ તેના બ્રાહ્યસંન્યાસનું મૂળ હતું અને તેથી જ અત્યારસુધી શોક છતાં દીનતા તેણે અનુભવી ન હતી. મૂર્છા જતાં તે દીનતા અત્યારે તેણે અનુભવી અને ઉપર આકાશ ને નીચે ધરતી બેની વચ્ચે જડ ઝાડો વિના કોઇનો સાથ ન દેખાતાં, કુમુદસુંદરી સાંભરી આવતાં, જન્મમાં પ્રથમ વિયોગ અને જણાયો - વિપત્તિનું પ્રથમ થયું. શરીરયંત્રનાં સર્વ ચંક્ર આર્તનાદ કરવા લાગ્યાં અને ‘મનની ગર્ભશ્રીમત્તા’ ધુમાડા જેવી લાગવા માંડી.

“એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋૃષિરાયજી રે !”

લાવો, બાળક માગે અન્ન, લાગું પાયજી રે.”

સુદામાની સ્ત્રીનું આ બોલવું ખરેખરું સમજાયું અને પોતાના ઘા ભણી દ્દૃષ્ટિ ફેરવતો ક્ષુધાર્ત, તાવવાળો, નબળો, થાકેલો, દુઃખી પુરુષ દીન વદનથી અર્થદાસના સામું જોઇ રહ્યો અને

“હાથનાં કર્યાં તે વાગ્યાં હૈયે !”

એ શબ્દ વાણિયો કહેતો હોય એવો ખાલી પડી ગયેલા મસ્તિકને આભાસ થયો. પોતાના ઉપર કોઇને દયા સરખી પણ શી બાબત આવે અથવા જોઇએ એ વિચારથી મસ્તિક ફરી ગયું અને આટલા મોટા આકાશમાંથી મને ઉગારવા કોઇ આવી શકે એમ નથી એ વિચારથી ઇશ્વર જો કોઇક ઠેકાણે હોય તો તે પણ મારો નથી એ વિચારે શોકસીમા ઉત્પન્ન કરી.

આજ સમયે અંગ્રેજી કવિનું મર્મચ્છેદક વાક્ય૧ સાંભરી આવ્યું.

“પલટાતી દશા વસી જાતી ઉરે !

પલટાય દશા, દીન ઉર ઝૂરે !

નહીં પાસ સખા વ્રણ૨ રુઝવવા

જડતા ન ઉરે વ્રણ ભૂલવવા !

કવિ કોણ શક્યો સહુ એ કથવા ?”

કુબેરના જેટલો ભંડાર, ઇંદ્રના જેવો વૈભવ, વિદ્ધાનોમાં માન અને મુંબઇનગરીમાં પ્રતિષ્ઠા; ચંદ્રકાંત જેવા મિત્રનો સતત સહવાસ અને કુમુદની દિવ્ય સુગન્ધ; વૈરાગ્યનું દ્દૃઢ બળ અને પ્રીતિરસનું ઉત્કૃષ્ટ કોમલ ગાન : આ સર્વ વચ્ચે જે એક વાર હતો તે અત્યારે કેવો હતો ? માગવાનું પણ ઠામ નહીં તેથી ભિખારીથી પણ ભિખારી; બાવાની પણ ટાઢતડકાથી રક્ષણ કરનારી વિભૂતિ વિનાનો; મૂર્ખમાં પણ માનહીન અને જંગલમાં પણ પ્રતિષ્ઠાહીન-કે મરેલા શિયાળની પેઠે નાંખવું પડ્યું. મિત્રને સ્થળે વાણિયો; આ કુમુદને ઠેકાણે વિયોગથી ભરેલા અનુકંપાહીન ઘોર અગણ્ય; વૈરાગ્યને ઠેકાણે તન અને મન ઉભયથી અનાથતા અને પ્રીતિરસને ઠેકાણે હ્ય્દય ચિરતો પશ્ચાત્તાપ : આ સર્વ વિપર્યયના વિચારે સરસ્વતીચંદ્રનું મસ્તિક ચકડોળે ચડાવ્યું કીટ્‌સ ! કીટ્‌સ ! તેં ખરું કહ્યું છે ! તને આ અનુભવ ક્યાં મળ્યો ?’ આ સ્વર મોટેથી થઇ ગયો અને વાણિયો હબક્યો.

વાણિયો ધીમે રહી સરસ્વતીચંદ્રને ઉઠાડવા લાગ્યો અને ઉઠાડી બેઠો કર્યો. “તમને આ બહારવટિયા ઓળખે છે કે શું ?-પેલો સંન્યાસી જેવો તમને તમારું નામ દઇ બોલાવતો હતો.” આમ કહેતો કહેતો અર્થદાસ સરસ્વતીચંદ્રના ઘા તપાસવા લાગ્યો અને ત્યાંથી લોહી વહેતું બંધ થયું હતું ત્યાં આગળથી રૂ જેવું કાંઇ હાથમાં લઇ આંખો ચળકાવી સુરસંગે ચંદરભાઇનું નામ કહ્યું હતું તે સંભારી, વધારે અપભ્રંશ કરી બોલ્યો :

“ચાંદાભાઇ ! જુઓ તો ખરા આ ઠાકોરજીની માયા ! તમારો ઘા રૂઝી ગયો સમજવો. લ્યો આ.”

રુઝાતા ઘાની કલ્પનાથીજ બળવાન થઇ ગયેલા મનવાળો બની પોતાનું ત્રીજું અપભ્રંશ પામેલું નામ સાંભળી ચમકી સરસ્વતીચંદ્ર ટટ્ટાર થયો : “એ શું છે ભાઇ ?”

વાણિયો બોલ્યો : “આનું નામ ઘાબાજરિયું; તમે આ ઘાસમાં પડ્યા હતા તે ઘાસ ભેગું ઊગેલું તમારા લોહીથી ઘામાં એ વળગી ગયું અને લોહી બંધ થઇ ગયું.”

“તેં એમાં કાંઇ ગુસ છે ?”

“હા, એથી ઘા રૂઝે છે. આ તમારો ઘા રૂઝયો હવે તમારે સમજવો; તમે જ જુઓને-હવે કાંઇ દરદ છે ?”

“ના, છે તો નહિં.” સરસ્વતીચંદ્ર પળવાર નીચું જોઇ રહ્યો, વિચારમાં પડ્યો અને ગળગળો થઇ, છાતી પર હાથ મૂકી, ભીની આંખ વડે આકાશ ભણી જોઇ મનમાં બોલ્યો :

“પ્રભુ ! આમ જ આપદ તું હરતો

અમ મૂર્ખપણું ઉર ના ધરતો,

વનમાં વણભાન પડી હું રહ્યો

તૃણદ્ધાર વિષે, પ્રભુ, ત્યાં તું ઊભો !”

આ સ્તવન જાતે જ થઇ ગયું અને નવા ઉત્કંપમાં, અચિંત્યા રોમાંચમાં, દુઃખી આંખમાં, દીન હ્ય્દયમાં, અને ઉશ્કેરાયેલા મસ્તિકમાં ઇશ્વર પ્રત્યક્ષ થતો લાગ્યો.

આ પ્રથમ ઇશ્વરદર્શન કરાવનાર વિપતિનો અર્થ એના મનમાં આજ સાકાર થયો; કારણ પુસ્તકોમાં, સમાજોમાં અને મંદિરોમાં, પ્રાર્થનાઓ તેને કેવળ શુષ્ક અને નિરર્થક લાગી હતી. આર્દ્ર હ્ય્દય અને લોચનથી તે વાણિયાના સામું ઉપકૃત દ્દૃષ્ટિથી જોઇ રહ્યો, તૃણનું ભાન કરાવનાર તે વાણિયો હતો એ સાંભર્યું, અને આ ઇશ્વરોપદેશ કરનાર મારો ગુરુ આ વાણિયો છે એ નિશ્ચય સર્વાંગે આ દત્તાત્રેય જેવાને ચિત્તવશ થયો. વાણિયા ભણી જોઇ તે બોલ્યો : “ભાઇ ! તમારું નામ શું ?” તાલીમપિ ન દદ્યાત્‌ એ સંપ્રદાયના વણિકને આ પ્રશ્ન વસમો પડ્યો. “પેલો સંન્યાસી આનું નામ જાણતોહતો- મારો વહાલો આ યે બહારવટિયો હશે ત્યારે? નામ આપે એવો કાંઇ અર્થદાસ કાચો નથી.” એ વિચાર મનમાં કરી વાણિયો હસી પડ્યો અને ઉત્તર ઉડાવી સામો પ્રશ્ન પૂછવા લાગ્યો : “હેં ! હેં ! હા ! ચાંદાભાઇ ! વારુ, ત્યારે તમે આ લોકમાં ક્યાંથી આવી પડ્યા ? તમારું ગામ કયું ને ક્યાં જવાનું છે !-હવે તો તમને જરૂર કરાર વળશે. જરા વાર તો લાગશેસ્તો.”

“હું ક્યાંથી આવું છું તે તમે જાણો છો અને આ લોકમાં શાથી પડ્યો તે તમે જાતે નજરે જોયું છે.”

“પણ તમે ધંધો શો કરો છો ?”

“ધંધો ?-ખાવું, પીવું, ને ફરવું.”

“એમ કે ?” વધારે વહેમમાં પડેલો અર્થદાસ હ્ય્દયમાં ધ્રૂજતો વળી પૂછવા લાગ્યો. ‘ને જાવ છો ક્યાં ?”

“ભાગ્ય લઇ જાય ત્યાં. તમે લઇ જાઓ તો તમારે ત્યાં આવું-ભુખ મને ને તમને સરખી લાગી હશે.”

અર્થદાસ મનમાં બોલ્યો : “જોબહારવટિયો ખરો ! મારે ઘેર આવવું છે. ત્યારે પેલીને બચાવવા શું કરવા લડ્યો ને ઘવાયો ? કોણ જાણે ! બહારવટિયાનો ભેદું થઇ એમ કર્યું કેમ ન હોય ?” સ્વાર્થજળનાં માછલાંએ પરમાર્થબુદ્ધિની કલ્પના ન કરાઇ.

સરસ્વતીચંદ્રે ફરી પૂછ્યું : “ભાઇ ! તમારે ઘેર મને લઇ જશો ? હું તમને કામ લાગીશ. આ દેશનોહું ભોમિયો નથી ને તમે સૌ રસ્તાના ભોમિયા હશો.”

“મારે ઘેર તે મરવાને લઇ જાય ?-અર્થદાસ પણ ખરો કે તને પણ ચપટીમાં લે.” એટલું મનમાં બોલી મોટેથી બોલ્યો, “હા-શા વાસ્તે નહીં ? પણ એટલી શરતે કે મારી ઘરવાળી પાછી આપવી.”

“ભાઇ ! તે તો હું શી રીતે કરું ? તમારે ઘેર ચાલો એટલે હું તપાસ કરવા લાગીશ.”

“જો લુચ્ચો !” અર્થદાસ આટલું મનમાં કહી વળી મોટેથી બોલ્યો : “વારુ, ભાઇ ચાંદાભાઇ ! આપણે અહીંયાં ક્યાં સુધી પડી રહીશું ? ચાલો ગામ ભણી જઇએ.” મનમાં બોલ્યો : “પોલીસમાં પહોંચાડું. પછી એ તો રત્નનગરીની પોલીસ છે ને વાણિયા સાથે કામ છે.”

બે જણ ઊઠ્યો મને મનહરપુરી ભણી ચાલવા લાગ્યા. ચાલતાંચાલતાં અર્થદાસે ખેલ માંડ્યો. અચિંત્યો રસ્તા વચ્ચે બેઠો અને રોવા લાગ્યો :

“ઓ મારી મા રે ! તારું શું થશે ? ઓ”-

સરસ્વતીચંદ્ર ચમકી આભો બની આસનાવાસના કરતો બોલ્યો : “શું છે ? તમારી માને શું થયું ?”

“અરે, મારી બાયડીને પેલા લઇ ગયા-બિચારી રવડી મરશે-ઓ રે-બાયડી રે !”

“ધીરજી ધરો, ભાઇ ! ગામમાં ચાલો અને રસ્તો કરીશું.”

“પણ એની પાસે દાગીના છે તે ? -એ તો મારું સર્વસ્વ ! હવે હું ખાઇશ શું ? મારા ઘરમાં ઝેર ખાવા જેટલી ફૂટી બદામ નથી. ઘરવાળાને ભાડું ક્યાંથી આપીશ ? મારાં તો હાંદવાં ને લાકડાં બે વેચાશે. ને હું મોદીને શું આપીશ ને બાયડી ખોળવા સરકારમાં શું આપીશ ? -ઓ ચાંદાભાઇ ! હું તો અહીંયાં જ મરીશ.”

ઘણું સમજાવ્યો પણ અર્થદાસ ઊઠ્યો નહીં. આખરે આંખો ફાડી, રોઇ બોલ્યો : “હું તો હવે ફાંસો ખાઇ મરવાનો. દૈવે મને બ્રાહ્મણ પણ ન ઘડ્યો કે લોટ માગી પેટ ભરું. મારા તો પેટમાં ગૂંચળાં વળે છે-ઉઠાતું યે નથી બોલાતું યે નથી. ઓ ચાંદાભાઇ-અબબબબ”-જીભ અડકી હોય એમ અર્થદાસ લાંબો થઇ સૂઇ ગયો, આંખો ચગાવવા લાગ્યો, ને મોંમાંથી ફીણના પરપોટા કાઢવા લાગ્યો.

સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને વિચારવશ થઇ ગળગળો થઇ ગયો. “ઓ ઇશ્વર ! હું બિચારાને દુઃખથી છોડાવવા શું કરું ? આના દુઃખમાં મારી ભૂખ તો મરી ગઇ. આને સ્ત્રીનું દુઃખ નથી પણ પૈસાનું દુઃખ છે. એનું દુઃખ ભાંગવા જેટલો પૈસો તો મારી પાસે હતો, તે મેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ થતો હશે તેનું મને ભાન ન રહ્યું. આને ઇશ્વરે વિદ્યા આપી નથ-ગર્ભશ્રીમંત પણ નથી ! મારી ગર્ભશ્રીમત્તા પર ધૂળ વળી. આનું ઔષધ દ્રવ્ય, તે હું ક્યાંથી આપું ? દ્રવ્ય છોડ્યું ન હોત તો આ પ્રસંગ ન આવત.” વળી અર્થદાસના સામું જોઇને શાંત પડી વિચાર્યું : “દ્રવ્ય છોડ્યું ન હોત તો અર્થદાસનાં દુઃખ જેવાં દુઃખ લોકને થતાં હશે એ હું કેમ જાણત ?”

શાંતિએ સ્મરણને સ્ફુરવા દીધું અને પોતાને જનોઇએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. સાંભરી આવતાં મુખ પર આનંદ અને ઉત્સાહ દીપવા લાગ્યાં : “હા ! આના ઉદ્ધારનો માર્ગ સૂઝ્‌યો.” મણિમુદ્રા ચોડી હાથમાં લઇ તે પર જોઇ રહ્યો : “મણિમુદ્રા ! કુમુદસુંદરીની લલિત આંગળીએ વસવા-તેના ચિત્તને આનંદ આપવા મેં તને આટલા મોહથી ઘડાવી હતી ! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વણિકને આનંદનું સાધન તું હવે થા. આ ક્ષિતિજરેખા ઉપર સૂર્યમંડળ શોભે છે તેમ તું કુમુદની આંગણી પર દીપત ! સૂર્ય હમણાં ક્ષિતિજથી ભ્રષ્ટ થશે - હું અને તું કુમુદથી ભ્રષ્ટ થયાં ! તું હજી ગરીબનું ઘર ઉપાડશે-એ તારું ભાગ્ય ! પણ ક્યાં કુમુદ અને ક્યાં આ વણિક !- પણ હું તો તારા યોગ્ય નથી જ. દુષ્ટને છોડી ગરીબનું ઘર ઉઘાડ. મણિમુદ્રા ! લક્ષ્મીના છેલ્લા અવશેષ ! પ્રિય કુમુદની સ્મારક એકલી એક મારી જોડે રહેલી છેલ્લી બહેન ! મારા પિતાના વૈભવના છેલ્લા પ્રસાદ ! પ્રિય કુમુદના આજ ચિરાઇ જતાં અંતઃકરણમાં રસળતો મારો દુષ્ટ હાથ તારે યોગ્ય નથી. મારું જનોઇ ભ્રષ્ટ છે-મારું શરીર દુરાત્માનું ઘર છે ! મણિમુદ્રા ! લક્ષ્મીના છેલ્લા અવશેષ ! પ્રિયતમ પિતાના વિભવના છેલ્લા પ્રસાદ ! પ્રિયતમ કુમુદની તને તજું છું. જા, ગરીબનું ઘર દીપાવ.” સરસ્વતીચંદ્ર અર્થદાસની પાસે બેઠો-તેની આંગળીએ મુદ્રા પહેરાવી;-અને ભૂખથી, દુઃખથી, વિરહથી, નબળો પડેલો વિકલ અને ગદ્‌ગદ બનતો તરુણ ઢળી પડ્યો.

સરસ્વતીચંદ્રને બહારવટિયો કલ્પતો, ઘડીકમાં તેને રત્નનગરીની પોલીસને વશ કરવા યુક્તિ શોધતો, ઘડીકમાં તેની પાસેથી છૂટો થવા ઇચ્છતો અને આખરે છેલ્લી ઇચ્છાને વશ થતો અર્થદાસ નિર્ધનતા અને દુઃખનો ઢોંગ લઇ પડ્યો હતો તે એવું ધારીને કે એને નિર્માલ્ય ગણી બહારવટિયો પોતાની મેળે પોતાને રસ્તે પડે. તેમ કરતાં આ તો નવું નાટક નીકળ્યું. ચગાવેલી દેખાતી આંખો વડે તે મુદ્રા જોઇ મણિમુદ્રાની પરીક્ષા કરી, નજર આગળનો દેખાવ સમજ્યો નહીં, અને મુદ્રા આંગળીમાં બેઠી અને સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળી ત્વરાથી ઊભો થઇ ચોર પોતાને સમયસુચક ગણત, પાછું જોયા વગર અને વિચાર કરવા ઊભો રહ્યા વગર, મૂઠી વાળી નાઠો.