“ડ્રીમવર્લ્ડ” : ૧
પ્રકરણ :૨
પ્રસ્તાવના
“ડ્રીમવર્લ્ડ” સંપૂર્ણપણે એક વૈજ્ઞાનિક તથ્યને લગતી કહાની છે. વાર્તામાં બનતી નવી નવી ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો વિચારમંત્ર ચિત્રણ છે.
આ કહાનીમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં મિત્રો દર્શાવામાં આવ્યાં છે, જેમાં અલગ વ્યક્તિત્વ સાથે જ સ્વભાવ પણ વિપરીત હોય છે. દરેક મિત્રો પોતપોતાની ખામીઓને ઓળખવા લાગે છે. આ ખામીઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા “સપના” માં જઈ, આ ખામીઓને દૂર કરવા માટે પડકારો ઝીલે છે.
આ કહાનીમાં “સપના” આવવાનું વૈજ્ઞાનિક કારણ શું છે ? સપનું દરમિયાન આપણા મગજ અને શરીરમાં કયા ફેરફાર થવા લાગે છે? આ સપના દ્વારા જ આપણે શું શું કરી શકીએ છીએ ? એ આ “ડ્રીમવર્લ્ડ” ની કહાનીનાં માધ્યમ દ્વારા આપણાને જાણવા મળશે.
વાચક મિત્રો, “ડ્રીમવર્લ્ડ” ની કહાની જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ તમને પણ અહેસાસ થશે કે આ “ડ્રીમવર્લ્ડ” ની કહાની તો અમારા જીવન માટે પણ ઉપયોગી બની રહેશે.
“ડ્રીમવર્લ્ડ” ની કહાની અનોખી સાબિત થવાની છે જેમાં સાહસ, નિર્ણય, આચકો અને જ્ઞાન એમ બધાનો જ અનુભવ મળી રહેશે, કારણકે ડ્રીમવર્લ્ડ: ૧, ડ્રીમવર્લ્ડ: ૨, ડ્રીમવર્લ્ડ: ૩ એમ ત્રણ ભાગોમાં આ કહાની ચાલવાની છે.
જેમાં ડ્રીમવર્લ્ડ : ૧ નું, પ્રકરણ: ૨ આજે આપણે વાંચીશું. વાચક મિત્રો, આ અનોખી કહાની વાંચવા માટે તૈયાર થઈ જાઓ. આશા છે, અમારા વાચક મિત્રોને, આ રહસ્યમય કહાની પસંદ આવશે.
ખૂબ આભાર,
“પ્રજ્ઞેશ ઠુંમર” – “પ્રવિણા માહ્યાવંશી”
“ડ્રીમવર્લ્ડ” : ૧
પ્રકરણ: ૨
“ડ્રીમવર્લ્ડ” પ્રકરણ:૧ માં આપણે વાંચ્યું કે અર્પણ નામના દોસ્તે અચાનક દસ માળની બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો, એ પણ હસતાં મુખે, જેણે કંઈ પણ વાતનો રંજ ન હતો. મિત્રો ઇન્ટરેસ્ટીંગ સ્ટોરી છે એના માટે પ્રકરણ:૧ જરૂર વાંચજો....
હવે આગળ.....
અડધો કલાકમાં, એક પછી એક મિત્રો, મિતેશના ઘરે આવવા લાગ્યાં.
દસ ખુરશીઓ પહેલાથી જ મિતેશના ઘરમાં ગોઠવાયેલી હતી, દસ ખુરશીમાંથી નવ ખુરશીઓ મિત્રોનાં આગમનથી ભરાઈ ગઈ, પરંતુ એક મિત્ર હજુ સુધી આવ્યો ન હતો.
બધા મિત્ર રાહ જોઈ રહ્યાં હતાં. ત્યાં જ રાહુલની મસ્તી ચાલું થઈ ગઈ. તે કહેવાં લાગ્યો, “ઠંડી વધારે નથી લાગતી..?? આ હા હા....આ ગુલાબી ઠંડીમાં મસ્ત ગરમ ગરમ લોચો ખાવા જઈએ એટલે દિલ બાગ બાગ થઈ જાય, કેમ પ્રજ્ઞેશ ??”
“અરે તું પ્રજ્ઞેશ કો કયું પૂછ રહા હે, લગતા હે વો આરામ ફરમા રહા હે..” મિતેશે સૂર પૂરાવ્યો.
પ્રજ્ઞેશ ખુરશી પર માથું ટેકી, આરામ ફરમાવતો પોતાનાં મોઢા પર ટોપી રાખીને બેઠો હતો. તે થોડી વારમાં કહેવાં માંડે છે, “ સારું, એમ પણ ભૂખ લાગી જ રહી છે.”
પ્રજ્ઞેશ મોડર્ન લાગતો ડેશીંગ સ્ટાઈલીશ છોકરો હતો. તેના સ્માર્ટ રૂબાબ પરથી લાગતું હતું કે તે કોઈ કંપનીનો માલિક હોય. અને ખરેખરમાં એવું જ હતું. પ્રજ્ઞેશ CPA PHARMA LLP નામની કંપનીનો માલિક હતો. દવાનાં વેપારમાં સારું એવું નામ હતું. પ્રજ્ઞેશે મેડિશીનલ કેમેસ્ટ્રીમાં માસ્ટર કરેલું હતું. તેના ગળામાં હમેશાં એક સોનાની ચેઈન રહેતી જેમાં ઓમ આકારનું પેંડલ પણ સાથે જ રહેતું, કારણકે તે ભગવાન શિવનો મોટો ભક્ત હતો.
ત્યાં મિતેશ ફરી કહી ઉઠે છે. “ અરે યે શરદ કહા રેહ ગયા ! રોક, શરદ કો કોલ કર..”
રોક, એક એકટર હતો. જેનું રહેવાનું ગુજરાતમાં હતું, પરંતુ તે રાજેસ્થાનથી આવ્યો હતો. તેથી ગુજરાતી સારી રીતે સમજાતું હતું પરંતુ બોલતા ઓછું ફાવતું હતું, તે જ કારણે બધા જ દોસ્તો તેની સાથે હિન્દીમાં જ વાર્તાલાપ કરતા. રોકને એક્ટિંગનો ઘણો શોખ હતો, તેથી તે મુંબઈમાં રહીને અનુપમ ખેરને ત્યાં કોર્સ કરીને સારી એવી એક્ટિંગની આવડત મેળવી લીધી હતી. શારીરિક બાંધો મધ્યમ ધરાવતો હતો અને દેખાવમાં જોરદાર હેન્ડસમ બોય. આજે રેડ કલરનાં ટીશર્ટ માં રોક ઘણો આકર્ષિત લાગી રહ્યો હતો.
“અરે યાર મેરે મોબાઈલ મેં બેલેન્સ કમ હે !! ચિંતન તું કર દેના યાર કોલ..” રોક ચિંતનની સામે જોઈને કહેવાં લાગ્યો.
“આ મારવાડી જ રહેશે. ચિંતન તું કરી દે.” અર્પણે કહ્યું.
ચિંતન ફોન લગાવે જ છે ત્યારે અચાનક શરદ મોટેથી બુમો પાડતો ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં જ તેને ઉબકા પણ આવી રહ્યાં હતાં, તે તરજ હેન્ડવોશ બેસીનને ત્યાં પહોંચી એમાં ઉલટી કરવા માંડે છે, જેમાં થોડું લોહી પણ પડેલું દેખાતું હતું.
મોહિત અને હિતેષ, શરદની આ ગંભીર હાલત જોતા તેની સામે દોડી જાય છે. બંને એક સાથે કહી ઉઠે છે, “ શું થયું શરદ..???”
શરદ પાણીથી પોતાનો ચેહરો ધોહી નાંખે છે, અને બંનેનો સ્વર સાંભળતા તેમની સામે જોવા લાગે છે. ત્યાં જ મોહિત અને હિતેષની નજર શરદનાં કપાળ પર જાય છે, જેમાંથી લોહી નીકળતું હતું.
“શરદ કપાળે શું થયું..? મોહિતે પૂછ્યું.
શરદ ફરી હેન્ડવોશ બેસીનને ત્યાં લટકાવેલા અરીસામાં પોતાનો ચેહરો નિહાળે છે અને ફરી તેને ઉબકા આવવા લાગ્યાં, તે એક વાર ફરી ઉલટી કરવા લાગ્યો.
કિશન સમજી જાય છે કે શરદ બીજાનું કે પોતાનું પણ લોહી જોઈ શકતો ન હતો. શરદ જો પોતાનું પણ લોહી જોતો તો તેના ધબકારા વધી જતા હતાં અને ઉલટીઓ થવા લાગતી હતી. કિશન વ્યવસ્થિતપણે એક કપડાથી શરદનાં કપાળે નીકળતું લોહીને સાફ કરી દે છે. અને તેને ખુરશી પણ આરામ કરવા માટે બેસાડે છે. સાથે જ બીજું એક સ્વચ્છ કપડું તેના ચહેરા પર નાંખી દે છે. શરદને ઘાવ વધારે આવ્યો ન હતો. પરંતુ શરદને બચપણથી લોહીનો ડર લાગતો હતો, તે હાલ સુધી એમને એમ લોહી માટેનો ડર મનમાં જ ખૂંપી ને બરકરાર બેઠો હતો.
શરદ, આમ તો દેખાવે શ્યામવર્ણ હતો, પરંતુ તેનું શરીર મજબૂત હતું. સ્નાયુબંધ શરીર હોવા છતાં પણ તેને લોહીનો જ એક માત્ર ડર લાગતો હતો.
“શું થયું શરદીયા ??” હિતેષે પૂછ્યું. તે સાથે જ બધા મિત્રો શરદ સામે જોવા લાગ્યા.
શરદ એક પણ શબ્દ બોલી ના શક્યો. બધા જ મિત્રો શરદની હાલત જોઈ રહ્યાં હતાં. તેમ છતાં પણ કોઈને નવાઈ લાગી રહી ન હતી, કારણકે શરદની આવી હાલત ઘણી વાર થઈ ચૂકી હતી. શરદને લડવાનો તો ઘણો શોખ, પરંતુ લોહી દેખાય કે ડરી જતો હતો.
હવે શરદની આવી હાલત જોતા બધા પ્રજ્ઞેશની સામે નજર માંડે છે, કે પ્રજ્ઞેશ કોઈ સારી સૂચના આપે તો સારું, કારણ એટલું જ કે તે મેડીકલ સ્ટુંડેન્ટ હતો.
“કાંઈ નહિ !! તેના કટ પર બેન્ડએડ લગાવો. અને શરદ તું આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લે.” પ્રજ્ઞેશ આટલું કહીને ફરી પોતાનાં મોઢા પર ટોપી રાખીને આરામ કરવા લાગી ગયો.
થોડી વારમાં રાહુલે શરદનાં કપાળે બેન્ડએડ લગાવી દીધી. હવે બધા મિત્રો પોતપોતાની ખુરશીઓ પર ગોઠવાઈ ગયા હતાં. ત્યાં સુધીમાં શરદે પણ આરામ કરી લીધો હતો.
“અબે શરદ યે કેસે હુવા ? તુજે કુછ ના કુછ હોતા હી રહેતા હે.” રોકે, શરદ અને તેની પાછળ બેસેલો હિતેષ તરફ નજર માંડીને પૂછી જ લીધું.
હિતેષે આજે બ્લેક ફૂલ બાયનું ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હતું. અને સાથે જ વૂડલેન્ડનાં શુઝ પહેર્યા હતાં. તે જયારે પણ બોલતો ત્યારે શબ્દો ધીરે ધીરે બોલતો, એટલે કે સ્લો મોશનની જેમ સ્વર નીકળતો. તે ધીમું જરૂરથી બોલતો પણ તેના શબ્દોમાં તર્ક રહેતો. ધીમી ગતિનાં લીધે ઓછું બોલતો પણ સ્પષ્ટ બોલતો.
“તું ઉસકી ટાંગે મત ખીચ રોક...તુજે તો રાતકો ભૂતપ્રેત સે કિતના ડર લગતા હે !! ઉસકા કુછ નહી હે નાં ?? હિતેષે મજાક કરતા, રોકને જેવા સાથે તેવો જવાબ આપ્યો.
“ એકદમ સાચું યાર મને પણ ગતિ એટલે કે સ્પીડથી ઘણો ડર લાગે છે.” ચિંતને ડર અને આશ્ચર્ય એમ મિશ્ર ભાવે કહ્યું.
ચિંતન મધ્યમ આકારનો પાતળો કાંધો ધરાવતો તેમ છતાં ખૂબ જ સ્માર્ટ દેખાતો હતો. કોઈ પણ કપડાની સ્ટાઈલ તેને ફીટ થઈ રહેતી. ચિંતન કામ કરવામાં જરા પણ પાછળ ન રહેતો. મિત્રો માટે તે કયા પણ સમયે કામ કરવા માટે ખડા પગે ઊભેલો જ રહેતો. પાતળું શરીરનાં કારણે ગ્રૂપનાં મિત્રો તેને લોખંડી પુરૂષ કહીને ચીડવતા. ચિંતનને પણ શરદની જેમ જ એક વાતનો ડર લાગતો. કોઈ પણ ગાડીમાં બેસે અને જો તે ગાડીની સ્પીડ ૪૦ કરતા વધુ ઝડપી જવા લાગી હોય તો તે આંખ જ બંધ કરી દે અને પછી તેને ચક્કર અને ઉબકા કે પછી શરદની જેમ ઉલટી થવા લાગતી.
“હા યાર મને પણ વધુ માણસો હોય તો ગભરામણ થવા લાગે.” હિતેષે શાંતિથી કહ્યું.
હિતેષને પબ્લિક ફોબિયા હોય છે. તે પણ ઘણા લોકોની ભીડ હોય ત્યાં ઊભો રહેતો ન હતો.
રાહુલ એમ તો ગ્રૂપનો રોક સ્ટાર હતો. કેમ કે તે દેખાવ સાથે બુદ્ધિમાં પણ ચપળ હતો. રહેવાનું સૂરતનાં વરાછ એરિયામાં પરંતુ સ્ટાઈલ અને ફેશન ગોવાની જેમ કરતો. ટોપીનો તે શોખીન હતો, લગભગ પચાસ જેટલી અલગ અલગ સ્ટાઈલની કેપ તેની પાસે હતી. પ્રજ્ઞેશ જે ટોપી મોઢા પર રાખીને રિલેક્સ કરી રહ્યો હતો તે પણ રાહુલની જ હતી. રાહુલની આવી સ્ટાઈલને ગ્રૂપનાં દોસ્તો તો પસંદ કરતા જ હતાં, પરંતુ રાહુલની આવી અદાથી ઘણી બધી છોકરીઓ પ્રભાવિત પણ થઈ જતી. અને બીજુ વધારાનું એ હતું કે રાહુલ Terence Lewis નાં નીચે ડાન્સની ટ્રેઈનિંગ લીધેલી હતી.
શરદ, ચિંતન, રોકની જેમ રાહુલને પણ એક ડર રહેતો હતો. તે ડર હતો કે તેને લડાઈથી ઘણો ડર લાગતો. તે હંમેશા લડાઈથી દૂર જ રહેતો હતો.
શરદે આરામ તો કરી લીધો હતો, પરંતુ તેનો ચહેરો હજુ પણ એવો જ નિસ્તેજ રીતે પડેલો હતો. તે પોતાની આવી હાલતથી ઘણો ચિંતાતુર હતો. માણસને એક વાર થતું હોય તો વાંધો નહિ. પરંતુ આવો ડર તે વળી કેવો !! કે જીવનની ખુશી, શાંતિમાં પણ ભગ્ન કરી દેતો.
શરદ વિચારી તો રહ્યો હતો પરંતુ તેને કંઈ પણ સુજતું નથી.
ત્યાં જ મિતેશ વચ્ચે જ બોલી પડ્યો, “રાહુલ પણ તો લડાઈથી ભાગે છે !!”
ગ્રૂપમાંના દરેક ફ્રેન્ડને એકમેકની કમજોરી તથા કોણે શેનાથી ડરવાની સમસ્યા નડે છે એ વાતથી પણ દરેકજણ સારી રીતે વાકેફ હતાં.
ત્યાં જ રાહુલ ઘણો ગંભીર થતાં કહ્યું, “ યાર આ ડરનું કંઈક કરવું પડશે !!”
(કમશઃ....)