Aambo in Gujarati Motivational Stories by Anas Deraiya books and stories PDF | આંબો

Featured Books
Categories
Share

આંબો

નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ એટલે કે આંબો બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડીને જાત-જાતની રમતો રમે, ભૂખ લાગે એટલે આંબાની કેરી તોડીને ખાય અને પેટની ભૂખ ભાંગે. રમતો રમી- રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સુઇ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળકને વૃક્ષ વગર ન ગોઠે અને વૃક્ષને બાળક વગર ન ફાવે. બંને એકબીજાના સંગાથે જીવનને મસ્તીથી માણે.

બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછુ કરી દીધુ. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઇ ગયો. આંબો હવે એકલો પડી ગયો. બાળકની ગેરહાજરી એને ખુબ ખૂંચતી હતી. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એકદિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતા જોયો. એ બાળક હવે મોટો થઇ ગયો હતો પણ એના સાનિધ્યની સુગંધથી જ આંબો એને ઓળખી ગયો. બાળકને વર્ષો પછી આવેલો જોઇને આંબો તો ખુશ થઇ ગયો. બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યુ, "તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. તારા વગર મારી જીંદગી અટકી ગઇ હોય એવુ મને લાગતું હતું આજે તને જોઇને મારા જીવમાં જીવ આવ્યો છે, ચાલ હવે આપણે બંને પેટ ભરીને વાતો કરીને અને મનભરીને રમતો રમીએ."

બાળક આંબાને કહ્યુ, " તમે પણ શું ગાંડા જેવી વાતો કરો છો? હવે તે કંઇ મારી રમવાની ઉંમર છે ? મારે ભણવાનું છે અને સારા ટકા લાવીને મોટા સાહેબ બનવાનું છે.” આંબાએ કહ્યુ, “ અરે બેટા, તું મોટો સાહેબ બને એ મને તો બહુ જ ગમે. આ માટે મારી કોઇ પ્રકારની અમ્દદની જરૂર હોય તો મને કહેજે.” પેયા બાળકે કહ્યુ, “ હું મદદ માટે જ આપની પાસે આવ્યો છું. મારે ઉચ્ચ અભ્યાસ માટે ફી ભરવા રૂપિયાની જરૂર છે અને મારી પાસે કોઇ રકમ નથી આપ મને કંઇ મદદ કરી શકો ?” આંબાએ કહ્યુ , " તું એક કામ કર, મારા પર ચઢીને મારી બધી જ કેરીઓ તોડી લે અને એને બજારમાં જઇને વેંચી આવજે એટલે તને ઘણા પૈસા મળશે એમાથી તું તારી ફી ભરી શકીશ અને તારો અભ્યાસ આગળ ચાલશે." બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો. આંબો બીચારો બાળકને જતા જોઇ જ રહ્યો.

આંબાને એમ હતુ કે હવે આ છોકરાને મેં મદદ કરી છે એટલે ફરી મારી પાસે આવશે અને મારી સાથે બેસીને વાતો કરશે પણ એ કેરીઓ લઇને ગયો પછી ફરીથી ત્યાં ડોકાયો જ નહી. આંબો તો રોજ એની આવવાની રાહ જોતો. કેટલાય વર્સઃઓ વિત્યા પછી ફરી એક દિવસ એ અચાનક આવ્યો. આંબાએ એને પ્રેમથી આવકાર્યો અને આવવાનું પ્રયોજન પુછ્યુ એટલે બાળકમાંથી હવે યુવાન થઇ ગયેલા એ છોકરાએ આંબાને કહ્યુ , " તમે કરેલી મદદથી મારો અભ્યાસ પુરો થઇ ગયો. મને સારી નોકરી પણ મળી ગઇ અને નોકરી મળી એટલે છોકરી પણ મળી. મારા લગ્ન થઇ ગયાને આજે 5 વર્ષ થયા. રાજાના કુંવર જેવો એક નાનો દિકરો પણ છે.”

આંબો તો એકધ્યાને બધી વાતો સાંભળી રહ્યો હતો. આજે આંબાના ચહેરા પર અનેરુ તેજ દેખાતું હતુ. સાવ સુકાયેલો હોવા છતા જાણે કે હમણા ફરીથી મહોરી ઉઠશે એવુ લાગતું હતુ. આંબાએ હળવેકથી પુછ્યુ, “ બેટા, મારી પાસે કેમ એકલો આવ્યો ? વહુ અને દિકરાને પણ સાથે લાવવા હતાને ? “ યુવાને કહ્યુ, “ દિકરો રમવામાં વ્યસ્ત છે અને વહુ એના કામમાં વ્યસ્ત છે એટલે એને સાથે લાવવા શક્ય નહોતો. હું તો તમારી પાસે મારી નાની એવી મુશ્કેલી વર્ણવવા માટે આવ્યો છું. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારુ પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી. જો બેંકમાંથી લોન લઉં તો પગારમાંથી હપતા ભરવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે હવે શું કરવું એ કંઇ સમજાતું નથી એટલે તમારી સલાહ લેવા માટે આવ્યો છું." આંબાએ કહ્યુ , " તું ખોટી ચિંતા ન કર, હજુ હું બેઠો છું. હવે હું સુકાઇ ગયો છું એટલે આમ પણ કંઇ કામનો નથી. તું મારી બધી ડાળીઓ કાપીને લઇ જા એમાંથી તારુ ઘર બનાવજે." યુવાને આંબાની ડાળીઓ કાપી લીધી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠુંઠો થઇ ગયો હતો.કોઇ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃધ્ધ ત્યાં આવ્યો. એણે આંબાને કહ્યુ , " તમે મને નહી ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા." આંબાએ દુ:ખ સાથે કહ્યુ , " પણ બેટા હવે મારી પાસે એવું કંઇ નથી જે હું તને આપી શકું " વૃધ્ધે આંખમાં આંસુ સાથે કહ્યુ , " આજે કંઇ લેવા નથી આવ્યો આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથુ મુકીને સુઇ જવુ છે" આટલુ કહીને એ રડતા રડતા આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફુટવા લાગ્યા.

આ આંબાનું વૃક્ષ એ આપણા માતા-પિતા અને વડીલો જેવુ છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવુ ખુબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દુર થતા ગયા. એમની નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઇ જરુરીયાત ઉભી થઇ કે કોઇ સમસ્યા આવી. આજે આ વડીલો ઘરમાં આપણને બોઝારૂપ લાગવા માંડયા છે. એમની વાતો આપણે કચકચ લાગે છે. એમની હાજરી આપણી સ્વતંત્રતા છીનવી લેતી હોય એવુ આપણને લાગે છે પરંતું યાદ રાખજો આજે આપણે જે કંઇપણ છીએ એ આ વડીલોને કારણે જ છીએ. આપણે વડીલો પાસે બેસીને એમની સાથે વાતો કરીએ તો પણ એની અડધી દવાઓ આપો આપ બંધ થઇ જાય એમ છે.