Akbandh Rahashy - 13 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 13

Featured Books
Categories
Share

અકબંધ રહસ્ય - 13

એકબંધ રહસ્ય

ભાગ - 13

Ganesh Sindhav (Badal)

જૂનની ૧૩મી તારીખથી નવું સત્ર શરૂ થયું. શિક્ષકો, ગૃહપતિ અને રસોઈયા આવી ગયા. શાળા અને છાત્રવાસના બાળકો આવી ગયા. આકાશમાં વાદળ સેનાની પરેડ ચાલવા લાગી. ચોમાસાના પ્રથમ વરસાદથી ધખારા ખમતી ધરતી ભીની થઈ.

મનુ ડામોર નામનો દશ વરસનો છોકરો રડતો હતો. એને પૂછવા છતાં એ કંઈ બોલતો ન હતો. આખરે આયશા માસીએ એને એક બાજુ બોલાવીને પૂછ્યું, “બેટા તું શા માટે રડે છે ?” રડતાં રડતાં એણે કહ્યું, “મારી માને ભૂવાએ સાંકળ અને લાકડીથી માર માર્યો છે. એ ઊભી થઈ શકતી નથી. બે દિવસથી એણે કંઈ ખાધું નથી. એને પાણી આપનાર કોઈ નથી. મને શાળાએ આવવાનીએ ના પાડતી હતી. એની વાત માન્યા વિના હું આવ્યો છું. એ એકલી શું કરતી હશે ?” આયશા કહે, “લોકોએ એને શા માટે મારી ?”

મનુ કહે, “મારી માને ગામના લોકો જીવતી ડાકણ કહે છે.” આયશાને માનુની વાતની નવાઈ લાગી. આવી અંધશ્રદ્ધા હોઈ શકે ? એ એની સમજમાં ઉતરતું નહોતું. કોઈ પણ બીમારીથી ગામના કોઈ અબાલવૃદ્ધનું મૃત્યુ થાય તો એ મૃત્યુ નિમિત કોઈક સ્ત્રી બને ? ગામનો ભૂવો એ સ્ત્રીને જીવતી ડાકણ કહીને કોરડા વીંઝીને બોલાવે કે, “હવેથી એ કોઈનો જીવ નહીં લ્યે.”

આયશા અને રઝિયા કહે, “આ તો ભયંકર અંધશ્રદ્ધા છે.”

મનુને સાથે લઈને સુરેશ, આયશા અને ગૃહપતિ એના ઘરે ગયા. મનુની મા પાસે આયશા બેઠી. એને પૂછ્યું, “બહેન, તને ભૂવાએ મારી છે ? એ મારથી ક્યાં દુઃખે છે ?” એણે આયશાને મારના સોળ બતાવ્યા. ઢોર મારથી એનું શરીર દુઃખતું હતું. છાત્રાલયના રસોડેથી રોટલી, શાક અને ગોળ લાવ્યા હતા તે એને કહવા આપ્યું. આ બધાની હાજરી જોઇને ખેતરેથી એનો પતિ થાવરાજી આવ્યો.

એ કહે, “તમે આ જીવતી ડાકણનું ભૂત કાઢવા આવ્યા છો ? એ કોઈ ભૂવાથી નીકળતું નથી. દોરાધાગા કરીને હું થાક્યો છું. કાળી ચૌદશે કાળિયા બાપજીના નાગધરામાં એને ધૂણાવી હતી. કંઈ ફેર પડતો નથી.” એણે મનુ તરફ હાથ લંબાવીને કહ્યું, “આ સૂરો એની માને બહુ વાલો છે. એ એની માને સાચવે છે. મનિયો તમારી નેહાળે ગયો એ એની માને ગમતું નથી. કારણ એના વિના એને કોણ સાચવે ? હું માનું છું મનિયો જ તમને અહીં લાવ્યો હશે. તમારી પાસે કોઈ દવા હોય તો એને સાજી કરો.”

આયશાએ બીજા દિવસથી એની દવા શરૂ કરી. ચણાની દાળના કદની એ દવાથી મનુની મા સાજી થઈ. એ ઘરનું કામ કરવા લાગી. ખેતરનું કામ કરવા લાગી.

થાવરાજી કહે, “આશાબાનુ, તમારા પ્રતાપે મારું ભાંગતું ઘર બચ્યું છે.” આ પછી આયશાના ઘરે રોજેરોજ નવાનવા દર્દીઓ આવવા લાગ્યા. એની દવાથી બીમારી મટતી હતી.

સુરેશ કહે, “માસીબા, ગરીબોના કલ્યાણનું સાચું કામ તમે કરી બતાવ્યું છે.”

ગામમાં આશા દાક્તરનો ભરોસો થવા લાગ્યો. નાની મોટી બીમારીના ઈલાજ માટે લોકો આશા દાક્તર પાસે આવવા લાગ્યા. આ કારણે ભૂવાનો ધંધો ઘટી ગયો. ગામનો આગેવાન જીવો ગામેતી ભૂવાનો ભાઈબંધ હતો. આ બંને રોજ ભેગા બેસીને દારૂ ઢીંચે.

ભૂવાએ જીવાને કહ્યું, “આશા દાક્તરના કારણે દાદાના થાનકે લોક આવતું નથી. બાધાવાળાની સંખ્યા ઘટી જઈ સે. આપણા માટે કૂકડા અને બકરાનો દકાળ પડ્યો સે. એનું કંઈક કરવું પડહે.”

જીવો કહે, “એનો ઉપાય મારી પાંહે સે.”

બીજા દિવસે જીવાએ ઢોલ વગડાવ્યો. ગામ લોક ભેગું થયું.

એ બધાને એણે કહ્યું, “મારી ઘરવાળીને રાતે દાદા સપનામાં આવ્યા’તા. ઇમણે કીધું કે ગામના દરેક ઘરના વાર મુજબ દર ચોથા દિવસે દાદાના થાનકે બકરાનો બલી ધરવો. એમાં કોઈની કસુર થાહે તો દાદાનો કોપ ખમવો પડશે.” ગામ લોકોએ જીવાની વાત માની લીધી. ગામની બે દીકરીઓ ગીતા ડામોર અને રમીલા ખરાડીએ જીવાની વાતનો વિરોધ કર્યો. એ બંનેએ અનેરાની પી.ટી.સી. કૉલેજનું શિક્ષણ મેળવ્યું હતું.

તેથી એમણે ગામના લોકોને કહ્યું, “જીવાકાકાની ઘરવાળીને જે સપનું આવ્યું એવું સપનું તમારી ઘરવાળીને આવે ત્યારે એમની વાત માનજો, બીજાના સપનાની વાતનો ભરુંસો કરવો એનું નામ અંધશ્રદ્ધા છે.”

એક દિવસ રમીલાના બાપા કોયાજીએ પોતાના ખેતરમાં સાપ જોયો. એણે ઘરે આવીને વાત કરી કે, “આપણા ખેતરમાં સાપ આંટા મારે સે.” કોયાજીની વાત સંભાળીને રમીલાની મા લલીએ કહ્યું, “આ સૂરી લોકોને હમજાવે સે સપનાની વાત ખોટી સે. એથી દાદા સેતરે આવીયા સે. સૂરીની વાત ખોટી સે. એને લઈને આજે જ દાદાના થાનકે હું જવાની. ભૂવો જે દંડ કરહે એ ભરી આપીશ.”

એની મા અને બાપ વચ્ચેની વાત રમીલા સંભાળતી હતી. એ કંઈપણ બોલ્યા વિના ગીતાને ઘરે ચાલી ગઈ. એની મા એને શોધ્યા કરે. કોઈએ એને કહ્યું, ‘એ ગીતાના ઘર તરફ જતી’તી.’ એ ઊતાવળી થઈને ગીતાના ઘરે ગઈ.

ગીતાની મા કોદરીએ કહ્યું, “એ બેઉ આશા દાક્તરની નેહાળે જઈ સે.” રમીલાની મા લલીએ ગીતાની મા કોદરીને કહ્યું, “અમારા સેતરે દાદા સાપ થઈને આંટા મારે સે.”

કોદરી કહે, “હાય રે બાપ ! આ સૂરીઓને કુણ હમજાવે. દાદાના સપનાનો વિરોધ થાતો હશે ?”

સાપવાળી વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ. રમીલાની મા લલી દાદાના થાનકે પહોંચી. સાડલાનો છેડો દાંતમાં રાખીને એણે દાદાની માફી માગી. ભૂવા તરફ ફરીને એ બોલી, “બાપજી, આવતી કાળી ચૌદહે દાદાને બકરાનો બલિ આપીશ. સૂરીનો ગનો માફ કરજો.”

ભૂવાને લલીની માનતાનો તાળો મળી ગયો.

રમીલા અને ગીતાએ આશા દાક્તર સાથે વાતો કરી. એમની સાથે સુરેશ અને રઝિયા જોડાયાં. જીવા ગામેતીએ પોતાના સ્વાર્થને ખાતર અભણ ગામ લોકોને જે રીતે ઉલ્લુ બનાવ્યાં હતાં તેનું વર્ણન રમીલાએ આ બધાં આગળ કર્યું.

સુરેશ કહે, “આપણા દેશમાં અભણ કરતા ભણેલાની અંધશ્રદ્ધા શરમજનક છે. ભણેલાઓની અંધશ્રદ્ધાને કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી. દેશમાં મંદિરોનો તોટો નથી. તો પણ મંદિર બાંધવા લોકો કરોડો રૂપિયાનું દાન આપે છે. મંદિરના નામે નાણાં મળતાં હોવાથી લોકો રોડ કે જાહેર રસ્તા વચ્ચે નાનું-મોટું મંદિર બાંધીને પોતે ધર્મનું કામ કર્યાનું સમજે છે. યજ્ઞાદી વિધિમાં લાખો રૂપિયાનું ઘી હોમવામાં આવે છે. માતાજીની મૂર્તિ પર અભિષેકના નામે હજારો મણ ઘી ઢોળવામાં આવે છે. આ અંધશ્રદ્ધા સામે કોઈ અવાજ ઉઠાવે તો ગામ લોકો એનો વિરોધ કરે છે.”

સુરેશ આંખો બંધ કરીને બોલ્યો, “હે! વરદાયિની વિશ્વંભરી જગતજનની તું અમને એવું વરદાન આપ કે અમારા આંતરચક્ષુનો ઉઘાડ બને. હે ! જગદમ્બા તું અમને એવી શક્તિ આપ કે તારી પ્રત્યે અમારો વિશ્વાસ અટલ રહે. અમને વિવેકનું વરદાન દે. અંધશ્રદ્ધાનો પડછાયો અને સ્પર્શે નહીં.” સુરેશે એની વાત આગળ લંબાવી.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની બારીક લિપી ઉકેલવાની સૂઝ શિક્ષણથી મળતી નથી. માણસની આંતરિક શક્તિ દ્વારા એ લિપીનો ઉકેલ મળી શકે છે. મૌલવીઓ, મઠાધિપતિઓ, પોથીપંડિતો અને ધાર્મિક વડાઓએ ધર્મને રહસ્યાદીથી ગહન બનાવી દીધો છે. રહસ્યન પડદાને કારણે આ ધાર્મિક નેતાની સત્તા અકબંધ રહે છે. એશઆરામથી જીવતા એ બાપુઓ અંધશ્રદ્ધા તરફ શા માટે આંગળી ચીંધે ? દિનપ્રતિદિન અંધશ્રદ્ધાનો વ્યાપ વધ્યા કરે છે. જે દેશની બહુસંખ્યક પ્રજા અંધશ્રદ્ધાથી જીવતી હોય તે દેશ દયાને પાત્ર છે. જે દેશના શાસકો પ્રજાને ઊંધા પાટા પર ચલાવીને સત્તા મેળવે એ દેશમાં લોકતંત્ર હોવા છતાં એ શોક્તંત્ર છે. લોકોના ઘડતરની જવાબદારી સત્તાતંત્રની છે. અંધશ્રદ્ધા અને વહેમના જાળાંમાંથી પ્રજા મુક્ત બને, પ્રજાનો વિશ્વાસ લોકશાહીમાં અડગ બને એવા પ્રતિનિધિઓ ચૂંટાઈને લોકોના કામ કરે એ લોકશાહી પદ્ધતિ છે. જયારે એ જ પ્રતિનિધિઓ અંધશ્રદ્ધાથી ઘેરાયેલો હોય ત્યારે લોકતંત્ર કલંકિત બને છે.

આપણા દેશનો વિકટ પ્રશ્ન ગરીબી છે. દરિદ્રતાનું નિવારણ શિક્ષણ દ્વારા થઈ શકે છે. ગરીબ માટે શિક્ષણ મેળવવું મહાકઠીન છે. મજુરી કરીને પેટીયું રળનાર મા-બાપના મોટા બાળકે એનાથી નાના પોતાના ભાંડુડાને સંભાળવાની જવાબદારી નિભાવવી પડે છે. આ કારણે એ બાળક પ્રાથમિક શાળાના પગથીયે પહોંચતું નથી. કૉલેજનું શિક્ષણ એના માટે મૃગજળ બને છે. આ રીતે દેશના કરોડો લોકો શિક્ષણથી વંચિત છે. એમની અંધશ્રદ્ધા ક્ષમ્ય છે. જે લોકો પોતાની જાતને શિક્ષિત અને સંસ્કારી સમજે છે એમની અંધશ્રદ્ધા એ દેશ માટે આત્મઘાતક છે.

શાળા અને છાત્રાલયનું નિરીક્ષણ આવ્યું. હાજરીપત્રક મુજબ બાળકોની સંખ્યા હતી. બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન મળતું હતું. શાળામાં શિક્ષણનું કામ વ્યવસ્થિત ચાલતું હતું. કર્મચારીઓ બધા હાજર હતા. નિરીક્ષણનો અહેવાલ લખતી વખતે નિરીક્ષક પ્રસાદ સાહેબે સુરેશને કહ્યું, “તમારી સંસ્થા વ્યવસ્થિત ચાલે છે. આમ છતાં અમારે કંઈક ખોડ તો કાઢવી પડે.” આમ ગોળગોળ વાત કરીને તેઓ મૂળ વાત પર આવ્યા અને સુરેશને કહ્યું, “તમારે પૂરેપૂરી ગ્રાન્ટ મંજૂર કરાવવા માટે થોડું વહેવારું બનવું જરૂરી છે. સામાન્ય રીતે દરેક સંસ્થા પાસેથી દશ ટકા મુજબ રકમ લેવાય છે. આ રકમ મિનિસ્ટરથી લઈને પટાવાળા સુધી વહેંચવાનો રીવાજ છે. ગયા વરસની તમારી ગ્રાન્ટ બાકી છે. છાત્રાલયના બાંધકામની ગ્રાન્ટ બાકી છે. ચાલુ વરસે આજ સુધી તમને ગ્રાન્ટ ચૂકવી નથી. આમ પાંચેક લાખ તમને મળી શકે. બોલો સુરેશભાઈ તમે કહો તે રીતે હું નિરીક્ષણના અહેવાલનું ફોર્મ ભરું.”

સુરેશ કહે, “સાહેબ, આ અંતરિયાળ ગામમાં વહોરાજીની એક જ દુકાન છે. એ ભલો માણસ અમને જે જોઈએ તે ઉધાર આપે છે. હું એને ગ્રાન્ટ મળશે ત્યારે પૈસા ચૂકવવાનો વાયદો કર્યા કરું છું. આમ ઉધાર લાવીને છોકરાંનું રસોડું ચાલે છે. શ્રોફ પાસેથી વ્યાજે નાણાં લાવીને કર્મચારીઓને પગાર ચૂકવવો પડે છે. ઘર ચલાવવા સાંસાં છે. આ સંજોગોમાં આપની મહેરબાની માગું છું.”

પ્રાસાદજી કહે, “હું મહેરબાન બનું એનાથી તમને નુકશાન થશે.” મારા મોઢેથી તમારી સંસ્થાની તારીફ સાંભળીને મંત્રીશ્રી કહેશે, “સંસ્થાવાળા અને તમે બનેએ મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો લાગે છે.” તેઓ મારી વાત માનશે નહીં. આ રીતે મારી મહેરબાની તમને નુકશાન કરશે. સુરેશે મૂંગા રહીને સંમતિ આપી. આજે એણે કાળા પાટિયા પર નવું સૂત્ર લખ્યું.

દુઃખીના દુઃખની ખબર તંતરને હોતી નથી,

હોમાતા ધૃતની કદર મંતરને હોતી નથી.

છાત્રાલયના બાળકોના ભોજન માટેની ખરીદી આરબની દુકાનેથી થતી. એનું દેવું દોઢથી બે લાખ જેટલું હતું. આ દેવાની ઉઘરાણી આરબ કર્યા કરતો. કર્મચારીઓના વેતન ચૂકવવા માટે મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. આ બધું દેવું માર્ચ માસમાં આવનારી ગ્રાન્ટમાંથી ચૂકતે કરવાની ગણતરી સુરેશને હતી. માર્ચ માસના પાંચ છ દિવસ બાકી હતા. હજી ગ્રાન્ટ મળી ન હોવાથી એ ચિંતિત હતો. એ આરબ પાસે ગયો. પાંચ લાખની ગ્રાન્ટ મેળવવા માટે એણે આરબ પાસે પચાસ હાજર રૂપિયા ઉછીના માંગ્યા. આ રકમ અધિકારીઓના હાથમાં પહોચ્યાં પછીથી ગ્રાન્ટના ચેક છૂટા થશે.

આરબ કહે, “સુરેશભાઈ, આ શાળા અને છાત્રાલય શરૂ કરવાના રવાડે તમને કોણે ચડાવ્યા ? આવા ખોટના ધંધા થતા હશે ?” અંદરના રૂમમાંથી આરબની પત્ની ઝરીના બહાર આવીને સુરેશને કહેવા લાગી, “તમે સારી નોકરી છોડીને અહીં આવ્યા છો. એ તમારી ભૂલ છે. તમારા લીધે બિચારી રઝિયા અને આયશા હેરાન થયા કરે એ ઠીક નથી. શહેરની સગવડ વચ્ચે એ ઉછરેલી છે. આ જંગલમાં એ દુઃખી થયા કરે છે.” સુરેશે ડોકું ધૂણાવીને ઝરીનાની વહેવારુ વાતનો સ્વીકાર કર્યો.

આરબ કહે, “હાલ મારા હાથ પર પચાસ હાજર રૂપિયા નથી. જિલ્લાની બેંકમાંથી ઉપાડવા પડે.”

સુરેશ કહે, “આવતી કાલે આપણે બંને શહેરમાં જઈને બેંકમાંથી પૈસા લઈને કામ પતાવી દઈએ.”

બીજા દિવસે એ બંને શહેરમાં પહોંચ્યા. આરબે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા. તે લઈને જિલ્લા અધિકારીની કચેરીએ ગયા.

પટાવાળાએ સુરેશને કહ્યું, “સાહેબ ત્રણ દિવસની રજા પર છે. શહેરમાં નવચંડી યજ્ઞ અને વિશ્વશાંતિ યજ્ઞ ચાલે છે. એમાં તેઓ મુખ્ય યજમાન હોવાના કારણે હાલ તમને મળી શકશે નહીં.”

સુરેશે એના હાથમાં દશ રૂપિયાની નોટ મૂકીને એને કહ્યું, “તું સાઈકલ લઈને જલદી જા. સાહેબના કાનમાં કહેજે, ‘વનવાસી ટ્રસ્ટવાળા ભાઈ આવ્યા છે. એ આજે જ કામ પતાવવા માગે છે.’

યજ્ઞ ચાલુ હતો. સાહેબ પાટલા પર પલાંઠીવાળીને બેઠા હતા. એ ઘીની આહુતિ આપતા હતા. સ્વાહાના નાદ વચ્ચે સાહેબની નજર પટાવાળા પર પડી. એમને લાગ્યું કે એ પોતાની પાસે કંઈક કામ લઈને આવ્યો છે. તેથી તેમણે નજીકમાં બેઠેલા ભાઈને કહ્યું, “સામે ઊભો છે એ મારી ઓફીસનો પટાવાળો છે. એને કહો કે સાહેબ અડધા કલાકમાં ઓફીસે આવશે.”

છ વાગ્યે સાહેબ ઓફીસે આવ્યા. સમય થઈ ગયો હોવાથી અન્ય કર્મચારીઓ હાજર ન હતા. ઓફીસ બહારના બાંકડે સુરેશ બેઠો હતો. એને સાહેબે ઓફીસમાં બોલાવ્યો. ચેક અને રકમની લેવડ-દેવડ યંત્રની ગતિએ પતિ ગઈ.

ધીમેથી ચાલતા સુરેશને આરબે ટકોર કરી, “જલદી ચાલોને આપણી બસ ઉપડી જશે.”

સુરેશે આરબને કહ્યું, “આજની બસ હું ચુકી ગયો છું. મારાથી આગળ ચલાતું નથી. મને સખત તરસ લાગી છે. પાણી ક્યાંય મળશે નહીં. મારે ઊંડા પાણીમાં ડૂબવું છે.” સુરેશની વાતનો તાળો આરબને મળતો ન હતો. ગ્રાન્ટના ચેકો મળ્યાનો આનંદ એને ન હતો. આરબે એને કહ્યું,

“બસ ચૂકી જવાશે, ઉતાવળા ચાલો.”

સુરેશે કહ્યું, “ઉતાવળા ચાલવાથી જ બસ ચૂકી ગયો છું. હવે મને મારી રીતે ચાલવા દો.”