કાલ્પનિક વાસ્તવિકતા – ૧૧
ભાર્ગવ પટેલ
નોવેલ વિષે...
ગતાંકમાં અમીએ સંકેત સામે મુકેલા એ બોક્સમાં શું હતું? હવે પછી અમીની ખુદ્દારી સાથે જીવન જીવવાની અને ઘરેથી પૈસાની સહાય ન માંગવાની પ્રબળ ઇચ્છા કેવી રીતે પૂરી થશે? નસીબનું ઘૂમતું પૈડું આ બંનેના જીવનમાં ક્યારે શું કરી બેસે એ હજીયે નક્કી નહતું. બંને જોબ હોવા છતાં અત્યારના તબક્કે જોબલેસ જ હતા. આ બધી ઘટનાની જાણ ઘરે કરવી કે નહિ? કેવી રીતે શું કહેવું? જોબ છોડ્યાની વાત અને મુખ્ય તો એના કારણની જાણ કેવી રીતે કરવી એ વિશેની મૂંઝવણ! ઉફ્ફ! તકલીફોનો પાર નહતો.. જીંદગીની કસોટી પર એમની આગળની કથા હવે આ ભાગમાં માણો....
“આનો શું મતલબ છે? તું શું કહેવા માંગે છે? મારી સમજની બિલકુલ બહાર છે”, સંકેત એ બોક્સમાં જે હતું એ જોઇને વિસ્મયકારક અચંબામાં હતો. એને સમજાતું નહતું કે અમી શું કહેવા માંગે છે..
“મને તારા પર અને તારી આવડત પર વિશ્વાસ છે, આ ઘરેણાં લગ્ન વખતે મને મારી મમ્મીએ આપ્યા હતા. આને ગીરવે મુકીને તું તારો નાનો બીઝનેસ ચાલુ કરી શકે એટલા પૈસા તો મળી જ જશે”
“ના! મારે આમ નથી કરવું! મારી ઈચ્છા જરૂર છે કે હું મારો પોતાનો ધંધો શરુ કરું પણ એ તારી મમ્મીની અત્યાર સુધીની જમાપૂંજી સમાન આ ઘરેણાં વડે તો નહિ જ”, સંકેતનું પણ જમીર સળવળ્યું.
“જો સંકેત”, અમીએ એનો હાથ પોતાના હાથમાં લીધો, એની આંખોમાં વિશ્વાસભરી નજરે જોયું, “આ મારા ઘરેણાં છે અને એનું કશું પણ કરવાનો મને પુરેપુરો અધિકાર છે અને એ અધિકારના લીધે જ હું આ વાત કરું છું તારી સાથે! અને મેં તને આ વેચવા માટે નથી કહ્યું, માત્ર એક વર્ષ માટે ગીરવે મુકવાની જ તો વાત છે, પછી તો આપણે છોડાવી જ લઈશું. મારા બા જ મને કહેતા હતા કે દીકરીને લગ્ન વખતે ઘરેણાં એટલા માટે જ અપાય છે કે જેથી કરીને મુસીબતના સમયે એનો ઉપયોગ થઇ શકે.”
“પણ એના કરતા બેટર છે કે આપણે બેંકમાંથી લોન લઈએ”
“તને શું લાગે છે તું બેંકમાંથી લોન લઈશ તો પપ્પા મમ્મીને જાણ નહિ થાય એમ? તું મને સમજ સંકેત, હું એમને કોઈ પણ જાતની ચિંતા આપવા નથી માંગતી, મારે જીંદગી સામે લડીને જીત મેળવવી છે. નહિ કે એની સામે શરણાગતિ સ્વીકાર કરીને મારી જાતની અને તારી નજરમાં ઉતરી જવું છે”
“હું તારી વાત બરાબર સમજુ છું અમી! પણ ઘરેણાં આપતા મને ખચકાટ થશે, આપણને શું ખબર આપણે સફળ રહ્યા કે ના રહ્યા!?”
“શી ખબર કે એ ખચકાટ સહન કરવાનું આપણા સફળ જીવનની એક માંગ હોય!”, અમીની વાતોમાં આજે કોઈ પણ ભોગે પોતે જ પગભર થવાની મમત સવાર હતી અને સંપૂર્ણપણે ભાનમાં એવી એની ખુદ્દારી બુલંદી પર હતી. આંખોમાંથી લાગણીથી સીચાયેલ એક અશ્રુબિંદુ એના ગાલ પર આવવાની તૈયારીમાં હતું. સંકેતે એ એના સાજા હાથ વડે તરત લુછી લીધું અને કહ્યું,
“તું કહે છે તો ઠીક છે! તને મારા પર વિશ્વાસ છે એ જ મારા માટે સૌથી મોટી જીત છે”
બંને આ સમયને જીવી રહ્યા હતા અને એવામાં ઘરેથી મુકેશભાઈનો ફોન આવ્યો,
“હા પપ્પા બોલો”, સંકેતે જાણે કશું ઘટ્યું ના હોય એમ બોલવાનો પ્રયત્ન કર્યો.
“શું કરે છે બેટા? અમી આવી ગઈ નોકરી પરથી? કેવું રહ્યું એને પહેલા દિવસનું કામ?”, મુકેશભાઈએ સ્વભાવગત પૂછ્યું.
આ સવાલનો શું અને કેવો જવાબ આપવો એ સંકેતને તરત સુઝ્યું જ નહિ. એ મુકેશભાઈને કે એના સસરાને કોઈ પણ જાતનું ચિંતાનું કારણ આપવા નહોતો માંગતો એટલે નાછૂટકે ખોટું બોલવું પડ્યું,
“સારો રહ્યો આજે એનો દિવસ! હવે આવતીકાલથી એના રૂટીનમાં ગોઠવાઈ જશે”, સંકેત મુકેશભાઈને અત્યારે કશું જ જણાવવા નહોતો માંગતો, કારણ કે હવે એણે શું કરવાનું છે એ વાતથી એ પોતે પણ અજાણ જ હતો. એના મનમાં નોકરી અને ધંધો વચ્ચે આગઝરતી લડાઈ ચાલી રહી હતી અને એ આગમાં તે પોતે કે અમી, ઘરના કોઈ પણ સભ્યની શાંતિની આહુતિ આપવા નહોતા માગતા.
“અને તને કેવું છે? નર્સ બરાબર ધ્યાન રાખે છે ને? એવું હોય તો અમે આવી જઈએ એકવાર?”
“ના ના પપ્પા”, સંકેત સફાળો બોલ્યો, “તમારે ખોટી તકલીફ લેવાની જરૂર નથી, અને તમારે આવવા જેવું હશે તો હું બોલાવી જ લઈશ ને! તમે ચિંતા ના કરશો”
“ઠીક છે! કાકાનો ફોન આવ્યો હતો?”
“હા! એમણે હાલચાલ પૂછવા આજે સવારે જ ફોન કર્યો હતો”
“બરાબર, અને હા તે તારા બોસને તારા એક્સીડેન્ટ વિષે વાત કરી? શું કહ્યું એમણે?”
“એ સાલો શું કહેવાનો હતો!?”, સંકેતના અવાજમાં ગુસ્સો ઠાંસીને ભરેલો હતો.
“કેમ શું થયું?”
સંકેતે મેઈલની તમામ વાતો મુકેશભાઈને જણાવી. અમી હજીયે એની બાજુમાં જ બેઠેલી હતી અને પપ્પા સાથે જુઠું બોલતી વખતે સંકેતના ચહેરાના હાવભાવની પ્રત્યક્ષદર્શી હતી.
“ખાનગી કંપની એટલે ખાનગી કંપની બેટા! એ કદી હમદર્દ ના હોય”
“હમ્મ્મ્મ”
“સારું ત્યારે વાંધો નથી! હમણાં આરામ કર. સાજો થઇ જાય પછી ફરીથી નોકરી ચાલુ કરી દેજે”
‘નોકરી’ આ શબ્દ આજે સંકેતને પારાવાર ખૂંચી રહ્યો હતો. હું નોકર નથી તો ‘નોકરી’ શું કામ કરું? આવો સહજ સવાલ એના મનમાં આવી ગયો. ભણતી વખતે મોટી કંપનીમાં કામ કરવાની ઘેલછા પર આજે તે પસ્તાઈ રહ્યો હતો.
“હલ્લો”, મુકેશભાઈએ કહ્યું
“હં! હા બોલો પપ્પા”
“શું વિચારે છે?”
“કશું નહિ પપ્પા! ક્યાં સુધી નોકરી જ કરતો રહીશ એમ વિચારું છું”
“મધ્યમ વર્ગ હંમેશા નોકરીની આંટીઘૂંટી અને ધંધાના વિચારો વચ્ચે અટવાયેલો જ રહે છે, આ બધા વિચારો ક્ષણિક છે, જેવી ફરીથી નોકરી ચાલુ થશે એવા આ વિચારો પણ અસ્ત લઇ લેશે”
“હમ્મ્મ્મ”
“ચાલ ત્યારે ધ્યાન રાખજે,મુકું છું ફોન”
“હા, જય શ્રી કૃષ્ણ”
“જય શ્રી કૃષ્ણ”
ફોન મુકાયો અને સંકેતના મનમાં મુકેશભાઈની મધ્યમ વર્ગ વિશેની વાત ઘર કરી ગઈ. મધ્યમ વર્ગના લોકો મહત્વાકાંક્ષી હોય છે પણ નવ થી પાંચ વચ્ચે એ મહત્વકાંક્ષાનો દમ ઘૂંટાઈ જાય છે. સંકેત આ વાતને પડકાર આપવાનું મન બનાવી ચુક્યો હતો. આ પાર કે પેલે પારનો લડાઈ લડવા માટે હવે એ તૈયાર હતો.
“સંકેત?”, અમીએ કહ્યું.
“હા બોલ”
“ક્યારે જવું છે?”
“ક્યાં?”
“આના માટે?”, અમીએ આંગળી ઘરેણાંના બોક્સ તરફ ચીંધીને પૂછ્યું.
“હજી મારે પૂરી રીકવરી આવે ત્યાં સુધી શું કરવું એ વિચરવા દે! અને હા! ખાસ ધ્યાન એ વાતનું રાખવું પડશે કે ઘરે કોઈને પણ કશું ખબર ના પડે કે અહી આપણે કેવી પરિસ્થિતિમાં છીએ”, ચિંતાયુક્ત સ્વરે સંકેતે કહ્યું.
“આપણે તો નહિ જ કહીએ! અને છતાય બીજી કોઈ રીતે એમને ખબર પડે તો બધું કહેતા આપણે ખચકાઈશું નહિ! પ્રોમિસ?”
“પ્રોમિસ”
સંકેત હવે પોતાનું પૂરું ધ્યાન કયો બિઝનેસ ચાલુ કરવો? કઈ રીતે કોન્ટેક્સ ભેગા કરવા? આ બધું વિચારતો જ હતો અને એના મનમાં એક વિચાર અચાનક ઝબકયો. આ એ દિવસની વાત હતી કે જયારે એમની કંપનીમાં કામ કરતુ એક મશીન ખોટકાઈ પડ્યું હતું. હવે આખી કંપનીમાં એ શરુ કરી શકે એવો કોઈ આવડતવાળો કારીગર નહતો એટલે સંકેત ગભરાઈ ગયો કે હવે પ્રોડક્શન કેવી રીતે આગળ વધશે? એણે આ વિષે એના બોસને જાણ કરી. તો બોસ એકદમ હળવા મૂડમાં જણાયા જાણે કે આ બાબતની એમને કોઈ ચિંતા જ ન હોય.
“તો એમાં આટલી બધી કેમ ચિંતા કરે છે તું?”, એમણે કહ્યું.
“સર, એ એટલા માટે કે અહી કોઈ બે કલાકમાં આ મશીન સરખું કરીને ચાલુ કરી શકે એવો કોઈ ફીટર કે કારીગર નથી, અને ઉપરથી આ જર્મન બનાવટનું મશીન છે એટલે મારા માટે પણ વધારે કોમ્પ્લીકેટેડ છે”
“અરે ભાઈ! તારે એમાં કશું કરવાની જરૂર નથી. હું તને એક નંબર આપું છું એના પર વાત કર. પંદર મીનીટમાં માણસ આવી જશે અને અડધો કલાકમાં તારું મશીન ચાલુ થઇ જશે”
“એ કેવી રીતે?”
“એક્ચ્યુલી, જેટલા પણ આવા મશીનો હોય એના સર્વિસ ડીલર દરેક સિટીમાં હોય જ છે. આપણું મશીન પણ વોરંટીમાં છે એટલે થઇ જશે”
“અચ્છા એટલે એજન્સી જેવું?”
“એકઝેટલી”
“ઓકે, થેંક યુ ફોર ધ ઇન્ફો”
“પ્લેઝર ઈઝ ઓલ માઈન ડીયર”
‘એજન્સી’ – એટલે કે કોઈ મોટી કંપની હોય કે જે પોતાની મશીનરીઝ ભારતભરના કે વિશ્વભરના અલગ અલગ ખૂણે આપતી હોય અને એ દરેક મશીનની સર્વિસ અને મેન્ટેનન્સ માટે સીટીવાઈઝ નિયુક્ત કરેલા સર્વિસ ડીલર્સ. સંકેતને આ વિષયમાં પેલી ઘટના પછી વધારે પડતો રસ કેળવાયો હતો. જો સંકેત પોતે આવી કોઈ એજન્સી ખોલવા માટેની મંજુરી લઇ શકે તો બે વાત થાય. પહેલી કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું અને બીજી વાત કે જે કંપનીમાં જે-તે કંપનીની મશીનરી હોય એના વાર્ષિક સર્વિસ કોન્ટ્રાક્ટ લઇ શકે તો બેઠી આવક હાથવગી થઇ જાય. આ બધા વિચારોનું તાંડવ એના મનમાં રમાઈ રહ્યું હતું. એનું ધ્યાન વાગેલા પર બિલકુલ નહોતું. એટલામાં અમી ડીશમાં ગરમાગરમ ખીચડી બનાવીને લઇ આવી. બેડમાં સંકેત પાસે બેઠી. ડીશમાંની બે ચમચીમાંથી એક ચમચી સંકેતને આપી અને એક પોતે લીધી. બંને જણ એક પછી એક કોળિયો ખાઈ રહ્યા હતા. જમવાનું પતાવ્યા પછી અમીએ દવાઓ કાઢી અને ક્રમાનુસાર સંકેતને આપી. વાસણ ઘસીને દરરોજની જેમ અમી અને સંકેત બેડ પર બેઠા.
“શું વિચાર્યું પછી તે?”
“હું વિચારું છું કે મોટી મશીનરી સપ્લાય કરતી કોઈ સારી કંપનીની એજન્સી લઉં”
“એટલે?”
સંકેતે અમીને મનની વાત સમજાવી. અમીને પણ આ વાત ઠીક લાગી. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે એમની પાસે ઝાઝાં રૂપિયા નહતા એટલે આ ઓપ્શન એમના માટે બેસ્ટ હતો.
“પણ એમાં સ્ટાફ જોઇશે ને? અને ઓફીસ કહી શકાય એવી જગ્યા પણ જોઇશે”, અમીએ પૂછ્યું.
“ઓફીસ તો રેન્ટ પર મળી જશે અને રહી વાત સ્ટાફની, તો એકાઉન્ટ્સ તો હાલ પુરતું તું સંભાળી જ લઈશ. હવે જરૂર પડશે તો માત્ર સારા એવા બે સર્વિસ એન્જીનીયર્સની!”
“હા બરાબર”
“પણ મુદ્દાનો સવાલ એ છે કે કઈ કંપનીની એજન્સી લઈએ તો આપણને સારું પડે?”
“તને શું લાગે છે?”
“કોઈ એવી કંપની હોવી જોઈએ કે જેની મશીનરીની ડીઝાઈન યુનિક હોય અને જે એની એજન્સી સિવાય અન્ય કોઈ લોકલ સર્વિસ પ્રોવાઈડર એનું મેન્ટેનન્સ ના કરી શકે.”
“તો એવી કોઈ કંપની તારા ધ્યાનમાં છે?”
“એવી તો બે ચાર છે ધ્યાનમાં! પણ એમનો કોન્ટેક્ટ કરીને એમની પોલીસી અને ટર્મ્સ-કંડીશન એ બધું વિગતે જોવું પડે”
“મને એ બધીના નામ આપ. એટલે હું એમના કોન્ટેક્ટ પર્સનની બધી ડીટેલ્સ ઈન્ટરનેટ પર શોધવાનો ટ્રાય કરું”
સંકેતે પોતાને સારા લાગતા બે ચાર મોટી ફર્મના નામ અમીને કહ્યા. અમીએ પહેલા સંકેતનું ડ્રેસિંગ પતાવ્યું પછી ડાયરી-પેન અને મોબાઈલ લઈને બેડ પર એક બાજુ બેઠી. બધી માહિતી લેતા લગભગ પોણો કલાક થયો. ત્યારબાદ અમીનું ધ્યાન સંકેત પર ગયું. એ ચાદર ઓઢ્યા વગર એ જ પરિસ્થિતિમાં ઊંઘી ગયો હતો. અમીએ હળવેકથી સંકેતનું માથું ઓશિકા પર ટેકવ્યું અને ચાદર ઓઢાળી. પોતે પણ બેડ પર નિયત સ્થાન પર જઈને લંબાવ્યું.
સવાર થઇ. અમીએ ઉઠીને રોજિંદુ કામ પતાવ્યું. નવના ટકોરે ઓફીસ જવાનું અમીને યાદ આવ્યું પણ આજે ત્યાં નહોતું જવાનું. એ જગ્યાએ જ્યાં એના પર સતત કોઈ નજર રહેવાની હતી, કે જ્યાં એનો દમ રોજ ઘૂંટવાનો હતો. એણે બધું કામ પૂરું કરી, ચા બનાવીને સંકેતને ઉઠાડ્યો. ચા નાસ્તો કરી, ફ્રેશ થયા બાદ બંને પાસે એક જ કામ હતું, ગઈકાલે અમીએ મેળવેલા કોન્ટેક્ટ પર વાત કરવી અને શક્ય તેટલી જલ્દીથી કોઈ સારી કંપનીની એજન્સી લેવી. જેથી કરીને સંકેત પુરેપુરો સ્વસ્થ થાય ત્યાં સુધીમાં એટલીસ્ટ ઓફીસનું સેટ થઇ જાય તો સમયનો ઉપયોગ પણ થાય અને રીકવરી બાદ સંકેત તરત જ ફિલ્ડ વર્કમાં જોતરાઈ શકે. આ માટે પહેલું કામ એ હતું કે રેન્ટ પર ઓફીસ માટે યોગ્ય જગ્યા કે કોમ્પ્લેક્સ શોધવો કે જે સેન્ટ્રલ હોય અને જેનું ભાડું પણ બજેટમાં આવી જાય એ પ્રમાણેનું હોય. આ માટે સંકેતને બ્રોકર એવા વિષ્ણુભાઈનું નામ પહેલું યાદ આવ્યું. તરત અમીએ વિષ્ણુભાઈને ફોન લગાવ્યો,
“હા બોલો સંકેતભાઈ! કોઈ તકલીફ મકાનમાં?”
“જી ના વિષ્ણુભાઈ! હું અમી વાત કરું છું, સંકેતની વાઈફ”
“હા ભાભી બોલો”
“અમારે એક ઓફીસ માટે જગ્યા જોઈએ છે જે સેન્ટ્રલ બરોડામાં હોય, તો તમારા ધ્યાનમાં ખરી એવી કોઈ જગ્યા કે કોમ્પ્લેક્સ?”
“હોય જ ને ભાભી! ચોક્કસ છે અને એ પણ આર.સી.દત્ત રોડ પાસે છે! ઓફીસ માટે એકદમ મોકાની જગ્યા”
“પણ રેન્ટ શું હશે? અમારું બજેટ ૬૦૦૦ થી વધારે નથી”
વિષ્ણુભાઈ થોડા મૂંઝાયા.
“છ હજારમાં......”
“શું થયું?”
“એક ઓફીસ છે જે રેન્ટ પર આપવાની છે પણ એનો માલિક ૭૫૦૦ ભાડું કહે છે”
“તમે એમાં થોડો ઘણો સુધારો કરાવી આપો તો સારું”
“અરે ચોક્કસ! ચાલો એકવાર એમની સાથે હું વાત કરીને ફાઈનલ રેન્ટ નક્કી કરાવી આપું”
“સ્યોર, થેન્ક યુ”
“અરે એમાં થેન્ક યુ શેના માટે? હું તમારી પાસે બ્રોકરી ચાર્જ લેવાનો જ છું ને.. હા હા હા”, વિષ્ણુ પોતાની ધંધાકીય સ્ટાઈલમાં બોલ્યો.
“હા હા.. સાચી વાત. ચાલો ત્યારે વહેલો ફોન કરીને કહેજો”, અમીએ કહ્યું.
“ઓકે”
બીજી તરફ સંકેત લેન્ડલાઇન પરથી અમીએ આપેલા નંબર પર ફોન કરીને એજન્સી માટે વાત કરી રહ્યો હતો.
વિષ્ણુભાઈનો ફોન મુકીને અમી કોબીજ અને છરી લઈ બેડ પાસે રાખેલી ખુરશીમાં બેઠી.
“શું કહ્યું વિષ્ણુભાઈએ?”
“એ થોડી વારમાં ફોન કરે છે”
“બરાબર”
“તે વાત કરી બધા કોન્ટેક્ટ સાથે?”
“હા! એમાંથી બે કંપની મારી સાથે આ વિષે મીટીંગ માટે તૈયાર થઇ તો છે!!”
“ઓહ! ગ્રેટ”
“હવે એ બંનેમાંથી કોઈ એક કંપની માટેની એજન્સી લઇએ એવું વિચારું છું”
“મીટીંગ માટે ક્યારે કહ્યું છે?”
“એમને મેં મારી આ હાલત વિષે વાત કરી છે એટલે વીઆઈપી રોડ નજીકની કોઈ હોટેલમાં મીટીંગ માટે મારા સમયે બોલાવવા કહ્યું છે”
“બરાબર! તને શું લાગે છે! કઈ કંપની આપણા માટે સારી રહેશે?”
“એ તો બંને સાથે અલગ અલગ મીટીંગ કરીને એમનો એજન્સી પ્લાન જોઇને જ નક્કી કરી શકાશે!”
“હા એ સારું રહેશે”
“એક બે દિવસ પછી રાખીએ! ત્યાં સુધી રેસ્ટ લઉં તો એટલીસ્ટ મીટીંગમાં જઈને બેસી શકું એટલો સાજો થઇ જઈશ”
“બરાબર! તો એમનો ફોન આવે ત્યારે કહી દેજે”
હજી સંકેતે કે અમીએ ઓફિસીયલી જોબ છોડી નહતી.
(ક્રમશઃ)