Anubandh - 1 in Gujarati Classic Stories by Raeesh Maniar books and stories PDF | અનુબંધ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનુબંધ

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 1

અમદાવાદ રાજપુર બસથી અમોલા ઉતરી.

રાજપુરને તમે ટાઉન કહી શકો. અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂરનું ગામડું ન ગામડું રહ્યું હોય, ન શહેર બની શક્યું હોય. એક તરફ જમીન વેચીને અમીર બનેલા છતાં અમીરી પચાવી ન શકેલા અમીરો ગાડીઓમાંથી પાનની પિચકારી મારતા હોય અને બીજી તરફ અમીર થઈ ન શકેલા ગરીબો ચાની લારીએ બેઠા બેઠા વિચારતા હોય કે પૈસો ખરો પાવર છે કે પછી હિંસા જ સાચો પાવર છે! બસથી ઉતરીને બન્ને વર્ગથી નજર બચાવતી અમોલા ટ્યૂશનથી અનુજાને લઈ ઘરે પહોંચી.

અમદાવાદમાં પગાર થોડો વધારે અને રાજપુરમાં ભાડાં થોડાં ઓછાં. આ બેની બાદબાકી થતાં હાથમાં રકમ વધુ આવે, એ માટે સવારસાંજ રોજ સવા કલાકનું અપડાઉન છેલ્લા આઠ મહિનાથી અમોલાના જીવનનો હિસ્સો બન્યું હતું. આ બલિદાનથી સાત વરસની અનુજાના ભવિષ્ય માટે રકમ બચતી, પણ વર્તમાન માટે સમય નહોતો બચતો.

“અનુ! આજે શું ભણી?” એવો પહેલો સવાલ દીકરીને ન પૂછવો, એવું અખબારની બાળઉછેરની કોલમમાં વાંચ્યું હતું. “અનુ! આજે શું રમી?” એવું પૂછતાં જવાબમાં જે પરીઓ અને ઊડતી શેતરંજીની અગડમબગડમ વારતા સાંભળવા મળે, એ સાંભળવાનો અમોલાનો મૂડ નહોતો એટલે માદીકરી ચૂપચાપ ચાલતાં રહ્યાં. દસ મિનિટનો રસ્તો ચૂપકીદીથી પસાર થયો. અનુ રોજની જેમ ગામ આખાનાં લોકો તરફ એની બાળસહજ નજર ફેરવતી ચાલી, અમોલા રોજની જેમ નજર બચાવતી ચાલી. ઘરે પહોંચ્યા. હવે અમોલાને રોજની જેમ બસમાં લાગેલી ધૂળ, નજરો અને સ્પર્શોનો મેલ ઉતારવા નહાવા જવું હોય. અનુને રોજની જેમ દફતર મમ્મીને હવાલે કરી નીચે રમવું હોય.

સાંજના સમયે છોકરાઓ હાઉસીંગ બોર્ડના એપાર્ટમેંટ્સના કોમન પ્લોટમાં દોડાદોડી કરતાં હોય. શહેરના બાળકો તો રમવા માટેય કોચિંગ કેમ્પમાં જાય, પણ નાના ટાઉનના બાળકોને સાંજે મુક્તિથી રમવાનો એકાદ કલાક મળે ત્યારે દસ બાય દસની નાની ઓરડીઓમાં ન સમાતી એમની ચંચળતા દબાયેલી સ્પ્રીંગની જેમ કોમન પ્લોટમાં ઉછળી પડે.

આમતેમ દોડી રહેલા છોકરાઓની વચ્ચે પાંત્રીસેક વરસનો એક માણસ ઊભો છે. રમતમાં મસ્ત બાળકો એની સાથે અથડાતાં ઘસાતાં પસાર થાય છે. આ અજાણ્યા જણને જોઈને કમ્પાઉંડના ગેટ પાસે બાઈક પર બેઠેલા એક તરૂણ રત્નેશને શક પડે છે કે આ કોઈ અપહરણ કરનાર ટોળકીનો સદસ્ય તો નથી ને? એ નજીક આવી થોડીવાર આ માણસને જુએ છે. વિચારે છે, “વિચિત્ર છે, પણ ગુનેગાર તો નથી લાગતો” બાળકો ય આ માણસને અડીને એની નોંધ લીધા વગર એની આસપાસ રમવામાં મશગૂલ હતા. અને એ અજાણ્યો માણસ પણ જાણે બાળકો કોઈ થાંભલા અડીને લપેટાઈને દોડતા હોય એમ જલકમલવત ઊભો હતો.

થોડીવાર નિરીક્ષણ કર્યા પછી રત્નેશને એની કોઈ હરકત શંકાસ્પદ ન લાગી. પણ માછલીની રાહ જોઈ રહેલા બગલાની હિલચાલ પણ ક્યાં શંકાસ્પદ હોય છે! રત્નેશે વિચાર્યું, “બહારનો ન પણ હોય, ખબર નહીં, કોઈનો રિલેટીવ પણ હોય, એક બિલ્ડીંગમાં આઠ ફ્લેટ, એવા સોળ બિલ્ડીંગ! કદાચ કોઈ નવું રહેવા પણ આવ્યું હોય!” એ આગળ વિચારે એ પહેલા, દૂરથી એના મિત્રોએ બૂમ પાડી, “રતિયા!” સામેના ટ્યુશન ક્લાસમાં છોકરીઓના બૅચનો છૂટવાનો સમય થઈ ગયો હતો. એટલે રતિયો પોતાની સામાજિક જાગૃતિ પડતી મૂકી મનગમતી પ્રવૃત્તિ માટે નીકળી ગયો.

જોમ અને જોશથી થનગનતા છોકરાઓની ધમાલથી દૂર ‘ડી’ બિલ્ડીંગના દરવાજા પાસે અનુ રમી રહી છે. રમવા માટે ફાળવાયેલો કલાક પૂરો થવા આવ્યો છે, હમણાં ચોથા માળેથી મમ્મીની પહેલી બૂમ પડશે. એ વેલણ લઈ પહેલા માળ સુધી આવી ચોથી બૂમ પાડે, એને હજુ 10 મિનિટ બાકી છે. અનુ કાંકરા, સિક્કા અને બિલ્લા ગોઠવી કાલ્પનિક સાથી સાથે રમી રહી છે. એકલા રમવાની એને ફાવટ છે. અનુની મમ્મીએ છેલ્લા આઠ મહિનામાં ત્રણ ઘર બદલ્યાં છે. અનુને કશેય પાકી દોસ્તી થાય એ પહેલા ઘર બદલવાનું થાય છે. એ લોકો ત્રણ અઠવાડિયા પહેલા જ અહીં રહેવા આવ્યાં છે. હજુ અહીં કોઈ સાથે અનુને દોસ્તી થઈ નથી.. અજાણ્યા માણસના કદમ અનુની દિશામાં ધપે છે.

ડી બિલ્ડીંગમાં જ ઉપર ચોથા માળે અનુની મમ્મી અમોલા વિચારી રહી છે કે દીકરીને હજુ 10 મિનિટ રમવા દઉં, પણ ફરી એકાદવાર દીકરીની સલામતી ચેક કરવા જવું જોઈએ? તે ય છેલ્લા એક કલાકમાં ચોથીવાર? બધાનાં બાળકો રમે છે, કોઈની મમ્મી તો આમ ચોકીદારી... અનુ કંઈ અલગ હતી? હા વળી. કદાચ.

લિફ્ટ વગરના એપાર્ટમેંટમાં ચાર માળ ઉતરીને ચોથીવાર નીચે જવાની ઈચ્છા તો હતી પણ તાકાત નહોતી. મોટી વસાહત છે. લોકો નિમ્ન મધ્યમ વર્ગનાં છે, પણ સારાં છે. આજે તો અમોલા બાજુના ફ્લેટમાં રહેતા નર્મદાબેન સાથે શાકની વાટકીની આપલે કરતાં કરતાં એ હૈયુ ખોલી વાત કરી રહી હતી. “અનુની સ્કૂલના ટીચર કહેતા હતા, અનુજાને પ્રેમ આપો. એ સ્કૂલમાં વોચમેન, પટાવાળા અથવા કોઈ શિક્ષક ગમે તેને ‘પપ્પા’ કહી એમની સાથે વાતો કરવા લાગી જાય છે. પ્રિંસીપાલ કહે છે, કોઈ ડોક્ટરને બતાવો, આવું વર્તન બાળકને જોખમમાં મૂકી શકે! અત્યારે નાની છે એ સાચું પણ આજકાલ..” નર્મદાબેને “હોતું હશે?” એવો ભાવ વ્યકત કરી અમોલાને અબોલ સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.

પેલો અજાણ્યો માણસ હવે ધીમે ધીમે ચાલતો ચાલતો ડી બીલ્ડીંગની એંટ્રી પાસે પહોંચી ગયો છે. અનુએ ત્યાં સુધી ચોકથી સામે ચોકઠાં દોરી દીધા છે. દોરેલા ચોકઠામાં એની પાસેનો ગોળમટોળ કાંકરો ફેંકે છે, અને લંગડી કરી એ ચોરસમાં પહોંચે છે.

પછી કાંકરો ફેંકી અનુ પોતાના કાલ્પનિક સાથીને કહે છે, “પપ્પા! હવે તમારો વારો!”

  • ઉપર ચોથે માળે નર્મદાબહેન અમોલાને પૂછી શકાય એવા સવાલો પૂછી શાલીનતાથી પોતાની જિજ્ઞાસા સંતોષી રહ્યા હતા. અમોલાને જવાબ આપવામાં ખાસ વાંધો નહોતો. નર્મદાબેન કોઈ રીતે જોખમી નહોતા, બાકી આગળના ત્રણ ઘર પાસ-પડોશને કારણે જ છોડવા પડ્યા હતા. પહેલા ઘરની બાજુમાં એકલો રહેતો છેલબટાઉ યુવાનિયો હતો જે અનુને ચોકલેટ આપીઆપી ઘરમાં આવતો જતો થયો હતો. એ પોત પ્રકાશે એ પહેલા અમોલાએ ઘર બદલ્યું. બીજું ઘર, પાંચસો રુપિયા વધુ ભાડું ખરચી કોઈ ફેમિલીવાળાની બાજુમાં લીધું. ત્યાં પણ એ જ સમસ્યા. એકસઠ વરસના અંકલ પડોશી હતા. એમના ગામઠી પત્ની સાથે રહેતા રિટાયર્ડ પ્રોફેસર. ‘તું મારી દીકરી સમાન છે’ કહીને શરૂ થયેલ પરિચય, ફરી પાછો એ જ ચેષ્ટા પર પહોંચ્યો. 31 વરસની ભરયુવાનીમાં અમોલા એમ વિચારતી કે પાંચ- છ વરસમાં પોતાની વાળની લટ સફેદ થશે, ચહેરા પર પહેલી કરચલી આવશે ત્યારે જ આ બધાથી છૂટકારો થશે. પણ, એ છ વરસમાં તો અનુ તેર વરસની થશે ત્યારે આ બધાથી એને કઈ રીતે.. છ વરસ સુધી લંબાતા આવા નકામા વિચારોને તો ખંખેરી નાખતી, પણ તો ય દર છ મહિને એક યા બીજા કારણે એણે ઘર બદલવાનું થતું. આખરે અમોલા અહીં આવી. આ ઘર ચોથા માળે હતું, પણ પાડોશ સારો હતો. નર્મદાબેન એકલાં રહેતાં. મદદરૂપ થાય એવાં અને સારાં સ્વભાવનાં હતાં. નર્મદાબેને પૂછ્યું, “અનુના પપ્પા?” અમોલાને પાંચ-સાત વરસ પહેલા આ જવાબ આપતાં રડવું આવી હતું. એ ઘટના આંખ સામે તરવરી ઊઠતી. પણ હવે એ જવાબ આપીઆપી ટેવાઈ ગઈ હતી. એણે શાંતિથી જવાબ આપ્યો, “અનુજા પેટમાં હતી ત્યારે જ.. બાઈક પરથી પડ્યા અને સ્થળ પર જ..”
  • અનુ આંખે પાટો બાંધી રમી રહી હતી. પપ્પાને શોધવા મથી રહી હતી. ક્યારેક એવું થાય કે આંખે પાટો બાંધો અને બધું, જે જોવું હોય એ, દેખાવા માંડે છે. પેલો અજાણ્યો માણસ અનુની નજીક આવી ઊભો રહ્યો. અનુએ પાટો ખોલ્યો તો ય હજુ ધ્યાન એની તરફ નહોતું.. હવે અનુ લંગડી કરવામાં મસ્ત હતી. દિવ્યાંગ બનીને જીવવાનું કોઈને ન ગમે, પણ દિવ્યાંગ બનીને રમવાનું બાળકોને તો ગમે! એમ કરવામાં વિશેષ શક્તિનો અનુભવ થાય. બજારમાં મમ્મી સાથે ચાલવાનું આવે તો અનુ લથડી પડતી, પણ રમતીવેળા અનુ થાક્યા વગર લંગડી કરી શકતી.

    સાત વરસની નાની ઉમરમાં એણે સમજી લીધું હતું કે એ લંગડી કરીકરીને થાકે તો જ એને રાતે સારી ઊંઘ આવતી, બાકી મમ્મીની જેમ એ પણ રાતે પડખાં ઘસતી. ઝડપી લંગડી કરતાં કરતાં એકાદવાર એણે સંતુલન ગુમાવ્યું અને ગબડતાં બચવા માટે પેલા અજાણ્યા માણસનો શર્ટ પકડી લીધો. બીજી પળે એ રમવામાં લીન થઈ ગઈ. પેલા અજાણ્યા માણસે એની રમત નિહાળવાનું શરૂ કર્યું. આછું અંધારું થતાં જ સોલાર સ્ટ્રીટલાઈટ શરૂ થઈ. પેલા માણસનો પડછાયો ચોકથી દોરેલા ચોકઠાં પર પડ્યો, પણ એની ય નોંધ લીધા વગર અનુ રમતી રહી.

    ત્યાં સુધીમાં નર્મદાબહેને માહિતી મેળવી લીધી કે વિધવા થયેલી અમોલાને સાસુ અને જેઠે હક કે હિસ્સો આપવાને બદલે પતિના એક્સીડેન્ટના પોલિસ કેસમાં ફસાવવાની ધમકી આપી. પછી અમોલા ચાર વરસ ભાઈના ઘરે રહી, પણ ભાભીઓના મહેણાંટોણાંથી થાકીને એણે પોતાનો અલગ રસ્તો લીધો. સાસરા કે પિયર બેમાંથી એકે જગ્યાએથી કોઈ મદદ કરવા પણ તૈયાર નહોતું અને હિસ્સો આપવો ન પડે, એ માટે સહુ કોઈ સંબંધ કાપીને બેઠા હતા. એ પછી બે વરસ અમોલા અમદાવાદ એકલી રહી, વધતી જતી સ્કૂલની ફી અને મોંઘવારી સામે મોરચો બદલવા રાજપુર આવી. રાજપુરમાં આ ત્રીજુ ઘર, એમાં આ ત્રીજું અઠવાડિયું.

    ત્રણ અઠવાડિયાના ‘કેમ છો, મઝામાં’ના પરિચયથી આજે બન્ને સ્ત્રીઓ એક ડગલું આગળ વધી. વાતો વાતોમાં ખોવાઈ રહેલી અમોલાને ખ્યાલ આવ્યો કે બહુ સમય થયો. હવે અનુને બોલાવવી પડશે.

    અમોલાએ પેસેજમાંથી નીચે નજર નાખી કે અનુ દેખાય તો બૂમ પાડું. પણ અનુ દેખાઈ નહીં. નીચે જવા માટે ચંપલ પહેર્યાં. હવે વાટકીવ્યવહાર તરીકે પોતાની કરમકથની કહેવા તત્પર થયેલા નર્મદાબેને કહ્યું, “ચિંતા નહીં, પાંચ મિનિટ રાહ જો, જાતે જ આવી જશે.”

    અનુ હવે થાકી હતી. એની નજર પેલા અજાણ્યા માણસ પર પડી. એણે ગોળમટોળ કાંકરો એની તરફ ફેંકીને કહ્યું, “પપ્પા હવે તમારો વારો!” એની સ્કૂલમાં બધી સહેલીઓને પપ્પા હતા. જેટલા એપાર્ટમેંટમાં અનુ રહી, એ બધા એપાર્ટમેંટના બધા ફ્લેટમાં ફ્લેટદીઠ એક એક પપ્પા હતા. એ એના મમ્મીને કહેતી, “દરેક કારને એક સ્ટીયરીંગ વ્હીલ હોય, દરેક રમકડાની અંદર એક બેટરી હોય, એમ દરેક ઘરમાં એક પપ્પા તો હોવા જ જોઈએ ને? ભગવાન આપણા ઘરને પપ્પા આપવાનું ભૂલી ગયા!”

    એક ભવમાં બીજો ભવ કરવાનું અમોલાએ વિચાર્યું નહોતું, પણ ભાઈભાભીઓએ અમોલાને બીજવર સાથે પધરાવી દેવાની કોશીશ કરી જોઈ હતી. કમને બીજવર સાથે પરણવું એના કરતાં અમોલાએ વિચાર્યું, “જાતે જ ઓફિસમાંથી પોતાની સાથે શોભે એવો યુવાન સાથી શોધી જોઉં!” એવો યુવાન મળ્યો પણ ખરો. પણ એ સંબંધમાં અમોલા એવી ખરાબ રીતે છેતરાઈ હતી કે એ વાતની સ્મૃતિ એકલતાભરી રાતોમાં એને શૂળ બનીને ભોંકાયા કરતી. અનુ પપ્પાનું નામ લે ત્યારે અમોલાનો મૂડ સારો હોય તો એ સમજાવીપટાવી વાતને બીજે પાટે ચડાવી દેતી. અમોલાનો મૂડ ખરાબ હોય ત્યારે પપ્પાનું નામ લેતાં જ અનુ તમાચો ખાતી. અનુને એની બહેનપણી મિષા કહેતી, ‘મમ્મી જ્યારે મને મારે, ત્યારે પપ્પા બચાવે.’ તેથી અનુને પપ્પાનો ઉલ્લેખ કરવા બદલ તમાચો પડતો ત્યારે ય અનુ મનોમન તો એ જ વિચારતી કે આજે પપ્પા હોત તો બચાવી લેત!

    અનુએ આપેલ ગોળમટોળ કાંકરો પેલા અજાણ્યા માણસે ઝીલવાની કોશીશ કરી. કદાચ એ બેધ્યાન હતો એટલે કાંકરો નીચે પડ્યો. ખિલખિલ કરતી અનુ હસી અને દોડીને નીચે પડેલો કાંકરો પેલાના હાથમાં મૂક્યો. ઢળતી સાંજના ઘેરા રંગો વાતાવરણ પર છવાઈ રહ્યા હતા. દૂર છોકરીઓના ટ્યુશન બેચને વિદાય આપી બાઈક પર બેઠેલા પેલા રતિયાએ જોયું, હજુ આ અજાણ્યો માણસ અહીં શું કરી રહ્યો હતો? એણે સોસાયટીના બીજા તરૂણ ભૂપલાનું ધ્યાન દોર્યું.