બાળપણ ને બચાવો
સુપર રિચ લોકોના બાળકોને ટેબલ મેનર ના ક્લાસ માં મોકલવામાં આવે છે. સેવન કોર્સ ડીનર લેતી વખતે કઈ સાઈઝ નો કોળીઓ લેવો અને મોઢું કેટલી માત્રામાં ખોલવું એ વિષે ધનિકોની આગવી પરિભાષા છે. જમવામાં ફોર્કનો ઉપયોગ થાય, ચમચી નીચે પડે તો એ અયોગ્ય ગણાય છે. બાળકોને સુસંસ્કૃત કરવા જોઈએ તેને શિસ્ત ના પાઠ પણ ભણાવવા જોઈએ પરંતુ એટલું યાદ રહેવું જોઈએ કે બાળકો આખરે બાળકો છે. હવે અમીરો જ નહિ બલ્કે મધ્યમવર્ગીય પરિવારો માં પણ બાળકો ને ભાતભાતના કૌશલ્ય થી માહિર બનાવવાના નુસ્ખા ચાલતા હોય છે. સવારે સ્વીમીંગ, કરતે, બપોરે શાળા, સાંજે ટ્યુશન, પછી ભરત નાટ્યમ અને હોમવર્ક...આધુનિક યુગ કૈક વિચિત્ર રીતે આધુનિક છે. તમે કોઈ પણ પરિવાર ને આમંત્રણ આપવા જશો તો પહેલા જ કહેશે કે ચિન્ટુ ની વીકલી ટેસ્ટ છે, હવે ક્લાસ ટેસ્ટ શરુ થશે.ટ્યુશન માંથી રજા મળવી મુશ્કેલ છે.
હજુ તો ડાયપર પહેરતા હોય તેવા ભૂલકા ને જાતે ટાઈ પહેરતા શીખવાય છે. ૭ ડીગ્રી ઠંડીમાં થર થર કાંપતા બાળકોને સ્કૂલ વાનમાં જોઇને કોઈ પણ ધ્રુજે ઉઠે પરંતુ આ યુગમાં બાળકોને રજા પડાવવી એ જાણે મોટો અપરાધ ગણાય છે.
રસ્કિન બોન્ડે બહુ સરસ કહ્યું છે, "બાળપણ તો અખૂટ ઝરણું છે પરંતુ આપણે ધીમે ધીમે બાળકની અંદર રહેલા બાળપણ, નિર્દોષતા અને શરારતી સ્વભાવનું ગળું ઘોંટી નાખીએ છીએ."
પાંચ થી બાર વર્ષ ની વયે બાળકને ગેલ ગમ્મત કરવા હોય છે, નીતિ નિયમોને બદલે તે રમત ગમત માં તલ્લીન હોય, દોસ્તારો સાથે રખડપટ્ટી કરે તે કુદરતી ઘડતર નો એક કુદરતી હિસ્સો જ છે. પરંતુ બાળકોના ઉહ્હેર માટે પુસ્તકો અને વેબસાઈટ ના લેખો વાંચીને પ્રયોગો કરતા માં-બાપોને એવું લાગે છે કે તેનું બાળક બગડી રહ્યું છે. બાળક તોફાની બની ગયું છે.
બાળકને છીંક આવે ને બાળક ના ડોક્ટર પાસે દોડી જતા માં-બાપ ની મોટી સમસ્યા એ છે કે તેને પોતાના સંતાન ની ચિંતા તો ખુબ છે પરંતુ ચિંતા દુર કરવાની તેમની પધ્ધતિ ઓ બહુ ખતરનાક છે. નસીબદાર પરિવારોના ઘરમાં દાદીમાં સાથે હોય છે. અને દાદીમાં નું માનવાવાળી વહુઓ વળી ભાગ્યશાળી ઘરમાં હોય છે. દાદી કદી બાળકને દવાખાને જવા દેતી નથી. તેની પાસે ધીરજ,સમજ અને ઈલાજ ત્રણે'ય નો સંગમ હોય છે. અગાઉ બાળકો એકલા નદીએ ન્હાવા જતા, ભેખડો માં રમતા, ઝાડ પર ચડતા... આજ ના માં-બાપ પોતાના બાળક ને સ્કુલ બસ સુધી પણ મુકવા જાય છે.
અગાઉ માં-બાપ ને બાળકની ચિંતા ન હતી એવું નથી, પરંતુ સાહસ ના ગુનો વિકસાવવા જોખમ જરૂરી હોય છે, બાળક પડે, આખડે એમ જ મોટા થાય... એવું ત્યારે સહજતાથી મનાતું હતું, આજે સલામતી માટેનો દુરાગ્રહ એટલો વ્હ્ડી ગયો છે કે બાળક તેવું બાળપણ ગુમાવી દે ત્યાં સુધી તેને માં-બાપ નાબખ્તર માં જ રહેવું પડે છે..
શિક્ષકો ભણાવવા કરતા પરીક્ષા વધુ લે છે ને રમત ગમત ને બદલે ગોખણપટ્ટી નો મારો એવો ચાલે છે કે કુમળા ફૂલો હજુ તો ખીલે એ પહેલા જ કરમાવા માંડે છે.
પોતાનું બાળક ભણવામાં હોશિયાર અને એ દરેક માં-બાપ ની ઈચ્છા હોય અને એમાં ખોટું પણ નથી, પરંતુ બાળકની અંદર રહેલા જીજ્ઞાસાના ઝરણા અને ધીન્ગમસ્તી ના ધોધ ને ખલેલ પહોચાડશે નહી.
ગ્રેહામ બેલ બેલ રોયલ હાઈસ્કૂલ એડીનબરો માં ભણતા હતા પરંતુ ૧૫ વર્ષ ની ઉમરે જ તેણે એ શાળા છોડી દીધી. તેણે ફક્ત ચાર જ ફોર્મ્સ પૂર્ણ કાર્ય હતા. શાળા નો તેનો રેકોર્ડ સતત ગેરહાજરી અને નીચા ગ્રેડ ને કારણે બહુ સારો ન હતો.
તેમને પુસ્તકોની દુનિયાને બદલે વૃક્ષો, પાંદડા, જળચક્ર, વાદળા અને વિજ્ઞાન ની અજાયબી સમોહિત કરતી હતી. પાડોશી મિત્ર ની ઘઉં દળવાની ઘંટી જોઈ તેણે સરળતાથી લોટ બનાવે તેવું હોમમેઈડ ડીવાઈસ માત્ર ૧૨ વર્ષ ની વયે બનાવ્યું હતું. બાળવયે તેની માર્કશીટ જોઈ માં-બાપ ને હતાશા થતી હતી પરંતુ સંગીત અને સાયન્સ માટેના તેના લગાવ ને તેની માતાએ પ્રોત્સાહન આપવામાં કોઈ કચાશ રાખી ન હતી. તરુણવયે જ માતાની સાંભળવાની શક્તિ ક્ષીણ થઇ જતા બેલ આપમેળે જ ધ્વનિ શાસ્ત્ર શીખી ગયા. તે પિયાનો વગાડતા, મિમિક્રી કરતા.
જીજ્ઞાસા અને પ્રયોગો એ બાળપણ માં કુદરતી રીતે વિકસવા જોઈએ. જે બેલ માં ભરપૂર વિકસ્ય. ઘરમાં રમકડા રમતા બાળકને તેની ગમતી શૈલી માં પ્રયોગો કરાવતા કરાવતા ભણાવાય તો એ સહજતા થી શીખે.. જેમ કે બાળકોને ગાર્ડનીંગ કરાવીને બોટની શીખવી શકાય. મૂળમાંથી ડાળીએ પહોચતું પાણી અને સુર્યપ્રકાશ થી પર્ણો ને મળતું ક્લોરોફીલ એ કોઈ બોરિંગ બાબતો નથી. શાકભાજી ની લારીએ બાળક ને લઇ જી તેને પ્રેક્ટીકલી જ એક પછી શાક બતાવો... ક્યારેક ખેતર માં લઇ જાઓ, નદીના કાંઠે બેસીને બાષ્પીભવન અને વાદળા વિષે સમજાવો... એ કદી નહી ભૂલે..
આજના માં-બાપ ની એક મોટી ફરિયાદ છે- અમારું બાળક આખ્ખો દિવસ કાર્ટુન જોયા કરે છે, ગેઈમ રમ્યા કરે છે... જવાબ ભૂ સરળ છે. તમે બાળક ને કૈક એવો રોમાંચક વિકલ્પ આપો જે ટોમ એન્ડ જેરી કે રોડ રેસર થી વધુ રસપ્રદ હોય... બાળક ને મેદાનમાં રમવા લઇ જાઓ, તેને જમ્પીંગ કરાવો, રેસ લગાવો, તેના દોસ્તોની સાથે રમતો રમાડો... તે કદી રીમોટ ને હાથ નહી લગાડે... પરંતુ પ્રશ્ન એ છે કે માં-બાપ પાસે સમય નથી અથવા તો બાળક ને સમજવાની સમજ નથી. સમય હોય તો બાળકો સાથે બાળક બની શકાય છે, સમજ હોય તો બાળપણ ને મહસૂસ કરી શકાય છે.
બાળક સાથે વાતો કરો, તેના પ્રશ્નો ને સાંભળો... તમને એક અજાયબ નિર્દોષતાનો અનુભવ થશે. તમે મિત્રો સાથે કલાકો ગપ્પા મારો ત્યારે બાળક ને બાજુમાં બેસાડી રાખો છે, લગ્ન પ્રસંગ માં તમને દુનિયાદારી માં રસ પડે પરંતુ બાળક નું વિચારો... એ તો સામાનના પોટલાની જેમ તમારી સાથે ઢસડાય છે. એમના રસને, રૂચીને ઓળખી ને તેનું સન્માન કરો. દેવેન્દ્ર નાથ ટાગોર ટોચના જમીનદાર હતા પરંતુ તેમણે રવીન્દ્રનાથ ને કાવ્ય ના ક્ષેત્ર માં વિકસવાની તક આપી. ખલીલ જિબ્રા ને લખ્યું છે કે પ્રત્યેક માતા-પિતા માટે ભગવાને એક નિયમ બનાવ્યો છે તમારા સંતાન ઉપર તમારી ઈચ્છા ઓ લાદશો નહી.
અને બીજી એક વાત, બાળક ના વિકાસ ની પ્રક્રિયા ઉપર નજર રાખવાને બદલે પરિવારજનો તેની હાજરી માં જુઠું બોલે, એકબીજાને છેતરે, સ્વજનો અને પડોશીની નિંદા કરે, કુથલી માં વ્યસ્ત રહે ત્યારે સંતાનોના માનસિક ઘડતર માં આવી બાબતો ધીમે ધીમે પ્રવેશવા માંડે છે. સંતાનો માં-બાપ પાસે થી સીધા સીધા અનેક પ્રશ્નો ના સીધા સીધા અનેક જવાબો ઝંખતા હોય છે, પરંતુ માં-બાપ પાસે કાં તો સંતાન માટે સમય નથી અથવા તો તેના પ્રશ્નોના પ્રમાણિક જવાબો નથી! 'Becoming the best you can be'માં દરેક પરિવાર માટે સોનેરી સલાહ અપાઈ છે જેમાં પરિવાર વડીલોને અપીલ કરાઈ છે કે, પરિવાર પ્રય્તેક સભ્ય તમારા જેટલા જ આદર નો અધિકારી છે.' તમારા પરિવાર નો પ્રત્યેક સભ્ય તમારી જેમ જ પ્રેમ, માયાળુ વર્તન અને પ્રશંસા મેળવવાની ઝંખના સેવતો હોય છે. હમેશા પ્રમાણિકતા થી વર્તો, તમારા ઉપર થી દરેક સભ્યો અનુસરશે.
જો દરેક ઘર એક પાઠશાળા જેવી ભૂમિકા પણ ભજવે તો ટીનેજરો અને યંગ ઇન્ડિયા ના ઘડતર ને ચાર ચાંદ લાગી જાય.
જે એક સારૂ વિદ્યાલય ખોલે એ એક જેલ બંધ કરી રહ્યો છે.- વિક્ટર હ્યુગો