Prem - Aprem - 14 in Gujarati Fiction Stories by Alok Chatt books and stories PDF | પ્રેમ-અપ્રેમ - 14

Featured Books
Categories
Share

પ્રેમ-અપ્રેમ - 14

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૪

મિત્રો આપ આપના સૂચનો અને અભિપ્રાય સદાય આવકાર્ય...

સ્વાતિને જેવું ભાન થયું કે અપેક્ષિતના ગયાને પોણો કલાક જેવો સમય થઈ ગયો છે એટલે તેણે પર્સમાંથી મોબાઈલ કાઢીને અપેક્ષિતનો નંબર ડાયલ કર્યો. આખી રીંગ પૂરી થઈ જવાં છતાં ફોન પીક ન થયો. સ્વાતિના ચહેરા પર વ્યગ્રતા હવે સાફ દેખાવા લાગી. પાંચ મિનીટ પછી તેણે ફરીથી અપેક્ષિતને ફોન લગાડ્યો તો બીપ જ વાગ્યા કરી રીંગ પણ ન ગઈ. સ્વાતિની બેચેની વધતી ચાલી. ‘પ્લીઝ કમ અપેક્ષિત...કેમ ફોન નથી લાગતો...?.....ક્યાંક કોઈ અનહોની ન બની ગઈ હોય તેની સાથે.....’ તે ઉભી થઈ ને આમ તેમ આંટા મારવા લાગી કે ક્યાંક અપેક્ષિત આવતો નજરે ચડી જાય. પણ ત્યાં અચાનક પાછળથી કોઈએ આવીને તેની આંખો પર હાથ રાખી દીધો. તેને એ જાણીતો સ્પર્શ ઓળખતા વાર ન લાગી. તે અપેક્ષિત જ હતો.

“ઇડીયટ....ક્યાં હતો આટલી વારથી અને હવે આ શું રમત માંડી છે..?” સ્વાતિ એ હાથ હટાવવાની કોશિષ કરતાં કહ્યું પણ અપેક્ષિતનો મજબુત હાથ હટાવી ન શકી.

“ક્યાં હતો એ જાણવું હોય તો બસ આમ આંખ બંધ કરીને જ મારી સાથે ચાલતી આવ, ધેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ...”

“વ્હોટ સરપ્રાઈઝ...?!!!” સરપ્રાઈઝનું નામ સાંભળતા સ્વાતિનાં ચહેરા પર અકળામણનાં બદલે હળવાશ સાથે સ્મિત આવી ગયું.

“ડોન્ટ આસ્ક એનીથિંગ...જસ્ટ કમ વિથ મી...”

સ્વાતિની આંખો પર એક હાથ રાખીને બીજા હાથમાં શોપિંગ બેગ્સ લઈ લીધી અને હળવા પગલે બંને ચાલવા માંડ્યા. લેક સાઈડથી બહાર નીકળીને થોડું આગળ ચાલતાં કંઈક ડોર ખુલવાનો અને બીપનો અવાજ સંભળાતા સ્વાતિને એટલો અંદાજ આવી ગયો કે તેઓ હવે લીફ્ટમાં જઈ રહ્યાં છે. થોડી સેકન્ડોમાં લીફ્ટનાં ડોર ક્લોઝ થવાના અવાજ સાથે જ સ્વાતિના દિલના ધબકારા તેજ થવા લાગ્યાં. જેમ જેમ લીફ્ટ ઉપર જતી ગઈ તેમ તેમ તેનું દિલ કોઈ સુપર ફાસ્ટ ટ્રેનની સ્પીડે ભાગવા માંડ્યું. લીફ્ટ વધુ ને વધુ ઉંચે જતી હોવાનો રોમાંચ સ્વાતિને બરાબર વર્તાઈ રહ્યો હતો. એક તો એ રોમાંચ અને બીજી બાજુ સરપ્રાઈઝ જોવાની અધીરાઈ બંને ભેગા મળીને સ્વાતિને કોઈ અજબ જ અનુભૂતિ આપતાં હતાં. બે ચાર મિનીટ પછી લીફ્ટ અટકી અને અપેક્ષિત તેને આગળ દોરી ગયો. થોડાં આગળ ચાલ્યા પછી એક દાદર ચડવાનો આવ્યો. હવે સ્વાતિ બરાબર અકળાઈ રહી હતી પણ અપેક્ષિત હજી તેની આંખો ખોલવા નહોતો દેતો. દાદર ચડી ગયા બાદ થોડું જ આગળ ચાલતાની સાથે જ અપેક્ષિત બોલ્યો,

“ઓકે નાઉ ઓપન યોર આઈઝ એન્ડ સી ધીસ.......” કહેતાં જ જ્યાં સ્વાતિની આંખો પરથી તેનો હાથ હટ્યો એ સાથે જ સ્વાતિએ આંખ ખોલીને સામેનો નજરો જોતાં જ તેનાં બંને હાથ ગાલ પર આપોઆપ પહોંચી ગયા.

“ઓહ....!! માય ગોડ.....”

અપેક્ષિત સ્વાતિને સરપ્રાઈઝ આપવા માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગના ૨૬માં માળે આવેલ ‘ધ હાઈ- લાઉન્જ’ માં લઈ આવ્યો હતો. જેનો પોણો ભાગ ઓપન ટેરેસ અને બાકીનો ભાગ કવર્ડ હતો. ઓપન ભાગની બહારની બાજુ સાત ફૂટ ઉંચી કાચની દીવાલ ઉભી કરેલી હતી. જ્યાંથી બેંગ્લોરનો અદ્ભુત નજારો જોઈને સ્વાતિની આંખો પહોળી થઈ ગઈ. જંગલનાં અંધકારમાં ટમટમતા આગિયાઓની જેમ કોન્ક્રીટના ખડકલા વચ્ચે આવેલી લાઈટો ટમટમતી હતી. એ બધાંની વચ્ચેથી નીકળતી મેટ્રો ટ્રેન જાણે કોઈ લાઈટ વાળો સાપ ચાલતો હોય એવી લગતી હતી. આ એજ બિલ્ડીંગ હતું જે સ્વાતિએ મેટ્રો ટ્રેનમાંથી જોયેલું અને એટલી ઉંચાઈ પરથી બેંગ્લોર જોવાની ઈચ્છા કરેલી. જે અપેક્ષિતે પૂરી કરી.

“જાન થેંક યુ સો સો મચ...યુ રીઅલી મેઈડ માય ડે...મેં તો આમ જ વિશ કરેલી આ બિલ્ડીંગ પરથી બેંગ્લોર જોવાની અને તેં સરપ્રાઈઝ આપીને સાચે જ મારી વિશ પૂરી પણ કરી દીધી....!!” સ્વાતિ ખુશખુશાલ થઈને બોલી.

“વેઈટ....વેઈટ....સરપ્રાઈઝ તો અભી બાકી હૈ માય લવ....!!” સ્વાતિ વધુ આશ્ચર્ય પામી પણ તે કંઈ બોલે તે પહેલાં જ અપેક્ષિતે તેનો હાથ પકડીને કહ્યું,

“સરપ્રાઈઝ ઈઝ ધીસ વે....પ્લીઝ....”

અપેક્ષિત સ્વાતિને ગ્લાસ વોલને અડીને લાસ્ટમાં આવેલા કોર્નર ટેબલ તરફ દોરી ગયો. તે ટેબલ જોઈને સ્વાતિ વધુ સરપ્રાઈઝ થઈ ગઈ. તેનાં માટે તો આ બધું કોઈ સપનાં જેવું જ હતું. અપેક્ષિત આટલી સારી સરપ્રાઈઝ એરેન્જ કરી શકે તે પણ તેનાં માટે માનવું અઘરું જ હતું. જે કોર્નર ટેબલ અપેક્ષિતે બુક કર્યું હતું તેની પર એકદમ વચ્ચે ચોકો ફ્લેક્સ અને શીગારથી ગાર્નીશ કરેલી સ્ટ્રોબેરી કેક રાખેલી હતી જેમાં “WILL YOU MARRY ME..?” લખેલું હતું જેની ફરતી બાજુ દાંડલી વાળા લાલ ગુલાબ સજાવવામાં આવેલા હતાં. સ્વાતિનું દિલ આ બધું જોઈને ગાર્ડન ગાર્ડન થઈ ગયું. તે વધુ કંઈ બોલે કે સમજે તે પહેલાં જ અપેક્ષિતે ટેબલ પરથી એક ગુલાબ હાથમાં લીધું અને પોતે ની ડાઉન થઈ એક હાથે ગુલાબ સ્વાતિને આપતાં પૂછ્યું,

“સ્વાતિ..આઇ લવ યુ..આઈ રીઅલી રીઅલી લવ યુ.......એન્ડ આઈ વોઝ લુકિંગ ફોર સચ ચાન્સ ટુ પ્રપોઝ યુ......વિલ યુ બી પ્લીઝ કાઈન્ડ ઈનફ ટુ મેરી મી..? વુડ યુ લાઈક ટુ સ્પેન્ડ યોર એન્ટાયર લાઈફ વિથ મી..? વિલ યુ મેઇક મી યોર લાઈફ..?”

અપેક્ષિતના આ શાનદાર સરપ્રાઈઝિંગ પ્રપોઝથી બોખલાઈ ગયેલી સ્વાતિ કંઈ પણ બોલ્યા વિના જ એકીટસે અપેક્ષિત સામે જોતી રહી.

“સ્વાતિ વિલ યુ.....પ્લીઝ...??” અપેક્ષિતે ફરી પૂછ્યું. અચાનક સ્વાતિની તંદ્રા તૂટી હોય તેમ સૌ પ્રથમ તો તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.પછી તે જરા સ્વસ્થ થતાં બોલી,

“યસ માય જાન...બાય ઓલ મીન્સ આઈ એમ યોર્સ.....હું ફક્ત અને ફક્ત તારી જ છું અને તારી જ રહીશ.....ઈટ વુડ બી માય ગુડલક ઇફ આઈ ગેટ મેરી વિથ યુ....અને માત્ર આ આ જિંદગી નહીં પણ મને મળનારી દરેક જિંદગી હું માત્ર અને માત્ર તારી સાથે જ સ્પેન્ડ કરવા માગું છું....આઈ લવ યુ એ લોટ....”

સ્વાતિ વધુ ન બોલી શકી અને અપેક્ષિતને વળગી પડી. અપેક્ષિતે પણ તેને કસીને પોતાનાં બહુપાશમાં જકડી લીધી. આટલું પ્રેમાળ દ્રશ્ય જોઈને ટેરેસ પર હાજર તમામ લોકોએ તાળીઓનાં ગડગડાટથી આ પ્રેમી પંખીડાઓને વધાવી લીધાં. તાળીઓથી બંનેને ભાન થયું કે તેઓ જાહેર સ્થળ પર આ રીતે આલિંગન કરી રહ્યાં હતાં. સ્વાતિ છોભીલી પડી જતાં અપેક્ષિતથી અળગી થઈને ચેર પર ગોઠવાઈ ગઈ પરંતુ અપેક્ષિત એમ કંઈ શરમાય તેવો નહોતો. તેણે એનાઉન્સમેન્ટ કરવા માટે માઈક હાથમાં લીધું,

“ફ્રેન્ડસ....આઈ એમ રીઅલી વેરી હેપ્પી ટુડે.........ધીસ બ્યુટીફૂલ ગર્લ એન્ડ લવ ઓફ માય લાઈફ સ્વાતિ...હેઝ એક્સેપ્ટેડ માય મેરેજ પ્રપોઝલ....સો પ્લીઝ ડુ જોઈન અસ ફોર ધ કેક એન્ડ ડ્રીંક ટુ...એન્ડ બી પાર્ટ ઓફ આર સેલિબ્રેશન....”

ફરી એકવાર ત્યાં ઉપસ્થિત બધાં જ કસ્ટમર્સ તેમજ હોટેલ સ્ટાફે તાળીઓથી અપેક્ષિતને વધાવ્યો અને બધાં તેના ટેબલ નજીક આવીને ગોઠવાયા. સ્વાતિએ કેક કટ કરી અને બન્નેએ એકબીજાને કેક ખવડાવી અને થોડી ગાલ પર પણ લગાવી. ત્યાં ઉપસ્થિત બીજાં લોકોને પણ કેક સર્વ કરવામાં આવી જેની સાથે શેમ્પેઇન પણ સર્વ કરાયું. આ બધાંથી હતપ્રભ સ્વાતિ સુનમુન થઈને અપેક્ષિતને જોઈ રહી. શબ્દો જાણે કે હોઠોના બારણાં પાછળ બંધ થઈ ગયાં હતાં. અપેક્ષિતની નજર તેની પર પડતાં જ તે સ્વાતિના ચહેરા પરના ભાવ ઓળખી ગયો. તેણે સ્વાતિના બંને હાથ પોતાનાં હાથમાં લીધાં અને ધીમેથી દબાવતાં કહ્યું,

“સ્વાતિ...મને વીતેલા દિવસો યાદ આવી ગયા....કેવો સમય હતો..? અત્યાર સુધી આપણે અપ્રેમની પીડા જ સહન કરી છે...કાયમ પ્રેમ માટે તરસ્યા જ રહ્યાં છીએ...પણ હવે નહીં...હવે આપણે એકબીજાને એટલો પ્રેમ આપીશું કે આપણી આટલાં વરસોની તરસ છીપાઈ જાય. આખી દુનિયાને ભૂલીને એકબીજામાં જ ખોવાઈ જઈશું....!!”

“ હા અપેક્ષિત...તું અને તારો પ્રેમ મારી સાથે છે તો મારે દુનિયામાં કોઇની પણ જરૂર નથી....તારામાં જ મેં મારી દુનિયા બનાવી લીધી છે....આપણે બંને જ એકબીજા માટે કાફી છીએ.....તું જ મારું સર્વસ્વ છે અપેક્ષિત...”

“હેપ્પી...નાઉ??”

“યસ.....વેરી મચ....એન્ડ..”

સ્વાતિ વધુ કંઈ આગળ બોલવા જાય તે પહેલાં જ અપેક્ષિતે પોતાનાં હોઠ સ્વાતિના હોઠ પર ચાંપી દીધાં અને પ્રપોઝલ પર ચુંબનની મહોર મારી દીધી. કેટલાંય વરસોથી તરસ્યા અધરોની તરસ છીપાઈ ન હોય તેમ બંને હોઠોનું રસપાન કરતાં રહ્યાં. સ્વાતિએ પોતાનું માથું અપેક્ષિતના ખભા પર ઢાળી દીધું. ઓપન ટેરેસનાં મદહોશ વાતાવરણ અને ત્યાંથી દેખાતો મનમોહક નજારો જોતાં બંને પ્રેમીઓ પોતાની જ દુનિયામાં અલિપ્ત થઈ ગયા. બેકગ્રાઉન્ડમાં ક્યાંક જગજીતસિંહની ગઝલ સંભળાઈ રહી હતી.

“કૌન કહેતાં હૈ...? મુહાબ્બત કી ઝુબાન હોતી હૈ....

યે હકીકત તો નિગાહોં સે બયાન હોતી હૈ.....

ઝબ્ત-એ-સૈલાબ-એ-મુહાબ્બતકો કહાં તક રોકે..?

દિલ મેં જો બાત હો આંખો સે અયાન હોતી હૈ....

યે હકીકત તો નિગાહોં સે બયાન હોતી હૈ.....”

**************************************************************

“અપેક્ષિત, હવે મુંબઈ જઈને તરત જ આપણે પંડિતજી ને મળીને લગ્નની તારીખ નક્કી કરી લેવી છે....” લગેજ પેક કરતાં સ્વાતિ આદેશાત્મક રીતે બોલી.

“ ઓકે મેડમ, પણ હવે અચાનક ઉતાવળ કેમ આવી...?”

“બસ..હવે મારે એકલું નથી રહેવું....હું મારાં સાચા ઘરે..રહેવા માગું છું....તારી સાથે રહેવાં માગું છું...”

“હા સ્વાતિ હું પણ તો હવે એકલો રહેવા કે તને એકલી રહેવા દેવા નથી માગતો...મુંબઈ પહોંચીને તરત જ સારું મુહુર્ત કઢાવી લઈશું....”

એકબાજુ બંને હૈયા બેંગ્લોરની મીઠી યાદોનો પટારો ભરીને મુંબઈ પરત જવા નીકળી રહ્યાં હતાં તો બીજી બાજુ કોઈ અતિશય દુઃખી હાલતમાં બેંગ્લોરની જ કડવી યાદોને સદાય માટે ભૂલી જવા માટે મુંબઈ પરત જઈ રહ્યું હતું.

*****

સ્વાતિની ઈચ્છા મુજબ જ બન્ને મુંબઈ પરત ફર્યાના બીજા દિવસે સાંજે ઓફિસથી છુટીને તેમનાં જાણીતાં એવા વયસ્ક પંડિતજી કે જે સ્વાતિના પપ્પાની અંતિમ વિધિ કરાવવા આવેલા તેને ત્યાં લગ્નનું મુહૂર્ત કઢાવવા પહોંચી ગયા. પંડિતજી ખુબ અનુભવી અને જ્યોતિષ તેમજ કર્મકાંડના જાણકાર હતાં. તેમણે બંનેની કુંડલી તેમજ ગ્રહદશા જોઈને બે મહિના પછીની તારીખમાં ઉત્તમ લગ્ન મુહૂર્ત સૂચવ્યું. સ્વાતિ અને અપેક્ષિત બંનેને આમ તો ઉતાવળ હતી પરંતુ પંડિતજીના આગ્રહને વશ બંને અંતે તો એ જ મુહૂર્ત માટે સંમત થઈ ગયાં. જેવું મુહૂર્ત નક્કી થયું બંને પર લગ્નને લગતાં કામકાજની જવાબદારી પણ આવી ગઈ જેમ કે, મેરેજ હોલ, કેટરિંગ, ઈન્વીટેશન કાર્ડ્સ, શોપિંગ વિગેરે વિગેરે. સ્વાતિ અને અપેક્ષિત બન્ને એકલાં જ હતાં અને દૂરના સગાઓ પણ કોઈ ખાસ હતાં નહીં એટલે લગ્નમાં માત્ર તેમનાં ફ્રેન્ડઝ અને ક્લીગ્ઝને જ બોલાવવાના હતાં અને મોટાભાગના કામકાજમાં પણ આ જ લોકો મદદ કરવાના હતાં. બધું નક્કી થઈ ગયાના બીજા જ દિવસે બંનેએ ઓફિસમાં જાણ કરી દીધી અને સૌ ક્લીગ્ઝ ખાસ હાજર રહેવાં તેમજ કામકાજમાં મદદરૂપ થવા માટે તાકીદ કરી દીધેલી. એ સૌને જાણ થવાની સાથે જ જાણે પૂરી ઓફિસમાં પરિવારના જ કોઈના મેરેજ હોય તેવો માહોલ છવાઈ ગયેલો. બધાં એકબીજા સાથે ઓફિસની સાથે સાથે લગ્નની ચર્ચા પણ કરતાં રહેતાં. સૌના પ્રયત્નોથી એક નાનકડો મેરેજ હોલ અને કેટરિંગની વ્યવસ્થા તાત્કાલિક થઈ ગયેલી. અપેક્ષિત પોતે જ ડિઝાઈનર હોય, ઈન્વીટેશન કાર્ડઝ તેણે પોતે જ ડીઝાઈન કરીને પ્રિન્ટ કરવા આપી દીધેલાં. સ્વાતિને બીજા કામની સાથે સાથે શોપિંગની પણ એટલી જ ઉતાવળ હતી. તે અપેક્ષિતનું બહુ માથું ખાતી અને ઓફિસનાં કલાકો પછી બંને જુદી જુદી જગ્યાએ શોપિંગ કરવાં નીકળી પડતાં.

“ચાલ યાર જલ્દી કામ પતાવજે આજે... પેલાં મોલમાંથી તારા માટે એથનિક વિઅર જોવા જવું છે....હાયે તું કેટલો મસ્ત દેખાઈશ ને શેરવાની અને લાલ સાફામાં... ..!!”

“અરે યાર...થોડી વાર તો લાગશે..તને ખબર છે ને હવે મારી જવાબદારી કેટલી વધી ગઈ છે...અને હજી બે મહિનાનો સમય છે આપણી પાસે...તું નાહકની દોડાદોડ કરાવે છે...”

“એ હું કંઈ જ ન જાણું...જવાનું છે એટલે જવાનું છે...ધેટ્સ ફાઈનલ.... અને મિસ્ટર બે મહિનામાં ચાર પાંચ દિવસ ઓછા છે.પૂરા બે મહિના બાકી નથી.” સ્વાતિએ જુઠા ગુસ્સાથી મોં મચકોડીને કહ્યું. અપેક્ષિત પણ જાણે હથિયાર હેઠાં મૂકી દીધાં હોય તેમ બોલ્યો,

“ઓકે બાબા...ઓકે જઈશું....પણ તું મને કલાકનો સમય આપ હું થોડું અરજન્ટ વર્ક છે એ પૂરું કરી લઉં બાકીનું રાતે ઘરેથી પતાવીશ....” અપેક્ષિતની સંમતી મળતાં જ તે મલકાતી મલકાતી તેની પ્લેસ પર જતી રહી. સાંજે બન્ને ઓફિસનું કામ પતાવીને મોલમાં જવા નીકળ્યા. અપેક્ષિતે સ્વાતિને મોલનાં એન્ટ્રન્સ પાસે ડ્રોપ કરી અને પોતે કાર પાર્ક કરવા જતો હતો ત્યાં સામેની સાઈડથી એક રીક્ષામાં બેઠેલી એક વ્યક્તિને જોતાંની સાથે જ અપેક્ષિતની આંખો ચમકી ઉઠી. તેણે આગળથી યુ ટર્ન લઈને કારને રીક્ષા પાછળ દોડાવી મૂકી. પરંતુ અતિશય ટ્રાફિક તેમજ સીગ્નલમાં ફસાઈ જતાં રીક્ષા થોડીવધુ આગળ નીકળી ગઈ પણ તેમ છતાં તેણે રીક્ષાનો પીછો કરવાનું ચાલું રાખ્યું. સ્વાતિને કંઈ સમજાયું નહીં એટલે તેણે અપેક્ષિતને કોલ કર્યો પણ મોબાઈલ અપેક્ષિતના નીચેનાં પોકેટમાં હોવાથી તેણે કોલ રીસીવ કર્યો નહીં. એક તરફ સ્વાતિ ચિંતાતુર થઈ ગઈ તો બીજી તરફ અપેક્ષિત રીક્ષાનો પીછો કરતો લગભગ પાંચેક કિલોમીટર દૂર આવી ગયેલો. તેણે રીક્ષા ઉભી રહેતી હોવાનું જણાતાં રીક્ષાથી દૂર જ પોતાની કારને અટકાવી દીધી. રીક્ષામાંથી પેલી વ્યક્તિ ઉતરી જેનો ચહેરો દેખાતાંની સાથે જ અપેક્ષિતની આંખો પહોળી થઈ ગઈ એન તે સ્વગત જ બબડી ઉઠ્યો.

“ ઓહ......માય ગોડ.......!!!!!!”

(ક્રમશઃ)

-આલોક ચટ્ટ

  • રીક્ષામાંથી એવું તે કોણ ઉતર્યું કે અપેક્ષિત આટલો અચંબિત થઈ ગયેલો....? સ્વાતિ અને અપેક્ષિતની માંડ સ્થિર થયેલાં જીવનમાં શું હવે કોઈ સુનામી આવશે...? કે પછી તેમનાં લગ્નમાં કોઈ વિઘ્ન આવી જશે.........જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ.....