Pincode -101 Chepter 25 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 25

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 25

પિન કોડ - 101

પ્રકરણ-25

આશુ પટેલ

‘હલ્લો મેડમ,આપ સૂન રહે હૈ ના મેરી બાત?’ સામેવાળા માણસે પૂછ્યું અને પછી ફરી ચેતવણી દોહરાવી: આપ ઓમર હાશમી કી ઑફિસ મેં મત જાના.’ તે વ્યક્તિના શબ્દોથી નતાશાને યાદ આવ્યું કે તેના શબ્દોએ તેને એટલો ઝટકો આપ્યો હતો કે તે કંઈ બોલી જ નહોતી શકી. તે આ હોટેલમાં રોકાઈ છે એવી સાહિલ સિવાય બીજા કોઈને ખબર નહોતી! તે થોડીક ક્ષણો સ્તબ્ધ થઈ ગઈ.
‘કૌન બોલ રહે હો આપ?’ નતાશાએ કાંપતા અવાજે પૂછ્યું. તેને સમજાયું કે તેણે જે હાથમાં રિસિવર પકડ્યું હતું એ હાથ જ નહીં, તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું.
‘મૈં આપકા વેલ વિશર બોલ રહા હૂં. મુઝે માલૂમ હૈ આપ અભી ઓમર હાશમી કે પાસ જાનેવાલી હૈ. વો આદમી સહી નહીં હૈ આપ વહાં જાઓગી તો બૂરી તરફ ફંસ સકતી હો.’ સામેવાળા માણસે કહ્યું.
‘આપ કૌન હો?’ નતાશાએ ફરીવાર ધ્રૂજતા અવાજે પૂછ્યું.
‘મૈં કૌન હું, કહાં સે બોલ રહા હું ઔર યે સબ બાતે આપકો કિસ લિયે બતા રહા હું વો આપ છોડીયે. મુઝે લગા કી મુઝે આપકો સાવધાન કરના ચાહિયે ઈસ લિયે મૈંને આપકો કોલ કિયા. આપ વો ઓમર કે પાસ ન જાયે તો આપકે લિયે બહેતર રહેગા. ઈસસે જ્યાદા મૈં કુછ ભી નહીં બતા પાઉંગા.’ કોલ કરનારા માણસે કહ્યું.
‘મૈં આપ પર કૈસે ભરોસા કર સકતી હું?’ નતાશાએ કહ્યું. રોલર કોસ્ટરરાઈડમાંથી બહાર આવી ગયા પછી માણસના પેટમાં પડેલી ફાળ દૂર થાય તે રીતે નતાશા હવે આશ્ર્ચર્ય અને આઘાતના બેવડા આંચકામાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી.
‘મત કિજીયે મુઝ પે ભરોસા. મુઝે જો સહી લગા વો મૈને કિયા. અબ આપકો જો સહી લગે વો આપ કર સકતી હૈ.’ સામેવાળાના શબ્દોમાં થોડી અકળામણ ભળી ગઈ હતી.
‘મુઝે ઠીક સે બતાઓ તો સહી.’ નતાશાએ વિનંતીના સૂરમાં કહ્યું.
પેલા માણસે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
નતાશા દિગ્મૂઢ બનીને રિસીવર સામે તાકી રહી. હાથમાં રિસીવર સાથે તે બેડ પર ફસડાઈ પડી. તેનું દિમાગ બહેર મારી ગયું હતું. શું કરવું એ તેની સમજમાં નહોતું આવતું. થોડીવાર સુધી શૂન્યમનસ્ક બનીને બેસી રહ્યા પછી તેને યાદ આવ્યું કે તેણે સાહિલને કોલ કરવો જોઈએ. તેણે પોતાનો સેલ ફોન હાથમાં લીધો અને સાહિલનો નંબર લગાવ્યો. સાહિલે કોલ રિજેક્ટ કર્યો. નતાશાએ ફરીવાર તેનો નંબર લગાવ્યો. ફરીવાર સાહિલે તેનો કોલ કાપ્યો.
‘કમ ઓન સાહિલ. પ્લીઝ પિક અપ માય કોલ!’ બબડતા-બબડતા નતાશાએ વિહ્વળ બનીને ત્રીજી વાર કોલ લગાવ્યો. એ વખતે કોઈ જોરથી લાફો મારી રહ્યું હોય એ રીતે પેલા શબ્દો તેના કાને વાગ્યા: ‘ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઈઝ કરન્ટલી નોટ રીચેબલ.પ્લીઝ ટ્રાય અગેઈન લેટર.
નતાશા મૂઢ બનીને બેસી રહી. હોટેલના ઍરકન્ડિશન્ડ રૂમમાં પણ તેને પરસેવો વળી ગયો.
***
સાહિલ અને રાજ મલ્હોત્રા વાત કરી રહ્યા હતા એ દરમિયાન શીતલ વધુ બે વાર આવીને કહી ગઈ હતી કે ફલાણા-ફલાણા વીઆઈપી આવી ગયા છે. અને બંને વખતે રાજ મલ્હોત્રાએ તેને કહ્યું હતું કે તેમને કોન્ફરન્સ રૂમમાં બેસાડીને આગતાસ્વાગતા કરાવ, હું આ મીટિંગ પતાવીને તેમને મળું છું. અને પછી તેમણે સાહિલ સામે જોઈને સ્મિત કર્યું હતું. જાણે પોતાના સ્મિતથી તેઓ સાહિલને ધરપત આપી રહ્યા હતા કે તું ચિન્તા કર્યા વિના તારી વાત પૂરી કર. આ તો મારા અને મારી સેક્રેટરી વચ્ચેની સાંકેતિક ભાષા છે બાકી કોઈ વીવીઆઈપી મને મળવા આવ્યા નથી!
અચાનક તેમણે સાહિલને પૂછી લીધુ: સોરી, આઈ ફરગોટ ટુ આસ્ક યુ યંગમેન, તારી પાસે ટાઈમ તો છે ને?’
રાજ મલ્હોત્રાના એ સવાલથી સાહિલ બઘવાઈ ગયો. આટલો મોટો માણસ પોતાના જેવા સ્ટ્રગલરને આવું પૂછે એ તેની કલ્પના બહારની વાત હતી. તેણે તરત જ કહી દીધું, ‘યસ, યસ સર.મારી પાસે પૂરતો સમય છે. ઈન ફેક્ટ મારી પાસે સમય જ સમય છે. એ સિવાય બીજુ કશું નથી!’
‘યંગમેન, હું પણ તારી જેમ જ સંઘર્ષ કરીને આગળ આવ્યો છું એટલે મેં તને પૂછી લીધું કે તારી પાસે સમય છે ને?’ આવા સમયમાં આમ સમય જ સમય હોય પણ ક્યારેક અચાનક એકસાથે બે માણસનું તેડું આવી જાય ને એ બંનેને એક જ સમય આપવાનો હોય ત્યારે સંઘર્ષ કરતા માણસની હાલત કફોડી થઈ જતી હોય છે.હું આવી સ્થિતિમાંથી પસાર થયો છું. મારા અનુભવ પરથી તને ખાતરીપૂર્વક કહી શકું કે તારો સમય આવશે ત્યારે તારી પાસે બિલકુલ સમય નહીં હોય. જ્યાં સુધી માણસનો સમય નથી આવતો ત્યારે તેની પાસે સમય જ સમય હોય છે અને બીજા લોકો પાસે એના માટે બિલકુલ સમય નથી હોતો. તને પણ એવા કડવા અનુભવો થયા જ હશે, પણ જ્યારે તારો સમય આવશે ત્યારે એવા નફ્ફટ માણસો તારી પાસે કે તારા વિરૂધ્ધ એવી ફરિયાદો કરશે કે તું અમને સમય જ આપતો નથી!’
‘થેન્ક્સ ફોર યોર ક્ધસર્ન, સર. પણ મારે મુંબઈમાં તમારા સિવાય કોઈને મળવાનું બન્યું જ નથી.’ સાહિલે કહ્યુ.
રાજ મલ્હોત્રા કંઈક બોલવા જતા હતા ત્યાં શીતલ રીતસર વાવાઝોડાની જેમ તેની કેબિનમાંથી રાજ મલ્હોત્રાની ચેમ્બરમાં ધસી આવી. તેણે કહ્યું, ‘સર, ચીફ મિનિસ્ટર આવી ગયા છે.’
સાહિલને મનોમન હસવું આવ્યું. પણ એ જ વખતે રાજ મલ્હોત્રાની ચેમ્બરનો એક દરવાજો ખૂલ્યો અને રાજ મલ્હોત્રાનો ભાઈ શ્રીરાજ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરની સાથે અંદર આવ્યો!
***
‘મને છોડી દો, પ્લીઝ. ‘એક અત્યંત રૂપાળી યુવતી અંગ્રેજી ભાષામાં કરગરી રહી હતી.
‘મેડમ, અમારું કામ કરી આપો એ પછી અમે તમને છોડી જ દઈશું. ‘તે યુવતીની સામે બેઠેલા ત્રણ યુવાનોમાંથી લીડર લાગતા યુવાને ઠંડક્થી કહ્યું. તે યુવાન પણ પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. તેણે ઉમેર્યું: ‘તમારી સાથે કોઈ એ સહેજ પણ ખરાબ વર્તન કર્યું?’ પછી તેણે પોતાની બાજુમાં બેઠેલા યુવાનોને હિન્દીમાં પૂછી લીધું: ‘ઇમ્તિયાઝ, વસીમ, તુમ લોગોને મેડમ કો પરેશાન તો નહીં કિયા ના? બરાબર ખયાલ રખતે હો ના મેડમ કા?’ પછી એ બેયના જવાબની પરવા કર્યા વિના જ તેણે યુવતી તરફ જોઈને કહ્યું: ‘મેડમ, અમે લોકો સારા માણસો છીએ. તમે અમારું નાનકડું કામ પતાવી આપો એટ્લે અમે તમને તરતજ છોડી દઈશુ. અમારા પર વિશ્ર્વાસ રાખો!’
‘મેં તમારું કામ તો કરી આપ્યું. હવે મને જવા દો, પ્લીઝ.’ પેલી યુવતીએ કહ્યું. તેના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું અને તેની આંખો નીચે કાળા કુંડાળાં દેખાઈ રહ્યાં હતાં.
‘તમે હજી અડધું જ કામ કરી આપ્યું છે અને એ કામ પણ બરાબર થયું છે કે નહીં એની ખાતરી કરવાની હજી બાકી છે. તમે કરેલું કામ બરાબર છે એની ખાતરી થઈ જાય અને તમે બાકીનું કામ પણ કરી આપો એ પછી અમારે તમારુ કોઈ જ કામ નથી.’ પેલા યુવાને સ્મિત કરતા કહ્યું.
‘હું તમને કઈ રીતે સમજાવું? તમે જે કામ કરી રહ્યા છો એ હું કરી શકું એમ નથી. હું જે કરી શકતી હતી એ કામ મેં તમને કરી આપ્યું.’
તેની સાથે વાત કરી રહેલો માણસ કશું બોલ્યા વિના તેની સામે તાકી રહ્યો. પછી તેણે પોતાનું આઇપેડ તે યુવતી સામે ધર્યું.
આઈપેડના સ્ક્રીન પર એક ફોટો જોઈને તે યુવતી ભાંગી પડી. કાંપતા અવાજે તેણે આજીજી કરી:’ મારાં માતાપિતાને છોડી દો, પ્લીઝ. તમે કહ્યું હતું કે હું આટલું કામ કરી આપીશ તો તમે મને અને મારાં માતાપિતાને છોડી દેશો. તમે જે કહ્યું એ મેં કરી આપ્યું. હવે અમને બધાને છોડી દો, પ્લીઝ. તમે જે કહો છો એ હું કરી શકતી હોત તો એ પણ કરી આપત. પણ એ કામ આખી દુનિયામાં કોઈથી થઈ શકે એવું નથી.’
પેલો યુવાન સહેજ હસ્યો. પછી તેણે કહ્યું: ‘મેડમ, તમે જેમ રિસર્ચ કરો છો એ રીતે અમે પણ અમારા કામમાં પૂરી રિસર્ચ કરીએ છીએ. અને અમને અમારા રિસર્ચને લીધે પાકી ખબર છે કે આ કામ આખા
વિશ્ર્વમાં ખરેખર કોઈ કરી શકે એમ નથી, સિવાય કે સાયન્ટિસ્ટ મોહિની મેનન, આઇ મીન તમારા સિવાય!’

(ક્રમશ:)