Aatmbad thaki svaavlamban in Gujarati Motivational Stories by SUNIL MANKAD books and stories PDF | આત્મબળ થકી સ્વાવલંબન

Featured Books
Categories
Share

આત્મબળ થકી સ્વાવલંબન

અવલંબન.. આ તે કેવું બંધન ?

સુનીલ માંકડ

પ્રકૃતિમાં જોવા મળતી દરેક ઘટના સ્વયં સંચાલિત હોય છે. કોઈનું ય અવલંબન ન હોવાથી જ આ ઘટનાઓ, પ્રહરો, અનુભુતિઓથી આપણે સદાય અંજાયેલા રહીએ છીએ. સૂર્ય તેના નિત્યક્રમ પ્રમાણે ઉદય પામે છે. શાસ્ત્રોમાં વર્ણવેલા ચારેય યુગોની શ્રુંખલા અનેકવાર પરિવર્તિત પામી હશે તો પણ સૂર્યના ઉદય કે અસ્તમાં મીનમેખ નહીં થયો હોય. તેથી જ સૂર્યના અસ્તિત્વને, પ્રભાવને, તેની ક્ષમતાને કોઈ ધારે તો પણ ઝાંખપ લગાવી શકતું નથી. પ્રકૃતિના આવા કેટલાયે સ્વરૂપો આપણે નરી આંખે જોતાં હોવા છતાં આપણે આપણી દરેક પ્રકારની શક્તિ, ક્ષમતાને અવલંબનથી અનાયાસે જ ઢાંકી દીધી છે. પ્રકૃતિના કેટલાયે સ્વરૂપો પોતાની શક્તિ, ક્ષમતા પ્રમાણે જ વર્તી રહ્યા છે, માત્ર માનવી જ અન્યની શક્તિ કે ક્ષમતાની સાથે પોતાની સરખામણી કરે છે અને ક્યારે અવલંબિત બની જાય છે તે તેને ખબર જ નથી પડતી. મોટાભાગના માનવીઓ આવી અવલંબિત જિંદગી જ જીવે છે.

સુખની શોધના પ્રયત્નોમાં આપણું જીવન ક્યારે બીજા પર આધારિત થઇ જાય છે એ આપણને જ ખબર પડતી નથી. માનવી સુખની શોધમાં અવિરત દોડતો રહે છે અને પછી પરિણામ અને લક્ષ્ય બંને માનવીને સંતાકુકડી રમાડે છે. અને માનવી સદાય નસીબને કોસતો રહે છે. હકીકતમાં આપણું પ્રાકૃતિકપણું આપણે જ સાચવી નથી શકતા અને છેવટે કોઈક છાને ખૂણે લઘુતાગ્રંથી ક્યારે અંતરમાં, વ્યક્તિત્વમાં પ્રવેશી જાય છે તે જાણતા જ નથી અને એ જ લઘુતાગ્રંથી પછી વ્યક્તિત્વમાં કેન્સરની જેમ પ્રસરી જાય છે ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ લઘુતામય બની જાય છે અને છેવટે આપણે જેને આધાર બનાવ્યો હતો તેની સામે જ આપણે વામણા અનુભવવા લાગીએ છીએ.

પ્રકૃતિના દરેક ઘટક પૈકીના જ આપણે એક હોવાથી આપણામાં પણ સૂર્ય નહીં તો તેનો સહ્સ્ત્રાંશ કે તેથી ય શુક્ષ્મ અંશ જેવી ક્ષમતા હોય છે. પણ માનવીય સ્વભાવ પ્રમાણે આપણે આપણી ક્ષમતાને, શક્તિને અન્ય સાથે સરખાવીએ છીએ અને પછી ભલે દરેક જણ હમેંશા બોલતું હોય કે, બીજાની લીટી ટૂંકી કરવા કરતા આપણી લીટી મોટી કરવી જોઈએ.. પણ એવું બનતું નથી.. આપણે તો બસ.. આપણા કરતાં બીજી વ્યક્તિ વધુ સુન્દર છે, વધુ સારું લખે છે, સારું ગાય છે, સારું વ્યક્તિત્વ ધરાવે છે, વધુ પ્રભાવી છે એની સરખામણીમાં રચ્યાપચ્યા રહેતા હોઈએ છીએ. એટલે ઘર, ઓફીસ, વ્યવસાયના સ્થળે જાણે અજાણ્યે એ વ્યક્તિથી વધુ સક્ષમ દેખાવા (થવા નહીં) પ્રયત્ન કરીએ છીએ. તેને બદલે જો આપણી જ શક્તિ અને ક્ષમતા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ, જાત ઉપર જ વિશ્વાસ રાખીએ તો વધુ સારું પરિણામ મેળવી શકાય અને આપણે જે ધારીએ છીએ તે થાય.. પણ એવું કરી શકાતું નથી.

આવા અવલંબન યુક્ત સુખની શોધ માત્ર ભ્રાંતિ છે, અજ્ઞાન છે. સુખની શોધથી દુઃખ દૂર નહીં થાય એટલે કે આપણી લીટી મોટી નહીં થાય. ઓશો-રજનીશ કહે છે કે જે સુખ શોધે છે તે દુઃખમાં પડી જાય છે. અને જે દુઃખ નષ્ટ કરવાનું શોધે છે તે સુખ ઉપલબ્ધ કરતો જાય છે. તેનો અર્થ એ કે અન્યના વ્યક્તિત્વનું અવલંબન લીધા વિના આપણી ક્ષમતાને નિખારવાના પ્રય્ત્નોમાં લાગી જશું તો વધુ સારું પરિણામ મળશે. પરાધીનતા જ દુઃખ રૂપ છે જયારે સ્વાધીનતા સુખરૂપ છે. મેનેશીયસ પણ કહે છે કે જેણે કદી દુઃખ ભોગવ્યું જ નથી એ દુનિયાનો સૌથી દુઃખી માણસ છે. એ સતત સુખની શોધ પાછળ ભટક્યા કરે છે અને પછી તો જેવું કોઈ સુખ મળી જાય છે કે સુખની દોટ પણ બંધ થઇ જાય છે. અને ભીતરનું સુખ દેખાવા લાગે છે.

તત્વચિંતક મોન્ત્સકે કહ્યું છે કે, આપણે જો સુખી થવા માંગતા હોઈએ તો તે સહેલું બને પણ આપણે તો બીજો કરતાં વધુ સુખી થવું છે અને તે બહુ મુશ્કેલ છે કારણ કે આપણે જેટલા ખરેખર સુખી હોઈએ તેના કરતાં વધુ સુખી આપણે બીજાને માનતા હોઇએ છીએ. અગ્નિ સોનાની પરખ છે અને દુઃખ માનવીની.. બસ એટલી સમજ જો માનવીને આવી હોત તો તે અજાણતાં પણ અન્યના સુખની ઈર્ષ્ય ન કરતો હોત. તેના બદલે બીજા કરતાં પોતે વધુ સુખી થવું એવી ભાવના વધુ દ્રઢ બની જાય ત્યારથી અવલંબન પાછળની દોટ લ્શરૂ થઇ જાય છે, અને આ જ અવલંબન પાછળ દોડ્યા કરતાં કરતાં આપણે આપણું સુખ ક્યારે ગુમાવી દઈએ છીએ તે ખબર પડતી નથી. બહુ આગળ નીકળી ગયા પછી એ જ રસ્તે પાછા વળતાં આપણો અહમ આપણને નડે છે અને એના કારણે અવલંબન કાયમી વળગાડ બની જાય છે. અન્યને વધુ સુખી જોઈ આપણે વધુ દુઃખી થઈએ છીએ. જાણતા હોવા છતાં આ દેખીતા આશ્ચર્યને આપણે પોષતા જ રહીએ છીએ.

સુખ, તમે જે કંઈ ત્યાગ કરી શકો છો તેના પર આધારિત છે, તમે જે કંઈ મેળવો છો તેના ઉપર નહીં. સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવા દુખો ઊભા કરે છે. હેલન કેલર કહે છે કે સુખનું એક દ્વાર બંધ થઇ જાય તો બીજાં અનેક દ્વાર ઉઘડી આવે છે પણ આપણે બંધ દ્વાર તરફ જોવામાં જ એટલા વ્યસ્ત હોઈએ છીએ કે ઉઘડેલાં નવા દ્વારો તરફ આપણું ધ્યાન જતું જ નથી. તો આખરે આપણે કરવાનું છે શું ? આપણે કોઈ કઠીન કામ કરવાનું નથી, આપણે તો માત્ર એટલું જ કરવાનું છે... અન્યનું અવલંબન ત્યાગવાનું છે. અન્ય સાથેની સરખામણીથી માત્ર આપણને જ ગુમાવવાનું છે. વાસ્તવમાં આપણી ક્ષમતા, આપણી શક્તિ એ ઈશ્વરની દેન છે. ઓછી કે વધુ એ દ્રષ્ટિકોણનો માપદંડ છે. છતાં જે છે તે સ્વીકારીને ચાલવા જેવું કોઈ જ સુખ નથી. તો પછી અન્યનું અવલંબન લઇ પોતાના વ્યક્તિત્વને નિખારવાનો આભાસી આયામ ક્યાં સુધી ચાલુ રાખશું ?

જેમ્સ ઓપનહાઈમરનું એક સરસ વાક્ય છે.. મુર્ખ મનુષ્ય સુખને દૂર શોધે છે જયારે બુદ્ધિમાન મનુષ્ય તેને પોતાના પગ નીચે ઉત્પન્ન કરે છે. સુખ આપણી અંદર જ છે. આપણે નિરથર્ક રીતે તે અન્યોમાં શોધીએ છીએ. બીજાને વધુ સુખી માનીને આપણે જાતે કેટલા દુઃખી થઈએ છીએ તે કોઈ વિચારતું જ નથી. માનવીનો આમે ય સ્વભાવ પરોપજીવી રહેવાને ટેવાયેલો છે. અન્ય બાબતોમાં એ બીજા પર આધાર રાખે તો સમજ્યા, પણ સુખ અને દુઃખ તો એ આપણા મનની સ્થિતિ છે તેને અન્યના સુખ કે દુઃખ સાથે સરખાવી પણ ન શકાય કે તેની તુલના પણ ન કરી શકાય. આપણે જેને દુઃખ માનતા હોઈએ તે અન્ય માટે સુખ હોય એવું બની શકે, તેમ આપણે જેને સુખ માનતા હોઈએ તે અન્યની નજરે દુઃખ હોય તેવું ન બની શકે ? હકીકતમાં તો પ્રકાશને ઓળખવો હોય તમ અંધારામાં રહેવું પડે, દિવસની ચમકને અનુભવવી હોય તો રાત સાથે ઘરોબો કેળવવો પડે. તુલનાત્મક દ્રષ્ટિકોણનો પાયો જ આ છે. સારું અને ખરાબ, દુઃખ અને સુખ, નિર્માલ્ય અને પ્રબળ, સાચું અને ખોટું એમ જો વિરોધાભાસને જીવનમાં આત્મસાત કરવો હોય તો જાતને જોડીને જ કરી શકાય.. તેમાં અવલંબન લેવાને કોઈ અવકાશ જ નથી..

બ્રહ્માસ્ત્ર : હું સ્વર્ગે જવાનું પસંદ નહીં કરું કારણ કે જ્યાં સુખ જ સુખ હોય ત્યાં ખબર શું પડે કે સુખ શું છે ?

બનાર્ડ રસેલ