Saty - Tran Parinamma in Gujarati Spiritual Stories by Vivek Tank books and stories PDF | સત્ય - ત્રણ પરિમાણમાં

Featured Books
Categories
Share

સત્ય - ત્રણ પરિમાણમાં

સત્ય - ત્રણ પરિમાણમાં

આજ દિન સુધી પૃથ્વી પર ફિલોસોફીની જે જે ચર્ચા ચાલતી આવી છે. તેમાં મૂળ વાત છે સત્યની. સત્યની ખોજની. સત્યની તડપની......

આ શાશ્વત વાત છે. મારા , તમારા અને દુનિયાના અંત સુધી આ વાત રહેવાની.

સત્યની ખોજમાં ઘણા નીકળ્યા, ઘણાએ એ સત્યને પ્રાપ્ત પણ કર્યું છે. પણ છતાં એ પછી કોઈ પરિવર્તન નહિ ને માણસ ત્યાં જ હોય એવું પણ બને., આથી હું તો સત્યના એક જ નહી પણ ત્રણ પરિમાણ ( Dimension )જોવ છુ. એક સત્યને જાણવાનું, બીજું સત્યને સમજવું, ત્રીજું સત્યને ટકાવી રાખવું.

મારા મતે તો સત્યને જાણવું એ કઈ અઘરી વાત નથી, કોઈ પણ માણસ એ જાણી શકે છે, ને ઘણું ખરું એ જાણતો પણ હોઈ જ છે. આજ સુધી એવું કહેવાતું આવ્યું છે કે સત્ય કડવું હોઈ છે. અણગમો પેદા કરનાર હોઈ છે. હું એ વાતનો સ્વીકાર કરું છુ પણ હું તો એથી એક ડગલું આગળ વધતા કહીશ કે સત્ય તીક્ષ્ણ હોઈ છે, ધારદાર હોઈ છે, તલવારથી પણ વધુ, એનો પ્રહાર થતા જ બચવું અસંભવ છે માણસને હચમચાવી દે, અગાધ વેદના આપે. હજારો વિછીઓ કરડયાનો ડંખ. આ સત્ય છે. સત્ય નગ્ન પણ છે ને તીક્ષણ પણ.....

પણ . આ સત્ય જાણવું એ જરાય અઘરી વાત નથી. હા તમે એ સ્વીકારી ના શકો પણ જાણી તો શકો જ. જાણવું અને સ્વીકારવું એમાં મોટો તફાવત છે.

દુનિયામાં એવું ઘણું છે જેને તમે જાણો છો પણ સ્વીકારી શકતા નથી.

ઉ.દા. તરીકે , બધાજ લોકોએ સમજતા હશે કે પ્રેમ અદભુત છે. ત્યાં સ્વાર્થ, રૂપ ને કોઈ સ્થાન નથી. રૂપ પછી પહેલા પ્રેમ. પ્રેમ સામે રૂપ ઓળગી જવાનું, જેમ દીવો પ્રગટતા મીણ ઓગળે એમજ. રૂપ કાલે નહી હોઈ, પણ પ્રેમ તો હશે જ. આ બધું જાણતા હોવા છતાં પણ લગ્ન માટે પાત્રની પસંદગી વખતે તમે પહેલી વાત શું જોશો? રૂપ-સુંદરતા. કહાની શરૂ ત્યાંથી જ થશે. સુંદરતા બાદ જ તમે સામેના પાત્રના બીજા પાસા તરફ આગળ વધશો.

એ સુંદર નહી હોઈ તો તમે ત્યાં જ અટકી જવાના. છે ને બહુ મોટો વિરોધાભાસ ?

સત્ય અલગ ને સ્વીકાર અલગ. પ્રેમની તમામ ફિલોસોફી ત્યાં ઉડી જશે.

બીજું એક ઉદા., પૃથ્વી પર એવો કયો માણસ હશે જે મૃત્યુના સત્યને જાણતો નહિ હોય ? એનો તો સ્વીકાર પણ લોકો કરે છે. છતાં પણ આશ્ચર્ય છે, આ સત્ય બધા જાણતાં હોવા છતાં શા માટે લોકો દુર્ગુણો, ગુન્હા, યા તો તમારી ભાષામાં પાપ તરફ વળે છે ? શા માટે કુકર્મો તરફ ધકેલાય છે ??

કોઈ સ્વજનના મૃત્યુના સમાચાર સાંભળતાં કે તેની લાશને નજીકથી જોતા ક્ષણભર થઇ આવે કે આ મૃત્યુ જ સત્ય છે. હવે બધા ગુન્હા બંધ. હવે શ્રેષ્ઠ જીવન જીવવું છે. પણ આ તો ક્ષણિક વિચાર છે, અઠવાડિયા પછી તો એ જ દુરાચાર, ભ્રષ્ટાચાર, માં લોકો લઈ જાય છે. મૃત્યુનું સત્ય ખબર હોવા છતાં પણ આવો વિરોધાભાસ ??? મૃત્યુ છે, કઈ સાથે નહિ આવે છતાં ચોરી, કપટ, ભ્રષ્ટાચારથી આખી જીંદગી અઢળક સંપતિ શા માટે માણસ ભેગી કરતો હશે ??? ( જીવન ટકાવા માટે જરૂરી પૈસા ની અહી વાત થતી નથી ). મૃત્યુની જાણ હોવા છતાં આવું થાય છે. કેમ ???

તો હવે વિચારો , શું સત્ય ખાલી જાણી લેવાથી બધું યોગ્ય થઇ જાય ?સત્ય જાણી લેવાથી કલ્યાણ, શાંતિ,મોક્ષ તમને જે જે શબ્દો ઠીક લાગે તે મૂકી ડો, પણ તે આવી શકે ખરા? હું દાવા સાથે કહીશ, જરા પણ નહી.

એટલે જ મેં કહ્યું સત્યને જાણવું અઘરી વાત નથી.

તો શું અઘરું છે? અઘરું છે એ સત્યને સમજવું. સત્યના કટકા કરી એક એક ટુકડાને નખશીખ સમજવું. સમજણ પછી જ સત્ય રોમ રોમ માં વ્યાપી જાય. પછી એ સત્ય માણસનો સ્વભાવ બની જાય . પછી એ સત્ય કદાચ તમને કામ લાગે ખરું. પછી તમે ધારો તો પણ કદાચ દુર્ગુણ નાં આચરી શકો.

પણ અહી પણ કદાચ શબ્દ મેં મુક્યો છે. થોડી મેહનત , થોડી સાધનાથીથી, થોડી એકાગ્રતાથી સત્ય સમજી શકાય છે. બુદ્ધ , મહાવીર, કૃષ્ણ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રમણમહર્ષિ, અરવિંદ જેવા અનેક લોકો અલગ અલગ માર્ગે જઈને સત્યને સમજી શક્યા હતા. કોઈ પણ માણસ આટલે સુધી જઈ શકે છે.

પણ આ પછીનો માર્ગ ભયંકર છે, કહું તો કહું છું આ રસ્તો તદન કંટાળો, પથ્થરાળો , ખાઈ, વાળો છે. સમજેલા સત્યને જીવનભર , પળેપળે , ક્ષણેક્ષણે ટકાવી રાખવું એ સૌથી અઘરું છે. સત્યને ટકાવી રાખનાર જ બુદ્ધ બન્યા છે.

એ સત્ય તમારા શ્વાસે શ્વાસ માં , રગે રગમાં, દિવસરાત વહેવું જોઈએ. એ ટકી શકે તો સમજવું બીજ માંથી મહાવૃક્ષ બનશે. બાકી એ બીજ અંકુરિત તો થશે પણ એ છોડ બનીને જ રહી જશે અને મહાવૃક્ષ સામે છોડ બહુ ફિક્કું પડી જાય. પવનને , વરસાદને મહાવૃક્ષ ઝીલી શકે, છોડ નહી.

એટલે ખાલી સત્ય જાણી લેવું પર્યાપ્ત નથી. જાણ્યા પછી એ સમજવું ને સમજયા પછી એ જીવનભર ટકાવી રાખવું.

તાત્પર્ય એ છે કે કોઈ પણ જ્ઞાન, ધર્મ, મજહબ, સંપ્રદાય, વિચાર વગેરે ની વિચારધારા માત્ર સત્યને જાણી લેવા સુધી સીમિત ન રહેતા તેને ટકાવી રાખવા સુધી ની હોવી જોઈએ.

પરંતુ કોઈ પણ ધર્મ, ગુરુ માર્ગદર્શક તમને સત્ય સમજવા સુધીનો યાત્રામાં જ તમારો સાથ આપશે. એ પછી એ ત્યાં જ ઉભો રહી જશે . બાકી ની યાત્રા, તેને ટકાવાનો પ્રવાસ માણસે સ્વયં જ ખેડવો પડે છે.

આ બાબતમાં હું બુદ્ધની બાજુ માં ઉભો રહી જાઉં છુ, બુદ્ધે કદી પોતાના તમામ શિષ્યોના નિર્વાણ ની જવાબદારી લીધી નથી, ના તો એણે કહ્યું છે કે હું મુક્તિદાતા છુ. એણે હમેશા કહ્યું છે કે હું માત્ર માર્ગદર્શક ( Mentor ) છુ. હું રસ્તો બતાવી શકું, ચાલવું તમારા પર છે. હું સત્ય બતાવું, સમજો તમે, ટકાવો તમે. એ જ નિર્વાણ.......

( આ આખી વાત મેં લખી હોવા છતાં મેં નથી લખી. આ રાત્રીના અંધકાર માં ઘરમાં બેઠા બેઠા જ અંદરથી નીકળેલી વાત છે. વાત નીકળતી ગઈને હું લખતો ગયો . આ લખનાર હું હતો પણ હું ન હતો.)

  • વિવેક ટાંક