Samajdari - 2 in Gujarati Short Stories by Kinjal khunt books and stories PDF | સમજદારી પાર્ટ-2

Featured Books
Categories
Share

સમજદારી પાર્ટ-2

(2)

આખરે પંદર દિવસ પૂરા પણ થઈ ગયાં ને હોસ્ટેલ જવાનો વખત પણ આવી ગયો. ગઈ વખત કરતાં જો કે હું ઓછી દુખી હતી... ને પંદર દિવસ મારી ‘મહેમાનગતિ’ પણ એવી થઈ હતી, પણ હા, હું પાછું જવું પડશે તેવી બીકે તેમાનું કઈ માણી નહોતી શકી તે અલગ વાત છે.

ગયાં વખતે મે એટલા ધમપછાડા કરેલા કે મને બાપુજી સાથે હોસ્ટેલે મોકલી દેવામાં આવી હતી. પણ આ વખતે મારા મમ્મી-પપ્પા ને બા બધાં મને મૂકવા છેક રાજકોટથી પોરબંદર આવ્યાં. મમ્મીએ એટલા બધાં નાસ્તા બાંધી આપ્યા તા’ કે એટલા તો અમે સાતમ-આઠમના ય નો’તા બનાવતાં. ગયાં વખતે તો બાએ જ ના પાડેલી કે છોકરીને નાસ્તા આપવાની જરૂર નથી ત્યાં ભલે જે હોય એ ખાતા શીખે. હું ઘરે તો મને ભાવતી વસ્તુઓ જ ખાતી ને બીજી વસ્તુઓને હાથ પણ ના લગાડતી એટ્લે મને ખાલી ચોપડા ને થોડા કપડાં આપીને જ ચાલતી કરી દીધેલી, પણ આ વખતે તો બાથી કામ ઓછું થતું તોયે એણે અને મમ્મીએ મળીને જાત-જાતના મને ભાવતા નાસ્તા બનાવ્યા ને યાદ કરી-કરીને ભેગા લીધાં.

પણ ત્યાં હોસ્ટેલના ગેઈટે જ સિક્યોરિટીએ તે લઈ જવાની ના પાડી. ને આ સાંભાળતા જ મારી મમ્મી તો ગાજી ઉઠી... ‘એમ તે કાંઈ ચાલતું હશે? છોકરાવ ને નાસ્તોય નો આપી શકાય અમારાથી, સરસ ચોકખી વસ્તુમાથી બનાવ્યું છે બધુય’ મારી ચિલ્લાતી માં ને માંડ શાંત કરી ખેંચીને હું દૂર લઈ ગઈ. “હશે હવે, એનાં ય તે નિયમો હોય ને મમ્મી, જવા દે..” બોલો, હું કહેતી હતી જવા દે, જેણે પોતે કોઈ દિવસ કાંઈ જવા દીધું નહોતું...મને આવું બોલતી સાંભળી મારી માવડી મારી સામે જોઈ રહી ને હું તેને મસ્ત સ્માઇલ આપીને ભેટી પડી...નીકળતાં પહેલાં જેવી રીતે મારા રૂમની દિવાલોને વળગી પડી તી એવી જ રીતે....ત્યાં તો મારો હાથ પકડીને મારી મમ્મીએ મને ખેંચી..

‘ચાલ’

‘ક્યાં?’

‘શીશશશ....!’ મમ્મી મને ચૂપ રહેવા ઈશારો કર્યો.

સિક્યોરિટીવાળાને મારા બાએ વાતોમાં રોક્યો તો ત્યાં પાછળથી મમ્મી મારો હાથ ખેચી અંદર ઘૂસી ગઈ. છેક મારા રૂમ સુધી મૂકવા આવી, નાસ્તો બધો રૂમમાં સામાન નીચે છુપાવ્યો અને બીજા બધાને મને સાચવવાની ભલામણ કરીને તે બહાર નીકળી, ક્યાય સુધી હું એનો હાથ પકડી ઊભી રહી, એ ઉમરમાં આ બધું વધારે જ આકરું લાગતું હોય. પછી મારા કપાળે ચૂમી તે ચાલતી થઈ ને હું બસ ક્યાય સુધી એને જતાં જોઈ રહી.

(3)

હોસ્ટેલમાં પંદર દિવસ થયાં હશે ને મારા પ્રિન્સિપાલે મને ઓફિસમાં બોલાવી. તે ય બપોર વચારે... આમ તો ત્યાં અમારે સૂવાનો સમય ફાળવાયો નો'તો પણ હું ગમે તેમ કરી સૂવાનો ટાઇમ કાઢી જ લેતી. એટલે આમ બપોરે મારી નીંદર બગડે એ તો સહન જ નો થાય મારાથી ‘શું ખબર શું યે કામ હશે, સુ’વાય દેતા નથી’ એવું બબડતાં હું ઓફિસ પહોચી.

‘કવિતા તારો સમાન પેક કરી લે, તને ઘરેથી લેવા આવ્યાં છે.’

‘હેં...!?’ હું ફાટી આંખે જોતી રહી. મારાં બાપુજી એટ્લે કે પપ્પાના મોટા ભાઈ મને લેવા આવ્યાં હતા. ‘કેમ, તે મમ્મી નહીં, પપ્પા નહીં, કોઈ નહીં ને બાપુજી જ કેમ?’ તેમના ગરમ મગજ ને કટ-કટથી મને ચીડ ચડતી તે બધાને ખબર હતી.

“કવિતા, જલ્દી કર..” બાપુજી મને જોતાં વેંત જ બોલ્યાં.

“કેમ? ...ઘરે જવાનું છે?” મેં પૂછ્યું.

“પછી કહું તને, તું જલ્દી કર સામાન લઈ આવ.”

મને એમની સાથે વાત કરવી ફાવતી જ નહીં એટલે વધું કઈ પૂછ્યા વગર હું ચાલતી થઈ ને સામાન લઈને આવી. નાસ્તો તો એટલો બધો હતો કે હજુ બે મહિના ચાલે એટ્લે એ બધો રૂમની બહેનપણીઓને દઈને આવી. મારી જ રૂમની ચાર જણીઓ તો મને મૂકવા આવી ને રડવા માંડી. તે ચારે’ય એટ્લે રૂપલી, કોમલી, પિયુડી ને ચારુડી... રજા પરથી પરત આવ્યા પછી આ લોકો જોડે મારી આત્મીયતા વધવા લાગી હતી.

“શું ગાંડા જેવી વિદાય આપે છે? હમણાં આવીશ બે’દીમાં પાછી” મે કહ્યું તે બધીને... તે બધી મારા માટે સવિશેષ બની ગઈ હતી. ચારુડી ને કોમલી તો મને વળગીને રોવા જ માંડી, કેમ જાણે પાછી જ ન આવવાની હોય. “રોતલી તો તું જરાય સારી નથી લગતી કોમલી..” સરસ દેખાવાનો એને અનહદ શોખ પણ પાછી વધારે સેન્ટિમેન્ટલ એટ્લે મેં મનાવી એને, “જલ્દી આવજે હોને...” “હા વળી, તને તો હું સાસરે ય ભેગી લઈને જવાની છું.” ને બધી હસી પડી.

બાપુજીને ભગવાન જાણે શું ઉતાવળ હતી? ને કોણ જાણે કોની જાન જતી રહેવાની હતી તે ગાડીનું એન્જિન સ્ટાર્ટ કરીને એકધારી નજરે મારી સામું જોઈ રહ્યાં હતાં.... ‘કવિતા...’ તેમણે બોલાવી એટલે બધાએ મારો સામાન ગાડીની ડેકીમાં મૂક્યો ને હું પણ ગાડીમાં બેઠી. અને બધાં દેખાતા બંધ થયા ત્યાં સુધી અમે એકબીજાની સામે જોઈ હાથ હલાવતા રહ્યાં...

“આ તમારી છોકરીયુની લપ જ નો ખૂટે, કી’ધું અટલે તરત જ નીકળી જાવાનું” બાપુજીએ ઉકાળો કાઢ્યો. મેં કઈ જવાબ ન આપ્યો, થોડીવાર ચાલ્યું તેમનું એ ભાષણ ને પછી ઘર સુધી મૂંગા મંતર જ રહ્યા અમે. રાજકોટ આવી એ સીધા પોતાના ઘરે લઈ ગયાં મને, તેના ઘરે ગાડી ઊભી રહેતા જ,નીચે પગ પણ મૂક્યા વગર હું વીફરી, “આ તો તમારું ઘર છે, મારે મારા ઘરે જાવું છે, મને મારા ઘરે લઈ જાવ, ને તમે મને લેવાં જ શું કામ આવ્યા, મારા પપ્પા કેમ ન આવ્યાં?” મેં રાડ પાડી.

“તારો પપ્પો....” તે અટકી ગયા.

“નીચે તો ઉતર પણ ...”

“નહિ ઉતરું, મને મારા ઘરે લઈ જાવ”

“તારો પપ્પો તો કે’તો તો કે તું સુધરી ગઈ પણ એવી ને એવી જ રહી છો, ભમતાં ભામ જેવી... લઈ જાશું તારા ઘેર, નથી અમારે’ય જોતી તું, પણ નીચે તો ઉતર મારી માં” પણ હું વીફરેલી નાગણની જેમ બેઠી હતી. ના ઉતરી તે ના જ ઉતરી. એટ્લે ના છૂટકે બાપુજી મને લઈને મારા ઘરે આવ્યાં.

ઓહોહોહો.... દૂરથી જ દેખાય કેટલું માણસો મારા ઘરે તો, બધાના કપડાં ને ચહેરા જોઈ મને ગભરામણ થવા લાગી. જાણે કઈક અમંગળ થયું હોય તેવો ભાસ થવા લાગ્યો. હં...હવે સમજાયું કે કદાચ શા માટે આમ અચાનક લેવા આવ્યાં હશે હોસ્ટેલે. હું રડવા જેવી થઈ ગઈ. મારા બાની તબિયત સારી નહોતી રહેતી, અરેરેરે....હું રજામા આવી ત્યારે વધારે વાતોય નહોતી કરી મેં એમની સાથે ને આ... હજી તો ગાડી પૂરી ઊભી રહે એ પહેલા તો બારણું ખોલી મેં દોટ મૂકી ઘરમાં... ને સૌથી પહેલા મારી નજર સામે જ બેઠેલાં બા પર જ પડી. “અરે બા તો જીવે છે...” મારા પગ ધીમા પડ્યાં ને હું ભોઠી પડી. બા મને જોતાં જ રડતાં-રડતાં વળગી પડ્યાં ને મારી નજર તેમના ખભા ઉપરથી અંદરના રૂમમાં ગઈ, જ્યાં બે મૃતદેહો સફેદ ચાદર ઓઢાડેલા બાજુ બાજુમાં પડ્યાં હતાં...

(4)

બા બાજુવાળા ચંપામાસી જોડે વાતો કરતાં હતાં ને હું ત્યાં આંગણું વાળતી હતી તે મેં એમને કહેતાં સાંભળ્યા, “કેવી અવળચંડી, તોફાની ને ભમતી ભામ જેવી હતી. પણ એ દિવસ પછી જો તો ખરા એકે’યવાર રોયે’ય નથી, ને મારી સરુની જેમ જ ઘરને, આ ઘરડી ડોસીને ને એના ભાઈને સાચવે છે...બાઈ, ભગવાનની લીલા જ ન્યારી છે... કોણે વિચાર્યું તું કે વપત આયવે આ આવી સમજદાર થઈ જાશે, ને આવડી બધી જવાબદારી આમ ઉપાડી લેશે. ઘર સાચવવું કઈ ખાવાના ખેલ છે? માં-બાપ વગરની છોકરી એક-રાતમાં મોટી થઈ ગઈ ને અમે મૂઆ થોડા દિવસ એને ઘરમાં ય નો રેવા દીધી તે ન્યા છેક સુધારવા હાટું હોસ્ટેલુમાં મૂકી આયવા. વિધાતાના લેખની ખબર હોત તો છાતીથી આઘી નો કરત મારી રતન જેવી છોકરીને...”

ખબર નહિ આગળ કોણે શું કીધું? પણ આ સાંભળી મારી આંખો રડતી હતી ને હોઠ હસતાં હતાં.