હોટલમાં વાસણ ઘસતો:આજે ઢોંસા વેચી કમાય છે કરોડો
તામિલનાડુના ગરીબ પરિવારમાં જન્મેલા પ્રેમ પોતાના એક મિત્ર સાથે મુંબઇ આવ્યા. દોસ્તે પ્રેમને ૧૨૦૦ રૂપિયાની નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો પરંતુ બાન્દ્રા રેલવે સ્ટેશન પર તે જ દોસ્ત છેતરીને નાણાં લઇને ફરાર થઇ ગયો. મજબૂરીમાં આ શખ્સને ઢાબા પર કામ કરવું પડયું ઢાબા પર કપ-રકાબી અને અન્ય વાસણો પણ સાફ કર્યા અને આજે દેશ વિદેશમાં ઢોંસા પ્લાઝા ના નામે પ્રખ્યાત લગભગ ૭૦ આઉટલેટ્સ ચલાવે છે
-જયદીપ પંડયા
શું તમે કયારેય વિચારી શકો છો કે એક સમયે ઢાબા પર કપ-રકાબી અને અન્ય વાસણો ધોનાર શખ્સને ઢોંસા બનાવવાનો શોખ અબજોપતિ બનાવી શકે છે. જી હાં, દેશ વિદેશમાં ઢોંસા પ્લાઝા ના નામે પ્રખ્યાત લગભગ ૭૦ આઉટલેટ્સ ચલાવનારા પ્રેમ ગણપતિને તેમની મહેનત અને લગનની સાથે સાથે ઢોંસા પ્રેમે અબજોપતિ બનાવી દીધો. ઢોંસા પ્લાઝા પોતાના ૧૦૫ પ્રકારના ઢોંસા ફ્યૂઝનના કારણે વિદેશોમાં ઘણો લોકપ્રિય છે. શોખ બડી ચીજ હૈ. શોખ લોકોને રોડમાંથી કરોડપતિ પણ બનાવી શકે અને શોખ કરોડપતિને રોડપતિ પણ કરી દે છે. કેમ કે, માણસ ઘણી વખત શોખ ખાતર તેમની કિંમતી વસ્તુઓ વેચી નાખતા અચકાતો નથી.. ઘણા શોખ એવા હોય છે કે જેની પાછળ લાગી જાવ તો રાતોરાત માલામાલ થઈ જતા વાર નથી લાગતી. શોખ હોય તો કઈ પણ કામ કરવામાં પણ શરમ રાખવી જોઈએ નહી.આવું જ કંઈક થયું છે તામીલનાડુના પ્રેમભાઈ સાથે. શસ્ત મહેનત કરવાથી સફળતા હાસલ થાય છે તેનું પણ ઉતમ ઉદાહરણ સમાજ સમક્ષ મુકયું છે. માત્ર એક નાનકડી લારીથી ધંધાની શરૂઆત કરીને આજે દેશ-દુનિયામાં અનેક આઉટલેટ શરૂ થઈ ગયા છે.
તામિલનાડુના ગરીબ પરિવારમાં જન્મેલા પ્રેમ પોતાના એક મિત્ર સાથે મુંબઇ આવ્યા. દોસ્તે પ્રેમને ૧૨૦૦ રૂપિયાની નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો પરંતુ બાન્દ્રા રેલવે સ્ટેશન પર તે જ દોસ્ત છેતરીને નાણાં લઇને ફરાર થઇ ગયો. પ્રેમની મુશ્કેલી એ હતી કે અહીં તેમને કોઇ ઓળખતું નહોતું. અને મુંબઇની ભાષાથી પણ અજાણ હતા. છતા પ્રેમે હિંમત હાર્યા વગર મુંબઈમાં કોઈ પણ ભોગે સેટ થવા તેમણે મથામણ કરી. શરૂઆતમાં મજબૂરીમાં આ શખ્સને ઢાબા પર કામ કરવું પડયું કારણ કે ઘરે પાછા જવાનો તો સવાલ ઉભો થતો નહોતો. પ્રેમની કહાણી કોઈ ફિલ્મ સ્ટોરીથી કમ નથી. શાહરૂખ ખાન, અમિતાબ બચ્ચન સહિત આપણા ઘણા બોલીવૂડ સ્ટારે પણ તેમની કારર્કીદીની શરૂઆત મુંબાઈમાં કંઈક આવી જ રીતે કરી હતી.
પ્રેમે દોઢસો રૂપિયા મહિનાના પગારે માહિમમાં એક નાની બેકરીમાં વાસણ સાફ કરવાનું કામ રાખી લીધું. નાણાં ભેગા કરવા રાતે એક નાનકડી હોટલ પર રસોઇનું કામ શરૂ કરી દીધું. પ્રેમને ઢોંસા બનાવવાનો શોખ હતો અને આ જ શોખને કારણે ઢાબા માલિક પ્રેમથી ખુશ રહેતો હતો.
૧૯૯૨ની વાત છે જયારે મહિનાઓની સખત મહેનતથી પ્રેમે થોડાક નાણાં ભેગા કર્યા અને ઢોંસા ઇડલી બનાવવાની એક લારી ભાડેથી લીધી. પ્રેમે ૧૦૦૦ રૂપિયાના વાસણો ખરીદ્યા, એક સ્ટવ લીધો અને ઢોંસા બનાવવાનો કેટલોક સામાન ખરીદ્યો. ઢોંસાની આ લારીને લઇને તેઓ વાશી રેલવે સ્ટેશને પહોંચી ગયા અને ઢોંસા બનાવવા લાગ્યા. પ્રેમના બનાવેલા ઢોંસા ટુંક સમયમાં જ સ્ટેશન પર આવતા-જા કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થવા લાગ્યા.
૧૯૯૭માં પ્રેમે ૫૦૦૦ રૂપિયા માસિક ભાડેથી એક દુકાન ખરીદી લીધી. અને બે લોકોને નોકરીએ રાખીને ઢોંસા રેસ્ટોરન્ટ ખોલી. રેસ્ટોરન્ટનું નામ રાખ્યું- પ્રેમ સાગર ઢોંસા પ્લાઝા. આ રેસ્ટોરન્ટમાં મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ જ આવતા હતા. છોકરાઓ સાથે પ્રેમની મિત્રતા થઇ. અને દોસ્તીમાં તેઓએ પોતાનું કોમ્પ્યુટર પ્રેમને વાપરવા માટે આપતા હતા. પ્રેમ ઇન્ટરનેટ પર દેશ-વિદેશમાં ઢોંસાની ડઝનેક રેસીપી જોઇને પોતાની નાનકડી રેસ્ટોરન્ટમાં નિત-નવા પ્રયોગ કરતાં અને વિદ્યાર્થીઓને ખવડાવતાં.
ટુંક સમયમાં જ પોતાના રેસ્ટોરન્ટમાં પ્રેમ ૨૦ જાતના ઢોંસા બનાવવા લાગ્યા. નવા નવા ઢોંસા ખાવા માટે લોકોની ભીડ ઉમટવા લાગી. જેનાથી ઉત્સાહિત થઇને પ્રેમે પોતાની રેસ્ટોરન્ટની સંખ્યા વધારી. અને ઢોંસાની વેરાયટી પર ધ્યાન કેન્દ્રીત કર્યું.
દેશ-વિદેશમાં ૧૦૫ પ્રકારના ઢોંસા
૨૦૦૫ આવતાં આવતાં આ જ રેસ્ટોરન્ટમાં પ્રેમે ઘણાં પ્રયોગ કર્યા. અને ૧૦૫ નવા ઢોંસા લોન્ચ કર્યા. આ રેસ્ટોરન્ટ મુંબઇ સહિત આસપાસના શહેરોમાં લોકપ્રિય થઇ ગઇ અને પ્રેમે બીજી અનેક રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે.
દરમ્યાન પ્રેમે પોતાના ગામથી તેના ભાઇને બોલાવી લીધો અને બિઝનેસ વધવા લાગ્યો. એક એક કરીને ઢોંસા પ્લાઝાના ડઝનેક આઉટલેટ દેશભરમાં ચાલવા લાગ્યા અને પ્રેમ સાગર ઢોંસા પ્લાઝા વિદેશ સુધી પહોંચ્યા.
આજે દેશભરમાં ઢોંસાની વેરાઇટી માટે પ્રેમ સાગર ઢોંસા પ્લાઝાની ચર્ચા છે. ઢોંસા પ્લાઝામાં ૧૦૫ પ્રકારના એક્ઝોટિક વેરાઇટીના ઢોંસા ફ્યૂઝન ઉપલબ્ધ છે અને ૨૭ ડ્રેડમાર્ક ઢોંસા છે. ભારતમાં ઢોંસા પ્લાઝાના ૪૫ આઉટલેટ્સ છે. જયારે આંતરરાષ્ટ્રીય લેવલે ન્યૂઝીલેન્ડ, મિડલઇસ્ટ અને દુબઇ સહિત ૧૦ દેશોમાં ઢોંસા પ્લાઝાના આઉટલેટ્સ ચાલી રહ્યા છે.
દરમ્યાન પ્રેમે પોતાના ગામથી તેના ભાઇને બોલાવી લીધો અને બિઝનેસ વધવા લાગ્યો. એક એક કરીને ઢોંસા પ્લાઝાના ડઝનેક આઉટલેટ દેશભરમાં ચાલવા લાગ્યા અને પ્રેમ સાગર ઢોંસા પ્લાઝા વિદેશ સુધી પહોંચ્યા છે. હવે આ ધંધામાં પ્રેમે તેના પ॥રિવારજનોને પણ સામેલ કરી તેઓને પણ લાઈન ઉપર લગાડી દીધા છે. દિવસે દિવસે ધધો હરણફાળ ભરી રહયો છે.
..............................