Kamini in Gujarati Love Stories by SWATI SHAH books and stories PDF | કામિની

Featured Books
Categories
Share

કામિની

કામિની -૧

સ્વાતિ શાહ

“હલો કામિની , કેવી ગઈ પરીક્ષા ? ક્યારે આવે છે અમદાવાદ .યાર હું તારી રાહ જોઉં છું અને હા માસી ને આ વખતે કહીદેજે કે તું આખું વેકેશન મારી સાથે રહેવાની છું .મને કોઈ હા ના નહી ચાલે . બાય ફોન મુકું છું જેથી તારી દલીલ ના સંભાળવી પડે .”

કામિની અને બેલા બેઉ મસિયાઈ બહેન. બંને વચ્ચે ખાલી પાંચ મહિનાનો ફેર . કામિની બેલા કરતાં પાંચ મહિના મોટી . કામિનીના પિતા કલોલ માં ડોક્ટર . જનરલ પ્રેક્ટીસ કરતાં અને માતા આદર્શ ગૃહિણી. બેલા તેના ભાઈ અને માતાપિતા સાથે અમદાવાદ રહેતી . બેલાના પિતા કામિનીના માસા અમદાવાદના પ્રખ્યાત આર્કિટેક . અગિયારમાં ધોરણની પરીક્ષા પૂરી થતાં કામિનીને આગળ ભણવા અમદાવાદ કોલેજમાં મુકવી તેવું બંને ઘરનાં સભ્યોએ નક્કી કરી દીધેલ . આથી કામિનીની માતા આનંદીબેન ને હતું કે આ વેકેશન કામિની પોતાની સાથે રહે, પણ બેલા અને કામિની એ નક્કી કર્યા પછી કોઈની મજાલ કે ફેરફાર થાય . દરેક વેકેશનની જેમ આ વેકેશન પડ્યાના બે દિવસમાં તો કામિની માસીને ઘરે બેલા સાથે રહેવા પહોંચી ગઈ. બેલાને મન કામિની એટલે જાણે સગી બહેન . આમ પણ કામિની એક્ની એક ,એટલે બેલા અને બેલાથી બે વરસ મોટો તેનો ભાઈ સાહિલ કામિની ને મન સગા ભાઈબહેન . વેકેશન પડે ને ત્રિપુટી જામે .

કલોલ જેવા નાના ગામમાં રહેવાથી આનંદીબેન પણ ઈચ્છતા કે કામિની અમદાવાદ જેવા શહેરમાં રહે તો વિચારસરણી અને રહેણી માં ફેર રહે . આમતો બેલા અને કામિની ને ઘણું બને પણ બેલાને તોફાનમસ્તી ઓછા ગમે . વાંચવું ,લખવું ચર્ચા કરવી વધારે ગમે . કામિની સ્વભાવે ચંચળ અને તોફાની, હિન્દી પિકચરનો ઘણો શોખ પણ ઈંગ્લીશ પિક્ચર ની વાત આવે ને કામિની વાત ઉડાવી દે અથવા જીદ કરી હિન્દી પિક્ચર જોવા ખેંચી જાય . કામિની અને સાહિલને ઘણું બને. વેકેશનમાં સાહિલ અને કામિનીને આખો સમય પત્તાં રમવા અને પત્તામાં અંચાઈ કરી ઝગડવું એ વિશેષ પ્રવુતિ . અંચાઈ કરતાં જેવી પકડાય ને મારામારી ચાલુ થાય એટલે કામિનીનો હમેશની જેમ બોલતા બોલતા રડવાનું શરુ, ” મને મુઈને અંચાઈ કર્યાં વગર ચેન નથી પડતું ,જો ના કરું તો આ સાહિલીયા સાથે ઝગડું કેવીરીતે !!” આમ પત્તાની રમતનો અંત નક્કી જ હોય. એટલે બેલાને મજા . એકબાજુ ખસી બેઉના ઝગડા સાક્ષીભાવે જોયા કરતી ને મનમાં મરક્યા કરતી . સાંજ પડે મહાદેવનાં દર્શન કરવાનું કહી બેલા અને કામિની ચાલવા નીકળી પડતાં .

ફોનની સળંગ ઘંટડી વાગે અને જો કોઈ તરત ના ઉપાડે તો બેલાનું મગજ ફરી જતું .”અરે કામિની .. સાહિલ કોઈ ફોન કેમ નથી ઉપાડતા ? ત્યાં જ તો ફોન પડ્યો છે .” કામિની છાશિયું મોં કરી ફોન ઉપાડવા ઉઠી સાહિલ સામે બેઠો દાંતિયા કરી હસતાં કહે ,” ઉપાડ તારો જ ફોન હશે .” રમતમાં ખલેલ પડવાથી આમપણ કામિનીનો મૂડ બગડેલો હતો . કોલર આઈડી માં નંબર જોતાંતે બોલી ઉઠે છે ,” હા બોલ શું હતું ? ત્યાંજ ,” અરે કામિની બેટા ,શું કરે છે ? ઘરમાં કોઈ નથી કે ફોન ઉપાડતા આટલી વાર કરી?એવી તો ક્યાં બીઝી થઇ ગઈ છે કે મને યાદ પણ નથી કરતી ?” આનંદીબહેનના અવિરત સવાલોની ઝડી ચાલુ થઇ ગઈ . કામિની વચ્ચે અટકાવતા બોલી “ કંઇ ખાસ કામ હતું ?”, આનંદીબહેન શું બોલે ,” બેટા તારી યાદ આવી એટલે ફોન કર્યો. ઘરમાં હવે બહુ એકલું લાગે છે .માસીને ઘરે તું મજામાં હોય તે મને ખબર છે પણ મને તો તારી યાદ આવે જ ને ! સારું ચાલ ફોન મુકુ માસીને યાદ આપજે .” ફટાફટ ફોન પત્યાં ના આનંદ સાથે કામિની પાછી સાહિલ સાથે પત્તાં રમવામાં મશગુલ .

“છોકરા છે ,વેકેશનમાં રમે .એકવાર કોલેજમાં આવશે પછી ક્યાં સમય મળવાનો છે ?” બેલાના પપ્પા નરેશભાઈ ના આ વાક્યો રંજનબેન ને ગોખાઈ ગયા હતાં એટલે તેમની આગળ રંજનબેન કંઇ બોલી શકતા નહિ . મનમાં થતું ,” આ વેકેશન એકજ એવું છે કે ઘણુબધું શીખી શકાય .આ છોકરીયો જીવનનો ઘણો સમય બગાડે છે . બસ આખો દિવસ રમવું ને સાંજ પડે ફરવા જવું ! ” પરીક્ષાનું પરિણામ આવવાને વાર હતી એટલે બેઉ બેફીકરા થઈ ગયા છે તેવું બેલાની માતા રંજનબેનને લાગ્યાં કરતુ હોવાથી ધીમેધીમે માર્કેટથી શાક લાવવું , સવારે કેરીનો રસ કાઢવો જેવાં કામ હવે બંને ને સોંપવા લાગ્યા . સવાર આમ પસાર થઇ જતી અને બપોર આખી પત્તાં અથવા કોઈ ગેમ રમવી ને સાંજ પડે ચાલવા નીકળી જવું ... બસ આમ દિવસો ઉડવા લાગ્યાં. પરીક્ષાનું પરિણામનો દિવસ નજીક આવતાં કામિની ને પાછા કલોલ તો જવું જ પડે !

રાતે અગાશીમાં સુતી વખતે ઉદાસ બેલાને જોઈ કામિનીને હસવું આવી ગયું . હસતાં હસતાં સાહિલને કહે ,” આ બેલાનું મોં તો જો જાણે હું સાસરે જતી હોઉં ! અરે રીઝલ્ટ લઈને તુરંત પાછા આવવું જ પડશે ને ? કોલેજમાં એડમીશનની તારીખ જે ડીકલેર થાય તે જણાવજે અને મોડી હશે તો પણ હું બને તેટલી વહેલી જ પાછી આવી જઈશ .

કામિની અને બેલા બંને ફર્સ્ટક્લાસ થી પાસ થઈ ગયા ને હાશ રંજનબેન ને થઇ . રંજનબેનને બહુ ચિંતા હતી , સારા ટકા આવેતો સારી કોલેજમાં એડમીશન મળે . કામિની રિઝલ્ટ લઇ તુરંત અમદાવાદ આવી અને એડમિશનના દિવસે આર્ટસ ની સારી કોલેજ માં ફી પણ ભરાઈ ગઈ. બેલાએ ઈંગ્લીશ મીડીયમ લીધું અને કામિનીએ ગુજરાતી મીડીયમમાં . રંજનબેન જીદ લઇ બેઠાં હતાં કે કામિની એમનાં ઘરે રહીને કોલેજનો અભ્યાસ કરે પણ જેવી એમણે આનંદીબેન ને વાત કરી તેવા આનંદીબેન બોલી ઉઠ્યાં ,” બેન હું જાણું છું કે તમે અને નરેશકુમાર અમારાં કરતાં કામિનીને સવાયું રાખો છો . કહેવાય છેને કે મા મરજો પણ માસી ના મરજો . પણ અમે હવે ઈચ્છીએ છીએ કે કામિની બહારના વિશ્વમાં પગ માંડે. એને થોડી જવાબદારીનું ભાન થાય માટે જ અમે કામિનીને હોસ્ટેલમાં મુકવા ઈચ્છીએ છીએ , ખરાબના લગાડશો .”

નરેશભાઈને પણ આનંદીબેનની દલીલ યોગ્ય લાગી ને કહ્યું ,” તમારો નિર્ણય બરાબર છે . રંજન આપણા ઘરથી કામિની ની હોસ્ટેલ બે કિલોમીટર ની દૂરી પર પણ નથી અને કોલેજ પણ નજીક છે . છોકરીયો મોટી થાય તો તેમને ખીલવાનો સમય આપવો જરૂરી છે . આપણે આપણી લાગણી પર કાબુ રાખવો જરૂરી છે . હવેતો તેમની જિંદગીની શરૂઆત છે .” રંજનબેન અને બેલા બે ઉદાસ થયાં. સાહિલ એકદમ બોલી ઉઠ્યો ,” બેલા તને તો કામિની સાથે હોસ્ટેલ લાઈફ જોવાં મળશે . ગર્લ્સ હોસ્ટેલ પાસે હું ફરકી નહિ શકું ! કામિની તારે ઘરે આવતાં જતાં રહેવાનું. નહીતો મને બહુ સુનું લાગશે .”

“ચાલો હવે ચર્ચા પતાવો અને છોકારોયો તમે હોસ્ટેલ એડમીશન ની ફોર્માલીટી પતાવી દો એટલે ગંગા નાહ્યાં .ચાલ રંજન આજે હું નરેશકુમાર માટે વેડમી બનાવું .” કહેતાં આનંદીબહેન મન કાઠું કરી પ્રવૃત્તિ માં લાગીજવા ઉભા થઇ ગયાં . એડમીશન ફોર્મમાં નરેશભાઈ ની ગાર્ડિયન તરીકેની સહી લઇ કામિની અને બેલા હોસ્ટેલ પહોચ્યાં .

સોળ વર્ષ પુરા કરી આંખમાં એક શમણું સાચવી કલોલ જેવાં નાના ગામમાં થી અમદાવાદ શહેરમાં એકલાં હોસ્ટેલમાં રહેવું એ કામિનીને મન એક થ્રિલ . “ હવે પંદર દિવસમાં કોલેજ ખુલે ને ત્યારબાદ બે દિવસ પછી હોસ્ટેલમાં રહેવાં જવાનું !! બેલા તું સાંજ પડે મને મળવા આવીશને ? એકબાજુ ખુશી છે ને એકબાજુ થોડો ભય . હિન્દી પિકચરમાં આપણે નથી જોતાં ? રૂમ પાર્ટનર અને સીનીયર ની હેરાન કરવાની રીત ને બધું .. મને તો જેમજેમ દિવસ પસાર થાય છે તેમ થોડો ડર લાગે છે . ” “ અરે એ બધું હિન્દી પિકચરમાં હોય , કંઇ જોવે છે તેવું હકીકતમાં ના હોય . એવું જ હોયતો આટલી છોકરીયો કેમની રહેતી હશે ,જરા વિચારતો ખરી?” આવો સંવાદ લગભગ રોજ રાત નો બેલા અને કામિની નો રહેતો . સવાર પડતી ને પાછું એક લીસ્ટ બનતું. હોસ્ટેલમાં શું લઇ જવું ને શું નહિ ..રંજનબેન પોતાની રીતે લીસ્ટ બનાવતાં છોકરીયો પોતાની રીતે.આનંદીબેન ને તો વિભક્ત કુટુંબ માં રહેતાં હોવાથી કલોલ પાછા જવું પડ્યું તેથી રોજ બપોરે બંને બહેનોની વાતો ચાલતી . કામિનીને કંઇ સજેશન આપવા હોયતો તેઓ રંજનબેન ને કહેતાં કારણ કામિનીને ન ગમે નો એક ડર ...

એક ની એક દીકરી , એને જ્યારે ખરેખર પાસે રાખી જીવનનાં મૂલ્ય શીખવાડવાના હોય ત્યારેજ તેને બહારગામ અભ્યાસ કરવાં મોકલી દેવાની એ વિચાર આનંદીબેન ના મગજમાં સતત પરેશાન કરતો રહેતો . કરે પણ શું ! કલોલ જેવું નાનું ગામ ભણતર નો સવાલ , પતિની ધીકતી મેડીકલ પ્રેક્ટીસ છોડી શહેરમાં સેટલ થવાનો તો પ્રશ્ન જ નહોતો . બાળપણ નાં સંસ્કાર ક્યાંય જવાનાં નથી . આજનાં જમાના પ્રમાણે ગણતર સાથે ભણતર એટલુંજ અગત્યનું છે એમ વિચારી આનંદીબેન મન મનાવતા .

કોલેજ ખુલવાના અઠવાડિયા પહેલાં સામાન લેવાં કામિની કલોલ ગઈ ત્યારે જાણ્યું કે તેની ક્લાસમાં ભણતી ભાવના એ એની જ કોલેજમાં અને એની જ હોસ્ટેલમાં એડમીશન લીધું છે. એક રાહતની લાગણી કામિનીમાં પ્રસરી . ખુશ ખબર તો તરત બેલાને અપાઈ જાય . દિવસે લીસ્ટ મુજબ વસ્તુઓ ભેગી કરવી અને રાત પડે બેલા અને સાહિલ સાથે ફોન પર વાત કરવી . ભાવનાની મોટી બહેન શહેરમાં રહી અભ્યાસ કરી ચુકી હતી એટલે તેના અનુભવે ભાવનાને બધી ખબર હતી આથી કામિની પણ તૈયારી દરમ્યાન ભાવનાને મળી ને પોતે કરેલ લીસ્ટ બતાવી દેતી . કામિનીની કોઠા સુઝ જોઈ આનંદીબેન ને એક પ્રકારે સંતોષ થતો .

આખરે કોલેજ ખુલવાનો દિવસ નજીક આવતા આનંદીબેનની સૂચનાઓ વધતી ચાલી .” અરે બેલા, માસીને કહેને આ મમ્મીને કંઇ સમજાવે . હું તો તેના સૂચન સાંભળી ને થાકી ગઈ .મને લાગે છે હું જ્યાં સુધી ત્યાં આવી નહિ જાઉં ત્યાં સુધી મમ્મીના અવિરત સૂચન સાંભળતી રહીશ. રાત પડે મારું માથું પાકી જાય છે .” એક રાતે જ્યારે કામિનીને બેલા સાથે ફોન પર આમ વાત કરતી સાંભળી ત્યારે આનંદીબેન ને એક ઝાટકો લાગ્યો . બીજે જ દિવસે તેમણે રંજનબેનને વાત કરી ત્યારે રંજનબેન તેમને સમજાવવા લાગ્યાં કે હવે કામિનીને સૂચન આપવાના બંધ કરી દે. આમપણ બીજે દિવસે તો કોલેજ ખુલવાની હતી એટલે સાંજ સુધીમાં તો નીકળવાનું હતું. છેલ્લાં દિવસે દીકરીને દુઃખી કરવી નહિ અને હસતાં મોં એ દહીં ના શુકન કરાવી વધુ અભ્યાસ માટે મોકલવી તેવું આનંદીબેન ને નક્કી કરીલીધું .

પહેલાં બે દિવસતો મોટીબહેન ને ત્યાં રોકાવાનું હતું એટલે આનંદીબેન થોડાં હળવા થયાં. નકામી એક દિવસની પ્રેક્ટીસ બંધ કરી જવું , પાછા એક દિવસ માટે ઘર બંધ કરવું ... કામિની પોતે ગાડી ડ્રાઈવર સાથે જવાની હતી એટલે તે અને ભાવના સાથે ચાલ્યાં જશે તેમ ઘરમાં કહી દીધું . સાંજ સુધીમાં કામિની પહોંચી એનાં જીવનનો નવો આધ્યાય શરુ કરવા .

રાત આખી એક અજંપા માં પસાર થઇ . દરેક વેકેશનમાં માસીના ઘરે રહેવા આવતી કામિનીને આજે પહેલીવાર પોતાનાં ઘરની બહાર નીકળી હોય તેવું મહેસુસ થયું . વેકેશનમાં થોડાં દિવસ રહેવું અલગ વાત છે અને હોસ્ટેલમાં રહી કોલેજમાં આગળ અભ્યાસ કરવો એ અનુભૂતિ કંઇક જુદી છે એવું કામિનીને લાગ્યું . સવાર કેમ કરતાં પડશે ? કોલેજનો પહેલો દિવસ કેવો રહેશે? આવાં અનેક સવાલ કામિનીના મનમાં થતા એની ઉંઘ વેરણ બની .મળસ્કે જરાક આંખ લાગી ત્યાં સવારમાં છ વાગ્યામાં તો ,” કામિની ઉઠ ,કોલેજનું મોડું થઇ જશે .” એમ બેલાની બૂમ સંભળાવા લાગી ત્યારે કામિની મહામહેનતે આંખ ખોલી શકી .

બેલાને કામિનીનું મોં જોઈ નવાઈ લાગી . કામિનીએ જ્યારે કહ્યું કે પોતે આખીરાત ઉંઘી નથી શકી ને કેવાં વિચાર આવતાં હતાં ... ચિંતા માં ઉંઘ વેરણ થવી એ બેલાના મતે કામિની નું અસ્વાભાવિક પાસું હતું જે આજે પહેલીવાર છતું થયું . બોર્ડની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું ત્યારે પણ કામિની આટલી વિચારમાં રહી નથી . હશે ધીમે ધીમે ગોઠવાઈ જશે તેમ બેલા વિચારતી તૈયાર થઇ . સાહિલ પણ વહેલો ઉઠી ગયો અને બંને બહેનોને કોલેજ મુકવા જવાની ઈચ્છા પ્રગટ કરી . પાણીનો શાવર ચાલું કરતાં જ કામિની વિચારવા લાગી કે બસ હવે કોઈ પ્રકારનું ટેન્શન કર્યાં વગર પોતે કોલેજનાં પહેલાં વર્ષની શરૂઆત કરશે .

ભીનાં વાળ ઝાટકવા સાથે જાણે મનનો ભાર ઝાટકતી હોય તેમ ફ્રેશ થઇ તૈયાર . જ્યારે બેલાએ કહ્યું કે સાહિલ કોલેજ મુકી જવાની ઈચ્છા રાખેછે તો કામિની એ તે વાત નો વિરોધ કરતા કીધું,“ શું આપણે નાની છોકરીઓ છીએ કે આંગળી પકડી કોલેજ જવાનું ? નજીકમાં તો કોલેજ છે ચાલતાં માંડ પંદર મિનીટ. ના, સાહિલ અમે જતાં રહીશું .” સાહિલને તો દ્રઢ વિશ્વાસ હતો કે હજુ બેલા ના પાડશે પણ કામિની તો એની મુકવા જવા ની ઓફર સહર્ષ સ્વીકારી લેશે . સાહિલનું મોં જોઈ બેલાએ ઈશારો કર્યો કે આગળ કંઇ વધારે બોલીશ નહીં . કામિનીનું મગજ અપસેટ છે. બેલા અને કામિની નવાં કપડાં પહેરી તૈયાર થઇ રંજનબેન અને નરેશભાઈ નાં આશીર્વાદ લઇ કોલેજ જવા નીકળ્યાં .

રસ્તામાં બેલાએ આડીઅવળી વાત કર્યાં કરી .કામિની એ કહ્યું , “ આજે મારી સ્કુલ ફ્રેન્ડ ભાવના મળશે . બંને નો ક્લાસ એકજ હોય તો સારું . બેલા તું તો બીજાં ક્લાસમાં જઈશ . રીસેસ માં મને મળજે . આપણે કોલેજમાં ક્યાં મળવું તે જગ્યા પહેલેથી નક્કી કરી દઈશું એટલે વાંધો ના આવે.” કોલેજ નજીક હતી એટલે સવારમાં ચાલતાં જવાની મઝા આવી . કોલેજનો રશ જોઈ હવે જરા બેલાને પોતે એકલી પડી જશે તેવું લાગ્યું . કામિની ને તો ભાવના ની કંપની છે. નોટીસ બોર્ડ પર નામ અને ક્લાસ વાંચી છુટા પડ્યાં . ભાવના અને કામિની સાથે મળી ને ક્લાસમાં ગયાં. ક્લાસમાં નવાં જુદીજુદી શાળા અને ગામથી આવેલાં વિદ્યાર્થી મળ્યાં. પહેલો દિવસ ઓળખાણમાં ક્યાં પુરો થઇ ગયો તે ખબર ના પડી . કામિની અને બેલા બંને નવા ફ્રેન્ડઝ બનાવી ખુબ ખુશ હતાં .

પાછા જતી વખતે રસ્તામાં કામિની બોલી ઉઠે છે ,” બેલા ,ધાર્યું હતું એનાં કરતાં દિવસ સારો રહ્યો . હવે હોસ્ટેલમાં ગોઠવાઈ જાઉં એટલે શાંતિ .” બપોરે હોસ્ટેલ ઉપર જઈ રેક્ટર ને મળી બીજે દિવસે સમાન સાથે પહોંચવા નું નક્કી કરતાં હતાં ત્યાં કામિની એ ભાવના અને તેને એક રૂમ માં રહેવા મળે તેવી રીક્વેસ્ટ કરી જે સહર્ષ સ્વીકારતાં જીવ હેઠો બેઠો .બેલા અને કામિની ઘરે આવી સાહિલ સાથે વાતો કરવાં આતુર હતાં . રાતનાં જમવાના ટેબલ પર જમતી વખતે બંને જણા એ પોતાનાં કોલેજનાં પ્રથમ દિવસ ની વાત કરી . બીજે દિવસે કામિની સામાન લઇ હોસ્ટેલ જવાની હતી એટલે રંજનબેન બધું ફાઈનલ પુછી લીધું .

કામિની જવાબ તો આપતી હતી પણ મનમાં કંઇ મુંઝવણ હોય તેવી રીતે .બેલા એ રાતના સુતાં કામિનીને તેની મુંઝવણ પુછી તો કામિની એ જવાબ આપ્યો , “ અત્યારે સુઈ જા કાલે વાત.” ને હવે થઇ બેલાની ઉંઘ હરામ .