Mar Khadho pan Fojdar to joyo in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | માર ખાધો પણ ફોજદાર તો જોયો

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

માર ખાધો પણ ફોજદાર તો જોયો

વ્યંગ

માર ખાધો પણ ફોજદાર તો જોયો!

-યશવંત ઠક્કર

માર ખાધો પણ ફોજદાર તો જોયો. છે ને અનેક પ્રકારનાં અર્થઘટન કરવાનું મન થાય એવી કહેવત! આ કહેવતમાં રહેલું તત્વજ્ઞાન જેટલું કાઠિયાવાડી પ્રજાને સમાજાયું હશે એટલું બીજી કોઈ પ્રજાને નહિ સમજાયું હોય. આ કહેવત પણ જરૂર કોઈ કાઠિયાવાડી માણસે શરૂ કરી હશે. આમેય કાઠિયાવાડ એટલે કહેવતનું વધારેમાં વધારે ઉત્પાદન કરતો પ્રદેશ! કાઠિયાવાડી માણસ સામાન્ય વાતચીતમાં પણ જે જે વાક્યો બોલે એ બધાં કહેવત થવાને લાયક જ હોય.

એક જમાનામાં ગામડાં ગામમાં રહેનાર લોકોને ફોજદાર સાવ નજીકથી જોવા મળે એવું બહુ ઓછું બનતું. એવા જમાનામાં કોઈ ફોજદારે કોઈ ગામમાં જઈને કોઈ કાઠિયાવાડી માણસને કોઈ ગુનાની તપાસના અનુસંધાનમાં પોલીસ મથકે બોલાવ્યો હશે. એને એક બે તમાચાનું પ્રદાન પણ કર્યું હશે. પછી છોડી દીધો હશે. બહાર નીકળીને એ માણસે પોતાને થયેલા અનુભવનું વર્ણન કર્યું હશે અને છેલ્લે હકારાત્મક અભિગમ દાખવ્યો હશે કે, ‘ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!’ ત્યારથી આ કહેવત શરૂ થઈ હશે. પોઝિટિવ થિંકિંગ શીખવાડનારા વિદ્વાનો ઉદાહરણ આપવા માટે ખપમાં લઈ શકે એવી આ વાત છે.

આ પ્રકારનું પોઝિટિવ થિંકિંગ ધરાવનાર એક યુવાને એક યુંવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો તો બદલામાં એ યુવતિએ એને એક તમાચો મારી દીધો. એ યુવાનના મિત્રોએ આ દૃશ્ય જોયું છતાંય એ યુવાને વિચલિત થયા વગર મિત્રો સમક્ષ પોતાનું પોઝિટિવ થિંકિંગ રજૂ કરતાં કહ્યું કે, ‘ભલે એણે મને તમચો માર્યો પણ મને એના હાથનો સ્પર્શ તો થયો.’

જીવનમાં તકલીફ પડે, નુકશાન થાય, બાજી અવળી પડે છતાંય આફસોસ કરવાના બદલે ‘નવું કશું શીખવા મળ્યું’ એવું મોટું મન રાખવામાં જ મજા છે. મારી જ વાત કરું તો મેં પણ એક મને થયેલા અનુભવ પછી પણ આવો જ અભિગમ દાખવ્યો હતો.

આમ તો હું મારી નાનીમોટી બીમારી વખતે મારા ફેમિલી ડોકટર પાસે જ જાઉં છું. પરંતુ એમનું દવાખાનું દૂર પડતું હોવાથી અને ત્યાં ઘણું બેસવું પડતું હોવાથી એક દિવસે મેં નજીકમાં હોય એવી એક જાણીતી હોસ્પિટલમા જવાનું સાહસ કર્યું. મને ચક્કર આવવાની તકલીફ થઈ હતી.

ડોકટરે સારવારના ભાગ રૂપે કેટલાક ટેસ્ટ કરાવ્યા. મારા હૃદયની ચાલ ચલગત જાણવા માટે મારો કાર્ડિયોગ્રામ પણ કાઢ્યો. બસ, ત્યારબાદની ઘટનાઓ ઝડપથી બનવા લાગી. મારી પાસે વિચારવાનો કોઈ મોકો જ ન રહ્યો.

હોસ્પિટલના આર્થિક વ્યવહારોની નોંધ રાખનાર કારકુને મારી પાસે આવીને કહ્યું કે, ‘તમને હાર્ટએટેક આવ્યો છે માટે અમારી મોટી હોસ્પિટલ ‘સલામત હોસ્પિટલ’માં લઈ જવા પડશે. આઇસીયુમાં દાખલ કરવા પડશે.’

હાર્ટએટેકનું નામ પડતાં જ હું ડોક્ટરની કેબિન તરફ જવા લાગ્યો તો એ કારકુને મને રોક્યો અને સખત શબ્દોમાં ઠપકો આપ્યો કે, ‘ભલા માણસ, તમને કશી ખબર પડે છે કે નહિ? તમને હાર્ટએટેક આવ્યો છે. આમ દોડાદોડી ન કરો.’

હૃદયનો જાણકાર કોઈ ડોકટર આવી વાત કરે તો બરાબર છે પણ આ તો કારકુન હતો. મને સાલું લાગી આવ્યું કે, આ માણસ તો મને હાર્ટએટેક નહિ આવ્યો હોય તો પણ લાવી દેશે. મેં વળતી દલીલ કરી કે, ‘હાર્ટએટેક આવ્યો હોય તો મને કશું થયું કેમ નહિ? મને ખબર કેમ ન પડી?’

‘ઊંઘમાં એટેક આવ્યો હોય તો ના પણ પડે.’ એણે મને જવાબ આપ્યો.

‘મારે ડોકટરને મળવું છે.’ મેં કહ્યું.

‘ડોક્ટર કામમાં છે. બોલો તમારે શું કરવું છે? જલ્દી નક્કી કરો. આગળની સારવાર કરાવવી છે કે નહિ? નહિ કરાવો અને તમને કશું થઈ જશે તો અમારી જવાબદારી રહેશે નહિ.’

તબિયતને વશ થઈને નહિ પણ પરિસ્થિતિને વશ થઈને હું આગળની સારવાર કરાવવા માટે તૈયાર થઈ ગયો.

‘આ બાંકડા સૂઈ જાવ. એમ્બ્યુલન્સ મંગાવું છું.’ એવું કહીને એ ચાલ્યો ગયો.

મેં મારી ઘરે સમાચાર આપ્યા કે, મને થોડી વારમાં જ ‘સલામત હોસ્પિટલ’માં લઈ જશે.’

મારા પરિવારના ચિંતાતુર સભ્યો આવી પહોંચ્યા પરંતુ એમ્બ્યુલન્સ હજી આવી નહોતી. મેં કારકુન પાસે જઈને કહ્યું કે, ‘એમ્બ્યુલન્સ આવવાને કેટલી વાર છે?’

તો એ માણસે ફરીથી ઠપકો આપતાં કહ્યું કે. ‘તમે ઊભા કેમ થયા? તમને એટેક આવ્યો છે એટલું તો સમજો.’

જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનો સામનો કરવાં માટે મેં મારા પરિવારના સભ્યોને માનસિક રીતે તૈયાર કરી દીધાં. છેવટે એમ્બ્યુલન્સ આવી પણ સ્ટ્રેચર મળતું નહોતું. એક નર્સે જાણકારે આપી કે બધાં સ્ટ્રેચર દર્દીઓ સાથે ‘સલામત હોસ્પિટલ’માં ગયાં છે ત્યાંથી પાછાં નથી આવ્યાં. મેં દાદરો ઉતરી જવાની તૈયારી બતાવી તો કારકુને મને રોક્યો.

ગરમાગરમ ચર્ચાને અંતે હોસ્પિટલના સ્ટાફે સ્ટ્રેચરના વિકલ્પમાં ચાદરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એક ચાદર પાથરીને એના પર મને સુવડાવવામાં આવ્યો. પછી કારકુન સહિતના સ્ટાફે મારી ટિંગાટોળી કરી અને બે દાદરા ઊતરીને મને એમ્બ્યુલન્સમાં પધરાવ્યો.

મેં પેલા કારકુનને પૂછ્યું કે, ‘ભાઈ, મને હાર્ટએટેક આવ્યા પછી પણ મારા દેહને આટલું બધું કષ્ટ પડ્યું છતાંય હું સલામત છું. તો હાર્ટ એટેક પાછો ગયો છે કે શું?’ એણે મને કહ્યું કે, તમારા તમામ સવાલોના જવાબો તમને ‘સલામત હોસ્પિટલ’મા મળી રહેશે.

પછી તો એમ્બ્યુલન્સ તેના આગવા અવાજ સાથે ‘સલામત હોસ્પિટલ’ તરફ દોડી. હું મારા પરિવાર સાથે અણદીઠી ભોમ તરફ આગળ વધી રહ્યો હતો. રસ્તે જતાં લોકો હું જાણે છેલ્લી સફરમાં જતો હોઉં એમ મારા તરફ જોતાં હતા.

‘સલામત હોસ્પિટલ’ પહોંચ્યા પછી થોડી જ ક્ષણોમાં મને પરિવારના સભ્યોથી વિખૂટો પાડી દેવામાં આવ્યો. જરૂરી વિધિ બાદ મને આઇસીયુમાં પ્રવેશ મળી ગયો. મને દર્દી તરીકેનો ગણવેષ મળ્યો. મોટી હોસ્પિટલમા દાખલ થવાનો પ્રસંગ મારી જિંદગીમાં આ પહેલાં ક્યારેય આવ્યો નહોતો. વળી, આ તો સીધા જ આઇસીયુઆ દાખલ થવાનો પ્રસંગ હતો. જાણે કે મને વિશેષ અભ્યાસ વગર જ પીએચડીની ડિગ્રી મળી ગઈ હતી. એક તરફ મનમાં ડર હતો તો બીજી તરફ આઇસીયુમાં દાખલ થયાની ઉત્તેજના પણ હતી.

પછી તો વિવિધ ટેસ્ટ, રિપોર્ટ, દવાઓ, બોટલ, સૂચનાઓ, નર્સો, ભોજન વગેરેની ઘટમાળ ચાલતી રહી. દર્દીની સારવાર માટે થતા ટેસ્ટ મદારીની કોથળી જેવા હોય છે. એમાંથી શું નીકળે એ નક્કી નહિ! વીંછી પણ નીકળે, સાપ પણ નીકળે, ભમ બિલાડો પણ નીકળે અને કાંઈ પણ ન નીકળે. રિપોર્ટ નોર્મલ આવે ત્યારે દર્દીને અને એનાં સ્વજનોને જે રાહત થતી હોય છે એનો અનુભવ તો જેણે થયો હોય એ જ જાણે. અને જો રિપોર્ટમાં કશું વાંધાજનક આવ્યું તો? એક કાવ્યપંક્તિ યાદ આવી જાય છે. ‘દુઃખોની જ પરંપરા જગત એવું દીસે છે પિતા.’ એમાં ફેરફાર કરીને કહી શકાય કે ‘રિપોર્ટની જ પરંપરા બીમારી એવી દીસે છે ડોક્ટર.’

વળી, દર્દી અને એનાં સ્વજનો બીમારીને હળવાશથી લઈ શકે નહિ. ‘ડોક્ટર જે કહે એ સત્ય જ કહે અને સત્ય સિવાય બીજું કશું ન કહે.’ એમ માનીને જ એમણે નિર્ણયો લેવા પડે છે.

એક નવોદિત કવિ જેવા ડોકટરે મારી પાસે આવીને મને પૂછ્યું કે, ‘તમે મટન ખાઓ છો? દારૂ પીઓ છો?’ જવાબમાં મેં ‘ના’ કહી અને મેં જાણવા માંગ્યું છે કે ‘આવું કેમ પૂછો છો?તમે કોઈ આશ્રમમાંથી આવ્યા છો?’ તો એણે જવાબ આપ્યો કે, ‘તમારી બીમારી નક્કી કરવા માટે પૂછું છું.’

બીજા ડોકટરે તો મને રાજી થવાનું કારણ પૂરું પાડ્યું. એણે મારી પાસે ઊંડા શ્વાસ લેવડાવ્યા. મતલબ કે થોડી વાર માટે એ બાબા રામદેવ બની ગયા. મેં એની સૂચનાનું એવું તો પાલન કર્યું કે એણે એવું વિધાન કર્યું કે, ‘તમરા ફેફસાં તો મજબૂત છે. શું તમે રોજ યોગા કરો છો?’

આઇસીયુમાં દાખલ થયેલા દર્દીને કોઈ ડોક્ટર આવું કહે એ તો આ યુગમાં ન માનવા જેવી ઘટના કહેવાય. પરંતુ આ ધરા હજી રસાતળ નથી ગઈ. કમાણીનો કારોબાર કરતી હોય એવી છાપ ધરાવતી હોસ્પિટલોમાં પણ દર્દીને વગર જોઈતી સારવારમાંથી બચાવી લેનાર નાનામોટા ડોકટરો હોય છે.

‘ના.’ મેં કહ્યું, ‘હું થોડુંઘણું ચાલવાનું રાખું છું.’

એ ડોકટરે મારો આત્મવિશ્વાસ વધાર્યો. પરિણામે હું પથારીમાં બેઠો થઈ ગયો. પથારીમાં બેઠાં બેઠાં મેં આઇસીયુનાં દર્શન કર્યાં. મને દર્દીઓની પીડા, લાચારી, આશા, અપેક્ષાનાં દર્શન થયાં. હોસ્પીટલના સંચાલકોની વ્યવસ્થા, અવ્યવસ્થા, સેવા વૃત્તિ, મેવા વૃત્તિ વગેરેનાં દર્શન થયાં. ડોકટરો, નર્સો અને કામ વિવિધ પ્રકારનાં કામ કરતાં કરતાં લોકોની માનસિકતાનાં દર્શન થયાં. જગતમાં બધા વ્યવહારોમાં કેટલી કેટલી ભેળસેળ છે! સારું અને નરસું જુદા પાડવું ઘણું અઘરું છે. આઇસીયુમાં થતા વ્યવહારોમાં પણ સારું અને નરસું બંને પોતાની હાજરી પુરાવી રહ્યાં હતાં.

મને આઇસીયુમાં મોકલનાર ડોકટર બીજા ડોકટરો અને નર્સો સાથે વિઝિટમાં આવ્યા. એ લોકો મારી પથારી પાસે બહુ રોકાયા નહિ. મારી બીમારી વિષે ખાસ ચર્ચા પણ ન કરી. વળી, એ લોકોએ મારા તરફ એ રીતે નજર નાખી કે જાણે કે હું આઇસીયુને લાયક જ નહોતો. એમના આવા વર્તનથી મને આશા બંધાણી કે મારા રિપોર્ટ નોર્મલ આવ્યા હશે.

હું બોટલના દોરડે બંધાયેલો હતો એથી પથારી છોડી નહોતો શકતો. મને અકળામણ થતી હતી. ‘દિન તો ગુજર જાયેગા, ક્યાં હોગા જબ રાત હુઈ..’ એક ગીતની આ પંક્તિ મારા મનમાં ગુંજવા લાગી.

મેં એક નર્સને પૂછ્યું કે, ‘ડોકટર શું કહે છે? મને અહીંથી ક્યારે બહાર કાઢશે?’

‘અંકલ, આઇસીયુમાં આવ્યા છો તો આરામ કરોને. મને તો આવો મોકો નથી મળતો નહિ તો હું તો અઠવાડિયા સુધી આરામ કરું.’

મને થયું કે, ‘એ કેટલી થાકેલી હશે! એણે તો બેવડી ફરજ બજાવવાની. હોસ્પિટલમાં અને ઘરે પણ. હોસ્પિટલમાં તો માત્ર નર્સ તરીકેની પણ ઘરે જઈને મા, બહેન, પત્ની, નણંદ, ભાભી વગેરે વગેરે! એ ફરજ માટે કોઈ નક્કી કરેલા કલાકો નહિ. ફરજોનો કોઈ અંત નહિ. અને હક્કના નામે મોટું મન રાખવાની સલાહ!

પરંતુ રાત પણ કેવી કેવી ઘટનાઓ લઈને આવવાની હતી. દિવસના સ્ટાફની ડ્યૂટી પૂરી થઈ અને રાતનો સ્ટાફ ડ્યૂટી પર આવ્યો ત્યારે થોડી વાર માટે મોટી હેરાફેરી થઈ રહી હોય એવું વાતાવરણ થઈ ગયું. વાતાવરણમાં થોડી શાંતિનું અને મારી આંખોમાં આંખોમાં નિદ્રાનું આગમન થયું ન થયું ત્યાં તો નર્સો વચ્ચે વિવાદનું આગમન થઈ ગયું. એક નર્સ બહેનનો અવાજ મારા કાને પડ્યો. એ બહેન બીજી બહેનો સમક્ષ મોટા આવજે પોતાને થઈ રહેલા અન્યાયની વાત કરી રહ્યાં હતા: ‘તમારા ભાગમાં ચાર ચાર દર્દીઓની દેખરેખ રાખવાનું આવે છે જ્યારે મારા ભાગે પાંચ દર્દીઓની દેખરેખ આવે છે.’

ડ્યૂટી પરના ડોકટરે આ સમસ્યાનો ઉકેલ એવું કહીને આપ્યો કે, ‘તમે બધાં વધારાના એક દર્દીને સરખે ભાગે વહેંચી લો.’ ત્યાર પછી તો સ્ટાફ દ્વારા એકબીજાને હસાવવાની જાણે હરીફાઈ ચાલી. જોક્સ જ નહિ પરંતુ અંગત વાતો પણ થવા લાગી. આ બધું જોઈને સાંભળીને કેટલાક દર્દીઓને દર્દમાં રાહત થઈ હશે તો તો કેટલાક દર્દીઓના દર્દમાં વધારો પણ થયો હશે.

સ્ટાફના હસાહસીના આ કાર્યક્રમમાં ભંગ ત્યારે પડ્યો કે જ્યારે મોડી રાત્રે બહારથી એક ડોક્ટરનું આગમન થયું. એ ડોકટરે પોતાના એક દર્દી કે જેને ફેફસાની ગંભીર બીમારી હતી એને જોવા માટે આવ્યા હતા. એ દર્દી બોલી શકે એમ નહોતા. ડ્યૂટી પરના સ્ટાફે એ દર્દીની સારવાર માટે જે કાળજી રાખવી જોઈએ એ નહિ રાખી હોવાથી દર્દીની હાલત દયાજનક થઈ ગઈ હતી. પોતાનાં દર્દીની હાલત એ ડોકટરથી ગુસ્સે થયા વગર રહેવાયું નહિ. એમણે હોસ્પિટલના સ્ટાફની ધૂળ કાઢી નાખતા કહ્યું, ‘તમે લોકોએ મારા દર્દીની શું હાલત કરી છે એનું તમને ભાન છે?’ પછી તો એમણે ડ્યૂટી પરના ડોક્ટરની ઊલટતપાસ કરી અને ‘ગધેડા, તને કોને ડોકટર બનાવ્યો છે?’ એવો આકરો પ્રશ્ન પણ કર્યો. પરંતુ ડ્યૂટી પરના ડોક્ટરપાસે ગેંગેફેંફે કરવા સિવાય કોઈ જવાબ નહોતા. એ માત્ર માફી માંગતો રહ્યો. વિઝિટ માટે આવેલા એ ડોકટરે હોસ્પિટલના મુખ્ય સંચાલકને ફોન કરીને ડ્યૂટી પરના ડોકટરની લાપરવાહી માટે ફરિયાદ પણ કરી. એ ડોક્ટર ગયાં ત્યાં સુધી હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈ કશું બોલી શક્યું નહિ.

પરંતુ જેવા એ ડોકટર ગયા કે પછી તરત જ હતું એનું એ જ! જેમ બીજી ઓફિસોમાં ચાલતું હોય છે એમ જ. ‘ચલે ગયે થાનેદાર અબ ડર કાહેકા?’

આવાં વિવિધ દૃશ્યો જોતાં જોતાં મેં રાત પસાર કરી અને બીજો આખો દિવસ પસાર કર્યો. મોડી સાંજે આઇસીયુમાંથી સ્પેશિયલ રૂમમાં મારું સ્થાનાંતર થયું. ત્યાં મને ઘણું સારું લાગ્યું. પરંતુ ત્રીજા દિવસે મને ત્યાંથી પણ રજા મળી ગઈ. ખરેખર હું આઇસીયુમાં જ નહિ, કોઈ પણ વોર્ડમાં રહેવાને લાયક નહોતો.

કોઈ માણસની ચાલચલગત પર શંકા જાય અને ફોજદાર સાહેબ તેને લોકઅપમાં પૂરી દે તેમ ડોક્ટર સાહેબે અમારા હ્રદયની ચાલચલગત બાબત શંકા કરીને અમને આઇસીયુમાં પૂરી દીધા હતા. પરંતુ અમારા હ્રદયે તેની ચાલચલગત બરાબર હોવાના વિશેષ પ્રમાણપત્રો પૂરાં પાડ્યાં હતાં. જેનાથી સંતોષ થવાથી ડોકટર સાહેબે અમને આઇસીયુમાંથી બાઅદબ રિહા કરવાનું નક્કી કર્યું હતું. મને અને મારા પરિવારને ત્રણ દિવસો માટે તકલીફ પડી. પરંતુ તલવારનો ઘા સોયથી વળ્યાનો આનંદ પણ થયો.

મારા હાથમાં સારવારનું જે બિલ મૂકવામાં આવ્યું હતું એમાં એક જગ્યાએ મારી નજર અટકી ગઈ. બિલમાં મને ચાર વખત જ્યૂસ આપ્યાનો ઉલ્લેખ હતો. મેં લાગતાંવળગતાંને પૂછ્યું કે, ‘આ બીલમાં જ્યૂસનો ખર્ચો ચડાવ્યો છે પણ મને એકેય વખત જ્યૂસ કેમ આપવામાં આવ્યું નથી?’ તો મને જવાબ મળ્યો કે, ‘તમારે માંગવું જોઈએ, માંગ્યા વગર તો મા પણ ન પીરસે.’

બિલ પર જેમ જેમ નજર કરતો ગયો એમ એમ મને ખ્યાલ આવ્યો કે, ‘અફસોસ કરવો હોય તો માત્ર જ્યૂસનો જ નહિ, બીજી ઘણી બાબતોનો અફસોસ કરવા જેવો છે.’ પરંતુ મેં મન મોટું રાખ્યું અને ‘સલામત હોસ્પિટલ’માંથી સહી સલામત બહાર નીકળવા બદલ મારી જાતને ભાગ્યશાળી માની.

બે દિવસ પછી હું મારા ફેમિલી ડોક્ટર પાસે ગયો અને પેલો કાર્ડિયોગ્રામ બતાવીને કહ્યું કે, ‘સાહેબ, મને હાર્ટએટેક આવ્યો હતો.’ કાર્ડિયોગ્રામ જોઈને એમણે મને કહ્યું કે, ‘આ કાર્ડિયોગ્રામમાં કશું નવું નથી. તમારા રૂટીન ચેક અપ માટે આવો જ કાર્ડિયોગ્રામ મેં પણ કાઢ્યો હતો. પણ એમાં કશું ચિંતાજનક હોત તો મેં જરૂર તમને કહ્યું હોત.’ એમણે મારી ફાઇલમાંથી એમણે કાઢેલો કાર્ડિયોગ્રામ મને બતાવ્યો અને બંને કાર્ડિયોગ્રામ સરખા હોવાની સમજ આપી.

‘તો શું મને હાર્ટએટેક નહોતો આવ્યો?’

‘જો આવ્યો હતો તો તમને રજા કેમ આપી?’ એ હસીને બોલ્યા. પછી એમણે મને આશ્વાસન આપ્યું કે, ‘કશી ચિંતા કરશો નહિ. હાર્ટએટેકની વાત મગજમાંથી કાઢી નાખજો.’

આપણા સમાજમાં કોઈ માણસ આઇસીયુમાં જઈને આવે મહાન ઘટના ગણાય છે અને એ ઘટના છુપાવી શકતી નથી. એટલે સ્વાભાવિક રીતે મારી ઘરે મારી ખબર કાઢવા માટે સગાં સંબંધીઓ આવ્યાં. સાજાસમા ઘરે આવવા બદલ કોઈએ અભિનંદન આપ્યા તો કોઈએ ડોકટરે આપી હતી એનાં કરતાં પણ વધારે સલાહો આપી. પરંતુ આઇસીયુમાં જવાનું થયું એ બદલ મારી દયા ખાનારાઓને મારો એક જ જવાબ હતો કે: ‘ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!’