દીકરી મારી દોસ્ત
........
પ્રતીક્ષા શબરીની... ભાવવિશ્વની ભરતી, મનમાં છલકતી..દીકરી એ દીકરી... વહાલી ઝિલ, હવે તો સ્મૃતિમંજુષાનો ભીનો દાબડો ખોલી એમાં છૂપાયેલ યાદો ના અંબારને જ માણવાનો રહ્યો. નવા મુલકના ઉંબરે, નવા જીવનમાં, નવી જવાબદારીઓ સંભાળી તારા સાથી..સંગાથી સાથે.. એક અલગ દુનિયામાં..એક અલગ વિશ્વ માં..તારા પોતાના ઘરમાં વિશ્વની બધી દીકરીઓની જેમ તું પણ ઓતપ્રોત બની ગઇ છે. આમાં કંઇ જ નવું નથી..છતાં બધું જ નવું બની રહે છે.. રોજ એક નવો ઉજાસ ઉઘડતો હશે. એક નવી ક્ષિતિજ વિસ્તરતી હશે. એક નવા આંગણમાં મહોરતી હઇશ. ... મા બાપ ના આંગણનો તુલસીકયારો બીજે રોપાઇ ગયો છે. ઇશ્વર, દરેક દીકરીના કયારાને લીલોછમ્મ રાખે.. તારી યાદ સાથે અંતરમાંથી એ પ્રાર્થના સરતી રહે છે.
” અમ કયારાની આ ફૂલવેલી, અમોલી,એ પાંગરજો, જોજો થાયે ના એને અજંપો, ખોટ અમારી એને ન હો.. એ તો જયોતે ઝબુકતી દીવી, દિવેટ એની સંકોરજો.. હૈયાને મૂલે મૂલવજો, ને હેતને ઝૂલે ઝૂલવજો ” સુંદરજી બેટાઇની આ પંક્તિ કેટલી સાર્થક લાગે છે આજે. બેટા, વહાલની આ યાત્રા અહીં પૂરી નથી થતી. વહાલ અને આંસુની ઓળખ દરેક મા, બાપ અને દીકરીની અલગ હોઇ શકે..પણ તેનું ઉદગમસ્થાન...તેનું ગોત્ર તો એક જ હોય છે. હ્રદય...અંતર.. આ ફકત આપણા એકના જ મા દીકરીનું ભાવવિશ્વ નથી. અહીં દરેક સ્રહદયી મા બાપ...એમાં એમની દીકરીનું ભાવવિશ્વ નીરખી શકશે..માણી શકશે..એ શ્રધ્ધા છે..વિશ્વાસ છે. પ્રસંગ અલગ હોય, વાતો અલગ હોય..માહોલ અલગ હોય..પણ એ બધામાંથી છલકતું, ઉઘડતું ભાવવિશ્વ તો એક જ હોવાનું. અહીં આપણે સૌએ વાત્સલ્ય અને વહાલથી છલોછલ કેટકેટલી સંવેદનાઓ સાથે માણી. કુટુંબજીવન ની યાત્રા સાથે મળી ને કરી. દીકરીની વાતોથી ભીંજાયા અને ભીંજવ્યા. દીકરીના વહાલના વારિની મીઠી છાલક ના અમીછાંટણા થી તરબોળ થયા. મનમાં ઉગતી દરેક વાત અહીં એ જ સ્વરૂપે ઠાલવી છે. એક મા ના અંતરની આ આરસી છે. જેમાં અનેક પ્રતિબિંબો ઝિલાયા છે. દીકરી સાથે મોકળા મને કરેલ આ વાતો દરેકને પોતીકી લાગશે તો આશ્ર્વર્ય નહીં થાય. પણ એક સાર્થકતા જરૂર અનુભવાશે.
જીવનસંધ્યાએ દરેક માતા પિતા પાસે રહે છે..પ્રતીક્ષા...ભીના સંભારણા..ખાટા મીઠા પ્રસંગોની વણઝાર. કયારેક પાછું વળી જોઇ લેવાની ...માણી લેવાની ઝંખના. બાળકો સાથે રહી તેમનો સ્નેહ પામવાની અપેક્ષા. એ અપેક્ષા પૂર્ણ થાય ત્યારે સંતોષ..ખુશી આંખે છલકી રહે...અને પૂર્ણ ન થાય ત્યારે વિષાદ પણ એ જ આંખે જ છલકી રહે છે. એ બે ખારા બુંદમાં માનવમનનો હર્ષ કે ખુશી બંને ચમકી રહે છે.
“ બંધ લોટામાં જુઓ પૂરાઇ ગયું, ગંગાનું જળ એની ખળખળ લઇ ને.”
એમ જ લાગણીઓનું જળ પણ મનના પટારામાં ખળખળ કરતું વહી રહે છે. કયારેક બહાર આવીને છલકે છે, કયારેક અંદર જ રહી ને મલકે છે
સાગરના પેટાળમાં જેમ કંઇ કેટલાયે અણમોલ ખજાના છૂપાયા છે..તે જ રીતે માનવમનના તળિયે પણ સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, ભોગ, ત્યાગ, શ્રધ્ધા, વિશ્વાસ, શોક, વિષાદ..એવી અઢળક લાગણીઓ ઢબૂરાઇને પડેલી હોય છે. જીવનસંધ્યા એ તો જાણે એક આખો જમાનો જ ત્યાં સંઘરાઇ ગયો હોય છે. જીવનની નાની નાની પળોને વાગોળવી એને ગમે છે. વીતી ગયેલ આનંદની ક્ષણોને ફરી એકવાર જીવી લેવામાં એને પરિતૃપ્તિનો આનંદ મળે છે. એ ઝંખે છે..કોઇ સાંભળનાર..એના આનંદમાં કોઇને સહભાગી બનાવવું એને ગમે છે.
જે પુત્ર, પુત્રી ને એણે મોટા કર્યા છે. સ્નેહથી ઉછેર્યા છે..એના જ સુખ, દુ:ખને જીવનભર નજર સામે રાખી એણે પોતાની દિનચર્યા..જીવનચર્યા ગોઠવી છે..ત્યારે હવે પોતે બાળકોના થોડા પ્રેમના...એના થોડા સમયના હકદાર ખરા કે નહીં ? અપેક્ષાઓ શકય તેટલી ઓછી રાખીએ તો પણ આખરે માનવ છીએ. બધી જ અપેક્ષાઓ છોડવી શકય છે ખરી ? બાજુમાં રહેતા કાકાને જોઉ છું ..આજે સાત દિવસથી એમને થોડો તાવ આવે છે. દીકરો રોજ દવા લાવતા ભૂલી જાય છે. નથી લાવવી એવી ભાવના કદાચ નથી...પરંતુ એના વ્યસ્ત જીવનમાં એનો ક્રમ પ્રથમ નથી. બાપે દીકરાને પોતાની દવા લાવવાનું કહેવું પડે છે..યાદ કરાવવું પડે છે. અને આ ઉમરે દરેકની જેમ કાકા નું મન પણ આળુ થઇ ગયેલ છે. દીકરાને યાદ કરાવવું એને ગમતું નથી. એમાં એને લાચારી નો એહસાસ થાય છે. એ જ દીકરો માંદો હતો ત્યારે તેણે કયારેય પિતાને પોતાની દવા લાવવાનું કહેવું પડયું હતું ? ત્યારે પિતા પણ વ્યસ્ત જ હતા ને ?
અને દીકરો..દીકરી કંઇ પણ કરે માતા પિતા માટે..ત્યારે પોતે જાણે કેટલું યે કરી નાખ્યું હોય..તેવો ભાવ જાગે છે. એક સહજતા નથી હોતી એમાં..શા માટે ? જે સહજતાથી માતા પિતા એ કર્યું છે..એ જ સહજતાથી આજે બાળકો કેમ ન કરી શકે ? આજે કોઇ પુત્ર કંઇ પણ કરે માતા પિતા માટે ત્યારે લોકો કહે છે, ‘ એમનો દીકરો બહુ સારો છે હોં. મા બાપ નું કેટલું ધ્યાન રાખે છે. ! કોઇ માતા પિતા સંતાનનું રાખે ત્યારે કોઇ કેમ નથી કહેતું કે માતા પિતા કેટલા સારા છે..! કેમકે માતા પિતા સારા જ હોય..સંતાન માટે કરતાં જ હોય એ સ્વાભાવિક...સહજ લાગે છે. એટલું જ સ્વાભાવિક પુત્ર માબાપનું ધ્યાન રાખે ત્યારે કેમ નથી લાગતું ?
હું તો માનું છું.. પુત્રની જેટલી ફરજ છે..એટલી જ પુત્રીની પણ ખરી જ. સંજોગોનો લીધે પુત્રી કદાચ ન કરી શકે..તો એનું દુ:ખ ન હોય. બાકી જે માતા પિતા એ પુત્ર,પુત્રી વચ્ચે કોઇ ભેદભાવ નથી રાખ્યા..બંને ને સમાન અધિકાર આપ્યા છે..તો બંનેની ફરજમાં ભેદભાવ શા માટે ? હકીકતે..ફરજ શબ્દ આવે જ શા માટે ? જયાં લાગણીના તાણાવાણા જોડાયેલ છે..ત્યાં આ બધા શબ્દો મને તો હાસ્યાસ્પદ લાગે છે.
આજે મન કેવા કેવા વિચારો કરી રહ્યું છે ? એકલા પડેલ મનને ..વિચારોને કયારેય કોઇ બંધનો થોડા નડે છે ?
ઘણીવાર આજે ભ્રૂણ હત્યા વિશે વાંચુ છું ત્યારે મનમાં એક જ સવાલ જાગે છે. ” શા માટે ? આખરે શા માટે ? ” એના કારણો..ચર્ચાઓ અહીં અસ્થાને છે. પણ આ વહાલપના દરિયાને ગૂંગળાવો નહીં. એને ખીલવા દો..એ ખીલશે અને બીજાને ખીલાવશે. બેટા, દીકરીઓ, તમે કયારેય એમાં સામેલ ન થશો. સ્ત્રી .. સ્ત્રી ની દુશ્મન ન થશો. “ સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે..” એ મેણાને..એ કલંક ને તમે નાબુદ કરજો. દીપથી દીપ જલાવી સમાજમાંથી ભ્રૂણહત્યાનું આ દૂષણ દૂર કરવા દીકરીઓ, તમે આગળ નહીં આવો..? એના હેત પ્રીત અનુભવો..મેં ...અમે .. અગણિત લોકો એ માણ્યા છે.. તમે સૌ પણ જરૂર માણો..એમાં નિરાશા નહીં જ મળે.
“ છલકતું તળાવ,એમ છલકાય ટહુકો, પળેપળને ભીની કરી જાય ટહુકો. ” બેટા, આજે તારા લગ્નને..તારી વિદાયને એક વરસ થઇ ગયું. આ ત્રેવીસ વરસોમાં પહેલી વાર એવું બન્યું છે કે એક વરસથી તને જોઇ નથી.! પણ દરેક વાત કયારેક તો પહેલી વાર જ હોય છે ને ? તું ખુશ છે..એની ખબર છે..તેથી મનને સંતોષ છે. ઇશ્વર તારી ખુશી બરકરાર રાખે..તારી એ ખુશીનો એહસાસ અમે અહીં દૂરથી પણ કરી શકીએ છીએ. શુભમ જેવો મિત્ર, જીવનસાથી મળ્યો છે..એ કંઇ ઓછા નશીબની વાત છે ? બાકી હવે તો રાહ જોવાની... તારા રણકતા ફોનની , તને વેબ કેમેરામાં જોવાની..અને અને રાહ જોવાની તારા આવવાની...અને ત્યારે ફરી એક વાર રચાશે..આપણું ભાવવિશ્વ. ઘણાં બદલાવ સાથે.....
આ લખતા લખતા આંખો ફરી એકવાર સ્વાભાવિક રીતે જ છલકી રહે છે. અને મનઝરૂખે ગૂંજી રહે છે મધુમતી મહેતાની આ સુંદર પંક્તિ.
“ કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી, ઝળઝળિયાના જળને જુદા કેમ કરશું નયનથી ? ” અરે..અરે..એક મિનિટ....આ ફોન રણકયો...ઓહ..! તું મળવા આવે છે..અહીં આવે છે..એક મહિના માટે.. આ મીઠો સંદેશ કાનમાં કોણ આપી ગયું ? કાલિદાસનો પેલો યક્ષ ? આ ક્ષણે તો આ ફોન જ મારા માટે દૂત બની ને આવ્યો છે. હું બધા વિચારો ભૂલી જાઉં છું..દિલમાંથી બધી વાતો ખરી પડે છે. બસ..કાનમાં એક જ પડઘો અત્યારે ગૂંજે છે..તું આવે છે..મારી દીકરી આવે છે...અરે, ઝિલ આવે છે...! ઉડતા પંખી ને કહું ? વહેતા વાયરાને કહું ? ખીલતી મોગરાની કળી ને કહું ? અનંત આકાશ ને કહું ? દશે દિશાઓને કહું ? ઉગતી કૂંપળને કહું ? વહેતા ઝરણાને કહું ?
ના...ના...હું તો તુલસીકયારાને સૌ પહેલા કહું છું.! મા, મારી દીકરી..મારી ઝિલ....મારો તુલસીકયારો આવે છે.
અને હું..એક મા.. તુલસીકયારાને ભાવથી વંદી રહું છું.....એક વાચાળ મૌન સાથે.