Sadguno in Gujarati Magazine by Natvar Ahalpara books and stories PDF | સદગુણો

Featured Books
Categories
Share

સદગુણો

સદગુણો

નટવર આહલપરા

ભાગ નં. ૧

દૃઢ મનોબળ – મક્કમતા

‘મન હોય તો માળવે જવાય’ – આપણા મનમાંથી જ સુખ-દુઃખ, આશા-નિરાશા જન્મે છે. જેનું મન મક્કમ હોય તેને સુખ-દુઃખની સમાન અસર થાય છે. કહેવાયું છે ન કે,

કદમ અસ્થિર હો એને રસ્તો જડતો નથી,

અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી.

મનની અસ્થિરતા, મનના નબળા વિચારો જ માણસને અસ્થિર બનાવે છે.આવા નબળા મનના માનવીને રસ્તો જડતો નથી. હેલન કેલર, પંડિત સુખલાલજી, રવીન્દ્ર જૈન જેવી અંધ પ્રતિભાઓ દેખતા લોકોને સંદેશ આપી જાય છે કે, ‘અમારી પાસેથી ઈશ્વરે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો પણ કલરવની દુનિયા અમારી છે, કેવું દ્રઢ મનોબળ, કેવી મક્કમતા કહેવાય !

સ્ટીફન હોકિગ્ઝ સેરેબલ પાલ્સી વગેરે રોગોથી ઘેરાયેલાં છતાં વિશ્વના સમર્થ વૈજ્ઞાનિક બન્યા તેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને મક્કમતા જ મુખ્ય છે.

તોરા મન દર્પણ કહેલાય. મન આપણું દર્પણ છે. રમતવીરો, તરવૈયાઓ, ખેલાડીઓ, સૈનિકો, પોલીસો કેટકેટલાઓએ પ્રતિભાઓની સફળતાના કેન્દ્રમાં દ્રઢ મનોબળ અને મક્કમતાનું જ પ્રભુત્વ હોય છે.

મનની અગાધ શક્તિને કોણ પામી શક્યું છે ? મનથી કોઈ ભાગી શક્યું નથી. મનથી કોઈ મોટું નથી. દ્રઢમનોબળથી જ, મક્કમતાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે !

મૈત્રી – મૃદુતા

મૈત્રી અર્થાત્ સંખ્ય, ભાઈબંધી, સખાપણું. મિત્ર, સખા, ભેરુ, ભાઈબંધ, દોસ્ત કેટકેટલાય નામ મિત્રતા માટે આપી શકાય. મૈત્રી બંને પક્ષે પારદર્શક, નિખાલસ, પવિત્ર અને મૃદુતાસભર હોવી જોઈએ.

મૈત્રી કૃષ્ણ-સુદામાની, મૈત્રી અર્જુન-કૃષ્ણની કોઈ સ્વાર્થ વિના મિત્ર માટે જાનની બાજી લગાવનાર ઓછો નથી. અને એટલે જ કહી શકાય કે,

મિત્ર એસા કિજીયે જો ઢાલ સરીખા હોય

દુઃખમેં આગે રહે ઓર સુખમેં પીછે હોય

ઢાલ જેવો મિત્ર હંમેશાં દુઃખમાં આગળ હોય છે અને સુખની પરવા કરતા નથી. એમ પણ પુસ્તકમાં કવિ કલાપી કહે છે કે,

શેરી-મિત્રો સો મળે, તાળી-મિત્ર અનેક

જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.

શેરીમાં તો અનેક મિત્રો મળે છે. હાથતાળી દઈ છેતરનારા પણ ઘણાં હોય છે. જે સુખ દુઃખને સમજી શકે એવો મિત્રતો લાખમાં એકાદ જ મળે છે.

‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.’ આ મૈત્રી માટેની મૃદુતા સભર ઉમદા પંક્તિ છે. આપણે એમ કહી શકીએ કે, ‘પ્રભુ ! મને ધન નહી મળે તો ચાલશે, સુંદર ઘર પણ નહી મળે તો ચાલશે; માત્ર સજ્જન મિત્રનો સંગ આપીશ તો હું તારો ઉપકાર માનીશ.’

ગુણવંત શાહનું સુભાષિત પ્રેરક છે. ‘અર્જુન એટલે મૂર્તિમંત ઋજુતા, મૃદુતા, એ તો પૂર્ણ પુરુષોત્તમ એવો કૃષ્ણનો અધૂરો છતાં મધુરો સખા હતો.’

સહનશીલતા

Grieve not, rather find strength

in what remaius behiua

-Woraswoth

એક મુક્તક સહનશીલતા માટે પર્યાપ્ત છે, ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’ આગની, પાણીની અરે ગમે તેવી પરિસ્થિતિમાં સહનશીલતાથી કડવા ઘૂંટડા પીનારા ઓછો નથી હોતો. ઉપર આભ, નીચે ધરતી અને ખાવાપીવા માત્ર આંસુ અને ઠોકર જ જેમને મળતી હોય તોપણ સહન કરી શૂન્યમાંથી સર્જન કરનારા હોય છે.

કેટલાક સંયોગો આપણા હાથમાં હોતા નથી આપણે ધારીએ છીએ કંઈક અને થાય છે કંઈક, બચપણમાં જીવન વિશે રંગીન સપનાં સેવ્યાં હોય અને એ સપનાં સિદ્ધ થવાની ઘડી હાથવેંતમાં હોય અને જોતજોતામાં ઘણી ચીજો હાથમાંથી સરકી જાય છે. તમે મક્કમપણે માનો છો કે ચીજ મેળવવા પૂર્ણ પુરુષાર્થ કર્યો છે. ન સહન થઈ શકે તેવું સહન કર્યું છે છતાં કેમ અમુક સિદ્ધિ પ્રાપ્ત ન થઈ ? પણ તેનો અફસોસ ન કરો. હાથમાંથી કંઈ સરકી જાય ત્યારે હાર ન માની લો. હજી જિંદગી ઘણી બાકી છે. બીજો મોકો આવશે. બધું ગુમાવો પણ સહનશીલતા, તમારો જુસ્સો ન ગુમાવો. હજી ભવિષ્યમાં ઘણી શક્યતાઓ છે. એ શક્યતા, સહનશીલતા જ તમારું બળ છે.

જે સારી રીતે સહન કરે છે. જે જગતનાં માન-અપમાન, કડવા ઘૂંટડા પી જાય છે. જેને સહનશીલતા કોઠે પડી ગઈ છે. એવી લાખો વિધવા માતાઓની સહનશીલતા વંદન છે. પરિવારના ઘા હસતે મુખે સહન કરી પરિવારને સ્નેહના તાંતણે બાંધી રાખનાર ઓછો નથી. સહન કરનારની સાથે ઈશ્વર હોય છે. થોડી સહનશીલતાથી અનેક ફાયદા મળે છે.

ઉદારતા

ઉદારતા કર્ણની. ઉદારતા સુદામાની. ઉદારતા ઉદ્વવની.

Be approximately satisfied ,

with approximate happiness...

the only thing on earth uchich is

beyond doubt and clear is unhappiness

  • Turgnev
  • જગતમાં સતત સુખ કોઈને મળ્યું નથી. પણ ઉદારતા રાખનાર વ્યક્તિને આંતરિક સુખ ભારોભાર મળે છે. ઉદાર લોકો ઉદાર હાથે ફાળો, દાન આપતા હોય છે. જેમને ભામાશાનું બિરુદ આપવામાં આવ્યું એવા કળીયુગના ઉદાર દાનવીન દીપચંદભાઈ ગાર્ડી રોજનું લાખો રૂપિયાનું દાન કરતા હતા.

    આજે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધ વડીલ માતાઓ અને પિતાઓને ઉદાર દિલે પ્લેનમાં બેસાડી ચાર ધામની યાત્રા કરાવનારા દાતાઓ છે. વૃદ્ધશ્રમમાં જઈ વડીલો પાસે બેસનારા, સાંભળનારા અને ભાવથી ભોજન કરાવનાર ઓછા નથી, જેમને પોતાનાં માતાપિતાની સેવા નસીબમાં નથી મળી તેવા સજ્જનો-સન્નારીઓ વૃદ્ધાશ્રમમાં કે મંદબુદ્ધિવાળા બાળકોની શાળામાં જઈ સેવાનો યજ્ઞ કરે છે.

    કેટલાંય ઉદાર લોકો થેલામાં રોટલો, રોટલી ભરી સાઇકલના હેન્ડલ ઉપર ટિંગાડી કૂતરાને ખવડાવવા નીકળી પડે છે. અનેક સદાવ્રતોમાં ગરીબ-ગુરબાને બે ટંકનું ભોજન આપનારની ઉદારતાને જેટલા વંદન કરીએ તેટલાં ઓછા છે. જેનું મન મોટું હોય, દિલ દિલાવર હોય એવા ઉદાર દિલ લોકોના તો ફકીર જેવા હોય છે. તેની ઉદારતા દિન-પ્રતિદિન વધતી જાય છે.

    વિનય – વિવેક – નમ્રતા

    ‘નમ્યો તે પ્રભુને ગમ્યો’ અર્થાત્ વિનય મનુષ્યનું આભૂષણ છે. ‘વિદ્યા વિનયથી શોભે છે.’ એટલે કે વિદ્યાપુરુષો વિનયથી સભર હોય છે. નમ્રતા માટે એક ઉત્તમોત્તમ સુભાષિત છે,

    મોટપ મોટા નર તણી આપોઆપ કળાય,

    હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી ન સહાય.

    માત્ર શરીરથી નહીં પણ જ્ઞાન, સંસ્કાર અને ગુણોથી જે મનુષ્યો મોટા છે તેની વિનમ્રતા ભરેલી મોટાઈ આપોઆપ કળાઈ આવે છે. હાથીના ગળે બાંધેલી ઘંટડીનો રણકાર મીઠો હોય છે. ઢોલ કાન ફાડી નાખે તેમ વાગે છે. કહેવાતા ઘોંઘાટિયા, અવિવેકી, દંભી લોકો ઢોલ જેવા હોય છે. ઢોલ ફાટી ગયાં પછી વાગતો નથી.

    શ્રીરામ, શ્રીકૃષ્ણ, વિદુર,ઉદ્ધવ, શબરી,સ્વામી વિવેકાનંદ, ડોંગરેજી મહારાજ, મોરારિ બાપુની વિનમ્રતા, વિનયહીન મનુષ્ય તો પશુ જેવો છે. અહીં લોકકવિ દુલાકાગ યાદ આવે જ,

    એ જી તારા આંગણીયા પૂછીને જો,

    કોઈ આવે તો આવકારો મીઠો આપજે.

    વિનય-વિવેક અને નમ્રતાથી પધારેલા અતિથિનું સ્વાગત અન્યોન્યને કેટલો સંતોષ આપે છે !

    વિનય-વિવેક અને નમ્રતાથી જગત જીતી શકાય છે પ્રિયમવદમ અર્થાત્ મુખથી પ્રિય બોલી, વિવેકભર્યું બોલી સૌના દિલ જીતવા જોઈએ.

    સહજતા-નિર્દોષતા

    સહજતા એટલે કુદરતી, સ્વાભાવિક, સ્વાભાવિકરીતે, સહેલાઈથી મળે તેવું. નિર્દોષતા અર્થાત્ નિર્મળતા, પવિત્રતા, ઊંચાઈ પર પહોચ્યા પછી પણ રવિશંકર મહારાજ મોરારિબાપુ, ડોંગરેજી મહારાજ, લાલ બહાદુર શાસ્ત્રી, પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, મધર ટેરેસા વગેરે મહાન પ્રતિભાઓ સહજતા અને નિર્દોષતાથી સભર જોવા મળે છે.

    ભગવાન ઈસુ પણ સહજતા – નિર્દોષતાની જ મૂર્તિ હતા ને ? ચિંતક, સેવક, સંત, વૈજ્ઞાનિકની સહજતા આપણને હંમેશાં પ્રભાવિત કરી જાય છે.

    સહજતા-નિર્દોષતા આપણને હરપળે સાવધ રાખે છે. અમૃત-વિષ, કુસંગ-સત્સંગ, સોનું-માટી વગેરે વચ્ચે આપણને સાવધ રાખે છે આપણી નિર્દોષતા.

    કટુતા માણસને ઝડપથી મળી જાય છે પણ સહજતા નિર્દોષતા જલદી પ્રાપ્ત થતી નથી. સહજતાસભર જીવન જીવનારા લોકો કોઈને છેતરતા નથી. તેઓ કવિ દુલા કાગના શબ્દો પ્રમાણે જીવે છે, ‘છેતરવા કરતાં છેતરાઈ જવામાં મજા છે.’

    સહજપણું વ્યક્તિના ચહેરા ઉપર દેખાય છે. તેના ચહેરાની હોરા જ કહી જાય છે કે વ્યક્તિ સહજ છે, નિર્દોષ છે. તેઓ ‘મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી’, ‘ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’ એમાં માનતા નથી પણ એમને એક જ રંગ હોય છે સહજભાવે રહેવું, નિર્દોષભાવે જીવવું.

    આજે દાવપેચ, રાજકારણ, હરીફાઈ વચ્ચે પણ સહજતાથી જીવનારા લોકો પોતે જીવે છે અને અન્યને જિવાડે છે. જીવવાની મજા લે અને લેવડાવે છે.

    આજ્ઞાંકિત

    આજ્ઞાંકિતનો સરળ અર્થ એ છે કે, આજ્ઞામાં રહેનારું, હુકમ પ્રમાણે કરવા તત્પર, કહ્યાગરુ. વડીલો કહેતા હોય છે કે ખરેખર એમનાં સંતાનો ભારે આજ્ઞાંકિત છે. કોઈ પણ આજ્ઞા માથે ચઢાવે છે.

    સાંદીપનિ ઋષિ પાસે ભણેલા કૃષ્ણ, બલરામ અને સુદામા બહુ જ આજ્ઞાંકિત હતા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વિશ્વામિત્ર, વસિષ્ઠના પૂરેપૂરાં આજ્ઞાંકિત હતા. અર્જુનના સારથિ ભલે કૃષ્ણ હતા પણ જયારે અર્જુન નાસીપાસ થતો ત્યારે કૃષ્ણના વેણને અર્જુને આજ્ઞાંકિત બની ઝીલ્યાં છે.

    આમ તો આજ્ઞાનું મૂળ વિવેકમાં છે. વિનમ્રતાથી માણસ આજ્ઞાંકિત બને છે. રામાયણ, મહાભારત અને ભાગવતમાં આજ્ઞાંકિત શિષ્યોના અનેક પ્રસંગો મળે છે. કેટલાક લોકો આજ્ઞા મળવાથી પોતાની જાન ગુમાવવા પીછેહઠ કરતા નથી. આજ્ઞાનું પાલન કરવું એ તો મોટો સદગુણ છે.આજ્ઞાકારી હોવું એ પણ સારા વ્યક્તત્વની નિશાની છે.

    બાળક, કિશોર, યુવાન, સ્ત્રી-પુરુષ વગેરે બધાં આજ્ઞાંકિત બની રહે તો ઘણી સમસ્યા હલ થઈ જાય. કેટલાય આજ્ઞાંકિત લોકો કોઈની પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈનો પણ પડ્યો બોલ ઉપાડી લેતા હોય છે. આજ્ઞાંકિત વ્યક્તિની પ્રતિભા જ સૌથી અલગ હોય છે. આજ્ઞાંકિત હોવું એ પણ સદભાગ્યની નિશાની છે.

    અનાસક્તભાવ

    અનાસક્ત એટલે આસકિત વિનાનું અનાસક્ત ભાવ અને અનાસકિત અર્થાત્ આસકિત-લગનીનો અભાવ, નિ:સ્પૃહતા, નિર્મોહિતા. નિ:સ્પૃહ લોકો ફકીરની જેમ કામ કરતા હોય છે જેમ કે,

    જાહોજલાલી એની નથી નાશ પામતી,

    જેનું દિલ છે અમીર, ફકીરી લિબાસ છે.

    આવા ફ્કીરોનું જીવન અનાસક્ત ભાવથી ભરેલું હોય છે. જેમાં આંતરિક સમાધાન નથી, એ જીવન જ નથી, આંતરિક સમાધાનનો અર્થ છે અનાસક્ત ભાવ, નિષ્કામ સેવા અને ભક્તિ. પણ આસકિતને જાણી લઈએ. કેવા વિચિત્ર છે આ સંસારના રમણીય અને આકર્ષક દેખાતા પદાર્થો ?

    એના ઉપભોગના આનંદ કરતાં માવજતની ચિંતાનું દુઃખ વધારે ! એ પદાર્થોની પ્રાપ્તિના આનંદ કરતાં પોતાના કરતાં બીજાને એ પદાર્થો વધુ ન મળી જાય એની તડપનનું દુઃખ વધારે ! ઉપભોગ વખતના આનંદ કરતાં ઉપભોગ પછીના વિષાદનું દુઃખ વધારે ! દૂર કરો એ પદાર્થો પ્રત્યેની દુર્ગતિ ગામિની આસકિત.

    પણ આસકિતમાં પતન થાય. અનાસક્તભાવ પતનથી માણસને દૂર રાખે છે. આ નિ:સ્પૃહતા જીરવવી કઠીન છે. આમ તો અનાસક્ત ભાવ એટલે નિર્લેપ થઈ જવું એમ પણ કહેવાય !નિ:સ્પૃહી, અનાસક્ત ભાવ ધરાવતા લોકો તકલીફોમાં હસતા રહી વિરલા બનીને સેવા કરતા હોય છે. અનાસક્તભાવ એટલે ઈચ્છાઓને સંતોષવાનો પ્રયાસ કરવા કરતાં ઈચ્છાઓને મર્યાદિત રાખવી વધુ સારી છે. અનાસક્ત ભાવથી માણસ હંમેશાં હળવોફૂલ રહે છે.