Tabla no uddgam in Gujarati Magazine by Vipul Solanki books and stories PDF | તબલા નો ઉદ્દગમ, વિકાસ અને વાદનશૈલી

Featured Books
Categories
Share

તબલા નો ઉદ્દગમ, વિકાસ અને વાદનશૈલી

તબલા નો ઉદ્દગમ, વિકાસ અને વાદનશૈલી

ગાયન, વાદન અને નૃત્ય જેવી કળા ના સંદર્ભ માં પ્રાચીન કાળ થી ભારત માં “સંગીત” શબ્દ નો ઉપયોગ થતો આવ્યો છે. સંગીત માં ગાયન ને મુખ્ય તેમજ વાદન તથા નૃત્ય ને તેના સહાયક માનવામાં આવે છે. એટલા માટે સંગીત ની શાસ્ત્રોક્ત વ્યાખ્યા આ પ્રમાણે કરવા માં આવી છે :

“गीतं वाध्यम तथा नृतं त्रयम संगीतमुचयते”

ધ્વનિ (નાદ) અને કાળ (સમય) સંગીત ની રચના ના મુખ્ય તત્વ છે. ધ્વનિ થી સ્વર અને કાળ થી તાલ ની ઉત્પત્તિ થઈ . ધ્વનિ ના મુખ્ય બે પ્રકાર છે ,આહત અને અનાહત જેમાં પડઘો પાડનાર રંજક આહત નાદ સંગીત ઉત્પત્તિ નું મુખ્ય કારણ છે. આમ સંગીત ની સંરચના માં નાદ મુખ્ય અને કાળ (સમય) ને તેનો સહાયક રહે છે.

કાળ (સમય) નો ગતિ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ગતિ ના કારણે જ કાળ ના વ્યતીત થવાની અનુભૂતિ થાય છે, અને આજ અનુભૂતિ તાલ ના સર્જન નું મુખ્ય કારણ છે. કોઈ પરિસીમિત સમય ને સશબ્દ અને નિ:શબ્દ ક્રિયાઓ દ્વારા કરવામાં આવતા પરિમાપ ને સંગીત ની ભાષા માં તાલ કહેવામા આવે છે .તાલ ની પ્રત્યક્ષ અભિવ્યક્તિ માં ધ્વનિ નું વિશેષ મહત્વ છે.

ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વર અને તાલ ને અભિવ્યક્ત કરનાર ઉપકરણ ને ભારતીય સંગીત માં વાધ્ય કહવામાં આવે છે, જેમાં 1 તત , 2 સુષિર, 3 અવનદ્ધ અને 4 ઘન, એમ ચાર પ્રકાર છે. જેમાં તત અને સુષિર સ્વરપ્રધાન વાધ્ય હોવાથી તેમાથી ધૂન અને રાગ વગાડવામાં આવે છે અને અવનદ્ધ તથા ઘન તાલપ્રધાન હોવાથી તેમાથી લય અને તાલ ની અભિવ્યક્તિ કરવામાં આવે છે.

અવનદ્ધ વાધ્યમાં, મઢેલા મુખ ચર્મ પર વિવિધ પ્રહારો થી ઉત્પન્ન થતાં પટાક્ષરો ને વગાડીને તાલ અને લય માં વિવિધતા ઉપજાવીને સંગીત ને ઉપરંજન કરવામાં આવે છે. ભારતીય સંગીત માં વિવિધ પ્રકાર ના અવનદ્ધ વાધ્ય પ્રચલિત છે . જેમાં તબલા વર્તમાન સમયનું એક પ્રમુખ કલાત્મક અને લોકપ્રિય અવનદ્ધ વાધ્ય છે .

આદિમ યુગ માં કોઈ પણ પ્રાણી ની રોમ(વાળ ) વગર ની ચામડી ને કોઈ ઠોસ અને ખોખલી વસ્તુ ના મુખ પર બાંધીને તેના પર પ્રહાર કરવાથી આદિ અવનદ્ધ વાધ્ય ની ઉત્પત્તિ થઈ હશે. વેદો માં પણ ભૂમિદુંદુભિ , દુંદુભિ અને વનસ્પતિ નામના અવનદ્ધ વાધ્ય નો ઉલ્લેખ જોવા મળે છે, જેમને ઉત્સવ કે યુદ્ધ ના સમય માં વગાડવા માં આવતા. આગળ જતાં તળાવ માં ફેલાયેલા કમળ ના પત્તા પર પડતાં જળ બિંદુઓ થી ઉત્પન્ન થતી ધ્વનિ થી પ્રેરણા લઈને સ્વાતિ મુનિ એ વિશ્વકર્મા ની મદદ લઈને “દુંદુભિ” ના આધાર પર આંકીક ઊર્ધ્વક અને આલિંગ્યક એમ ત્રણ ભાગો માં “ત્રિપુષ્કર” નામના ઉન્નત અને કલાત્મક અવનદ્ધ વાધ્ય ની રચના કરી. પ્રાચીન કાળ માં આજ ત્રિપુષ્કર વાધ્ય ને “મૃદંગ” કે “મુરજ” પણ કહેવામા આવતું.

સ્વર, પ્રહાર, અક્ષર અને માર્જના ની દ્રષ્ટિ થી ત્રિપુષ્કર અત્યંત ઉન્નત અને સમૃધ્ધ વાધ્ય હતા. પુષ્કર વાધ્યો નો આવિષ્કાર ભારતીય સંગીત ના ઇતિહાસ માં એક અપૂર્વ ઘટના હતી જેમાં આગળ ચાલીને પટહ , પખાવજ, ખોલ ,કર્ણાટક મૃદંગમ , નાલ , ઢોલક અને તબલા એમ અનેક પ્રકાર ના કલાત્મક અવનદ્ધ વાધ્યો વિકસિત થયા. ભારતીય અવનદ્ધ વાધ્યો ની સંરચના , આકૃતિ , નિર્માણ પદાર્થ , મુખવિલેપન , વાદન પ્રક્રિયા અને વ્યવહાર ના આધાર પર ઘણા પ્રકાર છે જેમાં તબલા એ એક પ્રમુખ અવનદ્ધ વાધ્ય છે.

“તબલા” શબ્દ મૂળ અરબી શબ્દ “તબ્લ” થી વિકસિત થઈ ને બન્યો છે આ શબ્દ ભારત માં અરબ, ફારસ અને તુર્કીસ્તાન જેવા દેશો ના નિવાસીઓ ના આગમન થી પ્રચલિત થયો . શરૂઆત માં “તબ્લ” શબ્દ દુંદુભી ,ઘૌંસા કે નકકારા જેવા ઊર્ધ્વ મુખી અવનદ્ધ વાધ્યો માટે ઉપયોગ માં લેવામાં આવતો હતો. આગળ ચાલીને નાના ઊર્ધ્વ મુખી અવનદ્ધ વાધ્ય ના અર્થ માં “તબ્લ:” શબ્દ થી વિકસિત થઈ ને “તબલા” શબ્દ અસ્તિત્વ માં આવ્યો . વર્તમાન સમય માં “તબલા” શબ્દ તબલા જોડી વાધ્ય માટે પ્રચલિત છે.

તબલા ની ઉત્પત્તિ ના સંદર્ભ માં ઘણા મતો પ્રચલિત છે. અમુક લોકો નું માનવું છે કે હજરત અમીર ખુસરો તો કેટલાક લોકો નું માનવું છે કે સુધાર ખાં ઢાઢી, તો કેટલાક લોકો નું માનવું છે કે ખબ્બે હુસૈન ખાં ઢોલકીયા એ તબલા ની શોધ કરી. પરંતુ સમસામયિક સૂત્રો થી આ મતો ની પુષ્ટિ થતી નથી. તબલા ના ઉદ્દગમ ની ખોજ પ્રાચીન ઉન્નત અવનદ્ધ વાધ્યો ના સંદર્ભ માં કરવા થી માહિતી મળે છે કે પ્રાચીન કાળ માં જ ત્રિપુષ્કર થી વિઘટિત થઈને એક હિસ્સા માં દ્વિપાર્શ્વમુખી આંકીક અને ઊર્ધ્વક તેમજ આલિંગ્યક આ બે વિભાગો મા ઊર્ધ્વ મુખી દ્વિપુષ્કર ની જોડી વાધ્ય નું પ્રચલન ચાલુ થઈ ગયું હતું . આ બાબતો ના પ્રમાણ તે સમય ના પ્રસ્તર શિલ્પો મા મળી આવે છે . ઊર્ધ્વ મુખી દ્વિપુષ્કર જોડી વાધ્ય જ આગળ જતાં નવા પરિવેશ મા , મધ્યકાલીન ચિત્રો મા, તબલા જોડ ના સ્વરૂપ મા જોવા મળે છે. યુગ પરીવર્તન તથા પરિસ્થિતી ની સાથે સાથે તેના સ્વરૂપ અને નામ મા પણ પરીવર્તન આવ્યું .

પ્રાચીન દ્વિપુષ્કર તેમજ મધ્યકાલીન તબલા જોડી બંને નું અંકન નૃત્ય સાથે વગાડતા કરવામાં આવ્યું છે. આમ પરંપરાગત રૂપ થી તબલા નો નૃત્ય સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. મધ્યયુગ મા ખ્યાલ ગાયન અને સિતાર વાદન ના વિકાસ સાથે સાથે તેમની સાથે તબલા વાદન સંગતિ ની પ્રથા ચાલુ થઈ. આમ તે યુગ મા તબલા વાદન ની શૈલી મા ચતુર્મુખી વિકાસ થવાનો પ્રારંભ થયો.

તબલા વાદન ની વિભિન્ન શૈલીયો ના વિકાસ ની સાથે સાથે તબલા વાદકો ના ઘરાના અસ્તિત્વ મા આવ્યા વર્તમાન સમય મા તબલા વાદકો ના દિલ્લી , અજરારા, લખનઉ, ફારુખાબાદ, બનારસ અને પંજાબ એમ 6 ઘરાના માનવામાં આવે છે. પ્રત્યેક ઘરાના ની વિશિષ્ટ તબલા વાદન શૈલી તેજ ઘરાના ના નામ થી પ્રખ્યાત છે.

તબલા વાદન શૈલી માટે વિશેષ રૂપ થી “બાજ” શબ્દ નો પ્રયોગ કરવામાં આવે છે. વ્યાપક દ્રષ્ટિ થી જોએએ તો તબલા ના પ્રમુખ ત્રણ “બાજ” પ્રસિધ્ધ છે , દિલ્લી , પુરબ અને પંજાબ બાજ. પ્રત્યેક ઘરાના ની શૈલી મોટે ભાગે આમથી જ કોઈ પણ એક બાજ સાથે સંબંધિત છે. તબલા વાદન ના બધાજ “બાજ” તબલા પર ની થાપ અને ચાટ આ બે મુખ્ય પ્રહાર ભેદ ના આધાર પર વિકાસ પામ્યા છે જેમનો વિકાસ પ્રાચીન ત્રિપુષ્કર ના ત્રિપ્રહાર અને પંચપાણીપ્રહત વાદન વિધિયો થી થયો છે.

તબલા વાદન ના મુખ્ય બે પ્રકાર છે 1 સ્વતંત્ર અને 2 સંગતિ. સ્વતંત્ર વાદન ના રૂપ મા તબલા નું એકલ વાદન થાય છે અને સંગતિ ના સ્વરૂપ મા સંગીત ના ગાન ,વાદન આને નર્તન ની વિવિધ વિધાઓ સાથે તબલા વગાડવામાં આવે છે . આજે ભારતીય સંગીત મા તબલા વાદન એટલુ લોકપ્રિય છે કે તેનો ઉપયોગ સંગીત ની શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય તેમજ સુગમ સંગીત મા પણ કરવામાં આવે છે . એટલા માટે જ ભારતીય સંગીત મા તબલા એક બહુ ઉપયોગી કલાત્મક ઉન્નત અવનદ્ધ વાધ્ય ના રૂપ મા પ્રતિષ્ઠા પામેલ છે.

ભારત ના પ્રખ્યાત તબલા વાદકો મા અહેમદ જાન થીરકવા ખાન , સમતા પ્રસાદ, અલ્લા રખા, કિશન મહારાજ , શંકર ઘોષ, ચતુર લાલ, નિખિલ ઘોષ, ફિયાસ ખાન, આશુતોષ ભટ્ટાચાર્ય, નંદન મેહતા તેમજ અત્યારે સુરેશ તલવાલકર ,અનિંદો ચેટરજી , કુમાર બોસ , વિજય ઘાટે, રામકુમાર મિશ્રા તેમજ તબલા ને વિશ્વવિખ્યાત કરનાર ઝાકિર હુસૈન મુખ્ય છે.

વર્તમાન યુગ મા તબલા એટલા લોકપ્રિય બની ગયા છે કે તેને પોતાના સમૃધ્ધ કલાત્મક ગુણો થી વિશ્વ ના અનેક દેશો ના સંગીતજ્ઞ તેમજ જનમાનસ ને આકર્ષિત કર્યા છે અને ત્યાં પણ લોકપ્રિય બની રહયા છે. આ પ્રગતિ ને જોતાં એટલુ કહી શકાય કે તબલા વાદન નું ભવિષ્ય ઉજ્જવળ છે.

  • વિપુલ સોલંકી