એકબંધ રહસ્ય
ભાગ - 11
Ganesh Sindhav (Badal)
પોતાની શાદી હોવાના કારણે રઝિયાએ કૉલેજમાં વીસ દિવસની રજા મૂકી. એજ રીતે સુરેશે પણ રજા લીધી હતી. હાલમાં જે મકાન છે તે નાનું છે. હવે એમને મોટા મકાનની જરૂર છે. તેથી તેઓ બંને એક સાથે મકાનની શોધ માટે ફરતા હતા. શહેર થી દૂર વિકસિત વિસ્તારના મકાનો વેચવાની જાહેરાતો છાપામાં આવતી હતી. તે વાંચીને તેઓ મકાન જોવા જતા. મકાન માલિકને મળીને તે ભાવતાલ પૂછતા. આ દરમિયાન મકાન માલિકને જાણ થતી કે ગ્રાહક મુસ્લિમ છે, તો એ મકાન વેચવાનો નનૈયો સંભળાવી દેતો. એક બિલ્ડરે તો આ કારણે બાનું લીધેલા રૂપિયા પાછા આપી દીધા.
સાંજના સમયે સુરેશ અને રઝિયા થાકીને બેઠાં હતાં. એ સમયે એમના ઘરમાં અચાનક બે યુવાનોએ પ્રવેશ કર્યો. એ મુસ્લિમ યુવકો હોવાનો અણસાર રઝિયાને આવ્યો. એમને સુરેશ પર જીવલેણ હુમલો કર્યો. અસહ્ય મારથી એ બેશુદ્ધ થઈને પડ્યો. એના ઘરના સામાનની તોડફોડ થઈ. રઝિયા ‘બચાવો બચાવો’ની બૂમો પાડતી હતી. એને બળજબરીથી ઘરની બહાર કાઢીને રીક્ષામાં બેસાડી. રીક્ષા ઝડપથી દોડવા લાગી. સુરેશને પાડોશીઓએ દવાખાને દાખલ કર્યો.
બીજા દિવસના છાપામાં સમાચાર હતા, ‘કૉલેજના પ્રાધ્યાપક એસ.વી.પટેલ પર મુસ્લિમ ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો.’ આ કારણે શહેરનું શાંત વાતાવરણ ગમગીન બન્યું. હિન્દુ સંગઠનો સક્રિય બન્યાં. શહેરના ભરચક વિસ્તારમાં છરાબાજી થતી હોવાની અફવા ચાલી. લોકોની ભાગદોડ મચી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ગાડીઓ ફરવા લાગી. બસના કેટલાક રૂટ બંધ થયા. બજારની દુકાનોને તાળાં લાગી ગયાં.
છાપાંના સમાચાર વાંચીને આયશાને ફાળ પડી. એ દોડતી સુરેશના ઘરે પહોંચી. અહીં રઝિયા કે સુરેશ નહોતા. પાડોશીઓએ આયશા આગળ આખી ઘટનાનું વર્ણન કર્યું. એ જાણ્યા પછી એને અણસાર આવ્યો કે આ નજમાનું કારસ્તાન કોઈ શકે. આયશા સુરેશની ખબર લેવા દવાખાને પહોંચી. એણે જઈને જોયું તો એની હાલત કફોડી હતી. એ ભાનમાં હતો. એણે રઝિયાના સમાચાર પૂછ્યા. આયશાએ હાથના ઈશારે એને જણાવ્યું કે એ ઠીક છે. આયશા ડોક્ટરને મળી. એને જરૂરી દવા ખરીદીને મૂકી. સફરજન અને બિસ્કીટના પેકેટ મૂક્યાં. દોડતી રીક્ષામાં એ પોતાના ઘરે પહોંચી. ઘરના દરવાજા આગળ રઝિયા બેઠી હતી. તાળું ખોલીને એ બંને ઘરમાં ગયા. બે દિવસ સુધી રઝિયા ક્યાં હતી, એના પર કેવા પ્રકારની જોહુકમી થઈ, એ વિગતો આયશાએ જાણી. રઝિયાએ કહ્યું,
“આ કાવતરા પાછળ નજમાનો હાથ છે. કારણ જે ગુંડાઓ હતા તે એના ભાઈના દોસ્તો હતા. એ લોકોને મેં નજમાના ઘરે જોયેલા છે.”
રઝિયાને બળપ્રયોગ કરીને રીક્ષામાં ઊપાડી જનાર યુવકોએ એની સાથે કોઈ છેડછાડ કરી નહોતી. એને બે દિવસ સુધી અજાણ્યા સ્થળના મકાનમાં પૂરી રાખીને આયશાને ઘરે મૂકી ગયા.
સુરેશને મહાનગરપાલિકાના જાણીતા દવાખાનામાં દાખલ કર્યો હતો. ત્યાં એને મળવા માટે રાષ્ટ્રીય સભાના પાંચ કાર્યકરો આવ્યા, એમાં શંભુ અને સાધુરામ હતા. સુરેશની નજીક જઈને આગેવાન કાર્યકરે કહ્યું, “સુરેશભાઈ, અમે તમારી મદદે આવ્યા છીએ. તમે એકલા નથી. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. તમારી આ હાલત કરનારને અમે પરચો બતાવ્યા વિના રહેવાના નથી.” એમની આગળ આવીને શંભુ બોલ્યો, “કાં સુરેશભાઈ ? અમારી વાત તમેન ગળે ઊતરતી નહોતી. હવે ખબર પડીને ? તમે મારી આગળ ગાંધીની ચોવટ કર્યા કરતા’તા એ ગાંધીનો કોઈ ચેલો તમને મદદ કરવા આવ્યો છે ? અને હા પેલું સાધન હજી તમારી પાસે જ છે. એ અમને પાછું મળવું જોઈએ. અમારા હાથે એનો ઉપયોગ થશે.” ઈજાગ્રસ્ત સુરેશે શંભુની વાત સાંભળી લીધી. આ સમયે સુરેશના મિત્રો અને એની કૉલેજના સાથી અધ્યાપકો એની ખબર પૂછવા આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય સભાના કાર્યકરો ગયા.
છ વાગ્યે આયશા અને રઝિયા સુરેશ પાસે આવ્યા. રઝિયાને જોઈને સુરેશની ચેતના સતેજ બની. રઝિયાએ એની નજીક બેસીને બારીકાઈથી એના જખમનું નિરીક્ષણ કર્યું. શરીરના ક્યા ભાગે વધારે ઈજા થઈ છે તેની પૃચ્છા કરી. સુરેશનો ખાટલો જનરલ વોર્ડમાં હતો તેને બદલીને સ્પેશ્યલ રૂમમાં ફેરવાયો. ઘરેથી લાવેલા દાળભાત ખવરાવ્યા. દૂધ સાથે દવાનો ડોઝ આપ્યો. આયશાને રઝીયાએ કહ્યું, “માસી તમે હવે ઘરે જાવ. હું સુરેશની દેખભાળ રાખવા આ રૂમમાં એની નજીક શેતરંજી પાથરીને સૂઇશ. તમે અમારી ચિંતા કરતા નહીં.” રઝિયાની વાત આયશાએ માન્ય રાખીને એ ગઈ.
સુરેશની તબિયત ધીરેધીરે સુધરી રહી હતી. આ આખી ઘટના નજમાના દોરીસંચારથી બની હતી. એ હકીકત રઝિયાએ સુરેશને કહી.
સુરેશ કહે, “છેલ્લે નજમા મારાથી છૂટી પડી હતી ત્યારે જ મને ખ્યાલ આવ્યો હતો કે એ કંઈક વિઘ્ન ઊભું કરશે જ. ને કરીને જ રહી. ખુદા એને સદબુદ્ધિ આપે.”
વિઠ્ઠલભાઈના દીકરા સુરેશ ઉપર મુસલમાનોએ જીવલેણ હુમલો કર્યો છે. આ સમાચાર રામપુરામાં વાયુવેગે પહોંચી ગયા. વિઠ્ઠલભાઈ અને રેવા તાબડતોબ અમદાવાદ આવ્યા. એમની સાથે ગામમાંથી બીજા પંદર-વીસ જણ આવ્યા હતા. એ બધાએ સુરેશની હાલત જોઈ. એની મા રેવાની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. સુરેશે એને શાંત રહેવા ઈશારો કર્યો. આ બધાના આવવાથી રઝિયા ખાટલાથી દૂર ખસીને એકબાજુ બેસી.
આ સમયે ચતુરભાઈ, જયા અને વિરમ આવ્યા. એમણે સુરેશના ખબર પૂછ્યા. સુરેશની સામે ઊભી રહીને જયા બોલી, “તમારી સારવાર કરવાની ગણતરીએ હું આવી છું.” એણે સાથ પૂરાવતા ચતુરભાઈએ કહ્યું, “સુરેશ, જયા અહીં રહીને તારી સારસંભાળ કરશે. હું એને એટલા માટે જ મારી સાથે લેતો આવ્યો છું.”
સુરેશે ધીમા અવાજે કહ્યું, “આ સામે બેઠી છે એ મારી સારસંભાળ રાખે છે.” જયાએ રઝિયા સામે જોયું. ચતુરભાઈ અને વિરમે પણ એના તરફ જોયું. રઝિયા ગમગીન થઈને બેઠી હતી. વિરમે સુરેશને કહ્યું, “તારે પોલીસ રક્ષણની જરૂર હોય તો તો મને કહે, હું ગૃહમંત્રીને ફોન કરીને પોલીસનો બંદોબસ્ત કરાવી દઉં.” હાથના ઈશારાથી સુરેશે ઇન્કાર કર્યો. સુરેશના ખાટલા પાસે બેઠેલી રેવાએ જયા અને ચતુરભાઈને જોવાથી એ દૂર ખસી ગઈ હતી. ચતુરભાઈએ રેવા અને વિઠ્ઠલભાઈને આશ્વાસન આપ્યું. તેઓ વિરમની ગાડીમાં પાછા નીકળી ગયા. વિઠ્ઠલભાઈ સાથે રામપુરાથી આવેલા સગાસંબંધીઓ પણ ગયા.
આયશાને ખ્યાલ હતો કે આજે સુરેશના સગાસંબંધીઓ ગામડેથી આવશે. તેથી એણે ખીચડી, કઢી, ભાખરી અને શાકનું ટિફિન તૈયાર કર્યું. એ લઈને એ આવી પહોંચી. વહેવારે કુશળ સ્ત્રી આજે ગુજરાતી સાડી પહેરીને આવી હતી. એણે વિઠ્ઠલભાઈ અને રેવા આગળ ટિફિનનું ખાણું મૂક્યું. સુરેશે એની માને કહ્યું, “તમે ખાવ, હું પણ ખાઈશ ને રાજલ પણ ખાશે.” જમ્યા પછી આયશાએ વિઠ્ઠલભાઈ અને રેવાને સુરેશ સાથે ઘટેલી ઘટનાની વિગતે વાત કરી.
આ રાજલ મારી ભાણી છે. એના મમ્મી પપ્પાના અવસાન પછી મેં એને ઉછેરીને મોટી કરી છે. સુરેશની જેમ એ પણ કૉલેજની પ્રોફેસર છે. એ બંનેએ લગ્ન કર્યા છે. આ વાતની જાણ રાજલની સખીને તથા એણે ક્રોધ ચડ્યો, કારણ સુરેશ સાથે એ પોતે લગ્ન કરવા ઇચ્છતી હતી. આમ એનું સપનું રોળાઈ જવાથી એણે એના ભાઈના મિત્રોને સુરેશના ઘરે મોકલ્યા. એ લોકોએ સુરેશની આ હાલત કરી છે. રાજલને પણ એ લોકો ઉપાડી ગયા હતા. એને હેમખેમ પછી મૂકી પણ ગયા. આ ઘટનામાં હિન્દુ-મુસલમાનનો કોઈ પ્રશ્ન નથી. તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં. હવે આવું કંઈ નહીં બને.
સુરેશે એના માતા-પિતાને કહ્યું, “તમે માસીની વાત પર વિશ્વાસ રાખો.” રાત રોકાઇને બીજા દિવસે વિઠ્ઠલભાઈ અને રેવા રામપુરા ગયા.