Startup in Gujarati Motivational Stories by upadhyay nilay books and stories PDF | સ્ટાર્ટ અપ : નવા ઉદ્યોગકારોને મળશે કીકસ્ટાર્ટ

Featured Books
Categories
Share

સ્ટાર્ટ અપ : નવા ઉદ્યોગકારોને મળશે કીકસ્ટાર્ટ

સ્ટાર્ટ અપ : નવા ઉદ્યોગકારોને મળશે કીકસ્ટાર્ટ

. સરકારે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઝૂકાવ્યું એટલે સામાન્ય લોકો માટે પણ આ શબ્દ સામાન્ય બની ગયો છે. જોકે હજુ ઘણા લોકોને સ્ટાર્ટઅપ એટલે શું એનો ખ્યાલ પણ નથી !

- નિલય ઉપાધ્યાય

હમણાં આપણે ત્યાં સ્ટાર્ટ અપશબ્દ વધુ સાંભળવા મળે છે. મીડીયામાં પણ અવાર નવાર આ શબ્દ આવતો રહે છે. આજે ફરી છપાઇ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ અપની નીતિ બનાવડાવી. 16 જાન્યુઆરીએ આ વર્ષે જ અરુણ જેટલીએ સ્ટાર્ટ અપ નીતિ અમલમાં મૂકી. એપ્રિલના આરંભે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું પોર્ટલ શરૂ થયું. સરકારે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઝૂકાવ્યું એટલે સામાન્ય લોકો માટે પણ આ શબ્દ સામાન્ય બની ગયો છે. જોકે હજુ ઘણા લોકોને સ્ટાર્ટઅપ એટલે શું એનો ખ્યાલ પણ નથી ! જૂની પેઢીને સ્ટાર્ટઅપ શબ્દ પણ પહેલી વખત કાને અથડાતો હશે. પણ સિક્કાની બીજી બાજુ જોઇએ તો ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દુનિયામાં ત્રીજા ક્રમે આવે છે !

સ્ટાર્ટઅપ એટલે એવી નાનકડી અને યુવાન કંપની કે જે વિકાસ માટે હજુ શરું જ થઇ હોય છે. એક કે બે-ચાર વ્યક્તિએ એકઠાં થઇને ઉછીની મૂડીથી ધંધો શરું કર્યો હોય છે.

સ્ટાર્ટઅપ આપણે ત્યાં નવું નથી. પાંચ સાત વર્ષથી ચાલે છે. પરંતુ મોદીએ સ્ટાર્ટઅપ નીતિ જાહેર કરી એ પછી વધારે પ્રકાશમાં આવ્યું છે. સરકાર સ્ટાર્ટઅપને શરૂ કરવા માટે નાણાથી માંડીને બીજી ઘણી બધી મદદ કરે છે. એમાં ટેક્સની છૂટછાટો પણ આવી જાય. ટૂંકમાં નવા બિઝનેસમેનો માટે અત્યંત અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવે છે. ભારતમાં બિઝનેસ કરવાની ક્ષમતા ધરાવતી ટેલેન્ટ પ્રચૂર પ્રમાણમાં રહેલી છે. યુવાનો ઘણાબધા નવીનતમ વિચારોથી પોતાનો બિઝનેસ કરવા માગતા હતા પરંતુ પ્રોત્સાહનનો અભાવ હતો. હવે પ્લેટફોર્મ મળ્યું છે. સરકારે સ્ટાર્ટઅપ નીતિ તો હમણા જાહેર કરી પણ છેલ્લાં પાંચ કે સાત વર્ષથી સ્ટાર્ટઅપનો આપણે ત્યાં ઉદય થઇ ગયો હતો.

ભારતમાં કઇ કંપની સ્ટાર્ટઅપ છે એવો વિચાર વાચકોને જરુર આવે. આવી કંપનીના નામ મૂક્યા પછી સ્ટાર્ટઅપનો ખ્યાલ ફટાફટ મગજમાં ઉતરી જશે. ચાલો નામ ગણવા માંડીએ.

આપણે આ કંપનીમાંથી ઘણીબધી વખત ઓનલાઇન શોપીંગ કરી લીધું હશે એનું નામ છે શોપક્લુઝ ડોટ કોમ., આવી જ બીજી જાણિતી સાઇટ ઠછે ફ્લીપકાર્ટ, માય સ્માર્ટ પ્રાઇઝ-વિવિધ ચીજોના ભાવની સરખામણી કરી આપવાનું કામ કરે છે, એજ્યુરેકા-ઓનલાઇન ક્લાસરૂમ ચલાવે છે., જૂનો ટેલિ સોલ્યૂશન્સ-પૈસા ચૂકવી આપવાની સેવા આપે છે, લીન્કસ્ટ્રીટ લર્નીંગ- ઓનલાઇન એજ્યુકેશનમાં ટેકનીકલ બેકઅપ આપે છે. આ કંપનીઓ એવી છેકે જેને પાંચ પાંચ વર્ષ થઇ ગયા છે અને બધી પોતાના ક્ષેત્રમાં સફળ છે. બધી કંપનીઓ બે કે પાંચ વ્યક્તિઓએ શરું કરી છે. રોકાણ વિદેશીઓ કે સ્થાનિક ધનિક વર્ગે કરેલું છે. આ બધી કંપની પાંચ વર્ષ પૂર્વે સ્ટાર્ટઅપ હતી, હવે કદ વધ્યું છે.

હાઉસીંગ ડોટ કોમ- બે વર્ષ જૂની છે અને રિયલ્ટી બિઝનેસ ચલાવે છે. જીવામે-લોંજરી પ્રોડક્ટ ઓનલાઇન વેંચે છે. એડ પુશઅપ- કંપની ઇન્ટરનેટ પર જાહેરખબરો આપે છે. પે ટીએમ- કોઇથી અજાણ નથી આ કંપની. ઓનલાઇન રિચાર્જ, બિલ ચૂકવણી અને ખરીદી માટે ઉત્તમ સાઇટ છે. રેડબસ- મેકમાય ટ્રીપ અને યાત્રા જેવી મોટી કંપનીઓની હાજરી વચ્ચે ઓનલાઇન રેલ, બસ કે ફ્લાઇટની ટીકિટો બુક કરી આપે છે. ઇન મોબી-એપલ, ફેસબુક અને ગુગલને મોબાઇલ સેવામાં હંફાવે છે. ચાયોઝ- ઓનલાઇન ચા વેંચે છે. બગીચાઓમાંથી પત્તી મેળવીને પોતાની બ્રાન્ડ બનાવી છે. હાઉસીંગ ડોટ કોમ- રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરે છે. ઓલા- બધાના હોંઠે આ નામ છે. ટેક્સી સર્વિસ પ્રોવાઇડર છે. આ બધી સ્ટાર્ટઅપ કંપનીઓને હજુ માંડ ત્રણ વર્ષ થયા છે. બધી જ કંપનીઓ ભારતીય છે અને વર્તમાન સમયે ધમધોકાર ધંધો કરી રહી છે.

સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારતમાં ખૂબ જ ઝડપી પ્રગતિ જોવા મળી છે. એ કારણે જ સરકારે આ તક ઝડપીને નવી નીતિ જાહેર કરી દીધી છે. આઇટી ઉદ્યોગના સંગઠન નાસકોમના કહેવા પ્રમાણે ભારત સ્ટાર્ટઅપની ઉંચી સંખ્યા ધરાવનારા રાષ્ટ્રોમાં ત્રીજા ક્રમે આવે છે. ભારતમાં 4200 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ છે. 2014માં 3100 સ્ટાર્ટઅપ ભારતમાં હતી. 2020 સુધીમાં આ સંખ્યા 11,500 સુધી પહોંચે એવો અંદાજ છે.

2015નું વર્ષ ભારતમાં સ્ટાર્ટઅપ માટે ખૂબ જ સફળ રહ્યું છે. અગાઉના વર્ષે વિશ્વમાં ભારત ચોથા ક્રમે હતુ 2015માં ત્રીજા ક્રમે આવી ગયું છે. ભારત પહેલા અમેરિકા અને યુ.કે.નો નંબર આવે છે. ભારતમાં સ્ટાર્ટઅપ શરું કરનારા મોટાંભાગના યુવાનો છે. તમામ સ્ટાર્ટઅપ કંપનીઓમાંથી 70 ટકા કંપનીઓના ફાઉન્ડર 35 વર્ષ કે તેનાથી નીચેની ઉંમરના છે. 600 જેવી સ્ટાર્ટઅપ ઇ કોમર્સ પર ધ્યાન આપી રહી છે. એમાં ગ્રાહક સેવાઓ મોખરે છે. મહિલાઓ પણ સ્ટાર્ટઅપમાં મોટું યોગદાન આપી રહી છે.

નાસકોમના અહેવાલ પ્રમાણે ભારતમાં ત્રણથી ચાર નવી સ્ટાર્ટઅપ રોજ શરું થાય છે. 2015માં આશરે પાંચ અબજ ડોલરનું ફંડ સ્ટાર્ટઅપ કંપનીઓમાં આવ્યું છે. 2015માં સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યામાં 40 ટકાના દરે વિકાસ થયો છે. સફળ સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યા ભારતમાં વધારે છે. ભારતમાં સ્ટાર્ટઅપના આગમન માટે ભૌગોલિક વાતાવરણ અને ઇન્ટરનેટની વધતી જતી કનેક્ટિવીટી તથા વિકાસશીલ દેશ હોવાનું કારણ મહત્વનું છે.

ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાયેલી હોય છે. જોકે વિદેશી કંપનીઓ પણ ભારતમાં રોકાણ મોટાંપાયે ઠાલવી રહી છે. ન્યૂયોર્ક સ્થિત ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટને ભારતીય સ્ટાર્ટઅપમાં બહુ રસ છે. ભારતીય સ્ટાર્ટઅપમાં સૌથી વધારે રોકાણ આ કંપનીનું છે. 2014માં 4220 લાખ ડોલર આ કંપનીએ ભારતની સ્ટાર્ટઅપમાં રોક્યા હતા. ફ્લીપકાર્ટ પણ એક મોટી સ્ટાર્ટઅપ બની ચૂકી છે. તેમાં ઢગલાબંધ રોકાણ છે. રશિયાની યુરી મીલનેર, જાપાનની ટેલિકોમ જાયન્ટ સોફ્ટબેંક, કાલારી કેપીટલ, સિક્યોઇયા કેપીટલ, એસ્સેલ પાર્ટનર્સ વગેરે જેવી વિદેશી કંપનીઓ ભારતની સ્ટાર્ટઅપમાં મોટું રોકાણ કરી રહી છે.

2014માં 43 જેટલી સફળ સ્ટાર્ટઅપની માલિકીનું હસ્તાંતરણ થયું. 2015માં 41 સ્ટાર્ટઅપ બીજા લોકોએ ખરીદી લીધી એમાં બે મોટી સ્ટાર્ટઅપ ગોદરેજ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ખરીદી લીધી છે ! 2015માં ડ્વીલ ડોટ ઇન નામની ઇન્ટીરીયર ડિઝાઇન કરતી કંપની લાઇવસ્પેસ નામની મોટી કંપનીએ ખરીદી લીધી. એશિયાનું સૌથી મોટું ડોક્ટર સર્ચ એન્જીન પ્રાક્ટોને ફીથો નામની ફિટનેસ કંપનીએ ખરીદી લીધું. હમણાં જ માયગોલા નામની ટ્રાવેલ પાર્ટનર કંપનીને મેક માય ટ્રીપે ખરીદવાની જાહેરાત કરી છે. સ્નેપ ડીલ દ્વારા ફ્રી ચાર્જ નામની ડિજીટલ ઇ કોમર્સ કંપની ખરીદવામાં આવી છે. આ બધી સ્ટાર્ટઅપ એવી છેકે તેનો વિસ્તાર અને કાર્યક્ષેત્ર તથા ગ્રાહકો સતત વધ્યા કરતા હતા. કંપનીઓ નવા પ્રકારનો બિઝનેસ કરતી હતી. ઘણી વખત જેતે કંપનીઓના બિઝનેસને પણ અસર કરતી હતી એ કારણે ખરીદી લેવાઇ છે. 2015ના આરંભે ઝીપડાયલ નામની સ્ટાર્ટઅપને ટ્વીટરે ખરીદી લેવી પડી હતી. ઝીપડાયલ બેંગલોરની છે. કંપની મીસ્ડ કોલ માર્કેટીંગ કરતી હતી.

ભૂતકાળમાં 2014ના આરંભે લીટલ આઇ લેબ્સ નામની બેંગલોરની કંપનીને ફેસબુકે ખરીદી લીધી.કંપની સોફ્ટવેર ટૂલ્સ બનાવતી હતી અને એન્ડ્રોઇડ એપ્સમાં પરફોર્મન્સ કેવું થાય છે એના સોફ્ટવેરની ડિઝાઇન તેની પાસે હતી. એ પછી ફેસબુકે મોબાઇલ એપમાં વર્ચસ્વ વધારેલું. આ સોદો 100થી 150 લાખ ડોલરમાં થયેલો એવું સંભળાય છે. 50 કરોડના ખર્ચે યાહૂએ 2015માં બુકપેડ નામની સ્ટાર્ટઅપ ખરીદી લીધી હોવાના વાવડ હતા. કંપની બેંગલોરની હતી અને એન્ડ ટુ એન્ડ ડોક્યુમેન્ટ હેન્ડલીંગ ટેકનોલોજી એણે વિકસાવી હતી.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો કોઇ ઇનોવેટિવ આઇડિયાઝ કે નવીન પ્રકારના બિઝનેસને લઇને સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવી હોય તો ફાઉન્ડરો ન્યાલ થઇ જાય છે. આપણે ત્યાં પણ કોઇ નવી સ્ટાર્ટઅપ શરું કરવા માગતું હોય તો જાણી લે કે નાસકોમ આ માટે બહુ મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે. દસ વર્ષમાં 10 હજાર સ્ટાર્ટઅપ શરું કરાવવાનું તેનું આયોજન છે. એ માટે પૂરું પ્રોત્સાહન આપવામાં આવશે. નાસકોમને માઇક્રોસોફ્ટ, ગુગલ, ઇન્ટેલ, વેરીસાઇન અને કોટ સપોર્ટ કરી રહ્યા છે. જોકે નવા આઇડિયાઝ, લાંબો સમય ચાલી શકે એવી દુરંદેશીભર્યો વિચાર અને પૂરતું નાણાભંડોળ ફાઉન્ડરો પાસે હોવા ખૂબ જરુરી છે.

---------

ભારતની નવી સ્ટાર્ટઅપ નીતિના અંશો

- મોબાઇલ એપની મદદથી સીંગલ વીન્ડો ક્લીયરન્સ

- 10 હજાર કરોડના ફંડનું ફંડ

- પેટન્ટ રજીસ્ટ્રેશન ચાર્જમાં 80 ટકા રાહત

- નાદારીની કલમો સ્ટાર્ટઅપ માટે સરળ

- ત્રણ વર્ષ સુધી સરકારી ઇન્સ્પેક્શનમાં મુક્તિ

- 3 વર્ષ સુધી કેપીટલ ગેઇન ટેક્સમાં મુક્તિ

- 3 વર્ષ સુધી નફા પર ટેક્સમાંથી મુક્તિ

- સેલ્ફ કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ

- અટલ ઇનોવેશન મિશન તળે ઇનોવેશન હબમાં સમાવેશ

- ઇનોવેશન પ્રોગ્રામ માટે 5 લાખ શાળાઓમાં 10 લાખ બાળકોને નવા વિચારોની તાલિમ

- નવી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન

- સ્ટાર્ટઅપને વેગ આપવા માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયાનો ખ્યાલ

-----

કેટલીક ઓછી જાણિતી પણ સફળ સ્ટાર્ટઅપ

- પ્રેક્ટો ડોટ કોમ

- સેલબાયબુક ડોટ કોમ

- ઇન્ટરવ્યૂસ્ટ્રીટ ડોટ કોમ

- માઉથશટ ડોટ કોમ

- એરીટીક ડોટ કોમ

- રિક્રુટરબોક્સ ડોટ કોમ

- કેબ્સફોરહાયર ડોટ કોમ

- એડપુશઅપ

- ટર્મશીટ

- ઝીફી

- ટ્રેકએક્સએન

- એપનોક્સ

- વાયોલેટસ્ટ્રીટ

- ઝુમો

- બીટાઆઉટ

- ગીગસ્ટાર્ટ

- કન્ફર્મટીકિટ

- ઇનફોકસ

----

બોક્સ...

શા માટે મોટાંભાગની સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે ?

ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા ભલે વધારે હોય. પરંતુ નિષ્ફળ પણ મોટી સંખ્યામાં જાય છે એ નરી વાસ્તવિકતા છે. રંગેચંગે સ્ટાર્ટઅપ કંપની યુવાઓ શરું તો કરી દેતા હોય છે પણ પછીથી ઘણીબધી સમસ્યાઓ પણ ભોગવવી પડે છે, એનો ઉકેલ ન આવે તો નિષ્ફળતા મળે છે. નિષ્ફળ જવાના ય ઘણા કારણો છે.

- ભારતમાં એન્જીનીયરો ઘણા બનીને આવે છે, મગજ તેજ ચાલતું હોય છે પણ ટેકનોલોજીમાં. સેલ્સ અને માર્કેટિંગમાં ઘણો વર્ગ થાપ ખાઇ જાય છે.

- વિદેશમાં સફળ સ્ટાર્ટઅપની એલ્યુમ્ની યોજાય છે. એમાં મર્જર અને એક્વિઝીશન તથા ગાઇડન્સ પણ અપાય છે. મોટી કંપનીઓ ટેકો પણ આપે છે. ભારતમાં આવું કશું થતું નથી.

- આપણી સ્ટાર્ટઅપ આરંભના તબક્કે જ જોખમી રોકાણ કરવા લાગે છે. પછી નબળી સ્થિતિ માટે રોકાણ હોતું નથી.

- કૌટુંબિક દબાણ વધુ પડતું હોય છે.

- અમેરિકા કે યુ.કે.ની સ્ટાર્ટઅપ અંદરોઅંદર મોટાં સંગઠનો સાથે સંકળાયેલી હોય છે. ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મુંબઇ, ચેન્નઇ કે બેંગલોર-દિલ઼્હી જેવા શહેરો પૂરતી સિમિત રહી જાય છે.

- વિદેશમાં મોટી કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, ગુગલ કે ઇન્ટેલ પોતાના સ્ટાર્ટઅપ ખોલીને રોકાણ તથા ટેકનોલોજી શેરીંગ કરે છે. ભારતમાં તાતા કે રિલાયન્સ આવું કરી શકશે ?

- આપણે ત્યાં ઘણી બધી સ્ટાર્ટઅપ સરકારી યોજનાઓનો લાભ લેતી નથી અને બેંકિંગ ચેનલનો ઉપયોગ પણ ઓછો કરે છે.

- સ્ટાર્ટઅપ મોટેભાગે કોલેજ કે એન્જીનીયરીંગ પૂર્ણ કર્યા બાદ યુવાનો શરું કરતા હોય છે. બીજી તરફ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર પુસ્તકિયુ જ્ઞાન હોય છે, એનાથી વાસ્તવિકતા તદૃન જુદી હોય છે.

---