દિવાળીની રીત અનોખી
આવી ખુશીઓની બહાર, કેમ ન ખીલીએ ફૂલોની જેમ,
ચાલો અંધારા ઉલેચીએ, સ્વયં પ્રગટીએ દીવાની જેમ.
દિવાળી, દીપાવલિ, દીપોત્સવી એ રંગ-રોશનીનો હર્ષોલ્લાસથી ઉજવાતો તહેવાર છે. અનેકતામાં એકતાના દર્શન કરાવનાર આ એક માત્ર પર્વ છે કે જે ભારતના તમામ રાજ્યોમાં ઉજવાય છે. પરંતુ ઉજવણીની રીત નોખી અનોખી જોવા મળે છે. ગુજરાતમાં દિવાળી ના બીજા દિવસે એટલે કે વિક્રમ સંવત કારતક સુદ એકમથી નવું વર્ષ શરુ થાય છે તો મારવાડી માટે તો ‘દિવાળી’ એ જ બેસતું વર્ષ છે. ચાલો આજે ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યો માં દિવાળી અને તેની સાથે અન્ય તહેવારો કઈ રીતે ઉજવાય છે તે જાણી આપણા દેશ ને વધુ નજીક થી જાણીએ.
ભારતની દક્ષિણ-પશ્ચિમ એ આવેલું આંધ્રપ્રદેશ હિંદુ મુસ્લિમના સ્નેહ દર્શાવતું રાજ્ય. અહીનાં કુલ સાત મુખ્ય તહેવારમાં દિવાળીનું મહત્વ સૌથી વધુ છે. હિંદુઓ નરક ચતુર્દશી અને દિવાળી એમ બે દિવસો ઉજવે છે. નવા વસ્ત્રો, વસ્તુઓ તેમજ મીઠાઈની ખરીદી થાય. સાંજથી ફટાકડા ફોડાય. વેંકટેશ મંદિરે કુટુંબીઓ સાથે જવાનું ખાસ મહત્વ છે. લક્ષ્મી પૂજા પણ કરે. કાગળની આકૃતિઓથી ઘર શણગારે. આ દિવસે માંસ અને મદિરા નો ઉપયોગ ન કરે. આંધ્રના અમુક સ્થળોએ ‘હરિકથા’નું આયોજન થાય. શ્રી કૃષ્ણ અને સત્યભામાની વેશભૂષામાં નરકાસુરનું દહન લોકો દ્વારા થાય. આંધ્રપ્રદેશના પાડોશી રાજ્ય ઓરિસ્સામાં પણ ખુબ જ ઉત્સાહભેર દિવાળી ઉજવાય. ઘણા કુટુંબ પોતાની કુળદેવીને પૂજે. દિવાળીની સવારે ‘તર્પણમ’ સૂર્યોદય થતા જ કરવામાં આવે. આ દિવસે પોતાને ત્યાં લક્ષ્મીદેવી પધારશે તેવી આશા સાથે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખે. તેલના દીવાની હારમાળા અને મીણબત્તી પ્રગટાવી ઉજાસ રાખે. ફટાકડા ફોડાય. જુદાજુદા પ્રકારના ‘પીઠા’ બનાવી દેવીઓને તથા પિતૃઓને ધરાય. તેની પ્રસાદી બધાને આપવામાં આવે. રાજ્યના પુરી,ભ્દ્રાક, રૂરકેલા, કટકમાં કાલીપૂજા થાય છે.
ગોવાના કોંકણ વિસ્તારમાં હિંદુઓ દિવાળી અંતર્ગત નરક ચતુર્દશી, દિવાળી, બલપ્રતિપદા, ભાઉબીજ અને તુલસી વિવાહની ઉજવણી કરે છે. ઘરને સ્વચ્છ કરી ‘કંડીલ’ (ફાનસ) પ્રગટાવાય. આંબાના પાન અને ગલગોટાના ફૂલોથી ઘર શણગારાય. વાસણોને ચમકાવી તેમાં પાણી ભરીને પવિત્ર સ્નાન માટે તૈયાર કરવામાં આવે. દિવાળીને દિવસે સવારમાં ૪ વાગ્યામાં કાગળના બનાવેલા નરકાસુરમાં ઘાસ અને ફટાકડા ભરીને તેનું દહન કરે. ત્યાંથી આવીને સુગંધી સ્નાન કરે. એક સાથે દીવાની હારમાળા પ્રગટાવાય. સ્ત્રીઓ પતિની આરતી ઉતારે તથા ભેટ લે. ‘કરીટ’ નામનું બોર કે જે કડવું હોય છે તે પગ નીચે કચડીને માનવ મનના નરકાસુર એવા નકારાત્મક ગુણ ગુસ્સો, અહંકાર, લોભને ખતમ કરવાના પ્રતિક રૂપે કચડી નાખવામાં આવે. અલગ અલગ પ્રકારના પૌઆ અને મીઠાઈ પીરસાય. દિવાળીએ લક્ષ્મી પૂજા થાય. બલિપ્રતિપદા (એકમ), ભાઉબીજ, તુલસીવિવાહના દિવસે શ્રીકૃષ્ણ પૂજા થાય. કર્ણાટકમાં નરક ચતુર્દશી, દિવાળી અને બલિ પદયમી એમ ત્રણ દિવસો ઉજવવામાં આવે. કન્નડ કુટુંબ સાથે મળીને જ તહેવાર ઉજવે. ગુજરાતમાં જેણે ધનતેરસ કહીએ છીએ તે વદ ૧૩ અહી ‘નીરુ તમ્બો હબ્બા’ તરીકે ઉજવાય. તે દિવસે ઘર સાફ થાય, રંગવામાં આવે, વાસણો સાફ કરી સ્વચ્છ તાજા પાણીથી ભરે. બીજા દિવસે ચૌદસ પવિત્ર ગણાય. આ દિવસે સ્ત્રીઓ પુરુષોની આરતી ઉતારે. ત્યાર પછીના દિવસે દિવાળીએ લક્ષ્મીની પૂજા કરાય. ચોથે દિવસે બલિ પદયમી એ ઘરના પ્રવેશદ્વારને ફૂલોથી શણગારી બલિ ને આવકારાય. આ પ્રવેશદ્વાર ગો માયા ( ગાયના છાણ) અને સીરી ચંદના (ચંદનના લાકડા) નું બનાવાય. ખેડૂતો ‘કેરાકા’ કે જે ગાયના છાણનો પર્વત હોય તેને ફૂલ, મકાઈ, રાગીના ઘાસથી શણગારાય. આ પર્વત ની ગોવર્ધન પૂજા કરે. નરક ચતુર્દશી અને બલિ પદયમીના દિવસે હોળી પ્રગટાવાય. કર્ણાટકના બેંગલોર વિસ્તારમાં કજ્જાયાનું મહત્વ છે.
ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર. અહી મરાઠી મહિના અશ્વિનના કૃષ્ણ પક્ષની બારસથી દિવાળીની ઉજવણી શરુ કરે. ‘વાસુ બારસ’ ના દિવસે માતા અને બાળકના પ્રેમના પ્રતિક એવા ગાય અને વાછરડીની આરતી ઉતારાય. બીજે દિવસે ધન ત્રયોદશી વેપારીઓ માટે મહત્વ ધરાવે છે. તેઓ ધાતુ, સોનું,ચાંદી અને વાસણોની ખરીદી કરે. નરક ચતુર્દશી એ લોકો સૂર્યોદય પહેલા જ સ્નાન કરી આરતી કરે. લક્ષ્મી પૂજા(અમાસ-દિવાળી) એ દીવાઓ પ્રગટાવાય. ફટાકડા ફોડાય તથા નવા હિશાબી ચોપડાની પૂજા કરે. ઘરમાં જ લક્ષ્મી રહે તે માન્યતા ને પગલે આ દિવસે વેપારીઓ ક્યાય કોઈ જાતની ચુકવણી કરે નહિ.દરેક ઘરમાં રોકડ,દાગીના અને લક્ષ્મી ની મૂર્તિની પૂજા થાય. મિત્રો, પડોશીઓ તથા સગા સંબંધીઓને આમંત્રણ આપી તહેવાર ઉજવાય. ત્યાર પછી બલી પ્રતિપદા(એકમ) હિંદુ નાણાકીય વર્ષની શરૂઆત તરીકે ઉજવે. આ દિવસે પત્ની પતિ ના કપાળ પર તિલક કરે અને પતિ પત્ની ને મોંઘી ભેટ આપે. ભાઈ-બહેન નો પ્રેમ ગાઢ બને તે હેતુ થી ભાઈબીજ ઉજવાય.બહેન ભાઈના લાંબા, સમૃદ્ધ, તંદુરસ્ત જીવન માટે પ્રાથના કરે. ભાઈ તરફથી બહેન ભેટ મેળવે. આ બધા જ દિવસોમાં ‘ફરાળ’નું મહત્વ છે જેમાં ચકરી, લાડુ, કરંજી, ચેવડો તથા બીજી પરંપરાગત વાનગી બને.
કેરેલામાં મલયાલયમ મહિના થુલમ કે જે લગભગ ઓકટોમ્બર નવેમ્બેરમાં આવે ત્યારે ‘નરકાસુર વધ’ ના નામે દિવાળી ઉજવાય છે અહી પણ અસુર વૃત્તિ પર સદવૃત્તિ નો વિજય થાઈ તે હેતુ થી નરકાસુરનો વધ કરી ખુશીથી તહેવાર ઉજવાય છે.
તામિલનાડુમાં ઓપાષી મહિનાની ચોદસે(અમાસ ના આગલે દિવસે) ‘દીપાવલી’ ના નામે દિવાળી ઉજવાય છે.લોકો સૂર્યોદય પહેલા ઉઠી ફટાકડા ફોડે તથા શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ અને શિવ મંદિરે દર્શન જાય. શ્રી કૃષ્ણ ના હાથે નરકાસુર મરાયોતે ખુશી માં આ તહેવાર ઉજવે. પરંપરા પ્રમાણે ‘દીપાવલી લેહીયમ’ નામની ઘરગથ્થું દવા પીવાનો રીવાજ છે જેથી પાચન તકલીફ ન થાઈ. તેઓ અમાસના દિવસે દીવા પ્રગટાવતા નથી. પરંતુ કાર્તિકેય દીપમની રાત્રે દીવાઓ પ્રગટાવે. દેશભરમાં સોથી વધુ ફટાકડા અહી ફોડાય છે. ભારતના ઉત્તર પ્રદેશમાં શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ પછી પાછા ફર્યા તે ખુશી માં દિવાળી મનાવાય છે. વારાણસીના ઘાટ પર હજારો દીવાઓ પ્રગટાવાય જે જોવા માટે ઉત્શાહ પૂર્વક લાખો લોકો જાય છે. રાજ્યના ઘણા વિસ્તારમાં મેળાઓ તથા આર્ટ ફેસ્ટીવલનું આયોજન થાઈ છે. પૂજા, ફટાકડા, મીઠાઈઓ તથા ભેટ નું મહત્વ પણ અન્ય રાજ્યો ની જેમ જ છે. વ્રજ વિસ્તાર માં આશો વદ બારસ થી કારતક સુદ બીજ એમ ૬ દિવસ દિવાળી ઉજવાય. ગોવત્સ દ્વાદશીથી તહેવાર શરુ થાઈ. ગો મતલબ ગાય અને વત્સ એટલે વાછરડું, પારંપરિક કથાનુસાર રાજા વેણા ક્રૂર ઘાતકી હતો. તેની અવસ્થા ને કારણે દુકાળ પડ્યો. જમીન ઉજ્જડ વેરાન બની ગઈ તે સમયે તેના પુત્ર પૃથુ એ ગાય માતાને દોહીને ધરતીને ફરી ફળદ્રુપ બનાવવા પ્રાર્થના કરી. બીજે દિવસે (આપણી ધનતેરસ) વાસણો, વસ્ત્રો,સોનું,ચાંદી ની ખરીદી કરે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ને સત્યભામાએ નરકાસુરનો વધ કરી લોકોને ત્રાસમાંથી મુક્ત કરાવ્યા તેણી ખુશીમાં નરક ચતુર્દશી ઉજવાય. પૂજા કરી ફટાકડા ફોડે અને મીઠાઈ વહેંચે. ચોથા દિવસે દિવાળીની રાત. અન્ય રાજ્યોની જેમ જ દીવા પ્રગટાવી ઉજવે. પાંચમો દિવસ તે ‘ગોવર્ધન પૂજા’. શ્રી કરીશને ગોવર્ધન પર્વતને આંગળી પર ઉપાડીને વૃંદાવનના લોકોને ઇન્દ્રના કોપથી બચાવેલા તેની ખુશીમાં પૂજા કરે. છેલ્લો દિવસ તે ‘યમ દ્વિતિયા’ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા આ દિવસે પ્રેમ લાગણીનું બંધન અતૂટ રહે તે હેતુથી બહેન ભાઈને જમાડે. ભાઈ ભેટ આપે.
ઉત્તર પૂર્વ બિહાર અને આસામમાં સામાન્ય રીતે ‘કાલી પૂજા’ કે ‘શ્યામ પૂજા’ અથવા ‘નિશા પૂજા’ કહેવાય છે. પશ્ચિમ બંગાળમાં ‘દીપાબોલિ’ ના નામે કાલીપૂજા થાય છે. મૈથીલીમાં ‘દીયા –બાતી’ કહેવાય. અહી પિતૃઓની યાદમાં દીવા અને મીણબત્તી પ્રગટાવે.
‘હરિ તારા નામ હજાર પણ રૂપ એક’ તે જ રીતે દિવાળીના નામ જુદાજુદા પરંતુ સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસથી ઉજવાતો આ તહેવાર ભારતની અખંડ એકતા પ્રદર્શિત કરે છે. આપ સૌના જીવનમાં સુખ-શાંતિ , સમૃદ્ધિ પ્રસરતી રહે તેવી શુભકામના.
અંતરના આંગણે ઉમંગોની રંગોળી, ઝગમગતા દીપ કરે રોશન દિવાળી.
પારુલ દેસાઈ
9429502180
parujdesai@gmail.com