Ek Chaal Tari Ek chaal mari - 2 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2

Featured Books
Categories
Share

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 2 )

અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી કોખ મેં પલનેવાલી જાન ક્યા કસૂર? ઉસે ક્યા માલુમ કિ ઉસ્કા જન્મદાતા હી ઉસકા અસ્તિત્વ મિટાના ચાહતા હૈ...

સલોની વીસ મિનિટથી આ લાંબોલચક જડબાતોડ ડાયલોગ યાદ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. શોટ તૈયાર હતો અને સલોનીના સીનને કારણે શૂટીંગ રખડ્યું હતું.

ક્યા અક્કલના ઓથમીરે લખ્યા છે આ ડાયલોગ્ઝ …?

સલોનીને પોતાના હાથમાં રહેલી સ્ક્રિપ્ટના લીરે લીરાં કરી ડિરેક્ટરના મોઢા પર મારવાનું મન થઈ આવ્યું હતું, પણ એવા ઘમંડી અને અનપ્રોફેશનલ થવાનો સમય હજી પાક્યો નહોતો.

સલોનીની એક સિરિયલ ફ્લોર પર હતી. એજ બી ગ્રેડની ફિલ્મ અને ચાર એડ્નાં શૂટિંગ માથા પર હતાં. જો કામમાં ગણીએ તો આટલાં ગણીને ચાર-છ અસાઈમેન્ટ. એ પછી ?

એ પછી શું ? એ પ્રશ્ન સલોનીને ભારે પજવતો, પણ હૈયું વહારે થતું : ગૌતમ છે ને સાથે પછી શું ચિંતા ?

એકદમ દેશી નાટક સમાજની બેઠી નકલ જેવી આ સિરિયલમાં આદર્શ નારીનું પાત્ર ભજવતી સલોની એ આદર્શ કેરેક્ટરના ડાયલોગ્ઝથી જ એવી ત્રાસી હતી કે નીતિ, ધારા-ધોરણ, પ્રામાણિકતા, નિષ્ઠા શબ્દો સાંભળીને જ કંઈક ગળામાં આવીને જામી જતું.

આ બધા શબ્દોની માયાજાળ માત્ર ને માત્ર ટીઆરપી રોકડી કરવા સિવાય કોઇ કામની નથી એ જાણવા છતાં પોતે આ પાત્ર કરવું પડે છે. એવી મજબૂરી પર શરમ આવી જતી.

ગૌતમ શું કરવા ધારે છે શું ખબર ?

સલોનીના હાથમાં રહેલું સ્ક્રીપ્ટનું પાનું એમ જ રહી ગયું અને મનમાં તો રિયલટાઇમ ડાયલોગ્ઝ ચાલવા લાગ્યા હતાં. આજે પોતાની સરેઆમ ઉપેક્ષા કરતો આ એ જ ગૌતમ હતો, જે એક સમયે દર કલાકે એને ફોન કરતો હતો !

ગૌતમ કદાચ તમામ છોકરીઓ સાથે આમ જ કરતો હશે ને ?

ફ્લર્ટીયસ... આફટર ઓલ, મોટા માણસનો ફટવેલ નબીરો છે ને !

સલોનીનું મન અને ગૌતમ તરફ થતાં ખેંચાણને રોકવા તમામ કોશિશ કરી ચુક્યું હતું. ત્રણેક વર્ષ પહેલા કેલેન્ડરની મોડેલ સિલેક્શન મિટિંગ પછી ગૌતમ સાથે ત્રણ કોફી અને બે ડિનર મિટિંગ થઇ, છતાંય કંઇ વાત આગળ ન ચાલી ત્યારે સલોનીનાં મન-મગજ આમ જ દ્વંદ્વયુદ્વ કરતાં હતાં. આજે પણ એ જ અતીતની અગાસીમાં યાદોનો મેળો જામ્યો હતો.

‘મારું માને તો આ કેલેન્ડર ગર્લ તરીકે વાત જ જવા દે ઇટ’સ નોટ યોર કપ ઓફ કોફી...’ હળવા સ્મિત સાથે કોફીની ચૂસકી ભરતાં ગૌતમે એવી એક મિટિંગમાં કહેલું ને ત્યારે પોતે કેવી છેડાઇ પડેલી.

‘એટલે ?’ તમે એમ કહેવા માગો છો કે મારા ફેસ,ફિગર, આઉટલુક અપ ટુ ધ માર્ક નથી ?’ સલોની જરા ઉશ્કેરાઇને બોલી હતી.

જો તક માળવાની ન હોય તો આમ વારે વારે કોફી ને ડિનર પર મળવા બોલાવવા પાછળનો ઉદ્દેશ ક્યાંક ? સલોનીની ધારણા સાવ ખોટી તો નહોતી જ, પરંતુ સાવ સાચી પણ નહોતી.

‘નો.... નહીં તો તું સમજી જ નહીં.’ ગૌતમનાં ચહેરા પરથી સ્મિત અલોપ થઇ ગયેલું અને એ થોડો ગંભીર થઇ ગયેલો.

‘સલોની, હું ઇચ્છું છું તું માત્ર કેલેન્ડર ગર્લ બનીને ન રહી જાય યુ આર વેરી ટેલેન્ટેડ.. આઇ કેન સી ધેટ... આ કક્ષાનું મોડેલિંગ તારી મંઝિલ નથી.’

‘તો.. ?’ સલોનીએ હળવા-દબાયેલા, થોડાં આશાવાદી અવાજે પૂછ્યું હતું.

બસ, એ મુલાકાતમાં થયેલી વાતોથી સલોનીને કારકિર્દી તો નહોતી મળી, પણ એ દિશામાં ગતિ તો જરૂર મળી ગઇ હતી.

ગૌતમ પેજ-થ્રી પર્સનાલિટી હતો એના કોન્ટેક્ટ્સ બેસુમાર હતા. એ માત્ર ભલામણ કરતો ને સલોનીને કામ ગૌતમની ભલામણના કારણે મળતું રહ્યું. એ તો માત્ર એક ચિનગારી હતી. ધીમે ધીમે જ્વાળા પ્રસરી રહી હતી.

માત્ર બે વર્ષમાં સલોનીએ એ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધા હતા, જ્યાં પહોંચતા સામાન્ય સ્ટ્રગલરને ઓછામાં ઓછાં પાંચથી સાત વર્ષ તો સહેજે લાગે.

આ વર્ષો દરમિયાન જિંદગી એક સુંદર સપનું બની રહી હતી. જાણે રંગબેરંગી પતંગિયું આજે પેરિસ, કાલે જીનિવા.. લંચ ગોવામાં ને ડિનર મુંબઇમાં ઊડાઊડ, આંનદની છોળ અને નશાભરી ક્ષણેક્ષણ.

`એક તરફ, શુટિંગની તારીખો અને બીજી તરફ, ઝાકઝમાળથી વિશેષ એવી પર્સનલ લાઇફ.

‘બેટા, હવે તો બધું મળી ગયું તારી ઇચ્છા પ્રમાણેનું... હવે શું ? ‘

બાબા રિટાયર થયા પછી મા-બાપ કયારેક કયારેક દીકરીનું મન રાખવા મુંબઇ આવતાં-જતાં. આખી જિંદગી પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ, સાદગીભરી જિંદગીને વરેલા સરકારી અધિકારી પિતાને દીકરીની આ ઝાકમઝોળ ક્યારેય આકર્ષતી નહીં, પણ આઇ આખરે માનું દિલ. સુહાસિનીને પણ ક્યારેક પતિની ચુસ્ત રીતિ-નીતિ પર રીસ ચડી જતી હતી. દીકરીની સફળતા પોંખવાની હોય કે હજી એને કિશોરીની જેમ ટોક્યા કરવાની હોય ?

એ માને તો ક્યાંથી ખબર હોય કે દીકરીએ હજી ટોચની મંઝિલ હાંસલ કરવા તો કેટલીય સીડીઓ ચડવાની બાકી છે... એટલે દીકરીને ખુશહાલ જિંદગીની પાછળ સંતાપભરી રાતોના ઉજાગરાનો ખ્યાલ પણ ક્યાં આવવાનો જ હતો ?

દીકરી ખુશ તો આપણે ખુશ એવી સીધીસાદી થિયરીમાં માનતી માને ક્યાં ચિંતા કરાવવી એવું માનતી સલોનીએ ક્યારેક પોતાના કામની ચર્ચા મૂકી્તમને મા-બાપ સાથે કરી નહોતી.

‘સલોની, આર યુ રેડી ?’ યોર શોટ વિલ બી રેડી ઇન ટેન મિનિટ્સ....’ મેકઅપ રૂમનાં ડોર પર ટકોરા મારતાં મારતાં જ આસિસ્ટન્ટ ડિરેક્ટર એક શ્વાસે બોલી ગયો.

‘ઓહ, આશુતોષ... પ્લીઝ કમ ઇન !’

સલોનીએ અવાજમાં સેકરીન જેવો કૃત્રિમ મીઠો ઉમળકો લાવી નાછૂટકે બોલવું પડયું. આશુતોષ પોતે આવીને જ્યારે આવું કહે છે તો એનો અર્થ એ પણ થયો કે પોતાને માટે થઇને જ સૌ કોઇ રાહ જોઇ રહ્યાં હશે.

સલોનીની કિતાબમાં આંગળીનાં ટેરવે ગણી શકાય એટલાં નામ પણ નહોતાં, જેને એ પોતે ખરેખર મિત્રો, હિતેચ્છુ માની શકે, પણ આશુતોષની વાત જ નિરાળી હતી. પોતાની જેમ એ પણ મુંબઇમાં નવો હતો ત્યારે આકસ્મિક રીતે થઇ ગયેલી મુલાકાત ઘનિષ્ઠ મિત્રતામાં પલટાઇ જશે એની તો કલ્પના પણ નહોતી.

ઉત્તર પ્રદેશના એક નાના કસબાનો ફિલ્મરસિયો ગજવામાં માત્ર બે હજાર રૂપિયા લઇને આવેલો ત્યારે સલોની ભલે સ્ટ્ર્ગલર હતી, પણ આશુતોષથી બહેતર હાલતમાં તો ખરી જ.

એ દિવસોમાં સલોનીનું હમદર્દીભર્યુ વર્તન કદાચ આશુતોષના કૃતજ્ઞ સ્વાભાવમાં કોતરાઇ ગયું હોય કે કેમ, પણ આશુતોષ જ એકમાત્ર એવો સાથી હતો, જેને સલોનીની જરૂર પડે. અડધી રાતે બોલાવી શકતી ને આશુતોષ ગમે તે સંજોગોમાં પૂરેપૂરી નિષ્ઠાથી ખભો ધરવા તત્પર પણ રહેતો.

‘સલોની, ઓલ વેલ?‘સલોનીના મૂડને એની બોડી લેન્ગવેજ પરથી પિછાણી લેતાં સલોનીનું મન વ્યગ્ર છે એવી આશુતોષ આટકળ કરી શક્યો.

‘યેસ, સો ફાર સો ગુડ...’ સલોની નિર્લેપતાથી બોલી :

‘કહીં કિસી કો મૂકીમ્મલ જહાં નહીં મિલતા.... એમ આઇ રાઇટ, આશુતોષ ?’ સલોનીએ આંખ ઉલાળતાં ફિક્કું સ્માઇલ કરતાં કહ્યું.

‘હેય... હવે શું થયું ?‘

આશુતોષે વિસ્મયથી પૂછ્યું. પોતાની દુનિયામાં હંમેશા ખુશખુશાલ રહેતી સલોનીને પોતાની જાત સિવાય ક્યારેય કંઇ નજરે જ ક્યાં ચઢતું હતું ? નહીંતર એણે પોતાના મનને વાંચી ન લીધું હોત ?

આશુતોષના મનમાં વિચાર ઉદભવ્યો ને શમી ગયો. પોતે મિત્રતાને નામે ક્યારે સલોનીને ચાહતો થઇ ગયેલો એ તો આશુતોષ પોતે પણ નહોતો જાણી શક્યો અને સલોની પોતાની સાથે મિત્રતાથી વધુ આગળ કોઇ સંબંધ કદાપિ નહીં વધારે એવી ઊંડે ઊંડે પણ બળવળત્તએ થતી જતી હતી.

અચાનક ભાગ્યદેવી આશુતોષ પર રીઝ્યાં હોય એમ નામાકિંત પ્રોડક્શન હાઉસમાં કામ મળ્યું એ પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનું.

‘ઓહ... ખુશ તો એવી રીતે થાય છે કે જાણે પોતે ધી ડિરેક્ટર હોય. આશુતોષ તું આસિસ્ટન્ટ ડિરેક્ટર નંબર-સેવન છે એ પણ એપિસોડ ડિરેક્ટરનો’ આટલું બોલતાં બોલતાં સલોની એટલું જોરથી હસી પડેલી કે આશુતોષ પોતાની લાગાણીને હળવેથી વાચા આપવાની કેળવેલી રહીસહી હિંમત પણ એ દિવસે પાણી પાણી થઇ ગઇ હતી, છતાં એ જે રીતે સલોનીને ઓળખવા લાગ્યો હતો એ પરથી ઊંડે ઊંડે એક આશા હતી. એ હતી સફળતા, જો પોતાના નામના સિક્કા પડવા લાગ્યા તો તે દિવસે સલોની સામેથી દોડતી આવશે એ વાત પણ નક્કી.

‘આશુતોષ……..’ જોરથી બોલાયેલા નામને આંખો સામે વગાડાયેલી ચપટીએ આશુતોષનો ધ્યાનભંગ કર્યો.

‘આ તારી કોફી ઠરી જશે.’ સલોનીએ સામે પડેલો કોફીનો મગ એના હાથમાં થમાવતાં કહ્યું.

‘અરે, હું તો તને બોલાવવા આવ્યો હતો.’ આશુતોષ ઝંખવાયો. આવ્યો હતો બોલાવવા સલોનીને અને સલોનીનું કોફીનું નિમંત્રણ ટાળી ન શક્યો.

આ જ તો સમસ્યા હતી આશુતોષની. સલોનીના મોહપાશમાંથી બહાર નીકળવાની જેટલી વધુ કોશિશ કરતો એટલો વધુ ખેંચાતો જતો હતો. બીજી તરફ, આખરે સલોની તો એક સ્ત્રી હતી. એ પણ યુવાન, સુંદર, ટેલેન્ટેડ ને મહત્વકાંક્ષી. એ બરાબર પામી ચૂકી હતી કે આશુતોષ તો પહેલી નજરમાં જ ઘાયલ થઇ ચૂક્યો હતો.

આશુઓષની અવસ્થા પ્રેમમાં ઘાયલ પંખી જેવી હતી. અને એ પરિસ્થિતિનો પૂરે પૂરો લાભ સલોની મિત્ર તરીકે લેતી રહી હતી. ત્યાં સુધી જ્યાં સુંધી એની જિંદગીમાં ગૌતમનું આગમન નહોતું થયું. ગૌતમનાં આગમનની સાથે જ સલોનીનું વર્તન જ ફરી ગયું હતું. હવે આશુતોષ દોસ્ત નહીં, સિરિયલનો આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો માટે દોસ્ત હતો.

‘સલોની, ક્યારેક તો એમ લાગે છે કે હું તને ઓળખાતો જ નથી તું જાણે કોઇ અજનબી છે.’ આશુતોષ ઠરી રહેલી કોફી પીવાની ઇચ્છા ન હોવા છતાં માત્ર સલોનીના આગ્રહથી ચૂસકી તો લીધી, પણ તરત જ મગ સાઇડટેબલ પર રાખી દીધો.

‘સાચે જ ? આશુતોષ, તને કેમ એમ લાગે છે કે હું બદલાઇ ગઇ છું ? ‘ધીમા માદક સ્વરે સલોનીએ આશુતોષની સહેજ નજીક સરકી એની આંખમાં ઝાંકતા પૂછ્યું.

‘વેલ..’ આશુતોષને કંઇક કહેવું તો હતું,પણ શું કહેવું, કઇ રીતે કહેવું એ સૂઝ્યું ન હોય એમ એ ઊભો થઇ ગયો.

‘સલોની.... સેટ પર સૌ રેડી છે. તારી રાહ્ જોવાય છે. પ્લીઝ, હરી અપ....’

સલોની નક્કી ન કરી શકી કે આશુતોષ ખરેખર મોડું થતુ હોવાથી ઊભો થઇ ગયો કે પોતાના પ્રશ્નનો ઉત્તર ટાળવા માટે. સેટ પર જતાં આશુતોષને એ જોઇ રહી.

એક સમયે પોતાના માટે જાન આપી દેવા તત્પર એવો આશુતોષ અચાનક આટલો શુષ્ક કઇ રીતે થઇ ગયો ? સલોનીને મનોમન પ્રશ્ન થયો ને સાથે સાથે એનો જવાબ પણ સલોનીને મળી ગયો. જવાબ હતો ગૌતમ સાથે ઉઘાડેછોગ થતી એની રખડપટ્ટી. કોઇપણ આત્મસમ્માનવાળી વ્યક્તિ આ રીતે ન વર્તે તો કઇ રીતે વર્તે ? પણ એનો અર્થ એ થયો કે ગૌતમને કારણે એક ઉમદા મિત્ર ગુમાવવો જે કદાચ ભારે ખોટનો સોદો પૂરવાર થઇ શકે.

’આશુતોષ.... આશુતોષ... એક મિનિટ...’ સલોનીએ ડ્રેસિંગ મિરરમાં જોઇને બૂમ પાડી.

બારણા સુંધી પહોંચેલા આશુતોષે પાછળ ફરી જોયું.

’આશુતોષ, તું મારાથી નારાજ છે ? સલોનીએ પૂછ્યું, હવે એની આંખોમાં વર્ષો પૂરાણી પેલી દોસ્તીનો દાવ અંજાઇ ચૂક્યો હતો એવું આશુતોષે અનુભવ્યું.

‘ડોન્ટ બી સિલી, સલોની, હું તારાથી શું કામ નારાજ હોઉં ? બલકે આ પ્રોડક્શન હાઉસમાં મેં જ તો તારી ભલામણ કરી હતી.... ભૂલી ગઇ ? ‘આશુતોષ બોલ્યો તો ખરો, પણ એના અવાજમાં રહેલી પોકળતા ખુલ્લી પડી રહી હોય એમ સલોનીને લાગ્યું.

હમ્મ, તો આશુતોષ હવે રહી રહીને અહેસાન જતાવી રહ્યો છે ?

‘ઓહ.... થેન્ક યુ સો મચ.... આશુતોષજી.’

સલોનીના હોઠ વ્યંગપૂર્વક વંકાયા.

’સલોની.... કમ ઓન, પ્લીઝ ડોન્ટ ટેઇક ઇટ ધેટ વે. જો, મને તારા પ્રત્યે નારાજગી હોય તો હું તારું નામ સજેસ્ટ કરું ખરો ? અને એ પણ જાણવા છતાં કે તું ભલે મારા પ્રાયોરિટી લિસ્ટમાં પહેલે સ્થાને હોય, પણ હું તો તારા કોઇ લિસ્ટમાં જ નથી. ‘

કદાચ પહેલીવાર દિલમાં વર્ષોથી ઘૂંટાતી વાત આશુતોષની જબાન પર આવી ગઇ.

સલોનીને વાત થોડી બગડતી લાગી. મામલો જરા હેન્ડલ વિથ કેર કરવો પડશે. મગજે તરત જ સિચ્યુએશન ટેકઓવર કરી લીધી.

‘હેય આશુતોષ, મેં સાભળ્યું છે કે તારી લાઇફમાં પણ કોઇક છે, સાચી વાત છે ?’ સલોનીએ પૂછી જ નાખ્યું. એની ઇચ્છા તો હતી કે આશુતોષ ફરી એ જ કહેશે કે પણ પેલી ક્યાં હા પાડે છે અને એનો અર્થ એ જ કે સલોની ને માત્ર સલોની જ થાય છે.

સલોનીના ગોરા રતુંબડા ચહેરા પર આ જવાબ સાંભળવા પહેલા જ રોનક વધી ગઇ. મૂળ વાત પણ ઘૂમાવી દેવાશે ને થોડો ઇગો પંપાળવાથી આશુતોષ માની જશે.

‘સલોની, યેસ. યુ આર રાઇટ મેઘા.... શી ઇઝ મેઘા. વેરી બ્રાઇટ અપકમિંગ ગર્લ. એની એન્ટ્રી થશે. કદાચ એપિસોડ હન્ડ્રેડથી....’

આશુતોષના ચહેરા પર વાત કરતાં કરતાં સ્મિત રમી ગયું, એવું સ્મિત, જે વર્ષો પૂર્વે કોફી પીતાં પીતાં સલોનીને જોતાં રમતું રહેતું.

બૂમરેંગ... જેની અપેક્ષા નહોતી એવો આશુતોષનો જવાબ સાંભળતાવેંત જ સલોનીનેઓ ચહેરો ઝંખવાઇ ગયો, જે હેવી મેકઅપ હોવા છતાં આશુતોષ જોઇ શક્યો.

‘હેય સલોની, વી આર ગેટિંગ લેટ.... ઓકે ?’ આશુતોષે અચાનક જ ભાવાવેશને કોરાણે મૂકી વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરી લીધું.

‘ઓકે, ગિવ મી અ મિનિટ.... વિલ બી રાઇટ ધેર.’ કહેતા સલોનીએ થમ્બઝ-અપ સાઇન કરી. જાણે આશુતોષની વાત એને સ્પર્શી જ નથી, પરંતુ હકીકતે તો આ આખી વાતે સલોનીને પગથી માથાં સુધી ઝાળ લગાડી દીધી હતી.

આશુતોષ મેકઅપ રૂમની બહાર ગયો એવી જ સુઝી લાગલી અંદર ધસી આવી. જાણે એ આશુતોષની એકઝિટની બહાર ઊભી રહી રાહ જોઇ રહી હતી.

‘મેમ... તમને કઇંક કહું, પ્લીઝ ? ‘

પોતાની પીઠ પાછળ એકદમ દબાયેલા સ્વરે બોલાયેલી વાતની ગંભીરતા સમજી હોય એમ સલોનીએ પાછળ જોયું. એ સુઝી હતી. સલોનીની આસિસ્ટન્ટ - સેક્રેટરી, કો-ઓર્ડિનેટર, ડાયેટિશિયન, મેનેજર જે કહો તે બધું જ અને છેલ્લાં થોડાં વર્ષોથી સાથે રહીને હવે થોડી સહ્રદયતા અને મિત્રતા પણ પાંગરવા લાગી હતી.

મેમના જવાબની રાહ જોયા વગર સુઝી બોલી ઊઠી :

‘મેમ પ્લીઝ, તમે ખરાબ ન લગાડતાં. બહાર જે ગોસિપ ચાલી રહી છે એ તમને જણાવવી

જરૂરી લાગી.’

‘હા બોલ, સીધી વાત બોલ. ઘૂમાવવી રહેવા દે. મને મોડું થાય છે, મારો શોટ રેડી છે.’ સલોનીને આમ પણ સુઝીની લંબાણભરી રજૂઆત માટે પહેલેથી એલર્જી હતી.

‘ટુ ધ પોઇન્ટ કહું તો મેમ, ઇન્ડિયા ફોરમના રિપોર્ટર પાસેથી વાત જાણવા મળી છે એ પ્રમાણે તો સિરિયલમાં દસ વર્ષની લીપ આવી રહી છે. કદાચ તમારું કેરેક્ટર એક્સિડન્ટમાં.’ સુઝી બાકીના શબ્દો ગળી ગઇ.

‘વ્હોટ નોન્સેન્સ... એવું કઇ રીતે બને ?’

સલોની ગુસ્સાથી કંપી ઊઠી.

ખરેખર એ કંપનનું કારણ માત્ર ગુસ્સો નહોતો. કંપન હતી ગભરામણની. સલોનીના મનમાં ઊંડે ઊંડે આવી ફડક તો હતી જ.... ગૌતમ સાથે મન પડે ત્યારે વાર-તહેવારે દુનિયાના કોઇપણ ભાગમાં, કોઇને જણાવ્યાં વિના પલાયન થઇ જવું એ વાત જ અતિશય અનપ્રોફેશનલ હતી. આવી વર્તણુંક સારા પ્રોડકશન હાઉસીસ ક્યારેય ચલાવી ન લે અને પોતાના નામનો વિચાર સુધ્ધાં નહીં કરે એવી શક્યતા હંમેશા નડતર બની રહેતી. જોકે ગૌતમને ના પાડવી એટલે એની ગુડ બૂકમાંથી બાદબાકી, એ તો કોઇ હિસાબે પોસાય એવું નહોતું. એકવાર ફિલ્મ અને સિરિયલની કારકિર્દી પૂર્ણવિરામ મૂકાય તો ભલે મૂકાય, પણ શ્રીમતી ગૌતમ વિરવાની બનવાની શક્યતા ધૂંધળી થાય એ હરગિજ ન પાલવે.

‘સુઝી, પ્લીઝ ગો. એ લોકોને ઇન્ફોર્મ કર કે હું પાંચ મિનિટમાં આવું છું.’

સલોનીને આખા આ સિરિયલ જમ્પની વાત સાંભળીને પરસેવો છૂટી ગયો હતો. ક્યાંક એવું ન બને કે કરિયર પણ પાણીમાં જાય અને ભવિષ્યના પ્લાન પણ...

સલોની વિચારતી રહી :

હવે તાળો મળતો હતો. હન્ડ્રેડ એપિસોડ પછી આવી રહેલી લીપ અન્ય કોઇ નહીં, પણ સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેકટર બની ગયેલા આશુતોષનો ગેમપ્લાન હતો એટલે કે દશેક વર્ષની લીપમાં એનું કેરેક્ટર મિડલ એજ થઇ ચુક્યું હોય એટલે પોતે જ એ વાતને સ્વીકારે તો આવતી કાલની ટોપ બ્રેકેટ મનાતી આજની ન્યુ કમર મેધાની એન્ટ્રી અને સલોનીની એક્ઝિટ.

સલોનીની આંખો સામે ઘડીભર અંધારાં છવાઇ ગયા.

ખરેખર આશુતોષ આવી હરકત કરી શકે ?

કેમ નહીં ? પોતાના મને જ જવાબ આપ્યો. ગૌતમ મળ્યો ત્યારે પોતે આજુબાજુ જોવાની પણ તસ્દી લીધી હતી ? તો આશુતોષ પોતાની નવી ફ્રેન્ડને એક સમયે પોતાને કરતો હતો એવી ફેવર શા માટે ન કરે ?

નહીં આશુતોષ યુ કાન્ટ ડુ ધેટ.... સલોની સ્વગત બોલી રહી. એનું હ્રદય કાબૂ બહાર ધડકી રહ્યું

હતું.

હવે અહીં કોઇ એકશન પ્લાન જરૂર છે.

સલોનીએ મનોમન વિચારી લીધું.

- પ્લાન નંબર-વન, ગૌતમ સાથે અભી હાલ ફોન પર વાત કરવી જરૂરી હતી.

- પ્લાન નંબર-ટુ : આશુતોષ સાથે એક ડિનર ગોઠવી દેવું એથીય વધુ જરૂરી હતું. આખરે તો હતો પ્રેમમાં પડેલો પૂરૂંષ. એની પર બીજું કોઇ ગિલીટ ચડે એ પૂર્વે જૂની લાગણીઓનું રિ-કોટિંગ કરી સંબંધોનું જોરદાર રિનોવેશન કરી નાખવું અત્યંત જરૂરી હતું.

-અને પ્લાન નંબર –થ્રી : સ્ટ્રેટેજી ટુ વિન. ગૌતમ હોય કે આશુતોષ પ્લાન વન અને ટુ ને પાર પાડવા માટે જે પણ જોર લગાવવું પડે એ લગાડવું !

આટલાં વર્ષોનાં સંઘર્ષ એમ કંઇ થોડો વ્યર્થ જવા દેવાય ?

સુઝીને વિદાય કરીને સલોનીએ સૌપ્રથમ ગૌતમને ફોન ડાયલ કર્યો. ડર હતો એમ સામે છેડે ફોન સ્વીચ ઓફ હતો.

સલોનીને પોતાની જાત ઉપર ગુસ્સો ચઢ્યો. હવે એ કારકિર્દીનાં ભોગે જુગાર રમી રહી હતી. બે જ મિનિટમાં પોતાની લાગણી પર કાબૂ મેળવી સલોની બહાર આવી ત્યારે શોટ રેડી હતો. યુનિટના સભ્યોના ચહેરા ત્રસ્ત હતા. સેટ પર બધા અપ-સેટ હતાં, પરંતુ ઘણાં સમય પછી પહેલી વાર એવું બન્યું કે સલોનીએ ખરેખર દિલ મૂકીને કામ કર્યુ ને ગણતરીના કલાકોમાં શોટ ઓકે થઇ ગયો.

શુટિંગ પરથી પાછાં ફરતાં પણ સલોનીના મગજ પર સુઝીએ કહેલી વાત ઘૂંટાતી રહી... ન ચાહવા છતાં..., ગ્લેમરવલ્ડૅમાં આ બધું સામાન્ય ગણાય, પણ પોતે આ પરિસ્થિતિ સહજપણે સ્વીકરવા પણ તૈયાર નહોતી. પોતાના સૂરક્ષાકવચ જેવા બેડરૂમમાં ઘુસી પણ ચેન ન પડ્યું સલોનીને. મગજ હવે ઘડિયાળના અવિરત ચાલતાં કાંટાની જેમ કામ કરી રહ્યું હતું. એક તરફ, દેખાઇ રહ્યો હતો હાથમાંથી સરી જતો સમય, આશુતોષ સાથે વધતું જતું અંતર અને ગૌતમની અનિર્ણાયકતા ને નિ:સ્પૃહતા.

આખરે પોતે કેવા ત્રિભેટે આવીને ઊભી રહી ગઇ છે ? મિરર સામે ઊભેલી સલોનીને પ્રતિબિંબની સલોની ઝાંખી ને નિસ્તેજ લાગી રહી હતી.

આ ભવિષ્ય માટે પોતે તૈયાર છે ? મનમાં ઊઠેલો તરંગ શરીરમાંથી એક કંપારી જન્માવતો ગયો.

કંઇક વિચારતાં સલોનીએ સાઇડટેબલ પર મૂકેલો ફોન હાથમાં લીધો અને નંબર જોડ્યો. સામે છેડે રિંગ જતી હતી.

કદાચ મેધા સામે હશે એટલે... ? પોતાની અટકળ બેબુનિયાદ લાગવા છતાં સલોનીને અકળામણ થઇ રહી. ફોન રિસીવ થાય એ પહેલાં ડિસ્કનેટ થઇ ગયો. હવે ફરી ફોન કરવો એટલે પોતાની ગરજ અને નબળાઇનો પૂરાવો આપવો બીજી વાર બટન પ્રેસ કરતી આંગળીને જાણે મગજે ઓર્ડર આપ્યો.

ના, હવે નહીં સલોનીને કોઇ રોકી રહ્યું હતું ત્યાં જ મોબાઇલ ફોનની રિંગ રણકી.

સ્કીન પર આશુતોષ નામ ડિસ્પ્લે થયું ને સલોનીનો ચહેરો ખીલી ઉઠ્યો. દિલ્હી દૂર સહી, નામુમકિન નહીં. આશુતોષ એમ સહેલાઇથી પોતાને નહીં જ જવા દે.

‘હાય આશુતોષ....’અવાજમાં શક્ય એટલો ઉમળકો ઠાલવી દેવાના પ્રયાસથી સલોની બોલી.

‘વ્હોટ અ સરપ્રાઇઝ... સલોની.... આટલી મોડી રાત્રે તું મને ફોન કરે એ વાત મને માનવામાં ન આવી... ઓલ વેલ ?’ આશુતોષના સ્વરમાં હળવી ચિંતા સલોનીને ભારે આશ્વાસનરૂપ લાગી.

‘અરે, આશુતોષ... કેમ, હું તને એમ જ યાદ ન કરી શકું ? અને તારા કરતાં તો આજે મને યાદ આવી રહી તારા હાથની પાંઉભાજી…… વરસાદની મોસમ ને પેલી પાંઉભાજીની સોડમ...’

સલોની એટલી સાહજિકતાથી વાત કરતી હતી કે આશુતોષ ઘડીભર માટે દંગ રહી ગયો. પોતે સ્ટ્રગલર હતાં ત્યારના દિવસોની વાત રહી રહીને આજે યાદ આવી સલોનીને?

‘અરે, ક્યારે બોલાવે છે ડિનર પર... ? એટલે તારા હાથની ભાજી ખવડાવવા માટે.... મને થયું, તું નિમંત્રણ આપે કે ન આપે, પણ સામે ચાલી નિમંત્રણ માગી લેવાનો મારો હક્ક છેને હજી ?‘

આશુતોષના મૂડ કે પરિસ્થિતિની પરવા કર્યા વગર સલોની પોતાને જે કહેવું હતું એ કહીને જ રહી. ખાતરી તો હતી જ કે સામે છેડે રહેલો આશુતોષ સુખદ આશ્વર્યથી હરફ નહીં કાઢી શકે અને થયું પણ એવું જ. આશુતોષ કઇ રીતે ના પાડે સલોનીને !

-અને પછીના શનિવારે આશુતોષના નવા ટેરેસ ફ્લેટ પર જલસાપાર્ટી ગોઠવાઇ ગઇ.

‘જૂના સંઘર્ષના દિવસો યાદ કરવા એ પણ એક લિજ્જત છે... સાચું ને ?’ સલોનીએ વોડકા-સ્પ્રાઇટની એક ચૂસકી ભરી ગ્લાસ હાથમાં રમાડવા માંડ્યો :

‘સલોની, સંઘર્ષનાં આ દિવસો, લિજ્જતભર્યાં ત્યાર લાગે જ્યારે ઊંચાઇની કોઇ મંઝિલ સર થઇ હોય...’ આશુતોષ પોતાની સફળતાને પચાવી શકે એટલો સજ્જ એવો સજ્જન તો જરૂર હતો.

નવી-જૂની અલકમલકની વાતો, સમય સાથે વિખૂટાં પડી ગયેલા સાથીઓ, મીઠી ફરિયાદ ને ખેલદિલીપૂર્વકના સ્વીકારનું સંધાન ડ્રિન્કસ તથા પાંઉભાજી જેવી ચીજે કરાવી આપ્યાં.

કેવું કમાલનું કોમ્બિનેશન આશુતોષના હાથે તૈયાર થતાં જતાં વોડકાના પેગ ને પાંઉભાજી !

કસર બાકી ન રાખવી હોય એમ એ મદહોશ હૂંફાળા અવસરને વધાવતો હોઇ એમ ઝરમર વરસાદ વરસવો શરૂ થયો હતો. મનગમતું સંગીત, વરસાદ અને સ્મરણયાત્રા એવાં તો ખીલ્યાં કે સમયાંતરે બે મિત્ર વચ્ચે સર્જાયેલી ખાઇ ક્યાં વિસરાઇ ગઇ એ ખયાલ જ ન આવ્યો.

પહેલા બંનેના મન વચ્ચેની ખાઇ પુરાઇ ગઇ ને પછી એ જ મદહોશીમાં બંનેના તન વચ્ચે સાયુજ્ય એ રીતે સંધાઇ ગયું જાણે બંનેની જિંદગીમાં ગૌતમ કે મેધા ક્યારેય અસ્તિત્વમાં જ નહોતા, બલકે જાણે બંને વચ્ચે કંઇક એવા નવા સંબંધનો સેતુ રચાઇ રહ્યો હતો, જે આશુતોષ માટે સ્વપ્નવત હતો. એ ત્રણ - ચાર કલાક માટે જાણે કાળચક્ર થંભી ગયું હતું.

મળસ્કું થવામાં ઝાઝી વાર નહોતી. બેડરૂમની બાલ્કનીમાં ઊભા રહેલા આશુતોષે વીસ મિનિટમાં ત્રીજી સિગારેટ જલાવીને એક ઊંડો કશ ભર્યો.

પરમ આંનદની અનુભૂતિ સાથે રહી રહીને કશુંક ચુભતું હતું આશુતોષને. એ કસક આશુતોષ માટે ભારેખમ હતી. કાશ, મગજમાં ચાલતી આ ગુનાહિત લાગણી ધૂમાડા સાથે હવા હવા થઇ જાય. જે ક્ષણ માટે પોતે વર્ષો તરસી રહ્યો હતો એ ઘડી આમ સાવ અચાનક આવીને ઊભી રહી જશે એવી કલ્પના અશુતોષે સપનેય નહોતી કરી !

આમ છતાં સલોની સાથે વર્ષો સુધી ઝંખેલું આ સાંનિધ્ય જે રીતે સાકાર થયું એ પછી મેધા સાથે થઇ ગયેલા દ્રોહની અનુભૂતિ હવે ચચરાટ બનીને અંગે અંગમાં વ્યાપી રહી હતી.

જે પણ થયું તે યોગ્ય તો નહોતું જ.

અશુતોષે મનને આશ્વાસન આપવા પાછળ ફરીને નજર કરી.

બેડ પર અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં સલોનીની યુવા કાયા... સલોની ઘસઘસાટ ઊંઘતી હતી. બેફિકર.... મસ્ત... એની બિડાયેલી પાંપણો પણ અજબ શાંતિ હતી અને ભરનિદ્રામાં પણ કંઇ સપનું જોતા હોય એમ મરકતા હોઠ

એ હોઠ પર રમતું આછું સ્મિત કોઇ સંતોષનું હતું કે પછી કોઇ વિજયનું એ આશુતોષ નક્કી ન કરી શક્યો.

* * *

પહેલા દિવસો ને પછી મહિના વીતી ગયા પેલા મદહોશ વરસાદી ડિનરને..

હા, એ દરમિયાન સલોનીએ ફરી બે-ત્રણ વાર આશુતોષના ફ્લેટમાં રાત વિતાવી હતી.... આમ ચળકાટ ગુમાવતા સંબંધ બાંધવા થયેલી આવી મુલાકાતનું ફળ આટલા મહિના પાછી પણ ન આવતું જણાયું ત્યારે સલોનીના મનમાં અજંપો ઘર કરવા લાગ્યો.

સેટ પર સિરિયલની લીપવાળી વાત ગુસપુસ રીતે ચર્ચાતી હતી. પણ જાહેરમાં કશો ઉલ્લેખ થતો ન હતો એટલે લીપ આવે છે એ વાત નક્કી હતી.

હવે વધુ રાહ જોવા જેવી પરિસ્થિતિ રહી નહોતી. સલોનીની હાલત પાણી બહાર તરફડતી માછલી જેવી હતી. અત્યાર સુધી ગૌતમનું મન અકળ લાગ્યા કરતું, પણ જેને બિલોરી કાચની જેમ જોઇ શકતી એ આશુતોષ પણ હવે ભેદી કોયડા જેવો લાગી રહ્યો હતો.

દિવસભર શુટિંગ, એના કારણે થાકેલું તન અને હતાશ મનથી ચૂર થઇ મોડી સાંજે ઘેર પહોંચવું એ પોતે ધારી રાખેલો જિંદગીનો રોડ-મેપ તો હરગિજ નહોતો

એવી જ એક બોઝિલ સાંજે સલોનીએ ઘરે આવતાંવેંત પોતાના બેડરૂમમાં ઘુસી જઇ ડોર લોક કરી દીધું. બહાર તો ઠીક, ઘરમાં પણ કોઇ જાણે મન પર ઘસાઇ રહેલું કાચપેપર જોઇ જાય તો ?

‘મેમસા’બ, ખાના લાગાઉં ?’ ડોર પર ટકોરા મારી અનીતા પૂછી ગઇ.

દિન-રાત મેમસા’બ સાથે રહેતી અનીતા મેમસા’બનો મૂડ ન પારખી શકે એવી અબુધ નહોતી એટલે ટકોરા મારી બહાર ન ઊભી રહેતાં અંદર જ આવી ગઇ.

‘મેમ, મા-બાબા આજ હી જાનેવાલે થે ના.... આપ નહીં આઇ તો નિકલ ગયેં...’

જવલ્લે જ આવતાં મા-બાબા પુણે જવાનાં હતાં એ વાત પણ પોતે વીસરી ગઇ. શું થઇ રહ્યું છે પોતાની સાથે ? સલોની પોતાના જ પ્રશ્નોમાં ગુંચવાતી રહી.

‘સિર્ફ એક ગ્લાસ દૂધ દે દો, અનીતા.... ઔર તુમ ભી જાઓ.’ સલોની બેડ પર લંબાવતાં બોલી.

ઠંડા દૂધ સાથે ત્રણ રેસ્ટિલ લીધી, છતાં આંખો ઘેરાવાનું નામ નહોતી લેતી. સલોનીએ ઉભા થઇ આંટા મારવા માંડ્યાં. એરકંડિશનની ઠંડક બહારના ઠંડા હવામાન સામે કૃત્રિમ લાગી રહી હતી ગૌતમના પ્રેમ જેવી ? સલોની ફરી એક વાર પોતાના મન સાથે યુધ્ધમાં ઊતરી ગઇ

બેડરૂમના એક કોર્નર પર પડેલા સ્ટડી ટેબલ પર સાંજનાં અખબાર પડ્યાં હતાં. માત્ર પેજ-થ્રી વાંચવા સિવાય કશું ન વાંચતી સલોનીએ એક ટેબ્લોઇડ હાથમાં લીધું. શહેરભરના ક્રાઇમ અને રેપના બનાવો વચ્ચે એક સમાચારે સલોનીનું ધ્યાન ખેંચ્યું.

આમ હતી તો એ ગોસિપ કોલમ, પણ એ કહેતી હતી : વિરવાનીઝ હવે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં ઝંપલાવી રહ્યા છે, જેના કર્તાહર્તા ગૌતમ હશે.

આવી અટકળ એ કોલમમાં થઇ હતી. ખરેખર તો આ વાંચી સલોનીને ખુશી થવી જોઇતી હતી, પરંતુ સલોનીના દિલમાં કંઇક ફાંસ જેવું ચુભ્યું.

ચૂભનનું કારણ હતું એ કોલમની છેલ્લી ત્રણ-ચાર લીટી... જેમાં લખ્યું હતું :

ગૌતમ વિરવાનીના ફિલ્મક્ષેત્રે પ્રવેશ માટે કારણભૂત હતી એમની નવી નવી મિત્રતા... યુ. કે. થી આવેલી. ઇન્ડ્રસ્ટ્રીમાં પણ નવી એવી નફીસા ખાન. કહેવાતા કોઇ ડ્રગ સ્કેન્ડલમાં ફસાયેલી નફીસાને હવે ગૌતમ રિલોન્ચ કરી રહ્યો છે...

સલોનીના કાનની બૂટ લાલચોળ થઇ ગઇ. હાથ-પગ ઠંડા થઇ રહ્યાં હોય એવું લાગ્યું અને...

-અને ત્યાં જ પેટમાં કંઇક ફરક્યું !

***