હત્યા
કિશોર પટેલ
ગોર્કી કોફીશોપમાં એ બારીની બહાર જોતાં જોતાં કોફીના ઘૂંટડા લેતી બેઠી હતી. એની હેન્ડબેગની બાજુમાં આસમાની રંગના રેશમી સ્કાર્ફ હેઠળ લોહીથી ખરડાયેલી છરી પડી હતી.
થાંભલા પાછળ સંતાઈને મેં જોયું કે ટીસ્યુપેપરથી પોતાનું કપાળ એ સતત લૂછ્યા કરતી હતી. એ ન જાણે એમ બારીની બહાર ઊભેલી એક વ્યક્તિને મેં ઇશારો કર્યો.
એને પહેલી વાર જોઈ હતી ત્રણેક મહિના પહેલાં એક સવારે ઓબેરોય મોલમાં ગોર્કીની ઉપર પાંચમાં માળે મારી ઓફિસમાં. મારી નવી નવલકથાનો પહેલો મુસદ્દો હું તપાસી રહ્યો હતો. હમણાં હમણાં મારા કામમાં હું ધ્યાન પરોવી શકતો નહોતો. એનાં બે કારણ હતાં. એક તો એવું કે મારાં લગ્નજીવનમાં તિરાડ પડી હતી. બીજું એ કે એક લાવણ્યવતી લલનાએ મારું ચિત્ત હરી લીધું હતું. દરવાજા પર બે ટકોરા થયા એ પછી પેલી ભુવનમોહિની ભામિનીના બદલે મારા દોઢડાહ્યા પ્યૂન ડાહ્યાનો ચહેરો દેખાતા મારા હૃદયના ટુકડેટુકડા થઈ ગયા.
‘સાહેબ, પેલી છોકરી પાછી આવી છે.’ હું ચૂપચાપ જોઈ રહ્યો એટલે એ બોલ્યો, ‘બે વખત તો મેં એને ભગાડી મૂકી છે.’
મેં કહ્યું, ‘હજી એક વાર એને રવાના કર અને ડાહ્યા, તું પોતે પણ દેખાતો બંધ થઈ જા!’
બાઘાની જેમ જોઈ રહી બે ક્ષણ પછી એ બોલ્યો, ‘હવે તો એ મને મારી જ નાખશે!’
‘તો તો બહુ સરસ!’ મેં કહ્યું, ‘પણ એને કહી દે કે તારી ડેડ બોડીનો નિકાલ એણે એકલીએ જ કરવો પડશે.’
‘ભલે સાહેબ,’ સહેજ બાજુએ ખસી એણે મોટેથી કહ્યું, ‘મેડમ, સાહેબ તમારી રાહ જુએ છે!’
ક્યારેક મને પ્રશ્ન થાય છે કે અમારા બેમાંથી ડાહ્યું કોણ છે?
‘મે આઇ કમ ઇન સર?’ એક નાજુક અને નમણી કન્યાએ દરવાજામાં દેખા દીધી. એના ચહેરા પર નહોતો કોઈ મેકઅપ કે નહોતા કોઈ હાવભાવ. એને જોતાં જ મારા મગજમાં ઘંટડી વાગી પણ શા કારણે એ કંઈ સમજાયું નહીં. એણે સ્ટ્રેચેબલ જિન્સ અને ઇન કરેલું અડધી બાંયનું ચપોચપ ટી-શર્ટ પહેર્યું હતું. અંદર આવી સામેની ખુરશીમાં એ બેઠી. એ પણ એટલી સહજતાથી કે જાણે એ એની રોજની જગ્યા હોય. એટલું પૂરતું ના હોય એમ ત્રાટક કરતી નજરે મને જોઈ રહી. વિચલિત થયા વિના મેં કહ્યું, ‘બોલો, એવું શું કામ છે કે તમે વારંવાર અહીં આવો છો?’
‘સર, મેં સાંભળ્યું છે કે તમને એક મદદનીશની જરૂર છે. હું એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવી છું.’ એણે એક ફાઇલ મારી સામે મૂકી. ‘આ ફાઇલમાં મારી કવિતાઓ અને થોડાક લેખ છે.’
ફાઇલ તરફ જોયા વિના મેં પૂછ્યું, ‘તમારા શોખ શું છે?’
‘મારા શોખ?’ એ થોડી મૂંઝાઈ ગઈ. વિચાર કરીને એ બોલી, ‘મારા શોખના વિષયો છે સંગીત અને સિનેમા.’
તરત મેં પૂછ્યું, ‘તમને વાંચવાનો શોખ નથી?’ એના હોઠ ફફડ્યા અને શાંત થઈ ગયા. ‘મારું કોઈ પુસ્તક તમે વાંચ્યું છે ખરું?’
ધીમેથી એ બોલી, ‘હું ક્રાઈમ થ્રિલર નથી વાંચતી. અમારા ઘરમાં ઘણાં બધાં પુસ્તકો છે. તમારા બધાં જ પુસ્તકો મારી મોમ ફરી ફરી વાંચ્યા કરે છે. હું તો ફક્ત પુસ્તકનું છેલ્લું કવર જ જોતી હોઉં છું.’
‘તમારો ઘણો ઘણો આભાર!’ ઊભો થઈ પીઠ ફેરવી હું બારી પાસે જતો રહ્યો. એક સિગારેટ સળગાવી. એટલામાં મેં ખુરશી ખસેડવાનો અવાજ સાંભળ્યો. કદાચ એ જઈ રહી હતી.
એ ગઈ એટલે ફરી હું મારી ખુરશીમાં ગોઠવાયો. મેં જોયું કે એની ફાઇલ એ ટેબલ પર જ ભૂલી ગઈ હતી. ડાહ્યાને બોલાવવા મેં ઘંટડી દબાવી.
‘તારી બહેનપણીને પાછી બોલાવ. એની ફાઇલ એ અહીં જ ભૂલી ગઈ છે.’ ડાહ્યાને ફાઇલ આપતી વખતે મોટા અક્ષરોમાં હાથે લખાયેલું એનું નામ મેં વાંચ્યુંૹ નિકિતા નિકેતન.
નિકિતા નિકેતન?
મેં ફાઇલ આપી નહીં એટલે ડાહ્યો એમ જ ઊભો હતો. હું બરાડ્યો, ‘ઊભો છે શું? જા ઝટ, બોલાવી લાવ એને!’
એ બહાર ભાગ્યો. નિકિતા નિકેતન એટલે એ અનિતા નિકેતનની દીકરી તો નહીં હોય? હુંય કેવો મૂરખો કે છોકરીનું નામ પણ પૂછ્યું નહીં! અનિતાએ તો એની દીકરી વિશે મને વાત પણ કરી છે. છોકરીને જોતાં જ મારા મગજમાં ઘંટડી વાગી તે આ જ કારણથી હશે?
આખી ફાઇલમાં ક્યાંય એણે એની માનું નામ લખ્યું નહોતું. હા, એણે ઘરનું સરનામું લખ્યું હતું પણ અનિતા ક્યાં રહે છે એ હું જાણતો નહોતો. અનિતાને પૂછવા મેં મોબાઇલ ઉઠાવ્યો પણ એટલામાં છોકરી પાછી આવી એટલે હું અટકી ગયો. ‘તું અનિતાની દીકરી છે?’
એ મારી સામે જોઈ રહી.
મેં કહ્યું, ‘છોકરી, તું કેમ કંઈ જવાબ આપતી નથી? તું અનિતાની જ દીકરી છે ને?’
એ ધીમા પણ મક્કમ સ્વરે બોલી, ‘સર, મારી ફાઇલ મને પાછી આપી દો. અનિતાની દીકરી હોવું એ જ અગર જો લાયકાત ગણાતી હોય તો મને એવી નોકરીમાં રસ નથી.’
અનિતા જ પેલી લાવણ્યમયી લલના છે જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો છે. એ મારી વહાલી સખી છે. ચાળીસી વટાવી ગયેલી સ્ત્રીએ પોતાનું શરીરસૌષ્ઠવ કેવી રીતે જાળવી રાખવું એ અનિતા પાસેથી શીખવું જોઈએ. જાહેરમાં કેવી રીતે રહેવું અને આત્મસન્માનપૂર્વક કઈ રીતે જીવવું એ વાત અનિતા ઘણી જ સારી રીતે જાણે છે. ગોરેગાવમાં ફિલ્મસિટી નજીક એની ફૂલોની દુકાન છે. એ વિસ્તારમાં મનોરંજનની દુનિયાવાળા રખડ્યા કરતા હોય છે. મેં સાંભળ્યું છે કે જાહેરખબર બનાવતી ઘણી એજન્સીઓ અનિતાને મોડેલિંગની ઓફર સતત આપ્યા જ કરે છે અને એ હસતાં મોઢે બધાને ના પાડતી આવી છે. અનિતાની જીવનની જરૂરિયાતો સીમિત છે પણ જીવન અંગેની સમજ અસીમિત છે.
હદયરોગના હુમલામાં નિરંજન નિકેતન એટલે કે એનો પતિ મૃત્યુ પામ્યો પછી અનિતા સ્વતંત્ર અને સુખી જીવન જીવી રહી છે. અકસ્માતે જ એક વાર હું એની ફૂલોની દુકાને જઈ ચઢ્યો. એને એક વાર જોયા પછી એ મારા માટે આરાધ્યદેવી બની ગઈ. એની દુકાને કંઈ કેટલી મુલાકાતો લીધી, કેટલાંય પુસ્તકો એને ભેટમાં આપ્યાં એ ઉપરાંત એની જ દુકાનેથી ફૂલો ખરીદીને એને જ અર્પણ કર્યાં ત્યાર પછી માંડ માંડ કોફી પીવા ગોર્કીમાં આવવાનું આમંત્રણ એણે સ્વીકાર્યું. આમ છતાંય લાંબો વખત એ મારા માટે થોડીક રહસ્યમયી બની રહી. વાંચકોના પ્રેમના લીધે મારી ગણતરી દેશના સર્વાધિક વંચાતા અને વેચાતા દસ લેખકોમાં થાય છે. મિડિયાએ મને સેલેબ્રેટી બનાવી દીધો છે એટલે હાઇ-ફાઇ પાર્ટીઓમાં મને આમંત્રણ મળ્યા કરતું હોય છે. એવી પાર્ટીઓમાં અનિતાને જોડે લઈ જવાની મેં ઘણી વાર કોશિશ કરી પણ “ત્યાં મારું શું કામ?” કહી એ ક્યારેય કોઈ પાર્ટીમાં આવી નથી.
અંજુને કારણે થયેલા ઝખ્મો અનિતાના લીધે રુઝાઈ જશે એવું મને લાગ્યું. અનિતાને મેં દોસ્ત બનાવી. છેક છ મહિના પછી એક વીક-એન્ડ માટે માથેરાન ખાતેના મારા બંગલે એને લઈ જવામાં હું સફળ રહ્યો. શૈયામાં અનિતા મારી કલ્પના કરતાં પણ વધુ ઉત્તમ અને ઉત્તેજક સંગિની સાબિત થઈ. બીજી સવારે ચા પીતી વખતે એ બોલી, “આરઆર, ક્યા શબ્દોમાં કહું કે મને શું થાય છે? જ્યારે તમે સાથે હો છો ત્યારે એવું લાગે છે જાણે સુંદર ફૂલોના બગીચામાં હું ભૂલી પડી ગઈ છું.’
તરત ઘૂંટણિયે પડી મેં કહ્યું, ‘અનિતા, તું મારી જોડે લગ્ન કરીશ? હું વચન આપું છું કે તારા બગીચામાં હું એકએકથી ચડિયાતાં ફૂલોના છોડવા ઉછેરીશ!’
મીઠું હસીને એ બોલી, ‘મને વિચારવાનો થોડો સમય જોઈશે.’
અંજુ સાથે ચાલી રહેલા વિખવાદની વાત મારે એને કરવી હતી પણ મેં જોયું કે અનિતા કંઈક ખોવાયેલી હતી. એ શૈશવની સ્મૃતિમાં રમમાણ હતી. કોલેજના વાર્ષિકોત્સવમાં નાટકમાં થયેલા ગોટાળા યાદ કરી એ ખૂબ હસી. અચાનક એ ખૂલી ગઈ હતી. પોતાની સૂની રાતો યાદ કરી એ ગમગીન થઈ ગઈ. સાંજે મુંબઈ પાછા વળતી વેળા હમણાં હમણાં એને સતાવતી એક સમસ્યાનો અછડતો ઉલ્લેખ પણ એણે કર્યો.
એ સમસ્યાનું કારણ હતી એની દીકરી નિકિતા.
તે દિવસે પેલા નાટ્યાત્મક ઇન્ટરવ્યૂ પછી નિકિતા મારી ઓફિસમાંથી તોછડાઈપૂર્વક જતી રહી હતી. અનિતા જોડે મારી વાત થઈ ત્યારે જાણીને એને નવાઈ લાગી કે નિકિતાને મારી જોડે કામ કરવાનો વિચાર આવ્યો. મેં અનિતાને સહકાર આપવા વિનંતી કરી. કોલેજના મેગેઝિનમાં નિકિતાના છપાયેલા એક લેખની ફોટોકોપી અનિતાએ મને આપી. મહિલા સશક્તીકરણ વિશે લખાયેલો એ લેખ વિચારોત્તેજક હતો. એ લેખ વધુ સારો બની શક્યો હોત. તેમ છતાં એક સાંજે નિકિતાના સંગીતના વર્ગની બહાર ફૂટપાથ પર ઊભા રહી મેં એ લેખનાં ઘણાં વખાણ કર્યાં. મેં કહ્યું કે, એની કલમમાંથી એક પ્રતિભાશાળી લેખક ડોકિયાં કરી રહ્યો છે, છેવટે એણે મારી જોડે ફ્રિલાન્સ કામ કરવાની તૈયારી બતાવી. મારી નવી નવલકથાનો પહેલો મુસદ્દો એને વાંચવા આપી મેં કહ્યું કે, આની સમીક્ષા કર. એ વાંચીને એણે જે કહ્યું તે સાંભળી હું ડઘાઈ ગયો. એ બોલી કે અંતમાં નાયકે એ સુવ્વર (ખલનાયક માટે એણે વાપરેલો શબ્દ)ને પોલીસમાં સોંપવાના બદલે મારી નાખવો જોઈએ. કેટલી સહેલાઈથી એણે હિંસાની હિમાયત કરી હતી!
વિશ્વસિનેમાના મારા સંગ્રહમાંથી કેટલીક ચૂંટેલી ફિલ્મો મેં એને જોવા આપી. એણે જોયેલી ફિલ્મનાં વિવિધ પાસાં અંગે બીજા દિવસે અમે ચર્ચા કરતા. થોડાક દિવસ પછી એક જાપાની ફિલ્મની ડીવીડી મેં એને આપી જેનું વિષયવસ્તુ હતો ધિક્કાર. આ ફિલ્મની લંબાણથી ચર્ચા થયા પછી મેં એને પૂછ્યું, ‘માણસ માણસને શા માટે ધિક્કારે છે?’
એણે ત્વરિત સ્પષ્ટ જવાબ આપ્યો, ‘તમે ધિક્કારો છો કારણ કે તમે પ્રેમ કરો છો.’
મેં એને સીધું જ પૂછ્યું, ‘તું શા માટે તારી મોમને ધિક્કારે છે?’
એણે જવાબ આપ્યો, ‘હું મારી મોમને ધિક્કારું છું, કારણ કે હું એને પ્રેમ કરું છું.’
મેં એને તાકી તાકીને જોયા કર્યું એટલે એ થોડી અસ્વસ્થ થઈ ગઈ. એણે પૂછ્યું, ‘આરઆર સર, તમે ખરેખર જાણવા માગો છો કે શા માટે હું મારી મોમને ધિક્કારું છું? તો સાંભળો, અનિતાના એક ચહેરા પર બીજો ચહેરો છે.’
મેં કહ્યું, ‘સમજાય એવું બોલ.’
‘આપણે એક એવી વ્યક્તિની વાત કરીએ છીએ જે બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. આરઆર સર, હું માનું છું કે તમે વધારે નહીં તોય એકાદ વાર તો જરૂર એની સાથે સૂતા હશો. કહો તો, પલંગમાં એ કેવી લાગી?’
આ સાંભળીને હું ચોંકી ઊઠ્યો. ‘નિક્કી, તને ભાન છે કે તું તારી મોમ વિશે વાત કરે છે?’
‘કહો તો ખરા, કાતિલાના અંદાજ છે એનો, નહીં? તમે જાણો છો એને નિતનવા જુવાન છોકરાઓની સંગત કરવાનો શોખ છે?’
‘ચૂપ થઈ જા છોકરી!’ ખુરશીમાંથી હું ઊભો થઈ ગયો.
એ પણ ઊભી થઈ ગઈ. ‘મને મારી વાત પૂરી કરવા દો. પ્રેમજાળમાં લપટાવીને અનિતા તમને લગ્નજાળમાં સપડાવવા માગે છે કારણ કે એને હવે જીવનમાં સ્થિર થવું છે. મને ખબર છે કે તમે એને પ્રપોઝ કર્યું છે. તમે જાણતા નથી પણ પુરુષો ઉપરાંત બીજી સમલિંગી સ્ત્રીઓ જોડે સંબંધ રાખવામાં પણ એને મજા આવે છે. આરઆર સર, કૂવામાં કૂદી પડતાં પહેલાં પૂરતો વિચાર કરી લેજો!’
સ્વસ્થ રહેવું મુશ્કેલ હતું. આગ લાગી હોય તો જ ધુમાડો નીકળે. મેં અનિતાને પૂછ્યું કે એનું શું કહેવું છે.
અનિતા હસી પડી. એક બપોરે ગોર્કીમાં અમે કોલ્ડ કોફીની લિજ્જત લેતાં બેઠાં હતાં. એ એટલે મોટેથી હસી કે કોફીશોપમાંના બીજા ગ્રાહકોનું ધ્યાન અમારી તરફ ખેંચાયું. એમની સામે મેં સ્મિત ફરકાવ્યું એટલે બધા પાછા પોતપોતાની દુનિયામાં જતા રહ્યા.
અનિતાએ કહ્યું, ‘આરઆર, તમારે તો ખુશ થવું જોઈએ. તમારી શિષ્યાએ એક વાર્તા ઘડી કાઢી છે!’ પછી મારું મોં જોઈ ધીમેથી એ બોલી, ‘એવી કોઈ જગ્યા ખરી જ્યાં આપણે એકાંતમાં વાત કરી શકીએ?’
ગોર્કીની પાછળની જ ગલીમાં આવેલા ટાવરમાંના મારા ઘરે અમે ગયાં. એ ઘરમાં બધે ફરી વળી. મેં કહ્યું, ‘સાવ ગેસ્ટહાઉસ જેવું લાગે છે ને?’ ડ્રોઇંગરૂમમાં વોલયુનિટ પર મૂકેલા અંજુના ફોટા પર હું માનસિક શાંતિ માટે સુખડનો હાર ચડાવી રાખતો. એ જોઈને અનિતાને ગેરસમજ થઈ. એણે મારા ખભે હાથ મૂક્યો.
અંજુ વિશે ક્યારેક નિરાંતે વાત કરીશ એવું વિચારી હું કંઈ બોલ્યો નહીં. વળી અનિતા પોતે કંઈક ગંભીર વાત કરવા માગતી હતી. મેં એનો હાથ પકડી થપથપાવ્યો. મેં કહ્યું, ‘તું કંઈ કહેવા માગતી હતી.’
એ સોફામાં બેઠી. એની આંખોમાં આંસુ તગતગવા લાગ્યાં. એની બાજુમાં બેસી મેં એને બાથમાં લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એક ગ્લાસ પાણી પીધા પછી એણે વાત માંડી.
‘નિરંજનના મૃત્યુના એકાદ વર્ષ પછીની એક મેઘલી રાતની આ વાત છે. નિકિતા એની બેબીડોલ હતી. અમે બંને એને ખૂબ જ મિસ કરતાં હતાં. હમણાં જેમ હું રડી પડી એમ એ પણ એ વખતે રડી પડી હતી. તમે જેમ મને બાથમાં લીધી એમ જ મેં પણ એને બાથમાં લીધી હતી. આપણે તો એટલેથી જ અટકી ગયાં પણ એ દિવસે કંઈક વધારે જ બની ગયું હતું. હું મારી દીકરીને પલંગમાં લઈ ગઈ. અમને બેઉંને હૂંફની જરૂર હતી. મેં એને મારા દેહ સાથે ચાંપી રાખી. થોડી વારે એનો હાથ મારા શરીર પર ફરવા લાગ્યો. મને પણ સારું લાગ્યું. મેં કંઈક તૃપ્તિનો અનુભવ કર્યો હતો. હું ગાઢ નિદ્રામાં સરી ગઈ હતી.
‘પણ મને ખબર નહોતી કે એ રાત્રે નિકિતાની ભીતરમાં એક ચિનગારી સળગી ઊઠી હતી.
‘એ ઓગણીસ વર્ષની થઈ ગઈ હતી. એ મારી તરફ કંઈક જુદી રીતે જ જોવા લાગી. એની આંખોમાંથી મારા માટે પ્રેમ બદલે લાલસા ટપકવા લાગી. એ રાતે જે બન્યું એ ફરીથી બને એવું એ ઇચ્છવા લાગી. કુનેહપૂર્વક હું એને ટાળતી રહી. મારા ધ્યાનમાં આવ્યું કે ઇન્ટરનેટ પર બે સ્ત્રીઓ વચ્ચેના જાતીય સંબંધોની પોર્નફિલ્મો જોવાનું એને વ્યસન થઈ ગયું હતું. મેં અમારા ફેમિલી ડોક્ટરને વાત કરી. એમણે મને નિકિતાને સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જવાની સલાહ આપી. નિકિતા સાથે થયેલી વાતચીત અને એના અમુક ટેસ્ટ લીધા પછી સ્પેશિયાલિસ્ટે મને કહ્યું કે તમામ લક્ષણો એવો ઇશારો કરે છે કે તમારી દીકરી લેસ્બિયન હોઈ શકે. એને વધુ કાઉન્સેલિંગ માટે સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાઓ અને એલિજિબિટીના કાર્યક્રમોમાં સામેલ થવા એને પ્રોત્સાહન આપો.
‘વાત જાણે એમ છે કે કાઉન્સેલિંગ શબ્દ સાંભળતા જ એની કમાન છટકે છે. નિકિતા મારા માટે ખૂબ જ પઝેસિવ છે. મારા સિવાય બીજી કોઈ સ્ત્રીનો એ વિચાર પણ કરવા માગતી નથી. એને ડર છે કે હું તમારી જોડે લગ્ન કરીશ તો એની દુનિયા જ ખતમ થઈ જશે. એટલે જ એ તમારી નજરમાં મારી છબી ખરડવા માંગે છે.’
હવે નિકિતા મને ટાળવા લાગી. મારો ફોન ઊંચકે નહીં, મેસેજિસના જવાબ ના આપે, ફેસબુક પર હું ચેટ કરવાની શરૂઆત કરું એટલામાં એ લોગઆઉટ કરી જાય. એક સાંજે એના સંગીતના વર્ગની બહાર મેં એને પકડી. ઓલમોસ્ટ કિડનેપ કરીને હું એને ગોર્કીમાં લઈ ગયો.
‘શું લઈશ?”
‘તમને એક લેસ્બિયનમાં શું રસ છે?’
‘મને નિકિતામાં રસ છે—’
એણે નજર ફેરવી લીધી.
‘છોકરી, તારી મોમ વિશે એલફેલ બોલતાં તને શરમ ના આવી?’ મેં પૂછ્યું.
‘સો વાતની એક વાત.’ એ બોલી, ‘એ મને છોડીને બીજા કોઈને પણ પરણશે તો હું એને જાનથી મારી નાખીશ!’
મેં કહ્યું, ‘નિક્કી, તું તારી ઉંમરની બીજી કોઈ સખી કેમ બનાવી નથી લેતી?’
એ બોલી, ‘આરઆર સર, બીજી વાર આ વાત કરી છે તો હું સુસાઈડ કરીશ!’
મને કંઈ જ સમજાતું નહોતું કે શું કરવું. મેં અનિતાને કહ્યું કે ‘આપણે નિક્કીને થોડો સમય આપીએ.’ હસીને એણે ટોણો માર્યો, ‘ડરી ગયા એક છોકરીથી?’
બીજું એક અઠવાડિયું અવઢવમાં નીકળી ગયું. એક દિવસ મેં નિકિતાને ઓફિસમાં બોલાવીને કહ્યું, ‘એક વાત કરવી છે પણ તને કેવી રીતે કહું એ સમજાતું નથી.’
‘પહેલાં મારી એક વાત તમે સાંભળી લો આરઆર સર!’ એ બોલી, ‘અનિતાને પરણવાની વાત ભૂલી જજો!’
ધીમેથી મેં કહ્યું, ‘હકીકતમાં મારું મન પણ માનતું નથી અનિતા જોડે પરણવા માટે.’
એ શંકાસભર નયને મને જોઈ રહી. મેં આગળ કહ્યું, ‘પેરેલિસિસથી પીડાતી પત્નીથી ડિવોર્સ તો મને સહેલાઈથી મળી જાય. પણ મારું દિલ માનતું નથી.’
નિકિતાનું મોં ખુલ્લું રહી ગયું. થોડી વારે એ બોલી, ‘તમારી વાઇફ જીવે છે? અનિતાને ખબર છે?’
‘મેં જ કહ્યું એને. પણ એ તો જીદે ચડી છે. કહે છે લગ્ન તો કરવાં જ પડશે નહીં તો કોર્ટમાં જઈશ. ચિટિંગનો કેસ કરીશ!’
‘તો?’ નિકિતા બોલી, ‘એના બ્લેકમેઇલથી ડરી જશો? અપંગ અને બીમાર જીવનસાથીને તરછોડી દેશો?’
‘તું જ કહે, શું કરું હું?’ મેં પૂછ્યું.
એ હસી પડી. ‘એ તમારી સમસ્યા છે આરઆર સર!’
‘અનિતા નામની સમસ્યા મારા એકલાની નથી.’ મેં કહ્યું, ‘આપણે બંને મળીને એનો ઉકેલ શોધીએ તો કેવું?’
‘મારી પાસે તો ઉકેલ છે. અનિતાને’ કહી ગળા પર છરી ફેરવતી હોય એવી રીતે એણે આંગળી ફેરવી. હું ધ્રુજી ઊઠ્યો.
મેં કહ્યું, ‘હિંસાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આપણી ધરપકડ થશે, આપણી પર કેસ ચાલશે, આપણને સજા થશે!’
‘તો પછી,’ એ બોલી, ‘શ્રીમાન બેસ્ટસેલર ક્રાઇમફિક્શન રાઇટર, કોઈક એવો ફુલપ્રૂફ પ્લાન ઘડી કાઢો કે સાપ પણ મરે અને લાકડી પણ ભાંગે નહીં!’
ઘણા બધા પ્લાન વિચાર્યા પછી એવું નક્કી થયું કે શનિવારની બપોરે મારા ઘરે એકાંત ગાળવા અનિતાને મારે રાજી કરવી. એ દિવસે સવારે દસ વાગ્યાથી ગોર્કીમાં એક ટેબલ પર હું નિકિતાને ડિક્ટેશન આપતો રહીશ. એક-દોઢ વાગે ઘેર પહોંચી અનિતા જોડે મારે ડ્રિંક લેવાનું. એના ડ્રિંકમાં મારે નશીલી દવા ભેળવવાની. એ હોશ ગુમાવવા માંડે એટલે મારે ગોર્કીમાં પાછા ફરવાનું. હવે નિકિતાએ મારે ઘેર જઈ બેહોશ અનિતાને પેટમાં છરી મારી પતાવી નાખવાની. નિકિતા ગોર્કીમાં પાછી આવે એટલે ઘેર જઈ મારે હત્યાની તમામ નિશાનીઓ મિટાવવાની અને બોડીના નિકાલની વ્યવસ્થા કરવાની. પછી ગોર્કી પર નિકિતાને મળવાનું. બધી દોડાદોડ ગોર્કીમાં રહી એટલા માટે કરવાની કે પછીથી પૂછપરછ થાય તો અમે તો બેઉ સતત ગોર્કીમાં હતાં એવી એલીબી રહે. દિવસમાં કોઈક ને કોઈક બહાને નિકિતાએ ગોર્કીના સ્ટાફ જોડે વારંવાર ઝઘડા કર્યા હશે જેથી ત્યાંના સ્ટાફને અમારી હાજરી ધ્યાનમાં રહેશે. મારા ઘરે આવનજાવન કરતી વખતે સોસાયટીમાં સર્વન્ટ્સ લિફ્ટનો ઉપયોગ કરવાનો કારણ કે તેના સીસીટીવી કેમેરા અઠવાડિયાથી બગડેલા છે.
ડી-ડેના દિવસે હું નર્વસ હતો પણ ટચવૂડ, પ્લાન પ્રમાણે બધું જ ચોકસાઈથી પાર પડ્યું. જે ઝનૂનથી નિકિતાએ અનિતાના પેટમાં ચાકૂનાં ઉપરાછાપરી ઘા કર્યા હતા એ જોઈ હું ખૂબ જ ડરી ગયો હતો.
જેવો હું નજીક પહોંચ્યો કે મને જોઈ નિકિતા રડવા માંડી. ‘મારે મોમની હત્યા કરવી જોઈતી નહોતી! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ!’
મેં એનું મોઢું દબાવી દઈ બારી તરફ આંગળી ચીંધી. અમને કોઈને જોયા વિના અનિતા અમારી સામેથી પસાર થઈ પાર્કિંગ તરફ ગઈ. એ જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. નિકિતા ચિલ્લાઈ, ‘મોમ તો જિંદા છે!’
મેં ફરીથી એનું મોઢું દબાવી દીધું અને એના કાનમાં બોલ્યો, ‘રિલેક્સ માય ડીયર, આપણે જે કંઈ કર્યું એ તો કેવળ એક રિહર્સલ હતું!’
એ બેસી પડી. દીર્ઘ ક્ષણો સુધી એ મને બાઘાની જેમ જોઈ રહી. મૂંઝાઈને એણે પૂછ્યું, ‘તો પછી મેં હત્યા કોની કરી?’
‘એ તો પીઓપીનું બનાવેલું એક પૂતળું હતું જેનાં કપડાં નીચે ટોમેટો સોસનાં પેકેટ સંતાડેલાં હતાં. તું એટલી ઉશ્કેરાટમાં હતી કે તને કંઈ ખ્યાલ જ ના આવ્યો.’ મેં કહ્યું. બનાવટી હત્યામાં વપરાયેલી છરી મેં સંભાળીને બેગમાં મૂકી.
‘પણ મેં એની ચીસો સાંભળી!’ નિકિતા બોલી.
‘એ ચીસો એક મિમિક્રી આર્ટિસ્ટ પાસે રેકોર્ડ કરાવેલી હતી.’ મેં સમજાવ્યું, ‘એ પૂતળાની અંદર એવી વ્યવસ્થા કરી હતી કે તું ચાકૂ મારે એટલે ચીસ સંભળાય.’
ડઘાયેલી સ્થિતિમાંથી બહાર આવતાં જ નિકિતા ફરી ચિલ્લાઈ, ‘ઓહ માય ગોડ! હત્યા કર્યા પછી મેં મારી જાતને જ ખલાસ કરી નાખી હોત તો?’
‘અશક્ય! મારે ઘેરથી નીકળ્યા પછી તું કઈ આડુંઅવળું કરી ના બેસે એટલા માટે હું સતત તારો પીછો કરતો હતો!’ મેં કહ્યું, ‘સાંભળ નિક્કી, આપણું રિહર્સલ એકદમ પરફેક્ટ હતું. અનિતા હજી તો સાવ અંધારામાં જ છે. હવે તું કહે, ક્યારે એને પતાવી નાખીએ? આવતા શનિવારે?’
‘ડોન્ટ ટોક નોનસેન્સ, પ્લીઝ!’ થોડી વાર ગુસ્સામાં તાકી રહ્યા પછી એ મને ભેટી પડી. ‘થેન્ક ગોડ કે મોમ હજી જિંદા છે!’ થોડીક વાર શાંત રહ્યા પછી એ બોલી, ‘હું સમજી ગઈ સર, જિંદગીનો બહુ મહત્ત્વનો પાઠ હું આજે શીખી છું. થેન્ક યુ સો મચ.’ છૂટાં પડતાં પહેલાં નિકિતાએ મારા ગાલે એક ચુંબન કર્યું.
ગ્રાન્ડ રિહર્સલ તો આજે મુંબઈમાં થઈ ગયું. હવે રાહ જુઓ નાટકના પહેલા અને આખરી પ્રયોગની જેમાં સ્થળ અને પાત્રો બદલાઈ જશે. સ્થળ હશે અમદાવાદ અને પાત્રો હશે અંજુ અને તેના કાતિલની ભૂમિકામાં હું પોતે! આજે તો અનિતાને તો નિકિતાના હાથે મરતાં મેં બચાવી. પણ અમદાવાદમાં અંજુને મારા હાથે મરતાં કોણ બચાવશે?