Asha in Gujarati Short Stories by nehaa books and stories PDF | આશા

The Author
Featured Books
Categories
Share

આશા

આશા

“ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે” જ્યાં ભગવાન શ્રીરામને ખબર નહોતી કે સવારે શું થવાનું છે ત્યાં સામાન્ય માનવી માટે તો જીવન કેટલું દુષ્કર હોય છે.

આશા સાથે પણ કંઈક આવુજ થયું. મને બરાબર યાદ છે કે સ્કુલમાં ભણતી ત્યારે એ સુંદર દેખાતી. ઘઉંવર્ણ ભલે હતો પણ નાક-નકશી એકદમ વ્યવસ્થિત હોવાના કારણે એ સરસ દેખાતી. જવાનીના ઉંબરે પગ મુકતી એ મુગ્ધા સામાન્ય ઘરની દીકરી હતી. એના પિતા કોઈ ફેકટરીમાં નોકરી કરતા હતા અને એની માતા ઘરે સીવણકાર્ય કરતી હતી. મુગ્ધાવસ્થા કહો કે જે કહો પણ આશાને એના ઘરથી નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા ઉમેશ સાથે આંખ મળી ગઈ. ઉમેશ એના કરતા ઉંમરમાં પાંચેક વરસ મોટો હતો. રોજ સ્કુલમાં જાય ત્યારે ઉમેશ કાયમ એની સોસાયટીના ઝાંપે એના મિત્રો સાથે ઉભો હોય. ધીમે ધીમે વાતચીત અને પછી પ્રેમ.

કોલેજ પતાવી ઉમેશ નોકરીએ લાગ્યો અને આશા અઢાર વરસની થઇ. બસ બીજું જોઈતું’તું શું? બંનેએ ઘેરથી ભાગી જઈ લગ્ન કરી લીધા. ઉમેશના એના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. એટલે લગ્ન કરીને સીધા એમના એક સંબંધીને ત્યાં ગયેલા ઉમેશને એના પિતા સમજાવી પોતાને ઘેર લઇ આવ્યા. આશાને એમણે પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી. સામાન્ય ઘરની આશા માટે આ એક ખુશીના સમાચાર હતા. કારણકે ઉમેશના કહેવા પ્રમાણે તો લગ્ન કરીને એ લોકોએ ભાડે ઘર રાખીને રહેવું પડશે. એ એમપણ કહેતો કે મારા માતા-પિતા એમ તરત રાજી નહિ થાય. સસરાને પગે લાગીને આશાને તો જાણે જંગ જીતી ગયા તેવો ભાવ થયો. સાચી હકીકતની જાણ તો એને ઘેર ગયા પછી થઇ, જ્યાં એની સાસુ હજુ મનથી સ્વીકારવા તૈયાર ન હતા. ભલે પોતાની જ નાતની છોકરી હતી પરંતુ સહેજેય પચાસેક તોલા દાગીના લાવે તેવી વહુની આશા રાખીને બેઠેલા એના સાસુ ખાલી હાથ આવેલી આશાને કેવી રીતે સ્વીકારે? સાસુ એની સાથે ફક્ત દેખાવ પુરતીજ વાત કરતા. ઉમેશ ઘરમાં હોય એટલા પુરતુંજ. ઉમેશની ગેરહાજરી દરમ્યાન એકલતા અનુભવતી આશા એમ સમજતી કે ધીમે ધીમે બધું થાળે પડી જશે. આશાના માં-બાપ તો દીકરીની આવી હરકતથી નારાજ થઇ બીજી નાની બહેનની જીંદગી પર એની અસર ન પડે એવા કારણસર ઘર ખાલી કરી બીજે રહેવા ચાલ્યા ગયા. એ લોકોએ દીકરી સાથેના બધા સંબંધો એક ઝાટકે કાપી કાઢ્યા.

આશા જયારે જયારે ઉમેશને એના સાસુ કે સસરા વિરુદ્ધ ફરિયાદ કરતી ત્યારે એ એમજ કહેતો કે હવે એ લોકોના દિલ જીતવાનું કામ તારું છે. હવે તેને ઉમેશની રાહ જોવામાં મઝા આવતી હોય એવું એને લાગ્યું. આખો દિવસ ઘરનું બધું કામ મૂંગે મોઢે કરતી કારણકે વહુ આવ્યા પછી એના સાસુએ કપડા-વાસણ માટે રાખેલા મંગુબેનને છુટા કરી દીધા હતા. ભણતર અધૂરું રહ્યું એનો આશાને બહુ વસવસો હતો. એ ઘણીવાર કહેતી ઉમેશને કે ઘેર બેઠા અભ્યાસ કરવાની છાપામાં જાહેરાત આવે છે તો હું પણ આગળ ભણી શકીશ. દર વખતે ઉમેશ કોઈને કોઈ બહાને એ વાત ટાળતો અથવા હું તપાસ કરી લાવીશ એમ કહી વાતને પતાવી દેતો. એવામાં આશાને સારા દિવસો રહ્યા. ઘરમાં થોડો માહોલ બદલાયો. એના સાસુએ દોરા-ધાગા પણ કરાવ્યા કે આશાની કુખે દીકરો અવતરે. આશા માટે તો આ સોનેરી અવસર હતો. ઘર પ્રત્યે પ્રેમ દર્શાવવાનો અને ઘરમાં આસાનીથી ભળવા માટેનો મોકો પણ આશાને હાથ લાગ્યો હતો.

એક મોટી કંપનીની હેડ-ઓફિસમાં નોકરી કરતા ઉમેશનો પગાર વધારે નહોતો, પણ જીંદગીમાં આગળ વધવાની તમન્ના બહુ ધરાવતો હતો. આશાને એ અનહદ પ્રેમ કરતો હતો. ઉમેશ હવે પિતા બનવાનો હતો એટલે ખુશી પણ બેવડાઈ હતી. પણ એ પોતાના ઘરને ખુશી આપી ન શક્યો. એક દિવસ સાંજે ઘેર પાછા ફરવાના સમયે તેનો અકસ્માત થયો.

ઘાતક અકસ્માતને કારણે એ રાત્રે એના બદલે એની લાશ ઘેર આવી. ઘરમાં માતમ છવાઈ ગયો. હવે આશા એ ઘર માટે અપશુકનિયાળ પગલાની થઇ ગઈ. ઉમેશનું તેરમું પત્યું પછી સગાવ્હાલાઓ પરત થઇ ગયા. આશા માટે નિરાશાના દિવસો ચાલુ થયા પરંતુ છતાં એણે ધીરજ ગુમાવી નહિ. એ જાણતી હતી આવનારું બાળક મારા માટે ખુશી લઈને આવશે અને થયું પણ એવુજ. થોડા મહિનામાંજ એ એક પુત્રની માતા બની. ઘરમાં ખુશીનો માહોલ પાછો આવ્યો હોય એમ લાગ્યું.

છએક મહિના ઘરમાં થોડું હળવું વાતાવરણ રહ્યું એના કારણે એણે મનોમન જે આશા રાખી હતી એ ઠગારી નીવડી. એના પુત્ર જેને એ લોકો નીલ તરીકે બોલાવતા હતા, એના પગમાં કોઈ ખામી હોય એમ લાગ્યું. બીજા અંગોની જેમ એનો વિકાસ બહુજ ધીમો લગતા ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે એના પગમાં પોલીઓની અસર છે. આશાના માથે તો જાણે આભ તૂટી પડ્યું. જીંદગીનો સહારો એ જેને માનતી હતી એ નીલ સહારા વગર ચાલી શકે તેમ ન હતો. હવે ઘરમાં કકળાટ અને કંકાસે જોર પકડ્યું. નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા. એક સવારે એના સાસુ-સસરા એને લઈને એના મા-બાપને ઘેર મૂકી ગયા અને તાકીદ કરી કે હવે અમારા ઘરમાં તારા અપશુકનિયાળ પગલા પડવા ના જોઈએ.

ખરેખર તો આશા મનોમન પોતાના માં-બાપને હવે જોવા માંગતી ન હતી. કારણ કે ઉમેશના મૃત્યુના સમાચાર સાંભળીને એકવાર પાડોશીની જેમ બેસણામાં આવી ગયેલા માબાપ ફરી ક્યારેય એના ઘરના આંગણે દેખાયા ન હતા. વિધિના ખેલ કૈક જુદા જ હશે તે આમ થયું તેવું માનતી આશા માટે આ ઘરના પણ દરવાજા એજ દિવસે બંધ થઇ ગયા કારણકે એ લોકોએ પણ આશાને એજ દિવસે ઘરમાંથી જાકારો આપી દીધો. ઉમેશને ઓફિસમાંથી મળેલું વળતર અને વિમા કંપનીમાંથી મળેલું વળતર કશુંજ આશાને આપ્યું નથી એવું જાણી એના મા-બાપે લગ્ન જાતે કર્યા છે તો જીવનનો રસ્તો પણ જાતેજ કરી લેવા સલાહ આપી.

એ દિવસે જયારે નદીમાં કૂદવું કે કુવામાં? એવા નિર્ણયના તબક્કે એ જયારે સોસાયટીની બહાર બાંકડે બેઠી, ત્યારે ભગવાનના દૂત જેવા એના સ્કુલના ટીચર ત્યાંથી નીકળ્યા. ઉમેશની જ સોસાયટીમાં રહેતા એ ટીચર આશાના સાસુ-સસરાને સારી રીતે ઓળખતા હતા. આજુબાજુના પડોશીઓ દ્વારા એ લોકોનું આશા સાથેનું વર્તન કેવું હતું એ પણ જાણતા હતા. એમણે આશાની પુરેપુરી વાત સાંભળી અને પછી પોતાને ઘેર લઇ ગયા.

નિસંતાન એવા એકાકી જીવન ગુજારતા એ ટીચર માટે તો જાણે ઘરમાં વસંત આવી હોય એમ લાગ્યું. પોતાનું ઘર ભર્યું ભર્યું લાગવા માંડ્યું. એમણે આશાની જીંદગી બદલી નાખી. સ્કુલમાં જે આશાને ભણાવી હતી અને એના બધાજ ભૂતકાળથી વાકેફ હોવાથી એમણે એને અને એના દીકરાને પ્રેમથી પાલવ્યા. એ ટીચરે પોતાના આગલા પાંચેક વરસ આશાને નામ જ કરી દીધા. આશાએ એમના ઘેર રહી શિક્ષણ મેળવવાનું પણ ચાલુ કર્યું. ગ્રેજ્યુએટ પણ થઇ ગઈ. નીલને તો એમજ છે કે એ ટીચર જ એના નાનીમા છે. જીવનમાં સગી માં ન કરે તેવા લાલનપાલન આશાને અને એના પુત્ર નીલને મળ્યા. ગ્રેજ્યુએટ થયા બાદ એ પોતાનીજ સ્કુલમાં ટીચર તરીકે જોડાઈ ગઈ.

ઉમેશને હજુપણ ન ભૂલી શકેલી આશા અત્યારે પણ જયારે શાળાએ નોકરી કરવા જાય ત્યારે એના ફોટાને પગે લાગીને જાય છે. નીલ અત્યારે શહેરની એક અપંગ કલ્યાણ માટે સ્થપાયેલી સંસ્થામાં જ રહીને ભણે છે. મહિનામાં એકજ વખત એને મળવાની છૂટ છે. જયારે જયારે એ નીલને મળવા જાય છે ત્યારે હવે એ અનુભવે છે કે ભલે નીલ અપંગ રહ્યો પરંતુ મારા સહારા વગર એ રહી શકવાનો છે. સંસ્થાના સંચાલકના જણાવવા પ્રમાણે તો નીલ મોટો કોમ્પ્યુટર એન્જીનીયર થશે.

હવે કોઈપણ સપના કે આશા વગર જીવન જીવતી આશાની જીંદગીમાં દુઃખનું કોઈ નામોનિશાન નથી. કારણકે જિંદગી પ્રત્યે વધુ પડતી આશા રાખવાનું છોડી દીધું છે.