mane thayelo anyay hu kevi rite bhulu in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું

Featured Books
Categories
Share

મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું

મને થયેલો અન્યાય

હું કેવી રીતે ભૂલું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઉલઝનોં ઔર કશ્મકશ મેં ઉમ્મીદ કી ઢાલ લિયે બૈઠા હૂં,

એ જિંદગી! તેરી હર ચાલ કે લિયેં મૈં દો ચાલ લિયે બૈઠાં હૂં,

ચલ માન લિયા દો-ચાર દિન નહીં મેરે મુતાબિક,

ગિરેબાન મેં અપને યે સુનહરા સાલ લિયે બૈઠા હૂં.

દરેક માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. દરેકના મોઢે ક્યારેક તો એવું સાંભળવા મળે જ છે કે મજા નથી આવતી. કંઈક સારું થાય ત્યારે થોડોક સમય એવું લાગે કે હવે બધું બરાબર છે. થોડા જ સમયમાં વળી એ ફરિયાદો કરવા માંડે છે. બધાને બધું જ પોતાને અનુકૂળ હોય એવું જોઈએ છે. મારી લાયકાત મુજબનું મને મળતું નથી. હું વધુ ડિઝર્વ કરું છું. મારો ખરો ઉપયોગ જ થતો નથી. જે લાયક નથી એવા લોકોને બધું મળી જાય છે. મારી સાથે અન્યાય થાય છે. મારી કદર થવી જોઈએ એટલી થતી નથી.

માણસ સતત બે એક્સ્ટ્રીમ વચ્ચે ઝૂલતો રહે છે. એક પોઇન્ટ પર સુખ છે અને બીજા પોઇન્ટ પર દુઃખ છે. એક બાજુ સિક્યોરિટી છે,બીજી તરફ ઇનસિક્યોરિટી છે. એક પોઇન્ટ પર આનંદ છે અને બીજા પોઇન્ટ પર ગમ છે. એક તરફ અહેસાસ છે અને બીજી તરફ અફસોસ છે. એક તરફ પ્રેમ છે અને બીજી તરફ વ્હેમ છે. એક તરફ ન્યાય છે અને બીજી તરફ અન્યાય છે. માણસને સૌથી વધુ ફાવટ જજ બની જવાની હોય છે. પોતાનો ન્યાય પોતે જ તોળતો રહે છે. આપણે જ જ્યારે આપણા ન્યાયાધીશ હોઈએ ત્યારે આપણે પોતાની જાતને નિર્દોષ જ ઠેરવતા હોઈએ છીએ. માણસ પોતે જ ફરિયાદી હોય છે અને પોતે જ જજ. આવા સમયે માણસને બધા જ આરોપી, તહોમતદાર અને ગુનેગાર લાગતા હોય છે.

તમને ક્યારેય અન્યાય થયો છે? થયો જ હશે. ન્યાય થયો હોય એ યાદ રહેતો નથી અને અન્યાય ક્યારેય ભુલાતો નથી. મા-બાપ ભાઈ કે બહેનની થોડીક ફેવર કરે તો આપણને એવું લાગે કે મારી સાથે અન્યાય થયો છે. પત્નીને એવું ફીલ થાય છે કે મારો પતિ અને સાસરિયાં મને અન્યાય કરે છે. પતિને એવું લાગે છે કે પત્ની જે કરે છે એ બરાબર નથી. જોબ ઉપર તો ન્યાય અને અન્યાયની ઘટમાળ ચાલતી જ રહે છે. પ્રમોશન ન મળે ત્યારે અન્યાય થયાની લાગણી થાય છે. ઇન્ક્રિમેન્ટ એવી ચીજ છે જેનાથી ભાગ્યે જ કોઈને સંતોષ થાય છે. ઓછું ઇન્ક્રિમેન્ટ મળે તો વાંધો નહીં પણ એ બીજા કરતાં વધુ હોવું જોઈએ. કોઈને વધુ ઇન્ક્રિમેન્ટ મળે ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ? એ તો સાહેબનો ચમચો છે. બોસનો વહાલો છે. છોકરી હોય તો તો વળી ઘણી બધી વાતો થઈ શકે છે. એને કેમ વધુ ઇન્ક્રિમેન્ટ મળ્યું તેનાં કારણો આપણે આપી દઈએ છીએ. કેટલા લોકો એવું વિચારતા હોય છે કે મને કેમ ઓછું મળ્યું? હું ક્યાં કાચો રહી ગયો? મારામાં શું કમી છે? બધાને એવું જ લાગે છે કે મને અન્યાય થયો છે. મારી સાથે યોગ્ય થયું નથી!

હા, બનવા જોગ છે કે તમારી સાથે અન્યાય થાય. એવું શક્ય છે. ઘણાં બધાં પરિબળો કામ કરી જતાં હોય છે. માનો કે અન્યાય થયો તો પછી શું? ક્યાં સુધી એ અન્યાયને જ વાગોળતાં રહેવું? માણસને અન્યાય થાય ત્યારે એ બળવો કરવાના મૂડમાં આવી જાય છે. એ ભૂલો કરે છે. સરવાળે એ સાબિત થઈ જાય છે કે એની સાથે થયું હતું એ વાજબી હતું. એક કર્મચારીની વાત છે. એ પોતાનું કામ મહેનત અને ધગશથી કરતો હતો. કામમાં પૂરેપૂરું ઇન્વોલમેન્ટ હતું. પ્રમોશન મળવાનો સમય આવ્યો ત્યારે બીજાને મળી ગયું. એને એવું લાગ્યું કે તેની સાથે અન્યાય થયો. એ ડિસ્ટર્બ હતો. રાતે નજીકના સાથી કર્મચારી સાથે વાત કરતી વખતે કહ્યું કે, અહીં કાબેલિયત બતાવવાનો કોઈ અર્થ જ નથી. બધા મજા કરે છે. હું મહેનત કરું છું. મને શું મળ્યું? હવે હું પણ કામ કરવાનો નથી. બધા કરે છે એમ જ કરીશ. મારે શા માટે સારા થવું જોઈએ. હવે હું પણ વેઠ ઉતારવાનો છું! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, બસ એ જ તો બધાને જોઈએ છે! તું વેઠ ઉતારીશ એટલે સાબિત થઈ જશે કે તું પણ બીજા જેવો જ છે! અત્યારે તો તને બીજાથી અન્યાય થયો છે. હવે તું તને જ અન્યાય કરવા તૈયાર થયો છું. એવું કેમ નથી વિચારતો કે હું કરું છું તેનાથી વધુ સારું કામ કરીશ. તારે તને થયેલો અન્યાય પ્રૂવ કરવો હોય તો શ્રેષ્ઠ થઈને બતાવ!

યાદ રાખો, કોઈ જંગ આખરી હોતો નથી. આપણે જ હથિયાર હેઠાં મૂકી દેતા હોઈએ છીએ. આપણે કોઈને જીતવાનો મોકો આપી દેતા હોઈએ છીએ. આપણી હાર માટે આપણે જ જવાબદાર ઠરીએ છીએ. અન્યાય થવાના છે. થતા રહેવાના છે. કોઈ સાથે ક્યારેય સંપૂર્ણ ન્યાય થતો જ હોતો નથી. આપણી સાથે ન્યાય થાય ત્યારે પણ આપણને એ અધૂરો લાગતો હોય છે. અન્યાય પછીનું વર્તન મહત્ત્વનું હોય છે. ઘણી વખત તો ન્યાય કે અન્યાય જેવું કંઈ હોતું પણ નથી. આપણે માની લેતા હોઈએ છીએ કે અન્યાય છે. ઘણાં માણસો તો ત્યાં સુધી પણ વાતો કરી નાખે છે કે મારી સાથે તો કુદરત જ અન્યાય કરે છે! ઈશ્વરે બીજાને જે આપ્યું છે એ મને આપ્યું નથી.

માણસ અન્યાય ઓઢી લે છે. એ પોતે જ એમાંથી બહાર નીકળતો નથી. ધાબળો ઓઢીને એવું કહેતો રહે છે કે મને ગરમી થાય છે. ગરમી થતી પણ હોય જ છે. ગરમી થાય છે તો પછી ધાબળો ફગાવી દેને! વાતાવરણ તો ઠંડું જ છે. તું ગરમીમાં પડયો છે. કોઈ તમારી સાથે ન્યાય કરે એવી અપેક્ષા ન રાખો. તમારો ન્યાય તમે નક્કી કરો. સારાં અને શ્રેષ્ઠ કામ કરનારા સૌથી પહેલા શિકાર બને છે, કારણ કે બીજાને સારું કે શ્રેષ્ઠ કામ કરવું નથી. એ કરી શકતા હોતા પણ નથી.

એક ઓફિસમાં એક ગ્રૂપ હતું. આ ઓફિસમાં તેનું આધિપત્ય હતું. એ કોઈને ફાવવા ન દે. કોઈ નવો માણસ આવે એટલે એ બધા જુએ કે આ માણસ કેવું કામ કરે છે? જો એ સારું કામ કરતો હોય તો તેને કેમ નબળો પાડવો, તેને કેમ હરામનાં હાડકાંનો બનાવવો તેના પેંતરા એ રચી નાખે અને થોડા જ સમયમાં એને પણ પોતાના જેવો કરી દે. એમાં વાંક કોનો? જે રમત કરે છે એ ગ્રૂપનો કે પછી જે એના જેવો થઈ જાય છે એ માણસનો? નવી જગ્યાએ કામ કરવા જઈએ ત્યારે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ત્યાં બધા રીઢા થઈ ગયા છે. તું એની વાતોમાં ન આવતો. તારે જે કરવું હોય એ જ કરજે. દરેક વખતે સામા પૂરે જ તરવાનું હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે વહેણ હોય એ તરફ સઢ ફેરવી લઈએ છીએ!

જે માણસને સફળ થવું હોય છે એ અન્યાયને પણ સ્વીકારે છે. અન્યાયથી હતાશ ન થાવ. અન્યાયને ભૂલી જાવ. અઘરું છે પણ એ જ સાચો રસ્તો હોય છે. હા, એટલું ધ્યાન રાખજો કે જ્યારે તમારે ન્યાય તોળવાનો હોય ત્યારે લાયક વ્યક્તિને અન્યાય ન થઈ જાય! જે કામ કરે છે તેની કદર વહેલી કે મોડી થતી જ હોય છે. અન્યાય થાય ત્યારે દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ અન્યાયની અસર આપણી માનસિકતા પર ન થવી જોઈએ. અન્યાય આપણને નબળા ન પાડવા જોઈએ. બીજા જેવા થવું બહુ સહેલું હોય છે. આપણે જેવા હોઈએ એવા રહેવું જ અઘરું હોય છે. ન્યાય થવો હોય તો થાય અને અન્યાય થતો હોય તોપણ ભલે થાય, હું મારું કામ શ્રેષ્ઠ રીતે જ કરીશ, એવો નિર્ણય કરો. હું મારી જાતને બેસ્ટ સાબિત કરીશ, જેને ન્યાય કરવો હોય એ ન્યાય કરે અનેે અન્યાય કરવો હોય એ અન્યાય કરે. મારે શું કરવું એ મને ખબર છે! બસ, આટલી ખબર હોય તો કોઈ અન્યાય તમને ક્યારેય ડગાવી નહીં શકે!

છેલ્લો સીન :

ન્યાય માત્ર અદાલતોમાં નથી તોળાતો, જિંદગીમાં પણ ન્યાય અને અન્યાય થતો રહે છે. ખૂબીની વાત એ છે કે જિંદગીના ન્યાય કે અન્યાયનું કોઈ 'બંધારણ' નથી હોતું! - કેયુ.

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)

kkantu@gmail.com