Bettery bike ke car bharatma dodshe in Gujarati Magazine by upadhyay nilay books and stories PDF | બેટરી બાઇક કે કાર ભારતમાં દોડશે

Featured Books
Categories
Share

બેટરી બાઇક કે કાર ભારતમાં દોડશે

ભારતનું ભવિષ્ય : બેટરી સંચાલિત વાહનો

- ભારત 2030 સુધીમાં 100 ટકા ઇલેકટ્રીક અર્થાત બેટરીથી ચાલતા વાહનો ચલાવનારો દેશ બની ગયો હશે.

- નિલય ઉપાધ્યાય

પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણના ભરપૂર વપરાશ અને આયાતના મામલે ઉત્પાદક દેશોના તાબે થઇ જનારા ભારતમાં હવે રહી રહીને ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ ઘડવામાં આવી છે. દેર સે આયે પર દુરસ્ત આયેની જેમ સરકારે હવે ઇલેકટ્રીક કાર ખરીદવી હોય તેમને ઝીરો ડાઉનપેમેન્ટથી આપવાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી છે. ધરતીના પેટાળમાંથી મળી આવતા ફોસીલ ફ્યુલ્સ એટલે કે પેટ્રોલ અને ડિઝલ પાછળ થતું ખર્ચ બચે એ માટે સરકાર આ દિશામાં હવે ચાલવા નહીં બલ્કે દોડવા માગે છે. ઉર્જા મંત્રી પિયુ ગોયલે હાલમાં જ એવી અતિશયોક્તિભરી જાહેરાત પણ કરી દીધી કે ભારત 2030 સુધીમાં 100 ટકા ઇલેકટ્રીક અર્થાત બેટરીથી ચાલતા વાહનો ચલાવનારો દેશ બની ગયો હશે. સરકારી જાહેરાતો હંમેશા સરકારની કામગીરી જેવી જ દિવાસ્વપ્નો જેવી હોય છે. એટલે એ સફળ થાય ત્યારે સાચું. પણ સરકારની વાત ખોટી નથી. ભારત હવે પેટ્રોલિયમ પર એટલો બધો આધાર રાખી રહ્યું છે કે દેશનું મોટાંભાગનું વિદેશી હૂંડિયામણ આયાતમાં જ ખર્ચાઇ જાય છે. પરંપરાગત બળતણોથી ચાલતા વાહનો કરતા હવે બેટરી ચાલિત વાહનો એટલે જ જરુરી થઇ ગયા છે.

સરકાર પોતાના કે પ્રજાના પૈસા વાપર્યા સિવાય દેશમાં ઇલેકટ્રીક વાહનો અને ખાસ કરીને કાર ચાલતી થાય એ દિશામાં સખ્ત પ્રયત્નો કરવા લાગી છે. ભવિષ્યમાં એવું પણ બને કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત એવો પહેલો મોટો દેશ બને કે જ્યાં ઇલેકટ્રીક કારો દોડતી હોય. ભારતના રોડ-રસ્તા વગેરે જોતા ઇલેકટ્રીક કારો ચલાવવી અતિ મુશ્કેલ છે. જોકે સરકારનું વિઝન હશે તો એ દિશામાં પણ કાર્યવાહી થશે. આપણે ત્યાં ઇલેકટ્રીક બાઇક આવીને ખોવાઇ પણ ગયા ત્યારે કાર કેટલી સફળ રહેશે એ અંગે નકારાત્મક પ્રતિભાવો વધી રહ્યા છે. ઇ બાઇકમાં તો સરકારે પ્રોત્સાહનો માત્ર બે-ચાર વર્ષ આપ્યાને પછી ઉદ્યોગને રામભરોસે છોડી દીધો. કદાચ કારમાં એવું ન થાય તો પણ આપણે ત્યાં બેટરીનું ઉત્પાદન, ચાર્જ઼ીંગ, તેના પાર્ટસ અને રખરખાવની સુવિધા સાવ હાથવગી ન થાય ત્યાં સુધી ઇ કારનો વિચાર સ્વપ્ન જેવો લાગે. અરે ! મોટી સમસ્યા તો આપણે ત્યાં વીજળીની છે. વિકસિત રાજ્યોને બાદ કરીએ તો ઘણાબધા રાજ્યોમાં અને ખાસ કરીને તેમાં વસતા નાના ગામોમાં વીજળી હોતી નથી. હોય તો અમુક જ કલાક પુરવઠો મળે. હવે જો ગ્રામ્ય વિસ્તારમાં ઇલેકટ્રીક વાહનો પહોંચે તો શું થાય ? એ કલ્પના કરવા જેવી છે.

સરકાર એલઇડી લાઇટસનું ઉદાહરણ આપી રહી છે. બલ્ક ટેન્ડરીંગથી તેની કિંમત એક બલ્બ દીઠ રૂ. 65 સુધી નીચે લઇ જવામાં સફળતા મળી છે. જે બે વર્ષ પહેલા રૂ. 310માં મળતી હતી. સરકાર આ જ રીતે એરકન્ડીશનરની કિંમત ઘટે અને લોકોને સસ્તાં ઉપકરણો મળે એ માટે પણ આગળ ધપી રહી છે. આપણે ફરીથી ઇલેકટ્રીક વાહનો વિષે વાત કરીએ તો ભારતમાં ય શક્ય છે પણ સરકાર જે ગતિએ આગળ વધવા માગે છે એ અતિશય મુશ્કેલ છે.

ભારતમાં ઇલેકટ્રીક કારનો વિચાર કંઇ નવો નથી. બે દાયકા પહેલાથી આપણે ત્યાં ઇલેકટ્રીક કાર આવી ગઇ છે. જોકે તેનું કોમર્શીયલ ઉત્પાદન અને વપરાશ થઇ શક્યો નથી. દેશની પહેલી ઇલેકટ્રીક કાર ચેતન મીયાની નામની વ્યક્તિએ બનાવી હતી. થોડેઘણે અંશે સફળ પણ થઇ. તેણે બાદમાં મહિન્દ્રા રેવા કંપનીના ફાઉન્ડર અને સીઇઓ તરીકે ઝૂકાવેલું. એ પહેલા તેમણે રેવા જૂથે ચેતન મીયાનીના મીયાની જૂથ અને અમેરિગોન ઇલેકટ્રીક વિકલ્સ સાથે 1994માં જોઇન્ટ વેન્ચર શરૂ કર્યુ. એ વખતે ચેતન અમેરિકા હતા. પછી ભારતમાં સ્થાપેલી કંપનીને નાણકિય તકલીફ પડી ત્યારે 1999માં ભારત આવ્યા. જોકે ધીરે ધીરે તેમણે સ્થિતિ થાળે પાડી દીધી હતી.

મહિન્દ્રાની ઇ 20કે જે પહેલા રેવા એનએક્સઆર તરીકે ઓળખાતી એ લીથીયમ બેટરી સંચાલિત હતી. 2004માં ઘણી સફળ નીવડી હતી એ પછી બ્રિટનમાં જી વીઝ નામથી લોન્ચ કરવામાં આવી. લંડનના રસ્તાઓ પર આ કાર ખૂબ ચાલી. દુનિયામાં પહેલી ઇલેકટ્રીક કાર 1827માં શોધવામાં આવી એમ કહેવાય છે. એ વખતે કાર બાબા ગાડી જેવી નાનકડી હતી. પછી કદ અને સુવિધા વધ્યા.

જોકે ભારતના રસ્તા પર મહિન્દ્રા રેવા ઇ20 નામે પ્રથમ ઇલેકટ્રીક કાર માર્ચ 2013માં આવી હતી. લિથીયમ બેટરીથી તે ચાલતી અને ચાર કલાકના ચાર્જિંગ પછી 100 કિલોમીટર સુધીનું અંતર તે કાપી શકતી. એ પછી હિરો અને એમ્પીરે નામની બે કંપનીઓએ પણ કાર ક્ષેત્રે ઝંપલાવેલું. જોકે આપણે ત્યાં પાયાથી જ તકલીફો હતી. ભારતની સરકારે કદી કોઇ લાંબાગાળાની સ્કીમ કે પ્રોત્સાહન આપતી નીતિ ઇ વ઼્હીકલ્સ માટે બનાવી જ નહીં. સ્કીમો બની તો તે ફક્ત કાગળનો વાઘ જ સાબિત થઇ. સરકાર ક્યારેય તેનો અમલ કરાવી શકી નહીં.

સરકારે બાદમાં ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરીંગ ઇલેકટ્રીક એન્ડ હાઇબ્રીડ વ઼્હીકલ્સ નામની યોજના નેશનલ ઇલેકટ્રીક મોબીલીટી મીશન 2020 તળે પ્રસ્તાવિત કરી હતી. જોકે આ દિશામાં હજુ કોઇ નક્કર કામગીરી થતી નથી. ભારતના રસ્તાઓ પર ચાલતી ઇલેકટ્રીક કાર કે સ્કુટરોની સંખ્યા છ આંકડા સુધી પણ પહોંચી શકી નથી. પાંચ કે સાત વર્ષ પહેલા ઇલેકટ્રીક બાઇક ચાલતા હતા પણ હવે ભંગાર થઇ ગયા છે. સરકાર ફાસ્ટર એડોપ્શનવાળી યોજના તળે વર્ષે 60 હજાર કરોડની રકમ કે જે ઓઇલની આયાતમાં ખર્ચાય જાય છે તે બચાવવા માગે છે.

સરકારની યોજના હેઠળ 2015-16 અને 2016-17 માટે 795 કરોડ ફાળવાયા છે. બેટરી ઓપરેટેડ સ્કુટર અને મોટરસાઇકલ માટે રૂ. 1800થી 29 હજારના પ્રોત્સાહન અપાશે. થ્રી વ઼્હીલર્સને રૂ. 3300થી 61000 સુધી લાભ મળશે. ફોરવ઼્હીલર્સને રૂ. 13000થી 1.38 લાખ સુધીનો ફાયદો થશે. લાઇટ કોમર્શીયલ વ઼્હીકલ્સને રૂ. 17000થી 1.87 લાખનો લાભ સરકાર આપશે. બસ માટે રૂ. 34થી 66 લાખ સુધીનો ફાયદો થશે.

2008થી 2015ના અંત સુધીમાં અમેરિકા ટોચનો દેશ હતો કે જ્યાં 4.10 લાખ જેટલા લાઇટ ડ્યૂટી પ્લગ ઇન ઇલેકટ્રીક વ઼્હીકલનો સ્ટોક હતો. 2011થી 2015 સુધીમાં ચીન આ દ્રષ્ટિએ 2.58 લાખ યુનિટના વેચાણ સાથે બીજા ક્રમે હતો. જાપાનમાં 2009થી 2015 સુધીમાં 1.30 લાખ પ્લગ ઇન યુનિટસ વેચાયા હતા. ડિસેમ્બર 2015ના અંતે 4.19 લાખ ઇલેકટ્રીક પેસેન્જર કાર યુરોપમાં નોંધાઇ હતી. નોર્વેમાં ઇલેકટ્રીક કાર કે સ્કુટરનો માથાદીઠ વપરાશ દુનિયામાં સૌથી વધારે છે. નોર્વેની વસ્તી જ 52 લાખની છે. ત્યાં 2014ના વર્ષમાં પ્રત્યેક 100 કારમાંથી એક કાર પ્લગ ઇન ઇલેકટ્રીક કાર દોડતી હતી. વેચાણમાં હજુ નોર્વે આગળ જ છે. 2013માં ત્યાં પ્લગ ઇન ઇલેકટ્રીક કારના વેચાણનો વ-ધ્દિર 5.6 ટકા હતો. 2014માં 13.8 ટકા અને 2015માં 22.40 ટકા રહ્યો હતો. હાલ નેધરલેન્ડમાં 9.74 ટકાના દરે માર્કેટ વિકસી રહી છે. હોંગકોંગમાં 4.84, આયર્લેન્ડમાં 2.93, સ્વીડનમાં 2.62, ડેન્માર્કમાં 2.29, સ્વીત્ઝર્લેન્ડમાં 1.98, ફ્રાન્સમાં 1.2 અને યુ.કે.માં 1.1 ટકાનો વધારો વેચાણમાં દર વર્ષે જોવા મળે છે. ભારતમાં ઇલેકટ્રીક વ઼્હીકલ્સનો સ્ટોક ફક્ત 2689નો હતો.

મોટાંભાગના દેશોમાં 2000ના વર્ષ પછી જ ઇલેકટ્રીક કાર કે સ્કુટર કોમર્શીયલી ઉત્પાદન અને વપરાશમાં આવ્યા. 2016માં વિશ્વભરમાં સાત લાખ કરતા વધારે ઇ વ઼્હીકલ્સ વેંચાય તેવી ધારણા છે. વિદેશી રાષ્ટ્રોમાં પણ ઇ વ઼્હીકલ્સને પ્રોત્સાહન માટે સરકાર સબસીડીઓ આપે છે. એક અભ્યાસ પ્રમાણે 4.10 કરોડ ઇલેકટ્રીક વાહનો 2040 સુધીમાં દુનિયામાં દર વર્ષે વેંચાતા હશે.

વાહનોને પેટ્રોલ-ડિઝલ પીવડાવતા પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા 2015ના વર્લ્ડ ઓઇલ આઉટલૂકમાં એવું લખ્યું છેકે, બેટરી ઇલેકટ્રીક કારનો બજાર હિસ્સો 2040માં 1 ટકા કરતા વધારે નહીં હોય. જ્યારે હાઇબ્રીડ ઇલેકટ્રીક કારનો વેચાણવૃધ્ધિદર 2013માં 1 ટકો હતો તો 2040માં 14 ટકા કે તેનાથી આગળ નીકળી ગયો હશે.

*****

ભારતમાં મળતી ઇલેકટ્રીક કાર

- હુન્ડાઇ આઇ10 ઇલેકટ્રીક : લીથીયમ પોલિ બેટરી તેમાં વપરાય છે. તેનું વજન ઓછું હોય છે અને ઝડપથી ચાર્જ ાય છે. 130 કિલોમીટરની ઝડપે 160 કિલોમીટર સુધીનું અંતર એક વખત થયેલા ચાર્જ઼ીંગમાં તે કાપે છે.

- શેવરોલે ઇ સ્પાર્ક : આ કાર એવી છેકે જો રોજ 64 કિલોમીટર વપરાય તો વર્ષે 1,892 લિટર પેટ્રોલ દર વર્ષે કોઇ વ્યક્તિ બચાવી શકે છે.

- શેવરોલે વોલ્ટ : આ કાર જાતે જ પોતાની ઇલેકટ્રીસીટી બનાવી લે છે. એક વખતના ચાજીંગમાં 64 કિલોમીટર ચાલી શકે છે. પછી તેમાં રહેલું ગેસ જનરેટર લગભગ 80 કિલોમીટર ચાલે તેટલી વીજળી પેદા કરી લે છે.

- ટોયોટા પ્રાયુસ : 2009માં આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ગઇ હતી. ભારતમાં હાલમાં આવી છે. સામાન્ય પેટ્રોલ એન્જીનમાં નજીવા જથ્થાથી વીજળી ઉત્પન કરીને કાર ચલાવે છે.

- રેવા એનએક્સઆર- એનએક્સ જી : એનએક્સઆર ફોર સીટર છે. 105 કિલોમીટરની ગતિ પકડી શકે અને 160 કિ.મી. સીંગલ ચાર્જમાં ચાલી શકે છે. આઠેક કલાકનો સમય ચાર્જ઼ીંગમાં લાગે છે.

આ સિવાય ભારતીય ઉત્પાદકોમાં અજંતા જૂથ, હિરો ઇલેકટ્રીક અને ટાટા મોટરનો પણ સમાવેશ થાય છે.

*****