From the Earth to the Moon - 13 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 13

Featured Books
Categories
Share

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 13

સ્ટોન્સ હિલ

પ્રકરણ ૧૩

જ્યારે ગન ક્લબમાં નિર્ણય લેવાઈ ગયો અને ટેક્સાસે તેની બદબોઈ પણ ખુબ કરી, ત્યાર પછી અમેરિકામાં રહેનાર તમામ લોકોનું એક જ કામ થઇ ગયું અને એ હતું આ આવનારી વૈશ્વિક ઉપલબ્ધી તેમજ ફ્લોરીડાની ભૂગોળ વિષે ખુબ વાંચતા રહેવાનું. આ અગાઉ ક્યારેય ‘બર્ટરમ્સ ટ્રાવેલ્સ ઇન ફ્લોરીડા’, ‘રોમન્સ નેચરલ હિસ્ટ્રી ઓફ ઇસ્ટ એન્ડ વેસ્ટ ફ્લોરીડા’, વિલિયમ્સ ટેરીટરી ઓફ ફ્લોરીડા’ અને ‘ક્લીવલેન્ડ ઓન ધ કલ્ટીવેશન ઓફ ધ સુગરકેન ઇન ફ્લોરીડા’ જેવા પુસ્તકોની માંગ આટલી બધી વધી નહોતી ગઈ. હવે તો આ તમામ પુસ્તકોની નવી આવૃત્તિઓ બહાર પાડવી અત્યંત જરૂરી બની ગયું હતું.

પરંતુ, બાર્બીકેનને વાંચવા કરતા પણ એક વિશેષ કાર્ય કરવામાં વધારે રસ હતો. તેમને કાર્ય થતા બધું પોતાની નજરે જોવું હતું અને જે તોપ બનવાની હતી એને ખરેખર ક્યાં મુકવી જોઈએ તે નક્કી કરવું હતું. આથી એક પણ મિનીટનો સમય બગાડ્યા વગર તેઓ કેમ્બ્રિજ વેધશાળામાં જઈને ટેલીસ્કોપ બનાવવા માટે જરૂરી નાણા આપી આવ્યા, ત્યારબાદ અલ્બાનીની બ્રેડવીલ એન્ડ કો સાથે જરૂરી માપનો તોપગોળો બનાવવાની ચર્ચા કરી આવ્યા. ત્યારબાદ તેઓ જે ટી મેસ્ટ્ન, મેજર એલ્ફીસ્ટન અને કોલ્ડસ્પ્રિંગ ફેક્ટરીના મેનેજર સાથે બાલ્ટીમોર છોડીને જતા રહ્યા. બીજેજ દિવસે આ તમામ પ્રવાસીઓ ન્યુ ઓર્લિયન્સ પહોંચ્યા. અહીં તેઓ અમેરિકન સરકાર દ્વારા તેમના માટે ખાસ તૈયાર રાખવામાં આવેલી ફેડરલ નેવીની ટેમ્પીકો બોટમાં બેઠા અને સીધા જ લુઈઝીયાના તરફ ગતિ કરી ગયા.

રસ્તો કોઈ ખાસ લાંબો ન હતો. ટેમ્પીકોએ સફર શરુ કરી તેના બે દિવસ બાદ જ લગભગ ચારસોને એશી માઈલની સફર બાદ તેઓને ફ્લોરીડાનો સમુદ્રકિનારો દેખાયો. શરૂઆતમાં બાર્બીકેનને આ કિનારો એકદમ નીચો, સપાટ અને ઉજ્જડ લાગ્યો. કરચલા અને છીપ માછલીઓથી ભરેલી કેટલીયે ખાડીઓ પસાર કર્યા બાદ ટેમ્પીકોએ છેવટે ઈસ્પીરીટુ સેન્ટોની ખાડીમાં પ્રવેશ કર્યો અને તેણે ત્યાં જ આવેલા એક નાનકડા બંદર પર જે હિલ્સબરો નદીના મુખ પર બનાવવામાં આવ્યું હતું તેના પર બાવીસમી ઓક્ટોબરે પોતાનું લંગર ખોસ્યું.

જેવા એ ચારેય પ્રવાસીઓ બોટમાંથી નીચે ઉતર્યા કે બાર્બીકેને તરત જ કહ્યું, “સજ્જનો, આપણી પાસે બગાડવા માટે વધારે સમય નથી; આથી આવતીકાલે જ આપણે ઘોડાઓની વ્યવસ્થા કરીને આ પ્રદેશના નિરીક્ષણ માટે ઉપડી જઈશું.”

બાર્બીકેન આ કિનારા પર માંડમાંડ પોતાનો પગ મૂકી શક્યા કારણકે તે સમયે ટેમ્પામાં રહેતા લગભગ ત્રણ હજાર સ્થાનિકો તેમને મળવા અને તેમનું સન્માન કરવા માટે હાજર હતા, કારણકે પ્રમુખ બાર્બીકેનના નિર્ણયે જ તેમના સ્થાનની પસંદગી કરી હતી.

પરંતુ, કોઇપણ પ્રકારનું સન્માન લેવાનો ઇનકાર કરીને બાર્બીકેન સીધા જ ફ્રેન્કલીન હોટેલના પોતાના રૂમમાં જતા રહ્યા.

બીજા દિવસે સ્પેનિશ જાતના કેટલાક નાનકડા ઘોડાઓ તેમના તમામ ઉત્સાહ અને જોશથી બાર્બીકેનના રૂમની બારી નીચે હણહણાટ કરી રહ્યા હતા, પરંતુ તેઓ ચાર નહીં પણ પચાસ હતા અને એ પણ તેમના અસવારો સાથે. બાર્બીકેન પોતાના સાથીઓ સાથે નીચે આવ્યા અને તરતજ તેમને પોતાની જાતને આ પલટનનો ભાગ બની ગયા હોવાનો અહેસાસ થયો. તેમણે જોયું કે દરેક ઘોડેસવાર પાસે એક પિસ્તોલ અને તેની ગોળીઓ હતી અને એ બધો સામાન તેમના ખભાઓ પર મુકેલો હતો.

આ પ્રકારની તૈયારીઓ વિષે જ્યારે બાર્બીકેને આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે ફ્લોરીડાના એક યુવાને તેમના જ્ઞાનમાં વધારો કર્યો અને કહ્યું:

“સર ત્યાં કેટલાક સેમીનોલ્સ (રેડ ઇન્ડિયન્સ) છે.”

“સેમીનોલ્સ એટલે?”

“જંગલીઓ જે ઘાસનાં મેદાનોમાં ભટકતા રહેતા હોય છે. અમને લાગ્યું કે આ કારણસર તમને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે.”

“હુહ!” ઘોડા પર સવાર થતી વખતે જે ટી મેસ્ટ્ન બોલી પડ્યો.

“ઠીક છે, પણ એ જ હકીકત છે.” પેલો ફ્લોરીડન બોલ્યો.

“સજ્જનો, તમારી સંભાળ બદલ ખુબ ધન્યવાદ પરંતુ હવે અહીંથી નીકળવાનો સમય થઇ ગયો છે.” બાર્બીકેને જણાવ્યું.

જ્યારે બાર્બીકેન અને તેમના સાથીઓ ટેમ્પા ટાઉન છોડીને અલીફીયાની ખાડી તરફ જવા નીકળ્યા ત્યારે સવારના પાંચ વાગ્યા હતા. અહીં ટેમ્પા ટાઉનથી લગભગ બાર માઈલ દુર એક નાનકડી નદી હિલ્સબોરો નદીમાં સમાઈ જતી હતી. બાર્બીકેન અને તેમના સુરક્ષાદળો આ જગ્યાના જમણા કિનારે પૂર્વ તરફ ચાલવા લાગ્યા. થોડા જ સમયમાં સમુદ્રનો કિનારો પાછળ છૂટી ગયો અને હવે ઉંચીને ઉંચી જમીન આવવા લાગતી હતી. ફ્લોરીડાના પ્રખ્યાત શેમ્પેઇન સિવાય હવે બીજું કશું જ દેખાય તેમ ન હતું.

૧૫૧૨ના પાલ્મ સન્ડેના દિવસે ફ્લોરીડાની શોધ હુઆન પોન્સ દ લ્યોને કરી હતી અને શરુઆતમાં તેનું નામ પાસ્ચા ફ્લોરીડા રાખવામાં આવ્યું હતું. જો કે સુકાઈ ગયેલા દરિયાકિનારાઓને લીધે એ નામ તેના માટે ખુબ ઓછી યોગ્યતા ધરાવતું હતું. પરંતુ જેમજેમ આ ભૂમિની અંદર અંદર જવામાં આવ્યું તેમ તેમ આ નામ તેના માટે કેમ યોગ્ય હતું તેનો ખ્યાલ આવવા માંડતો હતો. જુદાજુદા પ્રકારના ખેતરો અહીં દેખાતા હતા અને અહીં ઉષ્ણકટિબંધમાં ઉગતા લગભગ તમામ ફળો અને ફૂલો ઉગાડવામાં આવતા હતા અને એ પણ ઘાસના મેદાનોની વચ્ચે. આ ઉત્પાદનોમાં અનનાસ, રતાળુ, તમાકુ, ચોખા, કપાસ અને શેરડી સામેલ હતા અને દુરદુર સુધી તેમનો ફેલાવો જોઈ શકાતો હતો.

આ બધું જોઇને બાર્બીકેન ખુબ ખુશ થઇ રહ્યા હતા. જમીનનો આ પ્રકારનો વિકાસ તેમને ગમી ગયો હતો. જે ટી મેસ્ટ્નના એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું:

“મારા સન્માનીય મિત્ર, આ ઉંચા મેદાનો જેવી સારી જગ્યા આપણને આપણી કોલમ્બિયાડ ખોંસવા માટે બીજે ક્યાંય નહીં મળે.”

“કદાચ ચંદ્રની સૌથી નજીક પહોંચવા માટે પણ?” ગન ક્લબના સેક્રેટરીએ કહ્યું.

“મારો કહેવાનો મતલબ એમ નથી. જુવો આ ઉંચી જમીન પર આપણું કામ આસાન થઇ જશે. અહીં ઝરણાઓની કમી નથી જેને લીધે આપણને લાંબી અને મોંઘી ટ્યુબ લાવવી જરૂરી નથી અને આપણે નીચલી અને અંધારી જમીનની જગ્યાએ અહીં દિવસમાં પણ કામ કરી શકીશું. આથી આપણું હવેનું કાર્ય રહેશે સમુદ્રકિનારાથી સો યાર્ડથી પણ ઉંચી સપાટી પર એક ખાડો ખોદવો.” બાર્બીકેને સ્મિત સાથે જવાબ આપ્યો.

“તમારી વાત સાચી છે સર, અને જો હું ભૂલ ન કરતો હોઉં તો આપણે એ સ્થળ શોધવા માટે ખુબ મહેનત કરવી પડશે.” મેસ્ટ્ન બોલ્યો.

“હું એવું ઈચ્છીશ કે આપણે એ સ્થળે પહોંચનાર પહેલા વ્યક્તિઓ હોઈએ.” પ્રેસિડેન્ટ બોલ્યા.

“અને હું એમ ઈચ્છીશ કે આપણે છેલ્લા હોઈએ.” જે ટી મેસ્ટ્નને જોરથી કહ્યું.

અત્યારે લગભગ દસ વાગ્યા હતા અને આ નાનકડી ટુકડીએ બાર માઈલ પસાર કરી દીધા હતા. જંગલોનું સ્થાન હવે ફળદ્રુપ જમીનોએ લીધું હતું. અહીં જુદાજુદા ઉષ્ણકટિબંધના ઉત્પાદનોની જુદીજુદી સુગંધો મિશ્ર થઈને આવી રહી હતી. અહીં જાણેકે ફળોના ખેતરો, વાડીઓની ભરમાર હતી જેમાં દાડમ, નારંગી, લીંબુ, અંજીર, ઓલીવ, અખરોટ, કેળા, વાઈન સામેલ હતા. આ તમામ પેદાશોના કલર તો અલગ અલગ હતા પરંતુ તેમની જુદીજુદી સુગંધો મિશ્ર થઇ ગઈ હતી. આ સુગંધ આચ્છાદિત વૃક્ષોમાં કુંજન કરી રહેલા પક્ષીઓ એક અલગ દુનિયાની ઓળખ કરાવી રહ્યા હતા.

જે ટી મેસ્ટ્ન અને મેજર આ સુંદરતાના વખાણ કરવાનું ચૂક્યા નહીં. જ્યારે પ્રમુખ બાર્બીકેન માટે આ બધી બાબતો માટે સમય ન હતો, તેમણે તો માત્ર આગળ જ વધવું હતું. આ પ્રકારની સુંદરતા તેમને ગમી જાય તેવું કોઈજ કારણ ન હતું.

આ બધા હવે જલ્દીથી આગળ વધવા લાગ્યા અને આમ કરવામાં તેમણે ઘણી બધી નદીઓને પસાર કરવી પડી અને એ પણ પંદરથી અઢાર ફૂટ લાંબા મગરોની વચ્ચેથી. મેસ્ટ્ને પોતાની બંદુક ફોડીને એમને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનાથી માત્ર એક જળકૂકડી અને કેટલાક અન્ય પક્ષીઓ જ ડર્યા, જ્યારે ઉંચા ઉંચા ફ્લેમિંગોને આ મૂર્ખતા ન ગમી હોય એમ આ ટુકડી સામે જોવા લાગ્યા.

ધીમેધીમે આ બધા ‘સ્થાનિકો’ એક પછી એક દેખાતા બંધ થઇ ગયા. નાના વૃક્ષો વધુ નાના થતા ગયા, ઘાસના મેદાનો પાતળા થવા લાગ્યા અને કોઈક કોઈક સ્થાને સુકાયેલી જમીન પછી અચાનક જ તેઓ દેખાઈ જતા જેમાં હરણના આશ્ચર્યચકિત થયેલા ટોળાઓ પણ જોવા મળી જતા.

“છેવટે!! આપણે દેવદારના વૃક્ષોના રાજ્યમાં આવી પહોંચ્યા છીએ.” બાર્બીકેન પોતાના ઘોડાના પેંગડાના જોરે ઉભા થઈને જોરથી બોલ્યા.

“અને જંગલીઓના રાજ્યમાં પણ.” મેજરે જવાબ આપ્યો.

ખરેખર તો કેટલાક સેમીનોલ્સ દુરદુર દેખાવા પણ માંડ્યાં હતા. તેઓ પોતાના ઘોડાઓ પર આગળ-પાછળ થઈને આક્રમક સવારી કરવાની તૈયારી કરી રહ્યા હતા. પોતાના ભાલાઓ તેઓ હવામાં લહેરાવી રહ્યા હતા અને ગોળીબાર પણ કરી રહ્યા હતા. આ શત્રુતાભર્યા દેખાવે બારીબીકેન અને તેમના સાથીઓ પર કોઈજ અસર ન કરી.

તેઓ એક ખડકાળ અને સુકી ભૂમિ પર ઉભા હતા જેના પર સૂર્ય તેના તીવ્ર કિરણો વરસાવી રહ્યો હતો. આ જગ્યા જમીન પરથી સારી એવી ઉંચી હતી જે ગન ક્લબના સભ્યો માટે પોતાની કોલમ્બિયાડને બનાવવા માટેની શરતોનું પૂર્ણપણે પાલન કરી રહી હતી.

“ઉભા રહો! શું આ જગ્યાને કોઈ સ્થાનિક નામ આપવામાં આવ્યું છે?” પોતાના ઘોડાને ઉંચો કરતા બાર્બીકેન બોલ્યા.

“આ જગ્યાને સ્ટોન્સ હિલ કહેવામાં આવે છે.” એકાદા ફ્લોરીડને જવાબ આપ્યો.

એક પણ શબ્દ બોલ્યા વગર બાર્બીકેન પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યા અને પોતાના ઉપકરણો લઈને આ જગ્યા વિષે અતિશય ચોકસાઈ પૂર્વક નોંધ કરવા લાગ્યા. બાકીની નાનકડી ટુકડી જે તેમની પાછળ ઉભી હતી તેમણે આ તમામ પ્રક્રિયાને અત્યંત શાંતિથી જોયા કરી.

આ સમયે બપોર થઇ ચૂકી હતી. થોડા સમય બાદ બાર્બીકેને પોતાના નિરીક્ષણનું પરિણામ ઝડપથી લખી લીધું અને બોલ્યા:

“આ સ્થાન સમુદ્રની સપાટીથી અઢારસો ફૂટ ઉંચે છે અને ૨૭.૭ ઉત્તર અક્ષાંસ અને ૫.૭ પશ્ચિમ રેખાંશ પર આવેલા વોશિંગ્ટન મધ્યબિંદુ પર આવેલું છે. મને તેની ખડકાળ અને સુકી જમીન આપણને આપણા પ્રયોગ માટે યોગ્ય લાગી છે. આ જ જગ્યા પર આપણે આપણી તોપ, ગોળો, વર્કશોપ, ફર્નેસ અને મજૂરોને રહેવાની જગ્યાઓ બનાવીશું.” આમ કહીને બાર્બીકેને પોતાનો પગ જમીન પર પછાડ્યો અને આગળ કહ્યું: “અને આથી અહીંથી જ આપણો તોપગોળો સૂર્યમંડળ તરફ ગતિ કરશે.”