તારણહાર
જયાં હવાને પણ પ્રવેશવાની મનાઇ છે,સમય પણ જેના દરવાજા સુધી જઇ શક્તો નથી એવા કક્ષમાં માનવહૃદયની પાંચ ભાવનાઓ આનંદ,કરુણા,પ્રેમ, ક્રોધ અને ધૃણા એકબીજા સાથે ચર્ચા કરવા આતુર હતી.એમ તો પાંચેય પોતાના કાર્યોમાં એકદમ વ્યસ્ત રહેતી પણ ઘણી વખત એવુ બનતુ કે એક યા બીજી ભાવનાઓનો પ્રભાવ ખુબ વધી જતો ત્યારે સંતુલન જાળવવા તેમને ભેગા થવુ પડતુ.આજનો દિવસ જોતા એવુ લાગતુ હતુ કે ધૃણા અને ક્રોધે આનંદ નો મુખવટો ના પહેરી લીધો હોય ! બાકીની ત્રણેય ભાવનાઓ એકદમ ઉદાસ હતી.
જેવો દેવદૂતે આ કક્ષમાં પ્રવેશ કર્યો,તરત જ ધૃણા થનગનાટ સાથે ઉભી થઇ ગઇ.તે બોલવા માટે એટલી આતુર હતી કે દેવદૂત ની અદબ પણ ના જાળવી શકી.તેણે સામેના સ્થાને બેઠેલી ત્રણેય ભાવનાઓ સામે વિજયી હાસ્ય કર્યુ અને બોલી.
“આખરે મારો અને ક્રોધ નો વિજય થયો છે.અમે એ શેરીમાં એવુ આતંક મચાવ્યુ છે કે ત્યાં આ ત્રણેય નામશેષ થવાની અણી ઉપર છે. જો આ ત્રણેય ઝડપથી શરણાગતી નહી સ્વીકારે તો અમારો વ્યાપ એટલો વધી જશે કે માનવજાતીનો મોટો સમુદાય નાશ પામશે.”
દેવદૂતે ધૃણાની વાત સાંભળી આનંદ,કરૂણા અને પ્રેમ ના ચહેરા સામે જોયુ.તેમના ઉદાસ ચહેરે દેવદૂત ને પ્રતિતિ કરાવી કે ધૃણાની વાત બિલકુલ સાચી છે,અને નિયમ પ્રમાણે જયારે પૃથ્વીલોકમાં કોઇ સ્થાને સારી ભાવનાઓ નામશેષ થવાની અણી ઉપર હોય તો તેઓ ખરાબ ભાવનાઓ સામે શરણાગતિ સ્વીકારતી.આ શરણાગતિ ના બદલામાં તે સ્થાને ધૃણા અને ક્રોધ પોતાનો વ્યાપ ઘટાડતા અને એમને એક અમુલ્ય તક મળતી તે કોઇ પણ એક દુષ્ટ આત્માનુ આયુષ્ય વધારવા દેવદૂત ને કહી શકતા.
દેવદૂતે મનમાં નિસાસો નાખતા વિચાર કર્યો
“ ફરીથી આ બંને કોઇ રાજનેતાનુ આયુષ્ય વધારવા તો નહિ
કહે !” ગમે તે હોય પોતાનુ કામ તો સંતુલન સ્થાપવાનુ છે.તે કોઇ પક્ષપાત ના કરી શકે.છતાપણ તેમણે જિજ્ઞાસાવત પુછ્યું.
“તમે બંને આટલા ઝડપથી વિકાસ કઇ રીતે પામ્યા ? એવુ તો શુ બન્યુ ? “
આ વખતે ધૃણા ની જગ્યાએ ક્રોધ પોતાના સ્થાને ઉભો થયો.તેણે બાકીની ત્રણેય ભાવનાઓ સામે ગર્વભેર નજર નાખી અને પોતાનુ કથન શરૂ કર્યુ.
“પૃથ્વી પર વસતા ઇશ્ર્વર ના બે સંતાનો હિંદુ અને મુસ્લિમ પોતપોતાના ધર્મનુ મહત્વ પ્રસ્થાપિત કરવા અમારા બંને નો પુરતો ઉપયોગ કરે છે.અમને એક શેરી મળી આવી જયાં આ બન્ને કોમો નજીક માં વસે છે.આવી જગ્યાએ વસેલા લોકોના હ્રદય અમને ખૂબ માફક આવે છે.અમે બંને કોઇ તકની રાહ જોતા જ હતા અને તમે નહિ માનો ! આવી તક એક નાસ્તિક માણસે પુરી પાડી.”
“ નાસ્તિક માણસે તક પુરી પાડી ! “ દેવદૂતે આશ્ર્ચર્ય થી પુછ્યું ? બાકી સૌના કાન પણ આગળની વાત સાંભળવા અધીરા થયા હતા.
“હા,બિલકુલ નાસ્તિક માણસ જ ! બન્યુ એવુ કે આ વ્યકિત દારૂના નશામાં ચકચુર થઇને હિન્દુઓની ગલીમાં આવેલા મંદિર આગળથી રાતે પસાર થઇ રહયો હતો.આ નશાની હાલતમાં જ તેણે મંદીર ની દિવાલો પર અપશબ્દો લખયા.જયારે સવાર પડી ત્યારે પુજારી એ ધૃણાથી આ અપશબ્દો વાંચ્યા,અને તરત જ ત્યાંના સ્થાનિક યુવાનો ને બોલાવ્યા.જોતજોતામાં ટોળુ એકઠું થઇ ગયુ.”
“ આ ટોળાઓ અમને ખુબ ગમે છે ! તેઓ વિચારતા નથી બસ વર્તે છે.” ક્રોધે ઘડિક વાર આંખો બંધ કરી,એ દૅશ્યનુ સ્મરણ કર્યુ અને કથન આરંભ્યુ.
“ આ ટોળામાં ધૃણાની ભાવનાનો વિસ્ફોટ થયો.તેઓ એ ઝડપથી એવુ માની લીધુ કે આ કામ બાજુમાં વસતા મુસ્લિમ યુવકોનુ જ હોવુ જોઇએ.એક હિન્દુ આગેવાને તરત જ ઘોષણા કરી કે ‘ આપણે ઈંટ નો જવાબ પથ્થર થી આપીશું. ' પછી તો તે જ રાતે આ યુવકોએ બાજુની શેરીની મસ્જિદ પસંદ કરી,આ મસ્જિદ પર તેવા જ અપશબ્દો તેમણે લખ્યા.હવે વારો મુસ્લિમ યુવકોનો હતો ,તેમણે નકકી કર્યુ કે આપણે એકાદ હિન્દુ યુવક્ને માર મારી તેમને પાઠ ભણાવીશુ.જોતજોતામાં વાત એટલી વણસી ગઇ કે મારે અને ધ્રૃણાને ભાગવુ પડતુ.ઘડિક્માં હિન્દુઓ અમારુ વચૅસ્વ વધારી દેતા તો ઘડિકમાં મુસ્લિમો.બે ત્રણ દિવસોની અંદરતો એવો આતંક મચ્યો કે દસેક નાગરીકો મૃત્યુ પામ્યા અને અનેક ઘવાયા છે.હાલમાં એ વિસ્તારની સરકારે ત્યાં કરફૅયુ જાહેર કર્યો છે,પણ લોકોના હ્રદયમાં કરફૅયુ નથી.ત્યાં તો અમારા બંને સિવાય બીજી કોઇ ભાવના મોજુદ નથી.તક મળશે કે તરત જ તેઓ એકબીજાને મારવા દોડશે.એટલે જલ્દીથી આ ત્રણેયને શરણાગતી સ્વીકારવાનુ કહો નહિંતર ઘણા લોકો હજી જાન ગુમાવશે.”
ક્રોધે બોલવાનુ બંધ કર્યા પછી થોડીવાર કક્ષમાં શાંતિ પ્રસરી રહી.આખરે દેવદૂતે મૌન તોડી સારી ભાવનાઓને પુછયું.
“ શુ તમે ત્રણેયે કોઇ પ્રયત્નો કર્યા નહી ? તમે ત્રણેય તો ઇશ્ર્વરની ખુબ નજીક છો,છતાય આ બનાવ ને રોકી
શકયા નહિ ! “
“ અમે ત્રણેયે ધણા વૃદ્ધો અને યુવાનોના હ્રદયમાં ઘુસવા પ્રયત્ન કર્યો, પણ આ વખતે અમે બિલકુલ ફાવ્યા નહિ.”
આનંદે નિરાશાથી કહ્યુ.
“ તો તો મારે નિયમ પ્રમાણે કોઇ દુષ્ટ આત્માનુ આયુષ્ય લંબાવવુ પડશે.આ વખતે તમે બંને કોનુ નામ આપવાના છો ? “
“ છે એક સરમુખત્યાર ! તેના વિચારો મારાથી ભરેલા છે.” ધૃણા એ ક્રોધ સામે ઇશારો કરતા કહ્યુ.
દેવદૂત સહિત ની બાકીની ત્રણેય ભાવનઓ મનોમન એ સરમુખ્ત્યાર નુ નામ પામી ગઇ.ત્રણેય ના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.આખરે પ્રેમ પોતાને રોકી ના શક્યો.તે તરત જ બોલ્યો.
“ અમે આટલો મોટો બદલો ચુકવવા રાજી નથી.જે વ્યકિત નુ આયુષ્ય વધારવા તમે કહી રહયા છો તે નફરત અને ધૃણાથી ભરેલો છે.ભવિષ્યમાં તેનુ એકાદ ખોટું કદમ કેટલી માનવજાતિ માટે ભયરૂપ બનશે તેનો ખ્યાલ છે તમને ? ના, તમે બીજા કોઇ આત્મા પર પસંદગી ઉતારી શકો છો. “
“ શુ દેવદૂત ઇશ્ર્વરના નિયમો બદલાઇ ગયા છે ? અહીં હારનાર ,એ જીતનાર ને પસંદગી બદલવાનુ કહે છે “ ક્રોધે વળતો જવાબ આપ્યો.
“ તમે ત્રણેય ખોટી ચિંતા કરો છો.શુ કોઇ સારા આત્માનુ આયુષ્ય વધે તો અમે ડરી જઇએ છિએ ! કદાચ એ સરમુખ્ત્યારનુ તમે હ્રદય પરિવૅતન પણ કરી શકો.ભુતકાળ માં આવુ અનેકો વખત બન્યુ છે “ ધૃણાએ નવો પેંતરો અજમાવતા કહ્યુ.
“જુઓ તમે ત્રણેય જણા ચર્ચા કરી શકો છો,જો તમે હાલ પુરતા હાર સ્વીકારવા તૈયાર નથી તો મારે ધૃણા અને ક્રોધ ને મંજુરી આપવી પડશે કે તેઓ ફરીથી એ શેરીઓમાં જઇ તેમનુ કાર્ય કરી શકે,અને પરિસ્થિતી કદાચ વધુ પણ વણશે” દેવદૂત છેલ્લુ વાકય ધીમેથી બોલ્યા પણ તેમની ટકોરે ત્રણેય સારી ભાવનાઓને વિચલીત કરી મુકી.
આખરે ત્રણેય વચ્ચે ચર્ચા શરૂ થઇ.
“ આપણે શુ કરવુ જોઇએ ? હાર સ્વીકારી લેવી જોઇએ ? હું વધુ લોકોના જીવ જોતા ના જીરવી શકુ.” પ્રેમ બોલ્યો.
“ કરુણા તે પુરતા પ્રયત્નો નથી કર્યા શુ ? મારુ સ્વરુપ તો દરેક વ્યકિત દીઠ બદલાતુ રહે છે.પણ તુ તો ગમે તે કોમનો વ્યકિત હોય,એક સરખુ સ્વરુપ ધરાવે છે.તુ શા કારણોથી નિષ્ફળ નીવડી ? “ આનંદે કરુણા ને ઉર્દેશી ને પુછ્યુ .
“ હું શુ કરુ ? મેં બંને ધમૅના સમજુ વૃદ્ધો અને યુવાનોના હ્રદયમાં ઘુસવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હું કશુ ના ઉપજાવી શકી,પછી હું બંને ધર્મના સેવકો પાસે ગઇ પણ ત્યાં તો મને વધુ નિરાશા સાંપડી.આપણી પાસે કોઇ રસ્તો બચ્યો નથી.” કરુણાએ પોતાના હથિયાર હેઠા મુકી દીધા હતા.
“ આપણે શરણાગતી સ્વીકારી જ લેવી પડશે.ત્યાંના લોકો બદલો લેવા માટે ઇશ્ર્વરની મદદ માંગી રહ્યા છે,શાંતી માટે નહિ.આવનારી સદીઓમાં કદાચ આપણુ અસ્તિત્વ નામશેષ ના થઇ જાય.” પ્રેમે કહ્યુ.
પ્રેમ ના કથને ફરીથી ત્રણેને વધુ હતાશામાં ધકેલી દીધા.ત્રણેય દેવદૂત આગળ સંમતિ આપવા આગળ વધ્યા.એટલામાં જ કરુણાના આખા શરીરમાં ઝણઝણાટી ઉદભવી.
“ મારે જવુ પડશે” તે ઝડપથી બોલી.
કરુણા ત્યાંથી અદૅશ્ય થઇ તેની થોડીક સેકંડોમાં જ તેવી ઝણઝણાટી આનંદ અને પ્રેમ ને ઉદભવી.તે બંનેએ પણ ઝડપથી ત્યાંથી વિદાય લીધી.દુરથી આ તમાશો જોઇ રહેલા ધૃણા અને ક્રોધે દેવદૂત ને હસતા હસતા કહ્યુ.
“ હાર સ્વીકારવા રાજી નથી ,એટલે આમ ભાગમભાગ કરે છે.”
આ ભાગમભાગ ની થોડીક જ મિનિટો બાદ ત્રણેય ભાવનાઓ ફરીથી દેવદૂત આગળ હાજર થઇ.તે ત્રણેય ના ચહેરા પુલકિત હતા.ત્રણેય નુ કદ અનેક ગણુ વધી ગયુ હતુ.પ્રેમે પોતાની બાંહો ફેલાવી દેવદૂત નુ અભિવાદન કર્યુ અને બોલ્યો.
“ હવે શરણાગતી સ્વીકારવાની જરૂર નથી.જરા નીચે તો જુઓ.”
દેવદૂત ને નીચે જોવાની જરૂર ના પડી.ધૃણા અને ક્રોધ ના ઘટતા કદ થી તેને ખ્યાલ આવી ગયો કે પ્રૃથ્વી પર ફરી શાંતી પ્રસરી રહી છે.
“ આખરે શુ બન્યુ છે ત્યાં ? કરુણા અને પ્રેમે કેટલાયના હ્રદયના દરવાજા ખખડાવ્યા અને જે ના થયુ તે પરિવર્તન આ ક્ષણભરમાં કઇ રીતે આવ્યુ ? મેં તો એવુ કોઇ હૃદય છોડયુ નથી જયાં તમે પ્રવેશી શકો “ ધૃણાએ ગુસ્સાથી પગ પછાડતા કહ્યુ.
“ કેટલાક હૃદય એવા હોય છે કે જેને તમે સ્પર્શી ના શકો.ચલો વિસ્તારથી કહુ,આ તોફાનોમાં તમે બંને જણા એ કાળો કેર વર્તાવ્યો.તમે જે શેરીઓ પસંદ કરી હતી,ત્યાંના હિન્દુ અને મુસ્લિમ એકબીજાના દુશ્મન બની ગયા હતા.પણ એક સ્થાન આપણા જોવામાં ના આવ્યુ.” પ્રેમે એકાદ પળ માટે આંખો બંધ કરી પોતાનુ કથન શરૂ કર્યુ.
“ જયાં હિન્દુ અને મુસ્લિમ ની શેરી અલગ પડે છે,ત્યાં મંદિરની બિલ્કુલ સામે હિન્દુ પરિવારનુ ઘર આવેલુ છે.એ આખુ પરિવાર ટી.વી પર ન્યુઝ જોઇને પોતપોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યા હતા. પણ આ બધાથી અલિપ્ત હતુ એક બાળક ! તેની નજર તો બે દિવસ પહેલા પોતાનો જે પતંગ બાજુની મુસ્લિમ શેરીના ઝાડ પર લટકી રહ્યો હતો તેના પર જ હતી.બરોબર અગિયાર વાગ્યે જયારે તેનો પરિવાર દિવસના થાક અને ક્રોધ ઉતારી રહયા હતા,ત્યારે તે નજર ચુકાવીને ઘરમાંથી ભાગ્યુ.અને કમાલ તો જુઓ! ત્યાં નાકા પર ઉભેલા પોલિસોની ધ્યાનમાં પણ તે ના આવ્યુ. દોડતા દોડતા તે ઝાડ પાસે ગયુ, જયાં તેનો લાલ-પીળો પતંગ લટકી રહયો હતો.આંખના ઇશારે જ તેણે ઝાડ નીચે ઉભેલા મુસ્લિમ યુવકોને તે પતંગ ઉતારવા કહ્યુ.તેમાંના કોઇએ તેને ધમકાવ્યો નહિ કે ધૃણા પણ વ્યકત ના કરી શકયા.બસ તેઓ પતંગ કઇ રીતે ઉતારવો તેની પેરવીમાં લાગી ગયા.પતંગ ઉર્તાયા પછી તેઓને ખ્યાલ આવ્યોકે આ કોઇ હિન્દુ નુ બાળક છે જે બાજુની શેરીમાંથી આવ્યુ છે.બીજીબાજુ આ બાળકને શોધવા તેનુ પરિવાર રઘવાયુ બન્યુ હતુ.એટલામાં જ એક મુસ્લિમ યુવક બાળક ને ખભે બેસાડી ઘર આગળ આવતો દેખાયો.બાળક તો પોતાના પતંગ સાથે દોડતુ ઘરમાં પ્રવેશી ગયુ પણ દિવસો સુધી ભેગી થયેલી ધૃણા અને ક્રોધને તેણે ક્ષણવારમાં ઓગાળી નાખ્યા.આ વાત બંને શેરીઓમાં એટલી ઝડપથી પ્રસરી ગઇ કે ત્યાં ફરીથી અમારા ત્રણનુ હૃદયમા સામ્રાજય થઇ ગયુ” પ્રેમે અહોભાવ સાથે પોતાનુ કથન પુરુ કર્યુ.
“ હે ઇશ્ર્વર તુ અજબ છે ! આખરે એક બાળક ! “ દેવદૂત નુ અટૃહાસ્ય કક્ષમાં ગુજી રહ્યુ.