Kalpnik Vaastvikta - 9 in Gujarati Fiction Stories by Bhargav Patel books and stories PDF | કાલ્પનિક વાસ્તવિકતા - ૯

Featured Books
Categories
Share

કાલ્પનિક વાસ્તવિકતા - ૯

કાલ્પનિક વાસ્તવિકતા – ૯

ભાર્ગવ પટેલ

સંકેત અને અમી એકબીજાના થયા. લગ્નવિધિ નિર્વિઘ્ને સંપન્ન થઇ. કનુભાઈ, સુમિત્રાબેન અને અમીના ભાઈએ અત્યાર સુધી અમી સાથે વિતાવેલી બધી ક્ષણો યાદ કરીને અંતરની લાગણી ખારાશ સ્વરૂપે વહાવી, એ એટલી તીવ્ર અને સંવેદનશીલ હતી કે અસ્મિતાબેન પણ ગળગળા થઇ ગયા. મુકેશભાઈએ કનુભાઈને એમની દીકરીને એ જ પ્રેમ અને એ જ હુંફ આપીને સાચવવાની ખાતરી આપી. અમીની વિદાય થઇ. સંકેતના ઘરે એમના નવા સભ્યનું ચોખાનો કળશ ઢોળાઈને સ્વાગત થયું. નવા ઘરને પોતાનું બનાવવાના સંકલ્પ સાથે અમીએ કુમકુમના પગલા પાડ્યા. પછી કંકુના પાણીમાં કોળિયા શોધવાની રમતની શરૂઆત થઇ, ઉપસ્થિત ટોળામાંથી એકે કહ્યું,

“જોજે હોં ભઈ સંકેત, વહુ જીતી તો આખી જિંદગી કહ્યું માનવું પડસે”

“એ તો આજકાલના છોકરાઓની આદત જ છે, જીતે કે ના જીતે એનાથી કોઈ ફરક ના પડે ભાઈ”, બીજાએ કહ્યું,

રમત ચાલુ થઇ. પાંચ વખત રમાઈ અને પાંચમાંથી ત્રણ વાર અમી જીતી. સંકેત માત્ર બે જ વાર જીતી શક્યો. એટલે સંકેતની કાકીએ મજાકમાં કહ્યું,

“સંકેત સંકેત! હારી ગયો ને? હવે અમી રાજ કરશે ઘરમાં”

“ઘરમાં બંનેમાંથી જે કોઈ પણ રાજ કરશે, છેલ્લે તો ઘરની પ્રગતિ અને હિતનું જ વિચારશે ને!”, અસ્મિતાબેને સમયસૂચકતા વાપરીને બધાની દલીલોનો જવાબ આપી દીધો.

સંકેત અને અમી માટે સંકેતનો જ રૂમ સજાવવામાં આવ્યો હતો. અમી ફ્રેશ થઈને સંકેતના આવવાની રાહ જોતી હતી. સંકેત બહાર કશાક હિસાબી કામમાં પપ્પાની મદદ કરી રહ્યો હતો, કામ પતાવીને એ અમીની એની પત્ની તરીકેની ઝલક મેળવવા માટે સીધો જ એના રૂમમાં ગયો. અમી કશુક વિચારતી બેડ પર બેઠી હતી. સંકેતના દરવાજા બંધ કરવાથી એના વિચારો તૂટ્યા.

“શું વિચારે છે?”

“એ જ કે અહી સેટ ક્યારે થઇ રહીશ! અને ક્યારે બધાને મમ્મીની જેમ સમજતી થઈશ?”

“એ બધું સમય પર છોડી દેવાનું હોય, એમાં તું પ્રયત્ન કરીશ અને અમે સાથ આપીશું પછી કશું જ અઘરું નથી”, અમી પાસે બેસીને સંકેતે એનો હાથ ચૂમીને કહ્યું.

“તું મને સમજીશ ને? કદાચ મારી કોઈ ભૂલ થાય તો મને લડીશ તો નહી ને?”, અમીએ એનું માથું સંકેતની છાતી પર હળવેકથી મુકીને કહ્યું.

સંકેતે એના બંને હાથ અમીના ગાલ પર લઇ જઈને એનું કપાળને ચુંબન આપ્યું અને કહ્યું,

“હું તને સમજુ છું એ તું જાણે છે ને?”

“હા!”, અમીએ એની આંખમાં આંખ નાખીને કહ્યું.

“બસ તો પછી ચિંતા ના કર એવી બધી, બધું જ થઇ જશે”, આટલું બોલતા બંનેના હોઠ એકમેકને સ્પર્શ્યા. કપડાના આવરણ ધીમે ધીમે દુર થતા ગયા અને બંને આનંદના ચરમ પર પહોચવા આતુર થયા.

સવાર પડી. સંકેતે લગ્ન પહેલા અને પછી, એમ કંપનીમાંથી કુલ દસ દિવસની રજા લીધી હતી. એટલે હવે પાંચ દીવસમાં બંનેએ વડોદરા શિફ્ટ થવાનું હતું. સંકેતે બ્રોકર સાથે નવા ફ્લેટ માટે વાત કરી રાખી હતી એન ફોન આવ્યો,

“હા સંકેતભાઈ!, વિષ્ણુ બોલું, બ્રોકર”

“હા બોલો વિષ્ણુભાઈ, થયું પછી કંઈ સેટ ફ્લેટનું?”

“હા થાય જ ને સાહેબ, વિષ્ણુ શોધે ને ના મળે એવું બને?”

“કયા અરિયામાં?”

“સમા તળાવની નજીકમાં મસ્ત ૧ bhk ફ્લેટ મળ્યો છે, ભાડું પણ તમને પોસાય એવું અને ફૂલ ફર્નિશ”

“ઓહો! સરસ! લોકેશનના ફોટા મને શેર કરો કારણ કે હું ત્યાં આવી નહિ શકું અત્યારે, જો ગમે તો આજે જ નક્કી કરી દઈએ”

“એ પાંચ જ મિનીટમાં મોકલાવું”

“ઠીક છે”

ફોટા આવ્યા. ઘરના બધાને ફ્લેટ ગમ્યો. પણ અમી એની સંમતિ આપતા ખચકાઈ. સંકેત સમજી ગયો.

“ના ગમ્યું?”, એણે પૂછ્યું.

“એવું કંઈ નથી પણ સમા બાજુ કરતા વીઆઈપી રોડ પાસે કોઈ ફ્લેટ મળ્યો હોત તો સારું”, અમીએ કહ્યું.

“એમ છે? હમણાં જ પૂછી લઈએ બ્રોકરને ચલ ને!”

“હમ્મ”, સાસુ અને સસરા બંને ત્યાં હોઈ અમી આટલો જ જવાબ આપી શકી.

સંકેતે બ્રોકરને ફોન લગાવ્યો અને વીઆઈપી રોડ પાસે કોઈ ૧ bhk ફ્લેટ શોધી આપવા માટે કહ્યું. બ્રોકરે તરત જ એક ફ્લેટ ત્યાં હોવાનું કહ્યું કારણ કે આ એરિયા રહેવા માટે બધાનો હોટ ફેવરીટ ગણાતો. એટલે જ બધા બ્રોકરો પાસે કોઈને કોઈ ઇન્ક્વાયરી તો રહેતી જ, પણ ભાડું જરા વધારે હોય એટલે તેઓ હંમશા બીજા ઓપ્શન તરીકે રાખતા.

એ ફ્લેટના પણ ફોટા આવ્યા અને અમીને ગમ્યો સાથે બધાને ગમ્યો. અંતે ૩૦૦૦ ભાડું નક્કી કરીને ફાઈનલ થયું. ચાર દિવસ વીત્યા અને સામાન પેક થયો. મુકેશભાઈ અને અસ્મિતાબેને ભાવભીની વિદાય આપી. ગણતરીના કલાકોમાં સંકેત અને અમી એમના સપનાના શહેરમાં હતા. બ્રોકર એમને વીઆઈપી રોડના સ્ટેશન પર લેવા માટે ઉભો જ હતો. એમના સામાન માટે રીક્ષા પણ સાથે લાવ્યો જ હતો એટલે બેસીને ફટાફટ એ લોકો ફ્લેટ પર પહોચ્યા. બ્રોકરે ભાડા કરારના દસ્તાવેજ પણ તૈયાર કરાવી રાખ્યા હતા જેમાં હવે માત્ર સંકેત અને અમીની સહી જ બાકી હતી. બંનેએ સહી કરી અને જતનથી સાથે લાવેલો બધો સામાન નવા ઘરમાં નવેસરથી સજાવવાનું ચાલુ કર્યું. બધી ગોઠવણી પૂરી થઇ, અમીએ દીવાબત્તી કરી અને સંકેતે શ્રીફળ વધેરીને નવા મકાનને પોતાનું ઘર બનાવ્યું.

સવારે જોબ પર જવું, કામ કરવું, સાંજે ઘરે આવવું, અમી સાથે બેસીને કોફી પીવી, સાથે જમવું અને પછી અમીના ખોળામાં માથું મુકીને ઊંઘી જવું આ સંકેતનું રૂટીન બની ગયું હતું. જ્યારે સવારે થોડું વહેલું ઉઠવું, ઘરની સાફ સફાઈ કરીને ચા બનાવવી, સંકેતને ઉઠાડવો, સંકેતનું ટીફીન તૈયાર કરવું, સંકેતના જોબ પર ગયા પછી સંદેશથી માંડીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સુધીના અખબારોનું કલાસીફાઈડ વાંચવું અને પોતાની ડીગ્રીને સુસંગત જોબ માટે એપ્લાય કરવું એ અમીનું રૂટીન હતું.

વડોદરા આવ્યાને એક મહિનો પૂરો થવા આવ્યો, અમી હજીયે સારી જોબની શોધમાં હતી કારણ કે ફિલ્ડ બહારની ઘણી જોબ અવેલેબલ હતી પણ એમાં એનું મન નહતું માનતું. આજે એ બાલ્કનીમાં થોડી ઉદાસ બેઠી હતી, વિચારોમાં ખોવાયેલી હતી અને એવામાં એનો ફોન રણક્યો,

“હલો”

“હલો, ગુડ ઇવનિંગ મિસિસ અમી વાત કરી રહ્યા છે?”

“હા તમે કોણ?”

“જી હું આલ્ફા ફાઈનાન્સમાંથી પ્રીન્સી વાત કરું છું”

“હા બોલો મેડમ”

“તમે અમારી ફર્મમાં બે પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું”

“હા! ચાર દિવસ પહેલા આઈ થીંક”

“હા તો એ વિષે વાત કરી શકું તમારી સાથે અત્યારે?”

“હા બોલો”

“તમારું રેઝ્યુમે ઈન્ટરવ્યુ માટે શોર્ટ લીસ્ટ થયું છે, આવતા સોમવારે તમે આવી શકો એના માટે?”

“પણ બેમાંથી કઈ પોસ્ટ માટે? એકાઉન્ટસમાં કે પછી કસ્ટમર રીલેશન એક્ઝીક્યુટીવ?”

“એ તમારા ઈન્ટરવ્યુ પરથી નક્કી થશે મેડમ! મોસ્ટ પ્રોબેબ્લી વધારે જગ્યાઓ કસ્ટમર સી.આર.ઈ. માટે છે એટલે એના ચાન્સ વધુ છે”

“તો હું તમને શનિવાર સુધીમાં ઈન્ટરવ્યુ કન્ફર્મેશનનું જણાવું તો તમને કોઈ વાંધો નથી ને?”

“વાંધો તો નથી, પણ આજે કહી દીધું હોત તો સારું”

“મારે મારા હસબન્ડને પૂછવું પડશે એટલા માટે જ કહું છું”

“ઓકે, ઠીક છે, તમે આવવાના હોય કે ના આવવાના હોય બંને પરિસ્થિતિમાં મને આ નંબર પર ફોન કરીને કહેજો”

“સ્યોર આઈ વિલ! થેંક યુ”

“મેન્શન નોટ, ઇટ્સ ઓકે,બાય! હેવ અ ગુડ ટાઈમ”

“સેઈમ ટુ યુ, બાય”

આજે ઘડિયાળમાં સાડા સાતના ટકોરા થયા ત્યાં સુધી સંકેત ઘરે પહોચ્યો નહતો. અમી ચિંતિત બની, ‘રોજ તો સાડા છ સુધીમાં આવી જાય છે સંકેત! આજે કેમ લેટ થયું હશે? ફોન કરવાની પણ તસ્દી નથી’, અમીએ વિચાર્યું અને સંકેતને ફોન કર્યો. છેલ્લી રીંગે ફોન ઉપડ્યો. સામા છેડે કોઈ અપરિચિત અવાજ હતો.

“હલો! હલો!”, એણે હાંફતા હાંફતા કહ્યું.

“હલો, હા સંકેત ક્યાં છે? તમે કોણ બોલો છો?”

“હું વડોદરાથી કાર્તિક બોલું છું, આ ફોનનું લોક ખોલવાનો ક્યારનો પ્રયત્ન કરું છું પણ ખુલતું નહતું, સારું થયું તમે સામેથી જ ફોન કર્યો”, કાર્તિક એકીશ્વાસે બોલી ગયો.

“એટલે? તમે કાર્તિક છો તો સંકેત ક્યાં છે? અને હું પણ વડોદરાથી જ બોલું છું”, અમીના અવાજમાં ચિંતા અને ઉકળાટ ભળ્યો.

“સંકેત અને એમના એક કલીગનો અહી અમિત નગર પાસે એક્સીડેન્ટ થયો છે બંને બાઈક પર હતા અને ટ્રક વાળાએ પાછળથી ટક્કર મારી છે, બંનેને ૧૦૮માં અહી નજીકની મેટ્રો હોસ્પિટલમાં હું લઈને આવ્યો છું. આ ફોન સંકેતના ખિસ્સામાંથી જ કદાચ રોડ પર પડ્યો હશે એટલે મેં એ ઉપાડીને કો સગાને જાણકરવાનો ટ્રાય કર્યો પણ મારાથી ફોન અનલોક ના થયો”, એણે આખી ઘટના વર્ણવી.

“શું?”, અમી બાલ્કનીમાં ખુરશી પરથી સફાળી ઉભી થઇ ગઈ, “પણ સંકેત બાઈક પર કેવી રીતે હોય? એ તો કંપનીની બસમાં જ અપ ડાઉન કરે છે!”, અમીએ કન્ફોર્મ કરવા પૂછ્યું.

“જુઓ બેન! બંને જણ હમણાં એડમિટ છે. મેં એમને કશું પૂછ્યું નથી, તમે જલ્દીથી અહી આવી જાઓ તો સારું”

“હું હમણાં જ નીકળું છું, તમે પ્લીઝ ત્યાં જ રહેજો”, અમીએ રડમસ અવાજે કહ્યું. એણે હમણાં ઘરે જણાવવાનું ટાળ્યું, એ હમણાં બને તેટલી ઝડપથી હોસ્પિટલ પહોચીને પરિસ્થિતિ શું છે તે જોવા માંગતી હતી. એણે રીક્ષા પકડી અને મેટ્રો હોસ્પિટલ લઇ જવા કહ્યું, ભાડું પણ પૂછવાનું એની ધ્યાન બહાર રહી ગયું. રીક્ષામાં બેઠા બેઠા એ એક જ વિચાર કરતી હતી ‘સંકેત બાઈક પર કેમ અને શા કારણે આવ્યો હશે?’! હોસ્પિટલ આવી, રીક્ષાવાળાને સો રૂપિયા આપી એ ફટાફટ રીસેપ્શન પર ગઈ,

“સંકેત ક્યાં છે?”

“જેમને કાર્તિક કરીને કોઈ લઈને આવ્યા છે એ?”

“હા હા એ જ! ક્યાં છે?”

“રૂમ નંબર બત્રીસ, બીજે માળ”

“ઓકે”, લીફ્ટની પરવાહ કર્યા વગર અમી ફટાફટ દાદરના પગથિયાં ચઢીને ત્યાં પહોચી.

“કાર્તિક?”, એણે રૂમની બહાર ઉભેલા વ્યક્તિને જોઇને પૂછ્યું.

“જી, તમે?”

‘હું અમી! સંકેતની વાઈફ, હમણાં વાત થઇ હતી એ”

“ઓહ અચ્છા! સંકેત એડમિટ છે, અને એમના કલીગ પણ! એમના કલીગના ઘરેથી હમણાં થોડી વાર પહેલા જ એમના વાઈફ અને એમના મમ્મી પપ્પા આવ્યા. એ ત્યાં જ બેઠા છે”, એણે બાંકડા તરફ ઈશારો કરીને કહ્યું.

“ડોક્ટર સાહેબ ક્યાં છે? એમને શું કહ્યું?”

“સંકેતને પગના ઢીંચણમાં ફ્રેકચર છે અને એના જમણા હાથ પર ટ્રકનું વ્હીલ ગાર્ડ ખુંપી ગયું હતું એટલે થોડું વધારે લોહી વહી ગયું છે, ડોકટરે મેટ્રોની બ્લડ બેંકમાંથી તાત્કાલિક બ્લડ મંગાવ્યું અને ઓપરેશન ચાલું કર્યું હતું”

“હે ભગવાન!”, અમીની આંખો આંસુ આવતા ન રોકી શકી, “ખબર નહિ કેમ એ બાઈક પર આવ્યો હશે?”

એણે ઘરે એના પપ્પા અને સસરા બંનેને ફોન કરીને મહામેહનતે આખા બનાવની હકીકત જણાવી એ કશું બોલવા જેટલી પણ સ્વસ્થ નહતી. બંને ઘરના સભ્યો બીજા જ કલાકે ગાડીમાં વડોદરા આવવા રવાના થયા.

ઓપરેશન પૂરું થયું. સંકેત ભાનમાં આવ્યો. અમી તરત એની પાસે દોડી ગઈ. ઢીંચણમાં પ્લેટ નાખી હતી જેની રીકવરી આવતા છએક મહિના લાગી જવાના હતા. આખો જમણો હાથ પાટાથી ઢંકાઈ ગયો હતો. અમીએ સંકેતની આંખોમાં આંખો નાખીને માત્ર એટલું જ પૂછ્યું,

“તું બાઈક પર કેવી રીતે?”

સંકેત ડાબા હાથના ટેકે પલંગનો ટેકો લેવા ઉપર તરફ ખસ્યો અને ધીમા અવાજે બોલ્યો,

“કૃપેશભાઈને છાપામાં એક એનજીઓ માટે જાહેરાત અપાવવી હતી, એટલે એમણે મને કોઈ અખબારમાં કોન્ટેક્ટ હોય તો આપવા કહ્યું જેથી થોડા પૈસા ઓછા થાય અથવા શક્ય હોય તો કોઈ સેવાર્થે કરી આપે! એટલે હું એમને મારા એક જુના મિત્રને મળાવવા માટે એની અખબારની ઓફિસે લઇ ગયો હતો અને રસ્તામાં આ બધું થયું”

“તું અને તારી સેવા” અમીએ ગુસ્સામાં કહ્યું. “ઘર બાળીને તીરથ કરવા જેવું થયું”

“નસીબમાં હોય એમ થાય, આમેય એમનું કામ થઇ ગયું એટલે વાંધો નથી, રીકવરી તો આવી જશે. ભગવાન જે કરે એ સારા માટે”

“પણ હવે છ મહિના તને જે તકલીફ પડસે એનું શું? એની ભરપાઈ કોણ કરી આપશે?”

“એમાં ભરપાઈ શું? હશે કોઈ જુનો હિસાબ ચૂકતે કરવાનું બાકી”

અમી કશું જ બોલી નહિ. થોડી વારમાં ઘરના બધા સભ્યો ત્યાં પહોચ્યા. અસ્મિતાબેન અને મુકેશભાઈ દીકરાને આવી હાલતમાં જોઇને વિચલિત હતા. ડોક્ટરને પૂછ્યું તો રીકવરી માટે છ મહિના થવાની જાણથઇ એટલે તરત જ મુકેશભાઈએ નિર્ણય લીધો,

“તમે બંને હમણાં જ અમારી સાથે ઘરે ચાલો, સજા થયા પછી અહી વડોદરા પાછા આવજો”

ઘડીભર કોઈ કંઈ બોલ્યું નહિ. આખરે અમીએ મૌન તોડ્યું,

“પપ્પા! તમારી વાત સાચી છે પણ ઘરેથી ડ્રેસિંગ માટે દર અઠવાડિયે અહી આવવા જવાનું થશે અને આપણે ત્યાં આવા સારા ડોકટરો પણ નથી. આવવા જવામાં તકલીફ સંકેતને જ પડશે એના કરતા બેટર છે કે અમે અહી જ રહીએ, તમે ચિંતા ના કરશો. હું સંકેતનું પૂરેપૂરું ધ્યાન રાખીશ”

“સાચી વાત છે વેવાઈ”, કનુભાઈએ કહ્યું, “છોકરાઓ હવે જાતે પોતાનું ધ્યાન રાખે એટલા સક્ષમ છે, આમેય અઠવાડિયે તમે નહિ તો અમે અહી આવતા જતા રહીશું”

“પણ બધો ખર્ચ...”, સુમિત્રાબેને સ્વભાવવશ પૂછ્યું.

“એનો વાંધો નથી, મારી બચત છે જ મારી પાસે ને છતાય જો જરૂર પડી તો પપ્પા છે જ”

‘પપ્પા છે જ’ આ વાક્યએ અમીના સ્વમાન પર ઘા કર્યો. પોતે જોબ કરતી હોત તો સંકેતે આવું વાક્ય વાપરવું ના પડત એમ વિચારીને એણે સંકેતને પૂછ્યા વગર બંનેમાંથી જે પોસ્ટ મળે એના પર આલ્ફા ફાઈનાન્સમાં કામ કરવાનું નક્કી કર્યું.

સંકેત અને અમીના મમ્મી પપ્પા બીજે દિવસે સવારે ત્યાંથી ઘરે જવા રવાના થયા. એ શુક્રવાર હતો અને એ જ સવારે અમીએ પ્રીન્સીને ફોન કરીને ઈન્ટરવ્યુ માટે પુષ્ટિ આપી. સંકેતની સંભાળ અમી બરાબર લેતી હતી. એની દવાઓ અને ડ્રેસિંગ સમયસર થાય એની પુરતી તકેદારી રાખતી.

સોમવાર આવ્યો. સંકેતની ચિંતામાં ને ચિંતામાં અમીએ કંપની બેકગ્રાઉન્ડ વિષે કંઈ પણ વાચ્યું નહતું પણ પોતાના હાજરજવાબી વર્તન અને વાત કરવાની આવડતના લીધે ઈન્ટરવ્યુમાં એ લેનારને ખાસા પ્રભાવિત કરી શકી અને સાંજે એ આલ્ફા ફાઈનાન્સની કસ્ટમર રીલેશન એક્ઝીક્યુટીવ તરીકે ઘરે પાછી ફરી. બીજા જ દિવસથી જોઈન કરવાનું હતું એટલે આખો દિવસ સંકેતની સારસંભાળ માટે ડોક્ટરને રીક્વેસ્ટ કરીને એક નર્સની વ્યવસ્થા અમી એ જ સાંજે કરીને આવી હતી.

“મારે ઘરેથી પૈસા માંગવા નથી સંકેત, એટલે આવતીકાલથી હું જોબ જોઈન કરું છું. આપણે ક્યાં સુધી મમ્મી પપ્પાને હેરાન કરીશું?”

“સારી વાત છે”,સંકેતે કહ્યું, “કોણ છે બોસ ત્યાં?”

“એમને હું કાલે મળવાની છું, આજે તો એચ.આર. વાળા જ મળ્યા હતા કંપની વિષે મેં વધારે કોઈ માહિતી નથી લીધી, બસ મારે જોઈન કરવું છે, ધેટ્સ ઈટ”

“ઠીક છે”

“તે દવા લીધી?”

“હા હમણાં જ”

“ચલ હું માલીશ કરી દઉં”

“હા”

*****

બીજે દિવસે સવારે નવ વાગ્યે અમી આલ્ફા ફાઈનાન્સના બોસની ઓફીસ બહાર બેઠી હતી. સાડા નવ વાગ્યાની બોસ સાથેની અપોઈન્ટમેન્ટ ફિક્સ હતી. એની જોબ પ્રોફાઈલ, ટેરેટરી બધું આજે નક્કી થવાનું હતું, પણ નિયતિ કંઈક અલગ જ વિચારીને બેઠી હતી.

અમી કેબીનમાં પ્રવેશી. બોસ ખુરશી ફેરવીને પાછળના ડ્રોઅરમાં કોઈ ફાઈલ શોધી રહ્યા હતા. ફાઈલ મળતા જ એ અમી તરફ ફર્યા.

“હેલો મિસિસ......”, એટલું બોલતા એ અટકી ગયા.

“હેલ્લો સ.....”, અમી એણે જોઇને પૂરું સર પણ ના બોલી શકી.

હા, એ સૃજલ હતો...

(ક્રમશઃ)