Je hashe te chalshe in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | જે હશે તે ચાલશે.

Featured Books
Categories
Share

જે હશે તે ચાલશે.

જે હશે તે ચાલશે.

Pallavi Jeetendra Mistry

બપોરના લગભગ સાડા બાર વાગ્યા હતા. અમદાવાદના સેટેલાઈટ એરીયામાં આવેલા પૂજન એપાર્ટમેન્ટ ના બીજે માળે આવેલા બે બેડરુમના એક ફ્લેટમાં, એક સાસુ - વહુ , રમાબેન અને નમિતા, કિચનના કામથી પરવારીને હમણા જ ડ્રોઈંગ હોલમાં આવીને ‘હાશ’ કરીને પગ વાળીને નહિ, પણ ટીપોઈ પર પગ લાંબા કરીને સોફામાં બેઠા. નમિતાએ રિમોટથી ટીવી ચાલુ કર્યું. આ લગભગ રોજનો એમનો નિયમ. સવારથી ઘરકામમાં લાગેલા હોય તે, સાડા બારની ટીવી સીરીયલ શરુ થાય તે પહેલા સાસુ વહુ તમામ કામકાજથી પરવારી જાય અને પછી નિરાતે ટીવી જુવે.

પુત્ર અનંત વહેલી સવારે ચા નાસ્તો કરીને નવ વાગ્યે જ દુકાન પર ચાલી જાય, અમદાવાદના નવરંગપુરા એરીયામાં એમની જવેલરીની દુકાન હતી. સુરેશભાઈ લગભગ અગિયાર વાગ્યે પોતાનું અને પુત્ર અનંત નું ટીફીન લઈને દુકાને જવા નીકળે એટલે સાસુ વહુ રમાબેન અને નમિતા પણ ગરમ રસોઈ જમી લે. નમિતા ફર્નીચર સાફ કરવાનું અને મશીનમાં ધોવાયેલા કપડાં સુકાવવાનું કામકાજ કરે ત્યાં સુધીમાં રમાબેન વાસણો એકઠા કરી, કામવાળીને માટે બહાર ચોકડીમાં મુકવાનું અને ગેસ તેમ જ ડાઈનીગ ટેબલ અને પ્લેટફોર્મ સાફ કરવાનું કામ પતાવે.

નમિતા તો હજી ચાર મહિના પહેલા જ અનંત સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, પણ એવી સરળતાથી ઘરમાં ગોઠવાઈ ગઈ હતી, જાણે વર્ષોથી એ આ જ ઘરમાં રહેતી હોય. સાસુ - સસરા અને પતિ, ત્રણેની પસંદ – નાપસંદ અને ટેવોને એણે સારી રીતે જાણી લીધી હતી એટલે એમની સગવડ સાચવવામાં એને સરળતા રહેતી. જો કે સાથે સાથે પોતાની પસંદ – નાપસંદ અને ટેવો પણ સાલસતાથી એણે બધાને જણાવી દીધી હતી. એટલે એ ત્રણે જણ પણ નમિતા ને સાચવતા, ટુંકમાં કહીએ તો બધા સંપીને રહેતા.

આજે પણ રૂટીન કામથી પરવારીને બંને સોફામાં બેઠા અને નમિતાએ ટીવી શરુ કર્યું, ત્યાં જ ડોરબેલ વાગી. નમિતાએ દરવાજો ખોલ્યો, જોયું તો મહેસાણામાં રહેતા ફોઈસાસુ – સસરા અને જેઠ (ફોઈનો દીકરો) આવ્યા હતા. ટીપોઈ પરથી પગ ઉઠાવી લઈને, ઉભા થઈને રમાબેને એમને આવકાર્યા. ત્રણે જણ સોફામાં બેઠા, નમિતા કિચનમાંથી એમને માટે પાણી લઇ આવી. રમાબેન એમની સાથે વાતોમાં ગુથાયા. કોઈ કોર્ટ કેસના સંદર્ભમાં એ લોકો મહેસાણાથી સવારે દસ વાગ્યે જ અમદાવાદ આવ્યા હતા, અને સાંજે પાછા મહેસાણા જવા નીકળી જવાના હતા.

‘ચા બનાવું કે કોફી?’ એવા નમિતાના સવાલના જવાબમાં ફોઈસાસુ કપિલાબેન બોલ્યા, ‘છોડી તું તો આ ઘરમાં નવી નવી આવી છે એટલે તારે પૂછવું પડે, બાકી તારી સાસુ રમાને તો ખબર જ છે કે અમે બે ચા પીએ છીએ અને અમારો દીકરો અસંગ એટલે કે આ તારો જેઠ કોફી પીએ છે.’ નમિતાને ફોઈબાની વાત કરવાની આવી રૂડ સ્ટાઈલ ગમી નહિ, એ કંઈ પણ બોલ્યા વિના ચુપચાપ કિચનમાં ચાલી ગઈ, અને ચા – કોફી બનાવીને લઇ આવી.ચા પાણી પત્યા એટલે વિવેક ખાતર રમાબેને જમવાનું પૂછ્યું, તો ફોઈ બોલ્યા, ‘જમવામાં તો જે હશે તે ચાલશે, કશું સ્પેશીયલ બનાવવાની જરૂર નથી’

સાસુ વહુએ કિચનમાં જઈ સંતલસ કરીને શું બનાવવું એ વિચારી લીધું, અને એ મુજબ દાળ –ભાત – પૂરી- બટાકાનું શાક અને શીરો બનાવ્યા. ‘વહુ આવી તો પણ તારું રસોડું છૂટ્યું નથી?’ નમિતાને મદદ કરાવતા રમાબેનને ફોઈએ સંભળાવ્યું, જે રમાબેન અને નમિતાને ન ગમ્યું પણ તેઓ કંઈ બોલ્યા નહિ. કેશવ ફૂવાજીએ ઘરના ફોનથી સુરેશભાઈ સાથે અને અનંત સાથે ફોન પર વાત કરી લીધી. અસંગ તો ટીવી જોવામાં જ ડૂબેલો રહ્યો. જમી પરવારીને બધાએ આરામ કર્યો અને સાંજે પાંચ વાગ્યે ચા કોફી પીને એ લોકો મહેસાણા જવા નીકળ્યા.

રાત્રે ડાઈનીગ ટેબલ પર ચારે જણા જમવા બેઠા ત્યારે વાત નીકળી.

-ગામડાના માણસો મોબાઈલ ન રાખે એ તો ઠીક, પણ હવે તો ગામે ગામ લેન્ડ લાઈન ફોનની સગવડ થઇ ગઈ છે, તો મહેસાણા ઘરેથી નીકળતી વખતે એ લોકો ફોન કરીને નીકળતા હોય તો તમને ફરીથી રસોઈ બનાવવાની ઝંઝટ તો નહિ થાય ને? સુરેશભાઈ બોલ્યા

-મેં પણ એમને એ જ કહ્યું, તો મને કહે – કોર્ટમાંથી કેટલા વાગ્યેફ્રી થવાય તે નક્કી નહોતું, પછી તમે લોકો નકામી રાહ જોયા કરો એટલે ફોન ન કર્યો. રમાબેન બોલ્યા.

-દર વખતે એમના આવા જ કોઈ એસ્ક્યુઝીસ હોય જ છે. વર્ષમાં બે ચાર વાર તો આવી રીતે કામકાજ અંગે અમદાવાદ આવે છે અને આપણા ઘરે આવીને મમ્મી પાસે ફરી રસોઈ બનાવડાવે જ છે. અને આ મમ્મી પણ દયાની દેવી – તે દર વખતે એમના માટે મીઠાઈ સહીત પૂરેપૂરું ભાણું બનાવીને જમાડે છે. અનંત જરા ગુસ્સાથી બોલ્યો.

-મને પણ એમની આ ટેવ પસંદ નથી, પણ સગા રહ્યા એટલે એટલી ઊઠવેઠ તો કરવી જ પડે ને?’ રમાબેન બોલ્યા.

-સગા હોય તો સગાની રીતે રહેવું જોઈએ ને? સગા થઈને સગાને હેરાન કરવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે? મમ્મી, હવે પછી આ લોકો આવી રીતે આવે તો તારે કે નમિતાએ આવી ઊઠવેઠ નથી કરવાની સમજી? અનંતે અલ્ટીમેટમ આપ્યું.

-આવી રીતે ઊઠવેઠ કરવાનું તો મને પણ ગમતું નથી, બેટા. પણ આખી બપોર આપણી સામે બેઠા રહે તો કરવું શું? જમાડવા તો પડે જ ને? રમાબેને મૂંઝવણ રજુ કરી.

-નમિતા, આવા સગા સાથે કેમ પનારો પાડવો તે તું જ કંઈ વિચારીને ઉપાય શોધી રાખ, કે જેથી એ લોકો આ રીતે ફરીવાર કોઈને પણ હેરાન કરવાનું ભૂલી જાય. સુરેશભાઈએ નમિતાને આ કામ સોપ્યું.

અને નમિતાનું મગજ કામે લાગી ગયું, એણે ઉપાય શોધીને બધાને સમજાવી દીધું કે હવે જ્યારે ફોઈબાનું ફેમીલી આ રીતે અચાનક ટપકી પડે અને ફરીવાર ભોજન બનાવવાનું કહે તો શું કરવું. રમાબેન ને તો એક બે વાર રીહર્સલ પણ કરાવી લીધું. ત્રણેક મહિના પછી ફરીવાર ફોઈબા – ફુવાજી અને જેઠજી એમની ફિતરત મુજબ બરાબર એક વાગ્યે અચાનક ઘરે પધાર્યા. નમિતાએ રમાબેનને ઈશારો કરીને ‘મમ્મી, તૈયાર છો ને?’ એમ પૂછી લીધું અને રમાબેને પણ ખાનગીમાં ‘થમ્સ અપ’ આપીને ‘રેડી છું’ એમ કહી દીધું.

-આવો આવો, બેસો બેસો ના સ્વાગત પછી, કેમ છો - ના જવાબમાં ફોઈ બોલ્યા :

-અરે વાત જવા દે રમા, તારા અમદાવાદ ના બજારમાં તો કેટલી ભીડ, પડે એના કટકા થાય એવી ભીડ, ને ગરમી તો બાપ રે બાપ! સવારથી ઘરે નીકળેલા તે અત્યાર સુધીમાં તો ત્રાસી ગયા. નમિતા તું જલ્દી પાણી આપ ને પછી ચા કોફી બનાવ, અને હા, જમવામાં તો જે હશે તે ચાલશે.

-જમવામાં તો તૈયારમાં કંઈ નથી, ફોઈબા. તમને તો ખબર જ છે કે પપ્પા એમનું અને અનંત નું ટીફીન અગિયાર વાગ્યે લઈને જાય પછી અમે બંને મા-દીકરી એટલે કે સાસુ-વહુ પણ જમી લઈએ છીએ. મોંઘવારીના હિસાબે અમે જેટલું ખાઈ શકીએ એટલું જ બનાવીએ છીએ, જેથી અમારે વાસી ખાવું ન પડે કે અનાજ ફેંકવું ન પડે. નમિતા બોલી.

-તો ઠીક છે ને, રસોઈ કરવાની એમાં વળી શું વેદ ભણવાના છે? અમારા ત્રણ જણને જોઈએ વળી કેટલું? ફોઈબા પણ બોલવામાં કંઈ કમ ન હતા, એમણે નમિતાને રોકડું પરખાવ્યું, પછી રમાબેન તરફ ફરીને ઉમેર્યું,

-તારી વહુ તો ધાણીની જેમ ફૂટે છે અને તું કેમ કંઈ બોલતી નથી રમા ?

ફોઈ હજી વધુ કંઈ બોલે તે પહેલા જ સોફામાંથી ઉભા થવા જતા રમાબેનને ચક્કર આવ્યા, અને તેઓ માથું પકડીને પાછા સોફામાં બેસી પડ્યા.

-શું થયું મમ્મી? નમિતાએ ચિંતાથી પૂછ્યું.

-બેટા, બહુ ચક્કર આવે છે, બધું ગોળ ગોળ ઘૂમતું દેખાય છે.

-પ્રેસર જ ઘટી ગયું હશે, આજે દવા લીધી હતી કે નહિ?

-બેટા, દવા તો ખલાસ થઇ ગઈ છે.

-તમે પણ ખરા છો, મમ્મી. દવા ખલાસ થઇ ગઈ છે, તો મને કહેવાય નહિ? હું લાવી આપત ને?

-બેટા, કેમીસ્ટને ફોન કર્યો હતો, પણ એને ત્યાં પણ દવા નહોતી. વળી તું સવારથી કામમાં હતી એટલે તને ન કહ્યું.

-તમને ડોકટરે આરામ કરવાનું કહ્યું છે, તો પણ તમે ચાલ ચાલ કરો છો, પપ્પા જાણશે તો મને જ વઢશે. ચાલો મારો ટેકો લો અને બેડરૂમાં જઈને સુઈ જાવ. અને હા, હું આવું નહિ ત્યાં સુધી તમારે પથારીમાંથી ઉભા નથી થવાનું, સમજ્યા? હું બીજા કેમીસ્ટ પાસેથી દવા લઇ આવું છું.

રમાબેન નમિતાની સૂચના મુજબ એનો ટેકો લઈને બેડરુમમાં જઈને સુઈ ગયા, નમિતાએ ઘરમાં જે કંઈ સુકો નાસ્તો પડ્યો હતો તે અને ફ્રીઝમાં કોલ્ડડ્રીંક પડ્યું હતું તે ફોઈબા ફેમીલીની આગળ ધરી દીધું.

-ફોઈબા તમે કહો છો કે – ‘જે હશે તે ચાલશે’ તો આજે આનાથી અત્યારે ચલાવો. હું મમ્મીની દવા લેવા જાઉં છું, અહી નજીકના કેમિસ્ટ ને ત્યાં દવા નથી એટલે મારે સીટી માં જવું પડશે. મને આવતા વાર લાગશે. રસોડામાં અને ફ્રીઝમાં બધી કાચી સામગ્રી(લોટ, મસાલા,અનાજ,તેલ-ઘી, શાકભાજી) પડી છે, તો તમ તમારે રસોઈ બનાવીને ખાઈ લેજો. આમ પણ ત્રણ જણની રસોઈમાં શું વેદ ભણવાના, હેં ને? ખાઈ પીને પછી નિરાંતે આરામ કરજો. ચાલો ત્યારે, હું જાઉં, જે શ્રીકૃષ્ણ. કહીને નમિતા વટભેર ત્યાંથી નીકળી ગઈ. ફોઈબા ફેમીલી મો વકાસીને એને જતી જોઈ રહ્યું.

સાંભળ્યું છે કે તે પછી પણ ફોઈબા ફેમિલીએ જમવાના ટાઈમે કોઈના પણ ઘરે (સુરેશભાઈના ઘર સિવાય) અચાનક જવાનું તો ચાલુ જ રાખ્યું છે, (કુતરાની પૂંછડી વાંકી તે વાંકી?) પણ ફોઈબા જમવામાં ‘જે હશે તે ચાલશે’ એવું કહેવાનું ભૂલી ગયા છે.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com