Vamad - 24 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | વમળ - ૨૪

Featured Books
Categories
Share

વમળ - ૨૪

વમળ

પ્રકરણ -24

લેખિકા - મીનાક્ષી વખારિયા.


સોનિયા ઉતાવળે ઈન્ડિયા જવા નીકળી ત્યારે તેને કહી તો દીધું કે “બેટા, ત્યાં તારું ધ્યાન રાખજે અને જલ્દી પાછી આવી જજે.” પરદેશની લાઈફ સ્ટાઈલ પ્રમાણે એટલું પણ ન કહ્યું હોત તો ચાલત પણ આખરે તો તે એક માતા હતી. અનાયાસે જ રોહિણીથી કહેવાઈ ગયું. પ્રાશ્ચાત્ય દેશોમાં સંતાનો અઢાર વર્ષના થઈ જાય પછી એમની જિંદગીમાં દખલ ન દેવી જોઈએ, એવો રિવાજ છે..સલોની ઈન્ડિયા ગઈ તો તે રોહિણીને જણાવવા પણ ન રોકાઈ, પૂછવાનો તો સવાલ જ નહોતો. ઈન્ડિયા પહોંચીને માત્ર કહેવા ખાતર કહી દીધું કે તે અગત્યનાં કામસર મુંબઈ આવી છે અને કામ પતી જશે પછી જ કેન્યા પરત ફરશે. બંને દીકરીઓ આમ અચાનક એક જ સમયગાળામાં ઈન્ડિયા જતી રહી તેથી રોહિણીની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ, તેના પેટમાં કંઈક ચૂંથાવા લાગ્યું.

શું આ ચૂંથારો આવનારી મુસીબતોની આગાહી તો નથી ? શું કરવું ? કોને કહેવું એવી અવઢવમાં તેણે વિનાયકને ફોન જોડી દીધો..સામે છેડેથી જવાબ આવતા વાર લાગી તો રોહિણી ઉચાટભર્યા અવાજે ‘કમ ઑન વિમલ, પિક અપ ધ ફોન..ડિયર..’ અંતે થોડી રાહ જોવડાવ્યા બાદ વિનાયકે ફોન ઉપાડયો, ‘શું થયું ડાર્લિંગ ? આજે ફ્રાઈડે નથી કે ફ્રાઈડે ઈવ પણ નથી..કેમ મિડવીકમાં ફોન કરવો પડ્યો ? મને મીસ કરતી લાગે છે નહીં ?” તેણે ખડખડાટ હસતાં પૂછી લીધું. વિનાયક તેના બિઝનેસમાં બીઝી રહેતો હોવાથી, રોહિણી ખાસ કારણ વગર તેને ડિસ્ટર્બ ન કરતી. તેમની વચ્ચે વણલખ્યો નિયમ હતો..દર ફ્રાઈડે ઈવનિંગ કે સેટર ડે, સન ડે..લાંબી લાંબી વાતો કરવી..બાકી જ્યારે જ્યારે ફાજલ સમય મળતો ત્યારે તો વિનાયક અચૂક કેન્યા પહોંચી જતો..

“અરે, મારો જીવ ચૂંથાઈ રહ્યો છે ને તને હસવાનું સુઝે છે, વિમલ ?” રોહિણી ચિડાઈને બોલી.

“ઓહ, માય ગોડ..વ્હોટ હેપ્પન્ડ ? ઈસ ધેર એની થિંગ સિરિયસ ? નાવ ટેલ મી, વ્હોટ ઇસ ડિસ્ટરબિંગ યુ, માય સ્વીટ હાર્ટ ? મને બધી વાત વિગતે કહે...

“તમારી બેય લાડકીઓ ઉતાવળમાં હોય તેમ ઈન્ડિયા જતી રહી છે. સોનિયા નીકળી ત્યારે બહુ ડિસ્ટર્બ દેખાતી હતી. તોય તે મને કહીને ગઈ, સલોનીએ તો મને કહેવાની જરૂર જ નથી સમજી. એ ક્યારની ઈન્ડિયા જતી રહેલી, મને તો તેનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. ત્યાં કંઈ ઊંચનીચ ન થાય તો સારું..હવે હું એકલી અહીં કેન્યામાં બેઠી બેઠી મૂંઝાયા કરું છું."

રોહિણીની વાત સાંભળી વિનાયક પળભર માટે અવાક થઈ ગયો..બંને દીકરીઓ મુંબઈ પહોંચી ગઈ તેની પાછળ કોઈ દુશ્મનની ચાલ તો નહીં હોય ? એવું વિચારતાં, અણગમતી કડવાશથી મન ભરાઈ આવ્યું. હાથમાં ફોન ચાલુ જ રહી ગયેલો સામે છેડેથી રોહિણી લગભગ બૂમો પાડતી હોય તેમ ‘હેલ્લો.. હેલ્લો’ કરી રહી હતી, અચાનક વિનાયકનું ધ્યાન જતાં તેણે પોતાની જાતને સંભળતા. “રોહિણી, તું ચિંતા ન કરતી હું હમણાં જ, પહેલી જે ફ્લાઈટ મળે તેની ટિકિટ બુક કરાવી ઈન્ડિયા પહોંચું છુ. ફિકર નોટ માય બેબી..મારા પર ભરોસો રાખ.” ફોન ડિસકનેક્ટ કરી તે ટિકિટ બુક કરાવવાની તજવીજમાં પડ્યો..

કેન્યાના વિશાળ વિલામાં બેઠેલી શૂન્યમનસ્ક રોહિણીમાં પણ અચાનક સ્ફુર્તિનો સંચાર થઈ ગયો, તેણે ફોન ઘુમાવી મુંબઈ જતી જે મળી તે પહેલી ફ્લાઇટમાં પોતાની ટિકિટ બુક કરાવી લીધી, આજે આટલા વર્ષોમાં પહેલીવાર તે વિનાયકને પૂછ્યા વગર, પોતાની મન મરજી મુજબ વર્તી રહી હતી. એરપોર્ટ પહોંચી, ચેક ઇન વગેરે વિધિઓ પતાવી ફ્લાઇટ પર બોર્ડ થઈ, બિઝનેસ ક્લાસની પોતાની સીટ પર બેઠી ત્યારે જ તેને હાશ થઈ. આંખો મીંચી આરામથી પગ લંબાવી દીધાં કે વહેલું આવે પોતાનું …વર્ષોથી વિખૂટું પડેલું,માદરે વતન.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ત્યારે ઊંડા ઊંડા શ્વાસ લઈ વતનની હવાને શ્વાસોમાં ભરી લીધી, તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ રહ્યાં. ઘડીભર તો તે અચરજથી જોઈ રહી, મુંબઈની બદલાયેલી સુરત ! નિર્મલે તેના રહેવાની વ્યવસ્થા વિલેપાર્લેની પંચતારક હોટેલ જે.ડબલ્યુ. મેરિયટમાં કરી હતી. હોટલમાં ચેક ઇન કરી તેણે પહેલું કામ વિનાયકને ફોન કરી પોતે પણ મુંબઈ આવી ગઈ છે અને જે.ડબલ્યુમાં ઉતરી છે તે જણાવી દીધું. વિનાયક તો તેના કરતાં વહેલો જ મુંબઈ આવી પોતાના આલિશાન બંગલે પહોંચી, કામે લાગી ગયો હતો. તેને નહોતું ગમ્યું કે રોહિણી પણ મુંબઈ આવી ગઈ..અત્યારના સંજોગોમાં એ ચર્ચા જરૂરી નહોતી એટલે સમસમીને રહી ગયો. વિનાયકે રોહિણીને તાકીદ કરી દીધી, “લીશન હની, હમણાં હું બહું જ કામમાં છું, જેવો ફ્રી થઈશ, એવો તરત જ તને મળવા આવી જઈશ. ત્યાં સુધી મને કોન્ટેક કરવાનો પ્રયત્ન નહીં કરતી. કંઇપણ કામ હોય તો નિર્મલને ફોન કરી સંદેશો મોકલજે."

દીકરા શુબાન સાથેના, વિનાયક ભારદ્વાજના સંબંધે હવે મિત્રતાનું સ્વરૂપ લીધું હતું, પણ તે તો ઘરમાં જ નહોતો એટલે તેની સાથે વાત કરવાનો કોઈ સવાલ જ નહોતો. શ્વેતા તો તેના પર અચાનક આવી પડેલી ઘરની જવાબદારી નિભાવવામાં તેમ જ દાદાજીની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી, તે ઉપરાંત તેણે પોતાની ખાસ ફ્રેન્ડ સીમાને ગુમાવી હતી, તે દુઃખ ઓછું હોય તેમ તેનો પ્રેમી આર્યન સીમાના જ ખૂનના ખૂની તરીકે, પહેલાં શકમંદ તરીકે પોલીસ કસ્ટડીમાં હતો. તે તેની ચિંતામાં ખોવાયેલી રહેતી હતી. તેને ગુમસુમ જોઈ વિનાયક ચિંતિત થઈ ઉઠ્યો.

કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં તેણે સૌ પ્રથમ નિર્મલને મળી લેવાનું વિચાર્યું. એણે ફોન કરી નિર્મલને હોટલ પર મળવા બોલાવ્યો. ચિંતામાં ડૂબેલો વિનાયક અવઢવમાં હાથના બંને પંજા મસળતો, ટચકા ફોડતો ઊંડા વિચારમાં ડૂબેલો હતો એ જ સમયે રિસેપ્શન પરથી ફોન આવ્યો, “યેસ..યેસ સેન્ડ હીમ ઇમિડીએટલી ટુ માય રૂમ.” અધખૂલો દરવાજો નોક કર્યા વગર જ નિર્મલ અંદર આવી ગાય. ગમે તેમ તોય તે વિનાયકનો જમણો હાથ હતો, એને એવી ફોર્માલિટીની જરૂર પણ નહોતી ! તેની સામેની ચેર ખેંચી બેસતા જ બોલ્યો,“કમ ઓન..ચિયર અપ...વિનાયક, માથા પર ચિંતાનો ભાર લઈને કેમ બેઠાં છો ? હું છું ત્યાં સુધી તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું આપણાં ગેસ-શેલના સોદાની વાત પાછળ જ છું. મેં મારા બાતમીદારો પાસે ભાળ કઢાવી લીધી છે. આપણો ફાઇનલ થઈ જવા આવેલો ગેસ-શેલનો સોદો ઘોંચમાં પડ્યો એટલે આપણે આજ સુધી જે.પી.ને જવાબદાર માનતા હતા. હકીકતમાં મને જાણ થઈ છે તે પ્રમાણે તો સમીરના ભાઈ આલોકનું જ આ કારસ્તાન છે..ફિકર નહીં કરતાં એને તો હું પહોંચી વળીશ. અત્યારે તમે આલોકને ભૂલી જાવ અને મોજ કરો. તમને ખબર ન હોય તો કહી દઉં કે મેં એક કાંકરે બે પક્ષીનો શિકાર કર્યો છે. મેં કરેલી ગોઠવણ પ્રમાણે જે.પી.નો દીકરો આર્યન, ડ્રગ કન્સ્યુમિંગ અને સીમાના મર્ડર કેસમાં ફસાઈ ગયો છે, અત્યારે તે જેલની હવા ખાઈ રહ્યો છે.”

“તો શું તું એમ કહેવા માંગે છે કે સીમાનું ખૂન કોણે કર્યું તે તને ખબર છે ?”

“ના, ઘટના સ્થળે આર્યન ડ્રગનું સેવન કરી બેહોશ થઈને પડેલો મળ્યો, એટલે મેં સીમાના ખૂન સાથે તેની કડી મેળવી લીધી. ખાસ તો પોતાના લાડકા દીકરા આર્યન પર આવી પડેલી મુસીબતને કારણે આપણાં સૌથી મોટા હરીફ જે.પી.નો આત્મવિશ્વાસ ડગી ગયો છે. જે આપણાં ફાયદાની વાત થઈ.”

સવાલની મુદ્રામાં વિનાયકના ભવા ખેંચાયા એટલે વાતમાં વધુ મોંણ નાખવાની લાલચ રાખ્યા વગર પોતે આર્યનને કેવી રીતે ખૂન કેસમાં સંડોવડાવ્યો અને જે.પી.નું ધ્યાન બિઝનેસમાંથી હટાવ્યું તેની ડંફાસ મારવા લાગ્યો. એની વગર વિચાર્યે કરેલી આ હરકતથી વિનાયકનો પારો સાતમે આસમાને પહોંચી ગયો. તોય ગુસ્સા પર જેમતેમ કાબૂ રાખી તેણે નિર્મલને એટલું તો કહ્યું જ કે, “નિર્મલ, આવું પગલું ભરતાં પહેલા મને પૂછવું તો હતું. હું અને જે.પી. બિઝનેસ રાઈવલ ખરા પણ પર્સનલ જિંદગીમાં અમારી કોઈ દુશ્મની નથી. તે વાત તું પણ જાણતો જ હતો. તારે આટલી હદ સુધી જતાં પહેલાં, સારનરસાનો વિચાર તો કરવો જોઈતો હતો. બેશક, મને શ્વેતા અને સલોનીની ચિંતા હતી અને છે, મારા માટે બંનેનું સુખ એ જ મારી પહેલી પ્રયોરિટી. આપણાં કમનસીબે બંને બહેનો એક જ પુરુષ, આર્યનના પ્રેમમાં પડી અને અમારા દોહયલા સબંધોની ડોર, જે આજ સુધી મેં માંડ માંડ સંભાળી રાખી હતી તે ગૂંચવાઈને કોકડું વળી ગઈ, હું મારી રીતે આર્યનને, મારી દીકરીઓની નજરોથી દૂર કરવાનો કે તેને પાઠ ભણાવવાની તરફેણમાં હતો. બાય ગોડ, મેં ક્યારેય ખૂનખરાબા સુધી નહોતું વિચાર્યું. ધંધાકિય સ્પર્ધાની આડમાં જે.પી.ના દીકરાની જિંદગી જોખમમાં તો ન જ નાખી શકાય...નિર્મલ, અગેઈન આઈ મસ્ટ સે, યુ હેવ ડન અ વેરી બીગ મિસ્ટેક એન્ડ ધીસ ઈસ રિયલી વેરી રિડિક્યુલસ...”

*********************************

સીમાના ખૂનનું કોકડું ગૂંચવાઈને શંકાની સોઈ આર્યન તરફ વળી રહી હતી. પોલીસ ઈન્સ્પેકટર પાટીલ પાસેથી સીમા ખૂનકેસની બારીકમાં બારીક વિગતો, જે પહેલી નજરે જોઈએ તો આર્યનની વિરુધ્ધ જઈ રહી હતી તે જાણ્યા પછી પણ જે.પી.નું મન આર્યનને દોષિત માનવા તૈયાર નહોતું. તેનો અંતરાત્મા પોકારી પોકારીને કહી રહયો હતો કે તેનો સીધો સાદો દીકરો નશા કે ખૂન કરવા સુધી ન જ પહોંચે. અત્યારે તો જે.પી.નો એક માત્ર આધાર ડિટેકટિવ જગડુ ખરબંદા જ હતો...પણ શહેરનો નામાંકિત અને બાહોશ ડિટેક્ટિવ છે ક્યાં ?

શહેરના પ્રખ્યાત ઉધોગપતિના દીકરાની સંડોવણી નશાનું સેવન અને એક સ્ત્રીના ખૂન કેસમાં થઈ હોવાથી, પરિસ્થિતની નાજુકાઈ સમજી ડિટેકટિવ જગડુ વધારે પડતો સાવચેત થઈને સીમાના ખૂનીને શોધવા આકાશપાતાળ એક કરી રહ્યા હતા. ઈન્સ્પેકટર પાટીલ અને વકીલ ગાયકવાડે આપેલી વિગત અને ફોટોગ્રાફ્સ પરથી ગુનેગારની ગુનો કરવાની એક સરખી સ્ટ્રેટેજીના અભ્યાસુ બાર ટેન્ડર અને જગડુના ખાસ ખબરી ઈલ્યાસે પોતે જાત તપાસ આદરી.. બહુ જ ઊંડી તપાસ કર્યા પછી જે બે પઠ્ઠાઓના નામ મળ્યા તે સાંભળતા જ તેને થયું, જેણે પણ સીમાની સોપારી આપી હશે તે કોઈ સાધારણ વ્યક્તિ નહીં હોય પણ નક્કી કોઈ પહોંચેલી માયા હશે. જગડુએ તરત જ ઊચક જીવ લઈને બેઠેલા જે.પી.ને ફોન લગાવ્યો. ફોનની રિંગ થોડીવાર સુધી વાગવા દીધી, સ્ક્રીન પર ડિટેકટિવ જગડુનું નામ ફ્લેશ થતાં જ ગ્રીન બટન દબાવી, “હેલ્લો, મી.જગડુ, જે.પી. હિયર...તપાસ કેટલે સુધી પહોંચી ? ખૂનીનું કોઈ પગેરું મળ્યું ? શું કહ્યું ? ના..! તો હજી સુધી તમે અને મુંબઇનો મશહૂર પોલીસ ડીપાર્ટમેંટ,કરો છો શું ? મારો દીકરો આર્યન ત્યાં પોલીસ લોકઅપની હવા ખાય છે ને અહીં મારાં શ્વાસ ખૂટવા લાગ્યા છે.”

જગડુ બોલ્યો, “થોડી સબૂરી રાખો. બે દાયકાથી હું આ ક્ષેત્રમાં છું પણ મારા સારા નસીબે આજ સુધી નિષ્ફળતાનો સ્વાદ લેવાનો વારો નથી આવ્યો. આમાં પણ નહીં જ આવે તેની મને ગળા સુધી ખાતરી છે. તમે તો જાણો જ છો કે આ કેસ એક ઇન્ટરનેશનલ કેસની કેટેગરીમાં જાય છે એટલે હું જરાય બેદરકારી રાખવા માંગતો નથી. મુસીબત એ છે કે પેલા પઠ્ઠાઓ એટલા ઢીઢ છે કે તાબે થયા પછી, થર્ડ ડિગ્રીની મહેમાનગતિ કરવામાં આવી તોય અસલ ખૂની કે ખૂન કરાવનારનું નામ આપતા નથી.”

“તે નામ ક્યાંથી આપે ? તમે તો આ વિભાગમાં ઘણા સમયથી છો. તમને તો જાણ જ હોવી જોઈએ કે કાળા ધંધા કરનારાઓની અંધારી આલમમાં હોઠ બીડેલા રાખી, જબાન નહીં ખોલવાને જ ઈમાનદારી કહેવાય છે. હમણાં પેલા પઠ્ઠાઓ પર નજરા રાખજો, હું મારી રીતે નવો પ્લાન વિચારી જોઉં.”

“એક કામ કરો મી. જે.પી, હમણાં તો તમે જ્યાં હોવ ત્યાં જ રહો તમને મદદરૂપ થઈ શકે એ માટે અમે એકઠા કરેલા પુરાવાઓ પર તમે એક નજર નાખી જુઓ તો તમને હવે કઈ દિશામાં આગળ વધવું તે ક્લિયર થઈ જશે. હું થોડી જ વારમાં ત્યાં પહોંચું છું।”

“ઓકે... ધેન..યુ આર મોસ્ટ વેલકમ.” કહી જે.પી.એ મોબાઇલ બંધ કર્યો.

*************************

ઈંટરકોમથી ગરમાગરમ સ્ટ્રોંગ કોફીનો ઓર્ડર આપી આવી રહેલા વિચારોને પણ જોશ પુર્યું..શ્વેતાની ખાસ ફ્રેન્ડ સીમાના મર્ડરની વિગતો અને તેના ખૂન માટે પહેલી નજરના ગુનેગાર તરીકે તેમની બંને લાડકી દીકરી, શ્વેતા તેમ જ સલોનીનો જ પ્રેમી આર્યન ફસાયો. તેની ફરતેના તાણાવાણાઓ જાણે શાંત નદીની ગહેરાઈઓમાં, એક કાંકરી ફેંકવાથી, કેન્દ્રથી લઈને ઉઠતાં એક પછી એક તરંગોની જેમ વિશાળ ઊંડા વમળમાં ફેરવાતા જતાં હતા. ગરમાગરમ કોફીની ચૂસ્કી લેતા જ વિનાયકના મનોજગતની સ્ક્રીન પર એક જ નામ ઝબકી ઉઠ્યું, ’નિર્મલ’...!!!

વિનાયકે તરત જ તેને ફોન કર્યો, “નિર્મલ, એક કામ કર..આર્યનવાળું કોકડું વધુ ગૂંચવાય તે પહેલાં, વહેલામાં વહેલી તકે મારી મિટિંગ જે.પી.સાથે ગોઠવી આપ.”

“ઓકે..એઝ યુ વીશ..” અને થોડી જ મિનિટોમાં નિર્મલે જે.પી.ને ફોન કરી મિટિંગ નક્કી કરી લીધી.

જે.પી.ને નવાઈ લાગી, એણે નિર્મલને પૂછી લીધું, “એવી શું વાત છે કે વિનાયકે અર્જન્ટ મળવા કહ્યું.”

“એ તો તમે મળશો એટલે ખબર પડી જ જશે.”

“જો કોઈ બિઝનેસ મિટિંગ હોય તો મને થોડો પણ ઇન્ટરેસ્ટ નથી. અત્યારે હું બીજી જગ્યાએ અટવાયો છું..તને તો બધી ખબર જ હશે.”

સવારે દસનાં ટકોરે નિર્મલ અને વિનાયક ઓફિસ ચેમ્બરમાં, જે.પી.ની મુલાકાત માટે તૈયાર જ હતા. જે.પી. આવી પહોંચતા જ વિનાયકને તેની સેક્રેટરીએ ઈંટરકોમ કરી જણાવી દીધું. જો કે આ કેસ્યુયલ મિટિંગ હતી છતાંય વિનાયકના ચહેરા પર ચિંતાની લકીર દેખાઈ આવતી હતી. તે પાણી પીને જે.પી.ને વેલકમ કરવા સાબદો થયો. ચહેરા પર સ્માઇલ લાવી “હેલ્લો, ગુડ મોર્નિંગ, મી. જે.પી. કહી તેણે હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો. જે.પી.એ પણ "સેમ ટુ યુ." કહી સસ્મિત વળતો રિસ્પોન્સ આપ્યો અને બંને જણા સામસામેની બેઠક પર ગોઠવાયા. થોડી જ વારમાં ગોલ્ડ પ્લેટેડ ટ્રેમાં અતિ મૂલ્યવાન ક્રોકરીમાં ચા અને બિસ્કિટ આવી ગયા..

ચેમ્બરનો દરવાજો બંધ થતાં જ વિનાયકે વાતોનો ડોર પોતાના હાથમાં લીધો. “મી. જે.પી. સોરી...તમને અચાનક મળવા મિટિંગ ગોઠવવી પડી. તમે પોતે મુસીબતમાં હોવા છતાં મિટિંગ માટે આવ્યા તે બદલ હમેંશા તમારો ઋણી રહીશ. તમે કદાચ જાણતા જ હશો, મારી દીકરી શ્વેતા અને આર્યન એકબીજાને જાનથીય અધિક પ્રેમ કરતાં હતા. તમારો સન આર્યન, કોઈનું ખૂન કરે તે વાત હું માની શકતો નથી. અત્યારે જે ઘટના બની ગઈ છે એ બદલ આપના માટે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે."

"થેંક્સ ફોર ધ કન્સર્ન મી.વિનાયક, આપણે ગોળ ગોળ વાત ન કરતાં મૂળ વાત જ કરીએ તો બહેતર રહેશે. આજ સુધીની છાનબીન પરથી તો એવું લાગે છે કે આ બનાવ કોઈ લવ-ટ્રાએંગલ નથી પણ બિઝનેસ રાઈવલરીનું પરિણામ છે. માર્કેટમાં સૌ કોઈ જાણે છે કે આપણે બંને એકબીજાના રાઈવલ છીએ. એથી શંકાની સોઈ તમારા તરફ તાકી શકાય એમ છે." એટલું કહી તેણે ડિટેકટિવ જગડુએ આપેલા પુરાવા ઝેરોક્ષ અને ઘટના સ્થળે લેવાયેલા ફોટાઓની કોપીઓ, હુકમના પાનાની જેમ ખુલ્લી કરી.."આ ફોટા જોઈને તેમનું કહેવું એમ છે કે ખૂનની વારદાત ઘટી એ સમયે નક્કી ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી હશે." એટલું બોલી જે.પી. વિનાયક સામે જોઈ રહ્યો.

વિનાયક તો ફોટાઓ જોઈને ડઘાઈ ગયો..પુરાવાઓ અને આર્યનની જુબાનીનો ક્યાંય મેળ ખાતો નહોતો.' આ કામ એણે તો નહોતું કરાવ્યું તો શું પોતાના સિવાય, જે.પી.નો કોઈ બીજો બિઝનેસ રાઈવલ હશે ?' તે કંઈ જ ન બોલી ન શક્યો.

એ જોઈ જે.પી તરત જ બોલ્યો, “ કેમ મી.વિનાયક, માનવામાં નથી આવતું ને ? હું પણ માનતો નથી..માર્કેટમાં આપણો જે સબંધ હોય તે..તમે આવું ષડયંત્ર તો ન જ રચો તેની મને ખાતરી છે. હવે પછીના પગલાંરૂપે, આઈ વીશ કે તમે આર્યનને આ ખૂન કેસમાંથી છોડાવવા માટે મને સહયોગ આપશો.”

એ જ સમયે વિનાયકના મનમાં બીજી ગડમથલ ચાલતી હતી. તેને એક ટ્રાએંગલ દેખાઈ રહ્યો હતો જેમાં એક ખૂણે આર્યન, બીજે ખૂણે શ્વેતા તો ત્રીજે ખૂણે સલોની ઉભેલાં દેખાઈ રહ્યા હતાં. તેનાં બબ્બે પરિવારોના ગૂંચવાડાથી આજ સુધી સફળતાપૂર્વક દૂર રહી શક્યો હતો તે ગૂંચવાડાના વમળમાં તેનો પગ પડી ચૂક્યો હતો...

એટલામાં જ જે.પીનો ફોન રણકી ઉઠ્યો..સ્ક્રીન પર ડિટેક્ટિવ જગડુનું નામ ફ્લેશ થતાં જ તરત જ તેણે ફોન રિસીવ કર્યો, " હેં !!! શું વાત કરો છો..મી.ખરબંદા ? આર્યન.. પોલીસ લોકઅપમાંથી ભાગી છૂટ્યો ?? પણ કેમ ? કેવી રીતે ? ઓહહ, માય ગોડ !" બોલતો તે સોફા પર ઢળી પડ્યો..તેનું કપાળ પસીનાથી રેબઝેબ થઈ ગયું...

ક્રમશ:

મીનાક્ષી વખારિયા.